Pages

Friday, November 21, 2014

સંબંધોનો સેતુ : ઉપસંહાર

આજનો અંક આપણા અંતરંગના ગ્રહ મંડળમાંના સદસ્યો સાથેના અસ્થિર સંબંધોની બાબતમાં છેલ્લો અને અગત્યનો છે.

સંબંધોના બાંધકામ વિશે અત્યાર સુધી આપણે જે વાત કરી, તેના પાયામાં આપણે પોતે બનાવેલું આપણું ગ્રહ મંડળ છે. અવકાશી સૂર્ય મંડળના ગ્રહો ગુરુત્વાકર્ષણના કારણે એક બીજા સાથેનું સમતોલન, અંતર અને કળા જાળવી રહ્યા છે. આત્મલક્ષી માણસની જેમ ગ્રહો પોતાની ધરી પર ફરે છે અને ગુરૂત્વાકર્ષણને કારણે સૌ તેમના સૂર્ય ફરતું પરિભ્રમણ કરતા રહે છે.  અહીં વિચાર કરવાની વાત એ છે કે સૂર્ય અને તેના ગ્રહો ભૌતિક phenomena છે. ગુરુત્વાકર્ષણ એક શક્તિ છે, energy છે. ગ્રહો તેમના સૂર્યની આસપાસ અને ઉપ ગ્રહ તેના ગ્રહની આસપાસ ફર્યા પછી કરોડો વર્ષોના અંતે એક Black Holeમાં વિલીન થઈ જાય છે.

અવકાશી ગ્રહમંડળની સાથે આપણે માનવીય સંબંધોનો વિચાર કરીએ, તો જણાશે કે આપણા ‘ગ્રહમંડળ’માં ‘ગુરુત્વાકર્ષણ’ ઉપરાંત ભાવના, વિચાર, સામાજીક પરિબળો, સંજોગ અને સ્વભાવ જેવી જલદ, અસ્થિર અને ભાખી ન શકાય તેવી અનેક વૃત્તિઓનો અસમાન પ્રવાહ પણ એક બીજા પર ઘેરી અસર કરતા હોય છે; એટલું જ નહિ, તેમાંથી ઉદ્ભવતી શક્તિઓનો સ્રોત અવિરત વહેતો રહે છે. 
બીજી વાત : માનવીય સંબંધોના ગ્રહ મંડળમાં બે વધારાનાં તત્વો આવે છે. એક તો જન્મથી બંધાયેલા - એક જ પરિવારનાં, માતા, પિતા, ભાઈ, બહેન, ફોઈ, માસી વિ. જેવા પારિવારીક તત્વ હોય છે. મહત્વનું બીજું તત્વ છે સંજોગોને કારણે આપણા મંડળમાં બહારથી આવેલા ગ્રહો - જેમકે પતિ / પત્ની અને તેમનાં સંબંધીઓ, મિત્રો, સહ કાર્યકર્તાઓ વિ. 

આમ આપણા ગ્રહ મંડળમાં આવેલા બધા ગ્રહોનો વિચાર કરીએ તો તેમાં પરસ્પર-વિરોધી કે પરસ્પર આધાર આપતી શક્તિઓ જોવા મળશે. સંબંધોના કેટલાક પ્રવાહ તથા તેમાંના કેટલાક ગ્રહોમાં અચાનક ઉત્પન્ન થયેલી શક્તિની વૃદ્ધિ એવી પ્રભાવશાળી હોય છે, તે આપણા આખા ગ્રહ મંડળમાં ઉથલ પાથલ મચાવતી હોય છે ; કોઈ વાર એવું પણ બને છે કે જે સભ્યો આપણા ગ્રહ મંડળમાં હતા, તે ક્યારના આપણું મંડળ છોડી બીજા ગ્રહ મંડળમાં જતા રહ્યા છે. આપણે તેનું અવલોકન કરીએ તો આશ્ચર્ય થાય કે તેમણે તેમનું પોતાનું એવું શક્તિશાળી ગ્રહમંડળ ઉભું કર્યું છે, જેમાં આપણો સમાવેશ નથી!  આપણે એકાકિ તારક - Lone Star - જેવા રહી ગયા છીએ એવું લાગે. હિંદી સિરિયલોમાં અને કેટલાક ગુજરાતી સામયીકોમાં આપણે ઘણા દાખલા જોયા છે કે લગ્ન પછી દીકરો તેના સાસરિયાના ગ્રહ મંડળમાં પૂરી રીતે સમાઈ જાય છે.

આવું થાય ત્યારે આપણે શું કરવું? 

આપણા સૂર્ય મંડળમાં એકાએક ઉત્પન્ન થયેલ આવા અસ્થિર સંબંધોમાંના ક્યા સંબંધોનું વિષ્લેષણ કરી તેમાં પુનરૂત્થાન કરવાનો પ્રયત્ન કરવો?

આ પ્રશ્નોના ઉત્તર માટે આપણે આ શ્રેણીની શરૂઆતના ઉદાહરણોમાં આપેલા ગ્રહ મંડળોમાંનું છેલ્લું ચિત્ર ફરી એક વાર જોઈશું. જે મિત્રોએ આ શ્રેણીમાં દર્શાવેલ પગલાં પ્રમાણે પોતાનાં ગ્રહ મંડળ બનાવ્યા હોય, તેમને પણ એકાદા સંબંધમાં આવું જ કંઈક જોવા મળ્યું હશે. આપણે શ્રી. ABCનો દાખલો જોઈએ. તેમના ગ્રહ મંડળમાંની એક વ્યક્તિ ‘ક્ષ’ સાથેના તેમના સંબંધની આ વાત છે. આ વ્યક્તિ - ‘ક્ષ’ - ABCના ગ્રહ મંડળમાં શરૂઆતથી હાજર છે તેનો અર્થ છે, એક કાળે ABCનો તેમની સાથે ગાઢ સંબંધ હતો. તેમના આ સંબંધમાં સત્ય હકીકત એવી હતી કે ‘ક્ષ’ ABCનાં સગા મોટાં બહેન હતાં. પિતાના અવસાન બાદ ABCનો પરિવાર સાવ સામાન્ય સ્થિતિમાં આવી ગયો હતો. અત્યંત ગરીબીમાં ઉછરેલા આ પરિવારનાં આ બહેન સૌંદર્યવાન હતાં. તેમની જ જ્ઞાતિના એક અતિ શ્રીમંત પરિવારના યુવકને તે ગમી ગયાં અને તેમણે તેની સાથે લગ્ન કર્યું. ગિરગામની ચાલીની એક ખોલીમાંથી બહેન જુહુમાં આવેલા પતિના વિશાળ બંગલામાં રહેવા ગયા. 

જગતમાં એવી ઘણી ઓછી વ્યક્તિઓ હશે જેમને એકાએક મળેલ યશ અને સમૃદ્ધિ આંજી શકતાં નથી. તેઓ તેમની નમ્રતા (humility) અને પોતાનાથી ઓછા નસીબદાર લોકો તરફ કરૂણાથી જોવાની ભાવના તેમની માનવતાને સદા જીવંત રાખે છે. શ્રી. ABCનાં બહેનમાં કમભાગ્યે તેનો સંપૂર્ણ અભાવ હતો. તેમની આખી વાત તો અહીં કહી શકાય તેમ નથી, પણ એટલું જરૂર કહીશું કે સમય જતાં ABCની એવી સ્થિતિ આવી કે તેમના ગ્રહ મંડળમાં આ બહેન કેવળ ‘ક્ષ’ બની ગયાં. સંબંધ તૂટક થઈ ગયો. શ્રી. ABC ભાવનાશાળી સજ્જન હતા. જન્મથી ઉત્પન્ન થયેલ સંબંધને ભુલી શક્યા નહિ. દર ભાઈબીજ તથા રક્ષા બંધન માટે બહેનને પોતાની હેસિયત મુજબ ભેટ મોકલતા રહ્યા, પણ બહેને આભારનો પત્ર તો શું, રાખડી પણ મોકલવાનું બંધ કર્યું હતું. આ બધાનું દ્યોતક તેમણે તેમના ગ્રહ મંડળમાં નીચે પ્રમાણે દોર્યું.

૧. ‘ક્ષ’ નામની વ્યક્તિ શરૂઆતથી તેમના ગ્રહ મંડળમાં છે;
૨. તેઓ જાણે છે કે તેમની સાથે સંબંધ ભગ્ન છે;
૩. ABC તરફથી સંબંધમાં રોકાણ છે ;
૪. ‘ક્ષ’ તરફથી તેમને જરા જેટલો પ્રતિભાવ નથી.

આવી હાલતમાં શ્રી. ABCએ શું કરવું જોઈએ?

શું તેમણે આ પુસ્તિકાના છેલ્લા મનોયત્નમાં બતાવેલ ‘અસ્થિર સંબંધોનું પુનરુત્થાન’ કરવા માટેનો પ્રત્યક્ષ પ્રયોગ કરવો જોઈએ?

ગમે તે હોય, તેમણે આ કાર્ય પુસ્તિકા પર કામ કર્યું અને છેલ્લે ઉપરના પ્રશ્ન પર આવીને રોકાઈ ગયા. “મારા બધા પ્રયત્નો એળે ગયા. મેં બહેન સાથે પ્રત્યક્ષ મળી વાત કરવાના અનેક પ્રયત્નો કર્યા. પણ તે મને મળવા કે ટેલીફોન પર વાત કરવા પણ તૈયાર નથી. મારે તો ફક્ત એટલું જ જાણવું હતું કે મારી એવી તે કઈ ભુલ થઈ હતી જે મને જણાવ્યા વગર તેમણે સંબંધ તોડી નાખ્યો? શું માજણ્યા ભાઈ કે બહેનને કદી માફ ન કરી શકાય?”

આવી પરિસ્થિતિ ઉભી થાય તો તેનો ઉકેલ આપણે જ શોધવો જોઈએ. અનુભવ એવો છે કે નીચે જણાવેલા એક અથવા બન્ને માર્ગ પર વિચાર કરવો જોઈએ..

૧. આપણે આપણા સાચા ગ્રહ મંડળને ઓળખી, જ્યાં સંબંધોનો પ્રવાહ એક સરખો, નિ:સ્વાર્થ અને પરસ્પર માન અને વિશ્વાસ પર આધારીત હોય તેમાં જ રોકાણ કરવું અને તેમાં આનંદ માનવો. આ માટે આપણે ભગ્ન સંબંધને છોડી આગળ વધવું જોઈએ. અંગ્રેજીમાં કહેવાય છે તેમ, “Move on”. 

આપણા જીવનમાં આવનારી વ્યક્તિઓ કોઈ ને કોઈ પ્રયોજનથી આવતી હોય છે. કેટલીક વ્યક્તિઓ એકાદા સંકટમાં આવી, આપણને મદદ કરીને અદૃશ્ય થતી હોય છે. તો કેટલી વ્યક્તિઓ એક ઋતુ પૂરતી, આપણા જીવનમાં ઉદાત્ત વિચાર, સંસ્કાર કે શિક્ષણ આપવા માટે આવતી હોય છે. તેમનું કામ પૂરૂં થતાં તેઓ કોઈ કારણ આપ્યા વગર એકાએક આપણને છોડીને જતી રહે છે. ફરી કોઈ વાર તેઓ મળે તો તેઓ કદાચ ઓળખાણ પણ નહિ આપે. આપણા ગ્રહ મંડળમાંની અાવી વ્યક્તિઓને કાયમ માટે વળગી શકાતું નથી. તેથી તેમને યાદ કરી તેમનો હૃદયપૂર્વક આભાર માની આપણે આગળ વધવું સારૂં. અંગ્રેજીમાં કહે છે તેમ, ‘Move on’. 

જીવનભર નિ:સ્વાર્થ અને સ્નેહભર્યો સંગાથ આપવા માટે તો બહુ ઓછી વ્યક્તિઓ આવતી હોય છે. આપણે તેમને ઓળખી, તેમનો આદર કરી તેમને આપણા ગ્રહમંડળમાં માનભર્યું સ્થાન આપી તેમના સંબંધનો આનંદ લાંબા સમય માટે લેવો. સ્નેહના રોકાણની પરસ્પર આપ લે, નિ:સ્વાર્થ સંબંધને મહામૂલું ગણી તેને નિભાવવાનો આ પહેલો સર્વશ્રેષ્ઠ માર્ગ છે.

૨. અહીં બતાવેલ બીજું કામ એક રીતે મુશ્કેલ છે, પણ અશક્ય નથી. જ્યારે આપણને ખ્યાલ આવે કે આપણા ગ્રહ મંડળમાંની કોઈ વ્યક્તિ સાથે થયેલ ભગ્ન-સંબંધના મૂળમાં આપણી પોતાની ભુલ છે, અને તે વ્યક્તિ આ વિશ્વમાં નથી, અથવા તે એટલી દૂર ગઈ છે કે તેમનો સંપર્ક સાધી શકાતો નથી. આવું બને ત્યારે સ્વાભાવિક છે કે આપણને બેહદ દુ:ખ થાય. જે વાત પર આ સ્થિતિ નિર્માણ થઈ હતી, તેનો અહેસાસ થયા બાદ તેની ક્ષમા માગવી હોય તો પણ માગી શકાય તેવી હાલત ન હોય તો માણસ આખી જીંદગી તેના દુ:ખમાં ગાળતા હોય છે. માનસશાસ્ત્રમાં આને pathological bereavement નામની ગંભીર માનસિક સ્થિતિ ગણવામાં આવે છે. આ હાલતમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણા પોતાના જ કવિ કલાપીએ બતાવ્યો છે: “હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે; પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.”

પસ્તાવાના ઝરણામાં ડૂબકી મારીને આપણે ભલે પુણ્યશાળી ન થઈએ, પણ આપણે ખુદ આપણી જાતને માફ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જગતના વિચારકો કહેતા આવ્યા છે કે જે ભુલનું નિવારણ કરવું,  જેમના પ્રત્યે આ ભુલ થઈ છે તેમની ક્ષમાયાચના કરવાનું કામ અશક્ય હોય ત્યારે માણસે પોતાની જાતને માફ કરવાનો પ્રયત્ન જરૂર કરવો. પહેલાં કહ્યું તેમ આ કામ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. જે દિવસે આ કરી શકાય, મન અને હૃદય હળવા ફૂલ જેવા થઈ જશે.

ઉપસંહાર:

આપણા જીવનમાં સંબંધો અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. ઘણી વાર આપણે આ બાબતમાં વિચાર તો કરતા રહીએ છીએ, પણ તે વિશે કશું કરવાનો કાં તો આપણી પાસે સમય નથી, અથવા આ એવી અતિ કિમતી નાજુક કાચની પુષ્પદાની છે, તેને હાથ ધરીએ તો હંમેશા ડર રહે છે કે તે ફૂટી તો નહિ જાય ને! આ દુનિયામાં બહુ ઓછા લોકો છે જે આ કામ હાથ ધરવા માંગે છે.
આપણે એવા કેટલાય લોકોને જાણીએ છીએ કે સંબંધોની સમસ્યાઓને લઈને તેઓ શાંત રહીને બધું સહન કર્યા કરે છે, પણ તેની બાબતે હિંમતપૂર્વક ભાગ્યેજ કશું કરતા હોય છે. 

સંબંધો બાંધવા કે તૂટતા સંબંધોને ફરી બાંધવા એ એક મઝાનો અનુભવ છે. આ કાર્યપુસ્તકમાં અત્યાર સુધી તમે કરેલ કામોનાં ફળદાયી પરિણામો મળશે એવી અમને આશા છે. અહીં તમે તમારા વિચારો અને દિશાની સ્પષ્ટતા તમે હિંમતપૂર્વક પ્રગટ કરી છે. સંબંધોને વધુ મજબૂત પાયા પર મૂકવાની ક્ષમતા તમે દર્શાવી છે. હવે જરૂર છે એક કાર્યયોજના ઘડી કાઢી તેનો અમલ કરવાની. 


તમારી મુસાફરી આનંદદાયક નીવડે એવી તમને શુભેચ્છાઓ....

4 comments:

  1. સંબંધની અગત્યની વાત
    સંબંધોને મજબૂત રીતે બાંધી રાખતી પ્રેમની ડોરને નાનકડી શંકા કે વાદવિવાદને લીધે તૂટવા ન દો. નજીવી વાતમાં સંબંધોને તિલાંજલિ આપ્યા બાદ તેની જ મધુર યાદ ક્યારેક તાઉમ્ર જિંદગીને વસવસાથી ભરી દે છે. દાંપત્યજીવનને હર્યુંભર્યું રાખવા માટે લવલાઇફને રિચાર્જ કરતાં રહેવું જરૂરી છે
    આપણે મોટા ભાગે જોયું, સાંભળ્યું કે ક્યારેક અનુભવ્યું પણ હશે જ્યારે બે વ્યક્તિને પ્રેમ થઇ જાય ત્યારે તેમના માટે દુનિયામાં જો કોઇ વ્યક્તિ મહત્ત્વપૂર્ણ હોય તો તે છે તેમનું પ્રિયજન, લાખ કોશિશ કરીને તે તેને મળવા જશે. લાખ બહાનાં કરીને અને ખોટું બોલીને પણ તે પ્રિયજન સાથે મળશે, મળવા આડે કેટલી મુશ્કેલી હોય કે પછી પ્રતિકૂળતા હોય તો પણ આ બધાંને તે બહુ જુસ્સાથી પાર કરી લેશે, કારણ કે આ બધામાં મળવાની મજા એટલી હોય છે કે બાકી બધી તકલીફો ત્યાં ભૂલી જવાય છે કે પછી ગૌણ બની જાય છે. આ પળો પ્રેમ કરનાર બંને માટે એટલી જ મૂલ્યવાન હોય છે અને આ ખૂબસૂરત ફીલિંગને લીધે જિંદગી જીવવાલાયક લાગે છે.

    પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
    Replies
    1. આ શ્રેણીના ઉપસંહારમાં આપના આ શબ્દો ચાર ચંદ્રોનો પ્રકાશ રેલાવે છે! આપે એક મધુર વાત કહી છે જે અમે અનુભવી છે અને આપે તેને શબ્ોમાં ગુંથીને મૂર્ત સ્વરૂપ આપ્યું છે. આભાર!

      Delete
  2. નેટજગતને આવી કીમતી ભેટ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આશા છે કે વાચકો આપને બીજો ભાગ પ્રસ્તુત કરવા પ્રેરે !

    ReplyDelete
    Replies
    1. આપના પ્રેરણાદાયી શબ્દો માટે આભાર. બસ, આવો પ્રતિભાવ મળે તો પ્રસ્તુતકર્તાને અણસાર આવે કે આ શ્રેણીનો કોઈને લાભ થઈ શકે છે કે નહિ. NGOsમાં લાંબા સમય સુધી કામ કર્યું હોવાને કારણે એવો અનુભવ છે કે જે સેવાની કોઈને જરૂર ન હોય તેમાં સમય અને સામગ્રીનું રોકાણ વ્યર્થ નીવડે છે. આપનનો પ્રતિભાવ સાચે જ ઉત્સાહ આપનારો છે અને કેવળ "હા" કે "ના" એવા one syllableનો પ્રતિભાવ ખાનગી રીતે પણ મળે તો આ શ્રેણી પૂરી કરીશં. વાચકો લેખકને તેની ઈ-મેઈલ captnarendra@gmail.com પર આમ હા - કે ના લખે તો દિશા દેખાશૈ!

      Delete