Pages

Monday, June 20, 2011

જીપ્સીની ડાયરી: નવી વર્ણવ્યવસ્થા!

બ્રિટનમાં કાયમી વસવાટ માટે જવાના ચાર વર્ષ અગાઉ 'જીપ્સી' બ્રિટનમાં કેટલાક મહિના રહી આવ્યો હતો. તે સમયના મારા વાસ્તવ્ય દરમિયાન આપણા સમાજ વિશે  કેટલીક અજબ-ગજબ વાતો જાણવા મળી હતી. પાછો આવ્યો ત્યારે તે હજી પ્રવર્તી રહી હતી જોઇ નવાઇ લાગી. 
મેટ્રોપોલીટન લંડનના હૅરો તથા બ્રેન્ટ વિસ્તારમાં ઇસ્ટ આફ્રિકાથી આવેલા અાપણા લોકોની વસ્તી સારા પ્રમાણમાં. ભારત સ્વતંત્ર થયાના ત્રીસ-બત્રીસ વર્ષનાં વહાણાં વાયા બાદ ગુજરાતના શહેરી વિસ્તારોમાં જાત પાતની વાત તો શું, તેનો વિચાર પણ કોઇ ન કરે તેવો મારો અનુભવ હતો. તેથી બ્રિટનમાં મને આપણા સમાજમાં જુની તથા નવા પ્રકારની ‘વર્ણ વ્યવસ્થા’ જોવા મળતાં આશ્ચર્યનો પાર ન રહ્યો. નવા પ્રકારની વર્ણ વ્યવસ્થામાં મારો નિર્દેશ વેદકાલિન ચાતુર્વર્ણ્ય તરફ નથી. અહીં તેને સૌથી છેલ્લી ‘પ્રાયોરિટી’ હતી. અહીં પોતાને સહુથી ઉંચી ‘જ્ઞાતિ’ના લોકો માનનારા સજ્જનો   બ્રિટનમાં ૧૯૭૦ પહેલાં, એટલે કે યુગાંડાથી ઇદી અમીને ‘હાંકી કાઢેલ’ (આ મારા શબ્દો નથી - ‘ઉચ્ચ વર્ણ’ના લોકોએ ઉચ્ચારેલા ઉદ્ગાર છે) લોકો બ્રિટન આવ્યા તે પહેલાં આવેલા ભારતીયો હતા. બીજી જ્ઞાતિ  ‘આ જણ’ ક્યા દેશમાંથી બ્રિટન આવ્યો છે તેના આધારે નક્કી થતી. આઝાદી પહેલાં કેન્યા તથા એડન બ્રિટનની 'ક્રાઉન કૉલોનીઝ' હતી, તેથી ત્યાંના નિવાસીઓ ‘રજીસ્ટર્ડ બ્રિટીશ સિટીઝન્સ’ ગણાતા હોઇ તેમને બ્રિટન પધારવામાં કોઇ નિર્બંધ નહોતો. જો કે તેમને ક્વોટા અનુસાર કાયમી વિઝા આપવામાં આવતો.   ત્રીજી જ્ઞાતિ હતી યુગાંડાથી આવેલા ‘એશિયનો’. ઇદી અમીનના અમાનુષી જોરજુલમને કારણે એકી સાથે ૭૦ હજારથી વધુ ભારતીય વંશના લોકોને કાઢવામાં આવ્યા હતા, તેમને બ્રિટને પોતાની જવાબદારી ગણી સરકારી ખર્ચે વિમાનમાં બેસાડી બ્રિટન આણ્યા હતા. યુગાંડા ‘બ્રિટીશ પ્રોટેક્ટોરેટ’ હોઇ ત્યાંના લોકો બ્રિટનની સરકારના સુરક્ષીત નાગરિકો હતા. ચોથી કક્ષા હતી ટાન્ઝાનિયા, માલાવી અને ઝામ્બિયા જેવા દેશોથી આવેલા ભારતીયો - જેમની પાસે 'બ્રિટીશ પ્રોટેક્ટેડ પર્સન’નો પાસપોર્ટ હતો અને હજારો મુશ્કેલીઓ તથા અનેક વર્ષોની રાહ જોયા બાદ બ્રિટનમાં વસવાટ કરવાની પરવાનગી આપવામાં આવતી; જો કે આવો પ્રવેશ ‘ગૅરન્ટીડ’ નહોતો. તેથી જ કદાચ તેમને ચોથી કક્ષાના ગણવામાં આવતા.
આ ઉપરાંત એક વધુ ‘કનિષ્ઠ’ કક્ષા હતી.  જેમને ઉપરની ચારે કક્ષાના લોકો હિન ભાવનાથી જોતા.
આ હતા  “સરકારના જમાઇ”! ભારતમાં રીઢા કેદીઓ માટે વપરાતા આ શબ્દસમૂહનો ઊપયોગ તે સમયના બ્રિટનમાં જુદા અર્થમાં વપરાતો. અને તે વાપરનારા સોએ સો ટકા લોકો આફ્રિકાથી આવેલા ભારતીયો હતા.

બ્રિટનમાં કાયમી વસવાટ કરવાની પરવાનગી મેળવેલી ભારતીય સ્ત્રીઓને પરણીને આવેલા ભારતીય પતિ, જેમને તેમની પત્નીના પાસપોર્ટના આધારે બ્રિટનમાં આવવાનો વિઝા આપવામાં આવ્યો હતો તેમને 'સરકારી જમાઇ'ની પદવી પ્રદાન કરવામાં આવી હતી.

 ‘જીપ્સી’ની ગણના આવા ‘અછૂતોના અછૂત’માં થઇ. અનુરાધા બ્રિટીશ હતી અને તેના આધારે તેને બ્રિટનમાં પ્રવેશ મળ્યો હતો!

આપણી ગણત્રી કઇ કક્ષામાં થાય છે તેનો નિર્ણય કર્યા બાદ છેલ્લે, સાવ છેલ્લે પૂછવામાં આવતું, “ કેવા છો?” એટલે કઇ જ્ઞાતિના છો?

૧૯૭૫થી ૧૯૮૫ના ગાળામાં રસ્તામાં એક ગુજરાતી બીજાને મળે ત્યારે થતા આના પ્રત્યક્ષ અનુભવનો નમૂનો આ વાર્તાલાપમાં જોવા મળશે.
“ક્યાંથી આવો છો?”
જવાબમાં અભિમાનપૂર્વક એવું કહેવામાં આવે કે “અમે તો વીસ-પચીસ વર્ષથી અહીંયા રહીએ છીએ,” ત્યારે આવો જવાબ અાપનાર સ્ત્રી કે પુરૂષ સામી વ્યક્તિ પાસેથી નતમસ્તક થવાની આશા રાખે.
જવાબ સાંભળ્યા પછી તમારી સાથે કેટલી કક્ષાઓ ઉપર જઇ, patronizing સૂરથી વાત કરવી તેનો નિર્ણય લીધા બાદ બીજો સવાલ: “કામ કરો છો?”
જવાબ ‘ના’ હોય તો થોડું હસી માથું હલાવવામાં આવે. 'સપ્લીમેન્ટરી બેનિફીટ’ અર્થાત્ સરકારી બેનિફીટ પર જીવો છો સમજી પ્રશ્ન પૂછનાર તેની પોતાની સ્થિતિ અનુસાર સહાનુભુતિ કે તુચ્છતાનો ભાવ લાવે.

જવાબ હકારમાં હોય તો સવાલ, ‘ક્યાં કામ કરો છો?’

આનો ઉત્તર “અમે અૉફિસમાં કામ કરીએ છીએ” હોય તો જવાબ આપનાર માણસ સામી વ્યક્તિ પાસેથી નતમસ્તક થવાની આશા રાખે, કારણ કે મોટા ભાગના આપણા લોકો ‘કૉર્નર શૉપ’ કે ‘ન્યૂઝ એજન્ટ-ટૉબેકોનિસ્ટ’ની દુકાનના માલિક, તથા  જેમની પાસે  મૂડી ન હોય, તે ફૅક્ટરી, લંડન અંડરગ્રાઉન્ડ, બસ સર્વિસ જેવી જગ્યાએ કામ કરતા. અૉફિસની નોકરીમાં આપણા લોકો સ્થાનિક પ્રજા કરતાં ત્રણ ગણા ઉચ્ચ અભ્યાસ અને અનુભવ ન ધરાવતા હોય તેમને અૉફીસોમાંથી લગભગ બાકાત રાખવામાં આવતા. આનું મુખ્ય કારણ તે સમયે પ્રવર્તતો બ્રિટનનો કુખ્યાત વર્ણદ્વેષ હતો, જેને કારણે આપણા લોકોને તેમની લાયકાત મુજબ નોકરી મળતી નહોતી. જો કે વર્ણદ્વેષનો ભોગ બનેલા આપણા લોકો એકબીજાની મજબુરી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને બદલે પોતાનું પદ કેટલું ઉંચું છે તે બતાવવાનો પ્રયત્ન કરતા.

જ્યાં સામાન્ય માણસોની આ સ્થિતિ હોય ત્યાં ડૉક્ટર ભગવાન ગણાતા. જે ભારતીય સૂટ-બૂટમાં હોય તથા જૅગ્યુઆર, વોલ્વો, અૉડી જેવી મોટરગાડી ચલાવતા હોય તે ડૉક્ટર હોવા જોઇએ. મર્સેડીસ નાના-મોટા વેપારીઓનું સ્ટેટસ સિમ્બલ હતું. તે સમયે સામાન્ય ભારતીયોનું ભરોસાપાત્ર વાહન 'ડૅટસન'- આજ કાલ તે 'નિસાન'ના નામથી ઓળખાય છે. આખો ભારતીય પરિવાર (તેમાં ઓછામાં ઓછા છ જણા હોય) આ મોટરના કદની ચિંતા કર્યા વગર તેમાં સમાઇ જતો.

સૌથી છેલ્લો સવાલ પૂછાતો, "કેવા છો?"
આની પ્રતિક્રિયા આપણે આપેલા જવાબ પર થતી. એક વાર બસમાં મારી પાસે બેઠેલાં બહેને પૂછેલા આ પ્રશ્નના જવાબમાં મેં મજાકમાં કહ્યું, "અમે હરિજન છીએ."
મારાથી થોડાં દૂર ખસીને બહેન બોલ્યાં, "એમ? અરે, આ દેશમાં તો સહુ સરખા છે. અહીં ક્યાં જાતપાત રખાય? અને ભગવાનની હામે તો હંધાય સરખા..." અને બીજું સ્ટૉપ આવતાં નજીકની ખાલી સીટ પર જઇને બેસી ગયા!
***

લંડન ગયા બાદ આવા ‘સ્ટેટસ શોધનારા’ કે સામા માણસની હેસિયત જાણવાનો પ્રયત્ન કરનારાઓના સવાલ જવાબ - ખાસ કરીને ‘સરકારી જમાઇ’ ની વ્યાખ્યા ભારતીય સેનાના નિવૃત્ત કમીશન્ડ અૉફિસરથી કેમ કરીને સાંખી શકાય?

એક વાર ડૉક્ટરની સર્જરીમાં બેઠો હતો ત્યાં મારી બાજુમાં બેઠેલા એક પ્રૌઢ વ્યક્તિએ પૂછેલ, “ક્યાંથી આવો છો”ના જવાબમાં મેં સામો એ જ પ્રશ્ન પૂછ્યો.
“અમે કેન્યા, આફ્રીકાના છીએ!”
“એમ? તમે કેન્યન-આફ્રિકન છો?”
“હા! CUKC એટલે 'સિટીઝન અૉફ યુકે અૅન્ડ કૉલોનીઝ!” અભિમાનથી ભાઇએ કહ્યું.
“અરે વાહ! પણ તમારા રૂપ, રંગ, વાળ પરથી તમે આફ્રિકન લાગતા નથી. તમારા પરિવારમાંથી કોણ....”
“ના રે ભાઇ, એવું કશું નથી. આમ તો અમે મૂળ ઇંડીયા, રાપરના છીએ...”
“‘વાગડમાં ના દેજો રે સૈં,’ વાળા વાગડના તો નહિ?”
“અં..અં...Excuse me, હું જરા ફ્રેશ અૅર લઇ આવું! કહી તેઓ ત્યાંથી બહાર જતા રહ્યા.

આ હતો જીપ્સીના નવા અવતારનો નવો અનુભવ!

7 comments:

  1. કેપ્ટન બાપુ! ઈ તો ઈમ જ હોય.
    દેશમાં જનરલ મેનેજર તરીકે રિટાયર થઈને ન્યાંકણે ૨૦૦૦માં આ જણ આવ્યો ત્યારે હરિજન જ હતો.

    દેશમાં વર્ણાશ્રમનો આવો જ કાળો ઈતિહાસ હશે.

    હું ભૂલતો ન હોઉં તો, સામ્યવાદી રશિયામાંય આવી નાતો હતી - છે.

    ReplyDelete
  2. એક વાર ડૉક્ટરની સર્જરીમાં બેઠો હતો ત્યાં મારી બાજુમાં બેઠેલા એક પ્રૌઢ વ્યક્તિએ પૂછેલ, “ક્યાંથી આવો છો”ના જવાબમાં મેં સામો એ જ પ્રશ્ન પૂછ્યો.
    “અમે કેન્યા, આફ્રીકાના છીએ!”
    “એમ? તમે કેન્યન-આફ્રિકન છો?”
    “હા! CUKC એટલે 'સિટીઝન અૉફ યુકે અૅન્ડ કૉલોનીઝ!” અભિમાનથી ભાઇએ કહ્યું.
    “અરે વાહ! પણ તમારા રૂપ, રંગ, વાળ પરથી તમે આફ્રિકન લાગતા નથી. તમારા પરિવારમાંથી કોણ....”
    “ના રે ભાઇ, એવું કશું નથી. આમ તો અમે મૂળ ઇંડીયા, રાપરના છીએ...”
    I chose the above from your Post.
    But...your style of giving these small incidents is remarkable.
    I really enjoyed the Post.
    I also chose this portion as most who settled in UK after late Sixties were from East Africa.
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Narenbhai...See you on Chandrapukar !

    ReplyDelete
  3. આપણા લોકોમા ગોરી ચામડી પ્રત્યે "અહોભાવ" બહુ જ હોય છે અને એમાથી આધુનિક આવી વર્ણ વ્યવસ્થાનો જન્મ થયો લાગે છે.

    ReplyDelete
  4. નરેનભાઇ,
    તમારી બ્રિટનની અનુભવ કથા કે વ્યથા જેવોજ મારો કુવૈતનો અનુભવ તમારી જાણ માટે લખું છું.

    કુવૈતમાં ઈરાકે invasion કર્યું તે પહેલાં ત્યાં  "પરિણીત- કુંવારા" એટલે પત્નિ તથા બાળકોને ભારતમાં મૂકી કુવેતમાં નોકરી કરવા આવેલા Married Bachelorsને પરિવાર સાથે રહેનારા સજ્જનોનાં બિલ્ડીંગ્ઝના અૅપાર્ટમેન્ટ ભાડે આપવાની કે તેમાં તેમને રહેવાની મનાઈ હતી. આવા અપરિણીત કે “married bachelors”ને ગામ થી દુર હરીજન વાસ હોય તેવા વિસ્તારમાં રહેવા જવું પડતું.
    આ ઉપરાંત એક અન્ય કાયદા પ્રમાણે જે લોકોનો માસીક પગાર ૩૦૦ દીનાર કે તેથી નીચે હોય તેમના પત્ની કે બાળકો ને કુવૈત માં રહેવાની પરમીટ કે મંજુરી મળતી નહીં. આથી ઘણા લોકો તેમની પત્ની ને "ખાદીમ" એટલે કે "ઘર-નોકરડી" તરીકે પૈસા આપીને કુવૈતી રેસીડેન્સ પરમીટ મેળવી ને બોલાવતા.

    ઈશ્વર કૃપા થી મારો પગાર ૬૦૦ દીનાર કરતા વધારે હતો, એટલે મારાં પત્ની ઈલા તથા પુત્રી નિશા ને કુવૈત  માં રહેવાની રેસીડેન્સ પરમીટ મળી ગઈ, એટલું જ નહિ, કુટુંબ કબીલા વાળા "પર્વાનીયા" ઇલાકા માં ફ્લેટ પણ ભાડેથી લઇ શક્યો. વસ્તુસ્થીતી એવી હતી કે મારી દીકરી મુંબઈ માં કોલેજ માં અભ્યાસ કરતી હોવાથી મારાં ધર્મપત્ની પણ મુંબઈમાં જ રહેતાં અને તે બંને અવાર-નવાર વેકેશન માં કુવૈત મારી સાથે આવીને રહેતા.

    આટલી વાત તો  સાદી-સરળ અને ઠીક છે, પણ મને આપણા જ ભારતીય સમાજના લોકો મને, ૫૧ વર્ષની ઉમરે પહોંચેલા બે બાળકોના પિતાને "પરણેલા પણ કુંવારા" એટલે મારી સાથે અછૂત જેવો વ્યવહાર કરતા. હું ચોથા માળે રહેતો  અને તે જ બિલ્ડીંગ માં પહેલા માળે મુંબઈના બે ગુજરાતી ભાઈઓ સજોડે તેમના પત્નીઓ સાથે રહેતા. અમે બધાં એક જ કંપનીમાં કામ કરતા હોવાથી તેમના મોટાભાઇ મને તેમની મોટરમાં રાઇડ આપતા. અમારે ત્યાં શુક્ર - શની વીકેન્ડ રજાઓ, એટલે જયારે ગુરુવારે હું તેમની સાથે ઘેર પરત આવું ત્યારે તે મને " સી યુ ઓન સંડે " કહી વિદાય આપે.

    એક દિવસ લીફ્ટ ખરાબ હતી, એટલે શુક્રવાર રજાના દિવસે  હું દાદર થી નીચે ઉતર્યો, ત્યારે મને જાણ થઇ કે પહેલા માળે  તે  ભાઇ ને ઘરે "સત્સંગ સભા" હતી અને કુવૈતમાં રહેતા બહુ બધા ગુજરાતી કુટુંબો ભેગા થયા હતા. મને આ ‘સત્સંગ’માં આમંત્રણ નહિ આપવાનું એક માત્ર કારણ એ હતું કે આપણા જ સમાજના લોકોએ અપનાવેલ "Married-Bachelors"  ને અછૂત ગણવાની પ્રથા!

    આમ કોઇ ને કારણસર આપણાં જ લોકો વચ્ચે ભેદભાવની નીતિ - કે અનીતિનું કારણ મને કદી જાણવા ન મળ્યું.

    ReplyDelete
  5. @ સુરેશભાઇ, ચિરાગભાઇ, ચંદ્રવદનભાઇ તથા યશવંતભાઇ,
    આપના પ્રતિભાવ માટે આંતરીક આભાર!
    સામ્યવાદી રશિયામાં પણ આવી "જ્ઞાતિ" પ્રથા હતી: પોલીટ બ્યુરોના સભ્યો સૌથી ઉંચા વર્ણના, ત્યાર પછી 'પાર્ટી'માં માણસ ક્યું પદ ધારણ કરે છે તે ઉતરતી ભાંજણી પ્રમાણે ઉતરતું જતું! સૌથી નીચા, જેમના પર સહુ ઘૃણા કરતા તે હતા 'પેટીટ બુર્ઝવા'નું લેબલ! કોઇ પણ અણગમતા માણસ પર આ આક્ષેપ કરી તેમને હડધૂત કરવામાં આવતા. તેમને જેલમાં નાખવા માટે આ આરોપ ગામડાનો પાર્ટી અધ્યક્ષ કરે તે પણ પૂરતી સાબિતી ગણાતી.

    ReplyDelete
  6. હજુ આજેપણ આ આફ્રિકન ગુજરાતીઓ આપણા ભારતીય ગુજરાતીઓ કરતા ૩૦૦ વર્ષ પાછળ જીવે છે. તેમની વિચારસરણી, રીતરસમ, રહેણીકરણી વગેરે પરથી એ વાત ખુબ ઝડપથી તરી આવે છે કે એ લોકોના વડવાઓએ જ્યારે પ્રથમ વખત ભારત છોડ્યું હતું ત્યારના ભારતને જ તેઓ હજુ આજ સુધી જાળવી બેઠા છે. જો કે તેમાઅં હું એ ગુજરાતીઓનો વાંક નહી કાઢુ, કેમકે પુરાણી વાતોને જડ પણે વળગી રહેવું તે આ બ્રિટિશ પ્રજાએ શિખવ્યું છે. જુઓ, આમ ગમે તેટલા મોર્ડન થયા હોય છતાં, તેમના ઘરોની ડિઝાઈન બહારથી બદલવા તૈયાર નથી. ઘરમાં સફેદ બત્તી વધુ પ્રકાશ આપે પણ ના, જૂનવાણી પીળા ગોળા જ ચલાવવા, ટોટન્હામ કોર્ટ રોડ સ્ટેશન પાસે બધું રિનોવશન કરો પણ ૨૦૦ વર્ષ જુનો ફુવારો નાશ ના પામવો જોઈએ. આવું બધું રોજ નજર સામે જોતા હોય પછી આપણા ગુજરાતીઓના માનસ કેવી રીતે બદલાય?

    ReplyDelete
  7. એક વાર બસમાં મારી પાસે બેઠેલાં બહેને પૂછેલા આ પ્રશ્નના જવાબમાં મેં મજાકમાં કહ્યું, "અમે હરિજન છીએ."
    "મારાથી થોડાં દૂર ખસીને બહેન બોલ્યાં, "એમ? અરે, આ દેશમાં તો સહુ સરખા છે. અહીં ક્યાં જાતપાત રખાય? અને ભગવાનની હામે તો હંધાય સરખા..." અને બીજું સ્ટૉપ આવતાં નજીકની ખાલી સીટ પર જઇને બેસી ગયા!"
    ઉપર એક ભાઈએ કુવૈત ણો અનુભવ લખ્યો છે. હું સાઉદી હતો ત્યાં પણ આપડા લોકો આવું જ વર્તન કરતા.

    ReplyDelete