Pages

Tuesday, May 3, 2016

આસપાસ - ચોપાસ : બે વાર્તાઓ

૧. હાઈડ્રોફોબિઆ


જન્માક્ષર બનાવનારા પંડિતજીએ કહ્યું કે દીકરાે  યશ અઢાર વર્ષનો થાય ત્યાં સુધી જળની ઘાત છે સાંભળી કર્નલ કેવલ કૃષ્ણ ચિંતામગ્ન થયા હતા. અઢાર વર્ષ સુધી તેમણે દીકરાને બાથ ટબમાં પણ એકલો જવા ન દીધો. યશની અઢારમી વર્ષગાંઠના દિવસે તેમણે પલ્ટનના અફસરોને અને તેમના પરિવારોને ભવ્ય પાર્ટી આપી - તે પણ ક્લબના સ્વિમિંગ પુલ ફરતી. જળ સંકટ ટળી ગયું તેથી કર્નલે યશને પુલમાં ધૂબકો મારવાનો આદેશ આપ્યો. જન્મથી જ પાણીમાં જવા ડરતા યશે ઈન્કાર કર્યો. કર્નલ ગુસ્સે થયા. સૈનિકનો દીકરો પાણીમાં પડવા ઈન્્કાર કરે? તેઓ યશને  છ ફૂટ ઊંચા પાટિયા પર ખેંચી ગયા અને યશને પાણીમાં ધકેલ્યો. સૌએ તાળીઓ પાડી.

બે મિનિટ થઈ ગઈ પણ યશ બહાર ન આવ્યો. બે તરવૈયાઓએ પાણીમાં ડૂબકી મારી અને યશના અચેતન શરીરને બહાર લઈ આવ્યા. તાત્કાલિક સારવાર આપવા છતાં યશ હોશમાં ન આવ્યો. સૌ તેને લઈ હૉસ્પિટલમાં ગયા.

થોડી વારે  આઇસીયુમાંથી ડૉક્ટર બહાર આવ્યા. તેમણે કહ્યું, “આઈ એમ સૉરી. યશ ઈઝ નો મોર. યશનું અવસાન ડૂબી જવાથી નથી થયું. તે પાણીમાં પડે તે પહેલાં જ તેનું હૃદય બંધ પડી ગયું હતું. તેના ફેફસામાં કે પેટમાં પાણીનું એક ટીપું પણ નહોતું.”

થોડા દિવસ બાદ કર્નલ સાહેબ પર ખૂનનો કેસ ચાલ્યો. જજ સાહેબે સાક્ષીઓની જુબાની સાંભળીને ચૂકાદો આપ્યો. તેમને Grave and sudden provocation હેઠળ છોડવામાં આવ્યા, અને જોશી મહારાજની વિધવાને બે લાખ રુપિયા વળતર આપવાનો હુકમ કર્યો.


***

૨. નિર્વાણની પ્રાર્થના

દામિની બહેન પ્રાર્થના કરે તો તેમના પતિ માટે જ. પતિને નિર્વાણ પ્રાપ્ત થાય અને જન્મજન્માંતરના કર્મના બંધનોમાંથી છૂટે. પાકટ વયે પતિ અવસાન પામ્યા. દામિનીબહેનની પતિપરાયણતા જોઈ ધર્મરાજ પોતે ધરતી પર અાવ્યા અને તેમના મસ્તક પર હાથ રાખીને કહ્યું, “તથાસ્તુ!” જતાં જતાં તેમણે પૂછ્યું, “દીકરી, તારો પતિ દારૂડિયો હતો અને તેની મારઝૂડમાંથી તું પણ બચી નહોતી. તેમ છતાં તેં…”
દામિની બહેનના ચહેરા પર સ્મિત જોઈ ધર્મરાજ બોલ્યા, “સમજ્યો!”








No comments:

Post a Comment