Pages

Thursday, May 28, 2009

1971: ચોકી કબજે થઇ!

તેજ નાલાના કિનારાથી અમારી ચોકી લગભગ પાંચસો મીટરના અંતર પર હતી. સેના કૂચ કરતી હોય તો સૌથી આગળ બે ‘સ્કાઉટ્સ’ હોય છે. તેમનું કામ હોય છે સામેના વિસ્તારનું નિરીક્ષણ કરી, કોઇ અંતરાય હોય તો તેની જાણ તેના કમાન્ડરને કરવાની હોય છે. દુશ્મનની પહેલી ગોળી છૂટે તો તે ‘સ્કાઉટ’ પર. આ ગોળીબાર વચ્ચે તેણે જમીન પર પડી, ઘસડાતાં આગળ જઇ ગોળીબાર ક્યાંથી આવે છે તેની માહિતી કમાન્ડરને આપવાની હોય છે. રાતનો સમય હતો. આસપાસ સરકંડાનું જંગલ બિહામણું હતું. દુશ્મન ક્યાં હશે તેનો અંદાજ કરવો મુશ્કેલ હતું, તેથી ‘સ્કાઉટ્સ’નું કામ કરવા ઠાકુર સાહેબ અને હું આગળ ગયા. દસ-પંદર મિનીટ બાદ અમે વારાફરતી પહેલા સ્કાઉટનું કામ કરતા હતા. અમારા પર ગોળીબાર થાય અને બન્ને જખમી થઇએ તો ટુકડીનું નેતૃત્વ મિલીટરીના સુબેદારસાહેબને લેવાનો આદેશ આપ્યો.
ચોકીથી અમે લગભગ સો ગજ પર પહોંચ્યા ત્યારે ઠાકુરસાહેબના પગમાં તાર ભરાયો. આ ટ્રીપ વાયર હતો. તારના એક છેડા પર મેૅગ્નેશીયમની એવી મેકેનીઝમ હતી કે તાર ખેંચાતા તે સક્રિય બનીને મૅગનેશીયમના ટુકડાને સળગાવે જેથી ત્યાં ત્રીસ સેકન્ડ સુધી ઉજાસ થાય અને તેના ૧૫-૨૦ મીટરની ત્રિજ્યામાં જે કંઇ હોય તે સ્પષ્ટ દેખાય.
પ્રકાશ થયો અને થોડી સેકન્ડઝમાં અમારા પર લાઇટ મશીનગનનું ફાયરીંગ શરૂ થઇ ગયું. ટ્રીપ વાયરની રોશની થતાં જ મેં ‘પોઝીશન’નો હુકમ આપ્યો, અને અમે બધાં જમીન પર પડીને સરકંડાની પાછળ પોઝીશન લીધી. જમીન પર સુતેલા સૈનિકો પર સીધી લાઇન (ટ્રૅજેક્ટરી)માં છોડાતી ગોળીઓ વાગવાની શક્યતા ઓછી હોય છે. ટ્રીપવાયરની ‘બત્તી’ ઓલવાઇ કે અમે નક્કી કર્યા પ્રમાણે લાઇનબંધ થયા અને ‘ફૉર્મ-અપ’ થઇને ચોકીની જમણી બાજુથી હુમલો કર્યો. ચોકી પરતો ૧૫ ફીટ ઉંચો માટીનો કોટ હતો, તેમાંના સૌથી આગળના બંકરમાંથી તેમણે ગોળીઓ ચલાવ્યે રાખી. જ્યારે અમે કોટની પાળ પર ‘ચાર્જ’ કરી ચઢવા લાગ્યા ત્યારે દુશ્મનનું ફાયરીંગ બંધ થયું. આપણા જવાનો કોટની પાળ પર બાંધેલા બંકરમાં રાઇફલ-બેયોનેટ સાથે ઘુસી ગયા, પણ દુશ્મન ત્યાંથી જતા રહ્યા હતા. ચોકી પર કબજો કર્યા બાદ સંરક્ષણાત્મક ખાઇઓમાં booby traps વિ. નથી તે તપાસતાં અમને જણાયું કે અહીં તેમની ‘Listening Post’નું કામ કરવા માટે નાની ટુકડી રાખવામાં આવી હતી. તેમને ખાતરી હતી કે રાવી નદી અને તેજ નાળાને પાર કરી ભારતની સેના કદી નહિ આવે.જ્યારે તેમણે અમને મૅગ્નેશીયમના પ્રકાશમાં જોયા ત્યારે તેને આપણી સંખ્યાનો અંદાજ આવ્યો નહિ. તેમને લાગ્યું કે આપણે મોટી સંખ્યામાં સેના મોકલી છે, તેથી તેઓ અમારા પર તેમની LMGની મૅગેઝિનો ખાલી કરી ચોકી છોડી ગયા. જતી વખતે એક બંકરમાં હુક્કો છોડતા ગયા હતા!
ચોકી પર કબજો કર્યા બાદ દુશ્મન અમારા પર કાઉન્ટર અૅટૅક ન કરે તે માટે અમે સંરક્ષણાત્મક ખાઇઓમાં સાબદા થઇ બેઠા. અમારી સાથે આર્મીનો વાયરલેસ સેટ હતો તેથી અમને આર્ટીલરીનો સપોર્ટીંગ ફાયર મળ્યો. એકાદ કલાક બાદ અમારી ચોકી પર દુશ્મનની તોપ દ્વારા બૉમ્બવર્ષા શરૂ થઇ.આના પરથી સાફ થયું કે તેમને લાગ્યું હતું કે આપણી એક બટાલિયને ચાર નંબરની ચોકી પર ‘ફર્મ બેઝ’ બનાવ્યો છે અને આગળ કોઇ કાર્યવાહી કરવા માગે છે. તેથી તેમણે લગભગ આખી રાત ગોળા વરસાવવાનું ચાલુ રાખ્યું. ત્રણેક વાગે અમે ટૅંકનો અવાજ સાંભળ્યો. તેઓ તેમની ચોકીઓનો બચાવ કરવા પૂરી તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન જ્યારે તોપ શાંત થતી, સંરક્ષણાત્મક ખાઇઓમાં મોરચા સંભાળી રહેલા જવાનોને હિંમત આપવા ઠાકુરસાહેબ અને હું જતા. પરોઢના સાંધ્ય યોગના સમયે જ્યારે રાત રાત નહોતી અને સૂર્ય દેવતાએ હજી આગમન કરવાની તૈયારી પણ કરી નહોતી ત્યારે ઘનઘોર અંધારું તેની ચરમ સીમા પર હતું. અમે એક ખાઇમાંથી બહાર નીકળી વીસે’ક મીટર પર આવેલી બીજી ખાઇ તરફ જઇ રહ્યા હતા.
અમે બન્ને ખુલ્લા મેદાનમાં હતા ત્યાં અચાનક મારા અંતર્મનને કોઇએ ગેબી અવાજમાં હુકમ આપ્યો: જમીન પર પોઝીશન લે. (પોઝીશન લેવાનો અર્થ થાય છે, ગોળીબાર કે બૉમ્બથી બચવા માટે જમીન પર ચત્તા પડી જવું અને ચિત્તાની જેમ ઘસડાતા સુરક્ષીત સ્થાન પર જઇ દુશ્મનના ગોળીબારને વળતો જવાબ આપવો). મેં ઠાકુરસાહેબનો હાથ પકડ્યો અને હુકમ આપ્યો, “ડાઉન.” જેવા અમે બન્ને જમીન પર ચત્તા પડ્યા કે અમે અમારી ઉપરથી ઉડી જતા દુશ્મનના સુપરસોનિક જેટની ગર્જના સાંભળી. તેણે અમારી ચોકી પર ઝીંકેલો ૫૦૦ પાઉન્ડર બૉમ્બ ઠાકુરસાહેબ અને હું જે જગ્યાએ પોઝીશન લઇને પડ્યા હતા, ત્યાંથી વીસે’ક મીટર પર પડ્યો. ધરતી એવી ધ્રુજી, જાણે અમારા શરીરની નીચે જ ધરતીકંપનું ‘એપીસેન્ટર’ હતું. બૉમ્બનો જે સ્ફોટ થયો તેના અવાજથી અમારા કાન કલાકો સુધી બહેરા થઇ ગયા. ઠાકુરસાહેબ અને મારા શરીર અને માથા પરથી બૉમ્બની કિલો - કિલો વજનની અનેક કરચ સૂસવાટા કરતી નીકળી ગઇ . અમે ચાલતા રહ્યા હોત તો અમારા બન્નેનાં શરીરના ફૂરચા ઉડી ગયા હોત.
અમારા બન્નેનાં શરીર માટીથી ઢંકાઇ ગયા હતા. થોડી વારે સ્વસ્થ થયા ત્યારે કપડાં ઝાટકીને ઉઠતાં ઠાકુર સાહેબે પુછ્યું, “સર જી, તમને કેવી રીતે ખબર પડી કે બૉમ્બ પડવાનો છે?”
આ સવાલનો જવાબ મારી પાસે તે વખતે પણ નહોતો, આજે પણ નથી.
મનમાં એક સવાલ હંમેશા ઉઠતો રહ્યો છે: અમને ગેબી પૂર્વસૂચના આપનારું કોણ હતું?
કે પછી કોઇ રક્ષક શક્તિએ આપેલ જીવતદાન હતું?
આનો જવાબ હું હજી સુધી પામી શક્યો નથી.
સવાર થઇ અને વાયરલેસ પર અમે ખબર આપી કે ચાર નંબરની ચોકી સર થઇ છે. સવારના આઠ વાગે અમને રીલીવ કરવા આર્મીની ટુકડી આવી. હું અમારી કંપનીના હેડક્વાર્ટરમાં ગયો અને શ્રી. સિંઘને ફોન કર્યો. તેમણે મને લેવા માટે તરત જીપ મોકલી. યુનિટમાં પહોંચ્યો ત્યારે તેઓ મને ભેટી પડ્યા. “મને ખબર નહોતી કે ગુરચરણ તમને આત્મઘાતી મિશન પર મોકલી રહ્યો હતો. મને જ્યારે જાણ થઇ ત્યારે અનુરાધાની સામે હું કેવી રીતે ઉભો રહી શકીશ તે વિચારે આખી રાત જાગતો રહ્યો. અમે બધા તમારી ચિંતા કરી રહ્યા હતા.”
મારા ક્વાર્ટરમાં જઇ નહાયો અને દીપ પ્રગટાવી પરમાત્માનો આભાર માન્યો.
નીચે પાંચમી તારીખના દિવસ-રાતના પ્રસંગનું રેખાચિત્ર છે, જેનાથી આપને તેનો સહેલાઇથી ખ્યાલ આવી શકે:


સમજુતી (ઉપરથી નીચે): -.-. આંતરરાષ્ટ્રીય સીમા; 4-5-6 = આપણી ચોકીઓ; A - નદી પાર કરતી વખતે અમારા પર ફાયરીંગ કરી રહેલ LMG; B - નદીના મધ્યમાં અમે; C - અહીં કરમચંદ સાથે અંધારામાં મુલાકાત; D - અહીંથી અમે ચોકી પર દોડી ગયા. ધુસ્સી બંધ અને તે પર ઉભા કર્નલ. રાવી અને તેજ નાળું નીલા રંગમાં અને સરકંડાના જંગલ લીલાં તરણાંમાં દર્શવાયા છે.


hit counter
Provided by website-hit-counters.com hit counter site.

Tuesday, May 26, 2009

૧૯૭૧: અંધારામાં અણધારી મુલાકાત

શિયાળામાં ઉત્તર ભારતમાં સૂરજ વહેલો ડૂબી જાય છે. ચાર નંબરની ચોકીના પત્તન પર પહોંચતાં સુધીમાં સૂર્યદેવ ક્ષિતીજની તળાઇમાં સૂઇ ગયા. અમને એવી છૂટ નહોતી! કિનારે જઇને જોયું તો હોડી પેલે પાર હતી. અમારી ટુકડીનો એક જવાન અા બીઓપીનો જાણકાર હતો. તેને નદીની ઉંડાઇ વિ.ની માહિતી હતી. તે અમને નદી પાર કરાવવા આગળ આવ્યો. રાત પડી ગઇ હતી. ચારે બાજુ ઘોર અંધકાર હતો અને ઉષ્ણતામાન લગભગ ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસ. Wind chill factorને ગણીએ તો હવામાન માઇનસમાં હતું. ‘જો બોલે સો નિહાલ..સત શ્રી અકાલ’નો ઉચ્ચાર કરી ફરી એક વાર અમે રાવીના છાતી સમાણાં પાણીમાં ઉતર્યા. પંજાબની કાતિલ ઠંડીમાં નદીના હિમ જેવા પાણીમાં પગ મૂકતાં જ જાણે હજાર વિંછીના ડંખ લાગ્યા હોય તેવું લાગ્યું. એક હાથમાં રાઇફલ અને બીજા હાથમાં ગોળીઓનું બંડોલિયર ઉંચું ધરી, તે પાણીમાં ન ભીંજાય તેની તકેદારી કરી અમે નદી પાર કરીને રાવી વચ્ચે આવેલા બેટમાં પહોંચ્યા. બૂટ- મોજાંથી લઇ શર્ટનાં કૉલર સુધી ફરી એક વાર ભીંજાઇને અમે ઠરી ગયા. સામાન્ય પરિસ્થિતિમાં માણસને હાઇપોથર્મિયા થઇ જાય, પણ અહીં જાણે mind over matterની વાત અમારૂં શરીર જાણી ગયું હતું કે કેમ, અમને કશી વિપરીત અસર ન થઇ. શિયાળાની કાળી રાતમાં સરકંડાના જંગલમાં અમને દુશ્મન સાથે ભેટો થાય અને તે અમારા પર ગોળીબાર કરે તો અમારે શી કારવાઇ કરવી તેની સૂચના મેં જવાનોને આપી હતી. મને મળેલી માહિતી મુજબ ઠાકુર કરમચંદ (જેમને હું માનપૂર્વક ‘ઠાકુર સાહેબ’ કહીને બોલાવતો) તથા તેમના સૈનિકો તેમની ચોકીમાં જ હતા. અમારી એકાગ્રતા અને ધ્યાન કેવળ નદી પાર કરીને સામે કાંઠે પહોંચવામાં પરોવાયું હતું. રાવિ નદીના બેટમાં છ-સાત ફીટ ઉંચા સરકંડાના જંગલ હતા. દુશ્મનને છુપાઇને અમારા પર હુમલો કરવા માટે આ ઉત્તમ સ્થળ હતું.
ઘનઘોર અંધારામાં નદી પાર કરીને અમે કિનારા પર પહોંચ્યા. હવે અમારી ટુકડીની આગેવાની મેં સંભાળી. સરકંડાના જંગલ કાપીને બનાવેલી પગદંડીમાં આગળ અમે ધીમે પગલે ચાલી રહ્યા હતા. દસે’ક મિનીટનું ‘માર્ચીંગ’ કર્યું ત્યાં કદી ન ભૂલી શકાય તેવો આછો કડાકા ભર્યો અવાજ સંભળાયો. આ અવાજ હતો LMG - લાઇટ મશીન ગનનો ઘોડો ચડાવવાનો (‘કૉક’ કરવાનો)! પાંચ સેકંડમાં મૅગેઝીનમાંથી અઠ્યાવીસ ગોળીઓ છોડે તેવી આ LMGના સીધા મારની નીચે હું હતો, અને મારી પાછળ મારા જવાનો. LMG ધારક જવાન ગભરાટમાં ટ્રિગર પર અાંગળીનું દબાણ એક વાળના તાંતણા જેટલું પણ વધારે તો એક લાઇનમાં આગળ વધી રહેલા હું અને મારા જવાનોમાંથી કોઇ બચી શકે તેવું નહોતું. અંધારામાં અમે એ પણ ન જાણી શક્યા કે LMG કઇ જગ્યાએથી અમારા પર નિશાન સાધી રહી હતી. અમારા સદ્ભાગ્યે આવી ખતરનાક હાલતમાં પણ LMG તાકી રહેલ લાન્સનાયક પોતાની મૂળભૂત કેળવણી ભુલ્યો નહોતો. લાઇટ મશીનગનનો ઘોડો (trigger) તેણે ચડાવ્યો, પણ ગોળીઓ ન છોડતાં તેણે અમને ‘ચૅલેન્જ’ કર્યા: ‘ હૉલ્ટ, હુકમ દાર?” (Halt! Who comes there?)
સરકંડાના જંગલમાં તે ક્યાં હતો તે દેખાતું નહોતું. મેં તેની ચૅલેન્જનો યોગ્ય જવાબ આપ્યો, “મિત્ર.”
જવાને હુકમ કર્યો, ‘ઓળખાણ માટે હાથ ઉંચા કરી આગળ વધો.’
હું પગદંડી પર આગળ વધ્યો. તેણે મને ફરી રોકાવાનું કહ્યું. હું રોકાયો, અને અમે ખરેખર ‘મિત્ર’ છીએ કે નહિ તે જોવા માટે સામેથી બે સૈનિકો સાથે ઠાકુર સાહેબને આવતાં જોઇ અમે ખુશ થયા.
ઠાકુરસાહેબની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે આપણી પાંચ અને છ નંબરની ચોકીઓના પતન બાદ ચાર નંબરની ચોકી ટકી શકે તેમ નહોતી. કરમચંદની પાસે કેવળ ૧૬ સૈનિકો હતા અને દુશ્મનની સંખ્યા તેમનાથી ત્રણ ગણી. મોડી સાંજે તેમને ચોકી ખાલી કરવાનો આર્મીના કંપની કમાન્ડર પાસેથી હુકમ મળ્યો અને તેજ નાલાની પાછળ ખાઇઓ ખોદી મોરચો બાંધવાનું કહેવામાં આવ્યું. તેમને કામ મળ્યું હતું, ત્યાં રહી દુશ્મનને તેજ નાલાને પાર ન આવવા દેવો. ૧૮-૨૦ કલાકના સતત ઉપયોગથી તેમના વાયરલેસ સેટની બૅટરી ‘ડાઉન’ થઇ ગઇ. કરમચંદને તે જગ્યાએ રહેવા સિવાય બીજો કોઇ ઉપાય નહોતો. એક અનુભવી સૈનિક હોવાથી તેમણે એક લાઇટ મશીનગન સાથેની ટુકડીને રાવીના કિનારા પાસે સરકંડાના જંગલમાં ડ્યુટી પર મૂકી હતી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે કરમચંદ આ ટુકડીના હાલહવાલ પૂછવા ત્યાં આવ્યા હતા.
ચાર નંબરની ચોકી દુશ્મનના હાથમાં ગઇ છે તેની અમને માહિતી નહોતી. હું તો સીધો ચોકી પર જવાની તૈયારી કરીને ત્યાં જવા નીકળ્યો હતો. કરમચંદ અને તેમના સિપાહીઓને સુરક્ષીત હાલતમાં જોઇ ખુશી થઇ. હવે મારી પાસે બે અનુભવી પ્લૅટુન કમાન્ડર અને લગભગ ચાલીસ જેટલા જવાન હતા. જવાનોને એકઠા કરી અમને મળેલા આદેશની તેમની સાથે વાત કરી. આગળ કેવી રીતે વધવાનું છે, ચોકી કબજે કર્યા બાદ શું કરવાનું છે તેનું બ્રીફીંગ કર્યા બાદ અમે તેજ નાળાને પાર કરી ચોકી તરફ આગળ વધ્યા.
ભયંકર ઠંડીમાં, એટલી જ ભયાનક રાત્રીમાં અમે સરકંડાના ભયાવહ જંગલમાં કૂચ કરી રહ્યા હતા. ટાઢ એવી હતી કે તમરાં પણ ઠરી ગયા હતા. તારાઓના આછા પ્રકાશમાં પગદંડી પર અમે સાવધાની પૂર્વક આગળ વધી રહ્યા હતા.

Sunday, May 24, 2009

૧૯૭૧ - જવાબની તૈયારી (ભાગ ૨)

લાંબી રેન્જના ગોળીબાર માટે પિસ્તોલ નકામી હોય છે તેથી મેં મારી અૉટોમેટીક પિસ્તોલ દર્શનસિંહને આપી, તેમના જવાનની રાઇફલ અને પચાસ રાઉન્ડ્ઝ લીધા. ‘બોલે સો નિહાલ... સત શ્રી અકાલ’નો નાદ કરી, રાવી નદીનાં બરફ જેવાં ઠંડા પાણીમાં અમે ઉતર્યા. સૌથી આગળ ‘જીપ્સી’ અને પાછળ ૧૬ જવાન.
નદીના મધ્ય ભાગમાં અમે પહોંચ્યા અને પાણી છાતી સમાણાં થયા. મેં પાછળ વળીને જોયું તો કર્નલ અમારી તરફ જોઇ રહ્યા હતા. દર્શનસિંહ અને તેમના જવાનો કંપની હેડક્વાર્ટરમાં જવાને બદલે અમને દુઆ આપવા માટે હજી કાંઠા પર જ ઉભા હતા. નદી ઉંડી થાય અને તેમાં અમારા હથિયાર ન ભીંજાય તે માટે અમે હથિયાર ઉંચા ધર્યા અને આગળ વધ્યા ત્યાં જાણે વિજળી પડતી જતી હોય તેવા કડાકા સંભળાયા. સાથે સાથે દાળમાં વઘાર નાખતાં છમકારો થાય, તેવા છમકારા અમારી ડાબી બાજુએ સંભળાયા અને રાવીનાં પાણીમાંથી છાંટા ઉડતા દેખાયા. દુશ્મન તેની લાઇટ મશીનગનથી મારી ટુકડી પર અૉટોમેટીક ફાયરીંગ કરી રહ્યો હતો. પાણીની સપાટી પર પડેલી કેટલીક ગોળીઓનો આ અવાજ હતો. પાછલી રાતે કબજે કરેલી અમારી છ નંબરની ચોકીના હોડી લાંગવાના સ્થાન પર તેમણે મશીનગન લગાવી હતી. રાવી નદી પાર કરી તેમના પર counter attack કરવાનો પ્રયત્ન કરનાર આપણી સેનાને રોકી પરાસ્ત કરવા તેમણે ત્યાં મોરચાબંધી કરી હતી. નદીમાં અમે જે સ્થાન પર હતા તે તેમની મશીનગનની રેન્જ બહાર હતું. જો કે દુરબીનથી તેઓ અમને જોઇ શકતા હતા તે સ્પષ્ટ હતું. રાવીના મધ્ય વહેણમાં અમે પાંખ વગરના બતક જેવા હતા. સામા કિનારે પહોંચવામાં અમને અર્ધો-પોણો કલાક લાગે તવું હતું. ત્યાં સુધીમાં તેઓ તેમની ત્રણ લાઇટમશીનગન અને ૨” મૉર્ટરથી સજ્જ એક પ્લૅટૂનને અમારી સામેના કાંઠા પર લાવી તેઓ અમને રાવીમાં જ જળસમાધિ આપી શકે તેમ હતું. અમારા સદ્ભાગ્યે તેમની મિડીયમ મશીનગન કિનારા પર નહોતી, નહિ તો મૃત્યુ અટળ હતું.

( બ્રાઉનીંગ મશીનગન સાથે પાકિસ્તાની સૈનિક)
મને સોંપાયેલું મિશન હતું પાંચ નંબરની ચોકી પાછી મેળવવાનું. જે approach (માર્ગ) લેવાનું મને કહેવામાં આવ્યું હતું તે કોઇ પણ સંજોગોમાં કામયાબ થઇ શકે તેમ નહોતું. મેં ત્વરીત નિર્ણય લીધો કે દિવસના સમયે અને સીધા માર્ગે આ ચોકી સર કરી શકાય તેવું નહોતું. આ કામ માટે મારે નદીને ઉપરવાસ જઇ, દુશ્મનના ફાયરીંગથી જવાનોને બચાવી, રાતના અંધારામાં ચોકી પર હુમલો કરવો. મારી સાથેના જવાનોમાં એક આ વિસ્તારનો ભોમિયો હતો. તેના કહેવા પ્રમાણે બાકીના બધા ભાગમાં રાવી નદી દોઢથી બે માથોડાં ઊંડી હતી. કેવળ ચાર નંબરની ચોકીનો વિસ્તાર નદી પાર કરવા માટે અનુકૂળ હતો. આથી દુશ્મનની મશીનગન પોતાની જગ્યા બદલી આગળ આવી અમારા પર ઘાતક ગોળીબાર કરે તે પહેલાં પાછા વળી, ચાર નંબરની ચોકી તરફ પ્રયાણ કરવા માટે મેં જવાનોને પાછા ફરવાનો આદેશ આપ્યો. અમે જેમ જેમ પાછા ફરતા ગયા, દુશ્મનનો ગોળીબાર નજીક અને વધુ નજીક આવવા લાગ્યો. તેમણે તેમની મશીનગન આગળ આણી હતી. અાપણા જવાનો જરા પણ હાંફળા-ફાંફળા થયા વગર મારી સાથે શાંતિથી કિનારે પહોંચ્યા. રાવીના બરફ જેવા ઠંડા પાણીમાં બૂટ-મોજાંથી માંડી ગળા સુધી ભીંજાઇને અમે તરબોળ થઇ ગયા હતા.
કિનારા પર પહોંચતાં જ કર્નલ સાહેબ મારી તરફ આવ્યા. મને કંઇ કહે તે પહેલાં મેેં તેમને કડક સ્વરે ક્હયું, “You did see the LMG(લાઇટ મશીનગન) fire, didn’t you? Do you want my boys killed like sitting ducks? And where was your covering fire when enemy was firing on us?” કર્નલ ગુસ્સે તો થયા પણ આ વખતે તે કંઇ કરી શકે તેમ નહોતા. મારી સાથે મારા જવાન હતા, કિનારા પર હજી સુધી દર્શનસિંહ અને છ નંબરની ચોકીના બધા જવાન અમારી હિલચાલ જોઇ રહ્યા હતા. બધા જાણતા હતા કે કર્નલ અમારી સાથે કેવો વર્તાવ કરી રહ્યા હતા.
મેં કર્નલને કહ્યું, “હું બીઓપી પાછી મેળવીશ, પણ મારી પોતાની યોજના મુજબ.”
કર્નલના હૃદયમાં કદાચ પ્રકાશ પડયો. તેમણે ફોજમાં વીસ પચીસ વર્ષ નોકરી કરી હતી. તેઓ જાણતા હતા કે તેમનો હુકમ ગેરવ્યાજબી હતો. આ વખતે તેમણે મારી વાત માની. મેં હવે ચાર નંબરની ચોકી પર પહોંચી ઠાકુર કરમચંદની પ્લૅટૂન સાથે સંપર્ક સ્થાપી આગળની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું. કર્નલે આ વખતે તેમની સાથેના તેમના નવ જવાનોના ‘પ્રોટેક્શન સેક્શન’ને મારી સાથે જવાનો હુકમ કર્યો. અમારા માટે આ વરદાન નીવડ્યું કારણકે આર્મીની ડીટૅચમેન્ટ પાસે વાયરલેસ સેટ હતો. તેનો સંપર્ક તેમની બટાલિયનના હેડક્વાર્ટર સાથે હતો. જો કે અમારી બટાલિયનને હું ક્યાં હતો તથા મને આ ખતરનાક અૉપરેશન પર મોકલવામાં આવી રહ્યો હતો તેની જાણ કરવામાં આવી નહોતી.
અમારામાંથી કોઇએ બ્રેકફાસ્ટ પણ કર્યો નહોતો, તેમ છતાં હુકમની તામીલ કરવામાં તેનો વિચાર સરખો ન આવ્યો. અમે ભીંજાયેલા કપડે જ કિનારે કિનારે ઉપરવાસ ચાર નંબરની ચોકીના પત્તન તરફ ચાલવા લાગ્યા. ત્રણે’ક વાગે અમે દસ-પંદર ખોરડાના ગામ પાસે પહોંચ્યા. ગામના લોકો તો ઘરબાર છોડીને જતા રહ્યા હતા. ગામને છેવાડે એક બિસ્માર હાલતની ઝુંપડીના ઓટલા પર એક વૃદ્ધ માજી બેઠાં હતા. પડખે નાનકડી છાબડી હતી. અમે નજીક પહોંચ્યા અને ‘સત શ્રી અકાલ, માઇ,’ કહી અભિવાદન કર્યું. મેં તેમને પુછ્યું, “તમે હજી સુધી અહીં કેમ રહ્યા છો? લડાઇ શરૂ થઇ ગઇ છે તેથી તમારે સલામત જગ્યાએ જવું જોઇએ.”
બોખા મ્હોંએથી હળવું હસીને માઇ બોલ્યાં, “અરે પુત્તર, આખી જીંદગી આ ઘરમાં કાઢી છે, હવે આ ઉમરે ક્યાં જઉં? જુઓ, તમે બધા દેશની રખ્યા (રક્ષા) કરવા નીકળ્યા છો. અહીં બેઠી છું તમ સરખા જવાનોની સેવા કરવા. મેં થોડા રોટલા ઘડી રાખ્યા છે, તેને વાહે ગુરુનું લંગર સમજીને આરોગો,” કહી છાબડીમાંથી જાડી ભાખરીઓ કાઢી અમને આપી.
મારા જવાનો અને હું ખરેખર ભુખ્યા થયા હતા. દરેકના ભાગે અર્ધી અર્ધી ભાખરી આવી, પણ તેમાં માજીએ પ્રેમનાં મોણ અને આસ્થાના ખમીર ઉપરાંત એવું શું ઉમેર્યું હતું જેથી અમારો હોંસલો શિખર પર પહોંચી ગયો.
અમે આગળ વધવાની શરૂઆત કરી.

link to small business website design page
Sponsored by the small business web design web page.


Thursday, May 21, 2009

૧૯૭૧: જવાબી હુમલાનો પ્રથમ પ્રયાસ

કર્નલ ગુરચરનનો હુકમ તદ્દન ગેરકાયદેસરનો, બિનવહેવારૂ તથા મિલીટરી સાયન્સના સિદ્ધાંતોની વિરુદ્ધનો હતો. કોઇ પણ લશ્કરી અભિયાનનો ઉદ્દેશ દુશ્મન પર વિજય પ્રાપ્ત કરવાનો હોય છે. તેના માટે ઉંચી કક્ષાના મૅનેજમેન્ટના પ્લાનીંગમાં કરાય છે તેવું S.W.O.T. Analysis (પરસ્પર Strengths, Weaknesses, Opportunities and Threats) જેવું Military Appreciation કરવું અનિવાર્ય હોય હોય છે. ત્યાર પછી યોજના તથા અભિયાનની શરૂઆત થાય. Quick Attack કરવા માટે પણ શીઘ્રતાપૂર્વક Appreciation કરીને આગળનાં પગલાં લેવા પડે. આનું ઉદાહરણ આવતા અંકમાં આપીશ.
ટૂંકમાં કહીએ તો military appreciationમાં નીચે દર્શાવેલ પગલાં લેવા અત્યંત આવશ્યક હોય છે.
૧. દુશ્મન વિશે માહિતી: તેની સંખ્યા, તેની પાસે ક્યા હથિયારો છે અને તે કઇ જગ્યાએ મૂકવામાં આવ્યા છે તે જાણવું. આ જાણવા માટે Recconaissance Patrol (‘રેકી’ પેટ્રોલ) મોકલવામાં આવે છે. ‘રેકી’ પેટ્રોલનું કામ છે કે છૂપાઇને દુશ્મનની નજીક જઇ તેમની ટુકડીઓ ક્યાં મોરચા લઇને બેઠી છે, અને તેમની પાસે ક્યા હથિયાર છે તે જાણવું. દુશ્મન પાસે જે જાતના હથિયાર હોય તે પરથી આપણે જાણી શકીએ કે ત્યાM દુશ્મનનું સેક્શન (દસે’ક જવાનોની ટુકડી) પ્લૅટૂન (ત્રણ સેક્શન્સ) અથવા કંપની (ત્રણ પ્લૅટૂન્સ) ‘ડીપ્લૉય’ થઇ છે. આના માટે કોઇ વાર દુશ્મનની નજીક જઇ તેમના પર ફાયરીંગ કરવું પડે, અને દુશ્મન કયા હથિયારથી ‘જવાબ’ આપે છે તે જોવું. જે જાતના હથિયાર દુશ્મન વાપરે, અને જ્યાંથી તે વાપરવામાં આવ્યા છે તેના પરથી અંદાજ લગાવી શકાય કે દુશ્મનની ‘કિલ્લેબંધી’ ક્યાં અને કેવી છે તથા ત્યાં તેમની કેટલી સંખ્યા (પ્લૅટૂન/કંપની કે બટાલિયન) છે. આ માહિતીના આધારે નક્કી કરવામાં આવે છે કે દુશ્મન પર હુમલો કરવા માટે કેટલી સંખ્યામાં આપણા સૈનિકો જોઇએ, તેમના પર ક્યા શસ્ત્રો વાપરવા અને કઇ રણનીતિ અપનાવવી જોઇએ. આપને યાદ હશે કે અગાઉના અંકમાં જણાવ્યા પ્રમાણે અમારી ચોકી નંબર છ પર હુમલો કરતાં પહેલાં પાકિસ્તાનની સેનાએ 'રેકી પેટ્રોલ' મોકલી ચોકીની નૌકા લાંગરવાનું સ્થાન તથા આજુબાજુનો વિસ્તાર જોયો હતો.
૨. દુશ્મન સુધી પહોંચવાના માર્ગોની માહિતી, કઇ જગ્યાએ તેમની સુરંગ (mines) લગાવવામાં આવી છે, દુશ્મનની સંરક્ષણ પંક્તિ સુધી છૂપાઇને પહોંચવા વૃક્ષ, ઝાડી વિ. જેવું cover છે કે નહિ, જેની આડમાં દુશ્મન સુધી પહોંચી શકાય.
૩. Surprise: દુશ્મનને જ્યારે તેના પર હુમલો થવાની શક્યતા સૌથી ઓછી લાગે ત્યારે હુમલો કરવો. આ કારણસર સંધ્યા સમયે, મધ્ય રાત્રીએ અથવા પરોઢિયે દુશ્મન પર હુમલો કરવામાં આવે છે. હુમલો કરનાર સેનાની સંખ્યા કેટલી છે તેની દુશ્મનને જાણ થવી ન જોઇએ. આ પણ ‘સરપ્રાઇઝ’નો ભાગ છે જેથી દુશ્મન તેમનો પ્રતિકાર કરવા અગાઉથી તૈયારી ન કરી શકે.
૪. હુમલો કરનાર સેનાની સંખ્યા સંરક્ષણ હરોળમાં બેઠેલ દુશ્મન કરતાં ત્રણ ગણી હોવી જોઇએ, કારણ હુમલો કરનાર સૈનિકો ખુલ્લી જગ્યામાંથી આવીને આક્રમણ કરતા હોય છે, જ્યારે સુરક્ષા પંક્તિમાં બેઠેલા જવાનોની ઉપર છત અને આજુબાજુની ધરતી પર રેતીના કોથળા, સિમેન્ટના બ્લૉક વિ.નું સંરક્ષણ હોય છે. હુમલો કરનાર સૈનિકો ખુલ્લી જગ્યામાંથી આવતા હોઇ સુરક્ષા ખાઇઓમાં બેઠેલા જવાનો તેમના પર અૉટોમેટીક હથિયારો (લાઇટ અને મિડિયમ મશીન ગન)નો વધુમાં વધુ ઘાતક રીતે ઉપયોગ કરી શકતા હોય છે. આમ હુમલો કરનાર સૈનિકોમાં૧૦%થી માંડી ૩૦-૪૦% જેટલી કૅઝ્યુઆલ્ટી (મૃત્યુ અથવા ઘાયલ) થતી હોય છે.
કર્નલ ગુરચરનસિંઘે ઉપરની કોઇ કારવાઇ ન કરી અને મને બીઓપી ‘કૅપ્ચર’ કરવાનો આદેશ આપ્યો! તેમનો ઉદ્દેશ સાફ હતો. અમે બીએસએફના જવાનો હતા તેથી તેમને અમારા જવાનોની કોઇ પરવા નહોતી. તેઓ પોતે ધુસ્સી બંધ પર સુરક્ષીત જગ્યાએ હતા, તથા પોતાના અંગત સંરક્ષણ માટે એક સુબેદાર અને ૮ જવાનની ટુકડી સાથે લાવ્યા હતા.(ગયા અંકમાં ધુસ્સી બંધનું ચિત્ર આપ્યું હતું. જેમને તે જોવાનો અવસર ન મળ્યો હોય તેમના માટે આજે ફરી વાર તેની છબી અહીં દર્શાવી છે.)

કર્નલ સાથે મારો વાર્તાલાપ અમારા જવાનોની સામે થયો. હું મારી વાત પર અડગ રહી અૅટૅક કરવાનો ઇન્કાર કરૂં તો મારા જવાનો પર વિપરીત અસર પડે. તેમને લાગે કે તેમનો અફસર દુશ્મન સામે જવા ડરે છે. દિવસના ઉજાસમાં દુશ્મનની નજર સામે, તેની position જાણ્યા વગર મારા જવાનોને નદી પાર લઇ જઉં તો મારા જવાનોની જીંદગીને હું જોખમમાં મૂકું. વાત ચિંતાજનક હતી તેમ છતાં મેં નદી પાર જવાનો નિશ્ચય કર્યો.
શાંતીના સમયે આ ચોકીમાં હું ચાર વાર જઇ આવ્યો હતો. રાવી પાર અમારા પત્તનની જમણી બાજુએ સરકંડાનું જંગલ હતું. કેમે કરીને નદી પાર કરીએ તો દુશ્મનના ફાયરીંગ સામે અમને આ જંગલમાં cover મળે તેમ હતું.
ગઇ રાત્રીના હુમલામાંથી બચીને આવેલા જે જવાનોને હું મળવા આવ્યો હતો તેમાંથી સબ ઇન્સ્પેક્ટર દર્શનસિંહ અને તેમની પ્લૅટૂનને મેં કંપની હેડક્વાર્ટરમાં જવાનો હુકમ આપ્યો. તેઓ આખી રાત દુશ્મન સામે લડી ચૂક્યા હતા અને તેમના જવાનોની ભારે ખુવારી થઇ હતી. બાકી રહેલા જવાનોને લઇ હું પાંચ નંબરની ચોકી પર ‘હુમલો કરી કબજે કરવા’ જવા રાવી નદીમાં સવારે લગભગ અગિયારના સુમારે ઉતર્યો. મારી સાથે બે સાર્જન્ટ્સ અને ૧૪ જવાન - એટલે બે ‘weak sections’ હતા (એક સેક્શનમાં દસે'ક જવાન હોય છે.). દુશ્મનના હાથમાં ગયેલી ચોકીમાં પાકિસ્તાની સેનાના કેટલા જવાન હતા, તેમની પાસે ક્યા હથિયાર હતા તેનો મને અંદાજ હતો: દર્શનસિંહની ચોકી પર પાકિસ્તાની સેનાની બે કંપનીઓ - ૨૦૦થી ૨૫૦ સૈનિકોએ હુમલો કર્યો હતો. તેમાંથી ઓછામાં ઓછા ૨૦૦ જેટલા સૈનિકો અને બે અફસરો તો ત્યાં હોય એવી શક્યતા હતી. તેમાંથી તેઓ એક પ્લૅટુનને પણ અમારો સામનો કરવા મોકલે તો..... આ જાણે ઓછું હોય, નદી પાર આવેલી અમારી બધી ચોકીઓની ચારે બાજુ ધુસ્સી બંધ જેવો ૧૫-૨૦ ફીટ ઉંચો માટીનો કોટ હતો, જેમાં ઇંટ અને મજબૂત ધાબાં જેવા છાપરાંના બંકર બાંધવામાં આવ્યા હતા. દુશ્મને ત્યાં કેવળ એક લાઇટ મશીન ગન સાથે એક સેક્શનની ડીટૅચમેન્ટ મૂકી હોય તો પણ અમારી ચટણી થઇ જાય તેમ હતું. દિવસના પ્રકાશમાં તેઓ આસાનીથી અમારો વીણી વીણીને ‘શિકાર’ કરી શકે તેવી સ્થિતિ હતી.
આવી વસ્તુસ્થીતિ હોવા છતાં કર્નલ ગુરચરનસિંઘે મને રાવી પાર જઇ ચોકી પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.

link to small business website design page
Sponsored by the small business web design web page.

Wednesday, May 20, 2009

૧૯૭૧ - જવાબની તૈયારી..



૫ ડીસેમ્બરની સવારે મારા કમાન્ડીંગ અૉફીસર શ્રી. સિંઘે મને હુકમ અાપ્યો કે દુશમનના હાથમાં ગયેલી મારી કંપનીના જવાનોને મળી તેમને હિંમત આપી તેમની કામગીરી માટે તેમના વતી શાબાશી આપી પાછા હેડક્વાર્ટર આવવું. મને મારા કંપની હેડક્વાર્ટર સુધી જીપ મૂકવા આવી. જવાનો હજી ત્યાં પહોંચ્યા નહોતા તેથી હું તેમની શોધમાં ધુસ્સી બંધ પર ગયો. (નદીમાં પૂર આવતાં ધુસ્સી બંધ કેવો દેખાય છે તેનું ચિત્ર જમણી બાજુએ છે.)અહીં મારા બે પ્લૅટુન કમાંડર અને ૪૦ જવાનો સુરક્ષા પંક્તિમાં ખાઇઓમાં હથિયાર તાણીને બેઠા હતા. ચાર નંબરની ચોકીવાળી ત્રીજી પ્લૅટૂન, જે સબ ઇન્સ્પેક્ટર કરમચંદના કમાંડ નીચે હતી તે ક્યાં છે, તેમનું શું થયં છે, તેઓ જીવતા છે કે યુદ્ધબંદી (પ્રિઝનર્સ અૉફ વૉર) થયા છે, તેની કોઇને જાણ નહોતી. વાયરલેસ અૉપરેટરને તેમનો સંપર્ક સાધવાનું કહ્યું તો તેણે જણાવ્યું રાતના છ નંબરની ચોકી પડ્યા બાદ તેમના પર હુમલો થયો ત્યારે તેમના અૉપરેશનલ કમાંડર મેજર ચોપડાએ તેમને ચોકી ખાલી કરવાનો હુકમ આપ્યો. આ હુકમ યોગ્ય હતો કારણ કરમચંદની ચોકીની ત્રણ બાજુએ પાકિસ્તાનની સરહદ હતી - જે ચોકીથી સરેરાશ ૧૫૦ મીટર પર હતી. ચોકીની પાછળ તેજ ગતિથી વહેતો રાવિ નદીનો ફાંટો અને રાવિ નદી આ વહેળાની પાછળ ૫૦૦ મીટર દૂર વહેતી હતી. આમ આ ચોકી સાવ indefensible હતી. બટાલિયન હેડક્વાર્ટરના વાયરલેસ અૉપરેટરના કહેવા પ્રમાણે કરમચંદ તેમના જવાનોને લઇ પાછળ નીકળ્યા હતા, પણ તેમના વાયરલેસની બૅટરી પૂરી ડિસ્ચાર્જ થઇ ગઇ તેથી તેમની સાથે સંપર્ક રહ્યો નહિ. તેઓ અને તેમના ૧૬ જવાન ક્યાં હતા તેની કોઇને ખબર નહોતી. યુદ્ધના સમયમાં સંચાર-સમાચાર કેટલા અગત્યના હોય છે તેનો ખ્યાલ અત્યારે આપવો અશક્ય છે.
સબઇન્સ્પેક્ટર દર્શનસિંહ, તેમના જવાનો તથા પાંચ નંબરની ચોકી ખાલી કરી આવેલા જવાનો સાથે હું વાત કરી રહ્યો હતો ત્યાં અમારા સેક્ટરના કમાંડર લેફટેનન્ટ કર્નલ ગુરચરનસિંઘ ત્યાં આવી પહોંચ્યા. તેઓ સેક્ટર કમાંડર થયા ત્યારથી અત્યાર સુધી તેમનાં અમને દર્શન પણ નહોતા થયા તે ધુંઆંપુંઆ થતા મારી પાસે આવી પહોંચ્યા. તેમના આધિપત્ય નીચેની ત્રણે ચોકીઓ પાકિસ્તાનના હાથમાં ગઇ તે તેમની કારકિર્દીને કલંકરૂપ હતું. તેમની જવાબદારીના સેકટરમાં આવેલી બધી ચોકીઓ ત્રણ બાજુએથી પાકિસ્તાનની સીમાથી ઘેરાયેલી હતી અને પાછળ રાવિ નદીનો મોટો અવરોધ હતો. પહેલાં કહ્યું તેમ આ બધી ચોકીઓ indefensible હતી. આમ જોવા જઇએ તો જગતમાં કોઇ પણ સેનાની સુરક્ષાપંક્તિ અભેદ્ય નથી હોતી. પ્રથમ વિશ્વયુદ્ધમાં Trench Warfareના જમાનામાં જર્મનો ધારતા હતા કે તેમની રક્ષાપંક્તિને કોઇ છેદી જ ન શકે. બ્રિટને ટૅંક બનાવી અને જર્મન સેનાને જબરી શિકસ્ત આપી. બીજા વિશ્વયુદ્ધમાં ફ્રેન્ચ સેનાને પોતે બનાવેલી સિમેન્ટ-કૉંક્રીટના અભેદ્ય બંકરની મેજીનો લાઇન (Maginot Line) પણ ‘અજેય સંરક્ષણ પંક્તિ’ લાગી હતી પણ જનરલ રોમેલની જર્મન પાન્ઝર ડિવીઝને મેજીનો લાઇનના જમણા ફ્લૅંકને ‘બાય-પાસ’ કરી, બેલ્જીયમમાં પ્રવેશ કર્યો અને ફ્રાન્સ પર સીધો હુમલો કરી ફ્રેન્ચ સેનાને સજ્જડ હાર આપી હતી. અમારી પાસે ‘મૅજીનો લાઇન’ નહોતી. અમારી ચોકીનો ઉદ્દેશ એક માત્ર હતો: દુશ્મનને વધુમાં વધુ નુકસાન પહોંચાડવું. આ માટે અમારી રક્ષાપંક્તિની ચારે બાજુ ભારે માત્રામાં માઇન્સ લગાડવી, અને દુશ્મન હુમલો કરવા માટે લાઇનબંધ થાય, તે જગ્યા પર ભારે બૉમ્બાર્ડમેન્ટ કરી તેમના હુમલાને નષ્ટપ્રાય કરવો. આ થોડા સમયની લડાઇ થઇ. લાંબા ગાળાના સંરક્ષણ માટે નદી પારની BOPનો ઊપયોગ કરવો મુશ્કેલ હોય છે. જો કે આક્રમણ અને આગેકૂચ માટે આવી ચોકીઓને ‘Bridgehead’ બનાવી દુશ્મનના અંતરાલ સુધી હુમલો કરી શકાય. પરંતુ ભારતે કદી પરાયી ભુમિ પર કબજો કરવાનો કે આક્રમણમાં પહેલ કરવાનો સંકલ્પ કર્યો નથી, તેથી આ વ્યૂહરચનાને કદી અમલમાં આણી નથી. બીજી તરફ આપણી ચોકીઓના સંરક્ષણનો વિચાર કરીએ તો અમારી ચોકીઓની સામેનો વિસ્તાર સપાટ મેદાનનો હતો, જે દુશ્મનની ટૅંક્સ માટે સાનુકૂળ હતો. તેથી તેમની સામે થોડા સમય માટે ટક્કર ઝીલવા આપણી પાસે અૅન્ટી ટૅંક રૉકેટ લૉન્ચર કે રીકૉઇલલેસ રાઇફલ્સ હોવા જોઇએ. અમારી પાસે તેમાંનું કાંઇ નહોતું.
કર્નલ ગુરચરનસિઘ બીએસએફને ધિક્કારતા હતા. તેમને એટલો જ ખ્યાલ હતો કે અમારી BOPમાં તેમની રેજીમેન્ટના સૈનિકોને મૂકવા નહિ પડે. આથી દુશ્મને કરેલા હુમલામાં બીએસએફના અફસર અને જવાનો મરે તો ભલે મરે. તેમને તેનું સ્નાન કે સૂતક નહોતું. લડાઇ શરૂ થઇ તે પહેલાં તેમણે ફક્ત એક કે બે વાર ‘ફૉરવર્ડ પોઝીશનની’ મુલાકાત લીધી હતી, અને બ્રિગેડ કમાંડરને ‘બીએસએફની વ્યૂહરચના અને હથિયાર સંતોષકારક છે’ એવો રીપોર્ટ આપ્યો હતો.
સવારના લગભગ ૧૦ વાગવા આવ્યા હતા. મને જોઇ કર્નલ ગુરચરનસિંઘે મને હુકમ આપ્યો,”જો, બીએસએફમૅન, તારા જવાનોને લઇ પાંચ નંબરની ચોકી પર હુમલો કર. તેને કબજે કરીને મને રીપોર્ટ આપ.”
હું તે સમયે બટાલિયન હેડક્વાર્ટરમાં મારા પોતાના કમાંડીંગ અૉફિસરનો અૅજ્યુટન્ટ હતો, તેથી તેમના અૉપરેશનલ કમાન્ડ નીચે નહોતો. મારા કમાન્ડર શ્રી. ભુલ્લર હતા અને તેમનો જ હુકમ મારે લેવો જોઇએ. મેં કર્નલને નમ્રતાપૂર્વક કહ્યું, “સર, હું આ જવાનોનો કંપની કમાંડર નથી. હું બટાલીયનનો સ્ટાફ અૉફીસર છું અને અહીં મારા સીઓ વતી અમારા જવાનોની ખબર કાઢવા આવ્યો છું. આપનો હુકમ સ્વીકારતાં પહેલાં મારે મારા સીઓ પાસેથી ક્લીયરન્સ મેળવવું જોઇશે.”
આ સાંભળી કર્નલ સાહેબનો પિત્તો ગયો! “મારી સાથે આર્ગ્યુમેન્ટ ના કરીશ. આ લડાઇનો સમય છે, અને હું તારો ‘સમરી કોર્ટમાર્શ્યલ’ કરી શકું છું. તારા બીએસએફના જવાનોને લઇ પાંચ નંબરની ચોકી પર અૅટેક કરીને તારે પાછી મેળવવાની છે, અને તે પ્રમાણે મને રીપોર્ટ જોઇએ. અહીંથી રાવિ નદી પાર કરીને ચોકી પર અૅટૅક કર.”
પરિસ્થિતિ એવી હતી કે હું મારા સીઓનો સંપર્ક સાધી શકતો નહોતો, કારણ મારી પાસે વાયરલેસ સેટ નહોતો. હું તો કેવળ પહેરેલે કપડે, સાથે મારી અૉટોમેટીક પિસ્તોલ લઇને જવાનોને મળવા ગયો હતો. યુદ્ધ બરાબર જામ્યું હતું. સામા કિનારે આવેલી અમારી એક ચોકી પર પાકિસ્તાને કબજો કર્યો હતો. આજુબાજુના સરકંડાના જંગલમાં દુશ્મન ક્યાં સુધી પહોંચ્યો હતો, ક્યાં 'પોઝીશન' લઇને બેઠો હતો તેની કશી માહિતી અમારી પાસે નહોતી. હું એક ક્ષણ વિચારમાં પડી ગયો કે આ હાલતમાં મારે શું કરવું. આમ તો હું કર્નલનો હુકમ માનવા બંધાયેલો નહોતો, કારણ કે અૉપરેશનલ અૉર્ડર્સમાં ક્યો કંપની કમાન્ડર અને કઇ કંપની તેમના આધિપત્ય નીચે હતી તે સ્પષ્ટ રીતે લેખિતમાં જણાવવામાં આવ્યું હતું.

web counter
Hit counter provided by www.website-hit-counters.com .

Monday, May 18, 2009

૧૯૭૧ - 'પ્રીએમ્પ્ટીવ સ્ટ્રાઇક'

અમારી બટાલીયનની મોટા ભાગની ચોકીઓ આંતરરાષ્ટ્રીય સરહદથી કેવળ ૧૦૦થી ૨૦૦ મીટર દૂર હતી. અમારૂં બટાલીયન હેડક્વાર્ટર દુશ્મનની તોપોની રેન્જમાં હતું. તેથી'ચીફ'ની મીટીંગ બાદ અમારા COએ હેડક્વાર્ટરમાં રહેનાર પરિવારોને પોતપોતાના વતનમાં જવાની વ્યવસ્થા કરી આપી. અનુરાધા અને બાળકો અમદાવાદ ગયા.
મારૂં કામ હવે મારા કમાંડંટે આપેલ સૂચનાઓ અમલમાં મૂકવાનું હતું. દરરોજ એક પછી એક કંપનીની મુલાકાત લઇ અૉટોમેટીક હથિયારો હુકમ પ્રમાણે ગોઠવાયા છે કે નહિ અને દરેક જવાન પોતાની જવાબદારીનો ફાયરીંગ વિસ્તાર (arc of fire) સમજ્યો છે તે જોવાનું કામ મને આપ્યું હતું.
આ વખતે અમારી કંપનીઓના હેડક્વાર્ટરમાં ઇંડીયન અૅર ફોર્સની સિગ્નલ ડીટૅચમેન્ટસ્ આવી ગઇ હતી. પાકિસ્તાન તરફથી આવી રહેલ પાકિસ્તાન અૅર ફોર્સનું જેટ દેખાય તો તેના ઉડ્ડયનની દિશા જોઇ તેની પંજાબમાં આવેલ નજીકના ભારતીય વાયુ સેનાના બેઝને અૅડવાન્સ વૉર્નિંગ આપવા માટે ફક્ત એક બટન દબાવવાની જરૂર પડે તેવા ઉપકરણ સાથે અૅરમેન અમારી અૉબ્ઝર્વેશન પોસ્ટ પર બેઠા હતા.
ડીસેમ્બર ૫, ૧૯૭૧ ના રોજ સાંજે પાંચ વાગે અમારા પંજાબ ફ્રન્ટીયરના ઇન્સ્પેક્ટર જનરલ શ્રી. અશ્વીની કુમાર બૉર્ડર પરની પરિસ્થિતિની અંગત માહિતી મેળવવા અમારી બટાલિયનની મુલાકાત પર આવી રહ્યા હતા. શ્રી. સિંઘે તેમને ફૉક્સટ્રોટ કંપનીમાં લાવવાનું નક્કી કર્યું. ત્યાં જમીન પર સૅન્ડ મોડેલ બનાવી તેમાં આપણી સેના ક્યાં અને કેવી રીતે ફરજ બજાવી રહી છે, તથા આપણી સામે અત્યાર સુધીની માહિતી પ્રમાણે પાકિસ્તાની સેનાની સંભાવિત ટુકડીઓ કેવી રીતે તૈયાર બેઠી છે તેનું ‘બ્રીફીંગ’ કરવાનું છે. મેં તેની પૂરી તૈયારી કરી અને ૪થી ડીસેમ્બરની સાંજે પાંચ વાગે તેના રીહર્સલ માટે શ્રી. સિંઘને બોલાવ્યા.
મેં મારૂં ‘બ્રીફીંગ’ પૂરૂં કર્યું ન કર્યું, અમારી અૉબ્ઝર્વેશન પોસ્ટની છતથી કેવળ પંદરથી વીસ ફીટની ઉંચાઇ પરથી પાકિસ્તાનના ત્રણ જેટ ફાઇટર્સને ઉડીને અમૃતસરના રાજાસાંસી અૅરપોર્ટ તરફ જતા જોયા. પાકિસ્તાન અૅરફોર્સના વિમાનોના આકાર, 'સિલૂએટ' કેવા હોય છે, અને તે જોઇ ક્યા વિમાનો આપણા પ્રદેશમાં આવે છે તે ઓળખવાની અમને ટ્રેનીંગ આપવામાં આવી હતી. આપણા અૅરમેન સાબદા હતા. તેમણે વિમાનો જોઇ મને પૂછ્યું, “સર, આ પાકિસ્તાની જેટ હતા ને?” મેં ‘હા’ કહેતાં જ તેમણે 'અૅરસ્ટ્રાઇક વૉર્નીંગ'નું બટન દબાવી અમૃતસર, અંબાલા અને પઠાણકોટના અૅર બેઝને જાણ કરી. દુશ્મનનાં વિમાન આપણાં અૅર બેઝીસ પર પહોંચે ત્યાં સુધીમાં આપણા વિમાનો રન વે પર ‘સ્ક્રૅમ્બલ’ કરી દોડી રહ્યા હતા. થોડી જ વારમાં આ વિમાનોને પાછા પાકિસ્તાન તરફ ઉડતાં જોયા અને તેમનો પીછો કરી રહ્યા હતા આપણા સુખોઇ-૭ SU-7 -વિમાનો. (સુ-૭નું ચિત્ર જોવા 'સુખોઇ -૭ પર ક્લીક કરશો.)

પાકિસ્તાન તરફથી થયેલો આ બૉમ્બીંગ હુમલો (જેને preemptive strike કહેવાય છે) એ વાતનું દ્યોતક હતું કે તેમણે પશ્ચિમમાં મોરચો ખોલી દીધો હતો. પૂર્વ પાકિસ્તાનની સરહદ પર જમા થયેલી આપણી સેનાનો ઉદ્દેશ હવે છાનો નહોતો, પણ પાકિસ્તાનને ખાતરી હતી કે તેની ચીન તથા અમેરીકા સાથેની ગાઢ દોસ્તી અને તેમના સૈન્યના સામર્થ્યને જોતાં ભારત કદી પણ પાકિસ્તાન પર હુમલો નહિ કરી શકે. તેમના ડરથી આપણે પૂર્વ પાકિસ્તાન પર હુમલો કરવાનો વિચાર પણ ન કરીએ તેવા ખ્યાલથી પહેલાં તેમણે પૂરા પંજાબ પર, કાશ્મિરના આર.એસ. પુરા (રણબીરસિંઘ પુરા) અને રાજસ્થાનમાં હુમલો શરૂ કર્યો. આનું બીજું કારણ એ હતું કે તેમના મતે પશ્ચિમ ભારત પર હુમલો કરવાથી પૂર્વ પાકિસ્તાનની સીમા પર રહેલી આપણી સેનાને પાછી ખેંચી તેને પશ્ચિમ મોકલવી પડશે તેથી પૂર્વ પાકિસ્તાન પર તોળાતો ભય દૂર થઇ જશે.
સીઓ અને હું પાછા બટાલિયન હેડક્વાર્ટર ગયા. અમે બધી ચોકીઓને ખબર કરી કે યુદ્ધ શરૂ થયું છે અને તેમણે સાબદા રહેવું. તેમના પર ગમે ત્યારે હુમલો થઇ શકે છે.
રાતે દસ વાગે પાકિસ્તાની સેનાએ હુમલો શરૂ કર્યો. અમારા વાયરલેસ સેટ પર યુદ્ધના રીપોર્ટ રનીંગ કૉમેન્ટ્રીની જેમ આવી રહ્યા હતા. પહેલો હુમલો થયો એક સાથે અમારી પાંચ અગત્યની BOPs (બૉર્ડર આઉટપોસ્ટ) પર.
મારી જુની 'ચાર્લી' કંપનીની છ નંબરની ચોકીની જવાબદારી આર્મીના લેફ્ટેનન્ટ અને અમારા સબ ઇન્સ્પેક્ટર દર્શન સિંહ પાસે હતી. તેમના પર થયેલા પ્રથમ હુમલાનો તેમણે જડબે સલાક પ્રતિકાર કર્યો. પાકિસ્તાનીઓ પોતાના ૨૧ ઘાયલ અને મૃત્યુ પામેલા જવાનોને છોડી પાછા ફર્યા હતા. ત્યાર બાદ તેમણે ભારે તોપખાના (હેવી આર્ટીલરી)નું જબરજસ્ત બોમ્બાર્ડમેન્ટ કર્યુ અને ફરીથી હુમલો કર્યો. અમારો લાઇટ મશીનગનર ઘાયલ થઇ ઢળી પડ્યો ત્યારે દર્શનસિંહે અતુલનીય બહાદુરી બતાવી અને પોતે લાઇટ મશીનગન ચલાવતા રહ્યા. જ્યારે તેમનો દારુગોળો ખતમ થયો અને દુશ્મનના સૈનિકો ચોકી ફરતા બંધ પર ચઢવા લાગ્યા, બ્રિગેડ તરફથી તેમને ચોકી ખાલી કરવાનો હુકમ ગયો. આમ પણ નદી પારની ચોકીઓને indefensible સમજવામાં આવતી હતી. અમારૂં કામ હતું જ્યાં સુધી દુશ્મનને ખાળી શકાય, રોકવા અને તેમને બને એટલું નુકસાન પહોંચાડવું. અા કરવામાં અમારા અજાયબસિંઘ અને સંતોખ સિંઘ નામના જવાનો શહીદ થયા હતા અને સાત જવાનો તથા આર્મીના લેફ્ટેનન્ટ ઘવાયા હતા. બ્રિગેડના હુકમ પ્રમાણે જવાનો પોતાનાં મૃત સાથીઓને તથા ઘાયલ સૈનિકોને લઇ છુપા રસ્તેથી રાવિ નદીને પાર કરી સુરક્ષિત જગ્યા પર આવી ગયા. અમારી હોડી લાંગરવાનું સ્થાન દુશ્મનોએ હુમલો કરતાં પહેલાં કબજે કર્યું હતું.
આઠ નંબરની ‘બુર્જ’ નામની ચોકીના કમાંડર હતા અૅક્ટીંગ સબ-ઇન્સપેક્ટર મહેરસિંહ. તેમની ચોકીમાં ૨૧ જવાનો હતા. આ ચોકી આંતરરાષ્ટ્રીય સીમાથી લગભગ ૫૦૦ મીટર દૂર હતી. અહીં રાવિ નદી પાકિસ્તાનમાં વહેતી હતી તેથી દુશ્મનની દૃષ્ટીએ બુર્જ તથા તેની બાજુમાં આવેલ ફતેહપુર અતિ મહત્વની ચોકીઓ હતી. પાકિસ્તાનની સેના સહેલાઇથી રાવિ પાર કરીને પોતાની જ હદમાં “firm base” બનાવી ભારત પર મોટા પાયા પર હુમલો કરી શકે તેવી સ્થિતિમાં હતું. બે દિવસ બાદ તેમની યોજના અમારી જાણમાં આવી. જો તે સફળ થઇ હોત તો.....
પાકિસ્તાનની ૪૩ બલુચ રેજીમેન્ટની બે કંપનીઓ (૨૦૦ જવાનો- છ અફસરો)એ બુર્જની ચોકી પર હુમલો કર્યો. આપણા જવાનો સાબદા હતા. ચાર કલાક ચાલેલા યુદ્ધમાં મહેરસિંહને છાતીમાં ગોળી વાગી. તેઓ બેભાન થયા ત્યાં સુધી તેમણે લડાઇનું સંચાલન કર્યું અને વાયરલેસ પર પળ પળનો અહેવાલ આપતા રહ્યા. અતિશય લોહી વહેવાથી સબ ઇન્સ્પેક્ટર મહેરસિંહ મૃત્યુ પામ્યા. એક બંકર પર સીધો બૉમ્બ પડવાથી તેમનો એક લાન્સ નાયક શહીદ થયો અને પાંચ જવાનો ઘવાયા. પાકિસ્તાની સેનાના ત્રીજા હુમલામાં જ્યારે BOPની સંખ્યા ૧૪ પર આવી ત્યારે તેમને ચોકી છોડવાનો આદેશ આપવામાં આવ્યો. મહેરસિંહને તેમના જવાનો બાબા કહીને બોલાવતા. બાબાના તથા શહિદ લાન્સ નાયકના પાર્થિવ દેહને લઇ જવાનોએ ચોકી છોડી. પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે સરકંડા(elephant grass)ના જંગલમાં છુપાઇ રહેલા સ્થાનિક રાયસિખ ખેડુતોએ બીજા દિવસે સવારથી બપોરના ૧૧-૧૨ વાગ્યા સુધી ૪૦-૪૫ સ્ટ્રેચર્સ પાકિસ્તાન લઇ જવાતી જોઇ. આ દર્શાવે છે કે મહેરસિંહ જેવા મક્કમ હૃદયના કમાંડરના નેતૃત્વ હેઠળ જવાનો કેટલી બહાદુરીથી લડ્યા હતા.
બુર્જ ચોકી પડી અને દુશ્મને ફતેહપુર ચોકી પર હુમલો કર્યો. ૧૫ જવાનોની સંખ્યા ધરાવતી આ ચોકી વધુ ટકી શકી નહિ અને તેને ખાલી કરવાનો હુકમ અપાયો. બન્ને ચોકીઓ -બુર્જ તથા ફતેહપુરના જવાનોએ તેમના કંપની હેડક્વાર્ટરમાં જઇ ત્યાં મોરચો બાંધીને બેઠેલા ઇન્ફન્ટ્રીના કંપની કમાંડર મેજર શેરસિંહ પાસે પહોંચ્યા. અહીં તેમને નવી ખાઇઓ ખોદી સંરક્ષણ પંક્તિ સ્થાપવાનું કહેવામાં આવ્યું.
આ હતા અમારી D (ડેલ્ટા) કંપનીના જવાનો.
search engine optimization companies

Thursday, May 14, 2009

૧૯૭૧ - સૅમ બહાદુર



૧૯૭૧નો નવેમ્બર મહિનો હતો. સવારની ગુલાબી ઠંડીમાં અમારા કૅમ્પસના ગુલાબની ક્યારીઓમાંથી ચારે તરફ સુગંધ પમરાઇ રહી હતી. અમે દોડીને હૉલ તરફ ગયા. ત્યાં પહોંચીને જોયું તો હૉલની બહાર જનરલ માણેકશૉ ઊભા હતા અને તેમની પાછળ ઝંખવાણા ચહેરા લઇને કોર કમાંડર લેફ્ટનન્ટ જનરલ રૉલી, મેજર જનરલ ભટ્ટાચાર્જી અને બ્રિગેડીયર નરિંદર સિંઘ ખડા હતા. શ્રી. ભુલ્લરને જોઇ જનરલ માણેકશૉ એક ડગલું આગળ વધ્યા અને હાથ લંબાવીને કહ્યું, “I am Sam. હું ઘણો દિલગીર છું કે તમને આ મીટીંગમાં હાજર રહેવા માટે અગાઉથી આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.” ત્યાર પછી તેમણે મારી સાથે હાથ મિલાવ્યો અને સીઓ સાહેબને અમારા કૅમ્પસને આટલું સુંદર અને પ્રેક્ષણીય બનાવવા માટે અભિનંદન આપ્યા. અમે મીટીંગ હૉલમાં ગયા અને ત્યાર બાદ ચીફ અને અન્ય જનરલો અંદર આવ્યા.
જનરલ માણેકશૉએ મીટીંગ શરૂ કરી. તેમણે હાજર રહેલા ૧૦૦એક જેટલા અફસરો તરફ અને છેલ્લે મારા સીઓ તરફ જોઇ તેમણે ભારપૂર્વક કહ્યું,” ભારતીય સેનાની સાથે બીએસએફ પણ દેશની first line of defence છે, જે સૌએ યાદ રાખવાનું છે!”
ત્યાર બાદ મીટીંગમાં જનરલ માણેકશાએ જે વાતો કહી તેનો એક જુદો લેખ જ લખી શકાય. (‘જીપ્સી’એ અખંડ આનંદ માટે આ વિશે લેખ લખ્યો હતો જે આ પુસ્તકના પરિશીષ્ટમાં પુનર્મુદ્રીત કર્યો છે.) ટૂંકમાં સૅમ બહાદુરે કહ્યું:
“માર્ચ મહિનામાં મૅડમ પ્રાઇમ મિનીસ્ટરે મને કૅબીનેટની સમક્ષ બોલાવીને હુકમ આપ્યો કે મારે પૂર્વ પાકિસ્તાન પર તાત્કાલિક રીતે આક્રમણ કરવું. મેં તેમને સ્પષ્ટ જણાવ્યું કે આક્રમણ કરવા માટે આ સમય યોગ્ય નથી. પૂર્વ પાકિસ્તાન નદીઓ અને અસંખ્ય નાની નદીઓનો પ્રદેશ છે. ત્યાંના વ્યુહાત્મક દૃષ્ટીએ મહત્વના ગણાય તેવા સ્થાન અને ઢાકા સુધી પહોંચવાઢાકા સુધી પહોંચવા માટે આ નદી-નાળાને પાર કરવા અૅમ્ફીબીયન ટૅંક્સ તથા પુલ બાંધવા માટે જેટલા પ્રમાણમાં સામગ્રી જોઇએ તે આપણી પાસે નથી. અત્યારે હિમાલયના ઘાટ ખુલ્લા હોવાથી પાકિસ્તાનની મદદે ચીનનું તિબેટમાં હાજર રહેલું સૈન્ય તરત ઉતરી શકશે. તેથી માર્ચમાં હુમલો કરીશું તો આપણે ત્રણ મોરચા પર યુદ્ધ માટે તૈયારી કરવી જોઇશે.
“મારો જવાબ કૅબીનેટને ગમ્યો નહિ, પણ આપણા વડાપ્રધાન સમંજસ અને દીર્ઘદૃષ્ટી ધરાવનાર મહિલા છે. તેમણે મને જોઇતા શસ્ત્ર સરંજામનું લિસ્ટ અાપવાનું કહ્યું, અને યુદ્ધ માટે આપણે ક્યારે તૈયાર થઇ શકીશું તે પૂછ્યું. મેં તેમને સમય જણાવ્યો અને જીત મેળવવા માટે જે કાંઇ જોઇએ તેનું લિસ્ટ આપ્યું.
“જેન્ટલમન, મૅડમ પ્રાઇમ મિનીસ્ટરે સેનાને જોઇએ તેના કરતાં વધુ શસ્ત્રો અને સરંજામ આપ્યાં છે. જેટલો સમય માગ્યો હતો એટલો સમય પણ આપ્યો. આ સમય દરમિયાન તમને પૂરી ટ્રેનીંગ પણ મળી છે. હવે યુદ્ધ શરૂ થાય છે. આપણી પાસે હવે વિજય પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઇ પર્યાય નથી.
“બીજી વાત. પાકિસ્તાનની ભુમિમાં તમે વિજયી થઇને જશો ત્યારે તમારી સામે અનેક પ્રલોભનો ઉભા રહેશે. સુંદર સ્ત્રીઓ વિજેતાઓ પાસે આવશે. યાદ રહે, તમે ભારતના સૈનિકો છો, લૂંટારા નહિ. સ્ત્રીઓ કે અન્ય પ્રલોભનો તમારી સામે આવે તો હાથ ખિસામાં મૂકી પાછા વળીને જશો. Hands in your pocket, and turn back. ભારતમાં તમારી પ્રિયતમા, તમારી પત્નિ તમારા માટે વિજયમાળા લઇને તમારૂં સ્વાગત કરવા તત્પર થઇ તમારી રાહ જોતી હશે. તમારા ચીફ તરીકે તમને ગૅરન્ટી આપું છું કે સમગ્ર વિશ્વમાં ભારતની સ્ત્રીઓ કરતાં વધુ સૌંદર્યવાન મહિલાઓ જોવા નહિ મળે. હવે આગલા હુકમની રાહ જોશો અને વિજયી થજો. આખું રાષ્ટ્ર તમારી તરફ મીટ માંડી રહ્યું છે. Good luck, and good bye,” કહી સૅમ બહાદુર બહાર નીકળી ગયા.
જતાં પહેલાં સૅમબહાદુરે રક્ષાપંક્તિનું માળખું બદલ્યું. મિલીટરીના યુનિટ્સ જે ધુસ્સી બંધની પાછળ દસથી પંદર કિલોમીટર દૂર મોરચા ખોદીને બેઠા હતા, તેમને આગળ જવાનો હુકમ કર્યો અને ધુસ્સી બંધની નજીક -૨૦૦ મીટર પર મોરચાબંધી કરવાનો હુકમ કર્યો.
‘ચીફ’ સાથેની મીટીંગ બાદ અમે થોડો સમય વિચારમાં પડી ગયા કે અચાનક અમને શા માટે બોલાવવામાં આવ્યા હતા. આનું નિરાકરણ બીજા દિવસે થયું.
અમારા કૅમ્પસમાં પ્રવેશ કરતાં જ અમારા COએ તૈયાર કરાવેલ સુંદર ઉદ્યાન, ગુલાબના ઝુંડ અને રમણીય પૉપ્લરનાં વૃક્ષો જોઇ સૅમ બહાદુરે પૂછ્યું, “આ કયું યુનીટ છે?”
જનરલ રૉલીએ કહ્યું, “ આ બીએસએફ બટાલિયનનું હેડક્વાર્ટર છે.”
જનરલ માણેકશાએ કહ્યું, “યુનિટના કમાંડીંગ અૉફીસરને બોલાવો. આટલું સુંદર હેડક્વાર્ટર ભાગ્યે જ જોવા મળે છે. આ સીઓની સૌંદર્ય દૃષ્ટી માટે મારે તેને compliments આપવા છે.”
શ્રી. સિંઘના આમંત્રણથી જનરલ રૉલી અમારા વિસ્તારમાં શિકાર માટે આવતા અને તેમને પ્રથમ નામથી બોલાવતા. તેમણે બ્રિગેડીયર નરિંદરસિંઘને કહ્યું, “નરિંદર, અંદર જઇ પાલી ભુલ્લરને બોલાવો.” ગુરઇકબાલસિંઘનું આ હુલામણું નામ હતું.
“સર, માફ કરજો, મને લાગ્યું આ મીટીંગ કેવળ આર્મી અફસરોની છે તેથી અમે ભુલ્લર અને તેના અફસરોને નથી બોલાવ્યા.”
સૅમ બહાદુરને ખબર હતી કે બધી બીએસએફ બટાલિયનોને આર્મીના અૉપરેશનલ કમાંડ અને કંટ્રોલ નીચે મૂકવામાં આવી હતી. બ્રિગેડીયર સાહેબની વાત સાંભળી તેઓ નારાજ થઇ ગયા. “તમારા સહકારી સૈન્ય પ્રત્યે આવો ભેદભાવ રાખીને તમે યુદ્ધ જીતવાની અપેક્ષા કેવી રીતે કરી શકો છો? જાવ, આ યુનિટના બધા અફસરોને બોલાવો. BSFના અફસરો આવે ત્યાં સુધી આપણે બહાર રહીશું.” અને ખરે જ, આ મહાન સૈનિક અમારી રાહ જોઇને મિટીંગ હૉલની બહાર ઉભા રહ્યા.
આ વાત અમને મીટીંગ પતી ગયા બાદ બ્રિગેડીયર નરિંદરસિંઘે પોતે કહી હતી.

search engine optimization companies

Tuesday, May 12, 2009

૧૯૭૧ - યુદ્ધનાં એંધાણ....


આગળનું વૃત્તાંત કહું તે પહેલાં આંતરરાષ્ટ્રીય સીમા તથા ત્યાં આપણી ચોકીઓના deploymentનું રેખાચિત્ર આપ્યું છે. ગયા અંકમાં આપેલું વર્ણન આપે વાંચ્યું હશે, તેના સંદર્ભમાં આપણી સીમાનો અંાશીક ખ્યાલ આપને આવશે.

બટાલિયનના મુખ્ય મથકમાં થોડા દિવસ રહ્યા બાદ મારી બદલી ચાર્લી કંપનીમાં થઇ. મારી જવાબદારીની ચોકીઓ રાવિ નદીને પાર હતી, જ્યારે કંપની હેડક્વાર્ટર ધુસ્સી બંધની પાછળ હતું. અમારી દરેક ચોકી (બોર્ડર આઉટપોસ્ટ- BOP)માં ઉંચો માંચડો બનાવીને તેમાં દુરબીન સાથે અમારો નિરીક્ષક ઓ.પી. (અૉબ્ઝર્વેશન પોસ્ટ) રહીને બાઉન્ડરી પિલરના વિસ્તારમાં અને અમારી સામે આવેલી પાકિસ્તાનની ચોકીઓમાં કોઇ હિલચાલ થાય તો તેના પર નજર રાખે. એક દિવસ મારી છ નંબરની ચોકીના OPએ સમાચાર આપ્યા કે સામેની પાકિસ્તાની ચોકીમાં અચાનક ત્રીસેક જેટલા “સિવિલિયન” રહેવા આવ્યા છે. સફેદ કુર્તા તથા નીલા કે સફેદ તહેમત (પંજાબી સ્ટાઇલની લુંગી)માં ફરતા આ સિવિલિયનો અમારી સામેના રેન્જર્સની ટ્રેન્ચમાં આખો દિવસ બેસતા અને સાંજના સમયે બહાર નીકળતા. આ રીતે અન્ય BOPમાં પણ હિલચાલ જોવા મળી. આ સમાચાર અમે મિલીટરીને તથા અન્ય સુરક્ષા એજન્સીને આપ્યા. તેમણે આ બાબતમાં પૂરી તપાસ કરતાં જણાયું કે આ બધા પાકિસ્તાની સૈન્યની બલુચ તથા પંજાબ રેજીમેન્ટના સૈનિકો હતા. આમ થોડા જ દિવસોમાં પંજાબની આખી સરહદ પર દુશ્મનની પ્રવૃત્તિ વધી ગઇ અને એવું જાણવામાં આવ્યું કે અમારી બટાલિયન સેક્ટરના વિસ્તારમાં પાકિસ્તાનની એક બ્રિગેડ મૂકવામાં આવી હતી.
એક સાંજે અમારા જવાન છ નંબરની ચોકીના ‘પત્તન’ પાસે નૌકા લાંગરતા હતા ત્યાં તેમને અમારી સામે આવેલી દુશ્મનની ચોકીના દસે’ક જવાનોને પત્તનની આસપાસ આવેલ જગ્યા તપાસતા જોવામાં આવ્યા. અમારા જવાનોએ તેમને પડકારતાં તેઓ જંગલમાં નાસી ગયા. ચોકીના જવાનોએ તેમનો પીછો કર્યો, પણ તે જગ્યાએથી આંતરરાષ્ટ્રીય સીમા કેવળ ૨૦૦ મીટર હતી તેથી દુશ્મન નાસી જવામાં સફળ રહ્યા. અમે પત્તનની ઘનીષ્ટ તપાસ કરી ત્યારે જણાયું કે તેમનો ઇરાદો ‘પાક’ નહોતો. યુદ્ધશાસ્ત્રની દૃષ્ટીએ આનું એક જ નિરાકરણ હતું.
યુદ્ધમાં સફળતા પ્રાપ્ત કરવા કેટલીક જગ્યાઓ સામરિક દૃષ્ટીએ અત્યંત સંવેદનશીલ -strategically sensitive હોય છે. આવાં સ્થાન કબજે કરી, તેનું ‘firm base’ બનાવવામાં આવે છે, જ્યાં હુમલો કરનાર તોપખાના- ટૅંક્સ સમેત મુખ્ય સેના નિર્ણાયત્મક હુમલો કરી મોટાં લક્ષ્ય પર વિજય પ્રાપ્ત કરી શકે છે. આના માટે હુમલો કરનાર સૈન્યના સેનાપતિ એક અનુભવી અફસરની આગેવાની નીચે તોપખાના, રિસાલા તથા ઇન્ફન્ટ્રીના પ્રતિનિધીઓની ટુકડી બનાવી આવા સંવેદનશીલ સ્થળોની પૂરી માહિતી મેળવવા મોકલતા હોય છે. આ ટુકડીને Recce Patrol (Reconnoissance Patrol) કહેવાય છે. જરૂર પડે તો તેમને હાથોહાથની લડાઇ પણ કરવી પડતી હોઇ તેમને aggressive recce patrol પણ કહેવાય છે. અમાર વિસ્તારમાં આવી જ ‘reconnoissance patrol’ આવી હતી. પાકિસ્તાની સેનાની આવી ટુકડી અમારી બટાલિયનની બુર્જ-ફતેહપુરની ચોકીઓ તરફ પણ જોવામાં આવી. તે વખતે અાપણી સેનાને દુશ્મનના ઇરાદાનો પૂર્ણ ખ્યાલ નહોતો આવ્યો. અમને એક વાત તો જરૂર જણાઇ કે રાવિ નદી સુધી આવેલી દુશ્મનની ટુકડીનો આશય અમારી ચોકીઓ પર હુમલો કરવાનો હતો.પાકિસ્તાન તરફથી થનારા આક્રમણની આ પૂર્વ તૈયારી હતી.
પાકિસ્તાનની ગતિવિધી જોતાં આપણા સેનાપતિ જનરલ સૅમ માણેકશૉએ સંરક્ષણાત્મક પગલાં ભરવાનો નિર્ણય લીધો. અમારા સેકટરમાં ત્રણ બ્રિગેડ્ઝ આવી અને તેમણે ધુસ્સી બંધની પાછળ મોરચા બાંધ્યા. અમારી બટાલિયન લગભગ ૨૦ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી હતી તેથી અમારી કંપનીઓ આ ત્રણ બ્રિગેડઝમાં વહેંચાઇ. મારી કંપની ૫૮મી બ્રિગેડમાં આવી. મારી છ નંબરની ચોકીની સામે પાકિસ્તાનના સૈનિકોની મોટી સંખ્યા જોતાં બ્રિગેડ કમાંડરે ત્યાં ઇન્ફન્ટ્રી મૂકી, અને મને બટાલિયન હેડક્વાર્ટરમાં અૅજુટન્ટના પદ પર બોલાવવામાં આવ્યો. હું મુખ્ય મથક પર મોડી રાતે પહોંચ્યો. બીજા દિવસે વહેલી સવારે મારી અૉફિસમાં ગયો. થોડી વારે અમારા સી.ઓ. આવ્યા.
“નરેન્દર, આજે દસ વાગે આપણા હેડક્વાર્ટરમાં દુશ્મનની સામે મોરચો બાંધી રહેલી બ્રિગેડ્ઝના બધા અૉફિસરોની મીટીંગ છે. આપણા આર્મી ચીફ જનરલ માણેકશૉ તેમને સંબોધવાના છે. સુબેદાર મેજર માનસિંહે એક બૅરૅક ખાલી કરી છે અને ત્યાં ખુરશીઓ ગોઠવવાના છે. કહેતાં દુ:ખ થાય છે કે આ મીટીંગમાં બીએસએફના અફસરોને બોલાવવામાં નથી આવ્યા. તમે જાતે જઇને જોઇ લેજો કે ત્યાં ‘ટૉપ ક્લાસ’ વ્યવસ્થા થઇ છે.”
મેં તપાસ કરી અને જોયું કે માનસિંહે સરસ વ્યવસ્થા કરી હતી. ચીફ (ચીફ અૉફ આર્મી સ્ટાફ માટેનું આ સર્વમાન્ય સંબોધન છે) આવે તે પહેલાં શ્રી.સિંઘ, અમારા સેકન્ડ-ઇન કમાન્ડ શ્રી. યાદવ અને હું અૉફીસર્સ મેસમાં ગયા. થોડી વારે અમારા ગાર્ડ કમાંડરનો સિનિયર અફસરોને આપવામાં આવતી હથિયારબંધ સલામી આપવાનો ગર્જના સમો હુકમ સાંભળ્યો. ચીફ અમારા કૅમ્પસમાં આવી ચૂક્યા હતા. સીઓ થોડા ગમગીન હતા. અમારી બટાલીયનના હેડકવ્ાર્ટરમાં દેશના સરસેનાપતિ આવ્યા હતા અને તેમની સભામાંથી અમને બાકાત રાખવામાં આવ્યા હતા! મેસનો ‘આબદાર’ અમારા માટે ચ્હા લાવે તે પહેલાં અમે બ્રિગેડ મેજરને દોડીને મેસ તરફ આવતા જોયા. હાંફતા શ્વાસે તેમણે સીઓને કહ્યું, “સર, ચીફે તમને અને તમારા અફસરોને બોલાવ્યા છે. મીટીંગ હૉલની બહાર તેઓ તમારી રાહ જોઇ રહ્યા છે.”

website hit counter design
Hit counter provided by hit counter website.

Monday, May 11, 2009

૧૯૭૧ - નવા મોરચા તરફ પ્રયાણ

અમે અમૃતસર સ્ટેશન પર મોડી સાંજે પહોંચ્યા. અમને લેવા એક સબ ઇન્સપેક્ટર આવ્યા હતા. સ્ટેશનથી અમારૂં યુનીટ ત્રીસે’ક કિલોમીટર હતું. રાતના અંધારામાં અમારા ટ્રકની હેડલાઇટના પ્રકાશમાં રસ્તાના કિનારા પર ભારતીય સેનાની ટૅક્ટીકલ સાઇન નજરે પડી જે દર્શાવતી હતી કે ત્યાં આર્ટીલરી, ઇન્ફન્ટ્રી વિગેરેની છાવણીઓ હતી. કેટલીક જગ્યાએ તો ટૅંક્સ ચાલવાનો અવાજ પણ સંભળાતો હતો. મને તરત ખ્યાલ આવ્યો કે પરિવારને ઉતાવળે બૉર્ડર પર લઇ જવામાં મેં ભુલ કરી હતી.
પંજાબ-પાકિસ્તાનની સીમા રસપ્રદ છે. અહીં અમારા ક્ષેત્રનું થોડું વર્ણન કરીશ. આગળ જતાં મારી વાતોમાં તેનો ઉલ્લેખ થશે તો અહીં અપાયેલા વર્ણનથી તેનો સંદર્ભ જળવાઇ રહેશે.
અમારી બટાલિયનના પૂરા વિસ્તારમાં રાવિ નદી વહે છે. બટાલીયનની લગભગ બધી ચોકીઓ રાવિ નદીને પાર અાવી હતી. અમારી જવાબદારીના વિસ્તારમાં આવેલી આંતરરાષ્ટ્રીય સીમાની હદને દરેક કંપની વચ્ચે વહેંચવામાં આવી હતી અને કંપનીઓએ તેની જવાબદારી પ્લૅટુનોમાં વહેંચી હતી. પંજાબની સરહદ સમતળ ભુમિ પર હોવાથી કેટલીક જગ્યાએ તો સરહદ દર્શક થાંભલા સુધી લોકો ખેતી કરી શકે છે. થાંભલાની આ પાર આપણાં ખેતર અને પેલી પાર પાકિસ્તાનના. મોટા ભાગની સરહદ પર સરકંડા (elephant grass)ના ગીચ જંગલ છે, જે કાપી, તેમાં ચોકીઓ સુધી જવા પગદંડીઓ બનાવવામાં આવી હતી. પગદંડીની બન્ને બાજુ સાત-આઠ ફીટ ઉંચા ઘાસના જંગલ છે, જ્યાં અનેક હરણ (swamp deer જેને પંજાબીમાં “પાડા” કહે છે) જંગલી ડુક્કર, શિયાળ, સસલાં, લાલ અને કાળા તેતરના ઝુંડ જોવા મળે. લાલ તેતર જ્યારે સાદ પાડે ત્યારે બાળક ખિલખીલાટ કરી હસતું હોય તેવું ભાસે. કાળા તેતર દેખાવમાં પણ સુંદર અને તેના સાદમાં “સુભાન તેરી કુદરત” જેવા શબ્દો સંભળાય!
પંજાબ સપાટ મેદાનનો પ્રદેશ હોવાથી અહીંની સરહદ સહેલાઇથી પાર કરી શકાય. શરુઅાતમાં પાકિસ્તાનીઓ સોનાની દાણચોરી કરતા અને ભારતમાંથી ચાંદી લઇ જતા. ત્યાર બાદ ISIએ ઘૃણાસ્પદ પ્રવૃત્તિ આચરી. ભારતની સેના અને અર્ધ-લશ્કરી દળોમાં પંજાબની લડાયક પ્રજાની સંખ્યા સૌથી વધુ છે. ખેતીવાડી તથા નાના પાયાના ઊદ્યોગોની સફળતાને કારણે પંજાબ સમૃદ્ધ રાજ્ય છે. પંજાબીઓ - અને ખાસ કરીને સિખ ખેડુતો વધારાની આવક મોજ શોખમાં વાપરે. લગ્ન પ્રસંગ, ઉત્સવ કે પારિવારીક પ્રસંગોમાં નશા માટે દારૂનો ઉપયોગ થતો. ISIએ અફઘાનિસ્તાનમાંથી મોટા પાયા પર અફીણ તથા બ્રાઉન શ્યુગર લાવી તેને પંજાબમાં ધકેલવાનું શરૂ કર્યું. તેમનો ઉદ્દેશ હતો પંજાબની પ્રજાને આવા કેફી દ્રવ્યોની લતમાં ચડાવી તેમની શક્તિનું હનન કરી ભારતની સેનાની લડાયક શક્તિને નષ્ટ કરવી. આ કારણે તેઓ અમારા વિસ્તારમાં આવેલી બટાલિયનોની હદમાંથી અફીણની મોટા પાયા પર દાણચોરી કરવાનો પ્રયત્ન કરતા હતા. સોના કરતાં અફીણની દાણચોરીમાં વધુ પૈસા મળતા હોવાથી અફીણને અહીં ‘કાળું સોનું’ કહેવામાં આવતું. અમારૂં મુખ્ય કામ દાણચોરી રોકવાનું હતું અને દાણચોરોની સાથે ઘુસી આવતા જાસુસોને પકડી દેશની અૅન્ટી-એસ્પાયોનેજ એજન્સીઓને હવાલે કરવાની હતી. આ માટે અમે દરરોજ રાત્રે નદીના કિનારે અથવા બાઉન્ડરી પિલરની આસપાસ નાકાબંધી (ambush) કરીએ અને સતત પેટ્રોલીંગ કરી તેમને રોકવાનો પ્રયત્ન કરતા. દાણચોરોની ટોળીમાં એક માણસ સ્થાનિક જગ્યાનો ભોમિયો હોય, એક કે બે હથિયારબંધ રક્ષક અને દસ-બાર માલ ઉંચકનારા મજુર (જેમને પંજાબીમાં ‘પાંડી’ અને અંગ્રેજીમાં ‘mules’ કહેવાય છે) દાણચોરીનો માલ લાવતા અને લઇ જતા. ભારત વીરોધી આ પ્રવૃત્તિ શિયાળામાં ટોચ પર આવે, ઉનાળામાં સહેજ ઓછી થાય અને ચોમાસામાં લગભગ બંધ થતી.
ચોમાસામાં રાવિ નદી હંમેશા પોતાનું વહેણ બદલતી રહે છે. ભારત-પાકિસ્તાનની સીમા પર વહેતી આ નદીનાં વહેણ ક્યારેક ભારતમાં તો ક્યારેક પાકિસ્તાનની ભુમિમાં દૂર સુધી ધસી જતા હતા. અચાનક આવતા પૂરને કારણે રાવિના કિનારા પર આવેલા ગામનાં ગામ વહી જતા હતા અને અસંખ્ય માણસો અને પશુઓની જાનહાનિ થવા ઉપરાંત ઉભા પાકની બરબાદીથી ખેડુતો પાયમાલ થઇ જતા હતા. પ્રજાને પૂરના કેરમાંથી બચાવવા પંજાબ સરકારે ગુરદાસપુરથી અમૃતસર જીલ્લામાં વહેતી રાવિના કિનારા પર લગભગ પચાસ કિલોમીટર લાંબો અને વીસે’ક ફીટ ઉંચો બંધ બાંધ્યો છે. આને ધુસ્સી બંધ કહેવાય છે. દેશના સંરક્ષણની દૃષ્ટીએ આ મહત્વની રક્ષા પંક્તિ ગણાય છે. અહીં મોટા ભાગની આપણી ચોકીઓ રાવિ નદીને પાર છે. લડાઇ દરમિયાન નદી પાર આવેલી આ ચોકીઓનું સંરક્ષણ અત્યંત મુશ્કેલ હોય છે, કારણ કે તેમની ત્રણ બાજુએ - ૧૦૦થી માંડી ૫૦૦ મીટરના અંતર પર પાકિસ્તાન છે, અને પાછળ રાવિનાં ધસમસતાં જળ. ચોમાસામાં આવતા પૂરને કારણે દર ત્રણ ચાર વર્ષે રાવિનું વહેણ બદલાતું રહે છે. પરિણામે એક તો અનેક સીમા દર્શક થાંભલા વહી જતા હોય છે અને બીજું, જે વહેણ આપણી કેટલીક ચોકીઓને પાર હતું, તે બદલાઇને ચોકીની પાછળ વહેતું થઇ જાય છે. મારી બદલી આ વિસ્તારમાં થઇ ત્યારે મોટા ભાગની ચોકીઓ રાવિ નદીના વહેણની પેલે પાર હતી. આ જાણે ઓછું હોય, સીમાનું રેખાંકન એવી રીતે થયું હતું કે એક ચોકી પરથી બીજી ચોકી પર જવું હોય તો સીધું અંતર - as a crow files - ફક્ત ૪૦૦ થી ૬૦૦ મીટર હોય, પણ વચ્ચે પાકિસ્તાનની સીમા આવી જાય, તેથી અમારે પહેલી ચોકીની મુલાકાત લીધા બાદ પાછા ફરી રાવિ પાર કરવી પડે અને ચાર-પાંચ કિલોમીટર ચાલીને બીજી ચોકીના ‘પત્તન’ પર જઇ, હોડીમાં નદી પાર કરીને રાવિ પારના કિનારાથી એકાદ-બે કિલોમીટર ચાલીને ચોકી પર પહોંચાય. એક અઠવાડિયામાં મારે ત્રણે ચોકીઓની મુલાકાત લેવી પડે.
પંજાબમાં આવેલી આપણી ચોકીઓ પર હુમલો કરવા પાકિસ્તાનની ટૅંક્સ અને સૈનિક-વાહક વાહનોને હુમલો કરવા કેવળ ૧૦૦ થી ૨૦૦ મીટરનું અંતર કાપવું પડે. પરંતુ લાગે છે એટલું આ કામ સહેલું નથી: દુશ્મનને અાપણી ચોકી સુધી પહોંચવામાં ભૌતિક અવરોધ ભલે ન હોય, પણ તેમને રોકવા ત્યાં બેઠા છે આપણા બહાદુર બીએસએફના સૈનિકો, જેઓ જાનની પરવા કર્યા વગર દેશની સરહદ સંભાળીને બેઠા છે.
ડેરા બાબા નાનકથી અાપણા વિસ્તારમાં આવતી રાવિ નદીનો પટ ૨૦૦ થી ૩૦૦ મીટર પહોળો છે. નદીમાં કેટલીક જગ્યાએ છાતી સમાણાં પાણી છે. બાકીના એટલા ઉંડા, કે પાર જવા હોડી જોઇએ. બન્ને કિનારે હોડી લાંગરવા માટે જે જગ્યા તૈયાર કરવામાં આવે છે તેને પંજાબમાં ‘પત્તન’ કહે છે.
આવી રોમાંચક જગ્યાએ મારૂં પોસ્ટીંગ થયું હતું!

Supported by top website hosting plattform.

Saturday, May 9, 2009

૧૯૭૧ - યુદ્ધ પૂર્વની સંધ્યા અને નવા મોરચા...

ક્ચછના મોટા રણમાં વિતાવેલ વર્ષ ઘણી દૃષ્ટીએ યાદગાર રહ્યું. અહીં જોયા અમે જંગલી ગધેડાં. કલાકના ૪૦ કિલોમીટરની ગતિથી દોડતાં આ પ્રાણી બાવળનાં પાંદડા ખાઇને જીવે. પણ પાણી ક્યાંથી મેળવતા હશે? શિયાળામાં હજારોની સંખ્યામાં સુરખાબ (ફ્લેમિંગોઝ) રણમાં આવી ચઢે છે અને ખારા પાટમાં આખા વર્ષની ગરમીમાં નજરે ન ચઢનારા નાનકડા કરચલા અને જિંગા એક જ વરસાદમાં જાદુઇ રીતે જીવિત થઇને તેમનું ખાદ્ય બનવા તૈયાર થાય છે! રશિયાના સૌંદર્યવાન કુંજ પક્ષી (ડેમોઝેલ ક્રેન) અહીં જ શા માટે આવે છે? ‘ગ્રેટ ઇંડીયન બસ્ટર્ડ’ તથા હરણાંઓના ઝુંડને રણમાં જેટલી સુરક્ષીતતા જણાય છે, એટલી અન્ય સ્થળે ભાગ્યે જ જણાતી હોય છે. અને રાતના સમયે રણમાં જુદી જુદી દિશામાં અચાનક ત્રણ-ચાર દીપક કેવી રીતે પ્રગટે છે? અને તેમને તેજ ગતિથી જમીનને સમાંતર કોણ ઉડાવે છે?
અહીંની રાત્રીઓ ગહન અને દિવસ રોમાંચક છે. દરેક દિવસ જુદા જ સ્વરૂપે પ્રકાશે છે એવી ભાવનાથી અમે અમારો રણમાં સમય વ્યતિત કર્યો. મારા સૈનિકોની વાત કરૂં તો સૈન્યમાં પ્રવર્તતી કહેવત સાચી નીકળી: There are good officers and bad officers, but never a bad soldier. મારા જવાનો જગતના સર્વશ્રેષ્ઠ સૈનિકો હતા. બળબળતા રણમાં ઊંટ પર માઇલોના માઇલો પેટ્રોલિંગ ડ્યુટી કરવામાં તેમણે કદી પાછી પાની ન કરી. રણમાં અમારા માટે આવતા ખારા પાણીમાં સ્નાન કરવાથી શરીર પર સફેદ થર જામી જતો, તેનો તેમણે વિના વીરોધ સ્વીકાર કર્યો. કેટલાક જવાનોનાં ગામ રાઘાજીના નેસડાથી કેવળ ૫૦ કિલોમીટર દૂર રાજસ્થાનમાં હતા. રજાઓ પર પ્રતિબંધ આવ્યો ત્યારે તેમાંના કેટલાક નવપરિણીતો પોતાની પત્નિને મળવા જઇ શકતા નહોતા, પણ ડ્યુટીમાં તેમણે કદી કંટાળો કે નારાજી ન દર્શાવી. તેમનો કંપની કમાંડર પણ તેમની સાથે જ એકલતા અનુભવી રહ્યો હતો જેનો તેમને અહેસાસ હતો. એક બીજાના દુ:ખમાં અને સુખમાં અમે સાથી હતા અને આ સંબંધ તેમણે બરાબર નિભાવ્યો. મારી બટાલિયનમાં ‘ફૉક્સટ્રૉટ’ કંપની બધી વાતે ઉત્તમ હતી.
સેકન્ડ બટાલિયન બીએસએફમાં મને ત્રણ વર્ષ થયા હતા. ગમે ત્યારે મારી બદલીનો હુકમ આવવાનો હતો. હું પણ તૈયાર હતો.
કુલપતિ ક.મા. મુન્શીના પ્રિય પ્રદેશમાં અને રણમાં અત્યંત રોમાંચક સમય ગાળ્યા બાદ નવેમ્બરમાં મારી બદલીનો હુકમ આવ્યો. હુકમ પ્રમાણે મારે પંજાબ-પાકિસ્તાનની સરહદ પર જવાનું હતું. બદલીનો આ હુકમ જોઇ મને નવાઇ લાગી. હું બંગાળી લખી-વાંચી-બોલી શકું એવું મારા સર્વિસ રેકોર્ડમાં લખાયું હતું તેથી પૂર્વ પાકિસ્તાનની સરહદ પર બંગાળમાં મારી બદલી થાય તેવું કહેવામાં આવ્યું હતું. આનું એક અન્ય કારણ પણ હતું.
માર્ચ ૧૯૭૧માં શ્રીમતી ગાંધીએ જનરલ માણેકશૉને પૂર્વ પાકિસ્તાનના મોરચે યુદ્ધ શરૂ કરવા લગભગ આદેશ જ આપ્યો હતો. આખી કૅબીનેટની સમક્ષ જનરલ માણેકશૉએ પોતાનો સ્પષ્ટ મત આપ્યો: વ્યૂહાત્મક દૃષ્ટીએ યુદ્ધ માટે આ સમય અનુકૂળ નથી. પ્રથમ તો ઈશાન દિશામાં હિમાલયના ઘાટ ચીન માટે ખુલ્લા હોવાથી તેમની સેના પાકિસ્તાનની મદદે તરત જ તીડનાં ધાડાંની જેમ હાલના અરૂણાચલમાં પ્રવેશી આસામ અને બંગાળમાં ઉતરશે. પૂર્વ પાકિસ્તાન પર હુમલો કરવાથી પશ્ચિમ પાકિસ્તાનમાં રહેલ પાકિસ્તાનની બે આર્મર્ડ ડીવીઝન્સ માટે પંજાબનો સપાટ પ્રદેશ આક્રમણ કરવા અનુકૂળતા કરી આપશે. તેવી જ રીતે કાશ્મીરમાં અખનૂર - ચિકન નેક વિસ્તારમાંથી દુશ્મનની સેના સીધો જમ્મુ પર હુમલો કરશે. આમ ભારતીય સેનાને ચાર મોરચા પર યુદ્ધ ખેલવું મુશ્કેલ થશે. લડાઇમાં જીત મેળવવી હોય તો ડીસેમ્બર મહિનો બધી રીતે અનુકૂળ છે અને તેઓ નિશ્ચયપૂર્વક વિજય મેળવી આપશે.
બીજી તરફ આસામમાં પૂર્વ પાકિસ્તાનમાંથી આવતા નિર્વાસીતોની સંખ્યા એક કરોડથી વધુ થઇ હતી. પૂર્વ બંગાળના નાગરિકો અને ખાસ કરીને શેખ મુજીબુર્રહેમાન ભારત પાસે મદદનો પોકાર કરી રહ્યા હતા. તેમને શસ્ત્રાસ્ત્ર તથા માનવબળની સહાયતા આપવાની આવશ્યકતા તીવ્રતાપૂર્વક ભાસવા લાગી હતી. શ્રીમતી ગાંધીએ બીએસએફના ડાયરેક્ટર જનરલ કે.એફ. રુસ્તમજીને બોલાવી આ દિશામાં તેઓ કશું કરી શકશે કે કેમ પૂછ્યું. શ્રી. રુસ્તમજીએ તૈયારી દર્શાવી, અને તે મુજબ તેમણે પચાસ જેટલા ચુનંદા અફસરોને મુક્તિવાહિનીને પ્રશિક્ષણ આપી, પાકિસ્તાની સેના પર ગેરીલા યુદ્ધ આદરવા નેતૃત્વ આપવાનો હુકમ આપ્યો. બંગાળી અફસરોને પાકિસ્તાનની સીમા પર રેડીયો સ્ટેશન સ્થાપી પ્રચાર કાર્ય માટે મોકલ્યા. બીએસએફના અફસર અને જવાન સામાન્ય નાગરિકના પોશાકમાં પૂર્વ પાકિસ્તાનમાં કારવાઇ કરતા થયા હતા. આ કાર્યમાં મુક્તિવાહિનીના કમાંડર મેજર ઝીયા ઉર્રહેમાન જેઓ ઇસ્ટ બૅંગાલ રાઇફલ્સના અફસર હતા તેમની સાથે મળી ઉગ્ર કારવાઇ શરૂ કરી. આપણા અફસરોએ આપેલ નેતૃત્વ અને પ્રશિક્ષણનો લાભ લઇ મુક્તિવાહિનીને પાકિસ્તાની સેના સામે છાપામાર લડાઇ (guerrilla warfare)માં સારી સફળતા મળી.
મને બંગાળી સારૂં આવડતું હોવાથી મને ત્યાં મોકલવામાં આવશે એવું હું ધારતો હતો. મેં પણ બંગાળ જવાની માનસિક તૈયારી કરી રાખી હતી, તેથી NRS Amritsar (નિયરેસ્ટ રેલ્વે સ્ટેશન અમૃતસર)નો હુકમ જોઇ આશ્ચર્ય થાય તે સ્વાભાવિક હતું.


website-hit-counters.com
Website counter from www.website-hit-counters.com .

Thursday, May 7, 2009

૧૯૭૦: અનોખી રણભુમિ

અમદાવાદમાં ડ્યુટી પૂરી કર્યા પછી અમારી બટાલિયન પાછી દાંતિવાડા ગઇ. થોડો સમય હેડક્વાર્ટરમાં રહ્યા બાદ મારી કંપનીની ગુજરાતના બનાસકાંઠા-રાજસ્થાન-પાકિસ્તાનની સીમા પર આવેલ રાઘાજીના નેસડા નામની જગ્યાએ નિયુક્તી થઇ. અહીં ન કોઇ નેસડો હતો, ન રાઘાજીના વંશજ. અા 'રણભુમિ'માં આવી જાય છે માઇલોના માઇલો રેતીના ઢુવા, રાજસ્થાનથી કચ્છની કોરી ક્રીક સુધી ફેલાયેલો વિશાળ ખારો પાટ, આકડા અને કેરડાના જંગલો અને રેતીનાં તોફાન. અને તોફાન પણ કેવાં! ઘડિયાળની નિયમીતતાથી રોજ સવારે દસ વાગે સૂસવાટા કરતો પવન શરૂ થાય. ગરમી વધતી જાય અને વિશાળ કઢાઇમાં રેતી મૂકી તેમાં શિંગદાણા કે ચણા શેકવામાં આવે, તેમ આ રણમાં મારા જવાનો અને હું અમારી ચારે તરફ ઉડતી ગરમ રેતીમાં શેકાતા. અસહ્ય ગરમી અને તરસથી જીવ ત્રાહી મામ્ થાય. પાણીનું ટૅંકર અઠવાડિયામાં એક વાર ૫૦-૬૦ કિલોમીટર દૂરથી પાણી લાવે. પાણી પણ એવું કે ગમે તેટલું પીવા છતાં તરસ છીપાય નહિ. એક તો ગરમીને કારણે ચ્હાના પાણી જેવું તે ગરમ હોય, અને ઉપરથી એટલું ખારૂં કે ન પૂછો વાત! ૨૦-૨૫ કિલોમીટરના વેગથી વાતા પવનમાં ઉડીને આવતી ઝીણી પાવડર જેવી રેતી બારી બારણાંની તિરાડમાંથી પેસીને અમારા ભોજનમાં પણ સમાઇ જતી. કહેવાય છે કે જેલના કેદીઓના ખાવામાં કાંકરા આવતા. અમે કહેતા, કેદીઓ નસીબદાર હતા. તેઓ કાંકરા જોઇને કાઢી શકતા. અમારી રોટલી અને દાળમાં ભળી ગયેલા રેતીના રજકણોને કેવી રીતે દૂર કરીએ?
સાંજે બરાબર છ વાગ્યાના સુમારે પવનનું જોર ઓછું થાય. વાતાવરણ શીતળ થવા લાગે અને રાતે તારલાના ચંદરવા નીચે સૂઇએ તો જાણે પવનદેવ વીંઝણું લઇ, મધુર અવાજે હાલરડું ગાઇ સૂવડાવતા હોય તેવું લાગે. ધીમેથી વહેતા પવનમાં કુદરતનું અદભૂત સંગીત સાંભળવા મળે. રાતે ધ્યાન ફક્ત બે વાતોનું રાખવું પડતું: ખાટલાની ચારે બાજુએ બે ફીટ પહોળી અને બે ફીટ ઉંડી snake trench ખોદવી પડે. નહિ તો વિંછી અને અત્યંત ઝેરીલા નાગ કે‘બાંડી’ નામના સાપ તમારા ખાટલાની નીચે કે આસપાસ ફરવા લાગે - અને કરડે તો આપણી આવી બને. બીજી વાત: ‘સ્નેક ટ્રેંચ’ ખોદી હોય તો પણ જમીન પર પગ મૂકતાં પહેલાં બૅટરીના પ્રકાશમાં જોવું પડે કે આપણો પગ ક્યાં પડે છે! કેટલીક વાર ‘સ્નેક ટ્રેંચ’માં ઉડીને આવી પડેલી રેતીના ઢગલાને પાર કરી સાપ-વિંછી ખાટલાની નીચે આવી જતા.
સેનામાં હતો ત્યારે બીજા વિશ્વયુદ્ધની ઉત્તર આફ્રિકાની લડાઇ વિશે પુસ્તકો વાંચેલા. ત્યાંની ગરમી વિશે સૈનિકોના ફોટોગ્રાફ હતા જેમાં તેઓ બપોરની ગરમીમાં જીપની બૉનેટ પર ઇંડું ફોડીને નાખતાં તે રંધાઇ જતું! રાઘાજીના નેસડામાં પણ એટલી ગરમી પડતી હતી અને મેં આ પ્રયોગ કરી જોયો હતો. અને વાંચેલી વાત સાચી નીકળી!
રણમાં સૌથી આગળ, સીમાની નજીકના નાના બેટમાં પણ અમારી ચોકી હતી. રણમાં આવેલા નાનકડા બેટમાં વૃક્ષો તો ઠીક, પણ કેરડાનાં ઝાંખરાં પણ નથી હોતાં. અહીં જવાનોને જમીનમાં ભોંયરા જેવા બંકર બનાવી રહેવું પડે. અસહ્ય ગરમીમાં રહેવું તો મુશ્કેલ હોય છે જ, પણ આવા બેટમાં ‘સૅંડ ફ્લાય’ નામનાં જીવડાં અને લાલ કીડીઓ થતી હોય છે. એક વાર આવા જંતુ કરડે તો શરીરના તે ભાગમાં ભયંકર બળતરા ઉપડે તે આખો દિવસ પરેશાન કરે. તે વખતે ‘ઓડોમૉસ’ સિવાય બીજા કોઇ insect repellent મળતા નહોતા, તેથી આવી જીવાત કરડે તો તેની પીડા સહન કર્યા સિવાય છૂટકારો નહોતો.
આવી કઠણ હાલતમાં રોજનું પેટ્રોલીંગ, હથિયાર સફાઇ, પી.ટી., મૅપ-રીડીંગ અને યુદ્ધ વિષયક ‘ડ્રીલ’ જેવા કામ, રમતગમત અને વાર તહેવારે સામુહિક ભોજન - “બડા ખાના”માં ભાગ લઇ સૈનિકો-અફસરો એક પરિવારના સદસ્ય જેવા બની ગયા. જો કે અફસરો અને જવાનો વચ્ચે familiarity કદી સંભવી ન શકે, તેથી અફસરોને એકલતા અત્યંત સાલતી હોય છે. આવામાં મિત્રો તથા પરિવારના પત્રો, પુસ્તકો, રેડિયો અને ઉંટ પર બેસીને પેટ્રોલીંગ કરવામાં સમય ગાળવો પડે.
મહિનામાં એક વાર કર્નલ સાહેબ અમારી કંપનીના ઇન્સ્પેક્શન માટે આવતા અને કંપનીમાં કોઇ ને કોઇ ક્ષતિ કાઢી અભદ્ર શબ્દો બોલીને જતા રહેતા. કોઇ વાર કંપની ક્વાર્ટરમાસ્ટર અમારી જરુરિયાતો અંગે તપાસ કરવા આવી જતા. મહિનામાં એક વાર જવાનોનો પગાર લેવા દાંતિવાડા જઇએ ત્યારે મીઠા પાણીથી નહાવાનો લહાવો લઇ લેતા. બને તો પાલનપુર જઇ સિનેમા જોઇએ અને બૉર્ડર પાછા વળતાં લાઇબ્રેરીમાંથી પુસ્તકોનો જથ્થો લઇ જઇએ.
આવી હતી અમારી રણની દિનચર્યા!

click to submit your site
free search engine submission

Tuesday, May 5, 2009

૧૯૬૯ - શાંતિ અને મનોમંથન - ભાગ ૨

ઇન્ટર્નલ સીક્યોરિટી - દેશની આંતરીક સુરક્ષામાં ફરજ બજાવવા વિશે અમને - સૈનિકોને - ખાસ પ્રશિક્ષણ આપવામાં આવતું. તેમાં મુખ્ય સિદ્ધાંતો છે: શાંતિ સ્થાપવા માટે ઓછામાં ઓછો બળ-પ્રયોગ કરવો (minimum use of force; કોઇ પણ કાર્યવાહી કરીએ તેમાં બદલો લેવાની ભાવના ન હોવી જોઇએ તથા હિંસા પર ઉતરી આવેલા લોકોની કોઇ જાત કે કોઇ ધર્મ નથી હોતો. તેઓ કેવળ હુલ્લડખોર ટોળાં -mobs- હોય છે. અહીં હું જાણીતા અને વરીષ્ઠ પત્રકાર શ્રી.એમ.જે. અકબરના પુસ્તક Riot After Riotમાંથી એક પૅરેગ્રાફ ઉતારીશ:
“Law and order have two enemies: the Full Truth and the Complete Lie. When people realise the truth, they start revolutions. When they are fed lies they begin meaningless riots. Lies are the staple of every communal disturbance. They are spread by people who have a stake in this violence, who have something to gain out of impoverished Hindus and Muslims fighting each other.” (કાયદો અને સમાજવ્યવસ્થાના બે શત્રુ છે: પૂર્ણ સત્ય અને હડહડતા જુઠાણાં. જ્યારે લોકો સમક્ષ સત્યનો પ્રકાશ થાય છે ત્યારે તેઓ ક્રાન્તિ સર્જે છે. જ્યારે તેમના મગજમાં જુઠાણાંઓ ઠસાવવામાં આવે છે ત્યારે તેઓ અર્થવિહીન હુલ્લડ શરૂ કરે છે. દરેક કોમી દંગલની આગમાં તેલ રેડવાનું કામ આ જુઠાણાં કરતા હોય છે, અને જેમને આ તોફાનોમાંથી પોતાનો સ્વાર્થ નીકળતો જણાય છે, જેમને ગરીબ હિંદુ અને મુસલમાનનોને એકબીજા સાથે લડાવવાથી અંગત લાભ મળતો હોય છે, તેઓ આ જુઠાણાં ફેલાવતા હોય છે.)
દેશના કાનુન મુજબ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપવા ગોળીબાર કરવાનો હુકમ આપવાનો અધિકાર મૅજીસ્ટ્રેટ, પોલીસ અૉફિસર કે સેનાના કમીશન્ડ અૉફિસર્સ પાસે છે. ૧૯૬૯માં BSFના અફસરો પાસે પોલિસ અધિકારીની કે ‘આર્મ્ડ ફોર્સીઝના કમીશન્ડ અૉફિસર’ની સત્તા નહોતી, તેથી અમારી ટુકડીઓ સાથે મૅજીસ્ટ્રેટની પણ ડ્યુટી લાગતી. એક વર્ષ બાદ ભારત સરકારે વટહુકમ બહાર પાડીને BSFના અફસરોને કમીશન્ડ અૉફિસર્સ બનાવ્યા, જેથી પરિસ્થિતિની ગંભીરતા જોઇ યોગ્ય પગલાં લેવાનો તેમને અધિકાર મળ્યો.
અમારા પ્રશિક્ષણ દરમિયાન તોફાન અને દંગલ પાછળની માનસિકતાનો બધા સૈનિકોએ ખાસ અભ્યાસ કર્યો. કોઇ ટોળું ભેગું થઇ જાય તેમાં ૮૦% પ્રેક્ષકો હોય છે. ૧૦થી ૧૫% તેમના આગેવાનો અને કેવળ પાંચ ટકા તેમને વિચારધારા કે ધાર્મિક આધાર પર પાનો ચડાવનારા જેમને Agent Provocateur કહેવામાં આવે છે, તેઓ હોય છે. લોકોને બહેકાવી આ લોકો છટકી અન્ય સ્થળે પહોંચી જાય છે અને ત્યાં પોતાનું કામ કરવા લાગી જાય છે. તે પ્રમાણે ટોળાનાં આગેવાનો પણ છુપાઇ જતા હોય છે. આથી ગોળીબારનો ભોગ બનનાર સામાન્ય જનતા - મુખ્યત્વે યુવાનો હોય છે, જેમને ઉશ્કેરવું agent provocateurs તથા કોમી આગેવાનો માટે સહેલું હોય છે. અપવાદરૂપ ગણાય તેવા કેટલાક જ તોફાન સ્વયંભૂ હોય છે - જેમ કે ફ્રાન્સમાં થયેલી ક્રાન્તિ, જે લોકોએ બાસ્તીલની જેલ પર હુમલો કરીને શરૂ કરી; ગુજરાતમાં મહાગુજરાતની સ્થાપના માટે ગુજરાતના નેતા મોરારજીભાઇની સામે આખો ગુજરાત ખડો થયો હતો અને તેમના “આમરણાંત” ઉપવાસની પણ પરવા ન કરી. (જીપ્સી તે વખતે અમદાવાદમાં મોરારજીભાઇની સભામાં હાજર હતો અને તેમના પર થયેલી પત્થરબાજી જોઇ હતી. તેના મતે આ mini revolution હતું.)
આવી ક્રાન્તિ સદીઓમાં કોઇક જ વાર થતી હોય છે. નિર્માલ્ય પ્રજામાં આવી ક્રાન્તિ શક્ય નથી હોતી. મહારાજાના દૈવી હક્ક (Divine Rights of the King) તથા ‘રાજકર્તા કદી ગલત કામ ન કરે’ (A King Can Do No Wrong) જેવા કથન કરનાર ઇંગ્લન્ડના રાજા ચાર્લસ્ પહેલાની સામે, ફ્રાન્સમાં થયેલ સોળમા લૂઇ અને રશિયામાં ઝાર વિરુદ્ધ થયેલ October Revolution જેવી ક્રાન્તિ ભારતમાં ફક્ત એક જ વાર થઇ હતી, જે સ્વ. જયપ્રકાશ નારાયણે ઇન્દીરા ગાંધીની એમર્જન્સી વિરૂદ્ધમાં કરી હતી. હવે તો પ્રજા એટલી નમાલી અને સ્વાર્થી થઇ છે કે તેમની સામે આર્થીક કે ક્ષણીક આનંદના દારૂ જેવા પ્રલોભનોના થોડા ટૂકડા ફેંકવામાં આવે તો પણ તે એવા રાજકારણીઓને ચૂંટતી આવી છે જેમના લોહીના દરેક કણમાં ભ્રષ્ટાચાર ભરેલો છે કે અદાલતે તેમને ખુનના ગુનેગાર ગણી સજા આપી છે.
આપણા દેશનું સદ્ભાગ્ય છે કે આપણી સશસ્ત્ર સેનાઓ રાજકારણથી દૂર રહી છે.

Sponsored by the search engine optimization services internet guide.

૧૯૬૯ - શાંતિ અને મનોમંથન - ભાગ ૧

અમદાવાદના દાવાનળમાં માનવ અને માનવતાનું મૃત્યુ થયું. મરણ પામેલા માણસનો કોઇ ધર્મ નથી હોતો. તે નથી પૂજા કરી શકતો કે પાંચમાંથી એક પણ નમાઝ નથી પઢી શકતો. મૃત્યુ બાદ તેને શહીદ કહો કે વીર, મરનારની તેના પર કોઇ અસર નથી થતી. અસર પડે છે તેના માતપિતા, પત્ની, બહેન, ભાઇ અને બાળકો પર. પરિવારની રોટી કમાવનારના મૃત્યુથી બાળકોનું શિક્ષણ તો દૂર, તેમનું બાળપણ જ ખૂંચવાઇ જાય છે. રસ્તા પર ભટકી પ્લાસ્ટીક, કાગળ તથા ભંગારની શોધમાં નીકળવાનું કે રસ્તા પરની ચ્હાની દુકાનોમાં વાસણ ધોવાનું કે સફાઇ કામ કરવાનું તેમના ભાગ્યમાં આવે છે. તે વખતે તેમના પિતાનો હુલ્લડમાં ભોગ ચઢાવનાર “નેતા”ઓને આવા પરિવારોની કોઇ ચિંતા નથી હોતી.
મારા મનમાં પ્રશ્ન ઉઠે છે, શું કોઇ ધર્મ એટલો નબળો અને અસહાય હોય છે કે અન્ય કોઇ વ્યક્તિઓ તરફથી તેના પર ખતરો ઉભો થઇ શકે? અને શું આ ખતરો અન્ય ધર્મના લોકોની કતલ કરવાથી ટળી શકે છે? અન્ય લોકોના ધર્મસ્થાનો જમીનદોસ્ત કરવાથી કે તેમના આરાધ્ય દેવોનું અપમાન કરવાથી તેમના ધર્મનો પ્રસાર થઇ શકશે? આવું હોત આવા અનેક અત્યાચારો થયા હોવા છતાં જગતમાં કેટલાક પુરાતન ધર્મ કેવી રીતે ટકી રહ્યા છે?
ધર્મનું રક્ષણ અને તેના “બચાવ” માટે હિંસાત્મક પગલાં લેવાનું કોઇ ધર્મપુસ્તકોમાં લખવામાં આવ્યું હોય તો આ યુગના ધર્મગુરૂઓએ વિચાર કરવો જોઇએ કે તે કઇ સદીમાં લખાયા હતા. વિચારવું જોઇએ કે તે સમયના આચારવિચાર, તે જમાનાનું શિક્ષણ કે તેનો અભાવ, વિવિધ સંસ્કૃતીઓ વિષયક જ્ઞાન-અજ્ઞાન, માન-અવમાન તથા તેમના વિચાર પ્રમાણે અપાયેલા ધર્માદેશ આધુનિક વિચારજગત સાથે સુસંગત છે કે નહિ. અને જો ન હોય તો તેમણે પોતાના અનુયાયીઓને માર્ગદર્શન આપવું જોઇએ કે દરેક માનવ માટે તેનો ધર્મ, તેની અકીકત અને માન્યતા અંગત અને પવિત્ર હોય છે. તેને હિન ગણી તેનું અપમાન કરવું યોગ્ય નથી. હજારો વર્ષ પહેલાં લખાયેલ ધર્મગ્રંથોમાં અશિક્ષીત, જંગલી તથા ઝનુની ગુનેગારોના વર્તનને સુધારવા માટે કદાચ કોઇ સજા ફરમાવવામાં આવી હોય તો તે આજની સુસંસ્કૃત કાયદા પદ્ધતિની અવેજીમાં અમલ કરવામાં આવે તો તેને શું કહેવું? જ્યાં એક દેશ-એક-કાયદો, સમાન-નાગરી-અધિકાર ન હોય ત્યાં સાચું લોકતંત્ર કદી સંભવી શકે? ગરીબી રેખા નીચે જીવતા લોકોને તેમની જાતિ, ધર્મ, લિંગનો ભેદભાવ કર્યા વગર એક સરખી આર્થિક મદદ કરવામાં ન આવે તો આપણા દેશમાં સમાનતા તથા વિકાસ કેવી રીતે ઉદ્ભવી શકે? આર્થિક મદદના આધારે જનતાને નાનાં નાનાં વાડાઓ -ghetto-માં ધકેલી, એક બીજાની સામે લડાવી પોતાનો અંગત રાજકીય લાભ લેવા માગતા રાજકારણીઓને પ્રજા શા માટે વારંવાર ચૂંટી પોતાનો અને દેશનો સર્વનાશ કરતી રહે છે તે મને કદી સમજાયું નથી. કોઇ એક ગ્રંથ, વિચારધારા કે વિચારકને અંતિમ અધિકારી (Final Authority) માની તેમણે સદીઓ પહેલાં આપેલા આદેશોનું આંધળું અનુસરણ કરવામાં આવે તો તેનું પરિણામ લાખો લોકોના સંહારમાં થાય. જે રીતે રશિયામાં જમીનના માલીકો (Kulak)નો કત્લેઆમ કરવામાં આવ્યો; દક્ષીણ અમેરીકામાં યુરોપીયનો દ્વારા અૅઝટેક તથા ઇન્કાઓની આખી જાતીનું નિકંદન કઢાયું; વૈચારીક સરમુખત્યારની વિચારધારાથી અલગ નુતન વિચાર પ્રદર્શીત કરનારા વિચારકો તેમજ તેમના અનુયાયીઓની કતલ થઇ- જેમ ટ્રૉટ્સ્કીની બાબતમાં સ્ટાલીને કર્યું; ભારતમાં નક્સલવાદીઓ દ્વારા, ઉત્તર કોરીયામાં માઓવાદીઓ તથા આફ્રિકામાં (કૉંગો અને દાર્ફરમાં) બની રહ્યું છે. લાખો ઇન્સાનોનો સંહાર થયો અને થઇ રહ્યો છે. લોકો શા માટે પોતાનો ધર્મ કે પોતાની વિચારધારા અન્યના ધર્મ કે તત્વચિંતન પર હિંસાનો આધાર લઇને ઠોકી બેસાડવા માગે છે તે મને કદી સમજાયું નથી. અહીં સામ્યવાદના “બાઇબલ” ગણાતા Das Kapital, અને વ્યક્તિઓમાં કાર્લ માર્ક્સ, હિટલર, લેનિન, સ્ટાલિન તરફ છે. કોઇ ધાર્મિક વ્યક્તિ કે કોઇ પણ ધર્મગ્રંથ તરફ અહીં કોઇ નિર્દેશ નથી.

website design quote

Friday, May 1, 2009

૧૯૬૯ - જૉઇન્ટ અૉપરેશનલ કન્ટ્રોલ રૂમ - ૨

મારા સદ્ભાગ્યે કમીશ્નર અૉફિસની સામે આવેલા અૅપાર્ટમેન્ટ બ્લૉકમાં મારી ફોઇના દીકરા રમેશભાઇ રહેતા હતા. મેં મેજર ટેલર પાસે એક કલાકની રજા માગી અને રમેશભાઇને ઘેર ગયો. વિનીતાભાભીએ મને ગરમ ભોજન પીરસ્યું. ત્રણ દિવસે ગરમાગરમ દાળ-ભાત-શાક રોટલી મળ્યાં અને તેનો સ્વાદ દેવોને પણ દુર્લભ હોય તેવો લાગ્યો. અમારા ઘરની નજીક બીએસએફની જે કંપની ડ્યુટી પર હતી તેના કમાંડરને કહી મેં કપડાં, સાબુ-બ્રશ-ટૂથપેસ્ટ મંગાવી લીધા. ત્યાર પછીના ત્રણ દિવસ સુધી હું સતત ડ્યુટી પર રહ્યો. રાતના ટેલીફોનની ઘંટડી વાગે ત્યાં સુધી ટેબલ પર માથું ઢાળી થોડી ઘણી ઉંઘ મળે તેને સદ્ભાગ્ય સમજી લેતો. બપોર અને રાતનું ભોજન કરવા રમેશભાઇને ઘેર જતો.

આ ૬ દિવસમાં ૨૦૦૦થી વધુ નિર્દોષ લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા. અસંખ્ય લોકો ઘરબાર વગરના થઇ ગયા હતા. અમુક તોફાનગ્રસ્ત વિસ્તારોમાં મિલીટરી કે બીએસએફના સૈનિકો સાથે મોકા પર જઇ આવેલા સિનિયર પોલીસ અધિકારીઓ - ખાસ કરીને ડીઆઇજી શ્રી. મીરચંદાની JOCમાં આવતા અને હાલતનું વર્ણન કરતા ત્યારે મનમાં પ્રશ્ન ઉઠતો, શું અમદાવાદમાંથી માણસાઇ મરી પરવારી છે?

આવી હાલતમાં પણ માણસાઇના દિવા ક્યાંક ક્યાંક પ્રગટતા હતા.

અજબ સંજોગની વાત છે કે જ્યારે કોમી દાવાનળની આગમાં અમદાવાદ સળગી રહ્યું હતું, મારા મિત્ર અને પત્રકાર શ્રી. તુષારભાઇ ભટ્ટ તે સમયે શહેરમાં જ ફરજ પર હતા. મારી સાથે આ વિષયમાં વાત કરતાં તેમણે કહ્યું, “તોફાનોના અગ્નિની તીવ્રતા એટલી ઉગ્ર હતી કે તેના દાહમાં રાજ્ય સરકાર સ્તબ્ધ થઇ ગઇ હતી. શ્રી. મોરારજીભાઇ દેસાઇના અનુયાયીઓ રાજ્ય સરકાર ચલાવી રહ્યા હતા, પણ તેમાંના કોઇ - હિતેન્દ્રભાઇ દેસાઇ (રાજ્યના મુખ્ય મંત્રી) કે તેમના સાથીઓએ સમગ્ર જીવન રાજકારણમાં ગાળ્યું હોવા છતાં તેમની પાસે આ હિંસક કટોકટીનો સામનો કરવાનું સામર્થ્ય નહોતું.

“તોફાનોના દિવસો દરમિયાન એક પણ પ્રધાને ઘરની બહાર નીકળીને શહેરમાં શાંતિ સરઘસ કાઢવાની, પરિસ્થિતિનો કયાસ કાઢવાની કે હિંસાગ્રસ્ત ભાઇ-બહેનોના આંસુ લૂછવા માટે ઘરની બહાર નીકળવાની હિંમત દાખવી નહિ. અફવાઓએ આખા શહેરને બાનમાં રાખ્યું હતું. લોકો પાસે કર્ફ્યુમાં બહાર નીકળવાનો પાસ હોય કે ન હોય, કોઇની બહાર નીકળવાની હિંમત નહોતી ચાલતી.”

તુષારભાઇના પિતાજી સ્વ. ડૉ. શંકરભાઇ ભટ્ટ વ્યવસાયે ડૉક્ટર તથા પત્રકાર હતા. તે સમયે તેઓ મણીનગરના જવાહર ચોકના વિસ્તારમાં રહેતા હતા. ડૉ. ભટ્ટ અને તુષારભાઇનો પોતાની અૉફીસમાં જવાનો રસ્તો બન્ને કોમના વિસ્તારમાંથી નીકળતો હતો. ત્યાંથી તેઓ નીકળ્યા ત્યાં તેમને કહેવામાં આવ્યું કે તેમના ઘર પર હુમલો થવાનો હતો. ડૉ. ભટ્ટ તે સમયના ભારતીય જનસંઘના નેતાઓને મળ્યા અને તે જ રીતે બીજી કોમના આગેવાનોને ઘેર ગયા. તેમની સાથે વાતચિત કર્યા બાદ બન્ને કોમના લોકોએ તેમને ખાતરી આપી કે જ્યારે પણ તુષારભાઇ તથા તેમના પિતાજી ડૉ. શંકરભાઇને તેમના વિસ્તારમાંથી નીકળવું હોય તો પોલિસ સુરક્ષાની જરૂર નથી. તેમની કોમના સ્થાનિક યુવાનો તેમની સુરક્ષાની જવાબદારી લેશે.

તુષારભાઇ કહે છે, “અમદાવાદમાં પત્રકાર તરીકે બજાવેલી કામગિરીમાં મેં અનામત વિરોધી તોફાનો અને અન્ય ઉગ્ર ગણાય તેવા તોફાનો જોયા અને તેના અહેવાલ લખ્યા, પણ ૧૯૬૯ જેવું ભયાનક તાંડવ મેં કદી જોયું નથી. તે સમયે કેવળ પ્રજાજનો નહિ, સરકાર પણ ભયગ્રસ્ત થઇ ગઇ હતી. મારા મતે ૧૯૬૯ના કોમી તોફાને એક એવો ચીલો પાડ્યો જેના પગલે બાકીના કોમી રમખાણ એટલીજ ક્રુરતાપૂર્વક થયા...”

તુષારભાઇ સિવાય અન્ય વ્યક્તિઓ દ્વારા ૧૯૬૯ના હુલ્લડ વિશે જેટલા લેખો લખાયા છે તેમાં એક પણ લેખ એવી વ્યક્તિનો નથી જેને હુલ્લડની આંચનો અંગત અનુભવ હતો. અહીં મારે ટાઇમ્સ અૉફ ઇન્ડીયાના (અને ત્યાર બાદ ચેન્નઇના ‘ધ હિંદુ’ના) “સ્ટાર રીપોર્ટર” (!) વી. ગંગાધરના રીપોર્ટનો ઉલ્લેખ કરવો જોઇએ. આ મહાશય ૧૯૫૮માં કેરાલાથી અમદાવાદ આવ્યા હતા. કેટલોક સમય ટાઇપીસ્ટ તરીકે કૅલીકો મિલમાં કામ કર્યા બાદ વધુ અભ્યાસ કરી અંગ્રેજી સાથે MA થયા, થોડો સમય લેક્ચરરનું કામ કર્યું (તે સમયે અંગ્રેજી શિક્ષકોની એટલી અછત હતી કે ત્રીજા વર્ગમાં પાસ થયેલા MA પણ કૉલેજમાં લેક્ચરર બની શકતા). ત્યાર બાદ ટાઇમ્સ અૉફ ઇન્ડીયામાં રીપોર્ટર તરીકે જોડાયા. આવા high profile અખબારમાં તેમને Byline મળવા લાગી અને તેઓ ગુજરાતની બાબતોના ‘નિષ્ણાત’ બની ગયા. અમદાવાદના હુલ્લડ વિષયક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અખબારોમાં લખેલા લેખોમાં તેમણે ગુજરાતની બદનામી કરવામાં પાછી પાની નથી કરી.

૧૯૪૪ બાદ અમદાવાદમાં કોમી હુલ્લડ થતા આવ્યા તેનો હું સાક્ષી છું. મેં જે જોયું હતું તે હજી યાદ છે. ઠેઠ તે જમાનાથી ક્યાં કોનાં અને કેટલા ખુન થતા હતા, તેની માહિતી અમને કૉંગ્રેસ હાઉસમાંથી - જે અમારા ઘરથી સો ગજ પણ દૂર નહોતું - ત્યાંથી મળતી રહેતી હતી. ૧૯૪૮માં શાહપુરમાં પેશન્ટની હાલત ગંભીર છે, તેને જોવા લઇ જવાને બહાને એક ડૉક્ટરને તેમના પેશન્ટના ભાઇએ બોલાવ્યા અને ઘરની બહાર નીકળતાં તેમનું ખુન કર્યું હતું. જમાલપુરમાં હિંસક ટોળાને શાંત કરવા ગયેલા મારા પાડોશી - ખાદીધારી નિ:શસ્ત્ર વસંતરાવ હેગિષ્ટે અને અમારા ગોહિલવાડના વતની રજબઅલી લાખાણીનાં કમકમાટી ભર્યા ખુન કરવામાં આવ્યા હતા. હું તેમનું અંત્યદર્શન કરવા કૉંગ્રેસ હાઉસ ગયો હતો ત્યારે જોયું કે બન્નેના શરીરમાં એવો ભાગ નહોતો જ્યાં છરાના જખમ ન થયા હોય. મેં જોયેલા શ્રી. ગંગાધરના કોઇ લેખનમાં ૧૯૬૯ પહેલાંના અને ખાસ કરીને શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરનાર હિંદુ અને મુસ્લિમ સજ્જનોનો ક્યાંય ઉલ્લેખ જોયો નથી. હું ૧૯૪૪થી ૧૯૬૩ સુધી (કૉલેજના ચાર વર્ષ છોડીને) અમદાવાદમાં રહ્યો હતો. મુસ્લીમ વિસ્તારમાં આવેલી શાળામાં અભ્યાસ કર્યો, બજારહાટ કરવા આવા જ વિસ્તારોમાં જતો, અને હુલ્લડ બાદ એક દિવસનો પણ કર્ફ્યુ ઉઠાવાય ત્યારે મિત્રો સાથે તોફાનગ્રસ્ત વિસ્તારો જોવા જતો. શાળામાં મારા ખાસ મિત્રો હુસેન અત્તરવાલા, ગુલામ નબી તથા મહંમદ શફી મનસુરી સાથે ઠેઠ સુધી સુંદર સંબંધ રહ્યા. આ તો થઇ જુની વાત, જેનો હું સાક્ષી હતો. ચાંલ્લાઓળ સુધી પહોંચીને હુલ્લડખોરોએ બાળેલી દુકાનો જોઇ હતી. જમાલપુર, શાહપુર, કાળુપુર, દિહ્લી દરવાજા જેવા વિસ્તારોમાં એક તરફ ઝનુની ટોળાં ખુન અને આગ ચાંપવાનું કૃત્ય કરી રહ્યા હતા, ત્યાં બીજી બાજુ આ જ શહેરના અન્ય વિસ્તારોમાં હિંદુ તથા મુસલમાન પોતાના અન્ય ધર્મી પાડોશીઓને પોતાના ઘરમાં છુપાવી તેમની રક્ષા કરી રહ્યા હતા. અમારા પોતાના વિસ્તારમાં આવેલ લૅન્ડ રેકર્ડ્ઝ અૉિફસના કર્મચારી ગુલાબખાન પઠાણ અને તેમનો મોટો પરિવાર અમારા લત્તા પર બહારથી હુમલા કરવા આવનાર ગુંડાઓના ટોળાંને રોકવા અમારી સાથે ચોકી ભરવા અને રૉન મારવા આખી રાત રહેતા.

ગુજરાતમાં સર્વ-ધર્મ-સમાનતાની ભાવના જીવંત હતી. જો કે અમદાવાદમાં જે તોફાનો થતા હતા તેનો ઘણો જુનો ઇતિહાસ છે. અહીં ઇ.સ.૧૭૮૧થી કોમી હુલ્લડ થતા આવ્યા છે. તેમાં કઇ કોમ સૌથી વધુ આક્રમક હતી અને કઇ તેનો ભોગ બની તે જોવા કરતાં આ કોમવાદને દૂર કરવા, પ્રજામાં રાષ્ટ્રીયતા અને ભાઇચારો વધારવા અમદાવાદના કોમી આગેવાનોએ કદી પણ પ્રયત્ન કેમ ન કર્યો તે વિચારવા જેવું છે. ૧૯૪૮માં અને ત્યાર બાદ રથયાત્રાના ઉત્સવ જેવા પ્રસંગોએ જે ભયંકર કોમી રમખાણ થયા હતા તેનો પાઠ કોઇ શીખ્યું નહિ. આનાથી વિપરીત વાત તો એ થઇ કે આગેવાનોએ સમન્વય (integration)ને બદલે કોમી વાડાબંધી - ghetto -ને ઉત્તેજન આપ્યું. શહેરની લઘુમતી કોમ જુદી હાઉસીંગ સોસાયટીઓ, ચાલીઓ અને જુહાપુરા જેવા વિસ્તારોના હાંસિયામાં વહેંચાઇ ગઇ.

મને દુ:ખ તો એ વાતનું થાય છે કે અમદાવાદમાં થયેલા હુલ્લડો વિશે આખા ગુજરાતની છાપ લઘુમતિ કોમના જલ્લાદ તરીકે કરનાર પત્રકારોએ કદી આ પ્રશ્નની પશ્ચાદ્ભૂમાં જવાનો પ્રયત્ન નથી કર્યો. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અમદાવાદમાં રહ્યા વગર, આ હુલ્લડોનો જાતઅનુભવ લીધા વગર તેનું જનન, પોષણ તથા તેની નિષ્પત્તિ ( genesis, development and culmination) વિશે અભિપ્રાય આપવો યોગ્ય નથી. તિસ્તા સેતલવાડ અને અરૂંધતી રૉય જેવી વ્યક્તિઓએ આખા ગુજરાતને નૃવંશ-ઘાતક (ethnic cleanser)નો બિલ્લો આપ્યો.

૧૯૬૯ના હુલ્લડના વખતે હું મિલીટરીના કન્ટ્રોલરૂમમાં હતો. અહીં મને એવા દસ્તાવેજ વાંચવા મળ્યા જેથી હું ૧૯૬૯માં થયેલી ખુનામરકીનાં કારણો જાણી શક્યો. એક નિષ્પક્ષ સૈનિક તરીકે મારે તો એટલું જ કહેવું છે કે ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય છે, જ્યાં લોકોને એકબીજા પ્રત્યે સ્નેહ તો છે જ, પણ એક વાક્યમાં સમાઇ જતી ગુજરાતની સભ્યતા, જેના માટે ભારતની અન્ય કોઇ ભાષામાં સમાન વાક્ય નથી: “બે આંખની શરમ.” એક ગુજરાતીની સામે ગમે એટલો દુષ્ટ માણસ કે કટ્ટર દુશ્મન આવે, અને તેની સાથે તેને અગાઉ થોડો પણ પરિચય હોય, અથવા એકથી વધુ વાર તેની સાથે રસ્તામાં પણ મેળાપ થયો હોય તો તેની સાથે ‘આંખનો સંબંધ’ બંધાઇ જાય છે. આ ‘બે આંખની શરમ’ને કારણે તેઓ એકબીજાનું અપમાન પણ કરી શકતા નહોતા, ત્યાં તેમને મારી નાખવાનો પ્રશ્ન જ ઉભો થતો નહોતો. ૧૯૬૯માં જે થયું તેના કારણો જોવા જઇએ તો પરસ્પર આક્ષેપોની ઝડીઓ વરસવા લાગશે. તેનો કોઇ અંત નહિ આવે. મને તો તેના બે કારણો જણાય છે: એક તો આપણા લોકો ભૂતકાળને છોડી ભવિષ્ય તરફ જવા - move on કરવા- તૈયાર નહોતા. બીજું કારણ: બે આંખની શરમ કેટલાક લોકોના અંતરમાંથી મરી પરવારી હતી. આ જાણે ઓછું હોય, સ્વાર્થસાધુઓએ ઘૃણાસ્પદ અફવાઓ ફેલાવી, પોતાના અંગત રાજકીય લાભ ખાતર પોતાના અનુયાયીઓને હિંસા કરવા પ્રેરી ગુજરાતને આખા વિશ્વમાં બદનામ કર્યું.

૧૯૬૯ની જ વાત કરીએ તો માર્ચ મહિનામાં અમદાવાદમાં એક એવી અફવા ફેલાવવામાં આવી હતી કે શ્રી. દેસાઇ નામના પોલિસ અધિકારીએ પવિત્ર કુરાનનું અપમાન કર્યું હતું. લોકલાગણીને માન આપી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમ છતાં આ વાત મહિનાઓ સુધી મુસ્લીમ સમાજમાં સંતાપ ફેલાવતી રહી હતી. આનું પરિણામ સપ્ટેમ્બર મહિનામાં આવ્યું. જમાલપુરમાં જગન્નાથજીનું મંદિર આવ્યું છે. રોજ સાંજે મંદીરની ગૌશાળાની ગાયો મંદિરમાં પાછી આવે. તે દિવસે મંદીરની નજીક આવેલ પીરની મઝાર પર ઉર્સ ચાલતો હતો. મંદિરની કેટલીક ગાયો ભીડમાં ગભરાઇ ગઇ અને તેની અડફેટમાં ઉર્સમાં ભાગ રહેલી બહેનોને ઇજા થઇ. ગાયોના સાધુ-ગોવાળ અને ઉર્સમાં ભાગ લેનાર લોકો વચ્ચે બોલાચાલી થઇ અને કોઇએ સાધુ પર હાથ ઉપાડ્યો. તે જ રાતે આ જગ્યાની નજીક રામાયણની કથા ચાલતી હતી જેને એક લઘુમતિ કોમના પોલિસ અધિકારીએ વેરવિખેર કરી. આખા શહેરમાં અફવા ફેલાઇ કે લઘુમતી કોમના કેટલાક લોકોએ જગન્નાથ મંદિરના પૂજનીય ગણાતા મહંત પર હાથ ઉપાડ્યો હતો, અને માર્ચ મહિનામાં પવિત્ર કુરાનના કહેવાતા અપમાનનો બદલો લેવા જમાલપુરના એક ચકલામાં ચાલતી રામયણની કથાને વીખેરવાના બહાને લઘુમતી કોમના આ પોલિસ અધિકારીએ રામાયણના ગ્રંથને લાત મારી હતી.

આ અફવા આખા શહેરમાં આગની જેમ ફેલાઇ ગઇ. આગનું દાવાનળમાં પરિવર્તન થયું. આ વાત હું એકલો નથી કહેતો. રેડ્ડી કમીશનના રીપોર્ટમાં અને કેટલીક નિષ્પક્ષ વેબસાઇટ્સમાં આ ત્રણે પ્રસંગોની પુષ્ટી કરવામાં આવી છે.

૧૯૬૯માં અમદાવાદમાં પરસ્પર માનની ભાવના મૃત્યુ પામી હતી. છેલ્લા ઘણા દાયકાઓથી પરદેશમાં રહેતો હોવાથી એકવીસમી સદીમાં જે થયું, તેના વિશે હું કશું ન કહી શકું. એટલું જરૂર કહી શકું કે બે આંખની શરમ તો ૧૯૬૯ પહેલાં જ મરી પરવારી હતી. JOCમાં શ્રી. મીરચંદાણીએ જાતે જોયેલી ખુનામરકી અને આગમાં બળેલા લોકોની હાલતની વાત કરતા તે સાંભળી આત્મા કકળી ઉઠતો. મારી પાસે આવતા sitrep (સિચ્યુએશન રીપોર્ટ)ની વિગતો સાંભળી/વાંચી હૃદય વલોવાઇ જતું.

છ દિવસ સુધી સતત ચોવિસ કલાકની “શિફ્ટ” કર્યા બાદ મને ૨૪ કલાક માટે મને 'રીલીવ' કરવામાં આવ્યો અને હું ઘેર જઇ શક્યો.

હત્યાકાંડના ગોઝારા દિવસોમાં મારા પૈતૃક ઘરની નજીક હૃદયને વિદીર્ણ કરી નાખનારો એક બનાવ બની ગયો.

મારા જીવનના પચીસ વર્ષ જ્યાં હું રહ્યો હતો તે ત્રણ બાજુએથી હિંસક તત્ત્વો માટેના કુખ્યાત વિસ્તારોથી ઘેરાયેલો હતો. ચોથી બાજુએ હતી સાબરમતી નદી. અમારી બાજુના એક વિસ્તારે અમારા નેતા વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણીની કરપીણ હત્યા કરી હતી. આ વખતે ત્રણે વિસ્તારોમાંથી અમારા જુના મહોલ્લા પર હુમલો થયો હતો, તેમનો સામનો કરવા માટે હંમેશની જેમ યુવકોએ મોરચાબંધી કરી હતી. તેમાંના એક સ્થળે સૈનિકોએ લાઠીધારી યુવાનો એકઠા થયેલા જોયા. આ ટુકડીના અફસરે તેમને ચૅલેન્જ કર્યા અને શરણે આવવાનો હુકમ આપ્યો. અૉટોમેટીક હથિયારથી સજ્જ એવા સૈનિકોને જોઇ આ યુવાનો ગભરાયા અને ત્યાંથી નાસવા લાગ્યા. તેમની સાથેના મૅજીસ્ટ્રેટને લાગ્યું કે આ તોફાની ટોળું હતું અને લઘુમતી મહોલ્લા પર હુમલો કરવા જઇ રહ્યું હતું. તેણે સૈનિક કમાંડરને ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. એક ગોળી મારા પરિચીત પરિવારના સોળ વર્ષના યુવાનને વાગી અને તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો. આ યુવાનના પિતા વર્ષો પહેલાં અવસાન પામ્યા હતા. તેનો મોટો ભાઇ બાળ-લકવાના કારણે અપંગ હતો તથા તેને એક અપરિણીત બહેન હતી. અત્યંત ગરીબીથી પિડાતા પરિવારની આ અભ્યાસમાં હોશિયાર એવા આ યુવાન પર ઘણી આશા હતી. તેના મૃત્યુના સમાચાર સાંભળી મારા હૃદય પર જે વિતી, તેના પરથી તેની માતા અને ભાઇ બહેન પર કેવી અસર થઇ હશે તેનો વિચાર મારા માટે અકલ્પ્ય હતો.

શહેરમાં શાંતિ ફેલાયા બાદ પણ લાંબા સમય સુધી હું મારા સંબંધીઓ તથા મિત્રોને મળવા જઇ શક્યો નહિ. બનેલા પ્રસંગ માટે હું સીધી કે આડકતરી રીતે સંકળાયો નહોતો, પણ જેમના હાથેથી આ યુવાનનું મૃત્યુ થયું હતું તેઓ મારા જેવા યુનિફૉર્મ પહેરેલા સૈનિકો હતા. વિષાદના તળીયા વગરના ઊંડા સાગરમાં હું લાંબા સમય સુધી ડુબતો રહ્યો. ત્રણે'ક મહિના બાદ આ પરિવાર વિશે તપાસ કરતાં સમાચાર મળ્યા કે પેલા યુવાનની માતા - શ્રીમતી શૃંગારપુરે આઘાત જીરવી શક્યા નહિ અને તેમનું અવસાન થયું હતું.

website-hit-counters.com
Visit website-hit-counters.com for a hit counter.