Pages

Wednesday, August 4, 2021

બૉર્ડર સિક્યોરિટી ફોર્સ અને ગુજરાત !

    વિધાતાએ પુરુષના ભાગ્યમાં શું લખ્યું છે, તે અન્ય દેવો પણ જાણી શક્યા નથી - देवो न जानाति कुतो मनुष्यम् . 

મિલિટરીની સેવા પૂરી થયા બાદ જિપ્સીનું ભાગ્ય તેને ક્યાં લઇ જશે તેનો કોઇ અંદાજ નહોતો. કર્મનો સિદ્ધાંત કહે છે કે દરેક વ્યક્તિ પોતપોતાના ક્રિયમાણ અને સંચિત કર્મનું ભાગ્ય ભોગવીને બાકી કમાવેલા કર્મને પ્રારબ્ધ તરીકે લઇને નવો જન્મ લે છે. બુદ્ધિજીવી માણસ એવું કહેશે કે માનવી તેના Free Will પ્રમાણે પોતાનું કામ - કર્મ કરતો હોય છે. તેમાં ન તો કોઇ પૂર્વ જન્મ કે પ્રારબ્ધ હોવાનો પૂરાવો છે કે નથી કોઇ તથ્ય કે પ્રમાણ. કર્મના તત્વજ્ઞાન કે રૅશનાલિસ્ટોના તે વિશેના વિચારોના વિવાદમાં ન પડતાં જિપ્સી ફક્ત એક સૈનિકના જીવન અને તેમાં અંગત રીતે અનુભવેલ vicissitudes - જીવનની આંટી ઘૂંંટી, વિષમતા અને સંઘર્ષની વાત કરે છે. જીવનમાં થતી ઘટનાઓના કાર્યકારણનું મનોમંથન કે સંબંધોમાં ઉપજતી અપેક્ષાઓ, તેની પૂર્તિ કે તે પૂરી ન થવાને કારણે આવતા આનંદ, વિક્ષેપ અને દુ:ખની વાતો તેણે ટાળી છે. માણસનું વર્તન તેની હર ઘડીએ બદલાતી મનસ્થિતિ, આર્થિક કે શારીરિક સમસ્યાઓ પર આધાર રાખે છે જે આપણે જાણવા શક્તિમાન હોતાં નથી. તેથી તેણે તેની સંવેદના પર અસર કરનારા નિજ જનોના વ્યવહારની વાત કરી નથી. ઘણી વાર મદ, મત્સર કે ક્રોધના આવેગમાં આવીને કોઇ આપણી સાથે જે કોઇ રીતે વર્તે તો તેના વર્તન પર આપણો કોઈ કાબુ કે અધિકાર હોતો નથી. તેથી આપણા સમાજના પરંપરાગત ક્ષમાસૂચક શબ્દ "હશે", કહી આગળ વધવું સારૂં. 

   જીવનના અગત્યના નિર્ણયો લેવામાં જિપ્સીએ ઘણી ભૂલો કરી. મોટા ભાગની ભૂલો તેણે પરિવારના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ પણ ભાવનાના આવેશમાં આવીને કરી હતી. તેમાંના ઘણા પરિણામ નુકસાનકારક નીવડ્યાં. 

BSFમાં જોડાવાનો નિર્ણય જિપ્સીએ આવી જ રીતે ભાવનાના આવેશમાં આવીને લીધો હતો કે કેમ, તે અંગે પચાસ વર્ષ બાદ પણ તે હજી વિમાસણમાં છે. આની વિસ્તારથી વાત કરીશું.

ભારતીય સેનામાં પાંચ વર્ષ સેવા બજાવી તે દરમિયાન જિપ્સીના જીવનમાં ઘણી ઉથલપાથલ થઇ ગઇ. માટીના ચૂલા તો સૌના ઘરમાં હોય છે, પણ કેટલાક પરિવારોમાં તે ઘણા દાહક હોય છે. બાઇના અવસાન બાદ અમારી માનસિક અને ભૌતિક પરિસ્થિતિ અત્યંત વિષમ હતી. સૈન્યનો સેવાકાળ પૂરો થયો અને જીવન વિમા કૉર્પોરેશનમાં પાછા જવાનો સમય આવ્યો ત્યારે તેમાં અફસરની જગ્યા મળશે કે કેમ તે શંકાસ્પદ હતું. અનુરાધાની સલાહ હતી કે જિપ્સીની સૈન્યમાં જોડાઇને દેશ માટે લડી આવવાની મહત્વાકાંક્ષા પૂરી થઇ હતી, તેથી હવે civilian જીવનમાં પાછા આવવું જોઇએ. અમારી દિકરી કાશ્મિરાની ઉમર બાળમંદિરમાં જવા જેટલી થઇ હતી. સૈન્ય સેવામાં નિયમ છે કે દરેક સૈનિક - પછી તો અફસર હોય કે અદનો સિપાહી - ત્રણ વર્ષ મોરચા પર એટલે Field Stationમાં સેવા બજાવે ત્યાર પછીના ત્રણ વર્ષ શાંતિના સ્થળે, જ્યાં તે પરિવાર સાથે રહી શકે એવી જગ્યાએ તેની બદલી થાય. પરંતુ પાકિસ્તાન અને ચીન જેવા પાડોશી દેશ હોય ત્યાં યુદ્ધ કે શાંતિની કોઇ બાંહેધરી આપી ન શકે. તેથી લગ્ન બાદ ઝાંસી જેવા સુંદર શહેરમાં બદલી થયાના એક મહિનામાં જ જિપ્સીને બૉર્ડર પર જવું પડ્યું હતું. તેથી સૈન્યમાંથી છૂટા થયા બાદ શહેરમાં રહેવાની અનુરાધાની સલાહ યોગ્ય હતી. આગળ જતાં જો LIC નિર્ણય લે અને જિપ્સીને યોગ્ય હોદ્દો મળે તો ઠીક નહીં તો કૅનેડા કે બ્રિટન જવાનો પ્રયત્ન કરવું શક્ય હતું. તે સમયે (૧૯૬૮માં) ત્યાંનો વિઝા મેળવવું સહેલું હતું અને અનુરાધાના ભાઇઓ, માતા-પિતા અને બહેનો આફ્રિકા છોડી લંડનમાં વસી ગયા હતા. તેમ છતાં અનુરાધાની વાત ન માનતાં જિપ્સીએ BSFમાં અરજી કરી હતી. આ કરવા પાછળ કેટલાક કારણો હતા, પણ મુખ્ય કારણ તેનું અભિમાન હતું એવું અત્યારે લાગે છે. 

જિપ્સી સેકંડ લેફ્ટેનન્ટ થઇ તેના દમકતા ઑલિવ-ગ્રીન યુનિફૉર્મમાં અમદાવાદ ગયો ત્યારે તેના સાથીઓ તથા ખુદ તેના ડિવિઝનલ મૅનેજર તરફથી સત્કાર મળ્યો હતો. તે સમયે અમદાવાદમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઍક્ચ્યુઅરી થઇને આવેલા સિનિયર ડિવિઝનલ મૅનેજરે અનુરાધા તથા જિપ્સીને તેમના ઘેર ભોજન માટે બોલાવ્યા હતા. આ વાત પણ ઑફિસમાં કોઇએ જાહેર કરી હતી. હવે ત્યાં જ નિમ્ન કક્ષાએ કામ કરવા જવું પડશે એવો કટાક્ષ કોઇએ કર્યો તે જિપ્સીથી સહન ન થયું. આ માનહાનિ ટાળવા તેણેે BSFમાં અરજી કરી હતી અને તેમાં તેની નિયુક્તિ પણ થઇ હતી. આ વાતના છ-એક મહિના બાદ LICએ નિર્ણય લીધો હતો કે જિપ્સી જેવા જેટલા તેમના કર્મચારીઓ ભારતીય સેનામાં એમર્જન્સી કમિશન્ડ ઑફિસર તરીકે સેવા બજાવી આવ્યા હતા તેમને આસિસ્ટન્ટ બ્રાન્ચ મૅનેજર તરીકે પ્રમોશન આપી ડિવિઝનલ કે ઝોનલ હેડક્વાર્ટરમાં તેમની બદલી કરવી.

મને મારા LIC પહેલાના સેવા કાળ દરમિયાન અમારા હેડ-પિયૂન સવજીભાઈ રાઠોડનું વાક્ય યાદ આવ્યું : નરેનભાઈ, સમય સમયને માન છે. અને નસીબનું પાંદડું ક્યારે ફરી જાય એનો ભરોસો નહીં. જે થાય છે સારા માટે જ એવું ગણવું. અમારાં બાઇ પણ એ જ કહેતાં - आलिया भोगासी असावें साजिरे..." જે થવાનું હોય છે તેને પરમાત્માની પ્રસાદી માનીને તેનું સ્વાત કરીએ!

બીએસએફમાં જિપ્સીને પહેલું પોસ્ટિંગ મળ્યું તે ગુજરાતમાં! 

***

ગુજરાતની માટીમાં એવો તે શો જાદુ છે, બીજા પ્રાંતમાંથી આવતા લોકો ગુજરાતની ધરતી અને ગુજરાતની પ્રજાના પ્રેમમાં રંગાઇ જાય છે. ભુજમાં બદલી થનાર અફસર 'રણમાં કેવી રીતે જીવાશે'ની ચિંતામાં દુ:ખી થઇને આવે છે. અહીં ત્રણ વર્ષ રહ્યા બાદ ગુજરાતની જનતાના સ્નેહ, આદર અને સ્વચ્છ વ્યવહારથી તે એવો અંજાઇ જાય છે, અહીંથી જતાં પહેલાં દુ:ખી થઇને જતો હોય છે. આવી સંસ્કારી ધરતી છોડીને જવું પડશે તેનું દુ:ખ વસમું લાગતું હોય છે. હવે તો ભુજ, ગાંધીધામ જેવા શહેરોમાં પંજાબ, કેરાલા, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના ઘણા અફસરો નિવૃત્તી બાદ તેમના પરિવાર સાથે કચ્છ અને ગુજરાતમાં કાયમ માટે વસી ગયા છે.

જીપ્સીની નીમણૂંક  દાંતિવાડા/સુઇગામમાં સેકન્ડ બીએસએફ બટાલિયનમાં થઇ તે સમયે ગુજરાતમાં બીએસએફની કેવળ બે બટાલિયનો હતી. 1 BSF Battalion કચ્છની સીમા પર હતી. મારી નવી, 2 BSF Battalionનો દાંતિવાડા ડૅમ પાસેના ગુજરાત સરકારના PWD ખાતાની જુની કૉલોનીમાં પડાવ હતો. અહીં અમારી બટાલિયને acclimatisation તથા induction Training બાદ  સુઇગામ સેક્ટરમાં આવેલી ભારત - પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પર સેવા બજાવવા જવાનું હતું. 

 

No comments:

Post a Comment