Pages

Wednesday, January 13, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૮


ચાર દિવસમાં જ મૅટ્રિકની પરીક્ષાઓ પતી ગઈ. શાળામાં વિદ્યાર્થિનીઓને ‘સેન્ડ અૉફ’ અપાયો. હેડમિસ્ટ્રેસ મિસ જોહરી તથા શાળાની અન્ય શિક્ષીકાઓએ તેમના ઘરમાં ટી પાર્ટી રાખી. આજે મંજુલા શિર્કેની હવેલીમાં બધી છોકરીઓને મિજબાનીનું નિમંત્રણ હતું. નોકર - ચાકર દોડાદોડી કરી રહ્યા હતા. હૉલમાંના મસ મોટા ટેબલ પર જાળીદાર ચાદર બિછાવવામાં આવી હતી અને તેના પર ચાંદીના થાળ - કટોરા ગોઠવવામાં આવ્યા હતા.
રસોડામાંથી હૉલમાં અને હૉલમાંથી રસોડામાં દોડ ધામ કરી રહેલા નોકરો પર મંજુલાનાં સાવકાં મા સાહેબ એક પછી એક હુકમ છોડ્યે જતા હતાં. લાલ મરચાંના તેલિયા વઘારથી તરબતર બે પ્રકારનાં મટન, પુલાવ,  પૅટિસ અને બે પ્રકારનાં મિષ્ટાન્ન પીરસવામાં આવ્યા હતા. 
જરીનો સાળુ અને ઘરેણાંથી લદાયેલાં મંજુલાના મા સાહેબ માથા પર પાલવ સરખો કરતાં હૉલમાં આવીને નરમ ગાદીની ખુરશી પર આવીને બેઠાં. બધી છોકરીઓએ ઊભા થઈને તેમને નમસ્તે કર્યા. 
“પેટ ભરીને જમજો, બાયું. આજે સાવ સાદું જમન બનાયું છે. અમારો ખાનસામો છુટ્ટી પર ગયો છે. એના દીકરાના લગન કાઢ્યાં છે એણે. બૌ તકલીફ થઈ અમને, નહિ તો સરદાર શિર્કેના ઘરનું જમન એટલે ચાર - છો જાતના મટન તો જોઈએ જ. આ પે’લાં અમે કેસર ઘોળીને પુલાવ બનાવતાં અને ઘોળ્યા પછી કેસરનો કૂચો કચરામાં ફેંકી દેતા. તમે પરભૂ લોકો માછલીમાં આમલી ઘોળીને નાખ્યા પછી કૂચો ફેંકી દ્યો સો ને? ઈમ,” કહી તેમણે ચંદ્રાવતી તરફ તુચ્છતાભર્યો કટાક્ષ કર્યો.
“પે’લાં ટાઢી રોટલિયું કૂતરાંઓને ખવડાવતાં. હવે મોંઘાઈ વધી ગઈ એટલે નોકરોને ખવડાવવી પડે સે.”
વિષયાંતર કરવા ચંદ્રાવતીએ કહ્યું, “મા સાહેબ, આપે કેટલી બધી વાનગીઓ બનાવડાવી છે! આ બધું કેવી રીતે ખતમ કરીશું?”
“આરામથી પેટ ભરીને જમજો. બધું પૂરું કરવાનું સે. ચંદા, અમે હાંભળ્યું સે કે ભનવામાં તમે બૌ હુશિયાર સો. મંજુલારાજે હંમેશા તમારી તારીફ કરતા હોય સે. પન હું કઉં સૂં, બાયુંની જાતને આટલી હુશિયારી શા કામની? હેં? આટલી બધી પઢાઈ કર્યા પછી પણ અંતે તો તે રસોઈમાં અને ચૂલો ફૂંકવામાં જ જાવાની, હાચૂં ને?”
ચંદ્રાવતીનો સંતાપ તેની આંખમાંથી તણખાની જેમ ઝરવા લાગ્યો. મંજુલાએ તેને શાંત રહેવા આંખોથી ઈશારો કર્યો. જમ્યા પછી તેના કમરામાં જઈ તેણે ચંદ્રાવતીના કાનમાં કહ્યું, “મા પર ગુસ્સો ના કરીશ, ચંદા. આજકાલ કોને શું કહેવું અને શું ન કહેવું એનું તેને ભાન નથી રહેતું. ગરીબ ઘરમાંથી આવી છે અને આખો જન્મારો તેણે તનતોડ મહેનત કરી છે. હું એક વર્ષની હતી ત્યારે મારી મા ગુજરી ગઈ અને પિતાજી તેમની સાથે લગ્ન કરી ઘેર લઈ આવ્યા. ત્યારથી તેમણે જ મને સંભાળી છે.”
“હશે. આવું તો ચાલ્યા જ કરે. આવી વાતો પર આપણે ધ્યાન ન આપવું જોઈએ. અને આપણું ભણતર બેકાર કેવી રીતે જાય? મિસ જોહરીનો જ દાખલો જુઓ ને!” 
મિસ જોહરીનો ઉલ્લેખ થતાં કેટલીક છોકરીઓ હસવા લાગી. 
“કેમ વળી? હું કાંઈ ગલત બોલી ગઈ?” ચંદ્રાવતીએ પૂછ્યું.
“અલી, તું આટલી હોંશિયાર અને હંમેશા પહેલો નંબર લાવનારી! તું વરી ગલત વાત કેવી રીતે કરીશ?”
“એટલેે?”
“તેં મિસ જોહરીનાં લફરાંની વાત નથી સાંભળી?”
“આવી વાતો પર મારો વિશ્વાસ નથી હોતો.”
ખડખડાટ હસીને અંજિરા બોલી, “વિશ્વાસ તો તારો જ! તે વળી બીજી કોઈને કેવી રીતે હોય?”
ફરી એક વાર છોકરીઓમાં હાસ્યની છોળ ઊડી.
“એટલે?” ડઘાઈ ગયેલી ચંદ્રાવતીએ સવાલ પૂછ્યો.
“એટલે…કેટલે...દીવો બળે એટલે, વાઘના પંજા ને કૂતરાનાં કાન, ચંદાના શુભ લગ્ન સા…વ…ધાન! - તે પણ વિશ્વાસ પવાર સાથે!” હસતાં હસતાં અંજિરા બોલી.
મંજુલા તટસ્થ રહીને બોલ્યા વગર બેસી રહી.
“પરીક્ષાના પહેલા દિવસે તે વરંડામાં ઉભો રહીને તાકી તાકીને તારી તરફ જોઈ રહ્યો હતો અને તું શરમાઈને લાલ લાલ થઈ ગઈ હતી. મ’કું, મારું ધ્યાન હતું, હોં કે!” અંજિરાએ ચંદ્રાવતીને ફરીથી છેડી. ચંદ્રાવતી ઊઠીને બીજા કમરામાં જતી રહી.
“મેં તો આવું કશું જોયું નહિ,” શીલાએ કહ્યું. “વિશ્વાસનું મૅટ્રિકનું સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે તેથી તે ડુપ્લિકેટ કઢાવવા પ્રિન્સીપલની અૉફિસમાં જતો હતો. આપણા તરફ નજર કરી એનો અર્થ…”
“તું બી ખરી છે, શીલા. ચંદા તારી જાતવાળી એટલે એની બાજુ તું નહિ તો બીજું કોણ લેશે?” અંજિરાએ કહ્યું.
થોડી વારે રમત ગમત શરુ થઈ. પત્તાં રમાયાં, ચા-પાણી થયાં અને ચંદ્રાવતીએ મંજુલાની રજા લીધી. શીલાને ઘોડાગાડીમાં બેસાડી ચંદ્રાવતી તેને તેના ઘેર છોડવા ગઈ. 
“આજની પાર્ટી શા માટે હતી, ખબર છે તને?” શીલાએ પૂછ્યું. “મંજુલાનાં લગ્ન નક્કી થયાં છે. તેનો વર સાવંતવાડીના રાજપરિવારમાંથી આવે છે. તેની અટક થોરાત છે અને મિલિટરીમાં અફસર છે.”
"તને કેવી રીતે ખબર પડી?"
"ભૈ, અમે ગામમાં રહીએ છીએ. અહિંયા તો પાંદડું હલે તો તેની પણ ખબર સૌને પડી જતી હોય છે."
વાતવાતમાં ઘોડાગાડી શીલાને ઘેર પહોંચી.
“અંદર આવ ને? આ બપોરના તડકામાં ઘેર જઈને શું કરીશ? ઉપર આરામથી પડ્યાં પડ્યાં વાતો કરીશું.” શીલાએ ચંદ્રાવતીને કહ્યું. ચંદ્રાવતી તેની સાથે ઉતરી અને શીલાના કમરામાં ગઈ.
“તે દિવસે પરીક્ષાના હૉલમાં ન આવવા માટે વિશ્વાસને સંદેશ આપવાનું કહ્યું હતું તે તું ભુલી ગઈ?” ચંદ્રાવતીએ પૂછ્યું.
“મેં તો તેને ભારપૂર્વક મના કરી હતી. તે આવી પહોંચે તેમાં હું શું કરું?”
થોડી વારે શીલાનાં બા દાદરો ચઢી છોકરીઓ માટે શરબતના ગ્લાસ લઈ આવ્યાં.
તેઓ નીચે જતાં જ શીલાએ કહ્યું, “વિશ્વાસ સાથે તારું લફરું શરુ થયું ત્યારથી વિશ્વાસ કંઈ ને કંઈ બહાનું કાઢી અમારે ઘેર આવતો હોય છે અને તારા માટે સંદેશો મૂકતો જાય છે. આજે પણ આવવાનો છે. નકરી માથાકૂટ ખડી કરી છે તમે બન્નેએ મળીને!” ચંદાને મીઠી ચૂંટી ખણી શિલા બોલી.
“બાપ રે, બાપ! આજે તે અહીં આવવાનો છે? હું તો ભૈ આ ચાલી…” ચંદા ઊભી થવા જાય ત્યાં નીચે બારણાંની સાંકળ ખખડાઈ. શીલા દોડતી દાદરો ઉતરી ગઈ. દરવાજો ખોલ્યો તો બારણાંની ચોખટમાં વિશ્વાસ ઉભો હતો.
“કોણ આવ્યું છે?” અંધારિયા રસોડામાંથી શીલાનાં બાએ પૂછ્યું.
“કાકી, એ તો હું છું, વિશ્વાસ. રાનીમાએ ખાસ મોકલ્યો છે. માસ્તરસાહેબે પૂજાઘરની ડિઝાઈન પૂરી કરી છે કે નહિ તે જોવા માટે.”
“તમે જરા ઉપર જઈને માસ્તરસાહેબના કમરામાં બેસો. તેઓ બહાર ગયા છે.આવતા જ હશે.”
વિશ્વાસ દાદરો ચઢી ઉપર ગયો. શીલાના કમરામાં ડોકિયું કરીને જોયું તો ચંદ્રાવતી બારીમાંથી લિમડાનાં ઝાડ તરફ એક ટસે જોઈ રહી હતી.
“આજે હવા કંઈ વધાર ગરમ થઈ હોય તેવું લાગે છે, કે…મ શીલાબેન? માનસ માનસને ઓળખતા બી નથી!” વિશ્વાસ મશ્કરીમાં બોલ્યો.
“હવા ગરમ છે કે ઠંડી એ તમે તમારું જોઈ લો. ત્યાં સુધીમાં હું તમારા માટે ચ્હા લઈ આવું છું. જે કંઈ કરવું છે તે ઝટપટ પતાવો. બાબા અર્ધા કલાકમાં પાછા આવવાના છે,” કહી શીલા નીચે ગઈ.
“એ, જી, કહું છું, અમે આવ્યા છીએ. જરા’ક ગરદન ઊંચી કરશો કે નહિ?” ચંદ્રાવતીની નજીક જઈ વિશ્વાસ બોલ્યો.
“પરીક્ષાના હૉલમાં કોઈ લાડવો દાટ્યો હતો તે ત્યાં પહોંચી ગયા?” વિશ્વાસ તરફ જોયા વગર જ ચંદ્રાવતી બોલી.
“અમારી ખુશી, અમે આવી ગયા. હૉલ કોઈની જાગિર થોડી છે?”
“બધી છોકરીઓને ખબર પડી ગઈ. છટ્, તમારે આવું નહોતું કરવું જોઈતું. પેલી અંજિરા તો કાંઈનું કાંઈ બબડતી હતી.”
“એ તો બબડે જ ને! તેનો બાપ અમારા પિતાજી પાસે ધક્કા ખાઈ રહ્યાે છે. કહે છે, અમારી અંજિરાનો પુત્રવધુ તરીકે સ્વીકાર કરો!”
“વાહ, ભાઈ વાહ! અંજિરાના પિતા એટલે ‘અંજિરાનો બાપ’ અને તમારા એટલે ‘અમારા પિતાજી’!”
“માગું લઈ આવનાર કન્યાના બાપને છોકરીનો બાપ જ કહેવાય…” 
“એમ કે?”
“ના, ના, એવું નથી! આપના પિતાજીની વાત જુદી. એમની દીકરીનો હાથ તો અમે ઘૂટન ટેકાવીને માગીશું. મરદ છીએ તેથી પાલવ નથી પહેરતાં અમે, પન જો તે પહેરવેશ હોત તો તે પન તેમનાં ચરનોમાં પાથરી દેવામાં અમને હરકત નથી. એ જવા દો. મંજુલાના ઘરનું જમન કેવું હતું?
“બહુ જ તીખું. જીભે બળતરા ઉપડે એટલું!”
“જોયો અમારો મરાઠા સરદારોનો જુસ્સો? થોડું ખમી જાવ. અમારા જુસ્સાની જાન તો આપને હવે પછી પડવાની છે.”
“અને આ ફાલતુ જુસ્સા પર લગામ નાખવા અમે કંઈ કરીએ તો?”
“અમારા ખાનદાનમાં મરદ કદી પન બાયુંના કાબૂમાં નથી રહેતા, સમજ્યા?”
“તો પછી આ સંબંધનો સવાલ જ ઉઠતો નથી.”
“રિસાઈ ગયાં?”
“એમાં રિસાવા જેવું શું છે? અમારી પાયરીનું અમને ભાન થઈ ગયું. સારું થયું.”
“ભૈ આપને તો વાત વાતમાં બહુ લાગી આવે છે. આમ કેમ ચાલશે? ચાલો, આંખો લૂછી લો. નાની નાની વાતમાં આપની આંખ આમ છલકાવા લાગે તે બરાબર નથી. જુઓ સમય બહુ થોડો છે. હવે મુદ્દાની વાત બોલવા દો. જે કાંઈ હોય તે આપડે જલ્દી કરવું પડશે, નહિ તો પેલી અંજિરા અમારા ગળામાં આવી પડશે. અમારા પિતાજીને તે પસંદ છે.”
“તમારા ઘરમાં આપણા વિશે કોઈને જાણ છે?”
“અમારા મા સા’બને અમે વાત કરી તો તેઓ ખુશ થઈ ગયાં.  તેમનું કહેવું છે, અમારી ખુશી તેમાં તેમની ખુશી. પન અમારી વાત સાંભળી પિતાજીની તબિયત એકદમ બગડી ગઈ. કહેવા લાગ્યા છન્નું કૂળનાં મરાઠા સરદારનો હોનહાર દીકરો પરભૂની છોકરી સાથે લગન કરી જ કેમ શકે? તેમનું બ્લડ પ્રેશર એકદમ વધી ગયું, અને છાતીમાં દુ:ખાવો શરુ થઈ ગયો.” 
લડાયક મરાઠા કોમમાં એક ભેદભાવ હોય છે. ઉચ્ચ વર્ણનાં  - એટલે સરદાર - દરબાર વર્ગના મરાઠાઓ પોતાને છન્નું કૂળના અને સામાન્ય મરાઠાઓને બાણું કૂળનાં કહે છે!
“ઓ મા!” વિશ્વાસની વાત સાંભળી ચંદ્રાવતી ચોંકી ગઈ.
“અરે, પિતાજીની આ હંમેશની વાત છે. એક તો ખાવા-પીવામાં પથ્ય પાળતા નથી અને બીજી બાજુ નાનાં નાનાં કારનથી તબિયત ખરાબ કરી લે છે. આ બધું જવા દો. અમને રાવરાજાએ એક તરકીબ બતાવી છે. એક સવારે આપ ઘર છોડવાની તૈયારી કરીને જ બગીચામાં આવજો. બંગલાથી થોડે દૂર મોટર ઊભી હશે. આપે કમ્પાઉન્ડની વાડ ઠેકીને બહાર આવવાનું છે. અમે જ આપનો હાથ પકડીને આપને બહાર ખેંચી લઈશું. છાને પગલે મોટર સુધી જઈશું અને ઠેઠ કોલ્હાપુર પહોંચી જઈશું, અમારાં માસી સાહેબને બંગલે. આ ક્યારે કરવું એનો વિચાર કરીશું.”
ચંદ્રાવતીનું હૈયું ધક -ધક કરવા લાગ્યું.
“આવું તે કાંઈ થતું હશે? મારા બાબાના કાન પર આ વાત જવી જ જોઈએ. તેઓ મારી ઈચ્છાની વિરુદ્ધ કદી નહિ જાય એવી મને ખાતરી છે,” તેણે વિશ્વાસને કહ્યું.
“અને તેઓ આપની વાત નકારી કાઢે તો?”
“એ બનવા જોગ નથી. તમારે બાબાને મળવું જોઈએ.”
“એ બધું જવા દો. આપ આવતા આઠ દિવસમાં અહીંથી નીકળવાની તૈયારી કરી રાખજો. અમે શીલાબેન દ્વારા બધી ખબર પહોંચાડીશું.”
“આઠ દિવસમાં આ કરવું શક્ય નથી. હરિયાલી તીજ સાત દિવસ પર આવી પહોંચી છે. અમારા બંગલે ઝૂલા-બંધનનો મોટો ઉત્સવ થતો હોય છે.”
“એ તો ખબર છે અમને.”
“હરિયાલી તીજ પતી જવા દો. પછી જે કરવાનું હોય તે કરીશું.”
“જુઓ, આવા ધર્મકાર્યોનો તો આપના ઘરમાં અંત નથી. આજે હરિયાલી તીજ, પછી જન્માષ્ટમી, રક્ષાબંધન, ગનપતિ, નવરાત્રી…જુઓ, આઠ દિવસમાં ભાગી છૂટવાની તૈયારી કરી લેજો. મહારાજા સાહેબની સવારી ઓરછા જવાની છે. સવારી રવાના થતાં જ અહીંથી નીકળી જઈશું. કોલ્હાપુરમાં માસી સાહેબને ત્યાં બે મહિના રહીશું. ત્યાંથી ચાન્સ મળતાં જ ઈંગ્લૅન્ડ જતાં રહીશું. બંગલામાંથી નીકળતી વખતે આપે સાથે કશું લેવાનું નથી. રાવરાજા બધો બંદોબસ્ત કરવાના છે. આપના માટે કપડાં-લત્તાં, મંગળસૂત્ર, બધું જ તૈયાર…”
એટલામાં દરવાજાની સાંકળ વાગી. માસ્તરસાહેબ આવી ગયા હતા. “અમે કહેલી વાત બરાબર યાદ રાખીને તૈયારી કરી લેજો,” કહી તે શીલાના કમરામાંથી નીકળી માસ્તરસાહેબની રુમમાં પહોંચી ગયો.
“આવો મા’સ્સાબ. અમે ક્યારના આપની રાહ જોઈ રહ્યા હતા. રાનીમાએ પૂજાઘરનું ડ્રૉઈંગ જોવા મગાવ્યું છે તે લેવા અમે આવ્યા છીએ.”


શીલાને 'આવજો' કહી ચંદ્રાવતી શૂન્યમનસ્ક દશામાં ઘોડાગાડીમાં બેઠી. રામરતને બંગલા ભણી ગાડી હાંકી મૂકી.

No comments:

Post a Comment