Pages

Sunday, September 19, 2021

વિદાય - ફરી એક વાર - અને યુદ્ધની શરૂઆત

       અનુરાધાને મૂકવા અમૃતસર સ્ટેશન પર ગયો, મને ૧૯૬૫ના એપ્રિલની ઝાંસી સ્ટેશન પરની બપોર યાદ આવી. ત્યારે ઝાંસી સ્ટેશન પર મને મૂકવા અનુરાધા આવી હતી. એકલી. આ વખતે તે એકલી નહોતી. તેની સાથે અમારા બે બાળક, છ વર્ષની કાશ્મીરા અને દોઢ વર્ષનો રાજેન હતા અને તેમને સ્ટેશન પર છોડવા હું ગયો હતો. આ સમયે  પરિસ્થિતિ જુદી હતી. યુદ્ધ તો થવાનું જ હતું. ખુદ અમારા આર્મી ચીફ સૅમ બહાદુરના મુખેથી સાંભળેલા શબ્દોમાં કેવળ ભવિષ્યવાણી નહીં, પ્રતિજ્ઞા હતી. અજનાલામાંના અમારા હેડક્વાર્ટર્સમાં આવેલા પારિવારિક આવાસ પાકિસ્તાનના ભારે તોપખાનાની રેન્જમાં હતા. લગભગ સઘળા પરિવારોને સુદૂર આવેલા વતનના ગામે મોકલવા પડ્યા હતા. પાંચ વર્ષના લગ્નજીવનમાં વિખુટા પડવાનો આ બીજો પ્રસંગ હતો. આ પાંચ વર્ષમાં ગંગાના પ્રવાહમાં ઘણું પાણી વહી ગયું હતું. ૧૯૬૫માં અનુરાધાનું ધ્યાન રાખવા બાઇ હતાં. આ વખતે કોઇ નહીં. બાઇના અવસાન બાદ જીવનમાં આવેલા વાવાઝોડામાં વતનમાંના અમારાં મૂળીયાં  હચમચી ગયા હતા. ફ્રન્ટિયર મેઇલના ગાર્ડના ડબા પાછળનો લાલ દિવો અવકાશમાં લુપ્ત થયો ત્યાં સુધી હું હાથ હલાવી મારા નાનકડા પરિવારને 'આવજો' કરતો રહ્યો. મારા વન-ટન ટ્રકનો ડ્રાઇવર ડોગરા રાજપુત યુવાન રણજીતસિંહ દૂરથી મને જોઇ રહ્યો હતો. તેણે મારી સંવેદના સમજી હોવી જોઇએ, કેમ કે તેણે મને ભાનમાં લાવવાનો પ્રયત્ન ન કર્યો, ના તેણે કહ્યું, 'સાબજી, રેલગાડી ચલ પડી. હૂણ ચલિયે ?"   સાહેબ, ટ્રેન તો જતી રહી. હવે જઇશું?

    પ્લૅટફોર્મ પર ફેલાયેલી શાંતિમાં મને અચાનક ભાન આવ્યું. કયા વિચારોમાં હું ખોવાયો હતો કોણ જાણે. કદાચ એ પણ હશે કે આ વખતે ફરી મળીશું કે કેમ. ખેર, આ વિચાર વમળમાં આપને નહીં ખેંચું. ભલા માણસો કહેતા હોય છે કે આનંદ વહેંચવાથી તે બમણો થાય છે અને વ્યથા અર્ધી. આ અર્ધસત્ય છે. આનંદ કેવળ આત્મીયોમાં વધે છે. કોઇની વ્યથા અને પાપમાં કોણ ભાગિદાર થવા કોઇ તૈયાર હોતું નથી. હોય તો કેવળ વાણી વિલાસ. 

    પરમાત્મા પરમકૃપાના સિંધુ છે, અને તેમની કૃપાબિંદુઓની વર્ષાથી તેઓ સૌને અભિસિંચિત કરતા રહે છે. તેમ છતાં કાળચક્ર તથા કર્મના શાશ્વત નિયમોને તેમનું કામ કરવું જ પડે છે.  એ તો હળવે, મક્કમ પગલે ચાલ્યા કરે છે, અને તેમની સાથે જોડાયા છે કરોડો માનવીઓનાં ભવિતવ્ય અને કર્મ ફળ. કેટલાક ગયા જન્મનાં બાકી રહેલા અને હાલના જીવનના બનેલા પ્રારબ્ધ, પૂર્વલિખિત. બાકીનાં તેણે સમજી, વિચારીને કે અવિચારમાં આવીને કરેલાં કૃત્યોનાં ફળસ્વરુપ. તેમાંથી પ્રાણીમાત્ર કેવી રીતે છુટી શકે? સૃષ્ટિની રચનામાં માનવીનું અસ્તિત્વ ક્ષુદ્ર રજકણ જેવું છે. આવા કોટ્યાવધિ રજકણોને નિસર્ગના સર્જનમાં કોઇને વ્યક્તિગત મહત્વ નથી, કે નથી કોઇ સ્થાન. એ તો તેણે કરેલા કર્મોની કક્ષામાં, કર્મના ગુરુત્વાકર્ષણની અસર નીચે ખેંચાતો રહે છે, ભટકતો રહે છે.

    વર્ષો બાદ મેં અનુરાધાને પૂછ્યું : તે સાંજે અમૃતસર સ્ટેશનેથી ઘેર જવા તમે નીકળ્યા ત્યારે યુદ્ધનાં પરિણામનો કોઇ વિચાર આવ્યો હતો?"

    "સાચું કહું તો ના. મારો પરમાત્મા પર પૂરો વિશ્વાસ છે. આપણું કામ છે પરમકૃપાળુની પરમ શક્તિ પર શ્રદ્ધા રાખવાનું. ભવિષ્યની ચિંતા આપણે ભગવાન પર છોડીને આપણું કર્તવ્ય બજાવતા રહિએ તો પરમાત્મા આપણું રક્ષણ કરશે. અમૃતસરથી ટ્રેન નીકળી ત્યારે હાથ જોડીને પરમાત્માને એ જ પ્રાર્થના કરી હતી. ત્યાર પછી કાશ્મીરા અને રાજેનનું ધ્યાન રાખવામાં મન પરોવ્યું હતું."

    ચમત્કાર કહો, સંજોગ કહો, એ જ ટ્રેનમાં નુરાધાની પિત્રાઇ બહેન મંદાકિની અને તેના પતિ કાશ્મિરનો પ્રવાસ કરી અમૃતસરનું સુવર્ણ મંદિર જોવા ગયા હતા. ત્યાંથી તેઓ મુંબઇ પાછા જઇ રહ્યા હતા. તેમને સીટ મળી હતી અનુરાધાના કૂપે (coupé)ની બાજુના કમ્પાર્ટમેન્ટમાં!  અમૃતસરથી ટ્રેન છુટ્યા બાદ રાજેનને બાથરૂમમાં લઇ જતી વખતે તેણે મંદાકિનીને જોઇ - અને ઠેઠ વડોદરા સુધી તેમનો સંગાથ રહ્યો.

***

    બટાલિયનમાં પહોંચ્યા બાદ પરિવારનો વિચાર કરવા માટે એક સેકંડનો પણ સમય નહોતો રહ્યો. વહેલી સવારથી અમારી આઉટપોસ્ટની મુલાકાતે નીકળી જતો. રાવિ પારની ચોકીઓ, જે આંતરરાષ્ટ્રીય સીમાથી કેવળ દોઢસોથી ત્રણસો ગજના અંતરે હતી, તેના બંકરોમાં ફરજ બજાવી રહેલા દરેક જવાન પાસે જઇ ચકાસણી કરતો હતો કે દરેક સૈનિકને તેની arc of fire (તેની જવાબદારીના વિસ્તારની ડાબી અને જમણી હદ, જેમાં દુશ્મન પ્રવેશતાં, તેના કમાંડરનો હુકમ મળતાં તેમાં ફાયરીંગ કરવાની) જાણ છે, અને તે અંગેના હુકમનું પાલન કરવા વિશે તેને પૂરો ખ્યાલ અને વિશ્વાસ છે.


બાજુની આકૃતિમાં ત્રણ રાઇફલમેન છે. તેમાંના દરેક સૈનિક માટે તેની ડાબી અને જમણી હદ નક્કી કરવામાં આવે છે, અને તેના જમીન પરના ચિહ્નો તેણે પોતાની હાથની રેખાની જેમ યાદ રાખવાની હોય છે. દાખલા તરીકે ડાબી બાજુના જવાનની ડાબી હદ છે સડક પરના ગરનાળાની ડાબી હદ અને જમણી હદ છે બે રસ્તાનું જંક્શન અને તેનો જમણો કિનારો. આ થયો તેનો arc of fire. તેની બહાર તેણે ફાયરીંગ કરવાનું ન હોય, કેમ કે ત્યાં બીજા સૈનિકની જવાબદારી શરૂ થાય છે. અહીં જોવા મળશે કે એક સૈનિક ન કેવળ પોતાના વિસ્તારને cover કરે છે, પણ તેની arcમાં તેના સાથીનો ડાબી અને જમણી બાજુ (flank) પણ ગોળીબારના ક્ષેત્રમાં સામેલ થાય છે. 

   બટાલિયનના ઑપરેશન્સ ઑફિસર તરીકે જિપ્સીએ દરેક ચોકીમાં જઇ, પ્રત્યેક જવાનની તૈયારીની ચકાસણી કરવાનું શરૂ કર્યું. અમારા જવાન મુખ્યત્વે શીખ, હિમાચલના ડોગરા રાજપુત અને કેરળના યુવાનો હતા. સૌ તૈયાર હતા. સૌનાં હોંસલા બુલંદ હતા. એક એક જવાનની હિંમત અને જુસ્સો શિખર પર હતો. 

     અમારા પંજાબ ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશ્વિની કુમાર તેમની હિંમત, શૌર્ય અને રણનીતિ માટે પ્રખ્યાત હતા. આપણા વાચકમાંના કોઇક વડિલને યાદ હશે કે સૌરાષ્ટ્રમાં ભુપત બહારવટિયાએ આતંક મચાવ્યો હતો. ગુજરાત પોલીસ તેના પર કોઇ રીતે કાબુ કરી શકી નહોતી. તે સમયે પંજાબના યુવાન આ જ અશ્વિની કુમાર ડેપ્યુટેશન પર આવ્યા હતા અને તેમના સહકારી શ્રી. કાનેટકર સાથે અભિયાન ચલાવી તેનો એવો પીછો કર્યો કે ભુપતને દેશ છોડી પાકિસ્તાન પલાયન કરવું પડેલ. અશ્વિની કુમારને  BSFના જવાનોની ચિંતા હતી. યુદ્ધની હવા પ્રચંડ જોશથી ફૂંકાતી હતી. ૧ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ તેમણે સંદેશ મોકલ્યો કે તેઓ સીમા પરની અમારી ચોકીઓની મુલાકાતે 5 Decemberના રોજ આવશે. અમારા CO શ્રી. ભુલ્લરે મને જવાબદારી સોંપી કે મારે તેમને C કંપનીના હેડક્વાર્ટરમાં sand model બનાવી તેના પરથી તેમને અમારા મોરચા, અમારી સામે પાકિસ્તાનની કઇ સેના છે અને તેમના મોરચા, તેમના હુમલાનો સંભવિત માર્ગ અને તે ખાળવા અમારી તૈયારી, તે વિશે briefing કરવાનું છે.  મેં તૈયારી કરી, તેની પ્રૅક્ટિસ કરી. તે સમયે અમારી ચોકીની છત પર ભારતીય વાયુસેનાની ટુકડીઓ તેમને મળેલી આધુનિક (પણ હાલ નકામી !) Warning Systemના ઉપકરણ લઇને  24x7 ફરજ બજાવી રહ્યા હતા. આ એવું વાયરલેસ ઉપકરણ હતું કે સામી દિશામાંથી દુશ્મનોનાં બૉમ્બર/ફાઇટર જેટ આપણા પ્રદેશમાં પ્રવેશ કરે અને IAFની ડિટેચમેન્ટને દેખાય કે આ યંત્રનું ફક્ત બટન દબાવવાથી અમૃતસરના રાજાસાંસી ઍરપોર્ટ પરના ફાઇટર પાઇલટ scramble કરી તેમના વિમાનોમાં ઉડ્ડયન કરી દુશ્મન વિમાનોનું સામૈયું કરે.

    મારા briefingનું ડ્રેસ રિહર્સલ કરવા શ્રી. ભુલ્લરને લઇ હું કંપની હેડક્વાર્ટરમાં ૪ ડિસેમ્બરની સાંજે પહોંચ્યો. મારૂં બ્રિફિંગ પુરૂં થયું ત્યાં તો અમારા હેડક્વાર્ટરની છતથી કેવળ વીસ - પચીસ ફિટ ઉપરથી ત્રણ જેટ વિમાનો પાકિસ્તાન તરફથી આવ્યા અને દક્ષિણમાં અમૃતસર તરફ ગયા. અમને આપણા અને પાકિસ્તાનના વિમાનોના માર્કિંગથી ઓળખવાની ટ્રેનિંગ મળી હતી તેથી અમે તે તરત પહેચાની શક્યા. ત્યાં ઍર ફોર્સના સાર્જન્ટે બૂમ પાડીને પૂછ્યું, 'સર આ પાકિસ્તાનીઓ હતા ને?' અમે હા પાડતાં જ તેણે બટન દબાવી રાજાસાંસી, આદમપુર અને આસપાસના ઍર પોર્ટ પર જાણ કરી. સમગ્ર કાર્યવાહી અર્ધી મિનિટથી ઓછા સમયમાં પૂરી થઇ. પાંચ મિનિટ પણ નહીં થઇ હોય ત્યાં આ વિમાનો આવ્યા તેવા જ પાછા ફર્યા અને તેમનો પીછો કરી રહ્યા હતા આપણા સુખોઇ 7 - જેને તે સમયે અમે Su-Sevenના નામે જાણતા.

   PAF (પાકિસ્તાન ઍર ફોર્સ) દ્વારા થયેલ હુમલો pre-emptive strike હતો. આ એ વાતનું દ્યોતક હતું કે તેમણે પશ્ચિમમાં મોરચો ખોલી દીધો હતો.

    યુદ્ધની વિકરાળ વાસ્તવિકતા હવે કેવું સ્વરુપ ધારણ કરશે તેનો અંદાજ કરવો મુશ્કેલ હતો. અમે હેડકક્વાર્ટર્સ પહોંચ્યા . 

    રાત ના દસ વાગે સીમા પર તોપના ધડાકા શરૂ થઇ ગયા. આ હતું તેમનું preparatory bombardment. પૂર્ણ કક્ષાના યુદ્ધની શરૂઆતનો આ  શંખનાદ હતો. તેની સાથે અમારા સિગ્નલ સેન્ટરના વાયરલેસ સેટ ધણધણી ઊઠ્યા.

(વધુ આવતી પોસ્ટમાં)

1 comment:

  1. આપની મનોસ્થિતી એવં વેદનાની-''સાબજી, રેલગાડી ચલ પડી. "હૂણ ચલિયે ?" કસક કરતી અભિવ્યક્તી
    'arc of fire 'વાંચતા 'Joan of Arc' ની વાત યાદ આવી પણ આ મીલિટરીની વાત સાથે યુદ્ધની શરૂઆતનો શંખનાદ ની રસિક વાતો સાથે ઘણું નવુ જાણવા મળ્યું-
    વધુની રાહ

    ReplyDelete