Pages

Monday, August 30, 2021

સંહારનો ઉપસંહાર (૧)

    અમદાવાદમાં પ્રલયકાંડની સમાપ્તિ બાદ શરૂ થઇ ગયું રાજકારણ. આપણો દેશ સ્વતંત્ર થયા બાદ આવું હંમેશા થતું આવ્યું છે. ખાસ કરીને લોકસભામાં જેમ જેમ વિરોધ પક્ષોનો ઉગમ થતો ગયો, તેમ તેમ રાજકારણમાં કૂટનીતિનો પ્રારંભ થતો ગયો. અગાઉના એક અંકમાં 'History repeats itself'નો ઉલ્લેખ કર્યો હતો. આપને આશ્ચર્ય થશે કે જે વાત ઇંગ્લૅંડમાં સન ૧૭૨૫માં બની ગઇ તે ભારતમાં ૧૯૪૭માં બની. ઇંગ્ડના ધનાઢ્ય જમીનદાર ઘરાણામાં જન્મેલ રૉબર્ટ વૉલપોલ Whig Partyના બ્રિટનના પહેલા પ્રાઇમ મિનિસ્ટર થયા હતા અને તેઓ આ પદ પર સત્તર વર્ષ (૧૭૨૫થી ૧૭૪૨) સુધી રહ્યા. વ્હિગ પાર્ટીનું આટલા લાંબા સમયનું અબાધિત રાજ્ય  ઇતિહાસમાં 'Whig Oligarchy' નામથી ઓળખાયું. ભારતના પ્રથમ વડા પ્રધાન શ્રી. જવાહરલાલ નહેરૂને સર રૉબર્ટ વૉલપોલ સાથે સરખાવી ન શકાય, કારણ કે સર રૉબર્ટ ભ્રષ્ટ રાજપુરુષ હતા અને ભ્રષ્ટાચાર માટે તેમને છ મહિના કેદમાં જવું પડ્યું હતું. નહેરૂની ખ્યાતિ પ્રામાણિક વડા પ્રધાન તરીકેની હતી. ઇતિહાસનું પુનરાવર્તન બ્રિટનની વ્હિગ અને ભારતના કૉગ્રેસ પક્ષના લાંબા, અબાધિત રાજ્ય અંગેની છે, જે બન્ને દેશના પહેલા વડા પ્રધાનના સમયમાં થઇ. વ્હિગ પાર્ટીની સત્તા કેવળ ૧૭ વર્ષ ચાલી જ્યારે કૉંગ્રેસ પાર્ટીની સત્તા તેથી પણ વધુ. કહેવાનું તાત્પર્ય એક જ છે : કોઇ પણ પક્ષની સરકાર સામે કોઇ સમજદાર, સક્ષમ વિપક્ષ ન હોય ત્યાં કુરાજ્ય ચાલવાનું. સર રૉબર્ટ વોલપોલ જેવા ભ્રષ્ટ રાજકારણીઓ દેશ પર રાજ્ય કરતા રહેવાના.

    અહીં એક રસપ્રદ વાત કહેવા જેવી છે : 'Every man has his price'ની રાજકારણમાં પ્રખ્યાત થયેલી ઉક્તિ આ જ સર રૉબર્ટ વૉલપોલની છે. આપે નક્કી કરવાનું છે ભારત માટે આજના યુગમાં તે કેટલી બંધ બેસતી લાગે છે, અને તે ક્યારથી થતી આવી છે!

*** 

    ભારતને આઝાદી મળ્યા બાદ આપણા શરૂઆતના સ્વાતંત્ર્યવીરોમાં નિ:સ્વાર્થ દેશસેવાની ભાવના હતી. ધીમે ધીમે તે લોપ પામી. દેશમાં પ્રજાતંત્ર આવ્યું. 'નેતા'ઓ તેમને મળેલી અપૂર્વ લોકપ્રિયતાને કારણે પ્રચંડ બહુમતથી ચૂંટાતા આવ્યા. તેમના હાથમાં અબાધિત સત્તા આવી. તેમાં તેમને મળતા અમર્યાદિત લાભ તેમના માટે જાણે વાઘ પહેલી વાર મનુષ્ય રક્ત ચાખે અને ત્યાર બાદ તેની લત લાગે, તેવું થયું. સત્તા, સમૃદ્ધિ અને ઐહિક સુખોના ઉપભોગની લાલસાને કારણે પોતાનું પદ કાયમ રહે અને વંશપરંપરાગત બની રહે તે માટે રાજકારણીઓ જે તક મળે તેનો ઉપયોગ કરવા લાગ્યા. તેમના માટે મોટામાં મોટી તક હતી બહુમતની મહત્તા (majoritarian powerbase). તેનું મહત્વ જોવામાં આપણા નેતાઓને બહુ સમય લાગ્યો નહીં. તેમાંથી જન્મ્યું વોટ બૅંકનું રાજકારણ. તુષ્ટીકરણની કુનીતિ. અંગ્રેજોની divide and ruleની કપટનીતિથી આપણા નેતાઓ વાકેફ હતા. તેમાં ઉમેરાયા કાવાદાવા અને તેનો ભોગ બની જનતા તથા રાષ્ટ્રવાદ. ગાંધીજીના કેટલાક સૂત્રો : જનતાના પૈસાની એક એક પાઇનો હિસાબ જનતાને આપવો જોઇએ, અને રાષ્ટ્ર હિત સર્વોપરી છે - તેવા સાદા, સરળ નીતિ સૂત્રો તેમની વિદાય બાદ  ભુલાઇ ગયા.

    'નેતા'ઓએ પોતાનું વ્યક્તિગત સામ્રાજ્ય અને સત્તાનો પાયો મજબૂત કરવા રાજરમતનો ચોપાટ રચ્યો અને પોતે બની ગયા તેના સૂત્રધાર - શકુનિ. પરિણામે મહાભારતની જેમ કોઇનો સર્વનાશ થયો  હોય તો તેમના પર વિશ્વાસ રાખી તેમને મત આપનાર મતદાતા,  તથા કાયદા-કાનુનના ચોકઠામાં રહી જીવન નિર્વાહ કરવા મથતા સામાન્ય પ્રજાજનો - જેમાં હિંદુ, મુસલમાન, દલીત, સવર્ણ, ગરીબ, અમીર - બધા આવી ગયા. મિથ્યા પ્રચાર - સમાચાર (misinformation) તથા સચ્ચાઇ બતાવતી માહિતીને પ્રકટ થતી અટકાવવા  disinformationનો છૂટથી થતા ઉપયોગમાં રાજકારણીઓના સહભાગી બન્યા કેટલાક સ્વાર્થી  પત્રકારો અને ઊદ્યોગપતિઓના નિયંત્રણ હેઠળના સમાચારપત્રો. દેશમાં જુદા જુદા ધર્મના અનુયાયીઓ વચ્ચે હિંસા, સામ્યવાદ વિરુદ્ધ મૂડીવાદ જેવી રાજકીય માન્યતા અને જાતીઓ વચ્ચેના ભેદ તેમણે વધુ તીવ્ર કર્યા. તેમાં પીસાતી જનતાના તારણહાર તેઓ જ છે, અને પ્રતિપક્ષ પ્રજાના શત્રુ એવી મિથ્યા માન્યતા જનતામાં ફેલાવી અને વોટ બૅંક તૈયાર કરી. હિંદુ - મુસલમાન વચ્ચે મતભેદની જ્વાળા પર હવા ફૂંકી. જ્યાં જ્યાં દલીત વિરૂદ્ધ સવર્ણ, સામ્યવાદ વિરૂદ્ધ બાકીના બધા - એવા જમાનાથી ચાલી રહેલા વિખવાદને જીવતો રાખી તે દ્વારા સ્વાર્થ સાધતા રહ્યા. 

    દેશમાં ધર્મ આધારિત મનદુ:ખને કારણે જે હિંસા થતી અવી તેની સૌથી સખત અગનઝાળ લાગી હોય તો તે ગુજરાતને. દરેક ગુજરાતી આ જાણે છે. પણ તેનો ઉકેલ કોણ લાવે? ભૂતકાળમાં આપણા પ્રદેશમાં અન્ય સમસ્યાઓની પરાકાષ્ઠા થઇ ત્યારે આપણે તેનો વિરોધ કરી સત્તા પલટો પણ આણ્યો. મહાગુજરાત, નવનિર્માણ, મોંઘવારી વિરોધ જેવા આંદોલનોએ ચીમનભાઇ પટેલ જેવી સરકારને હઠાવી ; મોરારજી દેસાઇ જેવા મોટા ગજાના નેતાને પણ ગુજરાતની પ્રજાએ પાઠ શીખવ્યો અને તેમને નમાવ્યા. પણ પ્રજા પણ કેટલું લડે? સમસ્ત પરિવારનો ભાર જેમના પર છે તેવા કામદાર, ઑફિસમાં કામ કરનાર વ્યક્તિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ - આ બધા રાજકારણીઓની જેમ full time આંદોલનકારી નથી હોતા. આ privilege વિદેશથી મળતી આજીવિકા પર નભતા સામ્યવાદી અને તેમના દ્વારા પોષાતા ખાઇબદેલા આંદોલનજીવીઓ પાસે જ છે.  અંતે જનતા વિરોધ કરવાનું ભુલી ગઇ. કોમી તોફાન, મોંઘવારી, બેરોજગારી રોજીંદી સમસ્યાઓનો ઉકેલ શોધવા મથતી ગૃહિણીઓ - સૌએ નસીબ પર વાત છોડી. જે આવે તેનો સ્વીકાર કરી, સહનશીલતા કેળવી, પોતપોતાના કામમાં ગૂંથાવામાં સૌ વ્યસ્ત થઇ ગયા. પ્રશ્નો વણ ઉકેલાયા રહ્યા અને સમય સમય પર તેનો વિસ્ફોટ થતો રહ્યો. 

    ૧૯૬૯ના કોમી માનવ સંહારની શરૂઆત ધર્મના રાજકરાણથી થઇ અને તેના અંત બાદ પણ રાજકારણ ચાલુ જ રહ્યું. હુલ્લડ શરૂ થતાં પહેલાં કેટલાક બનાવ બની ગયા તે વિશે અગાઉ સંક્ષિપ્ત વાત કરી છે. તોફાનો શમી ગયા બાદ આક્ષેપ - પ્રત્યાક્ષેપની ઝડી શરૂ થઇ ગઇ અને સરકાર તરફથી બહાનાં. એક વાત, જે સઘળા 'Political Analysts', અખબારોના તંત્રીઓ તથા કહેવાતા નિષ્પક્ષ પરદેશી અને વામપંથી વિશ્લેષકોએ સ્વીકારી તે હતી હિતેન્દ્ર દેસાઇ સરકારની નબળાઇ, અક્ષમતા અને કૌશલ્ય-હીન વહીવટ. વામપંથી, 'ઉદારમતવાદી' લિબરલ અને હાલ પ્રખ્યાત થયેલા (અને તે વખતે પણ સક્રિય હતા તે) સેક્યુલર અને વિદેશી 'નિષ્ણાત' તો એટલી હદ સુધી કહી ગયા કે ૧૯૬૯ના કોમી તોફાનો પૂર્વનિયોજિત હતા ! 

    સવાલ ઉઠે છે, એવું હોય તો તેમને આ વાતની જાણ ક્યારે અને કેવી રીતે થઇ, અને તેની માહિતી તેમણે સરકારને શા માટે આપી નહીં? બીજી વાત : શું સરકારનું ગુપ્તચર ખાતું સંપૂર્ણ રીતે નિષ્ક્રિય હતું કે તેમની ફરજ બજાવવામાં નિષ્ફળ થયું હતું?  ત્રીજી વાત : એપ્રિલમાં પોલીસ સુપ્રિન્ટન્ડન્ટ શ્રી. દેસાઇ પર કહેવાતો કુરાને શરીફ જમીન પર ફેંકવાનો આક્ષેપ પણ સુનિયોજીત હતો? અને મુસ્લિમ અફસર દ્વારા (કહેવાતો) રામાયણને લાત મારવાનો પ્રસંગ, જમાલપુરમાં પીર બુખારીસાહેબની મઝાર પર ગાયોનું ધણ ચલાવવાનો, કોમી શાંતીમાં દખલ પહોંચાડવાનો, સાધુઓ પર જીવલેણ હુમલો કરવાનો ઇરાદો - તે પણ પૂર્વનિયોજિત હતા? એક વધારાનું કારણ બહાર પડ્યું તે હતું હુલ્લડ શરૂ થવાના કેટલાક મહિના અગાઉ લગભગ એક લાખ મિલ કામદારોને કામ પરથી છૂટા કરવામાં આવ્યા હતા. તેમાંના મોટા ભાગના કામદાર ઉત્તર પ્રદેશના હતા. તેમના પર એવો આક્ષેપ કરવામાં આવ્યો કે તેમણે મોટા પાયા પર હિંસા આદરી હતી. આ પણ મિલ માલિકો દ્વારા લેવાયેલું પૂર્વનિયોજિત પગલું હતું? કે પછી જગતના અર્થકારણે નક્કી કર્યું હતું કે ઉદ્યોગોમાં મંદી ૧૯૬૯માં લાવવી જેથી ભવિષ્યમાં ગુજરાતના શહેર અમદાવાદમાં રામાયણનો પ્રસંગ બનશે તેથી કોમી રમખાણ શરૂ કરવા એક લાખ બેકાર મિલ મજુરોની ફોજ તૈયાર રહે?

    હુલ્લડ બાદ કૅમ્પમાં પાછા ગયા બાદ પણ એક ગુજરાતી તરીકે જિપ્સીના મનમાં અનેક વિચારોનું તુમુલ્લ યુદ્ધ ચાલતું રહ્યું. અનેક પ્રશ્નો ઉઠ્યા. ૧૯૬૯માં થયેલું હુલ્લડ શહેરમાં કોમી વિખવાદનો પહેલો વહેલો પ્રસંગ નહોતો. અમદાવાદમાં કોમી દંગલ છેક અઢારમી સદીથી થતા આવ્યા છે અને અનેક વાર થયા છે. સદીઓથી સમાજમાં એવા ક્યા પરિબળો કે વિચારસરણી જીવિત છે જેણે કોમી વૈમનસ્યની બુઝાયેલી રાખમાંના તણખા સચેત રાખ્યા હતા? બન્ને ધર્મોના શિક્ષિત અને પ્રબુદ્ધ નાગરિકો, જેમાં દેશમાં પ્રખ્યાત થયેલા ન્યાયાધીશ, વકીલ, પ્રોફેસર, ધનાઢ્ય વ્યાપારીઓ અને વિચારકો ન કેવળ અમદાવાદમાં, પણ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ રહેતા હતા અને પોતપોતાના વ્યવસાયમાં નામાંકિત થયા હતા. શું તેઓ  સમાજમાં કોમી એખલાસનો સંદેશ  પહોંચાડવા માટે સક્ષમ નહોતા? કે પછી કોમમાં કામ કરી રહેલા કટ્ટર ધર્મગુરુઓથી ડરીને પ્રજા ચૂપ રહેતી હતી? આપણે ભલે માન્ય કરીએ કે આપણા અગ્રણીઓ આ જાતના સામાજિક કાર્યમાં પડવા માગતા નહોતા, તો પણ સામાન્ય પ્રજા શા કારણથી ધ્યાનમાં નથી લેતી કે કોમી વૈમનસ્યથી અસંખ્ય લોકોની જીવ હત્યા થાય છે; અનેક પરિવારો બેઘર, છત્રવિહોણા થઇ જાય છે ; લોકોનાં જીવન બરબાદ થઇ જાય છે? આપણી પોતાની સારાસાર વિવેકબુદ્ધિને શું થઇ જતું હતું?

    આવા તોફાનો અનેક વાર થયા છે. તેમાં માનવતાનો દીપક પ્રકાશિત રાખતા ઘણા બનાવ બન્યા છે. મુસ્લિમ ભાઇ-બહેનો અને બાળકોને હિંદુ પરિવારોએ અને મુસ્લિમ પરિવારોએ હિંદુ ભાઈ-બહેનોને પોતાના ઘરમાં છુપાવી તેમના જીવ બચાવ્યા છે. કુદરતી આફતના સમયે  કોઇએ ધર્મ, જાત, પંથની પરવા કર્યા વગર એક બીજાને મદદ કરી છે. માનવતાનાં નીર અને ક્ષીર વહેતા રહે છે. તે આવા સમયે ક્યાં લુપ્ત થઇ જાય છે?

    જિપ્સી પાસે તે વખતે જવાબ નહોતો અને હજી પણ તેના પ્રશ્નો અનુત્તરિત રહ્યા છે.

    

    



 

Thursday, August 26, 2021

૧૯૬૯ અને હિંસાનો ઇતિહાસ (૩)

    ગુજરાતમાં થયેલા કોમી હુલ્લડ તથા તેમાં થયેલી માનવહત્યાનો ઇતિહાસ લાંબો છે. ગયા અંકમાં જણાવ્યા મુજબ સૌથી પહેલું રમખાણ સન ૧૭૧૪માં થયું. (આ વિશેના લેખની લિંક પર ક્લિક કરશો) ત્યારથી બન્ને કોમો વચ્ચે જાણે battle lines બંધાઇ ગઇ હોય તેવી પરિસ્થિતિ થઇ. ૧૭૧૪ થી ૧૭૧૬ સુધી સતત ત્રણ વર્ષ હોળી કે ઇદના પ્રસંગે  કોમી હુલ્લડની જાણે નવી પરંપરા બની ગઇ. ત્યાર બાદ કોઇ એક ધર્મની નાની સરખી બાબતમાં અપમાન થયાની અફવા ફેલાય, તેની સત્યતા જાણ્યા વગર, તેનો સુલેહ શાંતિથી ઉકેલ લાવવાને બદલે હિંસાત્મક પ્રત્યાઘાત  થવા લાગ્યો. ધર્મનું પાલન કાયદાના ચોકઠામાં થવું જોઇએ કે કાયદાનું પાલન ધર્મના, અથવા ધર્મગુરુઓના આદેશોના ફ્રેમવર્કમાં, તેની બૌદ્ધિક કે આધ્યાત્મિક ચર્ચા કદી થઇ નહીં. ન થઇ વાત રાજકારણીઓ, ધર્મગુરુઓ, સમાજશાસ્ત્રીઓ, નાગરિકો વચ્ચે.

    હવે આપણે કોમી દંગલના મૂળ જોઇએ અને વિચાર કરીએ કે ૧૭૧૪માં થયેલા પહેલા પ્રસંગ અને તેના ૨૫૦ વર્ષ બાદ થયેલી વ્યાપક હિંસાના પ્રસંગ વચ્ચે શો ફેર હતો.

    સપ્ટેમ્બર ૧૯૬૯માં એક પછી એક ત્રણ બનાવ થયા. તે સમયે ગુગલ નહોતું. હાલમાં "આધારભૂત" માહિતી આપતું વિકિપીડિયા પણ નહોતું. જિપ્સી પાસે બે માહિતી સ્રોત હતા. એક તો પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી મળેલી માહિતી અને સ્થાનિક સમાચાર પત્રો. આ જ માહિતી હવે ગુગલ સર્ચમાં ઉપલબ્ધ છે : ફેર માત્ર એટલો છે કે તેમાંનું 'વિકિપીડીયા' એક ongoing editing થતું માહિતીપત્ર છે, અને તેમાં એક વાર પ્રકાશિત થયેલા લેખમાં સતત સંશોધન, સુધારા અને ઉમેરા થતા રહે છે. 

    વીસમી સદીમાં અમદાવાદમાં મોટા ભાગના કોમી તોફાનોનું focal point જમાલપુર વિસ્તાર રહ્યું છે. ૧૯૬૯માં થયેલા અને નીચે વર્ણવેલા ત્રણ પ્રસંગોની chronology તથા વિગતો બદલાતી રહી છે, તેથી તેની આજ બાવન વર્ષ બાદ ૨૦૨૧ના વર્ષમાં તેની accuracyની બાહેંધરી કોઇ નહીં આપી શકે. જો કે કન્ટ્રોલરૂમમાં અમને જે માહિતી મળી તે આ પ્રમાણે હતી.

  ૧૯૬૯ના માર્ચ મહિનામાં અમદાવાદમાં એક એવી અફવા ફેલાવવામાં આવી હતી કે શ્રીદેસાઇ નામના પોલિસ અધિકારીએ પવિત્ર કુરાનનું અપમાન કર્યું હતુંહકીકત હતી કે ગેરકાયદે રેંકડીઓ ચલાવતા ફેરિયાઓ સામે મ્યુનિસિપલ કૉર્પોરેશને અભિયાન ચલાવ્યું હતું જેમાં પોલીસની મદદ લેવામાં આવી હતી. એક તપાસ દરમિયાન શ્રી. દેસાઇએ શાક-બકાલાની લારી ચલાવતા મુસ્લિમ ફેરિયાએ લારીમાં રાખેલ પવિત્ર કુરાનની નકલ જમીન પર ફેંકી હતી. જોત જોતામાં વાત ચારે તરફ ફેલાઇ ગઇ અને મુસ્લિમ સમાજમાં ક્રોધ ફેલાઇ ગયો. લોકલાગણીને માન આપી સરકારે શ્રી. દેસાઇને સસ્પેન્ડ કર્યા, પણ વર્ગની જનતાનો ક્રોધ શમ્યો નહીં. મહિનાઓ સુધી મુસ્લીમ સમાજમાં સંતાપ  ફેલાવતી રહી.  હતી. આનું  પરિણામ સપ્ટેમ્બર મહિનામાં આવ્યું. 

    બીજા બનાવની વિગત એવી છે કે જમાલપુરમાં  જગન્નાથજીનું  મંદિર આવ્યું   છે.. રોજ સાંજે  મંદીરની ગૌશાળાની ગાયો મંદિરમાં પાછી આવેતે દિવસે મંદિરની નજીક આવેલ પીરની મઝાર પર ઉર્સ ચાલતો હતોમંદિરની કેટલીક ગાયો ભીડમાં ગભરાઇ ગઇ અને તેની અડફેટમાં ઉર્સમાં ભાગ રહેલી બહેનોને ઇજા થઇગાયોના સાધુ-ગોવાળ  અને  ઉર્સમાં  ભાગ  લેનાર  લોકો  વચ્ચે  બોલાચાલી  થઇ અને  કોઇએ સાધુઓ પર હાથ ઉપાડ્યોતે  રાતે  જગ્યાની નજીક રામાયણની કથા ચાલતી હતી જેને એક લઘુમતિ કોમના પોલિસ અધિકારીએ વેરવિખેર કરીઆખા શહેરમાં અફવા ફેલાઇ કે લઘુમતી કોમના કેટલાક લોકોએ જગન્નાથ મંદિરના પૂજનીય ગણાતા વયોવૃદ્ધ મહંત પર હાથ ઉપાડ્યો હતોઅને માર્ચ મહિનામાં પવિત્ર કુરાનના કહેવાતા અપ-માનનો બદલો લેવા જમાલપુરના એક ચકલામાં ચાલતી રામયણની કથાને વીખેરવાના બહાને લઘુમતી કોમના  પોલિસ અધિકારીએ રામાયણના ગ્રંથને લાત મારી હતી.

    બન્ને અફવાઓ આખા શહેરમાં આગની જેમ ફેલાઇ ગઇ. આગનું દાવાનળમાં પરિવર્તન થયું. જે વાત ઉપર દર્શાવી છે તે અમદાવાદના તોફાનોની તપાસ કરવા માટે નીમાયેલા  રેડ્ડી કમિશનના રિપોર્ટમાં આ ત્રણે વાતોની પુષ્ટી કરવામાં આવી છે. અમદાવાદમાં થયેલા આ પ્રલયસમા તોફાનોનો તર્કશુદ્ધ નિષ્કર્ષ એક જ છે. સદીઓથી  ધૂંધવાતા કોમી વૈમનસ્યનો વણબુઝાયેલો તણખો અને વારંવાર તેમાં રેડવામાં આવતો ઉગ્રવાદી નેતાઓએ પોતાના એજન્ડા સાધ્ય કરવા ફેલાવેલી અફઓનો ઑક્સીજન.

  દિવસમાં ૫૦૦૦થી વધુ નિર્દોષ લોકોએ પ્રાણ ગુમાવ્યા હતાહજારો લોકો ઘરબાર વગરના થઇ ગયા હતા

            અજબ સંજોગની વાત છે કે જ્યારે કોમી દાવાનળની આગમાં અમદાવાદ સળગી રહ્યું હતુંમારા મિત્ર અને પત્ર-કાર શ્રીતુષારભાઇ ભટ્ટ જેઓ આગળ જતાં અમદાવાદથી પ્રસિદ્ધ થતા ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અને ઇકોનૉમિક ટાઇમ્સના ચીફ એડિટર થયા)  તે સમયે અમદાવાદમાં પત્રકાર તરીકે અમદાવાદમાં જ આ તોફાનોને cover કરી રહ્યા હતામારી સાથે  વિષયમાં વાત કરતાં તેમણે કહ્યું, "તોફાનોના અગ્નિની તીવ્રતા એટલી ઉગ્ર હતી કે તેના આઘાતમાં કહો કે shock, હિતેનદ્દ્રભાઇ દેસાઇ તથા તેમનું સમસ્ત પ્રધાન મંડળ સ્તબ્ધ મતિ અને ગતિશૂન્ય થઇ ગયું હતું.  તેમણે અને તેમના પ્રધાનોએ તેમનું આખું જીવન રાજકારણમાં ગાળ્યું હોવા છતાં તેમની પાસે આ હિંસક કટોકટીનો સામનો કરવાનું સામર્થ્ય રહ્યું નહોતું. ઇતિહાસ સાક્ષી છે કે તોફાનના દિવસો દરમિયાન રાજ્ય સરકારના મુખ્ય મંત્રી સમેત કોઇ પણ પ્રધાને પોતાના સરકારી આવાસમાંથી બહાર નીકળીને શાંતિ સ્થાપવાની તો વાત જવા દો, પરિસ્થિતિનો કયાસ કાઢવા હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાની હિંમત દાખવી નહીં. હિંસામાં પિતા-પતિ-ભાઇ-પુત્ર ગુમાવી બેસેલ કોઇ પણ મહિલાના આંસુ લૂછવા આપણા ગાંધીવાદી પ્રધાનો પાસે હિંમત નહોતી કે સમય નહોતો.


    અહીં શાબાશી આપવી જોઇએ ગુજરાત રાજ્યના અનુભવી IAS તથા IPS અફસરોને. તેમના પ્રધાનો આઘાતમાં જડ થઇ ગયા હતા, પરંતુ તેમના અફસરો ગતિશીલ રહ્યા. તેમણે રાબેતા મુજબના તાત્કાલિક પગલાં લીધા, જેથી ભારત સરકારના સશસ્ત્ર સૈન્યો તાબડતોબ શહેરમાં અને રાજ્યમાં પહોંચી ગયા.  


    જિપ્સી સાથ થયેલી વાતચીતમાં સ્વ. તુષારભાઇએ કહ્યું :

      અમદાવાદમાં પત્રકાર તરીકે બજાવેલી કામગિરીમાં મેં અનામત વિરોધી તોફાનો અને અન્ય ઉગ્ર ગણાય તેવા તોફાનો જોયા અને તેના અહેવાલ લખ્યાપણ ૧૯૬૯ જેવું ભયાનક તાંડવ મેં કદી જોયું નથીઆ વખતે કેવળ પ્રજાજનો નહીં, સરકાર પણ ભયગ્રસ્ત થઇ ગઇ હતી. મારા મતે ૧૯૬૯ના કોમી તોફાનોએ એવો ચીલો પાડ્યો  જેના પગલે બાકીના  (ત્યાર બાદ થયેલા) કોમી રમખાણ એટલી જ ક્રુરતાપૂર્વક થયા...”


આ વાત ૨૦૦૨ના કોમી તોફાનોમાં સાચી નીકળી.

Tuesday, August 24, 2021

૧૯૬૯ અને હિંસાનો ઇતિહાસ (૨)

    ગુજરાતમાં પુરાતન કાળથી જુદા જુદા ક્ષત્રીય વંશોએ રાજ્ય કર્યું છે : મૌર્ય, ગુપ્ત, ચાવડા, ચાલુક્ય (સોલંકી), વાઘેલા વિગેરે. તેમાં સૌથી છેલ્લા રાજપુત રાજા કર્ણદેવ વાઘેલા (કરણ ઘેલો) હતા. સન ૧૨૯૯ અને ૧૩૦૪ એવી બે ચડાઇઓ બાદ ભારતના સૌથી સમૃદ્ધ રાજ્ય ગુજરાત પર દિલ્હીના અફઘાન-તુર્કી સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીએ અફઘાન સત્તા સ્થાપી. ત્યારથી ગુજરાતમાં અફઘાન અને ત્યાર બાદ મોગલોનું રાજ્ય છેક ૧૮મી સદી સુધી રહ્યું. 

    ગુજરાતના લગભગ ચારસો વર્ષના અફઘાન - મોગલ શાસન દરમિયાન રાજ્યમાં તાલુકદાર, સુબા, સેનાપતિ કે વફાદાર અફસરોને ઇનામમાં મળેલી વિશાળ જમીનના માલિક, વહીવટકર્તા, સૈન્યના અધિકારી, કોટવાળ અને દારોગાન્યાયાધીશ (કાઝી) વિ. જેવા મહત્વના સ્થાન પર રાજકર્તાઓના સગાં-સંબંધીઓનું આધિપત્ય રહ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં અનેક લોકોએ ઇસ્લામની ઉપાસના પદ્ધતિ અપનાવી. સમાજ બે ભાગમાં વહેંચાઇ ગયો : રાજકર્તા તથા વહીવટી અધિકારીઓ (Ruling Class) અને રૈયત, સામાન્ય જનતા, જેમાં આવી ગયા ખેતી, વ્યાપાર, ઊદ્યોગ તથા વહીવટી ક્ષેત્રમાં કનીષ્ઠ પદ પર કામ કરી રહેલા બહુસંખ્યક સમાજની પ્રજા. તેમ છતાં બન્ને કોમો વચ્ચે સૌખ્ય અને સમભાવની ભાવના રહી, અને લાંબા સમય સુધી ગુજરાતમાં શાંતિ પ્રવર્તી. આનું મુખ્ય કારણ હતું સૌનાં મૂળ ગુજરાતનાં હતા. બન્ને કોમોની ઉપાસના પદ્ધતિ ભલે જુદી રહી, પણ સૌ આ ધરતીના સંતાનો હતાં અને આપણી  પરંપરા હતી શાંતિપ્રિયતા અને સહિષ્ણુતાની. જનતાની પ્રવૃત્તિ ખેતી, વ્યાપાર, વહાણવટાની હોવાથી અફઘાન/મોગલ રાજકર્તાઓને તેમના પર શાસન ચલાવવામાં કોઇ મુશ્કેલી નડી નહીં. શ્રેષ્ઠીઓની શાલિનતાને કારણે શાસક વર્ગના લોકોમાં તેમના પ્રત્યે આદરની ભાવના હતી. પ્રજા કાયદાને આધિન રહી કામ કરતી હતી.

    અહીં એક ચોખવટ કરવી જરૂરી છે : ઉપર જણાવેલી રાજાશાહી અને સામંતશાહી (Monarchy and Feudalism) એક કોઇ ધર્મ-વિશેષની પદ્ધતિ નથી.  રાજકર્તા અને રૈયત એવા સમાજમાં પડેલા બે વિભાગ પુરાતન કાળથી ચાલી આવેલી પદ્ધતિના પરિણામ છે. આ પદ્ધતિ ભારતમાં ક્ષત્રીય રાજકર્તાઓના સમયમાં હતી અને વિદેશમાં પણ. યુરોપના મધ્ય યુગમાં તેમજ ઑટોમન સામ્રાજ્યમાં તે જોવા મળે છે. ભારતમાં વિદેશી સત્તાઓનું આધિપત્ય આવ્યા બાદ તે ચાલુ જ રહી. આમ ગુજરાતમાં અફઘાન અને મોગલ સામ્રાજ્ય આવ્યા પછીની જે પદ્ધતિ ઉપરના ફકરાઓમાં વર્ણવી છે, તે ટીકા તરીકે નહીં, ઐતિહાસિક હકીકતનું કથન છે. સમાજશાસ્ત્રના અભ્યાસુઓને તેની જાણ હશે જ.  આ વિષય બ્લૉગની સીમા બહારના હોવાથી તેની વિસ્તારથી ચર્ચા કરી નથી. અહીં કેવળ તેનું વર્ણન છે, મીમાંસા નહીં.  

    ગુજરાતના આ મખમલસમા સમાજમાં ચીરો ત્યારે પડ્યો જ્યારે કેટલાક કટ્ટર અને સંકુચિત મનોવૃત્તિના ધર્મગુરુઓને ગુજરાતની સાંસ્કૃતિક પરંપરા અને સામાજીક ઉત્સવોમાં તેમના સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ થતો દેખાયો. સામુહિક પ્રાર્થનાઓમાં તેની વિરુદ્ધ પ્રચાર થવા લાગ્યો. સમાજમાં તીરાડ પડવા લાગી. આની પ્રત્યક્ષતા (manifestation) સન ૧૭૧૪માં પહેલી વાર જોવા મળી  

   શ્યામ પરીખના ટાઇમ્સના લેખ પ્રમાણે તે વર્ષની હોળીના દિવસે અમદાવાદના એક આગેવાન વણિક શરાફના હરિરામ નામના મુનિમે એક મુસ્લિમ પર ગુલાલ છાંટ્યો. આ દ્વેષભાવથી કરવામાં આવ્યું હતું કે ઉત્સવના હર્ષના આવેગમાં, અને હરિરામ આ પીડિત સજ્જનને ઓળખતો હતો કે કેમ, તે ટાઇમ્સના લેખમાં જણાવવામાં આવ્યું નથી, પરંતુ જેમના પર ગુલાલ છંટાયો હતો તે સજ્જનને પોતાના ધર્મનું અપમાન થયેલું લાગ્યું. તેમણે અમદાવાદના મુખ્ય કાજી ખૈરઉલ્લાહખાન પાસે ફરિયાદ કરી કે હરિરામે તેમના ધર્મનું અપમાન કર્યું હતું અને તે માટે તેને સજા કરવામાં આવે. 

    તે સમયે ગુજરાતના હાકેમ દાઉદખાન નામના ઉમરાવ હતા. તેમને શહેરના હિંદુઓ સાથે સારા સંબંધ હતા તેથી કાજીને લાગ્યું તેઓ હરિરામ સામે કોઇ પગલાં નહીં લે. તેથી ન તો તેણે દાઉદખાનને આ બાબતની જાણ કરી, કે ન કોઇ પગલાં હરિરામ સામે લીધા. સુબા દાઉદખાનને છેક સુધી ખબર નહોતી કે આવો કોઇ પ્રસંગ બન્યો છે. બીજી તરફ ફરિયાદ કરવા છતાં હરિરામ સામે કોઇ કાર્યવાહી થઇ નહી તેથી તે પીડિત ગૃહસ્થ મુસ્લિમોનું એક મોટું ટોળું લઇ હરિરામના ઘેર પહોંચી ગયા. તેમણે હરિરામનું ઘર લૂંટ્યું અને તેમાં આગ લગાડી. Mob એટલે મતિહિન પ્રાણી. ઉન્માદમાં આવી તેમણે આડોશ પાડોશમાં રહેતા હિંદુઓના ઘર લૂંટ્યા અને તેમાં આગ લગાડી. તોફાન આખા મહોલ્લામાં ન ફેલાય તે માટે તે ત્યાંના એક અગ્રણી વ્યાપારી કપુરચંદ ભણસાલીએ તેમના હથિયારબંધ રક્ષકો મોકલી ટોળાને ત્યાંથી તગેડી મૂક્યું. આનું પરિણામ વધુ ખરાબ આવ્યું : કોમી તોફાનો આખા શહેરમાં વ્યાપી ગયા. અમદાવાદના મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ દિલ્હી દરબારમાં પહોંચી ગયા અને મોગલ શહેનશાહ પાસે ફરિયાદ કરી કે તેમના ધર્મ પર હુમલો થયો છે તેથી ગુજરાતના ગવર્નર અને 'ગુનેગાર' રહેવાસીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. શહેનશાહ ફર્રૂખશિયરે વાઇસરૉય દાઉદખાનને બરતરફ કર્યા અને તેમની જગ્યાએ મહારાજ અજીતસિંહ, જેઓ સુલ્તાનના સસરા હતા તેમની નીમણૂંક કરી તેમને અમદાવાદ મોકલ્યા. આનાથી સમાજમાં તંગદિલી વધુ ફેલાઇ. અને સતત બે વર્ષ  સન (૧૭૧૫ અને ૧૭૧૬) અમદાવાદમાં મોટા પાયા પર હુલ્લડ થયા. 

    એક પરંપરાગત સામાજિક કહો કે ધાર્મિક પ્રસંગની ઉજવણીમાં એક મૂર્ખ વ્યક્તિએ કરેલી નાની ભૂલનું જે પરિણામ આવ્યું તે બન્ને સમાજ માટે ચિંતાજનક હતું. કમનસીબે તે સમયના ધર્મગુરુઓએ આ વાત ગંભીર સ્વરુપ ધારણ ન કરે તે માટે સમાધાનના પગલાં લેવાને બદલે તેને ધાર્મિક પ્રતિષ્ઠાની બાબત બનાવી, અને તે અસાધ્ય રોગની જેમ અમદાવાદ અને ગુજરાતને વળગી. વિચાર કરવા જેવી વાત તો એ છે કે અઢારમી સદીની શરૂઆતમાં બનેલ એક બાલીશ પ્રસંગ છેક એકવીસમી સદી સુધી કૅન્સરની જેમ ફેલાતો રહ્યો. ન કોઇ વ્યક્તિએ, કોઇ સમાજે કે ધર્મનીષ્ઠ આગેવાનોએ ઇતિહાસ પાસેથી કશું શીખ્યું અને ન કોઇ તે અંગેના પ્રતિબંધાત્મક (preventive) પગલાં લીધા.ત્યાર પછી વર્ષમાં એક વાર સરકારની પરવાનગીથી અમદાવાદમાં નીકળતી રથયાત્રા એવો landmark પ્રસંગ બની ગઇ કે લગભગ દર વર્ષે તેની ઉજવણી વખતે કોમી હુલ્લડ લાંબા સમયથી સુધી થતા આવ્યા. સરઘસ કાઢનાર પ્રયોજકોને સજા કરવાનો અધિકાર વ્યથિત જનતાનો છે, કાયદાને નહીં, એવું માની, તે સમયથી નાની - મોટી વાત પર અમદાવદમાં કોમી દંગા થતા આવ્યા છે. ૧૭૧૪ની ક્ષુલ્લક ઘટના બરફના નાના સરખા કણ સમાન હતી : તેનું રૂપાંતર પ્રચંડ હિમપ્રપાત (avalanche)માં થયું. બસો- અઢીસો વર્ષ જુના પ્રસંગનો સૂક્ષ્મ તણખો ૧૯૬૯માં અગ્નિ તાંડવ બની વીસ લાખની વસ્તીવાળા શહેરને ભસ્મીભૂત કરી ગયો. અમદાવાદના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં ખૂનામરકી કદી થઇ નહોતી. સન ૨૦૦૨માં પણ નહીં.

***

    જિપ્સીની ડાયરી સંબંધિત ૧૯૬૯ના દાવાનળના મૂળ પર આવીએ તો જણાશે કે તેની શરૂઆત એક નાનકડી ચિનગારીથી થઇ હતી. તેને હવા આપતા બે પ્રસંગ બીજા દિવસે  થયા હતા. જોતજોતામાં આખું શહેર લાક્ષાગૃહમાં બદલાઇ ગયું અને ભડકે બળ્યું. તેમાંથી બચીને નાસી જનાર પાંડવો નહોતા. (વધુ આવતા અંકમાં)

Monday, August 23, 2021

૧૯૬૯ અને હિંસાનો ઇતિહાસ (૧)

    એક પ્રખ્યાત કહેવત સૌએ સાંભળી છે : History repeats itself. ઇતિહાસનું પુનરાવર્તન થતું રહે છે. ઇતિહાસમાં બની ગયેલા બનાવો, જેના પરિણામ સ્વરૂપે અસંખ્ય માનવોની હત્યા થઇ છે અને અસહાય પ્રજા પર અત્યાચાર થયા છે, તે ભવિષ્યમાં ફરી સર્જાતા હોય છે. આપણે ઘણી વાર જોયું છે કે સમાન ધર્મ, સમાન સંસ્કૃતિ ધરાવતા દેશો વચ્ચે ભયાનક યુદ્ધ જેવા પ્રસંગો ફરી ફરી વાર થયા છે. વિશ્વ યુદ્ધ, જેમાં અનેક દેશોના લાખો સૈનિકો અને અસંખ્ય નાગરિકોએ પ્રાણની આહૂતિ આપી; ભવિષ્યમાં આવું ભયાનક યુદ્ધ ન સર્જાય તે માટે લિગ ઑફ નેશન્સની સ્થાપના થઇ તેમ છતાં ૧૯૩૯માં ફરી એક વાર આવું જ યુદ્ધ થયું. ભારતનો ઇતિહાસ જોઇએ તો આવું હંમેશા થતું આવ્યું છે. વાસ્તવિકતાનો અસ્વીકાર, મિથ્યા માન - અપમાનની માન્યતા કે તે વિશેની ગેરસમજ, અભિમાન અને રાજ ધર્મ અને રાજ કર્તવ્યની ઉપેક્ષાને કારણે મહાયુદ્ધ ફાટી નીકળ્યાના અનેક દાખલા ઇતિહાસે આપણને આપ્યા છે. 

    ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો જે દિલ્હીમાં જયચંદ - પૃથ્વિરાજની કથામાં થયું અને પરદેશી લૂંટારાઓનું રાજ્ય આણ્યું, તેવું જ ગુજરાતમાં પણ થયું હતું. પાટણ શહેરના શ્રેષ્ઠી કાકુ શેઠને ગુજરાતના રાજા કરણસિંહ વાઘેલા સાથે અંગત કલહ થયો. ક્રોધમાં આવી જઇ કાકુ શેઠ રાજાને સજા કરાવવા દિલ્હી ગયો અને અલ્લાઉદ્દીન ખિલજીને વિશાળ સેના સાથે લઇ આવ્યો. તે સમયે કાકુશૈઠને પૃથ્વિરાજ - જયચંદના કલહની વાત યાદ આવી નહીં. અંગત વેરની વસૂલાત કરવા ગુજરાતમાં અફઘાન - મોગલ સત્તા આવી. સત્તાના લોભમાં બંગાળમાં મીર જાફર વિદેશી આક્રમણકારીઓને જઇ મળ્યો. આખો દેશ હજારો માઇલ દૂરથી આવેલા વ્યાપારીઓના હાથમાં ગયો. સદીઓ સુધી આ વેપારીઓએ ચલાવેલી લૂંટમાં સમસ્ત ભારત દેશ ગુલામ થયો. એક વ્યક્તિએ અંગત લોભને કારણે પરદેશીઓને પોતાના રાજાની હત્યા કરવા બોલાવ્યા અને સદીઓ સુધી દેશને દૈન્ય સ્થિતિમાં લાવી મૂક્યો. 

    આ ઇતિહાસ છે; રાજકારણ નથી. 

    વિદ્વાનો કહે છે, ઇતિહાસની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનું પુનરાવર્તન ત્યારે જ થાય છે, જ્યારે દેશની પ્રજા ઇતિહાસ પાસેથી કશું શીખતી નથી અને ભૂતકાળમાં બની ગયેલા દુ:ખદ પ્રસંગોને ટાળવા કોઇ પગલાં લેતી નથી. તેથી જ આવા કરૂણ બનાવોની ઘટમાળ સર્જાય છે.

    અમદાવાદ - અને ગુજરાતમાં કોમી હિંસાનો ઇતિહાસ ત્રણસોથી વધુ વર્ષ જુનો છે. સન ૧૭૧૪માં અમદાવાદ શહેરમાં હિંદુ મુસલમાનો વચ્ચે થયેલી હિંસા, ખૂનામરકી અને લૂંટફાટનો  પ્રથમ બનાવ બન્યો તેમાંથી પ્રજા કશું શીખી હોત તો ગુજરાતમાં ફરી કદી હિંસક હુલ્લડ સર્જાયા ન હોત. તે સમયે શીખવા જેવી બે વાતો હતી. સહિષ્ણુતા અને ક્ષમા. ગુજરાતની તે સમયની રાજસત્તા-પ્રભાવિત કોમના આગેવાનોએ ગુજરાતના પરંપરાગત મૂલ્યો ભૂલી જે કાર્ય કર્યું, તે ૧૯૬૯ના તેમજ ત્યાર બાદના એકવીસમી સદીના બનાવોના પરિપેક્ષમાં તપાસવા જોઇએ. આ માટે અમદાવાદમાં બનેલો કોમી હિંસાની પહેલી ઘટના. 

    ટાઇમ્સ ઑફ ઇંડિયાના ૩ એપ્રિલ ૨૦૦૨ના અંકમાં શ્રી. શ્યામ પરીખના લેખમાં અમદાવાદમાં થયેલા સઘળા કોમી દંગાઓનો ઇતિહાસ આપવામાં આવ્યો છે, તેમાંથી લીધી છે. Google કરવાથી આ લેખ નેટ પર મળી જશે. 

    જિપ્સીના માનવા પ્રમાણે આ વિષયમાં આપણે ગુજરાતના ઇતિહાસ પર એક દૃષ્ટિપાત કરવો જોઇશે. (વધુ આવતા અંકમાં.)

    

Saturday, August 21, 2021

૧૯૬૯ - દાવાનળ (૩)

    આખું શહેર ભડકે બળી રહ્યું હતું. મિલિટરી, CRPF તથા BSFની ટુકડીઓ અગ્નિશામકનું કામ કરી રહી હતી. ઘણી વાર અમદાવાદ પોલીસના DIG મિરચંદાણી જેવા વરીષ્ઠ અધિકારીઓ બનાવના સ્થળનું નિરિક્ષણ કરવા જતા અને સાંજે JOCમાં આવી અમારી સાથે વાત કરતા. 

    એક સાંજે શ્રી. મિરચંદાણી મિલ વિસ્તારમાં આવેલી ચાલીમાં આગ ચાંપવાના પ્રસંગનું નિરિક્ષણ કરીને આવ્યા. તેમનો વ્યથિત, શોકગ્રસ્ત ચહેરો જોઇ લાગ્યું કે તેઓ કોઇ ભયંકર દૃશ્ય જોઇ આવ્યા હતા.

    "આ જગ્યાએ હુલ્લડખોરોનું ટોળું એકઠું થઇ આગ લગાડવાનો પ્રયત્ન કરે છે તેના સમાચાર મળતાં મિલિટરી (આ શબ્દમાં ત્રણેે - મિલિટરી, BSF અને CRPF આવી જાય) પહોંચી. ચાલી ભડકે બળતી હતી. તેને ચારે તરફથી ઘેરી, હિંસક ટોળું 'મારો, કાટો'ની બૂમો પાડી રહ્યું હતું. મિલિટરીએ ત્યાં પહોંચતા વેંત આગ લગાડનારા ટોળા પર ગોળીબાર કર્યો. તેમાં ઘાયલ થયેલા શખ્શોને લઇ હુલ્લડખોરો નાસી ગયા હતા. ગોળીબારમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને તેઓ ત્યાં જ છોડી ગયા હતા.  મિલિટરીના જવાનોએ આગ ઠારવાનો પ્રયત્ન કર્યો ત્યાં ફાયર બ્રિગેડ પણ પહોંચી ગઇ અને આગને કાબુમાં આણી.

    "મારા એસ્કૉર્ટ સાથે અમે ત્યાં પહોંચ્યા અને જોયું  તો ચાલીની બહાર બે લાશ જોઇ. તેમની નજીક બૂઝાયેલી મશાલો પડી હતી. આ બન્ને જણા સશસ્ત્ર સેનાના ગોળીબારથી મૃત્યુ પામેલા જણાયા. લગભગ ત્રીસે'ક ઓરડાવાળી આ ચાલ બળીને ભસ્મિભૂત થઇ હતી. નજીક જઇને જોયું તો કોળસા જેવા કાળા પડી ગયેલા બારણાંઓની સાંકળો આગ લગાડનારાઓએ બહારથી બંધ કરી હતી. ચાલીના ઓરડાઓમાંથી પચાસ જેટલા શબ બહાર કાઢ્યા અને તેમની જે હાલત જોઇ...Oh my God! હુંં તે દૃશ્ય જીવનભર ભૂલી નહીં શકું." 

    મૃતકોનું તેમણે જે વર્ણન કર્યું તે સાંભળી અમરું હૃદય પણ હચમચી ગયું.  અમદાવાદમાં થયેલ આવો એક માત્ર પ્રસંગ નહોતો.

    શ્રી. મિરચંદાણી એક સજ્જન પુરુષ હતા. તેમનો વ્યથિત, કુંઠિત ચહેરો કદી ભુલાયો નથી. 

    બીજો એક પ્રસંગ અમદાવાદમાંના મારા મૂળ રહેઠાણના વિસ્તારમાં થયો. અમદાવાદમાં ત્રણ વિસ્તાર એવા હતા જ્યાં કોમી તોફાની તત્વોએ કદી પ્રવેશ ન કર્યો કેમ કે તેમને રોકવા ત્યાંના યુવાનો તૈયાર રહેતા. અહીંના યુવાનોએ બહાર જઇ કોઇ વિસ્તારમાં કોમી તોફાન નથી કર્યા, પણ સ્વરક્ષણ માટે હંમેશા તૈયાર હતા. જ્યાંથી તોફાની ટોળાંઓ આવવાની શક્યતા હોય, ત્યાં ચોકી કરવા સ્થાનિક યુવાનો હાજર રહેતા અને નજીકમાં આવેલા પોલીસ સ્ટેશનને ખબર કરી મદદ મંગાવી શકતા. 

    ૧૯૬૯માં અમારા મહોલ્લામાં સ્થાનિક સ્વયંસેવકોને સમાચાર મળ્યા કે જમાલપુરથી નદીના પટના રસ્તે તેમના મહોલ્લા પર હુમલો કરવા કેટલાક હુલ્લડખોરો આવી રહ્યા છે. આ સાંભળી કેટલાક યુવાનો ત્યાંના પ્રવેશ દ્વાર જેવી ગલીના નાકે પહેરો ભરવા લાગ્યા. તેમના કમભાગ્યે તે સમયે તેમની નજીકથી મિલિટરીની રાબેતા મુજબની પેટ્રોલ પાર્ટી પસાર થઇ રહી હતી. તેમણે તો કેવળ એકઠા થયેલા યુવાનો જોયા અને તેમને ચૅલેન્જ કર્યા.  મિલિટરીને જોતાં જ યુવાનો ત્યાંથી નાસવા લાગ્યા. ત્યાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો : મિલિટરીની ગસ્ત પાર્ટીની નજીકની ગલી. મિલિટરીને આ યુવાનો જાણે તેમના પર હુમલો કરવા આવી રહ્યા હતા તેવું લાગ્યું અને તેમને થોભી જવાની ચેતવણી આપી. હથિયારબંધ મિલિટરીના જવાનોને જોઇ, ગભરાયેલા યુવાનોએ રોકાવાને બદલે ભાગવાનો પ્રયત્ન કર્યો અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં એક ૧૭ વર્ષના યુવાનને રાઇફલની ગોળી વાગી અને તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો. આ યુવાન અમારા પરિવારના દૂરનાં સગાં, એક વિધવા માતાનો પુત્ર હતો. અમે તેમને માસી કહેતા અને અમારે ઘેર તેમનું આવવા-જવાનું થતું. તેમને બે દિકરા અને બે દિકરીઓ. મોટા પુત્રને બાળ લકવાને કારણે અપંગતા હતી.  નાનો દિકરો સશક્ત, બુદ્ધિમાન અને પરિવારને ગરીબીમાંથી બહાર લાવી શકે તેવો હોંશિયાર હતો.  તે જ ગોળીબારનો ભોગ બન્યો હતો.

    JOCમાં અમને આ પ્રસંગનો કેવળ Situation Report (જેને સૈન્યમાં sitrep કહેવાય છે) મળ્યો હતો. તેમાં કેવળ એટલું જણાવવામાં આવ્યું હતું કે રાયખડ વિસ્તારમાં મિલિટરીને તેમના routine patrolling દરમિયાન તોફાની ટોળું જોવામાં આવતાં તેમને ચૅલેન્જ કરવામાં આવ્યા. આ સાંભળતાં તોફાની ટોળું શરણે આવવાને બદલે પેટ્રોલિંગ પાર્ટી તરફ આવવા લાગ્યું જેથી તેમના પર ફાયરિંગ કરવું પડ્યું હતું. એક વ્યક્તિ મૃત્યુ પામી જેના શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. 

    આ sitrep વાંચીને મારા મનમાં દુ:ખ અને ચિંતા થઇ હતી અને મનોમન સ્વાર્થી પ્રાર્થના કરી, હે ભગવાન, આ અમારા મહોલ્લામાં આ ન થયું હોય તો સારૂં. 

    આ પ્રસંગની પૂરી વિગત મને લાંબા સમય બાદ મળી. મારી નાની બહેન લગ્ન બાદ આ જ વિસ્તારમાં તેના પતિ - પરિવાર સાથે રહેતી હતી. ઉપર જણાવેલા બનાવની પૂરી માહિતી મળ્યા બાદ મેં તેને પત્ર લખી આ પરિવાર વિશે પૂછપરછ કરી હતી અને પૂછ્યું હતું કે તેમને આર્થિક કે અન્ય કોઇ રીતે મદદરૂપ થઇ શકું તે તેમને મળીને મને જણાવે. 

    બહેનનો જવાબ આવ્યો,  "ભાઇ,  શ્રુંગારપુરે માસીનું આ પ્રસંગના થોડા દિવસો બાદ અવસાન થયું. તેઓ આઘાત જીરવી શક્યા નહીં."

***

    દશકો વિતી ગયા. આ પ્રસંગમાં જિપ્સીએ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે અંગત હેસિયતથી ભાગ નહોતો લીધો. તેમ છતાં અમદાવાદમાં શાંતિ સ્થાપવા ગયેલ ગણવેશધારી સિપાહીઓમાંના એક સૈનિક તરીકે અમારી સામુહિક જવાબદારીમાં મારા હૃદયમાં આ દોષ-ભાવના જાગી. તેની આંચનો ડાઘ હજી પણ ભૂંસાયો નથી. અમારા માટે આ એક  Occupational Hazard છે જે ટાળી શકાતું નથી, અને તેના વિશે જનતાને જાણ હોતી નથી. 

    જનતાને કદાચ લાગી શકે છે કે મિલિટરીના જવાનો અને અફસરો ભાવવિહિન, impersonal હોય છે. હકીકત જુદી છે. ફરજ બજાવતી વખતે કેવળ કર્તવ્ય તરફ લક્ષ્ય હોય છે, એટલું જ. 'ઉત્તર રામચરિતમ્' માં એક સુભાષિત છે, તે અંશત: અહીં લાગુ પડે છે : 

    वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि ।

                            लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ॥
 

***    

    ૧૯૬૯માં અમદાવાદમાં થયેલા કોમી દંગામાં ઘણી વાતો જાણવા જેવી, અને અમારા માટે શીખવા જેવી હતી. એક સામાન્ય વિચારશક્તિ ધરાવતા સૈનિક તરીકે જિપ્સીએ જાણેલી, શીખેલી અને વિચારેલી વાતો અહીં કહેવાનો તે પ્રયત્ન કરશે.

    સૌ પ્રથમ કહેવાની વાત એ છે કે ભારતના સશસ્ત્ર દળોએ લીધેલા નિષ્પક્ષ, minimum use of force અને બદલાની ભાવના વગર લીધેલા કર્તવ્યદક્ષ પ્રયાસોને કારણે અમદાવાદ - અને ગુજરાતમાં થયેલા અભૂતપૂર્વ, હિંસાની પરમસીમા-સમા હુલ્લડ કેવળ છ દિવસમાં  કાબુમાં આવ્યા હતા. પણ આ  દિવસના તોફાનોમાં અનધિકૃત આંકડા મુજબ ૫૦૦૦ - હા, પાંચ હજારથી વધુ લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા. તેમનાથી ત્રણ-ચાર ગણા લોકો ઘાયલ થયા હતા અને દસ ગણી વ્યક્તિઓ ઘરબાર વિહોણી થઇ ગઇ હતી. 

   આ માટે કોણ જવાબદાર હતું? 

    વ્યક્તિ? 

    સમાજ? 

    કોઇ રાજકીય પક્ષ? 

    કોઇ વિચારધારા? 

    જાતિય, વાંશિક કે ધાર્મિક શ્રેષ્ઠતા પૂરવાર કરવાનો હિંસક પ્રયાસ?

    કોઇ અતિરેક, મદાંધ કે અભણ વ્યક્તિનું અવિચારી પગલું જેનું આ પરિણામ આવ્યું?

    શું ભૂતકાળમાં આવાં પગલાંને કારણે આવી જ પરિસ્થિતિ અમદાવાદની પ્રજાને ભોગવવી પડી હતી? 

    કે પછી કોઇ બુદ્ધીજીવીની દલીલ કે આ તો કેવળ ઈતિહાસની પુનરાવૃત્તિ છે?       કોઇ કહેશે, આની પાછળ સમાજશાસ્ત્રને લગતી સમસ્યા  - sociological issues છે. આ સમસ્યા એવી છે જેમાં કોઇ વ્યક્તિ વિશેષ, રાજકીય પક્ષ અથવા સામ્પ્રદાયીક જૂથનો દાવો હોય છે કે અમે વંશપરંપરાગત રાજકર્તા હતા તેથી, અથવા અમારી માન્યતા કે વિચારધારા સર્વશ્રેષ્ઠ છે અને તેથી અમારૂં આધિપત્ય સરકારે તથા આમ જનતાએ સ્વીકારવું જોઇએ, અને તેઓ આ નથી કરતા તેનું આવું પરિણામ લાવીશું, તે જાહેર કરવાનો આ માર્ગ છે.    

    એક યુનિફૉર્મધારી સૈનિકના મનમાં આ પ્રશ્નો ઉઠી શકતા હોય, તો દેશ તથા રાજ્યના લાખો વિચાવંત નાગરિકોએ આ ઘેરી સમસ્યા પર ઊંડો વિચાર શા માટે કર્યો નથી? અને જો આધુનિક અને વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં ઉચ્ચતમ શિક્ષણ મેળવી આવેલા સમાજશાસ્ત્રના નિષ્ણાતોએ આનો વિચાર કર્યો હોય તો તેનો ઉકેલ શા માટે શોધી શક્યા નથી?  શું તેઓ પણ કોઇ મૂડીવાદ - સામ્યવાદ સરખી વિચારધારામાં રંગાઇને આવ્યા છે અને તે મુજબ તેમનો પોતાનો પણ કોઇ અંગત એજન્ડા છે?

***

    જિપ્સીની સમજમાં એક વાત આવી નથી : ગુજરાતમાં કોઇ પરિવાર એવો નથી જેના કોઇ સગાં-સંબંધી, મિત્ર, કેવળ એક બીજાને જોઇ, સહેજ હસીને દુઆ - સલામ કરનાર પરિચિત ચહેરાને આ અગનની આંચ દઝાડી નથી ગઇ. તેમ છતાં, આટલી ઘેરી, વેદનામય લાગણીને સહેલાઇથી ભુલી, તેનો કેવળ રાષ્ટ્રને જ નહીં, વિશ્વના હૃદયને હચમચાવી નાખે એવા પ્રલયને ફરીથી શરૂ કરવા માટે ચિનગારી પેટવનાર તત્વોને આવાં કૃત્ય કરતાં રોકવાને બદલે કોણ પોષતું આવ્યું છે? શા માટે? શું પૂરવાર કરવા માગે છે આ લોકો? 

    અને ફરી પાછા પ્રશ્નોની ઘટમાળ શરૂ થઇ જાય : 

    આ માટે કોણ જવાબદાર છે? 

    વ્યક્તિ? સમાજ? વિગેરે વિગેરે.

    આ વિષયની બૌદ્ધિક ચર્ચા આ બ્લૉગમાં અસ્થાને ગણાશે. અહીં તો કેવળ આ પ્રસંગોના નિરપેક્ષ સાક્ષી તરીકે જિપ્સીએ જે જોયું, જાણ્યું અને યાદ રહ્યું તે અતિશયોક્તિ વગર રજુ કરવાનો પ્રયત્ન કરશે.