Pages

Thursday, February 4, 2016

બંસી કાહેકો બજાઈ : પ્રકરણ ૨૩

જામુની અને મિથ્લા જાણે પૃથ્વી પરથી અદૃશ્ય જ થઈ ગયાં! બંગલા પર આવવાનું બાજુએ રહ્યું, તેઓ બગીચામાં હીંચકા પર બેસેલી કદી જોવામાં આવી નહિ. રસોડામાં જાનકીબાઈ અને સત્વંતકાકી વચ્ચે રોજની મસલતો ચાલુ જ હતી. ચંદ્રાવતીને જામુની વગર ચેન પડતું નહોતું. શેખર સુદ્ધાં અસ્વસ્થ દેખાતો હતો.  એક દિવસ ચંદ્રાવતીથી રહેવાયું નહિ અને બા પાસે જઈને કહ્યું, “હું સત્વંતકાકીને ઘેર જઈ આવું છું.”

“કેમ?”

“જામુની ભણવા આવતી નથી તો તેની ચોપડીઓનો ભાર આપણે ત્યાં શા માટે જોઈએ? હમણાં જઈને આ ચોપડીઓ તેના ઘરમાં નાખી આવું છું. તેને ભણવું જ ન હોય તો ભલે રહેતી જનમભર અભણ. અમારું શું જાય છે?”

“તારે જવાની જરુર નથી. બાલકદાસના હાથે મોકલી આપ.”

માની સૂચના અવગણી ચંદ્રાવતીએ ચાર પુસ્તકો થેલીમાં ભર્યા. ઓરડામાંથી બહાર નીકળે તે પહેલાં શેખર બીતાં બીતાં તેની પાસે આવ્યો અને જામુનીના પુસ્તકમાં એક ચિઠ્ઠી સરકાવતાં કહ્યું, “જીજી, આ ચિઠ્ઠી એને આપજે.”

“આમ હિંમતવાન થઈ જા, હું તારી પાછળ ખડી છું.” કહી તેણે શેખર તરફ સ્મિત કરીને જોયું. શેખરના ચહેરા પરની એક પણ રેખા ન બદલાઈ.

બંગલાની આગળના વરંડામાંથી ચંદ્રાવતી હવામાં તરતી હોય તેમ બહાર નીકળીને પાછળની પગદંડી પર આવી. બડેબાબુજીના ઘરના આંગણાની ડેલી પરની સાંકળ ખખડાવતાં સત્વંતકાકીએ બારણું ખોલ્યું. ચંદ્રાવતીને જોતાં તેમના ચહેરા પર ત્રાસનું જાળું ફેલાયું. કપાળ પર ક્રોધની આંટીઓ પ્રસરી. ચંદ્રાવતી તરફ જોયું ન જોયું કરી, એક પણ શબ્દ બોલ્યા વગર તેમના રસોડામાં ચાલ્યા ગયાં.

ઘરની પાછળના આંગણામાં મરચાં ખાંડવા બેસાડેલી જામુની ચંદ્રાવતીને જોઈ અંદરના મોટા કમરામાં આવી. આખા ઘરમાં મરચાંની રજકણો ઊડતી હતી. જામુનીની આંખો અને ગાલ લાલ લાલ થઈ ગયા હતા. ચંદ્રાવતીએ ચોપડીમાંથી ચિઠ્ઠી કાઢી જામુનીને આપી. એક મધુર સ્મિત કરીને જામુનીએ ચિઠ્ઠી બ્લાઉઝમાં સંતાડી. 

“દદ્દાને બહુત પીટાઈ કી. કૈદ કર દિયા હમેં. બોલે, ગલા ઘોંટ દૂંગા,” જામુનીએ ગરદન નીચી કરીને કહ્યું.

ચંદ્રાવતી ગભરાઈ ગઈ.

“પછી?”

“મેં તો તેમને કહી દીધું કે હું એ જ ઘરમાં પરણીશ..”

“શબાશ!

“પરમ દિવસે તેઓ ભીંડ  જતા રહ્યા. માને કહેતા ગયા, ‘સત્તો, આજથી તારો અમારો સંબંધ ખતમ. એક તો આના બાપે દરબાર ઘરાણાંનો હોવા છતાં દવાખાનામાં સુપરદંડ થઈને અમારું નાક કાપ્યું. હવે એની દીકરી અમારી શાનમાં કલંક લગાડવા નીકળી છે. મા તો તેમને પગે પડી, પણ દદ્દા માન્યા જ નહિ…”

આસપાસ કોઈ નથી તે જોઈ જામુનીએ ચંદ્રાવતી તરફ પીઠ કરી અને ચોળી પરથી ઓઢણી ખસેડી. જામુનીની દોરીબંધ ચોળી અંદરની આરસ જેવી પીઠ પર સોટીના મારથી થયેલા લાલચોળ સોળ ચંદ્રાવતીને દેખાયા. 

“અરેરે! પણ બડે બાબુજીનું શું કહેવું છે?”

“બાપુ કહે છે છોકરો મોતીના દાણા જેવો ચોક્ખો છે. તેનો પરિવાર સુશિક્ષિત છે અને ડાકટરસાહેબ સાધુ સંત છે. પણ આપણી બિરાદરી શું કહેશે? મરી જઈશ તો મારો મૃતદેહ ઊપાડવા આ દખની લોકો આવશે? દદ્દાએ તને બે ફટકા માર્યા તેમાં શું બગડ્યું? તેઓ તારા મોટા બાપુજી છે. તારા માટે તેમણે કેટલા આંસું સાર્યા, તને ખબર છે? દદ્દા કહેતા હતા, મારા હાથે મારી દીકરીની કે આ દખની છોકરાની ગરદન કોઈ કાળે ન કપાય, પણ મારા સાથીદારોનો શો ભરોસો?”

એટલામાં સત્વંતકાકી ઓરડામાં આવ્યાં. ચંદ્રાવતીએ વાત ફેરવી અને થોડી વારે ઘેર જવા નીકળી. સત્વંતકાકી તેના તરફ તિરસ્કારથી જોતાં રહ્યાં.

***
જાનકીબાઈ હનુમાનજીના મંદિરે ગયાં હતાં.  શેખર જમવા માટે રસોડામાં પાટલા પર આવી બેઠો.

“તારી ચિઠ્ઠી પહોંચાડી દીધી, હોં કે!” ભાણું પીરસતાં ચંદ્રાવતીએ કહ્યું. “જામુની મજામાં છે. ખુબ વાંચે છે. તેણે મૅટ્રિકની પરીક્ષા આપવાનું નક્કી કર્યું છે.  કહેતી હતી, શેખરે પણ ઘણું વાંચવું જોઈએ.”

શેખરે કશો જવાબ ન આપ્યો.

“આ પોસ્ટમૅનનું કામ રોજે રોજ કોણ કરવાનું છે, મારા ભાઈ?” ચંદ્રાવતીએ હસીને શેખરને પૂછ્યું.

“હવે તારે આ કામ નહિ કરવું પડે. એક વાર કર્યું તે બહુ થયું.”

“એટલે?”

“મેં એને ચિઠ્ઠીમાં લખી નાખ્યું કે મને ભુલી જવાનો પ્રયત્ન કર. હવે પછી આપણે એકબીજાને ન મળવું સારું.”

“આ તેં શું કર્યું!” ચંદ્રાવતીએ કપાળ પર હાથ મૂકીને કકળતા અવાજે કહ્યું.

“પણ તને આટલું બધું ખોટું શા માટે લાગે છે?”

“જો, ભાઈલા, તું મરદ માણસ છે. બા તારી ઈચ્છા વિરુદ્ધ જવાની નથી. જામુનીને ગુપચૂપ ભગાડીને સીધો મુંબઈ જતો રહે, મોહનમામાને ઘેર.”

“જા, જા, હવે. આવું તે કંઈ થતું હશે?” ખિન્ન ચહેરે શેખર બોલ્યો અને પાટલા પરથી ઊઠી ગયો. ચંદ્રાવતીનું મન બુઝાઈ ગયેલા દીવા જેવું થઈ ગયું. તે ભોજનના વાસણ ઉપાડવા લાગી.

“બર્તન રહે ને દો, બિટિયા. સાહબકે કમરેમેં ચલો,” બડેબાબુજી રસોડામાં આવીને બોલ્યા.

“ક્યોં? અભી આપને બાબાકો ઈન્જેક્શન દિયા ના?”

“હાં, ફિર ભી આપ સાહબકે કમરેમેં ચલો.”

“માં કહાં હૈં??
“વે હનુમાનજી કે મંદિર ગઈં હૈં. હમને સિકત્તરકો ઉન્હેં બુલાને ભેજા હૈ. આપ ફૌરન સાહબકે કમરેમેં ચલો.”

પાલવ વડે હાથ લૂછતાં, ધડકતા હૃદયે ચંદ્રાવતી ડૉક્ટરસાહેબની રુમમાં ગઈ.
***
ડૉક્ટરસાહેબનું અવસાન થયે પંદર દિવસ વિતી ગયા હતા. ઈંદોરથી મોટા કાકા, કાકી, શાંતાફોઈ અને સુરતથી મામા - મામી આવી ગયા હતા.

પિતાના અવસાનથી મતિશૂન્ય થયેલી ચંદ્રાવતી પોતાની રુમમાં પલંગ પર બન્ને ઘૂંટણ પર માથું ટેકવી બારી બહાર નજર કરીને બેઠી હતી. શોક પ્રદર્શિત કરતા પત્રોનો અને તારનો ઢગલો પલંગ પર પડ્યો હતો… ‘રોજ સવારે બડેબાબુજીની સાથે બાબા રાજકારણની ચર્ચા કરતાં મારી બારી નજીકથી પસાર થતા… બપોરે બાર વાગ્યાની તોપ ફૂટ્યા બાદ થાકેલા ચહેરે પાછા આવતા બાબા…દશેરા - દિવાળીના દિવસે દરબારમાં જવા માટે બનારસી જરી-બૂટાનું અંગરખું, ચૂડીદાર પાયજામો, પગમાં જરીની મોજડી અને મસ્તક પર જરી - તારનો સાફો અને અંગરખા પર સરકાર તરફથી મળેલા માનસૂચક મેડલ્સ અંગરખા પર લટકાવીને ગૌરવથી નીકળતા રુવાબદાર, તેજ:પૂંજ બાબા…

‘બાબા ગયા!  ગયા એટલે ક્યાં ગયા? મૃત્યુ પછી મનુષ્યો ક્યાં જતા હશે? તેઓ જન્મ લેવા આવે છે તો ક્યાંથી આવતા હશે? સાથે શું લાવતા હશે? પૂર્વજન્મના સત્કર્મ? સુખ - દુ:ખ? પૂણ્ય? પાપ?

‘પૂર્વ જન્મ શું હોય છે? જો પુનર્જન્મ જેવું કંઈ હોય તો હું પરમાત્મા પાસે પ્રાર્થના કરીશ કે આવતા જન્મે બાબા મારા પેટે જન્મે. મારા પર તેમણે કરેલા અનંત ઊપકારનું ઋણ ઉતારવાનો પ્રયત્ન કરીશ.  તેમને મેં મનસ્તાપ આપ્યો હતો તેની ભરપાઈ કરીશ…

‘પેલા સાડા ત્રણ - ચાર વર્ષમાં મારા અને વિશ્વાસના ગ્રહ અક્ષરશ: એકબીજા પર તૂટી પડ્યા હતા. તેમાંથી સર્જાયેલ ઝંઝાવાતનો ફટકો બાબાને વાગ્યો. બાબાના અકાળ મૃત્યુ માટે હું જ જવાબદાર છું. ભલે અન્ય કોઈએ આ વાત ઉચ્ચારી ન હોય, મનમાં તો સૌ સમજી ગયા હશે…
‘છેલ્લા ચાર વર્ષથી બાબાની તબિયત કથળતી ગઈ. વિશ્વાસ મારા જીવનમાં આવ્યો ન હોત તો કદાચ બાબા થોડા વધુ વર્ષ જીવી શક્યા હોત... બાબાએ વધુ જીવવું જ જોઈતું હતું.
‘વિશ્વાસ પર મેં પ્રાણથી પણ વધુ પ્રેમ કર્યો…આ પ્રેમને કારણે જ મારા જીવન પર નશો ચઢ્યો હતો…નશો તો ચઢ્યો પણ છેલ્લી ઘડીએ મેં શા માટે પીછેહઠ કરી?’ 

ચંદ્રાવતી વિશ્વાસના સાંત્વન-પત્રને ફરીથી વાંચવા લાગી. “ધ રિસ્પૉન્સિબિલિટી અૉફ કમ્ફર્ટિંગ અૅન્ડ લુકીંગ આફ્ટર  યૉર મધર અૅન્ડ બ્રધર લાઈઝ અૉન યૉર ટેન્ડર શોલ્ડર્સ અૅન્ડ આઈ અૅમ કૉન્ફિડન્ટ…”

ચંદ્રાવતીએ પત્રની ગડી કરી મૃદુતાપૂર્વક વિશ્વાસનાે પત્ર કવરમાં પાછો મૂક્યો.

તેણે બારી બહાર નજર કરી તો તેની નજર સમક્ષ ઊભરી આવ્યાં જુના પરિચિત દૃશ્યો. લીલાછમ ઘાસમાંથી નીકળતી નાગણ જેવી વાંકીચૂંકી પગદંડી, આજુબાજુના વૃક્ષો અને તેમની એકબીજા સાથેના આલિંગનમાં વિંટળાઈ વળેલી ડાળીઓ, ઝાડની ઘટાઓની પેલી પાર દેખાતો હનુમાનજીના મંદિરનો કળશ, દવાખાનાના મુખ્ય હૉલનો ગોળ ઘૂમ્મટ... ડામરવાળી ઠંડી સડકના જમણી તરફના છેવાડા પર આવેલ રાજમહેલ, તેના પર ફરકતો ભગવો ધ્વજ, પત્થર કંડારીને તૈયાર કરાયેલ જાળીઓનો હવામહેલ! સામેના ડુંગર પરનાં શ્વેત - શુભ્ર જૈન મંદિર, અને બાજુની પહાડી પરનું મહાદેવજીનું મંદિર! ધીરે ધીરે આ બધાં દૃશ્યો ધૂમ્રમય થવા લાગ્યા. ચંદ્રાવતીની ઘૂંટણ પરની સાડીની પાટલીઓ તેના આંસુંઓથી ભીંજાઈ ગઈ.

અચાનક તેને યાદ આવ્યું. આ પંદર દિવસમાં જામુની દેખાઈ નથી. સત્વંતકાકી બાને મળવા આખા દિવસ દરમિયાન આવતાં જતાં હતાં. જામુની વિશે તેમને પૂછવું શક્ય નહોતું. 
‘સત્વંતકાકીએ સમજીને જ મિથ્લા - જામુનીને બંગલે મોકલવી જોઈએ કે નહિ? જામુની મારી પાસે હોત તો તેને વળગીને મેં મુક્ત મનથી રડી લીધું હોત. હું સાવ એકલી પડી ગઈ છું. જામુની હોત તો તેને ગોદમાં લઈને હું સૂઈ જાત…
‘શાંતા ફોઈ અને મોટાં મામી બાની આજુબાજુએ કિલ્લાની જેમ ચોકી પહેરો કરી રહ્યા હતા. કોઈને પરવા નહોતી કે ચંદાને સુદ્ધાં આઘાત લાગ્યો છે. તેને પણ અસહ્ય દુ:ખ થયું છે તે ધ્યાનમાં રાખી તેને દિલાસો આપવો, કે કોઈના ખભા પર મસ્તક ટેકવીને રડી લેવાની ભાવના તેને થતી હશે, એની કોઈને પડી નહોતી.

‘આજે જામુની મારી પાસે જોઈતી હતી’ આ વિચારમાં જ તેની આંખમાંથી અશ્રુનું ટીપું સરી પડ્યું.

“જીજી, તને શાંતાફોઈ બોલાવે છે, બાની રુમમાં. અને જો, બાની સામે જઈને રડવાનું શરુ ન કરતી,” બહેનની રુમમાં આવી પોતે જ આંસુ સારતાં શેખર બોલ્યો.

ચંદ્રાવતી ધીમે ધીમે પલંગ પરથી નીચે ઉતરી અને બાના કમરામાં ગઈ. શાંતાફોઈ જાનકીબાઈની પડખે પલંગ પર બેઠાં હતાં.

“મોટાભાઈ પૂછે છે, આગળ શું કરવું છે તે તમે લોકોએ નક્કી કર્યું?” ચંદ્રાવતીને ઉદ્દેશી શાંતાફોઈએ પૂછ્યું.

“શું નક્કી કરવાનું છે?” જાનકીબાઈએ નિ:શ્વાસ નાખીને પૂછ્યું.

“મોટાભાઈ કહે છે, થોડા દિવસ ઈંદોર આવો. તમને ઠીક લાગશે.”

ચંદ્રાવતીના કપાળ પર સૂક્ષ્મ આંટીઓ ચઢી. શેખર જાનકીબાઈની સામે ભીંતને અઢેલીને ઊભો હતો.

“મોટો સવાલ બંગલાનો છે. તેનું શું કરીશું?” જાનકીબાઈ દુ:ખની સીસકારી કરીને બોલ્યાં.

“બંગલો ભાડે આપીશું. શેખરને ગામમાં ભાડેથી એક રુમ સહેલાઈથી મળી જશે,” ચંદ્રાવતી બોલી.

“ગામમાં? એકલો? ના રે બાઈ! હવેથી શેખર મારી નજર સામે જ રહેશે. તે હવે ઈંદોર રહીને ભણશે,” જાનકીબાઈએ મક્કમતાથી કહ્યું.

“તો પછી બંગલો બંધ કરીને જઈશું,” ચંદ્રાવતીએ કહ્યું.

“બંગલો બંધ કરીને કેમ ચાલશે?”

“ઈંદોર જવાનું નક્કી કરશો તો બંગલો ભાડે આપીશું. શેખર કોઈ કોઈ વાર આવીને ભાડું લઈ આવશે. જરુર પડ્યે બંગલાનું સમારકામ કરાવી લેશે.”

શેખરની આંખો લાલ થઈ હતી, તે અનિમેશ નજરથી ડૉક્ટરસાહેબના હાર ચઢાવેલા ફોટો તરફ જોઈ રહ્યો હતો.

“તારાં લગ્ન, શેખરનું શિક્ષણ - આ બધા માટે હાથમાં પૈસા જોઈએ કે નહિ?” જાનકીબાઈએ સમજાવટના સૂરમાં ચંદ્રાવતીને કહ્યું.

“કેટલી હોંશ હતી મારા ભાઈને! મને હંમેશા કહેતો કે ચંદાના લગ્નમાં આમ કરીશું ને તેમ કરીશું. પણ રંગોળીથી સજાવેલી ફરશ પર મૂકેલા પાટલા પર સજોડે બેસવાનું તેના નસીબમાં નહોતું,” કહી શંાતાફોઈએ આંખે પાલવ લગાડ્યો.

“દીકરા, તું કહે, આપણે શું કરવું જોઈએ?” શેખર સામે જોઈ જાનકીબાઈએ પૂછ્યું.

“તારી ઈચ્છા પ્રમાણે કરીશું.”

“મને તો હવે અહીં કાંઈ ચેન પડવાનું નથી, નણંદબા. આ બેઉ છોકરાંઓને લઈ બાપદાદાઓની છત્રછાયા નીચે બેસીને ‘હરિ! હરિ! કરતાં બેસી રહેવાનું મેં નક્કી કર્યું છે. મને એકલીને આ જવાબદારી ન ખપે.” જાનકીબાઈએ મક્કમ સ્વરમાં કહ્યું.

“ચંદા, તારે આ બાબતમાં શું કહેવું છે તે એક વાર બોલી નાખ ને, બાઈ! પાછળથી કટકટ કરીશ કે હું છોકરી હતી એટલે મને કોઈએ પૂછ્યું નહિ’ તે નહિ ચાલે.” શાંતાફોઈએ કડક અવાજમાં કહ્યું.

“આ બંગલો વેચવો મને ઠીક નથી લાગતું. આ બંગલામાં અમે નાનાંથી મોટાં થયાં છીએ.”

“એ બધું સાચું, પણ હજી તારાં લગ્ન, શેખરનું ડૉક્ટરીનું શિક્ષણ - બધું બાકી છે. મોટાભાઈને તું કંઈ ભારરુપ થવાની નથી. પણ વિચાર કર, આજકાલ મોંઘવારી કેટલી ભીષણ છે એ તો તું જાણે છે. અને ઈંદોર કીધું એટલે આપણે ત્યાં ગમે તે સગો ગમે ત્યારે આવીને ઉતરે. ત્રણ - ત્રણ દીકરીઓનાં લગ્ન કરાવીને મોટાભાઈના મોઢામાંથી ફીણ નીકળી ગયાં. ચંદ્રકળાના સાળુ જેવી કાળી માટીની જમીનો વેચી ત્યારે તેમની છેલ્લી બે છોકરીઓ પધરાવાઈ. કેવી રીતે એ ના પૂછીશ. પણ તેમની વાત જુદી અને તારી વાત જુદી.” શાંતાફોઈએ અછડતો કટાક્ષ કર્યો.

ચંદ્રાવતીએ તેમની સામે પ્રશ્નભરી નજરે તાકીને જોયું.

“એટલે…એટલે… જો…મારું તો કહેવું છે કે તારી પસંદ - નાપસંદ, તારી આદત, રહેણી - કરણી, એ બધું ધ્યાનમાં લેવું જોઈએ કે નહિ?” શાંતાફોઈ સમજાવટના સ્વરમાં બોલ્યાં. 

“નણંદબા, તમે જ આને સમજાવો.” 

“દાયજો માગનારની સાથે હું લગ્ન કરવાની નથી, ફોઈ.”

“હવે બહુ થયાં તારાં ફારસ! “ હવામાં હાથ જોડી ત્રાસેલા અવાજમાં શંાતાફોઈ બોલ્યાં.

“નણંદબા, જેઠજીને કહો, ભાભી બંગલો વેચવા માગે છે,” જાનકીબાઈએ નિર્ણાયક અવાજમાં કહ્યું.

હૉલમાં બેસી મોટા કાકા અને સુરતવાળા મામા આ વાર્તાલાપ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા.

“આ સિવાય બીજો કોઈ માર્ગ ક્યાં છે? ઈંદોરમાં આવડી મોટી હવેલી છે. એક માળ તમે વાપરજો. એક માળ મોટાભાઈ વાપરશે. એકબીજાના આધારે રહેજો. અહિંયા આમ એકલાં રહેવું કાંઈ લોકરીત કહેવાય? અહીં સારંગપુરમાં એકલાં રહેશો તો દુનિયા મોટાભાઈ વિશે ગમે તેવી વાતો કરવા લાગી જશે,” કહી શાંતાફોઈ હૉલમાં આવ્યાં.

જીવનનો એક અધ્યાય પૂરો થયો. 


***

No comments:

Post a Comment