Pages

Wednesday, April 28, 2021

મેટામૉર્ફોસીસ

 હું ગુજરાત-સૌરાષ્ટ્રના વાતાવરણમાં ઉછર્યો હતો. આપણા મલકના સભ્ય સમાજમાં લોકો ગાળાગાળી નથી કરતા. ગુસ્સો આવે કે કોઇએ ગમે એટલી મોટી ભુલ કરી હોય તો ઠપકો મળે, પણ અપશબ્દ બોલાતા નથી. અહીં તો ટ્રકમાંથી ઉતરતાં વેંત અપમાનાસ્પદ શબ્દો અને વાત વાતમાંબ્લડી ફૂલ’, ‘જોકર’, ક્ષુલ્લુક બાબતમાં અપાતી કડક શિક્ષાને કારણે મારો જીવ ઉકળી ઉઠ્યો હતો. મારા ચારિત્ર્યનું ઘડતર એવી રીતે થયું હતું કે હું કદી અન્યાય કે જુઠો આરોપ સહન કરી શકતો નહોતો. અકારણ મળતી સજાને કારણે એક દિવસ હું અત્યંત કંટાળી ગયો. થયું, જેટલા પૈસા ભરવાના આવે, ભરીને ઘર ભેગા થઈ જઈએ. બીજી ક્ષણે વિચાર આવ્યો, મૂળ ઉદ્દેશને ભુલી જઈ રસ્તામાં પડેલા કાંટા અને કાંકરાની પરવા કરવા બેસીશ તો લક્ષ્ય પર કેવી રીતે પહોંચી શકીશ? મારે ધ્યાન તો સરહદ પર આવેલા મોરચા પર જઈ લડવાનું હતું. મારા સદ્ભાગ્યે, મારી કંપનીમાં બે પારસી યુવાનો હતા. તેમાંના મુંબઈના હોમી દારા શ્રોફ સાથે મારી સારી દોસ્તી થઈ હતી. અમે મળીએ તો ગુજરાતીમાં વાત કરીએ મેં તેને મારી મુંઝવણ વિશે વાત કરી. એક દિવસ મેં તેને પૂછ્યું, ‘હોમી, આપણે અહીં અફસર થવા આવ્યા છીએ, તો આપણી સાથે આપણા સિનિયર, આપણાથી ઉતરતા પદના સુબેદાર અને હવાલદાર આપણી સાથે આટલું ગંદું વર્તન શા માટે કરે છે? આપણી ડીગ્નીટીનો કચરો થતો કેમ કરીને સહેવાય?”

હોમી શ્રીમંત પરિવારમાંથી આવતો હતો અને મુંબઇના પેડર રોડ જેવા ધનાઢ્ય વિસ્તારમાં રહેતો હતો. તે પણ મારી જેમ બધું સહન કરતો હતો. ફેર એટલો હતો કે તે હંમેશા આનંદમાં રહેતો. તેના સાવ નજીકના સગાં ભારતીય સેનામાં ઉચ્ચ અધિકારી પદ પર સેવારત હતા. તેને મિલિટરી હિસ્ટરી, જુના રિસાલાઓની પરંપરા વિ. ની સારી માહિતી હતી. તેણે જે વાત કહી તે સાંભળી હું આશ્વર્યમાં ગરકાવ થઈ ગયો

ભારતીય સેનામાં અફસરોની ભરતીના જે માર્ગ છે તેમાંનો મુખ્ય નૅશનલ ડિફેન્સ ઍકેડેમી (NDA) છે. અહીં સોળ - સત્તર વર્ષની વયના કિશોર બારમું ધોરણ પસાર કરી, સિલેક્શનની કડક ચકાસણી બાદ પૂણેં નજીકના ખડકવાસલા કેન્દ્રમાં જાય. અહીં તેમની ટ્રેનિંગ ત્રણ વર્ષની - હા અમને જે કે સાત મહિનાનોરગડોમળે છે, તે સતત ત્રણ વર્ષ સુધી પ્રાપ્ત કરી અફસર બનતા હોય છે. બીજો માર્ગ છે ઇંડીઅન મિલિટરી ઍકેડેમીમાં ગ્રૅજ્યુએટ્સ ડાયરેક્ટ એન્ટ્રી (NCCનુંસીસર્ટિફિકેટ મેળવેલા, કે સીધી ભરતીથી લેવામાં આવેલા સ્નાતક). અમારાએમર્જન્સી કમિશનમાં ટ્રેનિંગના સમય અને વયમાં ભારે છૂટછાટ આપવામાં આવી હતી. આમ ભારતના laid back, આરામ, ‘ તો હાલ્યા કરેના વાતાવરણમાંથી આવતા અમારા જેવા યુવાનોનું સમગ્ર - સંપૂર્ણ પરિવર્તન ખડતલ શરીરના અને માનસિક રીતે દરેક જાતની હાલતમાંથી ઉભરી શકાય તેવું નવું વ્યક્તિત્વ ઘડવાનો કાર્યક્રમ હતો. માખણના ગોળામાંથી શુદ્ધ ઘી બનાવવા માટે તેને તપાવાની જે પ્રક્રિયામાંથી જવું પડે, એવી પ્રક્રિયા છે.

સાંભલ, સેવન્ટી-ફાઈવ - I mean નરેન - તું સેકન્ડ લેફ્ટેનન્ટ થઇને બૉર્ડર પર જશે તો ત્યાં બંકરમાં સૂવા માટે સુંવાલા ગાદલાં-રજાઇ નથી મલવાના. તને રેગ્યુલર સૂવા બી મલસે કે નહીં એની બી કોઇ ગૅરન્ટી નહીં હોય. ખરબચડા કામળા અને ગ્રાઉન્ડ શીટ (ટારપોલિનની પાતળી શેતરંજી ) પર સૂવું પડશે. જવાનોને lead કરીને માઇલોના માઇલ Forced March (રોકાયા વગર અથાગ માર્ચ) કરવાનું આવશે. OTSમાં હાલ આપરી પાસે જે કરાવે છે તે આપરા ફ્યુચરની  ટ્રેનિંગ છે. જે રીતે આપરા સિનિયર આપરી દયા કિધા વગર દોડાવે ને કરાવે, તે આપરે સેલ્ફ ડિસિપ્લિનથી આગલ જતાં કરવાનું છે. તું કમ્પ્લેન્ટ કરસે તો તારા જવાનની શી હાલત થાસે? બોલ જોઉં? આપરું metamorphosis છે. એક સુંવાલા સિવિલિયનમાંથી રફ ઍન્ડ ટફ આર્મી ઑફિસરમાં. ઘેટાંના ટોલામાંથી નીકલી લાયનના ટોલાના લીડરમાં તું બદલાવાનો છે. તું નરમ માટીનો રહીશ તો કમીશન્ડ ઓફિસર થયા પછી તારા જવાનોને લડાઇમાં કડક થાઇને કેમનો લીડ કરવાનો? બસ, મહિના તું ભુલી જા તું કોન હુતો, અને યાદ રાખ કે આગલ જતાં તું શું બનવાનો છે.”

મારા માટે સાવ નવો દૃષ્ટિકોણ હતો. સમગ્ર ટ્રેનિંગ હવેરગડોમટી નવા વ્યક્તિત્વનું ઘડતર, માઇકલ ઍન્જેલોના શિલ્પ જેવા નિર્માણ થનારા આદર્શ શિલ્પ જેવી હતી. હથોડા અને છિણીના ઘા વગર કેવી રીતે શક્ય થાય

વખતે મને મારી અમદાવાદની વિ.એસ. ત્રિવેદી ત્રણ દરવાજા ટ્યુટોરિયલ હાઇસ્કૂલના સપ્લાય ટિચર/નવા વકીલ/તેમની કૉલેજ કાળના સ્ટેજના હિરો બકુલ જોશીપુરા યાદ આવ્યા. હા, બકુલ જોશીપુરા જેઓ આગળ જતાં ગુજરાતી સાહિત્યમાં વિનોદી લેખક તરીકે પ્રખ્યાત થયા. તેમણે અમને એક સુંદર વાત શીખવી હતી. “જે કાંઇ કરો, do it with grace. જે કામ ગમે એટલું અણગમતું હોય, અને તે કર્યા વગર ચાલે તેવું હોય તો તે gracefully અને ખુશીથી કરવું. રોતાં રોતાં, ફરિયાદ કરતાં કરતાં કરવા જશો તો તે કામ કદી પૂરૂં નહીં થાય અને તેના ભાર નીચે તમે દબાઈ જશો.”  

હોમી મારી સાથે વાત કરીને ગયો, ત્યાં અમારી મેસના મૅનેજર-કમ-બટલર મિસ્ટર ભોંસલે  આવ્યા. તેમણે અમારી વાતના અંશ સાંભળ્યા હતા. તેમણે મને એટલું કહ્યું, “સાહેબ, આપ જવાનો માટે અચ્છા અફસર બનવા આવ્યા છો. આપણા રાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના શિલેદાર (કૅવેલ્રી અફસર) છો. એક મહિનો નીકળી ગયો છે. ફક્ત પાંચ મહિના બાકી રહ્યા છે. પણ ચપટી વાગતામાં નીકળી જશેબસ, આગળ વધો અને પરંપરા જાળવી રાખજો. બીજો કોઇ વિચાર ના કરતા.”

મેં મારા અભ્યાસમાં પૂરી રીતે મન પરોવ્યું. શારીરિક ક્ષમતા વધારી અને હવે ૨૦-૨૫ કિલો વજનની ઇક્વીપમેન્ટ અને રાઇફલ ઉંચકીને એક કલાકમાં પાંચ માઇલ અને પોણા બે કલાકમાં દસ માઇલની દોડ પણ સહેલાઇથી પૂરી કરવા લાગ્યો. સાંજે દોડ પૂરીને આવ્યા બાદ કૅન્ટીનમાં (તે જમાનામાં મળતી) પચીસ પૈસાની કોકાકોલાની બૉટલ અને એટલી કિંમત પર મળતા એક બુંદીના લાડુની જ્યાફત ઉડાવતા!

ઘેર બાઈની અને બહેનોની ચિંતાનો ભાર મારા કૉલેજકાળના ખાસ મિત્ર અને ઘનીષ્ટ કુટુમ્બી બની ગયેલા મૂળ ભાવનગરના (અને નોકરી માટે અમદાવાદ આવેલા) ચંદ્રકાંત ત્રિવેદીએ ઉપાડી લીધો હતો. દર અઠવાડિયે તે બાઇને મળવા જતો, ખબર-અંતર પૂછતો અને નાની મોટી જરૂરિયાતો પૂરી કરી આપતો. આ ઉપરાંત અણ્ણાસાહેબ તો હતા જ. તેઓ તો મને OTSમાં મળવા પૂના આવ્યા હતા અને ઉર્દુમાં કહેવાય છે તેમ 'હૌંસલા અફઝાઈ' (પ્રોત્સાહન) આપી ગયા હતા. 


5 comments:

  1. મેટામૉર્ફોસીસની સટિક વાત
    'જેવા યુવાનોનું સમગ્ર - સંપૂર્ણ પરિવર્તન ખડતલ શરીરના અને માનસિક રીતે દરેક જાતની હાલતમાંથી ઉભરી શકાય તેવું નવું વ્યક્તિત્વ ઘડવાનો આ કાર્યક્રમ હતો. યાદ રાખ કે આગલ જતાં તું શું બનવાનો છે.”
    ધન્ય ધન્ય..
    તે જમાનાના--ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિ, રમણલાલ દવે , રઘુવીર ચૌધરી નટુભાઈ બ્રહ્મભટ્ટ ,જશવંત ઠાકર, જનકભાઈ દવે, અજય સાગર, વિનોદ ભટ્ટ, બકુલ જોશીપુરા, બકુલ ત્રિપાઠી, જેવા અનેક નામો સ્મૃતિમાંથી વિસરાતાંજ નથી,
    સૌથી વધુ ગમી વાત 'હૌંસલા અફઝાઈ'ની

    ReplyDelete
  2. એમ થાય છે કે, દરેક નાગરિકને છ મહિના આવી તાલીમ આપવી જોઈએ

    ReplyDelete
  3. કેપ્ટન, આપની આજની વાત નવી પેઢીને દિશા સૂચક ધ્રુવતારક સમાન સાબિત થઈ પ્રેરણા સ્ત્રોત્ર બની, સાચેજ હોંસલા-અફઝાઈ કરી શકે તેમ છે.. “પંથકમાં પડેલ કાંટા કાંટા કંકર ની પરવા કરીશ લક્ષે કેવી રીતે પહોંચીશ “ અને આ આપણું metamorphosis માઈકલ આંજેલો ના નિર્માણ થનારા શિલ્પ જેવું છે” બન્ને જીવન ઘડતરના ધ્રુવ વાક્યો લાગ્યા .. જે આજના કોઈ જાણકારીના ના માધ્યમ માં પ્રચલિત નથી .. કેપ્ટન આપની પ્રસ્તુતિ ને સેલ્યુટ છે
    SP

    ReplyDelete
  4. શૈલા મુન્શા.April 28, 2021 at 7:20 PM

    રસ્તામાં આવતા કાંકરા, પત્થરની ચિંતા કર્યા વગર લક્ષ પર પહોંચવાની આપની ધગશને હોમી દારા શ્રોફે ભવિષ્યનો રસ્તો કંડારી આપ્યો અને પુરો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. સુરેશભાઈની વાત સાચી છે, દરેક નાગરુકને આવી તાલીમ છ મહિના માટે તો આપવી જ જોઈએ.

    ReplyDelete
  5. dada e kahyu em bharat na pratyek nagrik mate aavi taalim farajiyaat hovi joie.

    aajkaal fashion thai padela motivation talker karta chokkas pane laakh gano prernatmak lekh chhe. salaam captain

    ReplyDelete