Pages

Tuesday, May 26, 2015

ચિત્રકથા



આ વાર્તા વાંચતાં કદાચ લાગશે કે તે એક જાણીતી ફિલ્મની નકલ છે! આગળ જતાં જણાશે કે આ વાત અને 'પેલી' જાણીતી ફિલ્મની કથા વચ્ચે ઢાકાની મલમલ જેવો બારીક અને નાજુક અંતરપટ છે. આ અંતરપટની મુલાયમ ભાતમાં કોઈના હૃદયનાં ધબકાર વણાયેલાં લાગે તે બનવાજોગ છે.

મધ્ય પ્રદેશના એક નાનકડા રજવાડામાં સાત સૂરોનાં સાધક કલામહર્ષિ વસે છે. મા દુર્ગાની તેમના પર અસીમ કૃપા છે તેથી જ તેમની સાધના પૂર્ણ થઈ છે એવી તેમને શ્રદ્ધા છે. તેમની પાસે સંગીત શીખવા દૂર દૂરથી પ્રતિભાશાળી કલાકારો આવે છે. તેમનાં સૌથી ઉત્તમ શિષ્યો છે તેમની મોટી પુત્રી અને પુત્ર.

મોટી પુત્રી સિદ્ધ સંગીતકાર થઈ. પિતાએ હોંશથી તેને પરણાવી. તેઓ માનતા હતા કે પતિગૃહે તેની સંગીત સાધના ચાલુ રહેશે; દીકરી નવાગંતુકોને સંગીત શીખવશે અને ઘરાણાંની પરંપરા ચાલુ રાખશે. 

કમભાગ્યે સાસરિયું અત્યંત રૂઢિચુસ્ત નીકળ્યું. કોણ જાણે ક્યારે અને કોણે એવી માન્યતા ફેલાવી હતી કે તેમના ધર્મના શુદ્ધ આચરણમાં સંગીત હરામ છે, તેથી લાંબા સમયથી - છેક ભારતના એક ઐતિહાસીક બાદશાહથી માંડી અત્યાર સુધીના અનેક પરિવારો તેનું પાલન કરતા હતા. મોટી દીકરીનાં સાસરિયાં તેમાંનો એક હતો. પરિણામ અત્યંત કરૂણ નીકળ્યું. સંગીત જેનો શ્વાસ હતો, તે રૂંધાઈ ગયો. દુ:ખીત હૃદયે ખાંસાહેબે નક્કી કર્યું, નાની દીકરીને સંગીત ન શીખવવું. તેમને નાનકી પર ઘણું વહાલ હતું. તેના નાજુક અને સંવેદનશીલ હૃદય પર સંગીતને કારણે દુ:ખની સહેજ પણ છાયા ન પડે તેથી તેને સંગીતકક્ષથી દૂર જ રાખી. શિષ્યોને તાલિમ આપી, તેમને રિયાઝ કરવા કહી તેઓ પરસાળમાં રાખેલા પાટ પર બેસી દીકરીને પાંચીકા, પગથિયાં જેવી રમત આનંદથી રમતાં જોઈ ખુશી અનુભવતા. 

એક દિવસ ચમત્કાર થયો. હકીકતમાં એ ચમત્કાર નહિ, સાક્ષાત્કાર હતો.

તે સમયે નાનકી છ-એક વર્ષની હતી. અાંગણામાં પગથિયાંની રમત રમતી હતી. પિતાજી અને મોટા ભાઈ અંદરના તાલિમના કમરામાં હતા. પિતાજીએ પુત્રને સરોદ પર એક કઠિન ગત શીખવી અને કહ્યું, “બેટા, આનો રિયાઝ કરો,” કહી બહાર આવ્યા. 

ભાઈએ પહેલી વાર આ ગત વગાડી તે નાનકીએ સાંભળી. સાતમા પગથિયા પર પત્થર નાખી લંગડી કરતાં પહેલાં તેણે ભાઈને મોટેથી કહ્યું, “ભૈયા, બાબાને ઐસા નહિ, ઐસા સીખાયા,” કહી આ લાંબી ગત અણિશુદ્ધ રીતે ગાઈ સંભળાવી. ગતના compositionમાં જ્યાં નાજુક ફરક હતો તે ‘જગ્યા’ ફરીથી સંભળાવી. ફક્ત એક વાર સાંભળેલી ગત આત્મસાત કરી તેને ગાઈ સંભળાવી ત્યારે ભાઈ આશ્ચર્ય ચકિત થઈને એકદમ થંભી ગયા! ઓસરીમાં ગોઠવેલા પાટ પર બેઠેલા પિતાજી દીકરીએ ગાઈ સંભળાવેલા સૂરમાં સો ટચના સોના જેવી શુદ્ધતા અનુભવીને સ્તબ્ધ થઈ ગયા. તેમને આશ્ચર્ય થયું કે જ્યારે તેઓ શિષ્યોને તાલિમ આપતા કે પોતે રિયાઝ કરતા, નાનકી ન કદી તેમની સામે બેઠી, કે ન તેણે છાનાંમાનાં સંગીત શીખવાનો પ્રયાસ કર્યો. આજે અચાનક ઘનનીલ વાદળાં પાછળથી ઉદય પામતા શરદપૂર્ણિમાના ચંદ્રની જેમ તેની મેધાને પ્રકાશી ઉઠતી જોઈ પિતાજીએ તેને બોલાવી. હેતથી તેના મસ્તક પર હાથ રાખી તેમણે કહ્યું, “દીકરી, ખુદાએ તારામાં અમને હિરો આપ્યો છે. તેમની રહેમતનો અનાદર મારાથી કેવી રીતે થાય? કાલથી તને વિધીસર શિષ્યા બનાવી સંગીત શીખવીશ.” 

આમ શરૂ થઈ આ પ્રતિભાશાળી કન્યાની તાલિમ. પહેલાં ધૃપદ અને ધમારની ગાયકી અને ત્યાર પછી સિતાર. ટૂંક સમયમાં તેનું કૌશલ્ય જોઈ તેમણે દીકરીને ભારે મુશ્કેલ ગણાતું વાદ્ય સૂરબહાર શીખવવાનું નક્કી કર્યું. 

દીકરીની આંગળીઓમાં જાદુ હતો. તે વગાડતી ત્યારે તેના વાદ્યમાંથી નીકળતા સૂર જીવંત થઈને નૃત્ય કરતાં હોય તેવું લાગે!  પિતાજી અને ભાઈ ગૌરવથી તેની કલાનો ઉત્કર્ષ થતો જોઈ આનંદ પામતા રહ્યા. પિતાજીને ખાતરી થઈ કે એક દિવસ તેમની નાનકી દુનિયાભરમાં ઘરાણાનું નામ રોશન કરશે! 

ખાંસાહેબ રાજ્યાશ્રીત સંગીતકાર હતા. એક દિવસ રાજાસાહેબે તેમને વિનંતી કરી. ભારતના વિશ્વવિખ્યાત નર્તકના અઢાર વર્ષના નાના ભાઈ તેમની પાસે સિતાર શીખવા માગે છે. તેમને આપના શિષ્ય બનાવશો? રાજાસાહેબની વિનંતીને હુકમ માની તેમણે યુવાનને શાગિર્દ બનાવ્યો. નાનકી, તેના મોટા ભાઈ અને આ સ્વરૂપવાન યુવાન એક સાથે બેસીને તાલિમ પ્રાપ્ત કરતા હતા. ગુરૂપુત્રીની અદ્ભૂત વાદનકળા અને તેનું સાદું અને સૌંદર્યપૂર્ણ વ્યક્તિત્વ યુવાનના મનમાં વસી ગયું. તેમણે પિતા-ગુરૂને લગ્ન કરવાની રજા માગી. વિશાળ હૃદયના ખાંસાહેબે મંજુરી આપી. લગ્ન સમયે નાનકી કેવળ ચૌદ વર્ષની હતી! ખાંસાહેબે દીકરીની ખુશી ખાતર યુવાનના પરિવારની વિનંતી માન્ય કરી તેને સનાતન ધર્મ સ્વીકારવાની રજા આપી. કેવળ અઢાર વર્ષની વયે આ યુવતિને પુત્ર રત્ન લાધ્યું..

***

વર્ષો વિત્યાં. કલા સંપાદન કર્યા પિતા-ગુરૂએ રજા આપ્યા બાદ તેમનાં જાહેરમાં કાર્યક્રમો થવા લાગ્યા. પતિ-પત્નીનાં સંયુક્ત કાર્યક્રમોમાં જુગલબંધી થવા લાગી. શ્રોતાઓ અને વિવેચકોનાં ટોળાં તેમની સંગીત સભામાં હાજરી આપવા લાગ્યા. કાર્યક્રમના અંતે સૌથી વધુ વાહ વાહ થઈ હોય તો પત્નીની. એવું નહોતું કે તેના પતિમાં પ્રતિભાની કમી હતી. બન્નેની કલા પૂનમના ચંદ્ર જેવી પ્રકાશતી હતી. ફેર હોય તો એટલો કે પત્નીની કલા શરદ પૂર્ણિમાના ચંદ્રની પૂર્ણ કળામાં ઓપતી હતી. તેના અપૂર્વ પ્રકાશમાં શ્રોતાસાગર અભિભૂત થઈ આનંદની પ્રચંડ ભરતી દ્વારા હ્રદયમાં હર્ષ પ્રદર્શિત કરતો હતો. પત્નીનું સંગીત સાંભળ્યા બાદ સભાગૃહમાંથી બહાર નીકળનારાઓનાં હૃદયમાંથી જાણે ચરમ તૃપ્તિના શબ્દો નીકળતા હતા, ‘પિતા! આજે કાળના સર્વ સંતાપ શમી ગયા!”


પત્નીને મળતી અભૂતપૂર્વ પ્રસિદ્ધીને કારણે પતિના મનમાં ઈર્ષ્યા થઈ. આમ તો બન્નેના સંયુક્ત કાર્યક્રમ સુવર્ણ અને સુગંધના સમન્વય જેવા હતા, પણ પતિને તે રૂચ્યા નહિ. પુરુષપ્રધાન સમાજમાં કયો પતિ સહન કરે કે તેની પત્ની તેના કરતાં તસુ ભર સુદ્ધાં ઉંચી ગણાય? આમ જોવા જઈએ તો સાચા કલાસાધકમાં અભિમાનનો જરાય અંશ નથી હોતો. કોઈ ભાવના હોય તો તે કેવળ પરસ્પર આદર અને નમ્રતાની. અહીં પતિનો પ્રત્યક્ષ અણગમો, તીક્ષ્ણ બાણ જેવાં તેમનાં વચન અને નાની નાની બાબતોમાં પત્ની પર ઉતરી પડવું - આ બધું જોઈ પત્નીએ નક્કી કર્યું કે લગ્નજીવન સુખી કરવું હોય તો તેણે જાહેરમાં કાર્યક્રમ ન આપવો. તેણે પતિને એવું જણાવીને મા શારદા સામે હાથ જોડીને શપથ લીધી : “આજથી ખાનગી કે જાહેર કાર્યક્રમમાં કદી ભાગ નહિ લઉં.” 

પતિ હવે ખુશ હતા! દેશ ભરમાં જુદી જુદી જગ્યાએ કાર્યક્રમ આપવા જવા લાગ્યા. તેમનું સંગીત વખણાયું અને તેમની ખ્યાતિ દેશના સિમાડા પાર કરી ગઈ. વિશ્વભરમાં તેઓ પ્રખ્યાત થયા.

હવે તેમનું જીવન સુખમય થશે! બન્ને એકત્ર થશે અને તેમના સંગીતનો વારસો તેમના પુત્રને આપી આનંદથી જીવન વ્યતિત કરશે, એવું આપને લાગ્યું હોય તો તેમાં નવાઈ નથી. આગળ જતાં મુંબઈની ચિત્રસૃષ્ટી તેમના જીવન પર ચિત્રપટ બનાવશે, તેને નામ આપશે “અભિમાન” અને તેના નાયક - નાયિકા હશે અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી અને સર્વત્ર આનંદ આનંદ પ્રવર્તી રહેશે! વાત બરાબર છે. “અભિમાન” ફિલ્મ તેમના જીવન પર જ બનાવવામાં આવી હતી. ફેર થયો હોય તો કથાના અંતમાં. આગળ જતાં શું થયું તે કહેતાં પહેલાં અત્યાર સુધી કહેલી સત્યકથાનાં પાત્રોનાં સૌનાં નામ જાણીએ:

પિતા : ખાંસાહેબ અલાઉદ્દીનખાન સાહેબ. પ્રખ્યાત મૈહર ઘરાણાંના અધિષ્ઠાતા.
પુત્ર : ખાંસાહેબ અલી અકબરખાન સાહેબ. વિશ્વવિખ્યાત સરોદ વાદક.
દીકરી: મૂળ નામ રોશનઆરા ;  લગ્ન બાદ અન્નપૂર્ણા દેવી.
પતિ: પંડિત રવિશંકર. હા, એ જ પંડિતજી જેમની પાસે સંગીત શીખવા બીટલ્સ આવ્યા હતા; જેમની સાથે યેહૂદી મૅન્યુહીન જેવા વિશ્વવિખ્યાત વાયોલિનીસ્ટે જુગલબંધી કરીને ધન્યતા અનુભવી હતી ; જેમને દેશના સર્વોચ્ચ ભારતરત્નના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા!

***
કોઈ કાર્યક્રમમાં ભાગ ન લેવાની પ્રતિજ્ઞા લીધા બાદ અન્નપૂર્ણા દેવીએ પોતાની સાધના ચાલુ રાખી. પિતાનો વારસો ચાલુ રાખવા તેમણે કમર કસી. બીજી તરફ પંડિત રવીશંકરનાં દેશભરમાં અનેક કાર્યક્રમો  યોજાયા. પંડિતજી પોતે સોહામણું વ્યક્તિત્વ ધરાવતા હતા અને સિતારવાદનમાં તેમણે ઉતારેલી સુંદરતાને કારણે ઘણી લાવણ્યવતી લલનાઓનાં સમ્પર્કમાં આવ્યા. કમલા શાસ્ત્રી નામનાં એક નૃત્યાંગના ઉપરાંત અન્ય સ્ત્રીઓ સાથે તેમનાં લગ્નેતર સંબંધ થયાં. આ વાતની જાણ થતાં ૧૯૪૦માં અન્નપૂર્ણા દેવીએ પતિગૃહ છોડ્યું અને પુત્ર શુભેન્દ્ર - શુભ -ને લઈ તેઓ પિતાને ઘેર મૈહર આવી ગયા. જ્યારે તેમને જાણ થઈ કે પતિ કમલાની સાથે રહેવા લાગ્યાં હતાં, તથા અન્ય સ્ત્રીઓને તેમના સંસર્ગથી બાળકો અવતર્યાં હતાં, અન્નપૂર્ણાદેવીએ ૧૯૬૦માં છૂટા છેડા લીધા. 

સ્ત્રીઓ સાથેનાં સંબંધો અંગે પંડિતજીએ ખુદ તેમની આત્મકથા ‘રાગ માલા’માં લખ્યું, “I felt I could be in love with different women in different places. It was like having a girl in every port - and sometimes there was more than one!"

અમેરિકામાં તેઓ કાર્યક્રમ આપવા ગયા ત્યારે ન્યુ યૉર્કની કાર્યક્રમ આયોજક સૂ જોન્સ નામની અમેરિકન સ્ત્રી સાથે રહેવા લાગ્યા અને તેમનાથી એક પુત્રી થઈ - નોરા જોન્સ ; જ્યારે તેમના લગ્નેતર સંબંધ બેઉ - કમલા શાસ્ત્રી તથા સૂ જોન્સ સાથે હતાં ત્યારે તેમના કાર્યક્રમમાં તાનપૂરો વગાડવા બેસતાં સુકન્યા નામની પરિણીતા સાથે સંબંધ બંધાયા અને તેમાં પુત્રી જન્મી અનૂષ્કા. સૂ જોન્સે તેમની સાથેના સંબંધનો અંત આણ્યો. પાકટ ઉમરે પહોંચેલા પંડિતજીએ આખરે ૧૯૮૯માં સુકન્યા સાથે લગ્ન કર્યાં.

***

અન્નપૂર્ણાદેવીએ શપથ અનુસાર કદી પણ જાહેર કે ખાનગી કાર્યક્રમ ન આપ્યો. પિતાજીએ બક્ષેલી કળાને જીવંત રાખવા તેમણે શિષ્યો સ્વીકાર્યા અને ઘરાણાંની પરંપરા ચાલુ રાખી. શિષ્યોને સંગીત શીખવતાં, તે ગાઈને. તેમનું વાદ્ય - સૂરબહારનો રિયાઝ તેઓ તેમના બંધ ઓરડામાં એકલાં જ કરતાં. જીવન ખાનગી રાખવા તેઓ ઘરકામ પણ જાતે કરતાં. આમ લાંબા સમય સુધી તેઓ અજ્ઞાતવાસમાં રહ્યા. તેમના શિષ્યો સિવાય તેમના વિશે કોઈ કશું જાણતું નહોતું. જ્યારે પંડિત રવીશંકરે પોતાની આત્મકથામાં તેમના "પ્રથમ પત્ની" વિશે ટીકાત્મક વચનો લખ્યાં ત્યારે પત્રકારો અન્નપૂર્ણાદેવીની શોધમાં નીકળ્યા અને તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અેક પત્રકાર લખે છે, “અમે તેમના ફ્લૅટની બહાર પહોંચ્યા અને જોયું તો તેમનાં બારણાં પર પાટિયું હતું. ‘કૃપયા ત્રણ વાર બેલ દબાવશો. જો બારણું ખોલવામાં નહિ આવે તો આપનું કાર્ડ બારણાં પાસે મૂકીને પાછા જશો. આપનો સંપર્ક સાધવામાં આવશે.”

આજની વાત અન્નપૂર્ણા દેવીની છે, એક પારસમણીની. તેમની પાસે તાલિમ લેવા હરિ પ્રસાદ ચૌરસિયા, નિખીલ બૅનર્જી, બસંત કાબ્રા જેવા જે જે સંગીતકારો આવ્યાં, સંગીતના ક્ષેત્રમાં રત્ન બનીને પ્રકાશ્યા. 
(વધુ આવતા અંકમાં)


2 comments:

  1. ગજબનાક જીવન. જો કે, આ વાંચ્યા બાદ પંડિતજી માટેનું માન ઓછું થઈ ગયું.
    ખેર, અન્નપૂર્ણાદેવીને સાષ્ટાંગ વંદન.
    ------------
    તમારા ખજાનામાં અણમોલ મોતીઓ ભરેલાં છે. આવા મિત્રો મેળવી આપવા માટે ઈન્ટરનેટનો આભાર.

    ReplyDelete
  2. લેખના પ્રારંભ પછી રવિશંકર મગજમાં ધૂમતા થયા. મારું અનુમાન સાચું નિવડ્યું. થોડુંક જાણતો હતો. આ લેખથી ઘણું વિગતે જાણ્યું. બીજા ભાગની આતુરતાથી રાહ જોઈશ.
    પ્રવીણ શાસ્ત્રી.

    ReplyDelete