Pages

Tuesday, October 12, 2021

Battle of Fatehpur - 8 sikh light infantry

 

યુદ્ધ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. પૂર્વ પાકિસ્તાનના મોરચે શું થઇ રહ્યું હતું તે તરફ અમારૂં ધ્યાન નહોતું. હકીકત હતી કે જેને મિલિટરીની શબ્દાવલીમાં pre-emptive strike કહીએ - તેમ જેને તેમણેઅસાવધસૈન્ય સમજી આપણી પશ્ચિમ-સ્થિત સેનાને નષ્ટ કરવા પહેલાં ઍર ફોર્સ દ્વારા પાકિસ્તાને હુમલો કરીને પંજાબમાં મોરચો ખોલ્યો હતો. પંજાબ ધિખતી ધરા થઇ હતી. ખાસ કરીને અમૃતસર - ડેરા બાબા નાનક ક્ષેત્ર અને ગુરદાસપુર-પઠાણકોટ સેક્ટરમાં ભયાનક યુદ્ધ ખેલાઇ રહ્યું હતું. 

૧૨ ડિસેમ્બરની સવારે મારા CO કહ્યું, “આપણી ફતેહપુર ચોકી, જેના પર પાકિસ્તાની સેનાનો કબજો હતો ત્યાં ગઇ કાલે રાતે ભયંકર લડાઇ થઇ. આપણી 8 Sikh Light Infantry તેના પર હુમલો કરીને આખો વિસ્તાર કબજે કર્યો છે. આપણા અનેક સૈનિકો વીર થયા. આપણે ત્યાં જઇ તેમના CO કર્નલ પાઠકને મળીશું.  

અમે ફતેહપુર જવા નીકળ્યા ત્યારે અમને જરા જેટલો ખ્યાલ નહોતો કે લડાઇનું સ્વરૂપ કેવું હશે. 

વિસ્તારમાં પાકી સડક નહોતી. ધુસ્સી બંધને અડીને જતા કાચા રસ્તે સવારના લગભગ નવ વાગે અમે ફતેહપુર પહોંચ્યા. પંજાબનો શિયાળો હાડ ગાળી નાખે તેવો, પણ યુદ્ધક્ષેત્રના વાતાવરણમાં મૃત્યુના તાંડવે વેરેલા વિનાશે ભયાનક ઉષ્ણતા ફેલાવી હતી. અહીં જાણે યમરાજ ખુદ પધાર્યા હતા અને પોતાના ખભા પર ત્યાં પોઢેલા વીરોને લઈ એટલી ખેપ કરી હતી કે તેમના થાકેલા ફેફસાંમાંથી નીકળેલા શ્વાસ - ઉચ્છ્વાસથી સમગ્ર ધરતી તપી ઉઠી હતી.

કર્નલ હરીશ પાઠક તેમની કૅમ્પ ચૅર પર બેઠા હતા.  આજુ બાજુ કારતુસોની મૅગેઝીનોના લાકડાની ખાલી પેટીઓ એક તરફ ગોઠવાયેલી હતી. તેમના સૈનિકોએ રણક્ષેત્ર સાફ કર્યું હતું, પણ જવાનોના રક્તના રેલાઓથી જમીન ઢંકાઈ હતી, તેમાં પંજાબની ધરતીનાં અશ્રુ સમાન ઝાકળબિંદુ ભળ્યા હતા. ચારે તરફ શૌર્ય અને ગૌરવની ગાથા સાથે શોકગીત ગાતી હવાની સુરખી અમારા કાનને સ્પર્શ કરતી હતી. અમે પહોંચ્યા ત્યારે મિલિટરી હૉસ્પિટલની ત્રણ ઍમ્બ્યુલન્સ ત્યાંથી ધીરે ધીરે બહાર નીકળતી જોઈ. 

કર્નલ પાઠક મીતભાષી હતા કે તેમના વીરગતિ પામેલા સૈનિકોના શોકમાં નિ:શબ્દ, કહી શકાતું નહોતું.  ઍમ્બ્યુલન્સમાં મારા સાથીઓનાં પાર્થિવ શરીર હતા…”

એકા બે મિનિટ શાંત રહ્યા પછી તેમણે જે વાત કહી, તથા તેમના અફસરોએ જે વિગતો લખી તેનું વૃત્તાંત આપીશું.

***



કર્નલ
પાઠક : 

મારી બટાલિયન રિઝર્વ - એટલે યુદ્ધમાં જરૂર પડે તો તેને ઉપયોગમાં લેવાય એવી રીતે ગોઠવવામાં આવી હતી. યુદ્ધમાં ભાગ લેવા નહીં મળે તે જાણીને મારા અફસરો અને જવાનો નાસીપાસ થયા હતા. અમારી 8 Sikh Light Infantry નવી ઊભી કરાયેલી બટાલિયન હતી. જો કે તેના સિનિયર સરદાર (સુબેદાર મેજર તથા અન્ય જુનિયર કમિશન્ડ ઑફિસર્સ) અને અનુભવી નૉન-કમિશન્ડ ઑફિસર્સ (હવાલદાર) અન્ય બટાલિયનોમાંથી લેવાયા હતા. બાકીના બધા યુવાન અફસરો તથા જવાન (રાઇફલમેન) ટ્રેનિંગ સેન્ટર્સમાંથી આવ્યા હતા. અમારા માટે added value હતી કે મારા સઘળા યંગ ઑફિસર્સ (સેકન્ડ લેફ્ટેનન્ટ/લેફ્ટેનન્ટ/કૅપ્ટન) કમાંડો ટ્રેનિંગ લઇને આવ્યા હતા અને વિશ્વની કોઇ પણ અગ્નિપરીક્ષા હોય તો તેનો સામનો કરવાની ક્ષમતા તેઓ ધરાવતા હતા.

મારી બટાલિયન 96 Infantry Brigadeમાં જોડાઇ. - ડિસેમ્બરની રાતે અમને સમાચાર મળ્યા કે પાકિસ્તાનની સેનાએ બુર્જ અને ફતેહપુરની ચોકીઓ પર કબજો કર્યો હતો. ત્યાર બાદ ડિસેમ્બરે અમારી સાથી 15 Maratha તથા ૨૩મી BSF બુર્જ પર હુમલો કરી જીતી લીધું હતું. હવે ફતેહપુર પાછું મેળવવાનો નિર્ણય લેવાયો ત્યારે અમને task મળશે એવું જાણવા મળ્યું ત્યારે મારા અફસરો અને જવાનોમાં ખુશીની લાગણી ફેલાઇ. અમે પ્રારંભિક recce કરી. પરિસ્થિતિ એવી હતી કે ભારતની ફતેહપુર ચોકીથી ૧૫૦ ગજ પર આંતરરાષ્ટ્રીય સીમા હતી. ત્યાંથી પાકિસ્તાનની નામની ચોકી લગભગ ૨૦૦ ગજ પર હતી, અને તેની પાછળ રાવી નદી. 

મારા આકલન પ્રમાણે તેમના હાથમાં ગયેલી આપણી ફતેહપુર ચોકી પાછી લેવાથી કામ પૂરૂં નહી થાય. અમારે તેમની ફતેહપુર ચોકી પણ કબજે કરવી જોઇશે. આમ ન કરાય તો તેઓ ત્યાંથી ભારે counterattack કરી શકે.  એવી યોજના હતી કે તેમાં વિજય - પરાજય વચ્ચે પાતળી રેખા હતી. તેમાં દૃઢતા, હિંમત અને સર્વસ્વ દાવ પર લગાડવાની ક્ષમતા કોનામાં છે તે યુદ્ધનું પરિણામ નક્કી કરશે.     મને મારા શીખ જવાનો અને યુવાન અફસરો પર પૂરો વિશ્વાસ હતો.

અમારૂં લક્ષ્ય - objective આપણી ફતેહપુર ચોકીને અડીને આવેલ ધુસ્સી બંધ હતો, જે ચોકટના એક્કાના આકારમાં ફેલાયો હતો. તેની પાછળ હતી આપણી ફતેહપુર ચોકી જેના પર તેમનો કબજો હતો. ત્યાંથી આંતરરાષ્ટ્રીય સીમાને પાર હતી તેમની નામની ચોકી અને તેની પાછળ રાવી નદી. આમ અમારા પ્રતિપક્ષની સુરક્ષા પંક્તિ ત્રણ દિવાલોની હારમાળા જેવી હતી. (વાચકોને ખ્યાલ આવે તે માટે તેનું રેખાચિત્ર નીચે આપ્યું છે.) અમારી recce પ્રમાણે જમીન પર સ્થિતિ નીચે પ્રમાણે દેખાતી હતી. ધુસ્સી બંધની ટોચ પર તેમણે બંકર બાંધ્યા હતા તે દેખાતું હતું. જો કે તેમાં ક્યા પ્રકારના શસ્ત્રો હતા તે આટલા ટૂંકા સમયમાં જાણી શકાયું નહીં.



સામાન્ય રીતે કોઇ પણ સ્થાન પર હુમલો કરવાનો હોય, તો સામે ધસી જવામાં સૌથી વધુ હાનિ થતી હોય છે. આથી કોઇ પણ હુમલો કરવાનો હોય તો પડખા તરફથી, એટલે કે flanking attack કરવાનું પસંદ કરાય છે. અહીં પરિસ્થિતિ વિષમ હતી. સામે ઉંધો ત્રિકોણ હતો અને તેની બન્ને બાજુના ધુસ્સી બંધ પર સીધી રક્ષા પંક્તિ. અહીંની રક્ષાપંક્તિમાં બેઠેલી પાકિસ્તાની સેનાને એવી અનુકૂળતા હતી કે તેમના પર કોઇ પણ દિશામાંથી હુમલો કરવાનો થાય તો તે frontal એટલે સામી છાતીએ ધસી જવા સિવાય કોઇ વિકલ્પ નહોતો. જાણે ઓછું હોય, દુશ્મને તેમની સામેના ભાગમાં માનવ અને વાહન વિરોધી માઈન્સ બીછાવી હતી. માનવ વિરોધી માઇન પર કેવળ વીસ રતલ વજન પડે તો જેનો પગ તેના પર પડ્યો હોય તે ધડાકા સાથે ઉડી જાય. અમે ચારે કંપનીઓનો સંયુક્ત હુમલો કરવાનો નિર્ણય લીધો. મેં મધ્યમાં રહી હુમલામાં ભાગ લેવાનું નક્કી કર્યું.” 

***

સેકન્ડ લેફ્ટેનન્ટ  I. N. Raiનું વૃત્તાંત :

ફતેહપુર પોસ્ટ પર હુમલો કરતી વેળાએ
સેકન્ડ લેફ્ટેનન્ટ રાયની તસ્વિર ડાબી બાજુએ. જમણી બાજુએ
વર્ષો બાદ મેજર થયા પછીની છબિ.


અમને રાતના ૧૧ વાગે હુમલો કરવાનો હુકમ મળ્યો હતો. બધી તૈયારી થઇ ગઇ હતી. ચારે કંપનીઓને જે લક્ષ્ય આપવામાં આવ્યું હતું તેનું અમે નિરિક્ષણ કરી લીધું હતું.

રાતના દસ વાગે શત્રુની રક્ષાપંક્તિ પર આપણી આર્ટિલરીએ બૉમ્બાર્ડમેન્ટ શરૂ કરયું. અમારી પાસે એક કલાકનો સમય હતો. જવાનોના લંગરમાંથી આવેલી ગરમાગરમ દાળ અને જાડી રોટલીઓનું ભોજન મારા સાથીઓ કૅપ્ટન કરમસિંહ અને લેફ્ટેનન્ટ નૈયર અને મેં સાથે કર્યું.  ભોજન પૂરું થયું અને અમે અમારી કંપનીઓમાં ગયા. અમારી ખાસ ટુકડીએ રાતના અંધારામાં આગળ જઇ દોરેલી લાઇન - જેને અમે FUP (Forming up place) કહીએ, ત્યાં જઇ, રાઇફલ પર સંગિન ચઢાવી, તૈયાર હાલતમાં બેઠા. રાતના બરાબર અગિયાર વાગે CO સાહેબની ગર્જના સંભળાઇ, “બોલે સો નિહાલઅને આખી બટાલિયન ગરજી, “સત શ્રી અકાલઅને અમે દોડીને દસ ફીટ ઉંચા ધુસ્સી બંધ તરફ ધસી ગયા. દુશ્મન તૈયાર બેઠો હતો. તેમણે પહેલાં મૅગ્નેશિયમની Flare (ઉજાસ) વાળા ગોળા હવામાં છોડ્યા, જેથી આખો વિસ્તાર પ્રકાશમય થઇ ગયો.તેઓ અમને ઉંચાઇએથી જોઇ શકતા હતા જેથી અમારા પર ફાયરિંગ શરૂ કર્યું. અમે તેમના હથિયારોની નળીમાંથી નીકળતા આગના તણખા સમાન ટ્રેસર રાઉંડ ( એવી ગોળી હોય છે, જેમાંથી લાલ પ્રકાશ નીકળે અને તે લગભગ અર્ધી મિનિટ સુધી ઝગમગગતો રહે છે, જે જોઇને ગોળી ચલાવનાર સૈનિક જોઇ શકે છે તેની ગોળી ક્યાં અથડાય છે). તેમની પાસે હતા એટલા બધાં હથિયારો વડે અમારા પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. ત્રણ દિશાએથી તેમની ભારે મશિન ગનના વણથંભ્યે ચાલતી ગર્જના સમા ધડાકા, તેમની લાઇટ મશિન ગનનો અવાજ અને રાઇફલમેનની રાઇફલોમાંથી રોકાઇ-રોકાઇને આવતા ધડાકા શરૂ થયા. વચ્ચેજ અમારા માર્ગમાં આવતી માઇન પર અમારા જવાનનો પગ પડતાં ધડાકા સાથે તે ફાટતી અને જવાનનો પગ કપાઇને હવામાં ઉડતો અને જવાન


જ્યારે હુમલો કરવા શીખ લાઇટ ઇન્ફન્ટ્રીના જવાન ધુસ્સી પરનો ઢાળ ચઢવા દોડી ગયા ત્યારે
તેમના પર થયેલ ગોળીબાર આ પ્રકારનો હતો. મશિનગનોનું સંધાન એવું હતું કે તેના cross fireમા
મોટા ભાગના સૈનિકો સપડાય. મિડિયમ મશિનગન ૮૦૦ ગજ દૂરથી અને LMG ૩૦૦ ગજ દૂરથી
માણસ કે પ્રાણીને ઢાળી શકે. 


અમે જેવા તેમના બંકર સુધી પહોંચ્યા, તેમના ફાયરિંગની ઉત્કટતા વધી ગઇ. હવે તેમણે અમારા ધસી જતા સૈનિકો પર anti-tank ગોળા ચલાવતી RCL (રિકૉઇલલેસ ગન)ના ગોળા છોડવાની શરૂઆત કરી. પહેલો ગોળો મારા ભાઇબંધ કૅપ્ટન કરમસિંહના શરીરની આરપાર નીકળી ગયો. તેના શરીરના બે ટુકડા થયા. કોઇ પૂછશે, શક્ય છે?

હા. સત્ય છે. વિચાર કરો, RCL ના નક્કર ધાતુના ગોળાનો વ્યાસ ૧૦૬ મિલિમિટર હોય છે.  તેની ગતિ અને ઘાતક શક્તિ એટલી ભયંકર હોય છે કે ઇંચ જાડી પોલાદની ભીંત સમી ટૅંકને ૩૦૦ ગજ દૂરથી ભેદીને ટૅંકમાં બેસેલા સૈનિકોને ધ્વસ્ત કરી શકે છે. કરમસિંહ પર ગોળો કેવળ ચાર ફીટના અંતરેથી વાગ્યો હતો.  બીજી તરફ લેફ્ટેનન્ટ નૈયર તેના સૈનિકો સાથે મિડિયમ મશિનગનના મોરચા પર ચઢી ગયો. મશિનગનનો બર્સ્ટ તેના ચહેરા પર વાગ્યો અને તે પણ ક્ષણે વીર થયો. 

બહાદુર શીખ જવાનો ધુસ્સી પર ચઢ્યા અને હાથોહાથની લડાઇ શરૂ થઇ.  તેઓ તેમની રાઇફલ અને બૅયોનેટ સાથે અને અમે અમારી રાઇફલ-બેયોનેટ સાથે લડ્યા. અમે ખુલ્લામાં હતા જ્યારે તેઓ સુરક્ષિત બંકરમાં - જ્યાં તેમના પર અમારી તોપના ગોળાઓથી મોટા ભાગે બચી ગયા હતા. અમારા સૈનિકો ટપોટપ પડતા હતા, પણ મરતાં મરતાં પણ તેઓ કહેતા હતા, ‘સાબજી સાઢી ફિકર મત કરના. તુંસી  બઢો, ખતમ કરો ઉન્હાંનૂ”.

એક ક્ષણ તો એવું લાગ્યું કે હુમલો કદાચ નિષ્ફળ જશે. તેમની રક્ષાપંક્તિ એટલી મજબૂત હતી કે પૂછો વાત. ત્રિકોણની બે પાંખ પર કબજો થયો, પણ ટોચ પરથી હજી success signal આકાશમાં વેરી લાઇટ પિસ્તોલમાંથી છોડાતી લીલા પ્રકાશ વાળી ગોળી હજી આવતી દેખાઇ નહી.”

હવે વાત સાંભળીએ કર્નલ પાઠકની :

ત્રિકોણના ટોચ પર કબજો કરવાનું કામ મેં મેજર તિરથસિંહ અને તેની આલ્ફા કંપનીને સોંપ્યું હતું. એક કંપનીમાં લગભગ સો જવાન હોય છે. તેના વાયરલેસ મૅસેજ આવતા હતા. ‘સર, લક્ષ્ય પર પહોંચી ગયો છું, પણ મારા પર તેઓ કાઉન્ટર ઍટેક કરી રહ્યા છે. મારી પાસે કેવળ  પંદર જવાન રહ્યા છે. બાકીના વીરગતિ પામ્યા કે ઘાયલ થયા છે. હું સામનો કરી રહ્યો છું." 

કેટલીક મિનિટ બાદ ફરી મેજર તિરથસિંહનો વાયરલેસ રણક્યો. 'સર, ઍટેકને નિષ્ફળ કર્યો છે. હવે મારી પાસે ચાર જવાન રહ્યા છે. દુશ્મન regroup કરીને આવી રહ્યો છે. મારા આગલા વાયરલેસની રાહ જુઓ.’

બે મિનિટ બાદ મેજર તિરથસિંહનો સંદેશો અવ્યો, ‘રેડ ઓવર રેડ ઓવર રેડ. આઇ રિપિટ, રેડ, રેડ, રેડ.”

હું ચોંકી ગયો. રેડ.રેડ,રેડનો અર્થ થાય છે, મારા પર આર્ટિલરીના ગોળા વરસાવો, કેમ કે દુશ્મન મારા મોરચા પર પહોંચી ગયા છે. મારી પાસે તેમનો સામનો કરવા કોઇ સૈનિક બચ્યો નથી. દુશ્મનને ખતમ કરવાનો એક મોકો છે. મેં તેને પૂછ્યું, ‘Are you sure?’ તિરથસિંહે  ફરી કહ્યું, રેડ, રેડ. રેડઅને તેનો વાયરલેસ સેટ બંધ પડી ગયો. અમે તરત તેની position પર આર્ટિલરીના ગોળાઓ વરસાવ્યા. તે બંધ થતાં હું કૂમક લઇને તેની પોઝિશન પર પહોંચ્યો. તિરથસિંહ અને તેના જવાન જીવિત નહોતા. તેમની સામે અને આસપાસ લગભગ પચાસે જેટલા દુશ્મન સૈનિકો મરેલી કે ઘાયલ અવસ્થામાં પડ્યા હતા

    અમે ભારે કિંમત આપીને પણ લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું. અમે બાકી બચેલા જવાનો સાથે આગળનો વિસ્તાર clear કર્યો અને દુશ્મનને કેવળ સરહદ પાર જ નહી, રાવી નદીને પાર તગેડી મૂક્યો હતો.  મને મારા સૈનિકોના શૌર્ય પર ગૌરવની ભાવના છે. તેમણે અમને મળેલી કામગિરીને સફળતા કરી બતાવી. "

હુમલામાં શીખ લાઇટ ઇન્ફન્ટ્રીના ત્રણ યુવાન અફસર અને ૩૮ જવાન વીર ગતિ પામ્યા. ૧૦૧ ઘાયલ થયા. દુશ્મન પર ચાર્જ કરતી વેળાએ તેમના ગોળીબાર અને માઇન્સના સ્ફોટમાં અમારા ઘાયલ થયેલા જવાનોને સારવાર માટે લઇ જવા ઍમ્બ્યુલન્સ બોલાવી. અમારા રેજિમેન્ટલ મેડિકલ ઑફિસર તેમના પૅરામેડિક સાથે રણમેદાનમાં આવ્યા અને તેમની ગાડી ઍન્ટી ટૅંક માઇન પર એવા ધડાકા સાથે હવામાં ઉછળી, તેમાંના બે પૅરામેડિક મૃત્યુ પામ્યા. ડૉક્ટર ગંભીર રીતે ઘાયલ થયા. શીખ જવાન એવા ગંભીર રીતે ઘાયલ થયતા હતા, તેમની સ્થિતિ વર્ણવી શકાય તેવી નથી."

યુદ્ધમાં વિજય મેળવવા માટે 8 Sikh Light Infantryને એક મહાવીર ચક્ર, પાંચ વીર ચક્ર - જેમાં એક મરણોપરાંત, ચાર સેના મેડલ - જેમાંના બે મરણોપરાંત અને ત્રણ મેન્શન્ડ ઈન ડિસ્પૅચીઝ એનાયત થયા. મહાવીર ચક્ર મેળવનાર હતા કર્નલ પાઠક, જેઓ આગળ જતાં મેજર જનરલના પદ પર નિવૃત્ત થયા.

મિલિટરીમાં એક શિરસ્તો છે. જે બટાલિયન તેને આપવામાં આવેલા લક્ષ્યને સિદ્ધ કરે અને વિજયી થાય, તેને Battle Honour અપાય છે. જે  સમગ્ર ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરાક્રમ દાખવે તેને Theatre Honour અપાય છે. 8 Sikh Light Infantryને Theatre Honour Fatehpur એનાયત થયું. ફક્ત વર્ષ પહેલાં ખડી કરાયેલી યુવાન બટાલિયનની સિદ્ધી સાચે અભૂતપૂર્વ હતી

કર્નલ પાઠકને અભિવાદન અને તેમના સૈનિકોના અવસાન માટે સંવેદના વ્યક્ત કરી અમે પાછા ફર્યા. મને હજી પણ પ્રસંગ યાદ છે.  આંખ બંધ કરીને તેમણેકરેલ યુદ્ધ નિનાદ।બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલમારી સામેના  Diamond shapeના ફતેહપુરના ધુસ્સી બંધમાં ગરજી ઉટ્યા હતા તેના વિચારથી   તેનો ધ્વનિ સંભળાય છે. વીર સૈનિકોને આદરાંજલી સાથે, વાહે ગુરુજી કા ખાલસા, વાહે ગુરુજી કી ફતેહના અભિવાદન સાથે આપની રજા લઇશું.

    જિપ્સીને ૧૯૭૧ના યુદ્ધમાં થયેલા અનુભવોમાંનો આ એક અભૂતપૂર્વ અનુભવ હતો.

3 comments:

  1. “બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ’
    આ વીર સૈનિકોને આદરાંજલી
    વાહે ગુરુજી કા ખાલસા,
    વાહે ગુરુજી કી ફતેહના અભિવાદન
    સાથે સલામ

    ReplyDelete
  2. હ્રદય કંપાવી દેતી ભયાનક ઘટનાઓનાં એકદમ તાદૃશ્ય વર્ણનમાં પણ બેમિસાલ ભાષાકર્મ જોઇને માની શકાતું નથી કે રણમેદાનમાં પણ આવી કોઇ હસ્તી હોઇ શકે ? શીખો વિષેની આપની કમેંંટ્સ સાથે હું સો ટકા સહમત છું. એમની કોમગત હાંસી ઉડાવવી એ અસંકારિતા છે. આપને અને આપના સાથીઓને સેલ્યુટ !

    ReplyDelete
  3. આ સત્યકથાઓ વાંચતો હોઉં છું ત્યારે મારા મનમાં સતત એક ગુન્હાહિત ભાવના જાગે છે કે તે સમયે 17 વર્ષનો હું બિલકુલ બેજવાબદાર અને બ્રફિકરા યુવાન જેમ જ મિત્રો સાથે હોસ્ટેલની જિંદગીની મજા ઉડાવી રહ્યો હતો.
    આપની શૈલી અદભુત છે.

    ReplyDelete