Pages

Tuesday, June 21, 2011

જીપ્સીની ડાયરી: "ડુ યુ સ્પીક ઇંગ્લીશ?"

૧૯૮૦ના દાયકામાં બ્રિટનમાં વર્ણદ્વેષ પરમ પરાકાષ્ઠાએ પહોંચેલો હતો. આવામાં ‘રંગીન’ માણસોને નોકરી મળવાના સાંસા હતા. અહીં નોકરી કે સરકારી બેનિફીટ (આજના ઇંકમ સપોર્ટને તે સમયે સપ્લીમેન્ટરી બેનિફીટ કહેતા) મેળવવા માટે સૌથી પહેલાં નૅશનલ ઇન્સ્યુરન્સ નંબર મેળવવો પડે - જેમ અમેરીકા આવનારા માણસને સોશિયલ સિક્યુરિટી નંબર (SSN) લેવો પડે તેમ. આ માટે જીપ્સી હૅરોમાં બૅરસ્ટો હાઉસ નામના મકાનમાં સોશિયલ સિક્યુરિટીની અૉફિસ હતી ત્યાં ગયો. ત્યાં નંબર લેવા અરજી કરનારાઓની મસ મોટી લાઇન હતી. તેમાં મોટા ભાગે કચ્છથી આવેલા ભાઇબહેનો હતા. તેમાંના મોટા ભાગના લોકોનું અંગ્રેજીનું જ્ઞાન સાવ સામાન્ય અથવા નહિવત્ હતું. સરકારનો આ અનુભવ હતો તેથી જ કે કેમ, DHSS (ડીપાર્ટમેન્ટ અૉફ હેલ્થ અૅન્ડ સોશિયલ સિક્યુરિટી, જેનું નામ આજકાલ બદલાઇને DSS થયું છે)ની ‘ફ્રન્ટ અૉફિસ’ના ક્લાર્ક ભારતીય બહેનો હતી. અહીં મને દુનિયાને સતાવી રહેલ સામ્યવાદી વિચારસરણીમાંના એક ‘અધિનિયમ’નો અનુભવ થયો. આ હતો શાહીવાદી રાજ્યના દલાલ (Agents of the Imperialist/Capitalist State) જેમની દ્વારા શાહીવાદ પોતાનું શાસન કાયમ ચલાવતું રહે છે. સામ્યવાદીઓના કહેવા પ્રમાણે શોષણ કરનાર સરકારના આ એવા સરકારી કર્મચારી હોય છે, જેમને શોષિત પ્રજામાંથી જ પસંદ કરી તેમને તેમના દેશજનોનું શોષણ અને દમન કરવા નોકરીએ રાખવામાં આવે છે.

ભારત શું કે ઇસ્ટ આફ્રિકા, સ્થાનિક રહેવાસીઓ પર રાજ્ય તો ગોરાઓએ કર્યું, પણ તેમની રાજસત્તા ચલાવનારા ‘એજન્ટ્સ અૉફ ધ સ્ટેટ’ દેશના તૃણમૂળ - grassroot પ્રજાજનો સાથે સંપર્ક રાખી તેમના પર સીધું શાસન કરનારા સ્થાનિક પ્રજામાંથી નિયુક્ત કરાયેલા લોકો હતા. પૂર્વ આફ્રિકામાં ત્યાંના “નેટીવ” (આ શબ્દ પણ આપણા ભારતીયોએ સુદ્ધાં આફ્રિકનો માટે અપનાવ્યો હતો. ઘરકામ કરવા રાખેલા આફ્રિકન નોકરને અંગ્રેજો 'બૉય' કહેતા, જ્યારે આપણા ભારતીયો તેનું કનીષ્ઠીકરણ કરી 'બૉયટો' કહેતા!) લગભગ સાવ અશિક્ષીત હતા, તેથી તેમના પર વહિવટ ત્યાં વસેલા ભારતીયો દ્વારા ચાલતો. ગોરા અફસરનું સ્થાન ‘ભગવાન’ સ્વરૂપે હતું તેથી તેમનાં દર્શન ભાગ્યે જ થતા. કાયદા કાનૂન પાળવામાં અને કર ઉઘરાવવામાં દાખવવી જોઇતી સખ્તાઇ સરકાર આપણા ભારતીય અધિકારીઓ દ્વારા જ અમલમાં મૂકતા, તેથી આફ્રિકનોની નજરમાં અંગ્રેજો 'સારા હાકિમ' ગણાતા પણ તેમના સમ્પર્કમાં રહેતા આપણા અધિકારીઓની આફ્રિકનોની નજરમાં સ્થિતિ જોઇએ એટલી ‘સુખદ’ નહોતી. તેમનો રોષ આઝાદી બાદ પ્રગટ થયો તે કમભાગ્યે આપણા લોકોની સામે એવું માનવામાં આવે છે.

બ્રિટનમાં વહિવટી તંત્રે એ જ પદ્ધતિ સોશિયલ સિક્યરિટી ખાતામાં અનુસરી અને અંગ્રેજી લખી-બોલી શકતી ‘ઓ’ લેવલ્સ એટલે દસમી પાસ થયેલી આપણી બહેનોની ત્યાં નિયુક્તિ કરી હતી. આપણે તેમને ભારતીબહેનના નામે ઓળખીશું.

કહેવાય છે કે સોબત તેવી અસર, અને જેના સંસર્ગમાં વધુ રહીએ તેનો રંગ આપણા પર ઉતરી આવે છે, તેમ કમભાગ્યે સંકુચિત માનસ ધરાવતા કેટલાક અંગ્રેજોની વૃત્તિ કોઇ વાર ભારતીબેનોમાં જોવા મળતી. અહીં કદાચ મારૂં સ્ટીરીયોટાઇપીંગ કે દૃષ્ટિ ભ્રમ હોય તે શક્ય છે, પણ આ સરકારી કર્મચારીઓમાંની કેટલીક ભારતીબેનો આપણી અશિક્ષીત બહેનો તરફ એવી તુચ્છતાપૂર્વક વર્તતી કે તે જોઇને આપણને નવાઇ લાગે. આમ તો તેઓ પોતાને Civil Servant’ ગણાવી સરકારી અફસર ગણાવવામાં ગૌરવ અનુભવતા, પણ જેમના તેઓ ‘સેવક’ હતા તે ‘સિવિલ’ પ્રજા તરફ uncivil હતા. જો કે તેમની સામે કોઇ અંગ્રેજ જાય તો હસીને, નમ્રતાપૂર્વક તથા તેમના અંગ્રેજ અફસરો સામે લળી લળીને વાતો કરે તે વાત જુદી.

અંગ્રેજોમાં એક syndrome હોય છે. તેમના મતે જેઓ અંગ્રેજ નથી તેમને અંગ્રેજી આવડે જ નહિ, તેથી તેમની સમજશક્તિની સાથે સાથે શ્રવણશક્તિ પણ ક્ષીણ થઇ જાય છે. તેથી અજાણ્યા ભારતીય સાથે વાત કરતી વખતે તેઓ તેમના વાક્યના એક એક શબ્દને છૂટો પાડીને મોટેથી - લગભગ બુમ પાડીને પૂછતા, “DOOO - YOOO - SPEEEK - ENGLEEESH?” જાણે આમ બોલવાથી તેમના શબ્દો કાન દ્વારા ન પહોંચે તો આપણી ખોપરીને વિંધી મગજ સુધી જરૂર પહોંચી જશે અને કોઇ ચમત્કારી શક્તિથી તેમની વાત સમજી જઇશું.

મારો જ્યારે નંબર આવ્યો, ત્યારે ભારતીબહેને મને વેધક દૃષ્ટીથી નિરખ્યો. કદાચ મારા વ્યક્તિત્વમાં તેમને મારા શિક્ષણનાં કે મારી શ્રવણ શક્તિનાં દર્શન થયા હશે, તેથી રસમ પૂરી કરવા મારા માટે અધિકારયુક્ત પણ હળવા અવાજે પૂછ્યું, “Do you speak English?”

પહેલાં તો મને સામો પ્રશ્ન કરવાનું મન થયું, “Do you? પણ સત્તા આગળ શાણપણ નકામું ધારી મેં મૂંડી હલાવી 'હા' કહ્યું. કારવાઇ પૂરી થતાં મને એક સરકારી પત્ર આપીને કહ્યું, તમારો NI નંબર આવે ત્યાં સુધી આ પત્રના આધારે તમને બેનીફીટ મળશે. નોકરી માટે જાવ અને તેઓ NI નંબર પૂછે તો આ પત્ર બતાવશો.”

કારવાઇ પૂરી થઇ. એક સૈનિક કદી dole પર ન રહે તેથી બેનિફીટ અૉફિસમાં ન જતાં સીધો જૉબ સેન્ટરમાં ગયો.

ત્યાં ફરી શરૂ થઇ નવી ઘોડી, નવો દાવ!

6 comments:

  1. I think it was OK to ask you that question, looking to the fact many others were weak in English.
    Sorry, I can;t type in Gujarati, as this is another computer.

    Here also they ask this question many a time, as my pronunciations are not US ones. Plus I have partial hearing disability. Of course, since 1 yr, I got hearing aid from MEDICAID, so that problem is not there now.

    ReplyDelete
  2. @ My dig was at the way the question was asked even before a brown person opened his or her mouth. And the way it was asked," DO YOOO SPEEEK EEENGLEESH, and that too so loudly as to indicate that the persons they were talking to were either idiots, country oafs or plain stupid. You have to live in England to encounter racism of that sort. US is NOTHING in comparison.

    You will be surprised that the liberal British administrators understood the issues and even in those days, they
    employed interpreters, both in Indian as well as sign languages.

    ReplyDelete
  3. સ્વાગત,
    આદરણીય કેપ્ટ. નરેન,
    "ડુ યુ સ્પીક ઈંગ્લીશ" બહુ મર્મભેદી લેખ જણાયો..
    અંગ્રેજી ના જાણનારાઓ સામે મોટે મોટે થી એક્કેક અક્ષર છુટ્ટો પાડી, જોર જોર થી અંગ્રેજો બોલે.. તે તો સાર્વજનિક અનુભવ છે..
    તેમાય "સિવિલ સર્વન્ટ" સિવિલ- પ્રજા પ્રત્યે "અન-સિવિલ" હતા તેમજ
    "શોષણ કરનાર સરકારના આ એવા સરકારી કર્મચારી હોય છે, જેમને શોષિત પ્રજામાંથી જ પસંદ કરી
    તેમને તેમના દેશજનોનું શોષણ અને દમન કરવા નોકરીએ રાખવામાં આવે છે"
    એ વાક્ય તો હૃદય ને સ્પર્શી ગયું ... કેમ કે આજે પણ આપણા દેશમાં ડગલે ને પગલે તેનો અનુભવ થાય છે..
    અને ભ્રષ્ટાચાર ની ગંગોત્રી તેમનાથીજ શરુ થાય છે..

    અનેક સવાલો મનમાં ઉઠે છે..


    શું ગોરાઓ અંગ્રેજી બોલે છે માટે વધુ કાબેલ થઇ-ગયા??

    ભગવાને આપણને મનુષ્ય જન્મ શું આમ ડગલે ને પગલે હડધૂત થવા આપ્યો છે??

    આપને આપણા મૂળ જ્ઞાન અને સંસ્કૃતિ ને આધારે આત્મ ગૌરવ થી કયારે અને કેવીરીતે જીવતા થઈશું ??

    છેલ્લા સવાલ નું નિરાકરણ કરતી લેખમાળા ને માટે અનુકુળતાએ પ્રગટ કરવાને પ્રોત્સાહન/અનુરોધ છે..

    અસ્તુ,
    શૈલેષ મેહતા
    +૧ ૩૧૨ ૬૦૮ ૯૮૩૬

    ReplyDelete
  4. અહો આશ્ચર્યમ !

    આપણી પ્રજા વિશે શું કહેવું? દેશની બહાર જશે તો હડધૂત થશે અને વિદેશથી કોઈ અહિંયા આવશે તો તેની પાછળ લટુડા પટુડા કરશે.

    સરખું હિન્દિ બોલી પણ ન શકતા સોનિયા ગાંધી શું બીજા કોઈ દેશમાં આટલાં સફળ થઈ શક્યાં હોત?

    જ્યાં સુધી આપણી પ્રજામાં આત્મ-સન્માનની ભાવના નહિં આવે ત્યાં સુધી તે બાપડી જ રહેવા સર્જાણી હોય તેમ લાગે છે.

    ReplyDelete
  5. ૧૯૯૦ ના દાયકા નો ગોરા ના રંગ દ્વેષ નો મારો અનુભવ.
    મારી દુબઈ ની ઓફીસ માં પાકિસ્તાન નો ફખરુદ્દીન કરીને મરીન સુપ્રીટેન્ડન્ટ જુના સેકંડ હેન્ડ મરીન કન્ટેનર વેચવાનું ટેન્ડર બહાર પાડતો. તે ખરીદવા
    સાઉથ આફ્રિકા ની કંપની નો રીચાર્ડ ટીડી નામનો ગોરો તેની ટેન્ડર બીડ લઇ અમારી ઓફીસ માં આવતો. તે ફખ્રુંદિન ના ટેબલ પાસે થી તેની સામે
    નજર કર્યા સિવાય પસાર થઇ લીઝીંગ સુપ્રીટેન્ડન્ટ જીમ મિલર નામના આયરીશ ગોરા ની ચેમ્બર માં જઈ તેની ઓફર આપતો. તેના ગયા પછી જીમ મિલર ફખ્રું ને ફોન કરી બોલાવતો અને રીચાર્ડ ની બીડ ફખ્રું ના હાથ માં પકડાવતો.

    એકાદ વર્ષ પછી ફખ્રું નું કન્ટેનર વેચવાના ટેન્ડર નું કામ મને સોંપવામાં આવ્યું. મને જયારે જીમ મિલરે ફોન કરી ટીડી ની ઓફર પકડાવવા બોલાવ્યો
    ત્યારે મેં ઓ.કે. કહી ફોન મુક્યો. પછી બાંગ્લાદેશી ચા લાવવા વાળા મહમદ ને બોલાવી જીમ પાસે થી ઓફર મંગાવી. તે પહેલા મેં એક ઈ-મેલ મેસેજ
    જીમ ને (૧) મહમદ દ્વારા મને કવર મોકલાવવા અને ભવિષ્ય માં મિસ્ટર ટીડી આવી ઓફર તેને આપવા આવે તો નકારી મને ડાયરેક્ટ આપવા
    લખ્યું. આજ મેસેજ ની BCC મેં મારા યુરોપિયન વાઈસ પ્રેસિડેન્ટ ને પણ નીચેની ટીપ્પણી સાથ મોકલાવી. " will some wise guy tell me, why Tiddy is routing his bids through Jim and Jim is accepting it ? Its not acceptable to ME, simply because I hail from community and place of Mahatma Gandhi's Gujarat."
    ત્યાર બાદ રીચાર્ડ ટીડી ને તેની ઓફર્સ અમારા વાઈસ પ્રેસિડેન્ટ ની ગોવન સેક્રેટરી મારિયા ફર્નાન્ડીઝ ને આપવાની વ્યવસ્થા થઇ, અને મારિયા સસ્મિત તે મારી પાસે લઇ આવવાની શરૂઆત થઇ.

    ReplyDelete
  6. મારો જ્યારે નંબર આવ્યો, ત્યારે ભારતીબહેને મને વેધક દૃષ્ટીથી નિરખ્યો. કદાચ મારા વ્યક્તિત્વમાં તેમને મારા શિક્ષણનાં કે મારી શ્રવણ શક્તિનાં દર્શન થયા હશે, તેથી રસમ પૂરી કરવા મારા માટે અધિકારયુક્ત પણ હળવા અવાજે પૂછ્યું, “Do you speak English?”
    In Rome see what the Romans do even those who are not Romans become or behave as Romans...
    But it was Narendrabhai's turn atlast !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    see you on the next post !

    ReplyDelete