Pages

Friday, April 24, 2015

સુશ્રાવ્ય ભજન

આપણા સમાજમાં ભજનનું મહાત્મ્ય પૂરાતન કાળથી ચાલ્યું આવ્યું છે. ઋગ્વેદની ઋચાઓમાં નિસર્ગને પરમાત્માનું સ્વરૂપ માની તેનું શ્રેય તાલબદ્ધ સ્વરમાં ઉચ્ચારાતું આવ્યું. સમય જતાં સંગીત શાસ્ત્રનો વિકાસ થયો અને તેને પણ વેદોમાં સ્થાન અપાયું. સામવેદમાં સંગીતનો સમાવેશ થયો ત્યારથી જ કદાચ પરમાત્માની સ્તુતિ હંમેશા ગવાતી આવી છે. શીખોનાં દસમા ગુરૂ ગોવિંદસિંહ પરમ જ્ઞાની હતા. તેમણે અંતરજ્ઞાનથી જાણ્યું હતું કે કળિયુગમાં ગુરૂ પરંપરા જાળવવી હોય તો કોઈ વ્યક્તિને સમ્પ્રદાયનું ગુરૂપદ ન આપવું. તેવું કરવાથી તે વ્યક્તિપૂજામાં બદલાઈ જશે, અને પંથની ‘ગાદી’ તેમના લાયક કે અતિલાયક વંશજોની પરંપરાગત અંગત જાગિર બની જશે. તેમણે વ્યક્તિને બદલે ગ્રંથ સાહેબને ગુરૂપદ આપ્યું અને તેમાંનાં પદોને ‘ગુરબાની’ - ગુરૂઓની વાણી - કહી. તેમના નાંદેડ (મહારાષ્ટ્રમાં)ના વાસ્તવ્ય દરમિયાન તેમણે ગુરબાનીને સંગીતબદ્ધ કરી અને ગ્રંથસાહેબમાંનાં પદોને ‘શબદ’ કહી તેમને લોકોની વાણીમાં કાયમ કર્યા. આપ અમૃતસરના સુવર્ણ મંદિર (જેને શીખ ધર્મમાં ‘દરબાર સાહિબ’ કહેવામાં આવે છે)માં કે કોઈ ગુરૂદ્વારામાં જશો તો ત્યાં હાર્મોનિયમ, કરતાલ, ચિપિયા, તબલાંના સૂર-તાલમાં શબદ સાંભળવા મળશે!

ગુજરાત - મહારાષ્ટ્રની વાત કરીએ તો બન્ને પાડોશીઓની સંત પરંપરામાં પ્રભાતિયાં, અભંગ, ભુપાળી અને કિર્તન સામેલ થયાં. સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ટહેલિયા મહારાજ શેરીઓમાં ફરી - ‘જાગો જાગો જન જુઓ ગઈ રાત વહી’, ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળીયા’ જેવાં પ્રભાતિયાં ગાતા. આપણી બહુરત્ના ભારતની ધરાએ બહારથી આવેલા ધર્મોને પણ પોતાના પાલવમાં સંભાળી તેમને હાલરડાંઓમાં સંગીતની ગળથૂથી પાઈ. અમીર ખુશરોએ આ પરંપરા સૂફી ગીતોમાં ઉતારી અને કવ્વાલીઓમાં સંગીતની નઝાકતની સાથે શબ્દોનાં ઉચ્ચારમાં એટલી જ શુદ્ધતા જાળવી. ભક્તિગીતોની પરંપરામાં ફિલ્મો પણ રંગાઈ અને તેમાં કોઈ ને કોઈ સ્થળે ભજન, કવ્વાલી અને સૂફી ગીતો આવવા લાગ્યા. કેટલીક ઓછા બજેટની ફિલ્મોમાં ગીતકારને આપવા માટે વધારાની રકમ ન હોવાથી કબીરસાહેબ, મીરાં, જ્ઞાનદેવ અને તુકારામનાં ભજન, અભંગનો છૂટથી ઉપયોગ થવા લાગ્યો.

આજે આપણે કેટલાક ખાસ પસંદ કરેલાં ભજન સાંભળીશું. સૌ પ્રથમ છે ગણેશ વંદના ‘એકદન્તાય વક્રતુણ્ડાય ગૌરીતનયાય ધિમહી’ છે. સંસ્કૃતમાં રચાયેલી કૃતિ વહેલી સવારે સાંભળશો તો મનને એવો આહ્લાદદાયક શાંતીનો લેપ આપશે, જે આખો દિવસ પ્રસન્નતા ફેલાવશે!



ગણપતિને પહેલાં સમરીને હવે સાંભળીશું કૌમુદીબહેન મુન્શીએ ગાયેલું પ્રભાતિયું :




કબીર સાહેબનાં ભજનો રૂપકના સ્વરૂપમાં હોવા છતાં સામાન્ય લોકો સમજી શકે તેવી રીતે રચાયા છે. તેમાંનું એક છે ‘કૌન ઠગવા નગરિયા લૂટલ હો”. અહીં કબીર સાહેબે માનવ શરીરને નગરની ઉપમા આપી છે અને મૃત્યુ રૂપી ઠગ તેને લૂંટવા આવ્યો છે. શરીર અને આત્માને તેમણે નવોઢા પત્ની અને તેના પતિ સાથે સરખાવ્યા છે. બન્ને એકમેકના પ્રેમમાં એટલા ઓતપ્રોત છે. ચંદનના પલંગ પર શરીર - દુલહિન - પડી રહેલ છે જ્યારે તેનો પ્રાણનાથ તેને એકલી મૂકીને ચાલ્યો ગયો છે. આ ભજનના ત્રણ વર્ઝન છે: આશા ભોસલેજીએ ફિલ્મ ‘અનકહી’માં સંગીતકાર જયદેવની સૂરસજ્જામાં રચાયેલ, જે અહીં રજુ કર્યું છે. બીજાં શાસ્ત્રીય સંગીત પર આધારીત છે, જે અનુક્રમે પંડિત કુમાર ગંધર્વ અને શ્રીમતી ગિરીજા દેવીએ ગાયાં છે, જેની link આપી છે.

Asha Bhosle



Kumar Gandharva

Girija Devi

***

મીરાબાઈના જીવન પર ઘણી ફિલ્મો બની. તેમાં સાવ જુદી ભાત પાડે તેવી એક જ ફિલ્મ છે. દિગ્દર્શક ગુલઝારે તેને પૌરાણીક કથાનું સ્વરૂપ ન આપતાં એક આધારભૂત જીવનકથા તરીકે ઐતિહાસીક અંદાજમાં રજુ કરી ફિલ્મ 'મીરા'. કથા, પાત્રાલેખન, અભિનય, સંગીત અને  દર્શનીયતા એવી બધી દૃષ્ટિએ આ સમગ્ર ચિત્રપટ સર્વાંગ સુંદર છે. પંડિત રવિશંકરે મીરાનાં ભજનોને એવી જ અદ્વિતિય શૈલીમાં ઢાળ્યાં અને એવી જ ખુબીથી ગાયાં વાણી જયરામે! અંગ્રેજીમાં જેને soulful rendition કહેવાય તેવી રીતે વાણીજીએ બધાં જ ભજનો ગાયાં. હેમામાલિનીએ મીરાના પાત્રમાં પ્રાણ રેડ્યો. સમય મળે તો આ ફિલ્મ જોવાની આપને ખાસ ભલામણ છે. આજે અહીં આ ફિલ્મનાં બે ભજનો પ્રસ્તુત કર્યાં છે: 



જો તુમ તોડો પિયા


આ ભજનનું એક version ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં સંધ્યાના અભિનયમાં લતાદીદીએ ગાયું છે. બન્ને ફિલ્મોમાં પ્રસંગ અને રજુઆત ભલે જુદી રીતે થઈ હોય, પણ મીરાનાં હૃદયનો અવાજ તેમાં જરૂર અનુભવાશે!

મીરાનું આવું જ એક ભજન લતાદીદીએ ફિલ્મ ‘તુફાન ઔર દિયા’માં ગાયું. આમાં નંદાનો અભિનય અને ગીતની રજુઆત, હૈયાનાં તાર હલાવી દે તેવાં છે.

પિયા તે કહાઁ - ‘તુફાન ઔર દિયા’


ઉપર એક આર્ટ ફિલ્મ ‘અનકહી’ની વાત કરી હતી. આ ફિલ્મમાં ભારતરત્ન પંડિત ભીમસેન જોશીએ એક ભજન ‘રઘુવર તુમકો મેરી લાજ’ સરળ, લોકભોગ્ય થાય તેવી રીતે ગાયું, જે અહીં રજુ કર્યું છે.



આજનો વિષય એટલો વિશાળ છે, એક અંકમાં તેને સમાપ્ત કરવું અશક્ય લાગ્યું. આવતા અંકમાં સુફી સંતોની કૃતિઓ, ગુરબાની અને મરાઠી અભંગ રજુ કરીશું. 

3 comments:

  1. Sir lok sangit ni vat kaik aur se tema pan tamara gyan thi rasdar bani jay se jayse SONE PE SUHAGA

    ReplyDelete
    Replies
    1. સતીશભાઈ, આપના પ્રતિભાવ માટે આભાર.

      Delete
  2. આપના પ્રતિભાવ માટે આભાર. આપના સૂચનને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરીશ, પણ આપ સમાન સંગીતના જાણકાર વિદ્વાનો આગળ મારૂં અલ્પજ્ઞાન છિછરૂં નીવડે એવો ભય છે!

    સુફી સંગીત અને અભંગની તૈયારી થઈ ગઈ છે જે આપની પાસે ટૂંકમાં જ રજુ કરીશ.

    ReplyDelete