Pages

Friday, February 5, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૨૪

“હવે અહીં છોકરા - છોકરીઓની સંયુક્ત કૉલેજ શરુ થઈ છે, સાંભળ્યું કે?” ચંદ્રાવતીને સ્ટેશનથી ઘોડાગાડીમાં ઘેર લઈ જતાં શેખર બોલ્યો. ઘોડાગાડીની પાછળ પાછળ સાઈકલ ચલાવતાં શેખર સારંગપુર શહેરમાં થયેલ પરિવર્તનની રસપ્રદ અને આશ્ચર્યપૂર્ણ વાતો કરી રહ્યો હતો. 

ઈંદોરની મેડિકલ કૉલેજમાં ડૉક્ટર થયા બાદ શેખરની સારંગપુરના ગવર્મેન્ટ હૉસ્પિટલમાં નીમણૂંક થઈ હતી. રજવાડાં ભારતમાં વિલીન થયા બાદ અગાઉનું રાજા વીરેન્દ્રસિંહ હૉસ્પિટલનું નામ સેન્ટ્રલ ગવર્મેન્ટ હૉસ્પિટલમાં પરિવર્તિત થયું હતું. 

“તને અહીં સારંગપુરમાં જ નોકરી મળશે અને દસ વર્ષ બાદ આપણે અહિંયા આવીશું એવો તો મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો,” સારંગપુરની કાયાપલટને આંખોમાં સમાવતાં ચંદ્રાવતી બોલી.

“ડૉક્ટર થયા પછી મધ્યપ્રદેશમાં મને ગમે ત્યાં નોકરી મળે તેમ હતું. તેમ છતાં મેં સારંગપુર જ પસંદ કર્યું. બાબાના નામનો અહીં હજી પણ દબદબો છે. તેમના આશિર્વાદથી જ તો મને અહીં નોકરી મળી. હવે પછી ક્યાં બદલી થશે કોણ જાણે. પણ જીજી, તમે આખા પરિવાર સાથે આવ્યા હોત તો બહુ મઝા આવત. કમ સે કમ તારા નાનકડા શ્રીરંગને સાથે લાવવો જોઈતો હતો.”

“તેને શાળામાંથી ગેરહાજર રહેવું પડ્યું હોત,” ચંદ્રાવતીએ કોઈ જાતના ઉત્સાહ વગર જવાબ આપ્યો. “અને એમની તો વાત જ કરીશ મા. એ કંઈ આઠ દિવસની રજા લે? અશક્ય!”
“આટલે દૂરથી તું આવી એ જ અમારા માટે ઘણું છે. મુન્નાના વાળ ઉતારવાના પ્રસંગે તેની એકની એક ફોઈ આવી ન હોત તો અહીંના લોકોમાં આપણી તો બેઈજ્જતી થઈ જાત, હોં કે!”
“કોઈ તારી નિંદા કરે એ મારાથી કેવી રીતે સહન થાય? એટલે તો હું દોડતી આવી છું,” ચંદ્રાવતીએ હસતાં હસતાં જવાબ  આપ્યો.

સવારના સાડા નવનો સમય હતો. સૂર્યનાં કિરણોમાં હજી કોમળતા હતી. વાતાવરણની ગુલાબી ઠંડી શરીરને ધ્રૂજાવતી હતી. ચંદ્રાવતીએ શરીર પરની શાલ વધુ ખેંચીને લપેટી લીધી.

ગામ બહારથી ચક્કર લગાવીને ઘોડાગાડી સ્ટેશનથી હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલા શેખરના ક્વાર્ટર તરફ દોડવા લાગી. ઠંડી સડકની બન્ને બાજુનાં ખેતરોમાં ઘઉં અને ચણાનો પાક ઝળુંબી રહ્યો હતો. રસ્તાના કિનારા પરનાં વૃક્ષો પર સુગરીના માળાઓની વસાહત થઈ હતી. ખેતરોનાં શેઢા પર લીમડા કે પીપળાના ઝાડ ફરતા થડા પર એકાદી નાનકડી, સુંદર દેરી દેખાતી હતી. દેરીના કળશની બાજુમાં ભગવા રંગના બે ત્રિકોણવાળા ધજાગરા ફરકતા હતા. 
શાકભાજીની વાડીઓમાં ફૂલેવર, કોબી, વટાણાં અને મેથી ખીલીને ઉપર આવ્યાં હતાં.  જમરૂખની વાડીઓ ફળથી લચી રહી હતી. ઠંડી હવા સાથે પમરાઈને આવતા ફળની મધુર સુવાસ ચંદ્રાવતી પોતાના શ્વાસમાં સમાવી રહી હતી. રસ્તામાં ચળકતા ઘડા અને બેડાંની ઉતરડ માથા પર ઊંચકી ઘર તરફ જતી ઘુંઘટ વગર ચાલતી વહુવારુઓની પલ્ટન જોઈ. વચ્ચે જ ગાડી રોકીને ચંદ્રાવતીએ ભાઈને આંખ ભરીને જોઈ લીધો. 

ખેતરો અને વાડીઓ ફરતી વાડ તરીકે ઉગાવેલાં વૃક્ષો પર જેટલાં પાંદડાં એટલાં ફૂલ લટકતા હતા. આછા જાંબુડા રંગનાં પુષ્પ, તેમાંથી પ્રસરતી ઉગ્ર પણ મધુર સુગંધ હવામાં ફેલાઈ હતી. સડકની પેલી પાર આવેલી ઝૂંપડીઓની લાલ માટીની દીવાલ પર સફેદ, આસમાની અને પીળા રંગથી ચીતરેલા મૂછાળા રામ - લક્ષ્મણના અને ઘાઘરા - ઓઢણીમાં સજ્જ સીતાજીનાં પૂર્ણાકૃતિ ચિત્રો હતાં. કોઈ જગ્યાએ મુરલીધર તો કોઈ ઠેકાણે ભાલાવાળા સૈનિક અને ચોપદારનાં ચિત્રો હતાં. ક્યાં’ક  ગાય તો ક્યાંક વાઘ અને સિંહના ચિત્રો હતાં. 
ઝૂંપડીની બહાર લીમડાની નીચે ઢીલી થયેલી કાથીના ખાટલામાં જાણે ખાડો પડી ગયો હોય, તેમાં જીર્ણ કપડાં પહેરેલા જૂની પેઢીનાં વડિલોને બેસીને હુક્કો પીતા ને ઉધરસ કરતાં જોયા. આંબા આંબલીની ડાળ પરથી લટકતા હિંચકા પર ઝૂલવા માટે ભેગા થયેલા નાગાં-પૂગાં બાળકોની ભીડ અને કુમળા તડકામાં ઝાડ ફરતા થડા પર પાંચીકા અને ઠીકરાં સાથે નાનાં ભાઈ બહેનોને રમાડતી જટાની જેમ ગૂંચવાઈ ગયેલા વાળવાળી ફાટેલા કપડાં પહેરેલી  છોકરીઓને જોતાં જોતાં ચંદ્રાવતી આગળ વધી.

ઘોડાગાડી ડાબી બાજુએ વળી અને અચાનક સલવાર - કમીઝ અને સ્વેટર પહેરેલી, વાળમાં ફૂલોનો શણગાર કરી સાઈકલ પર બેઠેલી છોકરીઓનું ઝૂંડ ગામ વચ્ચેની સડક પરથી વળીને ઠંડી સડક પર આવ્યું.
“અરે વાહ! હવે તો અહીંની છોકરીઓ સાઈકલ પર ફરવા લાગી છે ને શું!” ઊંઘમાંથી અચાનક જાગી હોય તેમ ચંદ્રાવતી બોલી.

“અરે, સાઈકલ પર સવારી કરતી છોકરીઓનું અચરજ કરવા જેવું ક્યાં રહ્યું છે? હવે તો અહીંની છોકરીઓ હાફ-પૅન્ટ અને શર્ટ પહેરીને  છોકરાઓની ટીમ સાથે હૉકીની મૅચ રમતી થઈ છે! હાલ હૉકીની સિઝન ચાલે છે. મુન્નાનો મુંડનવિધિ પતી ગયા પછી આપણે મૅચ જોવા જઈશું.

“આ છોકરીઓ ક્યાં જાય છે?”

“મેડિકલ કૉલેજમાં. રાજમહેલની પાછળ રાણીમાનો રાધાવિલાસ પૅલેસ હતો ને? ત્યાં હવે મેડિકલ કૉલેજ થઈ છે.”

“સરસ!” કહી ચંદ્રાવતી ચારે તરફ જોવા લાગી. મેમસાબની કોઠી, રાવરાજાનો ક્લબ પાછળ મૂકી તેઓ આગળ વધ્યા. હવે તેને તેમના બંગલાનો પરિસર દેખાવા લાગ્યો. શેખરે ઘોડાગાડીનું હૅન્ડલ પકડી લીધું અને તેની સાઈકલ ગાડીની સાથે દોડવા લાગી.

“બંગલામાં હજી સાવન તીજ, ઝૂલાબંધન ઊજવાય છે?” કોઈ પંખી હળવેથી સીટી વગાડે એવા સ્વરથી ચંદ્રાવતીએ પૂછ્યું.

“હવે તો બધું બંધ થઈ ગયું છે. બિનસાંપ્રદાયીક રાજસત્તા આવી છે ને!”

“ખરું?”

“મેમસાબની કોઠીમાં હવે પબ્લિક લાઈબ્રેરી ખોલવામાં આવી છે. સેન્ટ્રલ લાઈબ્રેરી કહેવાય છે. ગામ પણ સુધરી ગયું છે, હોં કે!”

“એમ?”

“લક્ષ્મીચોકમાં મોટો ફૂવારો બાંધવામાં આવ્યો છે. રોજ સાંજે તેના પર રંગીન રોશની થાય છે. સાંજે જોવા જઈશું.”

“જરુર.”

“લક્ષ્મીચોકમાં પવારની હવેલીને એ લોકોએ આર્ટ્સ કૉલેજ માટે દાનમાં આપી દીધી. ત્યાં કો-એજ્યુકેશન છે. હવે તો ત્યાં એમ.એ. સુધીના ક્લાસ ચાલે છે,” સહજ ભાવે શેખર બોલ્યો.

“સરસ.”

“ત્રણ વર્ષ પહેલાં પોતાની મિલકત જાયદાદનો નિકાલ કરી વિશ્વાસ ઈંગ્લૅન્ડ વાપસ જતો રહ્યો. તેની સાથે તેની પત્ની અને બાળકો પણ આવ્યા હતા,” શેખર જાણે ઠંડી સડક સાથે વાત કરતો હોય તેમ બોલ્યો અને હળવેથી તેણે બહેન તરફ જોઈ લીધું.

“એમ કે?”

બંગલાની નજીક પહોંચતાં ચંદ્રાવતી ગરદન ફેરવી ડુંગરાની ટોચ પર આવેલા સોનગીરનાં જૈન મંદિરો જોવા લાગી.
બંગલાની લાલ ઈંટની વંડી શરુ થઈ ગઈ. બંગલો નજીક આવ્યો. શેખર જુએ નહિ તે રીતે ચંદ્રાવતીએ આંસુથી છલોછલ થયેલી આંખો લૂછી લીધી.

ઘોડાગાડી શેખરના ઘર પાસે ઊભી રહી. મુન્નાને કેડ પરથી નીચે ઉતારી શેખરની પત્ની ઉમાએ ચંદ્રાવતીને ઝૂકીને નમસ્કાર કર્યા.

***

મુંડનના બીજા જ દિવસે વહેલી સવારે શરીર પર શાલ લપેટી પગ છૂટા કરવાનું બહાનું કરી ચંદ્રાવતી બંગલા પાસે આવી પહોંચી. દબાતા પંજા વડે દૂધની તપેલી સુધી બિલાડી પહોંચે અને ચારે બાજુ નજર નાખી લપ-લપ કરતી દૂધ પીએ તેમ બંગલાને નિહાળી, ઠંડી સડક પરથી તે હળવે રહીને બંગલાની ફાટક પાસે પહોંચી. ધીરેથી ફાટક પાર કરી બગીચો વટાવી ઠેઠ બીલીવૃક્ષ પાસે જઈને તેની પાળ પર બેસી ગઈ. પાળ પરનો સિમેંટ સાવ ઊખડી ગયો હતો. વચ્ચે વચ્ચેની ઈંટો ઢીલી થઈ ગઈ હતી. બીલીના થડ પાસેની માટીમાં ચાર - પાંચ કોડિયાં હતા, જેમાં ટચલી આંગળી જેવી જાડી વાટ હતી. આજુબાજુ અર્ધી બળેલી અગરબત્તીના ટુકડા પડ્યા હતા અને મંકોડાની હાર લાગી હતી. ચંદ્રાવતી ધ્યાનમગ્ન સ્થિતિમાં ઊભી હતી ત્યાં અચાનક ‘ટક ટક’ કરતો ઘંટડીવાળી લાકડી પછડાવાનો અવાજ અંભળાયો. ચંદ્રાવતી ચોંકી ગઈ. પાછળ વળીને જોયું તો તન પર જાડો કામળો લપેટીને આવતો બંગલાનો દરવાન તેની દિશામાં આવી રહ્યો હતો.

“જૈ રામજી કી! આપ કૌન સાહિબા?”

“મૈં છોટે ડાગદરસા’બકી બહિન. ઘૂમને નીકલી થી, સો યહાં આ ગઈ. બંગલા બંધ દિખતા હૈ.”

“માલિક તીન સાલ પહલે આફ્રિકા ચલે ગયે, બ્યૌપાર કરને. વે બંગલા બેચ રહે હૈં. બંગલા ખોલ કર દીખાદૂં?”

“જી નહિ. મારે બંગલો ખરીદવો નથી. અહીં પાળ પર બે - ચાર મિનિટ બેસીને જતી રહીશ.”

દરવાન બંગલાનું ફાટક ખોલી બહાર જતો રહ્યો.

ચંદ્રાવતી લાંબો વખત બીલીના થડા પર નિશ્ચલ બેસી રહી. ધુમ્મસમાં નાજુક શો છેદ કરી સૂર્યનાં કોમળ કિરણો ઝાડની ટોચ પર પડવા લાગ્યા અને વાતાવરણમાં હૂંફ આવવા લાગી. ચંદ્રાવતીની નજર બંગલા પર ચોંટી રહી. બંગલાની આગળની બાજુએ કોઈ ફેર નહોતો પડ્યો. અગાઉ ખુલ્લા રહેતા વરંડા પર હવે જાળી લગાડીને તે બંધ કરવામાં આવ્યો હતો. જાળીની બહારના દરવાજા પર જબરજસ્ત તાળું હતું. બગીચો સાવ ઉજ્જડ થઈ ગયો હતો. આંબા અને જાંબુના ઘેરા ઘટાદાર વૃક્ષો પોતાની જુની અદામાં સળસળાટ કરી રહ્યા હતા પણ જાઈ - જુઈના વેેલાનાં મંડપ, જાસૂદ, મોગરાનાં છોડ અને દર્ભના ક્યારા, લીલા ચંપાનું ઝાડ, બંગલાના કમ્પાઉન્ડ પર પોઢી રહેતી બોગનવિલિયાની વેલ - તેમાંથી કોઈનું કે કશાનું નામોનિશાન નહોતું રહ્યું. ફક્ત ફાટક પાસેનું શેતૂરનું ઝાડ હજી જેમનું તેમ ઊભું હતું. જાણે તેની રાહ જોઈ રહ્યું હોય તેમ!

બીલીની પાળ પરથી ઊઠીને તે બંગલા ફરતી ઘૂમી વળી. પાછળ દૂર સુધી નજર ફેંકી. બંગલાની પાછળના ક્યારાઓમાં જંગલી વેલા ઊગી નીકળ્યા હતા. તેમાંના કાંટાળા છોડ પરનાં કોમળ પત્તાં બે - ત્રણ બકરીઓ બેં બેં કરીને ખેંચી રહી હતી. વેલાઓ અને છોડ પર પીળા અને સફેદ પતંગિયા ઉડી રહ્યા હતા. બંગલા પાછળ આંબાવાડિયું હતું તે અદૃશ્ય થઈ ગયું હતું અને તેની જગ્યાએ એક સંચાના બીબામાંથી ઢાળીને કાઢ્યા હોય તેવા બંગલાઓની કતાર ફૂટી નીકળી હોય તેવું લાગતું હતું.

‘અહીં બડે બાબુજીનું ઘર હતું તે ક્યાં ગયું?’ તેણે તે દિશામાં ધારી ધારીને જોયું તો અચાનક પેલા બંગલાઓની વચ્ચોવચ આવેલું તેમનું લાલ માટીનું બેઠા ઘાટનું મકાન નજરે આવ્યું.
શું હજી તેઓ ત્યાં રહેતા હશે?

તેણે સામેની દિશામાં નજર ફેંકી. સૂર્ય પ્રકાશમાં ગણેશ ટેકરી પર જતો સિમેન્ટ - કૉંક્રીટનો રસ્તો હવે તેને સ્પષ્ટ દેખાવા લાગ્યો. ટેકરી પરની ઘનઘોર ઝાડી હવે સાવ આછી થઈ ગઈ હતી અને ટેકરી પર હૉટેલ જેવી એક ઊંચી ઈમારત ખડી થઈ હતી.

બંગલાની પ્રદક્ષિણા કરી ચંદ્રાવતી પાછી બીલીની પાળ પર આવીને બેઠી. નજીકની જાંબુડીમાં બેઠેલી કોયલના ટહૂકાર તેણે સંાભળ્યા અને દસ વર્ષ પહેલાંની સૃષ્ટિ તેની સામે સાકાર થઈને ઊભી થઈ.

બડે બાબુજી; જામુની ; મિથ્લા : સત્વંતકાકી ; સિકત્તર ; ઝૂલા બંધન ; રાધા ;  કૃષ્ણ ; ગોપી અને ઝૂલાની ચારે કોર ફેરો લઈને સાવન-ગીત ગાતી રંગબેરંગી ઘાઘરા-ચોળી પહેરેલી કન્યાઓ…

‘બંસી કાહે કો બજાઈ - ઈત્તી ક્યા પડી થી?
નીમ તલે મૈં તો મેરે આંગનમેં ખડી થી.”

ગીતની એકાદ - બે કડીઓનો અપવાદ છોડતાં આ ગીત તો હવે ચંદ્રાવતીના મનની સીમા બહાર ફેલાઈ ગયું હતું. વચ્ચે જ કોઈ વાર આ ગીતની એકા’દ પંક્તિ તેના મનના ઊંડા અંતરાળના સમુદ્રમાંથી કૂદીને કિનારા સુધી આવી પહોંચતી અને મુંબઈના ધમાલિયા વાતાવરણમાં પણ તેની નજર સામે નજર ભીડાવીને અદૃશ્ય થઈ જતી.

તડકો ચઢવા લાગ્યો હતો. ચંદ્રાવતી બીલીવૃક્ષની પાળ પરથી ઊઠી. બંગલાની જમણી બાજુએ ચક્કર લેતાં તે પોતાની રુમની બારી પાસે આવીને ઊભી રહી. ગરદન ઊંચી કરીને તેણે બંધ બારી તરફ જોયું. આખરે પગદંડી પરથી શેખરના ઘર તરફ ચાલવા લાગી. અર્ધે રસ્તે સાઈકલ ઝાલી હૉસ્પિટલમાં રાઉન્ડ લેવા જતો શેખર મળ્યો.

“આટલો વખત ક્યાં હતી, જીજી? બ્રેકફાસ્ટ તૈયાર છે અને ઉમા તારી રાહ જોઈ રહી છે,” બહેનની નજીક જઈ શેખર બોલ્યો.

“ખુલ્લી હવામાં સહેજ ફરવા નીકળી હતી. અરે, બડે બાબુજીનું ઘર આ નવા મકાનોની વચ્ચે દેખાયું જ નહિ! શું તેઓ હજી અહીં રહે છે?”

“અહિંયા જ તો હોય છે! એક વાર મળ્યા પણ હતા. જો, સાંજે આપણે નવું ઈલેક્ટ્રીક પાવર  હાઉસ જોવા જવાનું છે. લલિત તિવારી આવીને ખાસ આગ્રહ કરી ગયો છે. તું આવી છે તે જાણીને તને પાવર હાઉસ જોવા લઈ જવાનો કાર્યક્રમ બનાવ્યો છે.”

“લલિત તિવારી?”

“અલી, લલિત - મારો નિશાળના સમયનો દોસ્ત! બંગલે ઘણી વાર આવતો. તું ભુલી ગઈ?”

“એમ કેમ ભુલું?”

“રાતે ડૉક્ટર મિશ્રાએ જમવાનું આમંત્રણ આપ્યું છે.”

“સરસ!”  ચહેરા પર ખુશીનો બનાવટી લેપ ચઢાવી ચંદ્રાવતી બોલી અને ઝપાટાબંધ ઘર ભણી ચાલવા લાગી.
હંમેશ મુજબ તેનું મન વિચારોના ચકડોળે ચઢ્યું : હું પણ કેવી છું! આજે ઉમા પાસે બેસી ભત્રીજાના લાડ લડાવવાનું બાજુએ રહ્યું અને હું આટલો વખત અમારા જુના બંગલા ફરતી ભમરાની માફક ગુંજારવ કરવા બેઠી! ઉમાને કેવું લાગ્યું હશે?

શેખરના ઘરની બાજુએ વળતાં તેને બડે બાબુજીનું લાલ માટીનું બેઠા ઘાટનું મકાન ફરીથી દેખાયું. તેમના આંગણામાં દેખાતા લીમડાનાં પાંદડાં સવારના તડકામાં ચાંદલિયાની જેમ ચળકતા હતા.

હા, આ જ બડે બાબુજીનું ઘર! 

બડે બાબુજીના ઘર તરફ ફરી એક વાર વળીને જોઈ તેણે શેખરના ઘર ભણી જતી પગદંડી પર ચાલવાનું શરુ કર્યું.

***

No comments:

Post a Comment