Pages

Tuesday, November 18, 2014

અસ્થિર સંબંધોનું સુ-સંબંધોમાં પુનર્નિમાણ

આજે જે મહત્વના મુદ્દા પર કામ કરવાનું છે, તે ગયા અંકમાં આપેલા કોષ્ટકના પ્રશ્ન નંબર ૬ માં આપેલા જવાબને લગતું છે. 

આપણે માનીએ કે જે વ્યક્તિની સાથે મારો સંબંધ અસ્થિર છે અને તૂટવાની અણી પર છે, તેનાં કારણો આપણે ઉપરના કોષ્ટકમાં લખ્યા. એ પણ સ્પષ્ટ લખ્યું કે તેમણે આપણી કઈ કઈ અપેક્ષાઓ પૂરી કરી નથી. આ લખી લીધા બાદ આપણે ખુદને સવાલ કરવાો જોઈએ : શું આપણે કદી આ સંબંધીત વ્યક્તિને સ્પષ્ટ પણે પૂછ્યું હતું, “જુઓ બહેન (કે ભાઈ), અમે તમારી પાસેથી આ બાબતમાં આ પ્રકારની મદદની અપેક્ષા રાખી હતી, જે તમે પૂરી કરી નથી”? 
જો આપણે તેમને આ સવાલ પૂછ્યો જ ન હોય તો આપણે કેવી રીતે માની શકીએ કે તેઓ આપણી વણકહી અપેક્ષાઓ વિશે જાણતા હતા? એવું શક્ય નથી કે આપણી વણકહી અપેક્ષાઓનો તેમને જરા પણ ખ્યાલ નહોતો? 

આનો તો એક જ અર્થ થાય કે આપણે આ બાબતમાં તેમના પ્રત્યે ગેરસમજ કરી લીધી છે જેના પરિણામે આપણે જ તેમનાથી દૂર થતા રહ્યા છીએ. અહીં પ્રસ્તુતકર્તાને અંગ્રેજ લેખક W. Somerset Maughamના પુસ્તક “A Writer’s Notebook”માંની ઉક્તિ યાદ આવે છે. તેમણે લખ્યું, “જો કોઈ વ્યક્તિ આપણી અપેક્ષાઓમાં ઊણી ઉતરે તો તેમના પ્રત્યે ગુસ્સો કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આપણો અધિકાર તો એટલું જાણવા પૂરતો હોય છે કે કઈ અડચણ કે પરિસ્થિતિને કારણે તેઓ આપણી અપેક્ષા પૂરી કરી શક્યા નથી, અથવા આપેલું વચન તે પાળી શક્યા નથી."

આ વાતને જોતાં એ શક્ય છે કે આપણા આ 'કાચા પડી ગયેલા' સંબંધ વિશે કદાચ આપણે એક તરફી નિર્ણય કરી લીધો છે કે આ વ્યક્તિએ જાણી જોઈને આપણને આપેલું વચન, કે આપણી તેમની પાસેથી જે વાતની અપેક્ષા હતી તે પૂરી કરી નથી. તેથી આ સંબંધ નબળો છે એવી આપણે પોતે જ માની લીધેલી વાત છે; જ્યારે વાસ્તવિકતા સાવ જુદી હોઈ શકે છે.

આ પૃષ્ઠભુમિ પર આપણે આગળની એક્સરસાઈઝ કરીશું. ડાબી તરફના ખાનામાં આપણે લખીશું કે આપણે માની લીધેલો એવો કયો પ્રસંગ હતો જ્યારે આપણે આપણા આ આપ્તજન પાસેથી તેમની મદદની અપેક્ષા રાખી હતી અને આપણી માન્યતા પ્રમાણે તેમણે જાણી જોઈને તે પૂરી કરી નથી. આ કૉલમમાંના દરેક પ્રશ્નની ચોખવટ આપણે સંબંધિત વ્યક્તિ સાથે કરવાની છે, અને તે આપણે લખી લેવાની છે. ડાબી તરફમાંના કૉલમમાં એક ઉદાહરણ છે અને તેની સામે જમણા ખાનામાં તેનો જવાબ છે. આને જોઈ બાકીના મુદ્દા અને તેની ખરાઈ કરેલ જવાબ લખીશું તો જે ચિત્ર ઉભું થશે તે સમગ્ર પરિસ્થિતિને અરીસા જેવું સાફ કરી દેશે.



આ મનોયત્નના ડાબા ખાનાંઓમાં લખેલા મુદ્દાઓનું સંબંધીત વ્યક્તિ સાથે પ્રત્યક્ષ મુલાકાતમાં નિરાકરણ કરી લીધા બાદ ધ્યાનમાં લેવા જેવી બાબતો:

(૧) આપણે માની લીધેલાં કારણોની સાચી વાસ્તવિકતાને ઊંડાણથી તપાસવાની જરૂર છે. ઘણી બધી વખત આપણે જે માની લીધું હોય તે માત્ર આપણું પોતાનું દૃષ્ટિબિંદુ હોય છે. વળી, આપણે એવું પણ માનતા હોઈએ છીએ કે, મને જે લાગે છે તે જ હકીકત છે. 
આપણે હકીકતની ખરાઈ કરીએ નહિ અને કોઈ કાર્યની પાછળ રહેલા કારણને કે ચોક્કસ વિગતના સત્યને શોધી કાઢીએ નહિ ત્યાં સુધી આપણાથી સંબંધિત વ્યક્તિના આશયો બાબતે ખોટો નિર્ણય બાંધી બેસવાની સંભાવના ઘણી છે. ખોટા કે બિનચકાસણીવાળા વિચારોને
પરિણામે લેવાતા નિર્ણયો આપણા ઘણા સારા સંબંધોનો અંત લાવી શકેછે. આપણે જે સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાના ખરેખર કારણ તરીકે જે મુદ્દાઓ કે પ્રસંગો જોયાં હોય તે માત્ર આપણા ખોટા તર્કને કારણે પણ હોઈ શકે. તેથી સંબંધિત વ્યક્તિ સાથે ઉપરના Tableમાં લખેલી અાપણી અપૂરી રહેલી અપેક્ષાઓ વિશે 'ખરા' તથા માની લીધેલાં કારણો વિશે નિખાલસતાથી વાતચીત કરવી ઉચિત છે. 

(૨) આપણા ધ્યાનમાં એવા પણ મુદ્દાઓ આવશે જેમાં જણાશે કે સંબંધોમાં આપણા તરફથી ઉમેરવાનું કંઈક ખૂટેછે. આપણા તરફથી થયેલી આવી કમીની આપણે નિષ્ઠાપૂર્વક વાત કરવી જોઈએ અને જે તે વ્યક્તિની અપેક્ષાએ આપણે ક્યાં ઊણા ઊતર્યા છીએ, અને તે ઊણપ આપણે કઈ રીતે પૂરી કરવા માંગીએ છીએ, તેની પણ વાત કરવી જોઈએ. સાચાં કે માની લીધેલાં કારણોની સંબંધિત વ્યક્તિ સાથે નિખાલસ ચર્ચા અનિવાર્ય છે. તમે જે કોઈ માની લીધેલાં કે ખરાં કારણો નોંધ્યાં છે તે પ્રત્યેક કારણ બાબતે સ્પષ્ટતા થઈ જાય તો સંબંધ ફરીથી જોડાશે એટલું જ નહિ, ખુલ્લા મનથી કરેલી વાતોને કારણે તે વધુ ઘનીષ્ઠ થઈ શકે છે.

ઉપરની વાતોને ધ્યાનમાં લઈ નીચે જે કાર્યયોજના સૂચવાઈ છે તે કદાચ ઉપયોગી નીવડશે.

૧. પ્રસ્તુતકર્તાના આ બાબતના વિસ્તૃત અનુભવના આધારે કહી શકાય કે કેટલીક વાર આપણા સંબંધી પાસેથી આપણી અપેક્ષાને મળેલો પ્રતિભાવ નિર્દોષ હોઈ શકે છે, પરંતુ આપણે તેને કટાક્ષમય અથવા ઉપેક્ષા સમજીને તેમના પ્રત્યે આપણા મનમાં એક ગ્રંથિ ઉભી કરી લઈને સંબંધને તોડવા સુધી પહોંચી જઈએ છીએ. તેથી કોઈ પણ બાબતમાં આપણને ગમે કે ન ગમે તેવું અર્થઘટન કર્યા વગર તે બાબતમાં મુક્ત મનથી નિખાલસ ચર્ચા કરવાથી આવી ઘણી ગેરસમજો દૂર કરી શકાશે. પરિણામે અત્યાર સુધી તંગ જણાતા સંબંધોને મજબૂતી બક્ષશે.

આ બધું તો બરાબર છે ; પણ આપણા મનને હજુ એક સવાલ મૂંઝવી રહ્યો હશે. 

આ ચોખવટની શરૂઆત કોણે કરવી ?

આ સવાલ ઊભો થવાનું કારણ જ એ છે કે આ સંબંધમાં મોટા ભાગે અહમનો પ્રશ્ન સંડાવાયેલો છે. અહીં આપણે આપણને ખુદને પૂછવાનો ખરો પ્રશ્ન છે :  મારે માટે વધુ અગત્યનું શું છે ? અહમ કે સંબંધ ? 

સાચા સંબંધમાં અહમને કોઈ સ્થાન નથી. બધા જ સંબંધોના પાયામાં પરસ્પરનો વિશ્વાસ અને પ્રેમ હોય છે. સૌએ અનુભવ્યું જ હશે કે અહમ સંબંધોને તોડી નાંખે છે. પછી, આ અહમ પૈસાનો હોય, પદનો હોય,  સત્તાનો હોય કે ભૌતિક સમૃદ્ધિનો હોય. ભૌતિક સમૃદ્ધિના પાયા પર જેસંબંધો રચાયા હોય છે તે લાંબો સમય ટકતા નથી ; એ તો હંમેશા ક્ષણજીવી નીવડવાના.

તંગ, તેમજ દૂરના કે વણસેલા સંબંધોને હાથ ધરતી વખતે સંબંધોના પાયાને ચકાસવો અત્યંત જરૂરી બનશે. તેની ચકાસણી કરતી વખતે આપણે પૂરેપૂરા પ્રામાણિક રહેવું જોઈએ. એક વખત એ સ્પષ્ટ થઈ જાય કે સંબંધોના પાયામાં પ્રેમ અને વિશ્વાસ મુખ્ય છે તો બીજી કોઈ વાત આડે આવતી નથી. અહમ પણ નહિ.

તંગ સંબંધોની આ ચર્ચા અને તેના પરના ઊંડા વિચાર બાદ હવે આપણે શું કરવા માંગીએ છીએ તેની આપણે કાર્યયોજના ઘડવી પડશે. તે કરીશું ત્યારે આપણા પ્રયત્નના અંતે જણાશે કે આપણાં બાળપણના કે દૂરના ભૂતકાળના આપણે મન મહત્ત્વનાં લોકો હતા, તેમનો સંપર્ક આપણે કેટલાંક કારણોસર ગુમાવી દીધો છે. હવે આ સંબંધ અંગેનાં કારણો જો ઉપર જણાવેલ કક્ષામાં આવતાં હોય તો આપણે એ સંબંધો ફરી બાંધવા જોઈએ. જો તમને એમ લાગતું હોય કે તેમ કરવાથી આપણે વધુ સુખી થઈશું તો તે કામ આપણે અવશ્ય કરવું જ જોઈએ.

1 comment: