Pages

Saturday, March 5, 2011

પરિક્રમા - ભાગ ૩: રિસાલદારની દિકરી - ૧૮૫૭


તારીખ: ૨૭ જુલાઇ ૧૮૫૭.
પ્રસંગ: આરાનો ઘેરો.
ઇસ્ટ ઇન્ડીયા કંપનીના ઇતિહાસમાં આરાની વાત સોનેરી અક્ષરોએ લખાઇ છે. ઇતિહાસકાર મૅલીસન લખે છે,”દાનાપુર બ્રિગેડના ભગોડા થયેલા ૨૦૦૦ બળવાખોરોએ કુંવરસિંહના નેતૃત્વ નીચે આરા શહેરને ઘેરો ઘાલ્યો હતો. ૨૪ કલાક ગોળીબાર ચાલુ રહ્યો, પણ આરાના રેલવે એન્જીનિયર મિસ્ટર બૉઇલના ‘આરા હાઉસ’માં રક્ષણ લઇ રહેલા અંગ્રેજ સૈનિકો, પરિવારોનું ફક્ત ૫૦ સિખ સૈનિકોએ રક્ષણ ક્રયું અને બળવાખોરોના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા.” અન્ય ચાર્લ્સ બૉલ જેવા ઇતિહાસકારો લખે છે, “કુંવરસિંહ પાસે આટલી મોટી સેના હોવા છતાં આરા પર કબજો કરી શક્યો નહિ.”
ઇતિહાસ એ પણ કહે છે કે બહાદુર ૫૦ સિખ સૈનિકોને કેવળ શાબાશી મળી. આરા હાઉસમાં રક્ષણ લઇ રહેલા અને સિખોના કહેવાતા નેતા બે અંગ્રેજ લેફ્ટનન્ટોને સર્વોચ્ચ બહાદુરીનાં વિક્ટોરીઆ ક્રૉસ એનાયત થયા.
ખરી વાત તો એ હતી કે કુંવરસિંહ આ ઘેરા વખતે આરામાં હાજર જ નહોતા. તેઓ તો આારા શહેરની દક્ષીણે આવેલા આંબાવાડીયામાં દાનાપુરથી રવાના થયેલ અંગ્રેજ ફોજનું સ્વાગત કરવા ઘાત લગાવી બેઠા હતા. ૨૮મી જુલાઇના રોજ ૬ અંગ્રેજ અફસરો તથા ૪૦૦ સૈનિકોની સાથે કુંવરસિંહને ખતમ કરવા નીકળેલા કૅપ્ટન ડનબારને અદ્ભૂત રણનીતિથી અૅમ્બુશમાં સપડાવ્યા. કમનસીબે કૅપ્ટન ડનબાર, તેમના અફસર અને ૧૮૭ સિપાઇઓ આ યુદ્ધમાં માર્યા ગયા. બાકીના નાસી ગયા.
દંતકથા કહે છે કે આરાનો ઘેરો ફક્ત જગતસિંહને મદદ કરવા માટે જ યોજાયો હતો.
*********
૨૭મી જુલાઇની સાંજે આરા શહેર પર કવરીંગ ફાયર શરૂ થતાં સિખ સિપાઇઓ આરા હાઉસમાં પહોંચી ગયા અને ત્યાં આશ્રય લઇ રહેલા અંગ્રેજ સ્ત્રી-પુરુષોના રક્ષણ માટે મોરચાબંધી કરી. જગતસિંહ સહીસલામત શહેરમાં પહોંચી ગયો. આમતેમ ભાગી રહેલા એક યુવાને તેને શિવમંદિરનો રસ્તો બતાવ્યો. તેની બાજુના મોટા ડેલાવાળા મકાનમાં વિદ્યાપતિ રહેતા હતા.
જગતે ઘણી વાર સુધી દરવાજો ખખડાવ્યો, પણ ગોળીબાર થતો હોવાથી કોઇએ ખોલ્યો નહિ. જ્યારે તેણે બુમ પાડીને કહ્યું કે તે િરસાલદાર પાંડેનો સંદેશ લઇને આવ્યો છે, તેમના સેવકે દરવાજો ખોલ્યો, તેને અંદર લઇ ઝડપથી બંધ કર્યો.
બેઠકમાં જતાં સેવકે ફરી દરવાજો બંધ કર્યો. પંડિતજી મોટી દિવાન જેવી પાટ પર બેઠા હતા. અંદરના કક્ષમાં જવાના બારણાં પાછળ એક સ્ત્રી બેઠી હતી. જગતસિંહે નમસ્કાર કરી પોતાનો પરિચય આપ્યો. પાટની સામે જમીન પર આસનિયાં પડયા હતા. પંડિતજીએ તેને નીચે બેસવાનું કહ્યું, પણ જગત ઉભૌ જ રહ્યો.
“પંડિતજી હું પાર્વતિદેવી તથા આપના માટે રિસાલદારસાહેબનો સંદેશ લાવ્યો છું.” તેણે પૂરી વાત કરી. રિસાલદારે કહ્યું હતું એવું જ થયું.
“હું કેવી રીતે જાણી શકું કે તમે આપેલો સંદેશ પાંડે સાહેબ તરફથી જ આવ્યો છે?”
જગત તેમની પાટ પાસે આવ્યો અને સાફો ઉતાર્યો. સાફાના છોગાંની નીચેના ભાગની ગડીમાં સિવેલા ગજવા જેવા પોલાણમાંથી તેણે પાંડેએ આપેલ સિક્કો કાઢ્યો અને પંડિતજીને આપ્યો. દિવાની રોશનીમાં તેમણે ઝીણવટથી તે તપાસ્યો અને બારણા તરફ જોઇ બોલ્યા, “ઓઝાઇન-જી, આપ બહાર આવી શકો છો. આપના પિતાજી આ સિક્કો પ્રાણ જાય તો પણ કોઇને ન આપે, અને આપે તો કેવળ આપને અથવા આપને સગો ભાઇ હોત તો તેને.” ત્યાર બાદ પાટ પરથી ઉતરી જગત પાસે ગયા, તેના ખભા પર હાથ રાખીને બોલ્યા, “માફ કરશો, અાપનો સરખી રીતે સત્કાર કરી શક્યો નહિ. મને મળવા દરરોજ એટલા લોકો...”
“પંડિતજી, આપ ચિંતા ન કરશો. મારા માટે કોઇ હુકમ, જે રિસાલદારસાહેબને જણાવી શકું?”
પંડિતે સેવકને આદેશ આપ્યો કે પહેલાં તે રૉબિન્સનસાહેબવાળી ખુરશી લઇ આવે. જગત ત્યાં બેઠો ત્યાં પાર્વતિદેવી પાણી લઇ આવ્યા. પિતા સાથે લાંબા સમયથી સમ્પર્ક નહોતો તેથી પિયરનો કોઇ જણ આવે તે ભાઇ સમાન. તેમણે ઝુકીને જગતને પ્રણામ કર્યા.
“બાબુજી કેમ છે? તેમની તબિયત તો સારી છે ને? આ વિપ્લવમાં જેથઇ રહ્યું છે, સાંભળી ઘણી ચિંતા થાય છે,” કહી તેમણે પાલવ આંખે લગાડ્યો.
“ઓઝાઇનજી...” ‘ઝા’નાં પત્નિનું માનવાચક ઉપનામ છે ઓઝાઇન.
“હું તમારી બહેન છું. પાર્વતિ કહેશો તો ચાલશે.”
“બહેનજી, સાહેબની તબિયત સારી છે. અત્યારે જે થઇ રહ્યું છે તે ચિંતાજનક છે. રિસાલદારસાહેબની મારાથી થઇ શકે તે સેવા કરી શકીશ. આપ ચિંતા ન કરશો.”
“રિસાલદારસાહેબને કહેશો, આપની આજ્ઞા શિરસાવંદ્ય. ગયા અઠવાડીયે મને સંસ્કૃત કૉલજ તથા રૉબિન્સનસાહેબના પત્રો મળ્યા છે. સાહેબને કહેશો, અમે વહેલી તકે કલકત્તા જઇશું. તેમણે અહીંના અફસરોને પણ પત્ર લખ્યો છે કે કલકત્તા જવામાં મને મદદ કરે. પરિસ્થિતિ સુધરતાં અમે અહીંથી નીકળી જઇશું.”
પાર્વતિએ આગ્રહ કરી જગતને જમાડ્યો. ભોજન બાદ તેણે તેમની રજા માગી. તેના માટે તે ઘડીએ નીકળવું અનિવાર્ય હતું તેવું કહી તે બહાર નીકળ્યો. કુંવરસિંહે કહેલા સ્થાનની નજીક તે પહોંચી ગયો અને નિર્ધારીત સમયે કોટની બહાર નીકળતાં તેને એક સવાર મળ્યો. તે જગતસિંહને શોણ નદી તરફ લઇ ગયો. ત્યાંથી તેને નૌકા મળી. ગંગા-શોણના સંગમ નજીક દક્ષીણમાં જતી મોટી નૌકા લઇ તે ભાગલપુર પહોંચી ગયો.
*********
રિસાલામાં પહોંચીને પ્રથમ તે પાંડેને મળ્યો અને તેમને પંડિતજીનો સંદેશો આપ્યો. સાથે સાથે તેને થયેલા અનુભવની પણ વિસ્તારથી વાત કરી.
“સાહેબ, આ ભડકો અહીં ક્યારે પહોંચશે કહેવું મુશ્કેલ છે. દાનાપુર સદરમાં રહેતો હતો ત્યારથી જાણું છું કે ત્યાંની કાળી પલ્ટનના સિપાઇઓના ઘણા સગાવહાલાં આપણા રિસાલામાં છે. કેટલાકના તો સાવ નજીકના - પિતા, ભાઇ જેવા રિશ્તેદાર રિસાલામાં કે કાળી પલ્ટનમાં છે. અહીં સમાચાર પહોંચશે તો અનર્થ થશે.”
તેની વાત આટલેથી અટકતી નહોતી. તે સમયે કંપની સરકારની બંગાળની સેનામાં અવધ - એટલે લખનૌની નવાબશાહીના પ્રદેશો અને બિહારના પૂરબીયાની સંખ્યા વધુ હતી. લગભગ પચાસ ટકા ભુમિહાર બ્રાહ્મણ, વીસ ટકા અવધી તથા બિહારી મુસ્લિમ, વીસ ટકા રાજપુત અને બાકીના અન્ય જાતિમાંથી ભરતી થયેલા સૈનિકો હતા. લખનૌના નવાબ વાજીદ અલી શાહને કંપની સરકારે પદભ્રષ્ટ કરી કલકત્તા મોકલ્યા હતા તે કોઇને ગમ્યું નહોતું. વળી પટનામાં પણ મુસ્લિમ આગેવાનોને ‘વહાબી’ કહી તેમના પર જાસુસ છોડ્યા હતા.
જગત પહોંચ્યો તે દરિમિયાન પટનામાં બે પ્રસંગો થઇ ગયા. શહેરના ૧૪ મુસ્લિમ આગેવાનોને પૂછપરછ કરવા હેતુ રેસીડેન્સીમાં ત્યાંના કમિશ્નર વિલિયમ ટેલર પાસે લઇ ગયા અને તેમને જેલભેગા કર્યા. ત્યાં ગયાના પીર અલીને પહેલેથી જ રાખ્યો હતો. વહેલી સવારે તેમના પર કોઇ કેસ કર્યા વગર તેમાંના બાર આગેવાનો તથા પીર અલીને ફાંસીએ ચડાવ્યા. શહેરમાં હુલ્લડ થયા તે ક્રુરતાપૂર્વક ડામી દેવામાં આવ્યા. ભાગલપુરમાં આની અફવા આવી હતી અને પાંચામા રિસાલાના જવાનોમાં ઘણો ક્ષોભ હતો. અંગ્રેજ અફસરો પાસે સાચા રિપોર્ટ પહંચી ગયા હતા.
આ જાણે અપૂરૂં હોય, જગત દાનાપુર બ્રિગેડના બળવાનો આંખો દેખ્યો અહેવાલ લાવ્યો હતો.
રિસાલદાર પાંડે સિનિયર-મોસ્ટ દેશી અફસર હતા. તેમનું એક કામ એ પણ હતું કે જવાનોમાં કોઇ પણ જાતનો અસંતોષ કે ચિંતાનો વિષય હોય, તેની સીઓને જાણ કરવી. તેઓ સીઓને મળ્યા અને રિસાલાના સૈનિકોનો દરબાર લઇ તેમને હૈયાધારણ આપવા વિનંતી કરી.
સીઓ ઘણા ગુસ્સામાં હતા. બાબુ કુંવરસિંહ સાથેના યુદ્ધમાં કૅપ્ટન ડનબાર તથા તેમના છ અફસરો માર્યા ગયા હતા, તેમાં એક તેમનો દૂરનો ભત્રીજો હતો. તેમણે દરબાર યોજવાનો આદેશ આપ્યો.
પાંચમા રિસાલાના ઇતિહાસમાં આ દરબાર અગત્યનું પાનું બની ગયું.
(ઉપર આપેલ ચિત્ર ચિત્ર: આરા હાઉસ ૧૮૫૭ - સૌજન્ય ગુગલ ઇમેજીસ)

*********

3 comments:

  1. "વહેલી સવારે તેમના પર કોઇ કેસ કર્યા વગર તેમાંના બાર આગેવાનો તથા પીર અલીને ફાંસીએ ચડાવ્યા. શહેરમાં હુલ્લડ થયા તે ક્રુરતાપૂર્વક ડામી દેવામાં આવ્યા. ભાગલપુરમાં આની અફવા આવી હતી અને પાંચામા રિસાલાના જવાનોમાં ઘણો ક્ષોભ હતો. અંગ્રેજ અફસરો પાસે સાચા રિપોર્ટ પહંચી ગયા હતા."
    इस सिरे से उस सिरे तक सब शरीके जुर्म हैं,
    आदमी या तो ज़मानत पर रिहा है या फ़रार ।
    इस अहाते के अँधेरे में धुँआ-सा भर गया,
    तुमने जलती लकडियाँ शायद बुझाकर फेंक दी ।
    ...............
    ત્યારે બીજી છાવણીમા-મેજર જનરલ હ્યુમે મંગળ પાંડેને ગિરફતાર કરવાનો હુકમ કર્યો.
    તરત જ તેના હુકમનું પાલન ન થયું. ગોરો સેનાપતિ મંગળ પાંડેની ગોળીએ વીંધાઈ ગયો. તે સાથે દેશી સિપાઈઓ જંગે ચઢ્યા. ધારણા કરતાં વહેલો વિપ્લવનો દાવાનળ સળગી ઊઠ્યો, કંઈક ગોરાઓનાં માથાં ઉતારી નાના સાહેબ અને તાત્યા ટોપેએ બહાદુરી સાથે સરદારી લીધી.
    મેરઠ કબ્જે કર્યું.
    આ મે ય
    પ્રેસબ્યુરોકે રીપટસે યે જાહીર હોતા હૈ
    ફતેહ સરકારકી હોતી હૈ કબજા ઉનકા હોતા હૈ
    પ્રગ્યાજુ વ્યાસ

    ReplyDelete
  2. 'ભારતમાં અંગ્રેજી રાજ' નો એક ભાગ અમારે ભણવામાં આવતો હતો. તે વાંચી દસમા ધોરણમાં ભણતાં એ ચોપડી લાયબ્રેરીમાંથી લાવ્યો હતો. અને માત્ર ચિત્રો જ જોયાં હતાં. અને માત્ર ઉપરછલ્લી રીતે પ્રકરણો પર નજર ફેરવી હતી.
    પણ તે વખતે જે રીતે કિશોર લોહી ઊકળી ગયું હતું, તેમ જ આજે ૬૮ વરસે ઊકળી આવ્યું.
    તમે આ ઈતિહાસ કથા લઈ આવ્યા, અને આટલી સરસ એની માવજત કરી રહ્યા છો - તે માટે હદયથી અભિનંદન.
    ----

    પણ જો ૧૮૫૭માં અંગ્રેજો હાર્યા હોત તો?
    --------------

    ReplyDelete
  3. સીઓ ઘણા ગુસ્સામાં હતા. બાબુ કુંવરસિંહ સાથેના યુદ્ધમાં કૅપ્ટન ડનબાર તથા તેમના છ અફસરો માર્યા ગયા હતા, તેમાં એક તેમનો દૂરનો ભત્રીજો હતો. તેમણે દરબાર યોજવાનો આદેશ આપ્યો.
    પાંચમા રિસાલાના ઇતિહાસમાં આ દરબાર અગત્યનું પાનું બની ગયું.
    The inner details of the history often not revealed. Often the known history is what the Sarkar wants you to know !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Enjoyed !

    ReplyDelete