Pages

Tuesday, July 19, 2011

સોશિયલ વર્કરની ડાયરીમાંથી: શાહિન બેગમ

આ કથા ૨૭ જુલાઇ ૨૦૧૦ના રોજ 'જીપ્સીની ડાયરી'માં પ્રકાશિત થઇ હતી. સોશિયલ વર્કરની વાતનું સાતત્ય જળવાઇ રહે તે માટે ફરીથી પ્રકાશિત કરી છે.

૧૯૮૦ના દાયકામાં અમારા સોશિયલ સર્વિસીઝ ડીપાર્ટમેન્ટમાં ભારતીય ઉપખંડના કાર્યકર્તાઓની ભારે કમી હતી. તેમાં પણ બહેનો તો સાવ ઓછી. પાકિસ્તાની મહિલાઓાનો આગ્રહ રહેતો કે તેમનું કામ સ્ત્રી સોશિયલ વર્કર્સ જ કરે. અમારે ત્યાં મુંબઇની TISSની ઝૈતૂન મનજી તથા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી MSW કરીને આવેલ સુકેશા અમીન હતી તેથી અમારા શહેરની મુસ્લિમ મહિલાઓનું કેસ-વર્ક આ બે બહેનોને જ સંભાળવું પડતું. (કેસ વર્કની ગુપ્તતા જાળવવા અહીં અપાયેલા બધા નામ બદલાવ્યા છે). તેમનો કેસ-લોડ એટલો વધી ગયો હતો કે ઘણા કેસીઝ વેઇટીંગ લિસ્ટમાં હતા. તેમની વધારાની સમસ્યા એ હતી કે તેમનું પંજાબી ભાષાનું જ્ઞાન નહિવત્ હતું તેથી તેમને દ્વિ-ભાષી સહકારી ન મળે, ત્યાં સુધી તેમનું કામ અધુરું રહેતું. તે સમયે મૂળ ગુજરાંવાલા શહેરના અને હવે અમારી ટીમના વિસ્તારમાં રહેનાર શાહિન બેગમનો કેસ વેઇટીંગ લિસ્ટમાં હતો. શાહિનનો આગ્રહ હતો કે તેનો કેસ સ્ત્રી સોશિયલ વર્કર જ સંભાળે તેથી શરૂઆતમાં તેને ‘પ્રૅક્ટીકલ સપોર્ટ’ આપવાનું કામ ઝૈતૂનને સોંપ્યું હતું. તેણે શાહિનના છૂટાછડા લેવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. કોર્ટની તારીખ આવી હતી, ઝૈતૂનને તે સમયે પારિવારીક પ્રસંગો માટે નૈરોબી જવાનું હતું. તેથી આ કેસ અમારી ટીમના કોઇ સભ્યને સોંપાય તેવું નક્કી કરવામાં આવ્યું. કેસ એલોકેશન મિટીંગમાં ઝૈતૂને શાહિનના કેસની વિગત આપી.
શાહિન ગુજરાંવાલા શહેરના ગરીબ પરિવારની મોટી દિકરી હતી. પિતા ઘોડાગાડી ચલાવતા. ચાર ભાઇબહેનોમાં શાહિન સૌથી મોટી. મૅંચેસ્ટરના મધ્યમ વર્ગના પરિવારના મોટા પુત્ર માટે શાહિનના દૂરના કાકા દ્વારા માગું મોકલાવ્યું. મૂરતિયો પૈસાદાર હતો. શાહિનનો પરિવાર મૂળ કાશ્મિરનો હતો. કાશ્મિરી સ્ત્રીઓ સૌંદર્ય માટે પ્રખ્યાત હોય છે. શાહિન તેમાં અપવાદ નહોતી. તેણે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. આસપાસના દસેક બાળકોને માસિક પાંચ-પાંચ રૂપિયા લઇ રોજ એક-બે કલાક ભણાવતી હતી તેથી ઘરમાં તેની આર્થિક મદદ થતી. હવે જો તેનાં લગ્ન વિલાયતમાં થાય તો આખા પરિવારનો ઉદ્ધાર થાય તેવી આશાથી મૂરતિયા ખાલિદને જોયા વગર લગ્ન માટે હા કહેવામાં આવી. Fiance`Sponsorshipની જોગવાઇ નીચે તે મૅંચેસ્ટર ગઇ અને લગ્ન થયા.

લગ્નનો પ્રસ્તાવ લઇ આવનાર કાકાએ મૂરતિયાની સમૃદ્ધી વિશે કહેલી સાચી વાતોમાં એક નાની સરખી વાત છુપાવી હતી.

ખાલિદ Bi-polar હતો.

મહિનામાં એક કે બે વાર manic episode આવે ત્યારે કોઇવાર હિંસક થઇ તેની સામે કોઇ હોય તેને ઝૂડી કાઢતો. શાહિનને આનો અનુભવ લગ્ન બાદ તરત જ આવ્યો. પિયરના ભાવિ સુખને ખાતર તે ખાલિદની માંદગી તથા માર સહેતી રહી. ચાર વર્ષમાં બે બાળકીઓને જન્મ આપ્યા બાદ સાસુ તરફથી પણ ત્રાસ શરૂ થયો. શાહિને ‘વારિસ’ આપ્યો નહોતો! દિકરીને હજી પણ વંશ ચાલુ રાખનાર વારસ ગણાતી નથી.

એક દિવસ ખાલિદની બિમારીનો ભોગ તેની મોટી દિકરી જબીન થઇ. ત્રણ વર્ષની જબીનને તેણે ક્રોધના આવેશમાં ફટકારી કાઢી. શાહિન તેને છોડાવવા ગઇ તો તેનું ગળું દબાવવા લાગ્યો. મહા મુશ્કેલીએ ખાલિદના પિતા મકબૂલ ભટ્ટીએ તેને છોડાવી. મકબૂલમિયાં ભલા માણસ હતા. તેમણે શાહિન તથા તેની બેઉ દિકરીઓને બર્મિંઘમમાં રહેતી તેમની પરિણીત દિકરી પાસે થોડા દિવસ માટે મોકલી. ત્યાંના બે-ત્રણ દિવસના વાસ્તવ્યમાં શાહિને ખૂબ વિચાર કર્યો. તેના પર થતા હિંસક હુમલા તેણે ચાર વર્ષ સહ્યા, હવે સંતાનો તેનો ભોગ બને તે તેને મંજુર નહોતું. મકબૂલમિંયાએ બચાવી ન હોત તો તે કદાચ મરી ગઇ હોત.

શાહિન બુદ્ધિમાન યુવતિ હતી. ચાર વર્ષના બ્રિટનના વાસ્તવ્ય દરમિયાન તે અહીંની ઘણી વાતોથી વાકેફ થઇ હતી. તેની બહેનપણીઓને સંગાથ આપવા જુદી જુદી અૉફિસોમાં જતી ત્યારે તેને સોશિયલ સિક્યોરિટીમાંથી મળતા ઇંકમ સપોર્ટ, હૉસ્પિટલની સારવાર તથા કાઉન્સિલ તરફથી મળતા મકાન વિગેરેની જાણકારી મળી હતી. અંગ્રેજી બોલવામાં ફાવટ આવી નહોતી, તેમ છતાં મૅંચેસ્ટર પાછા જવાના બહાના નીચે તે બસ સ્ટૉપ પર ગઇ અને ત્યાંથી સીધી અમારા શહેરમાં પહોંચી. બસ સ્ટેશનથી ટૅક્સી કરી સોશિયલ સર્વિસીઝની અૉફિસમાં આવી અને ત્યારથી અમારા કેસ વર્કમાં હતી. ઝૈતૂને તેને હોમલેસ પર્સન્સ અૅક્ટ હેઠળ કાઉન્સીલમાં મકાન અપાવ્યું હતું. હવે આગળનું કામ કોને સોંપાય તેની વિચારણા કરવામાં આવી. િમલિટરીમાં લાંબા સમય માટે કામ કર્યું હોવાથી ‘જીપ્સી’ને ઉર્દુ તથા પંજાબી બોલવામાં સારી ફાવટ હતી, અને વાતચીતમાં જળવાતી તહેઝીબનું સારૂં કહી શકાય તેવું જ્ઞાન હતું. શાહિનને પુરૂષ સોશિયલ વર્કર વિશે વાંધો ન હોય તો તે કેસ લેવા તૈયાર હતો. ઝૈતૂને શાહિન સાથે આ બાબતમાં વાત કરી તેનો નિર્ણય જણાવીશ એવું કહ્યું.
બીજા દિવસે ઝૈતૂનનો ફોન આવ્યો. શાહિન મારો ઇન્ટરવ્યૂ લઇ મને ‘જોવા’ માગતી હતી. તેને લાગે કે આ “હિંદુ” સભ્ય માણસ છે અને મહિલાનું સન્માન તથા અંતર જાળવી શકશે તો તે નક્કી કરશે. ઇન્ટરવ્યૂ થયો અને શાહિને મંજુર કર્યું કે જીપ્સી તેનો સોશિયલ વર્કર થઇ શકશે. જો કે ટીમમાં આ વાત પરથી તેની ઘણી મજાક ઉડાવવામાં આવી. પરાયા પુરુષો પ્રત્યે ઓજલ રાખનાર મુસ્લિમ મહિલા તે પણ પાકિસ્તાની સ્ત્રીએ જીપ્સીને હા કહી તેનું શું કારણ હોવું જોઇએ તેની રેચલ કોલ્ટરે ટીખળ કરી.
કોર્ટમાં કેસ ચાલે તે પહેલાં સૉલીસીટર સાથેની મુલાકાત માટે જીપ્સી શાહિન સાથે ઘણી વાર ગયો અને તેને જોઇતી જરૂરી માહિતી આપી. બ્રિટન જતાં પહેલાં સૌરાષ્ટ્ર, ગુજરાત, પંજાબ જેવા પ્રદેશોના ગ્રામ્ય વિસ્તારમાં સારૂં એવું રહ્યો હોવાથી લોકમાન્યતાઓ, ખાસ કરીને માનસિક બિમારી અંગેના પ્રવર્તતા ખ્યાલથી તેને વાકેફ કર્યો (દા.ત. સ્ત્રીઓની માનસિક બિમારીનું કારણ મુખ્યત્વે ભૂત-પ્રેતના વળગણને કારણે તથા પુરૂષોની લૈંગીક સમસ્યા દૂર કરવા તેના લગ્ન કરી દેવાથી દૂર થાય છે એવી ગામઠી માન્યતાઓ) સાંભળી તેને આશ્ચર્ય થયું. મકબૂલભાઇ સજ્જન હતા. તેમના મતે કોર્ટમાં પારિવારીક બદનામી ન થવી જોઇએ. બન્ને પક્ષોની સંમતિથી ડિવોર્સ માટે કોર્ટ પાસે રજુઆત થઇ. છૂટા છેડા મંજુર થયા અને અમે તેનો કેસ ‘ક્લોઝ’ કર્યો.

* * * * * * * * *
એક વર્ષ વિત્યું અને શાહિને અમારી અૉફિસને ફોન કર્યો. તેને લગ્ન અંગે સલાહ જોઇતી હતી. ૧૯૮૦ના દાયકામાં આપણી ભાષામાં મૅરેજ કાઉન્સેલીંગ કરી શકે તેવા નિષ્ણાતો નહોતા. શાહિનને અંગ્રેજ કાઉન્સેલર પાસે મોકલી તેના માટે ઇન્ટરપ્રીટરની જોગવાઇ કરી શકાશે તેવું કહેવા જીપ્સીને મોકલ્યો. વાતચીત દરમિયાન શાહિને કહ્યું, “મારી એક બહેનપણીએ તેના ભાઇ માટે મારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેનો ભાઇ નસીમ કુરેશી જર્મનીમાં છે અને તે મને મારી બેઉ દીકરીઓ સાથે સ્વીકારવા તૈયાર છે. એટલું જ નહિ, એ તો જર્મની છોડી અહીં વસી જવા તૈયાર છે. શું કરવું મને સમજાતું નથી. આપણા ‘કલ્ચર’ વિશે અંગ્રેજો શું જાણે? તમે મને સલાહ ન આપી શકો?”
“હું તમને અનૌપચારીક સલાહ ન આપી શકું. તમારૂં ‘રીફરલ’ લઇ મારે તમારા કેસ વિશે ટીમમાં વાત કરવી પડશે. જો અમારા નિયમોમાં આ કેસ સામેલ થતો હોય અને તે મને સોંપવામાં આવે તો જ હું તમારો સોશિયલ વર્કર થઇ શકું.” આ નાનકડી ‘બ્યુરૉક્રસી’ બાદ શાહિનનો કેસ ફરીથી મારી પાસે આવ્યો.

શાહિનના પ્રસ્તાવિત મૂરતિયા વિશે શાહિનની બહેનપણી પાસેથી માહિતી મેળવતાં જાણવા મળ્યું કે તે સમયે જનરલ ઝિયા ઉલ-હકની સરમુખત્યારી અને પીપલ્સ પોલિટીકલ પાર્ટી સામેના તેમના અત્યાચારનો લાભ લઇ પાકિસ્તાનમાંથી હજારોની સંખ્યામાં સ્વીડન, નૉર્વે, નેધરલૅન્ડઝ તથા જર્મનીના ઉદાર ‘પોલિટીકલ એસાયલમ’ અંગેના નિયમોનો લાભ લઇ િરક્ષાવાળા, ઘોડાગાડીવાળા, મજુર અને બેકાર શિક્ષીતો ત્યાં પેસી ગયા હતા. તેમાંનો એક નસીમ હતો. ત્યાર બાદ બીબી બેનઝીર ચૂંટાયા ત્યારે ખાસ કરીને જર્મનીએ આવા રાજકીય નિરાશ્રીતોને પાછા પાકિસ્તાન મોકલવાનો નિર્ણય લઇ તેમને નોટિસ આપી હતી. ‘First Come First Go’નો નિયમ બનાવી તેમણે આવા લોકોને ડીપોર્ટ કરવાનું શરૂ કર્યું હતું. નસીમનો નંબર ત્રણે’ક મહિનામાં આવવાનો હતો. “મારો ભાઇ ડબલ ગ્રૅજ્યુએટ છે. શાહિન મારી વહાલી બહેનપણી છે, તેથી તેના પર અહેસાન કરવા મેં તેને તૈયાર કર્યો છે. એ તો પૈસા ખર્ચી અહીં શાહિનને મળવા પણ આવી ગયો હતો. અહીં આવીને મોટો અફસર થઇ જશે અને શાહિન તથા તેની દીકરીઓ ન્યાલ થઇ જશે.”

જીપ્સીએ શાહિન પાસે સમગ્ર વાત મૂકી. તેની દૃષ્ટીએ નસીમ શાહિન સાથે સગવડીયા લગ્ન કરવા માગતો હતો. શાહિન હવે બ્રિટીશ નાગરિક હતી તેથી તેની સાથે લગ્ન કરી નસીમ અહીં સહેલાઇથી આવી શકશે એવું તેને લાગે છે. અગાઉ એક વાર જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં ‘પ્રાઇમરી પર્પઝ’ (લગ્ન કરવા પાછળનું અસલ કારણ પૂરવાર કરવાનો નિયમ) હજી ચાલતો હતો, તેથી લગ્ન પછી નસીમને અહીં રહેવા વિઝા મળશે એવી કોઇ ગૅરન્ટી નથી તે સુદ્ધાં મેં તેને જણાવ્યું. જીપ્સીએ કાઉન્સેલીંગનો બેસીક કોર્સ કર્યો હતો. તે જાણતો હતો કે તેનું કામ શાહિનને નિર્ણય લેવામાં સરળતા પડે તે માટે લગ્નના પ્રસ્તાવના બધા પાસા બને એટલા સ્પષ્ટ કરી આપવા, દરેક નિર્ણય પાછળના ભયસ્થાનો અને તેમાંથી બચવા માટે તેની પાસે કયા પર્યાય છે તે બતાવી આપવાનું હતું. અંતે નિર્ણય શાહિને જ જ લેવાનો હતો.
“ખુદા ન કરે, અને નસીમને અહીં આવવા ન મળે તો તમે મુલતાનની ગલીમાં બન્ને દીકરીઓ સાથે રહી શકશો?” મેં પૂછ્યું.
શાહિને મને જવાબ ન આપ્યો. જતાં પહેલાં તેને કહ્યું કે ત્રણ મહિનામાં તે જીપ્સીનો સંપર્ક નહિ સાધે તો તેનો કેસ ‘ક્લોઝ’ કરવામાં આવશે. પણ જો તેને અમારા ડીપાર્ટમેન્ટ તરફથી કોઇ પણ મદદની જરૂર હોય તો નિ:સંકોચ મને ફોન કરી શકે છે. તેનો ફોન ન આવ્યો અને કેસ ‘ક્લોઝ’ થયો.
* * * * * * * *
ત્યાર પછીના બે વર્ષમાં ઘણી નવી વાતો થઇ ગઇ, જેની વાત આગળ જતાં થશે. શાહિન બેગમનો ‘રી-ઓપન’ થયેલો કેસ જીપ્સીને મળ્યો. જીપ્સીને તે મળતાં જ તે રડવા લાગી. જીપ્સીએ તેને આશ્વાસન આપ્યું અને પાણીનો ગ્લાસ આપ્યો. શાંત થયા બાદ તેણે જે વાત કહી તે આ પ્રમાણે હતી:

“તમને છેલ્લે મળીને ગયા બાદ નસીમે અમને હૅમ્બર્ગથી રીટર્ન ટિકીટ મોકલી. હું તેને મળવા ગઇ તો તે મને અને જબીનને વળગીને રડવા લાગ્યો. તેને ડીપોર્ટેશનનો હુકમ મળ્યો હતો. તેણે મારા પ્રત્યે અને મારી બન્ને દિકરીઓ પ્રત્યે પ્રેમનો ઇઝહાર કર્યો. જો હું લગ્ન નહિ કરૂં તો તે બરબાદ થઇ જશે. અમારા સહુના સુકુન માટે મારે તેની સાથે તત્કાળ લગ્ન કરવા પડશે. મને તેના પર દયા આવી .... અને હું ફસાઇ ગઇ. તેને બ્રિટીશ વિઝા ન મળ્યો અને જર્મનીએ તેને ડીપોર્ટ કર્યો. હું તેની સાથે મુલતાન ગઇ અને ઇસ્લામાબાદ જઇ બ્રિટીશ હાઇકમીશનમાં અપીલ કરી. મહિનાઓ સુધી ચક્કર માર્યા બાદ તેમણે જણાવ્યું છે કે લંડનની ટ્રાઇબ્યુનલમાં અપીલ છ-સાત મહિના પછી અાવશે. તે દરમિયાન હું ગર્ભવતિ થઇ. હવે તમારે મને મદદ કરવાની છે,” કહી તે ફરી રડવા લાગી.
અમારા સ્થાનિક કમ્યુનીટી લૉ સેન્ટરમાં આવા કેસ મફત લેવામાં આવતા. તેમનો કેસ-લોડ ભારે હોવા છતાં જીપ્સીના બૅરીસ્ટર મિત્ર માઇકલ ગ્રીનબર્ગે શાહિનનો કેસ હાથમાં લીધો. કેસ ચાલ્યો ત્યારે તેમણે જીપ્સીને શાહિનના સોશિયલ વર્કર તરીકે સાહેદી આપવા બોલાવ્યો. નસીમને બ્રિટનમાં આવવા દેવાથી શાહિન તથા તેના ત્રણ બાળકો (સૌથી નાના બાબાનો પિતા નસીમ હતો)ને કેટલો આધાર મળશે તેવી જીપ્સીએ રજુઆત કરી. છેલ્લા ત્રણ વર્ષ શાહિને કેટલી મુશ્કેલીમાં કાઢ્યા હતા તેનું વર્ણન કર્યું. ટ્રાઇબ્યુનલે શાહિનની અરજી મંજુર કરી. નસીમને વિઝા મળી ગયો.
એક અઠવાડીયા બાદ શાહિન તેના ત્રણે બાળકોને લઇ મને મળવા આવી. આ વખતે તેણે પોતાની દિકરીઓને કહેલા ચાર શબ્દો જીપ્સીના જીવનમાં યાદગાર રહી ગયા.
“બેટી, મામૂકો સલામ કરો.” નાની ફરખંદાએ હસીને મને સલામ કર્યા અને ચૉકલેટનો ડબો આપ્યો. તેમાંની એક ચૉકલેટ લઇ તેને ડબો પાછો આપ્યો. હસતે મુખે શાહિન તેના બાળકોને લઇ અૉફિસની બહાર ગઇ. ફરી એક વાર તેનો કેસ ‘ક્લોઝ’ કર્યો.

* * * * * * * *

આ વાતને ત્રણ-ચાર વર્ષ થઇ ગયા હશે. એક દિવસ રસ્તામાં માઇકલ ગ્રીનબર્ગ અચાનક મળી ગયા. થોડી ખુશહાલીની વાત કર્યા બાદ કહે, “બાય ધ વે, તમારી ક્લાયન્ટ - શું નામ તેનું? શાહિન? હા, મને મળવા આવી હતી. તેના હસબંડને સિટીઝનશીપ મળી ગયા પછી તે શાહિનને છોડીને જતો રહ્યો. શાહિન મને પૂછતી હતી, ‘એવો કોઇ કાયદો છે જે આવા નમકહરામની સિટીઝનશીપ કૅન્સલ કરી તેને પાછો તેના મુલ્કમાં મોકલી શકે?’ Any way, it was nice seeing you again...”


Disclaimer: આ સંકલિત કેસવર્ક્સ ઉદાહરણ છે. કોઇ એક વ્વક્તિ કે પરિવારનું વર્ણન નથી. કોઇ સ્થળે સમાનતા જણાય તો તે આકસ્મિક છે.

2 comments:

  1. વાતને ત્રણ-ચાર વર્ષ થઇ ગયા હશે. એક દિવસ રસ્તામાં માઇકલ ગ્રીનબર્ગ અચાનક મળી ગયા. થોડી ખુશહાલીની વાત કર્યા બાદ કહે, “બાય ધ વે, તમારી ક્લાયન્ટ - શું નામ તેનું? શાહિન? હા, મને મળવા આવી હતી. તેના હસબંડને સિટીઝનશીપ મળી ગયા પછી તે શાહિનને છોડીને જતો રહ્યો. શાહિન મને પૂછતી હતી, ‘એવો કોઇ કાયદો છે જે આવા નમકહરામની સિટીઝનશીપ કૅન્સલ કરી તેને પાછો તેના મુલ્કમાં મોકલી શકે?’ Any way, it was nice seeing you again...”
    Narendrabhai,
    This several staged Story of Shahin is an "eyeopner" for many who are atually "used" for the Self-Benefit"
    Irrespective of the 'outcomes" at each Stage, Gypsie's intentions were very clear" NO MATTER who, a person in need MUST be assisted as best possible within the LEGAL limitations.
    And Gypsie had done his duty !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    www.chandrapukar.wordpress.com
    Avjo for the NEW POST !

    ReplyDelete
  2. વિશ્વમાં સારા અને નરસા બન્ને તત્વોની કંમી નથી.

    શાહિન નામ વાંચી વલીભાઈની પૂત્રવધુ યાદ આવી ગઈ. બહુ જ ઉમદા અને ખાનદાન બહેન- કરોડપતિ કુટુમ્બની હોવા છતાં. અમદાવાદ એ સૌની પરોણાગત ભરપૂર માણી છે. એ શાહિનનો દિકરો રમિઝ ( એને હું મજાકમાં ' રમેશ' કહેતો હતો!) હવે ઓર્થોપેડિક સર્જન બનશે.

    ReplyDelete