Pages

Saturday, May 7, 2016

આસપાસ - ચોપાસ : કૂતરાની પૂંછડી


કહેવાય છે કે માણસનો સાચો દોસ્ત કૂતરો હોય છે. તેની વફાદારીની અનેક વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. પ્રાથમિક શાળામાં તો અમારે કવિતા પણ હતી - ‘કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયાં / ચાર કાળિયા ને બે ધોળિયા…'વિ. વિ. આમ કૂતરાં માનવોના મિત્ર અને ભલા સ્વભાવના હોય છે. આ વાત મેં બચપણથી સાંભળી હતી અને તે સાચી છે તે માનવા લાગ્યો હતો. 

જુના જમાનાની વાત છે. એક દિવસ મારા પરમ મિત્ર અમૃતભાઈ રાવળને લંગડાતા જોયા. દિલસોજી બતાવવા મેં તેમને થયેલી તકલીફ વિશે પૂછ્યું. “અરે, શું વાત કરૂં? કાલ રાતના સડક પરની વીજળી ગૂમ હતી. રસ્તામાં અંધારું હતું અને હું ગીત ગાતો ગાતો આવતો હતો ત્યાં કોણ જાણે ક્યાંથી એક કૂતરૂં આવ્યું અને મારા પગની પિંડી પર બટકું ભરીને જાણે કોઈ મહાન ફરજ પૂરી કરી હોય તેમ વીજળી વેગે ત્યાંથી ભાગી ગયું. અંધારામાં ઈ યે ખબર નો પડી કે ક્યા રંગ - રૂપનું આ પ્રાણી હતું. અત્યારે જો, તખ્તસિંહજી હૉસ્પિટલમાંથી ઈન્જેક્શન લઈને આવું છું. આવા ચૌદ ઈન્જેક્શન પેટમાં લેવા પડશે.”

રાવળ પરગજુ હતા. બીજા કોઈને તેમના જેવું દુ:ખ ભોગવવું ન પડે તેથી તેમના જાત અનુભવની સલાહ સૌને આપતા. ચૌદ ઇન્જેક્શનમાંથી બચવા માટે શું કરવું જોઈએ તેની તેમણે કહેલી વાતો બરાબર યાદ રહી ગયું. તેમની વાતોનો સાર આ પ્રમાણે છે : 

૧. કોઈ કૂતરું તમારી નજીક આવે તો ગભરાયા વિના આરામથી ચાલવું. જો તમે દોડશો તો તે જરૂર તમારી પાછળ પડશે અને કરડશે. 
૨. જો કોઈ કૂતરો તમને કરડે જ તો તેનો રંગ અને તેના શરીર પરના આઈન્ટિફિકેશન માર્ક્સ બરાબર નોંધી રાખવા. બને તો તેનું નામ જાણવાનો પ્રયત્ન કરવો, જેથી તમે તેને તેના નામથી બોલાવો તો તે તરત તમારી પાસે અવી જાય. તમને કરડી જનાર કૂતરાને શા માટે બોલાવવો તે મને ન સમજાયું.
૩. ઉપરની વાતો મહત્વની છે કેમ કે તમને કરડી ગયા બાદ આ કૂતરાને ચૌદ દિવસમાં હડકવા ન ઉપડે, કે તેનાં ચિહ્નો ન દેખાય તો તમારે ઈન્જેક્શન લેવાની જરૂર નથી. મહોલ્લામાં કે અન્ય કોઈ જગ્યાએ રખડતા અનેક કૂતરાઓમાં બરાબર ક્યો કૂતરો કરડી ગયો તેની તપાસ કરવા ઉપરની માહિતી રાખવામાં મદદ થશે. 
૪. હડકાયા કૂતરાની પૂંછડી સીધી થઈ જાય છે, તેથી તમને જે કૂતરું કરડી ગયું હોય તેનું નિરીક્ષણ (દૂરથી) કરતા રહેવું. ખાસ કરીને તેની પૂંછડીનું.
૫. ચૌદ દિવસમાં તમને પોતાને પાણીનો ડર ન લાગે તો સમજવું કે તમે સલામત છો. 

આટલી વાતો ધ્યાનમાં રાખશો તો તમને ઈન્જેક્શન લેવાની જરૂર નહિ પડે. 
સમય વીતતો ગયો અને મારા પર પણ ન વીતવાની વાત વીતી.

એક રવિવારે અમદાવાદથી થોડા માઈલ દૂર આવેલ ગામડામાં અમે ક્રિકેટ મૅચ રમવા ગયા હતા. મેદાન ગામની સીમમાં હતું. રમત શરુ થઈ. મારી ફિલ્ડિંગ એક ખેતરની વાડ નજીક હતી. બૅટ્સમૅને ફટકો માર્યો અને બૉલ વાડ પાસે ગયો. હું ત્યાં દોડતો ગયો અને નીચે નમીને બૉલ ઉંચક્યો ત્યાં વાડ પાછળથી બે ડાઘિયા કૂતરા દોડતા આવ્યા. બન્નેએ મળીને જાણે કારસો કર્યો હોય તેમ એક કૂતરૂં મારી સામે આવીને જોર જોરથી ભસવા લાગ્યું અને બીજાએ પાછળથી આવીને મને વિચીત્ર જગ્યાએ (એટલે પાછળ કમરની નીચે) બચકું ભર્યું. આવા કોલાહલમાં પણ મેં અમૃતભાઈની વાત યાદ રાખી. તે જમાનામાં સ્માર્ટ ફોન તો છોડો, સાદા ચક્કરડા ઘૂમાવવાના પણ ફોન (ડૉક્ટરો અને મોટી અૉફિસો સિવાય બીજે ક્યાંય) આવ્યા નહોતા, તેથી પેલા ગુનેગાર માનવમિત્રનો ફોટો લઈ શક્યો નહિ. કેવળ નજરથી તેના આઇડેન્ટિફકેશન માર્કસ્ નોંધવા ગયો ત્યાં બીજો કૂતરો ભસતો ભસતો નજીક આવ્યો. મારે પાછા વળી ‘હડે - હડે’ કરવું પડ્યું અને બૉલવાળો હાથ ઉગામ્યો ત્યારે એ નાસી ગયો. આ ધમાચકડીમાં મારા પર ‘પ્રેમ’ વરસાવનાર પેલો મિત્ર ગુમ થઈ ગયો ; જો કે મને યાદ રહી ગઈ તે બે વાતો હતી : તેનો રંગ કાબરચિતરો હતો, અને પૂંછડી કાળા રંગની હતી. બીજી વાત -  મારી પાટલૂનની ‘સીટ’ પર પડેલા તેના દાંતના પડેલા કેટલાક કાણાં. એ તો ઠીક,પણ બેસતી વખતે જે અસહ્ય દર્દ થયું તે હજી સુધી ભુલી શક્યો નથી. હવે ચૌદ ઈન્જેક્શનોથી બચવા માટેની કઈ વાતો અમલમાં લાવવી તેનો વિચાર કરવા લાગ્યો.

તે વખતે મને નવી નવી નોકરી મળી હતી. સવારે દસથી પાંચનો ટાઈમ તો જાળવવો પડે. તેથી સોમવારે સાંજની બસ પકડી દહેગામ ગયો અને પેલા ખેતરની પાસે જઈ બે - ત્રણ ચક્કર માર્યા, પણ પેલા ભાઈબંધ ક્યાંય ન દેખાયા. મને ચિંતા થઈ. આસપાસ પૂછપરછ કરવામાં અમદાવાદ જનારી છેલ્લી બસ નીકળી ગઈ. એક નિસાસો નાખી હું અમદાવાદ ભણી ચાલવા લાગ્યો. બે’એક માઈલ ચાલ્યો હઈશ ત્યાં પાછળથી એક ભારવાહક રિક્ષા આવી. મેં હાથ ઉંચો કરતાં તેમણે રિક્ષા રોકી અને “પાછળ બેહી જાવ,” કહી રિક્ષા દોડાવી. ભારવાહક રિક્ષાઓમાં પાછળની જગ્યામાં ગાદી હોતી નથી તેથી બેસનારને સહેજ તકલીફ થાય તો…

મારા પિત્રાઈ ભાઈ ડૉક્ટર હતા. તેમણે કહ્યું, “નરેન. રોજ તપાસ કરવા જવાને બદલે રવિવારે જા અને તપાસ કર. બીજા રવિવાર સુધીમાં તો તને ખાતરી થઈ જશે, પણ મારી સલાહ છે તું ઈન્જેક્શન લેવાનું શરૂ કર.”

પહેલા રવિવારે ‘નો રિઝલ્ટ’. બીજા રવિવારની ‘સફર’ - વાચક અાને ગુજરાતી અને અંગ્રેજી, બન્ને અર્થમાં લઈ શકે છે - તેમાં અંગ્રેજીમાં કહે છે તેમ ‘ગુડ ન્યૂઝ અૅન્ડ બૅડ ન્યૂઝ’ મળ્યા. સારા સમાચાર એટલે દૂરથી કેટલાક શ્વાનનો ભસવાનો અવાજ સાંભળી હૃદયનો હર્ષ આકાશ સુધી પહોંચ્યો. હું ‘હાશ’ કરૂં ત્યાં ત્રણ મિલનસાર કૂતરા આવ્યા અને પૂંછડી હલાવવા લાગ્્યા. તેમને જોઈ 'બૅડ ન્યૂઝ'ની હતાશા વ્યાપી ગઈ. ત્રણે કૂતરાં કાળા રંગના હતા, જ્્યારે મને કરડનાર કૂતરો કાબરચિતરો હતો! એક કલાક સુધી તેને શોધવા ત્યાં આસપાસ ફરતો રહ્યો. મારી હિલચાલ જોઈને કેટલાક લોકોને મારા પર અનુકંપા આવી અને પૂછ્યું, “કોને ગોતો છો?” 

હું તેમને કેવી રીતે કહું કે હું કાળી પૂંછડીવાળા કાબરચિતરાને શોધું છું? હવે મારૂં ગળું સૂકાવા લાગ્યું હતું. કૂતરાં મારી પાછળ ન પડે તે માટે હળવે હળવે ચાલીને બસ સ્ટૉપ સુધી પહોંચ્યો. ત્યાં માટલાંવાળાં એક બહેન હતા તેમની પાસે જઈને પાણી માગ્યું. અત્યંત તરસ લાગી હતી તેથી પાણી જોઈને ડર લાગે છે કે કેમ તેનો વિચાર ન કરતાં બે ગ્લાસ પાણી ગટગટાવી ગયો. તેવામાં બસ આવી અને હું પાછો ઘેર પહોંચી ગયો. 

બીજા દિવસે વહેલી સવારે એલિસબ્રિજની વિ.એસ. હૉસ્પિટલમાં પહોંચી ગયો. જ્યારે કમ્પાઉન્ડર ઈન્જેક્શન આપવા આવ્યા ત્યારે તેમના હાથમાંની સિરિન્જમાંની સોય જોઈ બેભાન થઈ ગયો. બરફની દુકાનમાં બરફ તોડવા માટે જે સોયો વપરાતો, બરાબર તે માપ અને આકારની આ સોય હતી. હું કંઈ કહું તે પહેલાં મારા પેટમાં, ડૂંટીની જમણી બાજુએ  ઝડપથી સોય ખૂંપી ગઈ. મારા મોઢેથી સિસકારાને બદલે હાયકારો નીકળી ગયો. પેલા સજ્જને કહ્યું, ‘બે - ચાર ઈન્જેક્શન પછી તમને ટેવ પડી જશે.’ પ્રશ્ન હતો, બીજા બે - ચાર ઈન્જેક્શન જીવી શકીશ?

હું જીવી ગયો. પહેલા છ ઈન્જેક્શન બાદ ડૂંટીની બન્ને બાજુએ ત્રણ ત્રણ ઢિમણાં થયા હતા. તમે ભલે તેને ઢિમણાં કહો, પણ હું જ્યારે ત્યાં હાથ લગાડતો તો તે માઉન્ટ આબુ જેવા ડુંગરા હોય તેવું લાગતું. ત્યાર પછીના આઠ સોયા આ ઢિમણાં પર જ ઠોકાયા. આમ મારી ચૌદ ઈન્જેક્શનની ગાથા પૂરી થઈ, પણ વાત થોડી બાકી છે.



છેલ્લું ઈન્જેક્શન લીધાને ત્રણેક મહિના થયા હશે. અમારી ટીમ ‘રિટર્ન મૅચ’ માટે દહેગામ ગઈ. હું રમતો નહોતો પણ જિજ્ઞાસાને ખાતર પેલી ઐતિહાસિક જગ્યા - પેલા ખેતરની વાડ પાસે ગયો ત્યાં પૂંછડી પટપટાવતું એક માનવમિત્ર આવ્યું. તેનો રંગ કાબરચિતરો હતો. તેની પૂંછડી કાળી હતી અને તે વાંકી હતી. મને જોઈને તેણે એક આંખ બંધ કરી અને હસતો હોય તેવો આભાસ થયો.

No comments:

Post a Comment