Pages

Sunday, March 6, 2011

પરિક્રમા: ૧૮૫૭ - પાંચમા રિસાલાનો સંહાર

િરસાલામાં પહોંચીને પ્રથમ તે પાંડેને મળ્યો અને તેમને પંડિતજીનો સંદેશો આપ્યો. સાથે સાથે તેને થયેલા અનુભવની પણ વિસ્તારથી વાત કરી.
“સાહેબ, આ ભડકો અહીં ક્યારે પહોંચશે કહેવું મુશ્કેલ છે. દાનાપુર સદરમાં રહેતો હતો ત્યારથી જાણું છું કે ત્યાંની કાળી પલ્ટનના સિપાઇઓના ઘણા સગાવહાલાં આપણા રિસાલામાં છે. કેટલાકના તો સાવ નજીકના - પિતા, ભાઇ જેવા રિશ્તેદાર રિસાલામાં કે કાળી પલ્ટનમાં છે. અહીં સમાચાર પહોંચશે તો અનર્થ થશે.”
તેની વાત આટલેથી અટકતી નહોતી. તે સમયે કંપની સરકારની બંગાળની સેનામાં અવધ - એટલે લખનૌની નવાબશાહીના પ્રદેશો અને બિહારના પૂરબીયાઓની સંખ્યા વધુ હતી. સેનામાં લગભગ પચાસ ટકા ભુમિહાર બ્રાહ્મણ, વીસ ટકા અવધી તથા બિહારી મુસ્લિમ, વીસ ટકા રાજપુત અને બાકીના અન્ય જાતિમાંથી ભરતી થયેલા સૈનિકો હતા. લખનૌના નવાબ વાજીદ અલી શાહને કંપની સરકારે પદભ્રષ્ટ કરી કલકત્તા મોકલ્યા હતા તે કોઇને ગમ્યું નહોતું. વળી પટનામાં પણ મુસ્લિમ આગેવાનોને ‘વહાબી’ કહી તેમના પર જાસુસ છોડ્યા હતા.
જગત પહોંચ્યો તે દરિમિયાન પટનામાં બે પ્રસંગો થઇ ગયા. શહેરના ૧૪ મુસ્લિમ આગેવાનોને પૂછપરછ કરવા હેતુ રેસીડેન્સીમાં ત્યાંના કમિશ્નર વિલિયમ ટેલર પાસે લઇ ગયા અને તેમને જેલ ભેગા કર્યા. ત્યાં ગયા શહેરના પીર અલીને પહેલેથી જ રાખ્યો હતો. વહેલી સવારે તેમના પર કોઇ કેસ કર્યા વગર તેમાંના બાર આગેવાનો તથા પીર અલીને ફાંસીએ ચડાવ્યા. શહેરમાં હુલ્લડ થયા તે ક્રુરતાપૂર્વક ડામી દેવામાં આવ્યા. ભાગલપુરમાં આની અફવા આવી હતી અને પાંચામા રિસાલાના જવાનોમાં ઘણો ક્ષોભ હતો. જો કે અંગ્રેજ અફસરો પાસે આના સાચા રિપોર્ટ પહંચી ગયા હતા.
આ જાણે અપૂરૂં હોય, જગત દાનાપુર બ્રિગેડના બળવાનો આંખો દેખ્યો અહેવાલ લાવ્યો હતો.
રિસાલદાર પાંડે સિનિયર-મોસ્ટ દેશી અફસર હતા. તેમનું એક કામ એ પણ હતું કે જવાનોમાં કોઇ પણ જાતનો અસંતોષ કે ચિંતાનો વિષય હોય, તેની સીઓને જાણ કરવી. તેઓ સીઓને મળ્યા અને રિસાલાના સૈનિકોનો દરબાર લઇ તેમને હૈયાધારણ આપવા વિનંતી કરી.
સીઓ ઘણા ગુસ્સામાં હતા. બાબુ કુંવરસિંહ સાથેના યુદ્ધમાં કૅપ્ટન ડનબાર તથા તેમના છ અફસરો માર્યા ગયા હતા, તેમાં એક તેમનો દૂરનો ભત્રીજો હતો. તેમણે દરબાર યોજવાનો આદેશ આપ્યો.
પાંચમા રિસાલાના ઇતિહાસમાં આ દરબાર અગત્યનું પાનું બની ગયું.

*********

જુના જમાનાથી ભારતીય સેનાની દરેક બટાલિયન કે રેજીમેન્ટમાં સીઓ મહિનામાં એક વાર બધા સૈનિકોને ભેગા કરી સંબોધે. અંગ્રેજોના જમાનામાં તેને સીઓનો દરબાર કહેતા. આજકાલ તેને સૈનિક સમ્મેલન કહે છે.
રિસાલદાર પાંડેના સૂચન પ્રમાણે પાંચમા રિસાલાના સીઓએ દરબાર બોલાવ્યો.
રિસાલાના સૈનિકો તેમના તંબુમાંથી માર્ચ કરીને પરેડ ગ્રાઉન્ડમાં ગયા અને પોતપોતાની ટુકડીઓમાં ઉભા રહ્યા. તેમની આગળ ઉભા હતા રિસાલદાર પાંડે, જગતસિંહને તેના પંદર જવાનો સાથે ઘોડાર તથા કૅમ્પની ચોકી માટે મૂકવામાં આવ્યો હતો.
પાંડેએ ટ્રૂપ કમાંડરો પાસેતી હાજર સંખ્યાની નોંધ કરી. થોડી વારે સીઓ, અૅજુટન્ટ તથા મેડીકલ અફસર તેમના અલાયદા વિસ્તારમાંથી આવ્યા અને તેમનાં નિર્ધારીત સ્થાન પર ઉભા રહ્યા. પાંડેએ તેમને કેટલા જવાન હાજર છે તેનો રિપોર્ટ આપ્યો અને ટ્રૂપ્સની આગળ તેમના સ્થાન પર ઉભા રહ્યા.
સીઓએ સૌને સ્ટૅન્ડ-અૅટ-ઇઝનો હુકમ આપ્યો અને ભાષણ શરૂ કર્યું.
“પ્રાંતમાં પરિસ્થિતિ અત્યંત બગડી ગઇ છે. કેટલાક દેશદ્રોહીઓએ સરકારની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે અને તેમાં ઘણા નમકહારામ સિપાઇઓ જોડાયા છે. ગઇ કાલે પટનામાં પીર અલી તથા ૧૨ ગદ્દારોને ફાંસીએ ચઢાવવામાં આવ્યા છે.
“મને અફસોસ સાથે કહેવું પડે છે કે દાનાપુરની બ્રિગેડની ત્રણે કાળી પલ્ટનોએ સરકારનું લૂણ ખાધું પણ હરામના નીકળ્યા. તેમાંના ઘણા લોકોને સરકારે ગોળીએ દીધા છે. તમે લોકો ધ્યાનપૂર્વક સાંભળો. ગદ્દારીનો વિચાર પણ ન કરશો. ૭, ૮ અને ૪૦મી નેટીવ ઇન્ફન્ટ્રીના બધા દેશદ્રોહીઓને અમે કૂતરાની જેમ મારી નાખ્યા છે, તો તમે આનો તો વિચાર સુદ્ધાં ન કરશો.”
સમસ્ત રેજીમેન્ટ અવાચક થઇ ગઇ. સીઓએ તો દાનાપુર બ્રિગેડમાં કરવામાં આવેલી ખુનામરકીની અફવાને પુષ્ટી આપી. નંબર વન ટ્રૂપના જવાનોમાં અફવા આવી હતી કે તેમનાં સગાં ગોળીબારમાં મૃત્યુ પામ્યા હતા. તેમનું દુ:ખ ગુસ્સામાં પરિણમ્યું. ‘કુત્તેકી તરહ માર દિયા’, ‘નમકહરામ’, ‘ગદ્દાર’ શબ્દો સંાભળી બે સ્વારોનું મસ્તક તપી ગયું, બન્ને ભાઇ હતા. એક તો તેમના પિતા ધોળી દસમીએ કરેલા ગોળીબારમાં મરી ગયા હતા તેવી અફવા તેમણે સાંભળી હતી અને હવે તેમને ખાતરી થઇ. તેમણે ઝપાટાબંધ રાઇફલ લોડ કરી અને સીઓ પર ચલાવી. એક ગોળી સીઓને અને એક અૅજુટન્ટને. અૅજુટન્ટને મસ્તકમાં ગોળી વાગી. એ તો તરત મૃત્યુ પામ્યો. સીઓને પેટમાં ગોળી વાગી અને તે પણ ઢગલો થઇ ગયા.
પાંડેએ પાછા વળીને જોયું તો નંબર વન ટ્રૂપના અન્ય જવાનો આ ભાઇઓના હથિયાર છિનવી રહ્યા હતા. બાકીના જવાનો હલચલ કરી રહ્યા.
તે ઘડીએ ત્રણ બનાવ એકી સાથે થયા. રિસાલદારે શાંતિ સ્થાપવા બ્યુગ્લરને Rally વગાડવાનો ઇશારો કર્યો. બ્યુગલ વાગતાં રેજીમેન્ટના જવાનો ‘અૅટેન્શન’માં ઉભા રહ્યા. નંબર વન ટ્રૂપના જવાનોએ પેલા બે જવાનોને ઝબ્બે કર્યા.
ચોથો બનાવ સાવ અનપેક્ષીત હતો.
પરેડ ગ્રાઉન્ડની જમણી બાજુએ આવેલી ઝાડીમાં છુપાયેલી અંગ્રેજ ટુકડીએ લાઇનબંધ, શિસ્તબદ્ધ રીતે ઉભેલા પાંચમા રિસાલાના જવાનો પર ગોળીબાર કર્યો. પહેલી ‘વૉલી’ - ઝડીમાં જ પચાસેક જવાનો અને દેશી અફસરો પડ્યા. પરેડ ગ્રાઉન્ડ પર અંધાધુંધી મચી ગઇ.
ઘોડાર તથા કૅમ્પની ચોકી કરી રહેલા જગત તથા તેના પંદર ઘોડેસ્વારોએ ગોળીબાર સાંભળ્યો. જગતે તેમને ‘ફીલ્ડ સિગ્નલ’ દ્વારા તેની પાછળ પાછળ જવાનો ઇશારો કર્યો. પરેડગ્રાઉન્ડની વાડ પાસે તેનો ‘મેઘ’ પહોંચ્યો, અને જગતે જે જોયું, તેને પોતાની આંખ પર વિશ્વાસ ન બેઠો. તેનાથી સો’એક ગજ દૂર, જમણી તરફની વાડ પાછળથી ધોળી પલ્ટનના સૈનિકો પરેડગ્રાઉન્ડમાં દોડી રહેલા તેના સાથીઓ પર ગોળી તાકી રહ્યા હતા. બીજી ક્ષણે તેમણે ફરી એક ગોળીઓની ઝડી રિસાલાના જવાનો પર વરસાવી. જગતની નજર સામે રિસાલદાર પાંડે ધરાશાયી થયા. તેમનાથી થોડે દૂર સીઓસાહેબ તથા અૅજુટન્ટ મૃત:પ્રાય થઇને પડ્યા હતા. તેમનાં અશ્વ વ્યગ્ર હાલતમાં નજીકમાં જ પગ પછાડી રહ્યા હતા. તેના રિસાલાના જે જવાનો પરેડ ગ્રાઉન્ડમાં ઘાયલ થઇને પડ્યા હતા, તેમાંના કેટલાક ઉઠવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ઘાયલોની દર્દભરી હાક વાતાવરણમાં ગાજતી હતી. કેટલાક સૈનિકો ત્યાંથી નાસવાનો તો કેટલાક પોતાના સ્થાન પર ‘પોઝીશન‘ લઇ જ્યાંથી ગોળીબાર થઇ રહ્યો હતો તે દિશામાં બંદુક તાકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
વાત સાફ હતી. દાનાપુરમાં જે થયું, તે અહીં થઇ રહ્યું હતું. તેણે પાંચમો રિસાલો ઇતિહાસમાંથી ભુંસાઇ જતો જોયો. સમગ્ર પરિસ્થિતિ જોઇ તેણે મુશ્કેલ નિર્ણય લીધો. તે પોતાના સાથીઓનો સંહાર થતો જોઇ શકતો નહોતો. આ માટે તેણે ગોરી પલ્ટન દ્વારા થતું ફાયરીંગ રોકવું જોઇએ. આમ થાય તો જ બાકી જીવીત રહેલા તેના સાથીઓ ત્યાંથી છટકી શકે.
તેણે તેની ટુકડીના જવાનોને ક્ષણમાં સમજાવ્યું શું થઇ રહ્યું હતું. સાથીઓને બચાવવા તેમણે લાઇનબંધ થઇ અંગ્રેજ સિપાઇઓની દિશામાં દર બે મિનીટના અંતરે પંદર મિનીટ સુધી એક સાથે ગોળી છોડવાનો ગોળીઓ છોડી ત્યાંથી છટકી જવાનો હુકમ આપ્યો. આમ નહિ કરવાથી તેમનું પણ મોત થાય. બે સ્વારોને ઘોડારમાં જઇ ત્યાંના બને એટલા ઘોડાઓને છોડી ત્યાંથી હાંકી કાઢી, ત્યાંથી જતા રહે. તે પોતે મેદાનમાં જઇ રિસાલદારસાહેબને બચાવવા પ્રયત્ન કરશે.
અંગ્રેજો તેમની રાઇફલની મઝલમાં દારૂ તથા ગોળી ભરે તે પહેલાં જગતે તેના સ્વારોને ‘ફાયર’નો હુકમ આપ્યો.
અંગ્રેજોનો કમાંડર આશ્ચર્યચિકત થઇ જોવા લાગ્યો, તેમના પર આ અનપેક્ષીત ગોળીબાર કોણ અને ક્યાંથી કરી રહ્યું હતું તે સમજાયું નહિ. તેણે પરેડગ્રાઉન્ડ પર ગોળીબાર બંધ કર્યો અને ગોળીબારની દિશામાં ‘કાઉન્ટરઅૅટેક’ કરવાની કાર્યવાહી શરૂ કરી. આ કામમાં તેમને થોડો તો લાગે જ.
અંગ્રેજોનું ફાયરીંગ બંધ થયું.
જગતસિંહે ‘મેઘ’ને એડી મારી, વાડ કુદાવી પરેડગ્રાઉન્ડમાં ઝંપલાવ્યું.

3 comments:

  1. "જગતસિંહે ‘મેઘ’ને એડી મારી, વાડ કુદાવી પરેડગ્રાઉન્ડમાં ઝંપલાવ્યું."...જગત,મેઘ અને ઘોડો વાંચતા સમયયાન ૧૫૦ વર્ષથી કુદી ૫૦૦૦ ઉપરાંત કાળમા પહૉંચી ગયું!
    જગત, મેઘ અન ઘોડો વાંચતા સમયયાન ૧૫૦ વર્ષથી કુદી ૫૦૦૦ ઉપરાંત કાળમા પહૉંચી ગયું!
    ભગવાન રામે અશ્વ મેઘ યજ્ઞ કરેલો.પંચકલ્યાણી ઘોડા ને છૂટો મુંકવામાં આવે.એ ઘોડા પાછળ ભગવાન રામ નું સૈન્ય હોય,જે ઘોડા ને બાંધે એણે લડવું પડે,ના બાંધે એણે વગર કહ્યે રામ નું આધિપત્ય સ્વીકારવું પડે.લવ અને કુશે ઘોડા ને બધી લીધોને રામ ના સૈન્યને પણ હરાવેલું.આવી રીતે આખી દુનિયા જીતી ને ઘોડો પાછો આવે,યજ્ઞ થાય એમાં ઘોડા નો મેઘ એટલે બલી ચડાવાય. સ્વાહા એટલે બલી ચડાવવું એ જ થાય !
    પાછા આપણા ઇતિહાસમા આવ્યા."અંગ્રેજો તેમની રાઇફલની મઝલમાં દારૂ તથા ગોળી ભરે તે પહેલાં જગતે તેના સ્વારોને ‘ફાયર’નો હુકમ આપ્યો." અને સ્વાહા.
    આ તરફ-ગોરાઓનાં માથાં ઉતારી નાના સાહેબ અને તાત્યા ટોપેએ બહાદુરી સાથે સરદારી લીધી.
    મેરઠ કબ્જે કર્યું.ક્રાંતિવીરો દિલ્હી ભણી કૂચ કરી ગયા, લાલ કિલ્લા પાસે પહોંચીને સિપાઈઓએ બાદશાહનો જયજયકાર બોલાવ્યો. જય ભારતના જયઘોષ સાથે સૌ આગળ વઘ્યા.
    બહાદુરશાહ ઝફર વિમાસણમાં પડી ગયા, મેની એકત્રીસને બદલે આ વાત વહેલી બની. શું થશે? એવી ચિંતા ઘેરી વળી. ઇશાની નમાજ બાદથી ફઝરની નમાજ સુધી કુઆ નખ્વાની થઇ અને હજરતનો સજિરા પઢવામાં આવ્યો. ફઝરમા લાલ કિલ્લા પર ફડાકા દેતો વિદેશી વાવટો ઉતારીને ફેંકી દેવાયો, તે સ્થળે ક્રાંતિનો ઝંડો ફડાકા દેવા લાગ્યો. બધા તાજુબીથી નિરખી રહ્યા.દેશભરમાં વાત ફરી વળી.
    અલીગઢ, મુરાદાબાદ, લખનૌમાં ક્રાંતિ, બુંદેલખંડ, ફૈઝાબાદ અને કાનપુર સુધી ક્રાંતિની જ્વાળાઓ પ્રજ્વળી ઉઠી.પછીની વાત સમયયાન ને જ કહેવા દ ઇ એ
    પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
  2. આ પણ વાંચો .

    http://www.gujaratsamachar.com/beta/content/view/67770/147/

    ReplyDelete
  3. અંગ્રેજો તેમની રાઇફલની મઝલમાં દારૂ તથા ગોળી ભરે તે પહેલાં જગતે તેના સ્વારોને ‘ફાયર’નો હુકમ આપ્યો.
    અંગ્રેજોનો કમાંડર આશ્ચર્યચિકત થઇ જોવા લાગ્યો, તેમના પર આ અનપેક્ષીત ગોળીબાર કોણ અને ક્યાંથી કરી રહ્યું હતું તે સમજાયું નહિ. તેણે પરેડગ્રાઉન્ડ પર ગોળીબાર બંધ કર્યો અને ગોળીબારની દિશામાં ‘કાઉન્ટરઅૅટેક’ કરવાની કાર્યવાહી શરૂ કરી. આ કામમાં તેમને થોડો તો લાગે જ.
    અંગ્રેજોનું ફાયરીંગ બંધ થયું.
    જગતસિંહે ‘મેઘ’ને એડી મારી, વાડ કુદાવી પરેડગ્રાઉન્ડમાં ઝંપલાવ્યું. .....
    Thus ends this Post.
    After reading the last Post, i am back on the Blog. Enjoyed this !
    Dr. Chandravadan Mistry
    www.chandrapukar.wordpress.com
    Late to come to the Blog !

    ReplyDelete