Pages

Monday, June 16, 2014

આંચલસે ક્યું બાંધ લિયા...

આંચલસે ક્યું બાંધ લિયા...

આપણી મુગ્ધાવસ્થામાં કોઇ સુંદર કન્યાએ આપણી સામે જોઇને કરેલું મોહક સ્મિત ચિત્તમાં જેમ કાયમ માટે ચિત્રીત થાય, તે રીતે કેટલાક ગીતો પણ મનના ટેપ રેકોર્ડરમાં કાયમ માટે અંકાઇ જતા હોય છે. બસ, કોઇ વાત, કોઇ શબ્દ અથવા હવાની એવી લહેર આવીને મન, ચિત્ત અને હૃદયના તાર પર હળવો સ્પર્શ કરી જાય, તે સ્મિત, ગીત અને પ્રસંગ ફરી એક વાર અંતરની આંખ - ‘inward eye’ સામે અભાવિત રીતે ઉપસ્થિત થાય છે, તેના સૂક્ષ્મ સૂર કાનનાં પડદાને ઝંકારી જાય છે. હોઠનાં ખૂણાં થોડા મરકી ઉઠે. આવું થાય ત્યારે કોઇ પૂછે, ‘અરે ભાઇ, ક્યાં ખોવાઇ ગયા છો?’ તેને કેમ કરીને કહેવાય કે ભાઇ, જાગૃતાવસ્થાનું સ્વપ્ન, જેને કવિઓ reverie કહે છે, તે આ જ હોય છે? કેવી રીતે તેને સમજાવીએ કે વિતેલા જીવનમાં અનુભવેલા પ્રેમ, વિયોગ, ભગ્ન હૃદયની વિષમ અવસ્થાને ફરીથી કોઇ યાદ કરાવે છે? વિચારો આવે છે:

કેટલું રમ્ય એ બાલપણ હતું?

સ્નેહના તાંતણે આ પરદેશીના પ્રેમને તમે શા માટે બાંધી લીધો? આવતી કાલનું પ્રભાત ઉગે તે પહેલાં તો હું ચાલ્યો જવાનો છું!

પાષાણ સમું જેમનું હૃદય હોય, તેને હૃદયમાં સ્થાન આપીને શું કરીશું?

આ રજની, આ ચાંદની ફરી ક્યારે મળશે? અરે, આજે તો તમે મારા હૃદયની કથની સાંભળતા જાવ!

વ્યક્ત-અવ્યક્ત પ્રેમ, ઝંખના, વિયોગને કવિએ શબ્દ આપ્યા, તેને જીવંત કર્યા હેમંત કુમાર મુખોપાધ્યાયે. હા આપણા હેમંતકુમારે!

રવીંદ્રસંગીતમાં બંગાળી અને પ્રવાસી બંગાળીઓ (Non Resident Bengali!)નાં ચહેતા આ ગાયકે પહેલી વાર હિંદી ગીત ગાયું ત્યારે બિનફિલ્મી ગીતોના જગતમાં વિદ્યુલ્લેખા ચમકી. વિજળીનો આ તરંગ એવો હતો કે તેની ચમક અનેક વર્ષો સુધી સંગીત-નભમાં દમકતી રહી. ગીત હતું, ‘આંચલસે ક્યું બાંધ લિયા, મુઝ પરદેસીકા પ્યાર!’
આ ગીત સાંભળતાં આંખની સામે ફિલ્મ ‘જવાબ’નું દૃશ્ય જરા જુદી રીતે ઉભું થતું. અહીં પરદેશી યુવાન સ્મૃતીભ્રંશથી પીડાતો નથી. નાનકડા wayside stationના સ્ટેશન માસ્તરની મુગ્ધમનની યુવતિ તેને નયનો દ્વારા સ્નેહને તાંતણે બાંધી લે છે, પણ કહી શકતી નથી કે તે યુવાનને ચાહે છે. યુવાન જાણે છે કે સૂર્યનાં પહેલાં કિરણો ક્ષિતીજમાંથી ડોકિયું કરે તે પહેલાં તેને જતાં રહેવાનું છે અને .... બસ આગળ તો આપે આ ગીત સાંભળવું જ રહ્યું! હેમંતકુમારે કેટલી ઉત્કટતા અને સમજથી ગીત ગાયું કે રેકૉર્ડ બહાર પડતાં જ સંગીત નભમાં એક તેજસ્વી તારાનો ઉદય થયો!

ત્યાર પછી ‘ભલા થા કિતના અપના બચપન’ આવ્યું. કોઇ કોઇ ઠેકાણે અપદ્યાગદ્ય જેવી લાગતી પંક્તિઓનું આ ગીત કેમ ન હોય, રસિકોએ તેને ક્ષુધાતુર ચાતકની જેમ માણ્યું. અને પછી સિલસીલો શરૂ થયો:
પત્થરકી તરહ હો દિલ જીસકા, ઉસે દિલમેં બસા કર ક્યા કરેં?’

હેમંતબાબુની repertoire તથા ગાન-ક્ષિતિજ એટલાં વિસ્તીર્ણ હતા, કે તે સમયે તેમણે ગાયેલ ભક્તિગીતમાં પણ તેમના હૃદયનો ભાવ સ્પષ્ટ થતો અનુભવાતો. કોઇ પણ સુગમ સંગીતના ગાયક બાગેશ્રીમાં કોઇ ગીત ગાય, જિપ્સીને તો હેમંતબાબુએ ગાયેલું ‘મધુબનમેં ન શ્યામ બુલાવો‘ યાદ આવી જતું. તેમાં પણ તેઓ આર્તસ્વરે ગાતાં, “બેબસ કો દુનિયા ઠુકરાયે, તુમ તો નહિં ઠુકરાવો‘ ગાઇ સમ પર આવે ત્યારે શ્રોતાને રોમાંચ થઇ આવે! અને બીજા અંતરામાં ‘જીસ દિલમેં તુમ્હારા પ્યાર બસા, ફિર સૂના મન ગુલઝાર બના/તુમ બસંત બન કર આઓ..‘ સાંભળીએ તો ખરેખર રાધિકાના હૃદયમાં વસંત કેવી રીતે ખિલી ઊઠ્યો હશે તેનો અંદાજ આવી જાય! બંગાળીમાં ‘અદ્ભૂત’ શબ્દ છે, પણ સાચે જ કોઇ અદ્ભૂત વાત જોવામાં કે સાંભળવામાં આવે, તેઓ બોલી ઉઠે છે, ‘ચોમોત્કાર!’ હેમંતબાબુનું ‘મધુબનમેં..’ ગીત પૂરૂં થાય ત્યારે આ જ શબ્દ મુખમાંથી નીકળે: ચોમોત્કાર!

હેમંતબાબુની ભાવથી નિતરતાં ગીત ગાવાની શૈલી પણ આગવી જ. ફિલ્મ જગતમાં આવ્યા બાદ તેમણે ગાયેલા ગીતો હજી હૃદય હલાવી દે. વર્ષો વિતી ગયા છતાં તેમણે ગાયેલા ગીતોને હજી પણ ‘ભૂલે બિસરે ગીત’માં સ્થાન આપવાની કોઇની હિંમત નથી ચાલી. તેમણે જે ફિલ્મોમાં ગીતો ગાયા, કોઇ ભુલી શક્યું નથી. અરે, સાવ અજાણી ગણાતી ફિલ્મ ‘બાદબાન’ (મહાનાયક અમિતાભ બચ્ચનનું નહિ, પણ ખુદ અમિતાભ જેમને મહાનાયક કહે છે તે દિલીપસાહેબની ફિલ્મ)માં તેમણે ગાયેલું, “કૈસે કોઇ જીયે?’ યાદ છે આપને? તેમાં જે રીતે તેમણે ‘ઊઠા તુફાન, આસકે સબ બુઝ ગયે દિયે..’ ઉપાડ્યું, દિલમાં તીવ્ર કસક ઉપડે. ખાસ તો છેલ્લા અંતરામાં‘પ્યાસે પપિહરે...’ ઉચ્ચારે છે ત્યારે દિલીપકુમારના ભાવ અને તેને સંપૂર્ણ રીતે ઓપી ઉઠે તેવા સૂરમાં હેમંતબાબુએ આ ગીત ગાયું. આ ગીતના સંગીતકાર તિમીરબરને આ સાંભળીને ‘ચોમોત્કાર’ જરૂર કહ્યું હશે.

હંમેશની જેમ જિપ્સી કલાકારના જીવનની તારીખોમાં ઉલઝાવાને બદલે તેમની કલાનો આપની સાથે મળીને રસાસ્વાદ કરવામાં માને છે. કવિનો કલામ બંધ મહેફીલમાં સંકોચાઇ ન રહે તે માટે સૂરસર્જક તેને melody - બંદીશમાં ઢાળે અને શ્રેષ્ઠ ગાયકની ખુબી કવિ તથા સૂરસર્જકના ભાવ, તેમનાં સંવેદનોને સમજી તેમાં પોતાના પ્રાણ ઉમેરવામાં હોય છે. પછી ભલે તેમને અંતરાની ચારે’ક પંક્તિઓ ગાવાનું કહેવામાં આવે કે આખું ગીત. પંડિત હૃદયનાથ મંગેશકરે સંગીતબદ્ધ કરેલું માછીમારોનું કોંકણી ગીત ‘મી ડોલકર, દર્યાચા રાજા’ તેમણે હેમંતબાબુ તથા લતાદિદિ પાસે ગવડાવ્યું તે હજી ગવાય છે, સંભળાય છે, કદી ભુલાયું નથી અને ભુલાશે નહિ!

હેમંતબાબુના ‘હિટ‘ થયેલા ગીતો અસંખ્ય છે. કયા ગીતને અહીં રજુ કરીએ, ક્યા ગીતને ફરી ફરી સાંભળવાનું મન થાય, મન અચંબામાં પડી જાય. એક એક ગીતની પંકતી મનના દરવાજા પર સાંકળ ખખડાવે છે, અને કહે છે, અમને અંદર આવવા દો! ખાસ કરીને પૂર્ણ કળાએ ખિલેલી ચાંદનીમાં સમુદ્રની લહેરો સાથે આવતા મંદ પવનમાં ગિટારના ઝણકાર સાથે હેમંતબાબુએ ગાયેલું, સચિન દેવ બર્મને સુરબદ્ધ કરેલું ‘યે રાત યે ચાંદની ફિર કહાં....’ કદી ભૂલાશે?

હેમંતબાબુ વિશેની વાત જિપ્સી અહીં પૂરી કરશે તો તેમના પ્રત્યેના આદરમાં અપૂર્ણતા મહેસૂસ થશે. હજી તો કેટલીયે વાતો કરવી છે, ગીતો સાંભળવા છે, જેને તે આવતા અંકમાં રજુ કરશે.

આજે તો અહીં વાત પૂરી કરવી પડશે! જતાં જતાં તેમણે live concertમાં ગાયેલું ગીત “ઝીંદગી કિતની ખુબસુરત હૈ...” સાંભળીશું. આવા સંગીતકારોનાં ગીતો આપણાં જીવનમાં જ્યાં સુધી છે, જીવન હંમેશા સૌંદર્યપૂર્ણ રહેશે.

(વધુ આવતા અંકમાં)

7 comments:

  1. સ્વાગત,
    આદરણીય કેપ્ટન નરેન..

    સુંદર અને રસ-સભર આલેખ.. બહુ જ ગમ્યો..

    હેમંત દ ના ગીતો મેં હમેશ માણ્યા છે.. તેમના યુગલ ગીતો માં નું એક .. ફીલ્મ ઝનક ઝનક પાયલ બાજે .. "નૈન સો નૈન નાહી મિલાઓ.. મને હું પણ બહુ જ ગમે છે.. તેમના ગયેલા ૩૨ ગીનો તો ગુલદસ્તો..આ લીંક પર માણજો.. લીંક: https://www.dropbox.com/sh/okix8dlc5kqhukf/AACpRQHojJKotZMnSTdcGgk5a

    અસ્તુ,

    શૈલેષ મહેતા

    ReplyDelete
  2. ફિલ્મ "બાદબાન"ની આપેલી માહિતીમાં ક્ષતિ રહી જવા પામી છે! જુની ફિલ્મમાં નાયક દેવ આનંદ હતા, દિલીપ કુમાર નહિ. આપણા લોકપ્રિય અને સિદ્ધહસ્ત લેખક શ્રી. રજનીકુમારભાઇ પંડ્યાએ ખાસ સમય કાઢી આ વાત પર જિપ્સીનું ધ્યાન દોર્યું તે માટે તેમનો આભાર.

    ReplyDelete
  3. Although I am not fluent in Gujarati, I did read and enjoy this piece. Took me some time to read it through and could not follow every word but I got it about 95 per cent right. Maja aa gaya, Narendrabhai. I am your Wodehouse friend Viscount Bosham aka Harshawardhan.

    ReplyDelete
    Replies
    1. Thank you, My Lord, for visiting my blog. I am honored. How can I forget my friend who welcomed me in the Wodeshouse club's eternal happiness?

      Delete
  4. Thanks for rekindling good old memories.

    Vijay Joshi

    ReplyDelete
  5. આંચલસે ક્યું બાંધ લિયા...
    આખો દિવસ મનમા ગૂંજ્યા કર્યું
    સૂ શ્રી શૈલેશભાઇએ સૂચવેલ સા ઇ ટ પર મધુર ગીતો માણ્યા

    ReplyDelete
    Replies
    1. આપનો પ્રતિભાવ પણ આખો દિવસ મનમાં ગુંજ્યા કર્યો. આ જ ગીતે સર્જેલી જુની યાદો તાજી કરી. પંજાબમાં ડ્યુટી બજાવતી વખતે તેને બીજા દિવસની વહેલી સવારે સીમા પર આવેલી ચોકી પર જવાનું હતું. સાંજે સૉફિસર્સ મેસમાં થયેલી પાર્ટીમાં તેણે આ ગીત ગાયું હતું. ગીતની પંક્તિ 'કલ સુબહ હોને સે પહલે/કરૂંગા જાને કી તૈયારી.." સાંભળીને તેના કમાંડીંગ અૉફિસરનાં પત્નીએ મારા COને વિનંતી કરી હતી કે જિપ્સીને કાલે સવારે જ પાછા ન મોકલશો. કાલનો દિવસ તેમને તેમનાં પત્ની સાથે ગાળવા રહેવા દો!" આ હતો હેમંતદા'ના ગીતનો જાદુ!

      Delete