Pages

Monday, May 4, 2015

તુટીને વેરાયેલાં નૂપુર


"મને જગતની મર્યાદાઓની લજ્જા ના રહી અને મારા પ્રિયતમના પ્રેમમાં ઘેલી થઈને હું એટલું નાચી કે બસ, મારા પગમાં બાંધેલાં નૂપુર તૂટી ગયાં અને તેમાં જડેલી ઘૂઘરીઓ ચારે તરફ વેરાઈ ગઈ..."

આ કોના પ્રેમનું વર્ણન છે? મીરા અને કૃષ્ણ વચ્ચેનું? કે પછી પ્રેમ ભક્તિમાં રંગાયેલા ભક્તો રસ્તા પર ઢોલક અને ઝાંઝ વગાડીને રસ્તા પર ‘હરે રામ, હરે કૃષ્ણ’ ગાઈને નાચતાં નાચતાં જાય છે, તેમનું? પ્રેમ રંગમાં રંગાયેલા ભક્તો જ્યારે તેમનું નામ લઈને નાચે છે, તેમની આંખ સામે ફક્ત કૃષ્ણ છે. તે સમયે તેમને કોઈની પડી નથી હોતી કે નથી કોઈની શરમ નડતી. બસ તેઓ તો નૃત્ય કરતા જાય છે, અને ગાતા જાય છે. 

શાયર કતીલ શિફાઈને આવા પ્રભુ પ્રેમમાં ડૂબેલી વ્યક્તિઓનો કદાચ વિચાર આવ્યો અને જાણે તેમને અદ્ભૂત પ્રેમની અનુભૂતિ થઈ હોય તેમ તેમને શબ્દો સૂઝ્યાં, “ધર્મોપદેશક મને ટોકે તો પણ મારૂં નાચવાનું હું કેમ બંધ કરી શકું? મને તો એમનો (મારા પ્રિયતમ પરમાત્માનો) હુકમ છે કે તેમના પ્રેમમાં હવે હું નાચતી જ રહું!” 

આ શબ્દો આધ્યાત્મિક પ્રેમમાં પડેલાં ભક્ત સિવાય બીજા કોના હોઈ શકે? 

ઉપર ઉપરથી શૃંગાર-પ્રધાન લાગતી આ ગઝલના મત્લામાં શાયર કતીલ શિફાઈએ આ શેર મૂક્યો તેમાં આ ઈશ્વરીય પ્રેમનું દર્શન થાય છે.  

वाइज़ के टोकने पे मैं क्यूँ रक्स रोक लूँ
उनका ये हुक़्म है के अभी नाचती रहूँ

અને આગળના શેર નદીમાં આવેલા પૂરની માફક ધસમસતા જાય છે…(Purists - શુદ્ધતાવાદી વાચક જિપ્સીને માફ કરશો : ઉર્દુના અશાર દેવનાગરીમાં મૂકવા પડ્યા છે!)

मोहे आई न जग से लाज
मैं इतनी ज़ोर से नाची आज
के घुँघरू टूट गये

कुछ मुझपे नया जोबन भी था
कुछ प्यार का पागलपन भी था
एक पलक पलक बनी तीर मेरी
एक ज़ुल्फ़ बनी ज़ंजीर मेरी
लिया दिल साजन का जीत
वो छेड़े पायलिया ने गीत
के घुँघरू टूट गये

मैं बसी थी जिसके सपनों में
वो गिनेगा अब मुझे अपनों में
कहती है मेरी हर अंगड़ाई
मैं पिया की नींद चुरा लाई
मैं बन के गई थी चोर
के मेरी पायल थी कमज़ोर
के घुँघरू टूट गये

धरती पे न मेरे पैर लगे
बिन पिया मुझे सब ग़ैर लगे
मुझे अंग मिले परवानों के
मुझे पँख मिले अरमानों के
जब मिला पिया का गाँव
तो ऐसा लचका मेरा पाँव
के घुँघरू टूट गये

ગઝલના પ્રત્યેક શબ્દમાંથી નિર્મળ પ્રેમ - એખલાસ ટપકે છે. માણસ જ્યારે તેના હૃદયની કોઈ વાત કહેવા માગે ત્યારે તેના આત્માની સાદાઈ તેના શબ્દોમાં જણાઈ આવે છે. તેના એકરારમાં નથી કોઈ આડમ્બર, નથી કશું અભિમાન કે નથી કોઈ જુદાઈ! આ ગઝલમાં ઘુંઘરૂ રૂપક છે. જ્યારે તે તૂટીને વિખરાઈ જાય, જગતનાં અને સંબંધોનાં સઘળાં બંધન તૂટી જાય ત્યારે પ્રિયપાત્ર પરમાત્મા સાથે તાદાત્મ્ય સાધી શકાય. આવું થાય ત્યારે ધરતી પર આપણાં પગ નથી રહેતાં. આત્માને પતંગિયાની પાંખો મળે છે અને ‘તેમના’ વગર મને સઘળું પરાયું લાગે છે.   

શાયરના શબ્દો એટલાં સુંદર, સરળ છે, તેની સમજૂતી આપવાની જરૂર નહિ લાગે! બસ, તેને વાંચતા રહીએ સાંભળતા રહીએ! 

જિપ્સીએ આ ગઝલ પ્રથમ વાર લંડનમાં સાંભળી. ૧૯૮૧માં બીબીસીના હિંદી કાર્યક્રમમાં તે રવિવારે સિતારવાદક રઈસ ખાનનો કાર્યક્રમ હતો. ઉસ્તાદ રઈસખાન એટલે ખાંસાહેબ વિલાયતખાન સાહેબના ભાણા અને તેમના ઘરાણામાં પૂરી રીતે ઘડાયેલા સંગીતકાર. વિલાયતખાન સાહેબની જેમ રઈસ ખાનનો કંઠ પણ એવો જ મધુર છે. તે દિવસના કાર્યક્રમમાં તેમણે સિતાર પર એક ધૂન વગાડ્યા બાદ તેમણે સ્વ-આનંદ માટે આ ગઝલ ગાઈ અને દર્શકોને આ ગઝલનું ઘેલું લગાડ્યું! 

આજે અહીં આ ગઝલનાં બે અંગ રજૂ કર્યાં છે : સુફી ગાયક બેલડી સાબરી બંધુઓએ કવ્વાલીના સ્વરૂપે સ્ટેજ પર કરેલું ગાયન અને ત્યાર બાદ હિંદી ફિલ્મમાં થયેલ મુજરાની શૃંગારપૂર્ણ રજૂઆત. આ ગઝલ આશા ભોસલે, પંકજ ઉધાસ, રૂના લૈલા, આબીદા પરવીન, અનૂપ જલોટા તથા અનેક જાણ્યા-અજાણ્યા ગાયકોએ ગાઈ છે.  આબીદા પરવીનના ગાયનમાં મીરાનું નામ વારે વારે આવે છે - "ઘુંઘરૂ બાંધ મીરા નાચી થી..."

જિપ્સી એક વાત કહ્યા વગર રહી નથી શકતો! જ્યારે શાયરે આ ગઝલ રચી, તેનું મહત્વ તેના મત્લામાં હતું : “વાઈઝકે ટોકનેપે મૈં ક્યું રક્સ રોક લૂં/ઉનકા યહ હૂક્મ હૈ કિ મૈં નાચતી રહૂં…” Pop culture માં આ ભુલાઈ ગયું. ત્યાર પછી ઘણાં ગાયકોએ આ ગઝલ ગાઈ, અને તેમણે ગઝલના મુખ્ય મત્લાને - આત્માને બાજુએ મૂકી અને તેને કેવળ સ્થૂલ રૂપ આપ્યું. અહીં બે extremes રજુ કર્યા છે. તેમાં ફક્ત સાબરી ભાઈઓએ મૂળ ગઝલનો મલાજો રાખ્યો અને તેની સમ્પૂર્ણ રજૂઆત કરી.

પહેલાં સાંભળીએ સાબરી બંધુઓની પ્રસ્તુતી:



અને ત્યાર બાદ અનુરાધા પૌડવાલે ગાયેલ અને મુજરા નૃત્યમાં રજુ થયેલ તેનું કેવળ - અને કેવળ શૃંગાર સ્વરૂપ.




આ ગઝલની જુદા અંદાજમાં કરવામાં આવેલી રજૂઆત સાંભળવી હોય તો તેની links આપી છે.



સંગીત શ્રેણીને થોડો અવકાશ આપી આવતા અંકથી નવા વિષયોની રજૂઆત કરવાનો આશય છે. કદાચ આપને તે રસપ્રદ લાગશે એવી આશા સાથે આજનો અંક પ્રસ્તુત છે.


13 comments:

  1. અજાણતાં આંખ મળી, અજાણતાં હૈયું મળ્યું, હોઠ મળ્યા, બધું મળ્યું,
    કિન્તુ નાચંતી ગુલાબી પાનીએ, નુપૂર થઈ નર્તનવાનું ના મળ્યું.

    ReplyDelete
    Replies
    1. વાહ! કેટલો સુંદર પ્રતિભાવ! આભાર.

      Delete
  2. સંગીતનું કશું જ્ઞાન નથી. પણ ગમતીલી ગઝલોમાંની આ એક છે. એનો ભાવ રસાસ્વાદ આજે માણ્યો. આભાર.

    ReplyDelete
    Replies
    1. સંગીતનું મહાત્મ્ય તો તેનો આનંદ માણી શકનાર શ્રોતામાં હોય છે, એવું મારૂં માનવું છે. આપે તેને માણ્યું અને આપના અતિ વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને પ્રતિભાવ આપ્યો તે માટે આભાર.

      Delete
  3. નૂપુર વેરાઇ જવાં એ કદાચ ભક્તિભાવનું ઓતરફ ફેલાઇ જવાને ઇંગિત કરતું હશે?

    ReplyDelete
    Replies
    1. આપે આ રૂપકને નવું dimension આપ્યું જે ઘણું ગમ્યું. આભાર, અશોકભાઈ.

      Delete
  4. ૯૦ના દાયકામાં મને પંકજ ઉધ્હાસની ગઝલોનું ઘેલું લાગેલ. ત્યારે મેં આ ગઝલ વારંવાર રજોગુણ
    ભાવે સાંભળેલ. પછી સત્વગુણી રાહ પકડી, એટલે પંકજ ઉધ્હાસની ગઝલો ભુલાઈ ગઈ. વરસો પછી આપના આ લેખ દ્વારા ફરી એકવાર એજ ગઝલને સત્વગુણ ભાવે સાંભળીને આનંદ થયો.

    ReplyDelete
    Replies
    1. આપના પ્રતિભાવ માટે આભાર, યશવંતભાઈ.

      Delete
  5. શાયર કતીલ શિફાઈનો આ શેર
    वाइज़ के टोकने पे मैं क्यूँ रक्स रोक लूँ
    उनका ये हुक़्म है के अभी नाचती रहूँ
    પર આફ્રીન ઉર્દુના અશાર
    عظ کے ٹوكنے پہ میں کیوں ركس روک لوں
    ان کا یہ هقم ہے ابھی ناچتی رہوں
    ગાલિબસાહેબે
    कहाँ मयखाने का दरवाज़ा 'ग़ालिब' और कहाँ वाइज़
    पर इतना जानते हैं कल वो जाता था के हम निकले
    ઇકબાલસાહેબે તો वाइज़ માટે લખ્યુ " अजब वाइज़ की दीन-दारी है या रब अदावत है इसे सारे जहाँ से ! "સૂફી સંતો પ્રેમની વ્યાખ્યા કરે છે. 'ઇશ્ક’ શબ્દ ઉર્દૂમાંથી આવ્યો છે. ઇશ્કના બે સ્વરૂપ છે. ઇશ્કે હકીકી અને ઇશ્કે મજાજી... ઇશ્કે હકીકી ઇશ્વર સાથેનો પ્રેમ છે... જ્યારે ઇશ્કે મજાજી માણસના પ્રેમને કહેવાયો છે. આમાં આપણે ઘણાખરાને સામાન્ય वाइज़ જેમ ઇશ્કે હકીકીનો ખ્યાલ ન આવે.બાકી આપે કહ્યું તે પ્રમાણે આ ગઝલનો અર્થ સરળતાથી સમજાય પણ ખરી મઝા તો પ્રેમ દિવાની મીંરા જેમ લોક લાજ છોડી નિર્મળ પ્રેમ અનુભવવાનો છે.તે જ સાક્ષાતકાર..પ્ર'જુ વ્યાસ

    ReplyDelete
    Replies
    1. આપના પ્રતિભાવ માટે આભાર. આપની વાત કેટલી માર્મિક છે તે કતીલ સાહેબના શેરની ગહેરાઈ અને તેમને અનુમોદન આપતા અશાર અહીં ઉતારીને બતાવી છે. "ઉનકે" હુક્મસે નાચતી રહુઁ" મીરાંએ પ્રત્યક્ષ કરી. એ જ ખરી ઈશ્કે હકીકી છે તેનું દર્શન કરાવવા માટે આભાર.

      Delete
  6. Resp.Sir, Very Nice artical..! Thanks.

    Ghungroo Toot Gaye - Anup Jalota https://www.youtube.com/watch?v=MOa3cDtB05s&hd=1

    Mohe Aayi Na Jag Se Laaj - Param Dharam (1987) Singers: Sapna Awasthi Singh

    https://www.youtube.com/watch?v=-8xMVQYPbnE&hd=1

    ReplyDelete
    Replies
    1. Dear Markandbhai,
      Thank you very much for your comment and providing links to two more versions. I enjoyed both! Thanks again.

      Delete
  7. આપના બ્લોગમાં ઘણા સમયે આવવા બદલ ક્ષમા યાચના ,
    આ ગઝલ મેં અનુપ જલોટા નાં કંઠે સાંભળી હતી એ યાદ આવે છે.
    આપના પ્રિય સંગીતના વિષયના તમારા બધા લેખોમાં તમે ઊંડો અભ્યાસ કરી જે
    નવી માહિતી વાચકોને પીરસો છો એ કાબીલેદાદ હોય છે. લેખની પૂર્તિ કરે એવા યોગ્ય વિડીયો ની પસંદગીથી લેખ ખુબ જ રસિક અને ઉપયોગી બની જાય છે. અભિનંદન

    ReplyDelete