Pages

Monday, August 30, 2021

સંહારનો ઉપસંહાર (૧)

    અમદાવાદમાં પ્રલયકાંડની સમાપ્તિ બાદ શરૂ થઇ ગયું રાજકારણ. આપણો દેશ સ્વતંત્ર થયા બાદ આવું હંમેશા થતું આવ્યું છે. ખાસ કરીને લોકસભામાં જેમ જેમ વિરોધ પક્ષોનો ઉગમ થતો ગયો, તેમ તેમ રાજકારણમાં કૂટનીતિનો પ્રારંભ થતો ગયો. અગાઉના એક અંકમાં 'History repeats itself'નો ઉલ્લેખ કર્યો હતો. આપને આશ્ચર્ય થશે કે જે વાત ઇંગ્લૅંડમાં સન ૧૭૨૫માં બની ગઇ તે ભારતમાં ૧૯૪૭માં બની. ઇંગ્ડના ધનાઢ્ય જમીનદાર ઘરાણામાં જન્મેલ રૉબર્ટ વૉલપોલ Whig Partyના બ્રિટનના પહેલા પ્રાઇમ મિનિસ્ટર થયા હતા અને તેઓ આ પદ પર સત્તર વર્ષ (૧૭૨૫થી ૧૭૪૨) સુધી રહ્યા. વ્હિગ પાર્ટીનું આટલા લાંબા સમયનું અબાધિત રાજ્ય  ઇતિહાસમાં 'Whig Oligarchy' નામથી ઓળખાયું. ભારતના પ્રથમ વડા પ્રધાન શ્રી. જવાહરલાલ નહેરૂને સર રૉબર્ટ વૉલપોલ સાથે સરખાવી ન શકાય, કારણ કે સર રૉબર્ટ ભ્રષ્ટ રાજપુરુષ હતા અને ભ્રષ્ટાચાર માટે તેમને છ મહિના કેદમાં જવું પડ્યું હતું. નહેરૂની ખ્યાતિ પ્રામાણિક વડા પ્રધાન તરીકેની હતી. ઇતિહાસનું પુનરાવર્તન બ્રિટનની વ્હિગ અને ભારતના કૉગ્રેસ પક્ષના લાંબા, અબાધિત રાજ્ય અંગેની છે, જે બન્ને દેશના પહેલા વડા પ્રધાનના સમયમાં થઇ. વ્હિગ પાર્ટીની સત્તા કેવળ ૧૭ વર્ષ ચાલી જ્યારે કૉંગ્રેસ પાર્ટીની સત્તા તેથી પણ વધુ. કહેવાનું તાત્પર્ય એક જ છે : કોઇ પણ પક્ષની સરકાર સામે કોઇ સમજદાર, સક્ષમ વિપક્ષ ન હોય ત્યાં કુરાજ્ય ચાલવાનું. સર રૉબર્ટ વોલપોલ જેવા ભ્રષ્ટ રાજકારણીઓ દેશ પર રાજ્ય કરતા રહેવાના.

    અહીં એક રસપ્રદ વાત કહેવા જેવી છે : 'Every man has his price'ની રાજકારણમાં પ્રખ્યાત થયેલી ઉક્તિ આ જ સર રૉબર્ટ વૉલપોલની છે. આપે નક્કી કરવાનું છે ભારત માટે આજના યુગમાં તે કેટલી બંધ બેસતી લાગે છે, અને તે ક્યારથી થતી આવી છે!

*** 

    ભારતને આઝાદી મળ્યા બાદ આપણા શરૂઆતના સ્વાતંત્ર્યવીરોમાં નિ:સ્વાર્થ દેશસેવાની ભાવના હતી. ધીમે ધીમે તે લોપ પામી. દેશમાં પ્રજાતંત્ર આવ્યું. 'નેતા'ઓ તેમને મળેલી અપૂર્વ લોકપ્રિયતાને કારણે પ્રચંડ બહુમતથી ચૂંટાતા આવ્યા. તેમના હાથમાં અબાધિત સત્તા આવી. તેમાં તેમને મળતા અમર્યાદિત લાભ તેમના માટે જાણે વાઘ પહેલી વાર મનુષ્ય રક્ત ચાખે અને ત્યાર બાદ તેની લત લાગે, તેવું થયું. સત્તા, સમૃદ્ધિ અને ઐહિક સુખોના ઉપભોગની લાલસાને કારણે પોતાનું પદ કાયમ રહે અને વંશપરંપરાગત બની રહે તે માટે રાજકારણીઓ જે તક મળે તેનો ઉપયોગ કરવા લાગ્યા. તેમના માટે મોટામાં મોટી તક હતી બહુમતની મહત્તા (majoritarian powerbase). તેનું મહત્વ જોવામાં આપણા નેતાઓને બહુ સમય લાગ્યો નહીં. તેમાંથી જન્મ્યું વોટ બૅંકનું રાજકારણ. તુષ્ટીકરણની કુનીતિ. અંગ્રેજોની divide and ruleની કપટનીતિથી આપણા નેતાઓ વાકેફ હતા. તેમાં ઉમેરાયા કાવાદાવા અને તેનો ભોગ બની જનતા તથા રાષ્ટ્રવાદ. ગાંધીજીના કેટલાક સૂત્રો : જનતાના પૈસાની એક એક પાઇનો હિસાબ જનતાને આપવો જોઇએ, અને રાષ્ટ્ર હિત સર્વોપરી છે - તેવા સાદા, સરળ નીતિ સૂત્રો તેમની વિદાય બાદ  ભુલાઇ ગયા.

    'નેતા'ઓએ પોતાનું વ્યક્તિગત સામ્રાજ્ય અને સત્તાનો પાયો મજબૂત કરવા રાજરમતનો ચોપાટ રચ્યો અને પોતે બની ગયા તેના સૂત્રધાર - શકુનિ. પરિણામે મહાભારતની જેમ કોઇનો સર્વનાશ થયો  હોય તો તેમના પર વિશ્વાસ રાખી તેમને મત આપનાર મતદાતા,  તથા કાયદા-કાનુનના ચોકઠામાં રહી જીવન નિર્વાહ કરવા મથતા સામાન્ય પ્રજાજનો - જેમાં હિંદુ, મુસલમાન, દલીત, સવર્ણ, ગરીબ, અમીર - બધા આવી ગયા. મિથ્યા પ્રચાર - સમાચાર (misinformation) તથા સચ્ચાઇ બતાવતી માહિતીને પ્રકટ થતી અટકાવવા  disinformationનો છૂટથી થતા ઉપયોગમાં રાજકારણીઓના સહભાગી બન્યા કેટલાક સ્વાર્થી  પત્રકારો અને ઊદ્યોગપતિઓના નિયંત્રણ હેઠળના સમાચારપત્રો. દેશમાં જુદા જુદા ધર્મના અનુયાયીઓ વચ્ચે હિંસા, સામ્યવાદ વિરુદ્ધ મૂડીવાદ જેવી રાજકીય માન્યતા અને જાતીઓ વચ્ચેના ભેદ તેમણે વધુ તીવ્ર કર્યા. તેમાં પીસાતી જનતાના તારણહાર તેઓ જ છે, અને પ્રતિપક્ષ પ્રજાના શત્રુ એવી મિથ્યા માન્યતા જનતામાં ફેલાવી અને વોટ બૅંક તૈયાર કરી. હિંદુ - મુસલમાન વચ્ચે મતભેદની જ્વાળા પર હવા ફૂંકી. જ્યાં જ્યાં દલીત વિરૂદ્ધ સવર્ણ, સામ્યવાદ વિરૂદ્ધ બાકીના બધા - એવા જમાનાથી ચાલી રહેલા વિખવાદને જીવતો રાખી તે દ્વારા સ્વાર્થ સાધતા રહ્યા. 

    દેશમાં ધર્મ આધારિત મનદુ:ખને કારણે જે હિંસા થતી અવી તેની સૌથી સખત અગનઝાળ લાગી હોય તો તે ગુજરાતને. દરેક ગુજરાતી આ જાણે છે. પણ તેનો ઉકેલ કોણ લાવે? ભૂતકાળમાં આપણા પ્રદેશમાં અન્ય સમસ્યાઓની પરાકાષ્ઠા થઇ ત્યારે આપણે તેનો વિરોધ કરી સત્તા પલટો પણ આણ્યો. મહાગુજરાત, નવનિર્માણ, મોંઘવારી વિરોધ જેવા આંદોલનોએ ચીમનભાઇ પટેલ જેવી સરકારને હઠાવી ; મોરારજી દેસાઇ જેવા મોટા ગજાના નેતાને પણ ગુજરાતની પ્રજાએ પાઠ શીખવ્યો અને તેમને નમાવ્યા. પણ પ્રજા પણ કેટલું લડે? સમસ્ત પરિવારનો ભાર જેમના પર છે તેવા કામદાર, ઑફિસમાં કામ કરનાર વ્યક્તિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ - આ બધા રાજકારણીઓની જેમ full time આંદોલનકારી નથી હોતા. આ privilege વિદેશથી મળતી આજીવિકા પર નભતા સામ્યવાદી અને તેમના દ્વારા પોષાતા ખાઇબદેલા આંદોલનજીવીઓ પાસે જ છે.  અંતે જનતા વિરોધ કરવાનું ભુલી ગઇ. કોમી તોફાન, મોંઘવારી, બેરોજગારી રોજીંદી સમસ્યાઓનો ઉકેલ શોધવા મથતી ગૃહિણીઓ - સૌએ નસીબ પર વાત છોડી. જે આવે તેનો સ્વીકાર કરી, સહનશીલતા કેળવી, પોતપોતાના કામમાં ગૂંથાવામાં સૌ વ્યસ્ત થઇ ગયા. પ્રશ્નો વણ ઉકેલાયા રહ્યા અને સમય સમય પર તેનો વિસ્ફોટ થતો રહ્યો. 

    ૧૯૬૯ના કોમી માનવ સંહારની શરૂઆત ધર્મના રાજકરાણથી થઇ અને તેના અંત બાદ પણ રાજકારણ ચાલુ જ રહ્યું. હુલ્લડ શરૂ થતાં પહેલાં કેટલાક બનાવ બની ગયા તે વિશે અગાઉ સંક્ષિપ્ત વાત કરી છે. તોફાનો શમી ગયા બાદ આક્ષેપ - પ્રત્યાક્ષેપની ઝડી શરૂ થઇ ગઇ અને સરકાર તરફથી બહાનાં. એક વાત, જે સઘળા 'Political Analysts', અખબારોના તંત્રીઓ તથા કહેવાતા નિષ્પક્ષ પરદેશી અને વામપંથી વિશ્લેષકોએ સ્વીકારી તે હતી હિતેન્દ્ર દેસાઇ સરકારની નબળાઇ, અક્ષમતા અને કૌશલ્ય-હીન વહીવટ. વામપંથી, 'ઉદારમતવાદી' લિબરલ અને હાલ પ્રખ્યાત થયેલા (અને તે વખતે પણ સક્રિય હતા તે) સેક્યુલર અને વિદેશી 'નિષ્ણાત' તો એટલી હદ સુધી કહી ગયા કે ૧૯૬૯ના કોમી તોફાનો પૂર્વનિયોજિત હતા ! 

    સવાલ ઉઠે છે, એવું હોય તો તેમને આ વાતની જાણ ક્યારે અને કેવી રીતે થઇ, અને તેની માહિતી તેમણે સરકારને શા માટે આપી નહીં? બીજી વાત : શું સરકારનું ગુપ્તચર ખાતું સંપૂર્ણ રીતે નિષ્ક્રિય હતું કે તેમની ફરજ બજાવવામાં નિષ્ફળ થયું હતું?  ત્રીજી વાત : એપ્રિલમાં પોલીસ સુપ્રિન્ટન્ડન્ટ શ્રી. દેસાઇ પર કહેવાતો કુરાને શરીફ જમીન પર ફેંકવાનો આક્ષેપ પણ સુનિયોજીત હતો? અને મુસ્લિમ અફસર દ્વારા (કહેવાતો) રામાયણને લાત મારવાનો પ્રસંગ, જમાલપુરમાં પીર બુખારીસાહેબની મઝાર પર ગાયોનું ધણ ચલાવવાનો, કોમી શાંતીમાં દખલ પહોંચાડવાનો, સાધુઓ પર જીવલેણ હુમલો કરવાનો ઇરાદો - તે પણ પૂર્વનિયોજિત હતા? એક વધારાનું કારણ બહાર પડ્યું તે હતું હુલ્લડ શરૂ થવાના કેટલાક મહિના અગાઉ લગભગ એક લાખ મિલ કામદારોને કામ પરથી છૂટા કરવામાં આવ્યા હતા. તેમાંના મોટા ભાગના કામદાર ઉત્તર પ્રદેશના હતા. તેમના પર એવો આક્ષેપ કરવામાં આવ્યો કે તેમણે મોટા પાયા પર હિંસા આદરી હતી. આ પણ મિલ માલિકો દ્વારા લેવાયેલું પૂર્વનિયોજિત પગલું હતું? કે પછી જગતના અર્થકારણે નક્કી કર્યું હતું કે ઉદ્યોગોમાં મંદી ૧૯૬૯માં લાવવી જેથી ભવિષ્યમાં ગુજરાતના શહેર અમદાવાદમાં રામાયણનો પ્રસંગ બનશે તેથી કોમી રમખાણ શરૂ કરવા એક લાખ બેકાર મિલ મજુરોની ફોજ તૈયાર રહે?

    હુલ્લડ બાદ કૅમ્પમાં પાછા ગયા બાદ પણ એક ગુજરાતી તરીકે જિપ્સીના મનમાં અનેક વિચારોનું તુમુલ્લ યુદ્ધ ચાલતું રહ્યું. અનેક પ્રશ્નો ઉઠ્યા. ૧૯૬૯માં થયેલું હુલ્લડ શહેરમાં કોમી વિખવાદનો પહેલો વહેલો પ્રસંગ નહોતો. અમદાવાદમાં કોમી દંગલ છેક અઢારમી સદીથી થતા આવ્યા છે અને અનેક વાર થયા છે. સદીઓથી સમાજમાં એવા ક્યા પરિબળો કે વિચારસરણી જીવિત છે જેણે કોમી વૈમનસ્યની બુઝાયેલી રાખમાંના તણખા સચેત રાખ્યા હતા? બન્ને ધર્મોના શિક્ષિત અને પ્રબુદ્ધ નાગરિકો, જેમાં દેશમાં પ્રખ્યાત થયેલા ન્યાયાધીશ, વકીલ, પ્રોફેસર, ધનાઢ્ય વ્યાપારીઓ અને વિચારકો ન કેવળ અમદાવાદમાં, પણ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ રહેતા હતા અને પોતપોતાના વ્યવસાયમાં નામાંકિત થયા હતા. શું તેઓ  સમાજમાં કોમી એખલાસનો સંદેશ  પહોંચાડવા માટે સક્ષમ નહોતા? કે પછી કોમમાં કામ કરી રહેલા કટ્ટર ધર્મગુરુઓથી ડરીને પ્રજા ચૂપ રહેતી હતી? આપણે ભલે માન્ય કરીએ કે આપણા અગ્રણીઓ આ જાતના સામાજિક કાર્યમાં પડવા માગતા નહોતા, તો પણ સામાન્ય પ્રજા શા કારણથી ધ્યાનમાં નથી લેતી કે કોમી વૈમનસ્યથી અસંખ્ય લોકોની જીવ હત્યા થાય છે; અનેક પરિવારો બેઘર, છત્રવિહોણા થઇ જાય છે ; લોકોનાં જીવન બરબાદ થઇ જાય છે? આપણી પોતાની સારાસાર વિવેકબુદ્ધિને શું થઇ જતું હતું?

    આવા તોફાનો અનેક વાર થયા છે. તેમાં માનવતાનો દીપક પ્રકાશિત રાખતા ઘણા બનાવ બન્યા છે. મુસ્લિમ ભાઇ-બહેનો અને બાળકોને હિંદુ પરિવારોએ અને મુસ્લિમ પરિવારોએ હિંદુ ભાઈ-બહેનોને પોતાના ઘરમાં છુપાવી તેમના જીવ બચાવ્યા છે. કુદરતી આફતના સમયે  કોઇએ ધર્મ, જાત, પંથની પરવા કર્યા વગર એક બીજાને મદદ કરી છે. માનવતાનાં નીર અને ક્ષીર વહેતા રહે છે. તે આવા સમયે ક્યાં લુપ્ત થઇ જાય છે?

    જિપ્સી પાસે તે વખતે જવાબ નહોતો અને હજી પણ તેના પ્રશ્નો અનુત્તરિત રહ્યા છે.

    

    



 

8 comments:

  1. 'સંહારનો ઉપસંહાર' વદતોવ્યાધ લાગતા આ શબોમા- રૉબર્ટ વૉલપોલ Whig Partyના બ્રિટનના પહેલા પ્રાઇમ મિનિસ્ટર અંગે જાણ્યું/માણ્યુ.'ભારત માટે આજના યુગમાં તે કેટલી બંધ બેસતી લાગે છે, અને તે ક્યારથી થતી આવી છે!'વાતે ઇતિહાસનો અભ્યાસ કરવો પડે અને જાણીતી વાત કે-ઇતિહાસ મા ફતેહ સરકાએઅકી હોતી હૈ,કબ્જા ઉનકા હોતા હૈ!
    'રાષ્ટ્રવાદ. ગાંધીજીના કેટલાક સૂત્રો : જનતાના પૈસાની એક એક પાઇનો હિસાબ જનતાને આપવો જોઇએ, અને રાષ્ટ્ર હિત સર્વોપરી છે - તેવા સાદા, સરળ નીતિ સૂત્રો તેમની વિદાય બાદ ભુલાઇ ગયા.'
    અને સાંપ્રતસમયે તે અંગે ઘણા ઓછા જાણવા માંગે છે! શકુનિ વાતે વધારેમા વધારે બોલાતો શબ્દ અફઘાન યાદ કરાવે !'
    આ privilege વિદેશથી મળતી આજીવિકા પર નભતા સામ્યવાદી અને તેમના દ્વારા પોષાતા ખાઇબદેલા આંદોલનજીવીઓ પાસે જ છે અંગે પ્રજાને જાગૃત કરવની તાતી જરુર છે.
    'માનવતાનાં નીર અને ક્ષીર વહેતા રહે છે. તે આવા સમયે ક્યાં લુપ્ત થઇ જાય છે?' આ દાંતરડા જેવો પ્રશ્ન ઉકેલાય તો ધન્ય ધન્ય

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. प्रज्ञाजू 30 ऑगस्ट, 2021 दुपारी 12:11 वाजता

      टिप्पण्या दोनदा छापल्या असतील तर दुरुस्त करा

      Delete
    2. धन्यवाद। पुन्हां तसे झाल्यास दुसरुस्त करेन।

      Delete
  3. આ એક પ્રકરણ વાંચ્યા પછી આખું પુસ્તક વાંચવું પડશે.

    ReplyDelete
    Replies
    1. આભાર. મૂળ પુસ્તકમાં અને અહીં રજુ થતી શ્રેણીમાં સહેજ ફેરફાર છે. પ્રથમ આવૃત્તિમાં Between the Lines કહેવાયું, પણ લખાયું કે છપાયું નહીં, તે આ શૃંખલામાં ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે.

      Delete
  4. જીપ્સીએ આ અંક માં તપશિલવાર જે મુદ્દાઓ તરફ દિશાચિન્હિત કરેલ છે તે આજે પણ બંડબેસ્તું છે બલકે વધુ સત્ય છે.
    આજના ૫ જી ટેકનોલોજી માં વિદેશના શકુનિઓ એ ભારતમાં તેમના ભાડે રાખેલા દેશી શકુનિઓ સાતત્ય થી ભારત ને તોડવા માટે પૂરજોશ થી કામે લાગી ગયા છે. હવે આથી પણ મોડું થાય તે પહેલાં જાગો.....જાગો....

    ReplyDelete
  5. ધૃણા ઉપજે એવી વાત અતિશય રોચક શૈલીમાં કહેવાઈ છે. એક અવિવેક કરું એ ક્ષમ્ય ગણશો. શું આપણે અંગ્રેજોને અંગ્રેજોએ આપેલા ઈલકાબોનો ઉલ્લેખ કરવો ટાળી ન શકીએ? એક કરતાં વધારે વાર થયેલો 'સર' પ્રયોગ વાંચીને આ કહ્યું છે.

    ReplyDelete