Pages

Tuesday, July 19, 2011

સોશિયલ વર્કરની નોંધપોથીમાંથી: અબ્દુસ્સમદ સાહેબ

કાઉન્સીલના ડિસેબિલિટી સેક્શન તરફથી રીફરલ આવ્યું. અબ્દુસ્સમદ સાહેબને ‘મલ્ટીપલ’ ડિસેબિલિટીઝ હતી. કોઇની મદદ વગર બિસ્તરમાંથી બહાર નીકળી શકતા નહોતા. કાઉન્સીલ તરફથી તેમને અૅપાર્ટમેન્ટ મળ્યું હતું, અને અૉક્યુપેશનલ થેરપીસ્ટ તરફથી grab-rail જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. તેમની ‘સોશિયલ નીડ્ઝ’ તથા અન્ય ‘પ્રૅક્ટીકલ સપોર્ટ’ના અૅસેસમેન્ટ તથા તેની આનુષંગીક સેવાઓનું નિયોજન કરવાની જરૂર હતી.
સૌ પ્રથમ ‘meals on wheels’ના એશિયન કિચનમાંથી બપોરનું ભોજન શરૂ થયું. વિકલાંગ વ્યક્તિઓ માટેના ડે સેન્ટરમાં અઠવાડીયામાં એક દિવસની વ્યવસ્થા કરી, પણ તેમને ત્યાં જવાનું ગમ્યું નહિ. તેમના અૅલાવન્સની બાબતમાં તપાસ કરતાં જણાયું કે તેમને અૅટેન્ડન્સ અૅલાવન્સ તથા મૉબિલિટી અૅલાવન્સ નહોતા મળતા. આની અરજી કરી, અને તે મળવા લાગ્યા. અમે પાછલી તારીખથી આની માગણી કરી, તે આંશીક રીતે મંજુર થઇ. જો કે તેમાં તેમને એટલા પૈસા મળ્યા કે પંદર વર્ષ બાદ તેમના વતન ભારતના હૈદરાબાદમાં આવવા જવાનું ભાડું નીકળી આવ્યું.
બુકીંગ એક મહિના બાદનું હતું. તેમના ઘરમાં હવે એક વાતની કમી હતી. મીલ્સ અૉન વ્હીલ્સમાંથી દર શુક્રવારે ત્રણ દિવસનું એટલે શુક્ર-શનિ-રવિવારનું ભોજન આવતું. રેફ્રીજરેટર વગર ખાવાનું બગડી જતું, તેથી જીપ્સીએ તેમને કહ્યું, “સમદ ચાચા, આપ કહો તો રીજન્ટ્સ પાર્ક મસ્જીદના ઝકાત ફંડમાંથી ફ્રીજ માટે અરજી કરીએ. આ અગાઉ તેમણે મારા બે ક્લાયન્ટ્સને જરૂરી સાધનો લઇ આપ્યા હતા.”
“અમારાથી ઝકાત ફંડના પૈસા લઇ ન શકાય. અમે સૈયદ છીએ, રસુલ કરીમ સ.વ.ઉ.ના વંશજ. અમે ઝકાત આપીએ, લઇએ નહિ. આ અમારા ઝમીરની વાત છે.”
જીપ્સીને હંસાબાની યાદ આવી. સંસારમાં આવી અનન્ય વ્યક્તિઓ હજી જીવે છે, ગૌરવ, સ્વમાન અને નિતાંત ાપ્રમાણીકતાથી.

3 comments:

  1. જો ઝકાતના ફંડમાંથી સૈયદ લોકોથી લેવાય નહીં તો પછી એશિયન કિચનમાંથી કેમ ખવાય ? એ પણ ધર્માદાનું જ હતું ને !

    ReplyDelete
  2. @ હરનીશભાઇ,
    આ અગાઉના અંક વાંચ્યા હોત તો આ પ્રશ્ન પૂછ્યો ન હોત! એશીયન કિચન મફત કે ધર્માદાનું નથી. લોકોને તેની કિંમત (તે સમયે વધીને એક પાઉન્ડ અને વીસ પેન્સ થયા હતા) ચૂકવવી પડતી હતી. આ મીલ્સ અૉન વ્હીલ્સ સર્વિસ કાઉન્સીલ દ્વારા ચાલે છે અને બ્રિટનમાં વૃદ્ધ, વિકલાંગ અને રસોઇ ન કરી શકનાર વ્યક્તિઓને ઘેર પહોંચાડવામાં આવે છે. જે રીતે આપણા ઘર સામેની શેરીઓ સાફ કરવાનું કામ નગરપાલિકાનું હોય છે, જેના માટે આપણે ટૅક્સ ભરીએ છીએ, તેવી જ રીતે બ્રિટનની મધ્યસ્થ સરકાર કાઉન્સીલને ટૅક્સમાંથી મળેલી રકમમાંથી કાઉન્સીલોને Rate Support Grant આપે છે, તેમાંથી, અને તેમાં જે short-fall થાય, તે ભોજનની કિંમત દ્વારા વસુલવામાં આવે છે.
    આ વાત અગાઉના અંકમાં વિસ્તારથી કહેવામાં આવી હતી.
    Half knowledge is dangerous thingની કહેવત સાચી છે. પૂરી વાત જાણ્યા વગર પૂર્વગ્રહનો રોગ લાગી શકે છે!

    ReplyDelete