Pages

Friday, January 15, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૯

સાંજ થવા આવી હતી. આકાશમાં મેઘ ભરાઈ આવ્યા હતા. ડુંગરાઓ, વૃક્ષોની ટોચ અને ધરતી પરની હરિયાળી પર સૂર્યનાં ફિક્કા કેસરી રંગના તડકા પર વાદળાંઓની છાયા તરી રહી હતી. ચંદ્રાવતીનું મનોમંથન શરુ થઈ ગયું.
‘બાબા હા કહેશે કે ના? અને હું પણ કેવી ઘેલી થઈ ગઈ? પ્રથમ દૃષ્ટિએ વિશ્વાસના પ્રેમમાં પડી અને બે - ચાર મુલાકાતમાં જ તેની સાથે લગ્ન કરવા નીકળી પડી? મારે તેને ફરી કેટલીક વાર મળવું જોઈએ, એકબીજાને સરખી રીતે સમજવાની કોશિશ કરવી જોઈએ. પણ સારંગપુરમાં આ કેવી રીતે શક્ય થાય? બંગલાનું પણ વાતાવરણ જુઓ! અહીંના બંધિયાર, ગુંગળામણ ભર્યા પર્યાવરણથી હું તો કંટાળી ગઈ છું. બાનો સતત ચોકી પહેરો અને તેના સખત બંધનોથી મારો જીવ ઊબી ગયો છે.
‘આમ અચાનક વિશ્વાસ સાથે ભાગી જઈશ તો તેનો ઝટકો બા જીરવી શકશે?
‘બાબા અને બાને મૂકીને દૂર ઈંગ્લંડમાં હું રહી શકીશ?
‘મૅટ્રિકની પરીક્ષાઓ પૂરી થતાં જ બા મને મુંબઈ લઈ જવાની હતી અને મૂરતિયાઓની કતાર ખડી કરવાનું મોહનમામાને કહ્યું હતું. પરીક્ષા પહેલાં જ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને મુંબઈમાં બૉમ્બ ફૂટ્યા. આ જાણે ઓછું હોય, ત્યાં હિંદુ - મુસલમાન વચ્ચે હુલ્લડ, આગ ચાંપવાના બનાવ અને ‘અંગ્રેજો, ભારત છોડો’ના હંગામા શરુ થઈ ગયા હતા તેથી આજનું મરણ કાલ પર ટળ્યું હતું. આમ જોવા જઈએ તો આ પરિસ્થિતિમાં ફાંસીની સજા રદ થઈ હતી. તેના સ્થાને કન્યા - પ્રદર્શનની સજા મારા પર ઠોકી બેસાડવામાં આવી અને તે ભોગવવાનું બાકી રહ્યું છે! લોકો આવશે, મને જોશે અને કન્યા પસંદ કે નાપસંદ, તેનો નિર્ણય લેવાશે.’
‘બે વર્ષ પહેલાં મોટા મામાની દીકરી સુશીના લગ્નમાં મામીનો દૂરનો સગો આવ્યો હતો. ઈંગ્લંડથી તાજો જ બૅરિસ્ટર કે એવી જ કોઈ પરીક્ષા પાસ કરીને આવ્યો હતો. દેખાવડો, રુવાબદાર અને ફટાફટ અંગ્રેજી બોલનારો આ યુવાન મામા પાસે ઉભો હતો. સિમંતપૂજન વખતે અમે બધી છોકરીઓ બની ઠનીને પૂજા માટે જતી હતી ત્યારે અમારા આ ગોરા ગોરા મામાએ તેમની મોટી ફાંદ પર પીતાંબરની ગાંઠ સંભાળતાં સંભાળતાં અમારી તરફ પ્રેમથી જોઈને બાને કહ્યું હતું કે સુશીનાં લગ્ન પતી જવા દો, પછી આ બધી છોકરીઓની લાઈન આપણા આ શાંતારામની સામે ખડી કરી દઈશ અને કહીશ, આમાંથી જે પસંદ પડે તેને લગ્ન કરીને લઈ જા!
‘અને મેં તો ફટ્ દઈને કહી નાખ્યું હતું કે હું નહિ ઊભી રહું…અને મામા..એવા તો ગુસ્સે થયા હતા! બોલ્યા, “કેમ, અલી ચંદા, તું પોતાને શું સમજે છે? ઝાંસીની રાણી? માબાપનાં  આટલાં બધાં લાડ કે છોકરાં નફ્ફટ થઈ જાય?” કહી બા તરફ અગ્નિભર્યા કટાક્ષથી જોઈ તેઓ જોરથી બરાડ્યા હતા. બા તો એવી ગભરાઈ ગઈ હતી કે કશું બોલી ન શકી, પણ મારી સામે જોઈ નજરથી જ મને દબડાવવા લાગી હતી!
‘પોતાનું પ્રદર્શન કરાવી લેવાના આવા અપમાનજનક સમારંભમાં એક તો હાજર થવાનું અને ઊપરથી મોટો દાયજો આપી લગ્ન કરાવવા કરતાં કુંવારા રહેવું શું ખોટું? આ વિચાર તો મને હવે સૂઝી રહ્યા છે. પસંદગી માટે મૂરતિયાઓ પાસે મોકલવા માટે નવ ગજના સાડલામાં, ઘરેણાંમાં મઢાયેલી સુશીનાં પાડવામાં આવેલા ફોટા જોઈ એવું થયું હતું કે આપણે સુશીની ઉમરનાં હોત તો આપણા પણ આવા જ ફોટા પડાવ્યા હોત અને ઠેકઠેકાણે મોકલવામાં આવ્યા હોત! તે વખતના આપણા વિચાર કેવા હતા અને અત્યારે કેવા છે! પુસ્તકો વાંચ્યા, નવી વિચારધારાઓની અસર થઈ અને મન કેવી રીતે બદલાતું ગયું તેનો ખ્યાલ પણ ન રહ્યો! મારી પોતાની વાત કરું તો હવે હું કદી મારું આ જાતનું પ્રદર્શન નહિ કરાવું. 
‘મોટામામાની લાડકી ભાણી તરીકે તેઓ હંમેશા કહેતા કે ચંદાના લગ્નમાં મોંઘું પટોળું અષ્ટપુત્રી (મામા તરફથી કન્યાને લગ્નમાં પહેરવા અપાતી કિમતી સાડી) તરીકે શુકનમાં આપીશ એવું પ્રેમથી વારંવાર કહેનારા મામાને વિશ્વાસ સાથેના થનારા મારાં લગ્નથી કેવું લાગશે? પરજાતિમાં અને તે પણ ભાગી જઈને?
‘લોકોને જે લાગવું હોય તે લાગે, પણ અમારો જીવનસાથી પસંદ કરવાનું સ્વાતંત્ર્ય અમને હોવું જોઈએ કે નહિ?
‘ઈંદોરના મોટા કાકા અને શાંતાફોઈ હાહાકાર કરશે એ જુદું. જો કે કાકા અને બાબા વચ્ચે બહુ બોલવા કરવાનો સંબંધ નથી, તેથી તેમની ચિંતા કરવા જેવું નથી.
‘પણ…વિશ્વાસ સાથે સંસાર કરવાનું કામ લાગે છે એટલું સહેલું હશે કે? અહીં સારંગપુરમાં તેનું પોતાનું હક્કનું ઘર છે, તે છોડી તેની માસીને ઘેર કોલ્હાપુરમાં જઈને રહેવું કેટલું યોગ્ય છે? અને હરિયાલી તીજ તો સાવ નજીક આવી છે…
‘વિશ્વાસના ઘરના રીતરિવાજ, એ લોકોનું વર્તન, એમની બોલવાની રીત, અમારો પોતાનો અપવાસ - વ્રત પાળવાનો શિરસ્તો, દર ગુરુવાર અને સોમવારના અપવાસ -  આ બધાનો મેળ એમના ઘરમાં કેવી રીતે પડશે? અને વિશ્વાસનો અહંકાર, તેનું જોહુકમીપણું,  પોતાના કૂળ વિશેનું અભિમાન -  આ બધી વાતોનું સમતોલન કેવી રીતે જળવાશે?
‘બ..ધ્ધું વ્યવસ્થિત રીતે જળવાઈ જશે! વિશ્વાસના સ્વભાવની તીવ્રતા મારા સહવાસથી એની મેળે જ મૃદુલ થઈ જશે! કંઈ નહિ તો પ્રયત્ન તો જરુર કરીશ. પ્રેમના મજબૂત પાયા પર ઊભો થતો આપણો સંસાર સુંદર, આકર્ષક અને એકબીજાના વ્યક્તિવિકાસને પોષક જ નીવડશે…
‘વિશ્વાસની વિચારસરણી થોડી સમતોલ હોત તો કામ સરળ થઈ જાત. તેનો સ્વભાવ આટલો ઉતાવળિયો નહોતો હોવો જોઈતો. અહંકાર પણ થોડો સમતોલ હોવો જોઈતો હતો. તેની ભાષા અને ઉચ્ચાર…
‘એના ઉચ્ચાર સુધારવા જતાં મારા જ ઉચ્ચાર ન બગડે તો સારું!’ 

વિચારોના આ વમળોમાં ફસાયેલી ચંદ્રાવતીની આંખો પર નિદ્રાનું ઘેન ચઢવા લાગ્યું. બડેબાબુજીના આંગણામાં ગવાતી તુલસીકૃત રામાયણની ચોપાઈઓનાં સૂર હવાની લહેર પર સવાર થઈને આવી તેના કમરામાં વેરાઈ રહ્યા હતા.

No comments:

Post a Comment