Pages

Monday, July 5, 2021

આક્રમણની પૂર્વ તૈયારી (૨)

    અમે સવારના પાંચ વાગે નૅશનલ હાઇવે પર પહોંચી ગયા. જ્યારે અમે રસ્તા પર આવતા પહેલા ગામની નજીક પહોંચ્યા ત્યારે અમારી નવાઇનો પાર ન રહ્યો. સડકની બન્ને બાજુએ પંજાબના ગ્રામવાસીઓ કતારબંધ થઇને ખડા હતા. સૌના હાથમાં કંઇક ને કંઇક વસ્તુ હતી. બહેનો પરાંઠા-સબ્જીના પૅકેટ અમારી ખુલ્લી ટ્રકમાં બેસેલા જવાનોને પરાણે આપતી હતી. "વીરજી, જંગ જીતકે સલામત આવણાં" મોટે મોટેથી બોલીને અમારો ઉત્સાહ વધારતી હતી. યુવાનો, વૃદ્ધો સૌ હાથ હલાવીને 'જયહિંદ, વીર જવાન", "ફતેહ કરો," 'ભારતમાતાકી જય"નો પોકાર કરતા હતા.  રૈયા બજારમાં તો અમારે ગાડીઓ કલાકના પાંચ કિલોમિટરની ગતિએ ચલાવવી પડી. સૈનિકોને વધામણી આપવા, પોરસ ચડાવવા એટલી ભીડ જામી હતી, ન પૂછો વાત. આવું ઠેઠ ગુરદાસપુર અને પઠાણકોટ પહોંચ્યા ત્યાં સુધી ચાલતું રહ્યું.

    આજે આ દૃશ્ય યાદ આવે છે અને હૃદય દુ:ખથી ભરાઇ જાય છે. ક્યાં તે સમયનું ભારત અને આજે સૈનિકોને ભાંડતા વામપંથી અખબારો, શેખર ગુપ્તા જેવા ખોટા સમાચાર છાપનાર પત્રકારો (આ કહેવાતા 'પીઢ' સંપાદકે નવી દિલ્હીથી રાબેતા મુજબની ટ્રેનિંગ કરવા બહાર નીકળેલી સૈન્યની ટુકડીઓ વિશે મોટી હેડલાઇનમાં જુઠાણું છાપ્યું હતું કે ભારતીય સેના સત્તા પર કબજો કરવા નીકળી છે!), ગંદું રાજકારણ ખેલનારા સામ્યવાદી અને અન્ય વિરોધ પક્ષના કહેવાતા ભ્રષ્ટ નેતાઓ આજે ભારતીય સેનાના સરસેનાપતિને 'ગુંડા' કહે છે અને સેનાએ કરેલા અભિયાનની સત્યતાની  સાબિતી માગતા ફરે છે ત્યારે દુ:ખ અને ક્રોધની સંમિશ્રિત લાગણી વ્યક્ત કર્યા વગર રહેવાતું નથી.  શા માટે, તે કહેવું પડે છે.

    આ બ્લૉગ રાજકારણથી દૂર છે. જ્યારે ૨૦-૨૫ વર્ષની વયના સેંકડો યુવાન સૈનિકો દેશ માટે લીલાં માથાં વધેરી આપે છે ત્યારે તેનું રાજકારણ કરનારા મુખ્યત્વે વામપંથી પત્રકારો અને રાજનેતાઓ - જેમણે ભારત-ચીનના યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના ઘવાયેલા જવાનો માટે રક્તદાન કરવાનો પણ વિરોધ કર્યો હતો, તેઓ આપણી સેનાની વફાદારી વિશે સવાલ પૂછવા લાગે છે ત્યારે આ વાત કહ્યા વગર રહી શકાતું નથી.  મારે એટલું જ કહેવું છે કે સ્વતંત્ર ભારતમાં સૌને અભિવ્યક્તિની આઝાદી છે. જે પૂછવું હોય તે પૂછો, પણ એક વાતની ખાતરી રાખજો કે ભારતીય સેના હંમેશા રાજકારણથી દૂર રહી છે. ભારતના સંવિધાનની સર્વોપરિતા અને રાષ્ટ્ર પરત્વેની તેની નિષ્ઠા અટૂટ અને કાયમ રહેશે. 

    ખેર. મારી હાલની વાત છે સપ્ટેમ્બર ૧૯૬૫ની. તે સમયની પરિસ્થિતિ જુદી હતી ભારતની જનતાને તેમના સૈનિકો પ્રત્યે માન હતું; ભારતીય સેનાના રાષ્ટ્રપ્રેમ પર વિશ્વાસ હતો અને જે રીતે તેઓ દેશના રક્ષણ માટે રણભૂમિ પર બિનધાસ્ત જઇ રહ્યા હતા તેમને વધાવવા સડક પર આવીને જનતા આપણી સેના પ્રત્યેનો પ્રેમ, માન અને ઇજ્જત પ્રદર્શિત કરી રહ્યા હતા.  તેમને પ્રતિસાદ આપવા સૈનિકો પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા રણમેદાનમાં ઉન્નત શિરે જઇ રહ્યા હતા. 

    ભારતીય સેનાની વાત કરીએ તો તે નેપોલિયનના સૂત્ર - 'Army marches on its stomach' પર અવલંબિત નથી. આપણી સેનાને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટેનું બળ દેશની જનતા આપે છે. ભારતના નાગરિકો આપણી સેનાને પીઠબળ આપવા તત્પર છે એ વિશ્વાસથી દેશની રક્ષા કરવા ભારતીય સૈન્ય કદી પાછી પાની કરતું નથી. કારણ પણ સાદું અને સરળ છે. આપણા સૈનિકો આપણા ખેડુતોના, વ્યાવસાયિકોના, આપણા જ પુત્રો છે. તેઓ તેમના માતા પિતા, બહેનો, આ દેશની ભૂમિ - આપણી રક્ષા કરવા સૈન્યમાં જોડાયા છે. તેઓ કોઇ mercenaries નથી. ભારતીય સેના સ્વયંસેવી, દેશભક્તિથી ઉભરાતા યુવાનોની બનેલી છે.

***

   રાવિ નદી પરના માધોપુર બ્રિજને પસાર કરી અમે કાશ્મિરમાં પ્રવેશ કર્યો અને સાંજના સમયે રામગઢ પહોંચ્યા. આ અમારી બ્રિગેડનો Assembly Area  હતો. અહીં મિલિટરી પોલિસે  જુદી જુદી બટાલિયનો માટેના વિસ્તાર પર નિશાનીઓ કરી હતી. અહીં બન્ને બટાલિયનોને ઉતારી અમે પાછા કપુરથલા જવા નીકળ્યા.

    રાત થઇ હતી. અમારે કોઇ પણ હિસાબે પ્રભાત પહેલાં ગુરખા બટાલિયન તથા બ્રિગેડના બાકીના અંશોને લેવા સવાર સુધીમાં પહોંચવાનું હતું. 

    ઍસેમ્બ્લી એરિયાના કાચા રસ્તા પરથી જેવા અમે નૅશનલ હાઇ પર પહોંચ્યા, દૂરથી ધણધણાટી સંભળાઇ.

    પાંડવોની સેનામાંની એક અક્ષૌહણી સેનાના સેંકડો હાથીઓ જાણે એક સાથે ચિત્કાર કરી રહ્યા હતા. અર્ધા'-એક માઇલનું અંતર કાપ્યું અને સામેથી હાથીના જ આકારની  સેંચ્યુરિયન ટૅંક્સનો કૉલમ આવતો જોયો. જીવનમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં - સો - દોઢસો જેટલી વિશાળકાય ટૅંક્સ આવતી જોઇ! આ હતી રૉયલ સેકંડ લાન્સર્સ, હડસન્સ હૉર્સ, ૧૬મી બ્લૅક એલિફન્ટ રેજિમેન્ટની ટૅંક્સ. લગભગ ૪૫ ટન વજનની ટૅંક્સ ધરાવી પ્રથમ આર્મર્ડ બ્રિગેડની પાછળ તેમના હળવા વાહનો હતા. સડક પર તેમના સ્ટીલના પટા તથા એન્જિનનો ધણધણાટી બોલાવતો અવાજ ભલભલાના કાળજા કંપાવી દે તેવો હતો. છ રેજિમેન્ટ્સની દોઢસો જેટલી ટૅંક્સના આ કૉન્વૉયે સડક સાંકડી કરી નાખી હતી. તેમને જગ્યા આપવામાં મારા કૉન્વૉયની એકસૂત્રતાનો સત્યાનાશ થઇ ગયો. મારો કૉન્વૉય લગભગ પાંચ-છ ભાગમાં વહેંચાઇ ગયો. અમારા ડ્રાઇવર અને પ્લૅટૂન કમાંડર હોંશિયાર હતા. તેઓ બરાબર  કપુરથલા પહોંચી ગયા અને ગુરખાઓ સમેત લૉરીડ ઇન્ફન્ટ્રી બ્રિગેડના બાકીના યુનિટોન લોડ કરીને તૈયાર હતા. કંપનીના બન્ને પ્લૅટૂન કમાંડર અને મારા પ્લૅટૂન હવાલદાર પાસેથી રિપોર્ટ મેળવી અમે ફરી રામગઢ જવા તૈયાર થઇ ગયા.

    આ સતત પ્રવાસમાં અમને જનતાએ આપેલ લંચ પૅકેટ્સનો ફાયદો થયો. રામગઢમાં જ્યારે જાટ અને ગઢવાલ બટાલિયનને ઉતારવાનો એક કે બે કલાકના સમયનો બ્રેક મળ્યો હતો તે સિવાય અમે સતત ૨૪ કલાક પ્રવાસ કરી રહ્યા હતા. કપુરથલાથી રામગઢ ૨૨૦ કિલોમિટર હતું આમ ૪૪૦ કિલોમિટરનો પ્રવાસ કરી અમારે પાછા રામગઢ જવાનું હતું. સૌ થાકી ગયા હતા. કેટલાક ટ્રક્સમાં કો-ડ્રાઇવર પણ નહોતા. તેમ છતાં સૈનિક ડ્રાઇવરો સતત ૩૬ કલાકથી વાહનો ચલાવતા રહ્યા હતા.

    મારા ડ્રાઇવર શિવ પ્રસાદ ગુપ્તાની હાલત જોઇ મેં તેને આરામ કરવા કહ્યું અને મેં સ્ટિયરિંગ વ્હિલ હાથમાં લીધું. રાતનો સમય હતો. સડક પર આર્મર્ડ ડિવિઝનના બાકીના ઘટક - ૧૦૦/૧૫૦ ટૅંક સમેત આવતી આર્મર્ડ બ્રિગેડ, ૬૦ જેટલી 'સેલ્ફ પ્રૉપેલ્ડ ગન' (ટૅંક જેવી બૉડી પર ચઢાવેલી તોપ) તથા અન્ય યુનિટ્સ  સામેથી આવી રહ્યા હતા.  આમાંની કેટલી રેજીમેન્ટ્સની સેંચ્યુરિયન ટૅંક્સને ૩૬ પૈડાંવાળા ટૅંક ટ્રાન્સ્પોર્ટર Mighty Antar નામના તોતિંગ વાહન પર ચઢાવીને આવતી હતી.

માઇટી ઍન્ટારનું આ નવું મોડેલ છે. જુના મોડેલમાં તેના ટ્રેલર પર ૩૬ નાનકડાં વ્હિલ હતા.
અહીં ટ્રાનસ્પોર્ટર પર ચઢાવેલી ટૅંક જોઇ શકાય છે. 


સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપ

    આવા તોતિંગ વાહનો અને ટૅંકોએ લગભગ આખી સડકની પહોળાઇ ઘેરી લીધી હતી. આર્મ્રડ બ્રિગેડ પસાર થાય ત્યાં સુધી અમારે અમારા વાહનો કોઇ વાર સડકના કિનારે રોકવા પડતા હતા અથવા સંકડાશમાંથી સંભાળીને પસાર કરવા પડતા હતા. આવતી કાલની સાંજ પહેલાં અમારે ગુરખાઓ તથા બાકી રહેલી ઇન્ફન્ટ્રી બ્રિગેડને રામગઢ પહોંચાડવાની હતી. સવારના દસ-સાડા દસના સુમારે અમે કપુરથલા પહોંચ્યા, સૈનિકોને ટ્રકમાં બેસાડ્યા અને ફરી પાછા રામગઢ જવા નીકળ્યા.

        રામગઢ પાછા પહોંચતાં રાત થઇ ગઇ.  મારી કંપનીમાં પહોંચીને  પ્લૅટૂનો પાસેથી રિપોર્ટ માગતાં જાણવા મળ્યું કે અમારી કંપનીના ચાર ટ્રક્સ રસ્તામાં ખોટકાઇ ગયા હતા. એક તો તે જુના વાહનો હતા અને ઓવરહિટિંગ તથા અન્ય ક્ષતિઓને કારણે રોકાયા હતા. અમારા URO (યુનિટ રિપૅર ઔર્ગેનાઇઝેશન)ના મિકૅનિક આ ગાડીઓ પર કામ કરી રહ્યા હતા. તેમના કહેવા પ્રમાણે ચારે ટ્રક્સ એકાદ કલાકમાં ઠીક થઇને અહીં પહોંચી જશે. આ પૂરું થતાં રાતના અગિયાર વાગી ગયા. હું મેજર સોહનલાલને રિપોર્ટ કરવા જતો હતો ત્યાં સૅમી મારી પાસે આવ્યો. 

    "નરેન, અહીં હાલત જરા નાજુક છે. આપણા કંપની કમાંડરને બટાલિયન કમાંડરે તાત્કાલિક બોલાવ્યા છે. તેઓ હેડક્વાર્ટરમાં ગયા છે. હાલમાં કંપનીનો કામચલાઉ ચાર્જ મારી પાસે છે. "

    મેં સૅમીને પૂરો રિપોર્ટ આપ્યો અને કંપની કમાંડરને જણાવવા કહ્યું.

  રાતના બાર વાગ્યા સુધી અમારા રોકાયેલા ચાર ટ્રક્સ આવ્યા નહીં તેથી મેં જાતે જઇને તપાસ કરવાનું નક્કી કર્યુ. આ અમારા મહત્વની સામગ્રી ભરેલા ટ્રક હતા. તે જગ્યાએ અટકાઇ પડ્યા હતા તેની મને જાણ નહોતી તેથી મેં સૅમીને જણાવી વાહનોની શોધમાં નીકળ્યો. 

    મધરાત થઇ ગઇ હતી. ચારે કોર સોપો પડી ગયો હતો. અમને હવે સખત હુકમ હતા કે દુશ્મનને અમારી હિલચાલની જાણ થઇ ગઇ છે તેથી વાહનોએ વગર બત્તીએ પ્રવાસ કરવાનો છે. 

    આર્મર્ડ ડિવિઝન જમ્મુ-કાશ્મિરના રામગઢ વિસ્તારમાં જઇ રહી તેની માહિતી આપણા શત્રુ પાસે કેવી રીતે પહોંચી ગઇ તે પણ જાણવા જેવું છે. આપણા દુશ્મન દેશના જાસુસોની sleeping cell - આપણી વચ્ચે રહીને દેશના વફાદાર નાગરિકનો સ્વાંગ રચીને એવા ભળી જાય છે, આપણને ખ્યાલ પણ ન આવે કે આપણી સાથે આવી વ્યક્તિઓ રહે છે. જ્યારે તેમને ગુપ્ત સંદેશ દ્વારા તેમના કંટ્રોલર સતર્ક કરે ત્યારે, અથવા આર્મર્ડ ડિવિઝન જેવું સૈન્ય એક સામટું આવા અભિયાન માટે એ સ્થળેથી બીજે સ્થળે જાય, તેઓ જાગૃત થઇને ગુપ્ત સંદેશાઓ દ્વાર 'તેમને' જાણ કરતા હોય છે.

    સાંબા જીલ્લાના કઠુઆ શહેર નજીક એક મોટું વરસાદી નાળું છે. નાળાનું વહેણ છેક પાકિસ્તાનના પ્રદેશ સુધી વહે છે. ચોમાસા સિવાય તેમાં પાણી હોતું નથી. ત્યાં કેવળ મોટા મોટા ગોળ પત્થર અને કાંકરા અને ઝાંખરા વિ. હોય છે. આ નાળાનો પટ મોટો હોવાથી પૂલ પણ ખાસો લાંબો છે.


કઠુઆના નાળા પરનો પુલ લગભગ આવો દેખાતો હતો.
કેવળ તેમાંના પત્થર ગોળ દડા જેવા અને કાંકરા લખોટા જેવા હોય છે.

     દુશ્મનનોની જાસુસી એજન્સીઓને તેમની સ્લિપર સેલ દ્વારા આર્મર્ડ ડિવિઝનની હિલચાલની ખબર પહોંચી હતી. તેની ખાતરી કરવા તેમણે કઠુઆના આ નાળાનો ઉપયોગ કરી એક નાનકડી ટુકડી નાળા પરના પુલ પાસે મોકલી. આ ટુકડીએ પુના હૉર્સ રેજિમેન્ટના એક DR (ડિસ્પૅચ રાઇડર - લશ્કરી  દસ્તાવેજ લઇ જનાર સંદેશ વાહક)ને આંતરીને મારી નાખ્યો, તથા તેની બૅગમાંના દસ્તાવેજ લઇ તેમના કમાંડર પાસે પહોંચી ગયા.  તેમાંના પત્રો જોઇ પાકિસ્તાની સેનાને ખબર પહોંચી ગઇ હતી કે આર્મર્ડ ડિવિઝન રામગઢ તરફ એકઠી થઇ રહી હતી. આ વાતની મને ત્યારે જાણ નહોતી.

    અંધારામાં વગર બત્તીએ અમારી જીપ ધીરે ધીરે આગળ વધી રહી હતી. નાળા પરનો પુલ પાર કરીને અમે લગભગ પાંચસો - હજાર  ગજ ગયા અને જોયું તો અમારી ડિવિઝનની જુદી જુદી યુનિટ્સના લગભગ ૩૦૦ ટ્રક્સ લાઇનબંંધ ખડા હતા. આ લાંબી કતારમાં સૌ પ્રથમ મેં મારી કંપનીના ટ્રક્સ શોધ્યા. તે રિપૅર થઇ ગયા હતા અને ડ્રાઇવર્સ તૈયાર હતા તેની ખાતરી કરી. તેવામાં અમારી બ્રાવો કંપનીના સુબેદાર આવ્યા અને મને કહ્યું, "સા'બ, બહુત ગડબડ હો ગયા. આપકો તો માલુમ પડા હી હોગા કે કઠુઆ બ્રિજ પર દુશ્મનકી ઍમ્બૂશ પાર્ટીને પુના હૉર્સ કે DRકો માર ડાલા ઔર અબ ઇસ બ્રિજ પર દુશ્મનકા કબજા હૈ. હમ આગે નહીં જા સકતે."

    "સુબેદાર સાહેબ, હું અબ્બી હાલ આ પુલ પરથી જ આવ્યો છું. મને તો કોઇ દેખાયું નહીં. તમે તપાસ ન કરી?"

    "સર, અમારી સાથે ઇન્ફન્ટ્રીની પ્રોટેક્શન પાર્ટી નથી. મારી ૬૦ ગાડીઓમાં ટૅંક્સ માટેનું હાઇ ઑક્ટેન પેટ્રોલ છે. દુશ્મન તેમાં આગ લગાડે તો ડિવિઝન H-Hour પર કૂચ નહીં કરી શકે. શું કરવું તે સમજાતું નથી. અહીં રોકાયેલી સઘળી ગાડીઓ જુદા જુદા યુનિટની એડમિન ટ્રક્સ છે. અહીં આપના સિવાય અન્ય કોઇ સિનિયર અફસર નથી. હવે આપ હુકમ આપો તે પ્રમાણે કરીએ. મારૂં માનો તો પઠાણકોટ કોઇને મોકલીએ અને મદદ માગીએ."

    રાતના બે  વાગી ગયા હતા. H-Hour - દુશ્મન દેશ પર હુમલો શરૂ કરવાનો નિર્ધારિત સમય સવારના છ વાગ્યાનો હતો. પઠાણકોટથી કૂમક મગાવવાનો અમારી પાસે સમય નહોતો. મેં પરિસ્થિતિનો વિચાર કરીને આગળની કાર્યવાહીનો નિર્ણય કર્યો. 

    "સુબેદાર સા'બ, અબ મેરા હુકમ ધ્યાનપૂર્વક સૂનિયે..."

1 comment:


  1. આ લેખમા આવેલ શબ્દ mercenaries ભાડુતી અંગે મુવી યાદ આવી.

    mercenaries =ભાડૂતી

    1:42:03NOW PLAYING

    WATCH LATER
    ADD TO QUEUE
    The Mercenaries - Full Movie - Full Action Free Movie

    151K views10 months ago

    V Movies
    The Mercenaries - Full Movie - Full Action Free Movie When a visiting dignitary is captured and imprisoned while touring a war ...
    ...................
    I recall a similar question being asked late last year, and it led me to discover the fascinating
    "Diary of a Napoleonic Foot Soldier."
    It said that the soldiers in Napoleon's army were expected to purchase their own provisions from local merchants. This practice worked well in Western and Central Europe, but once the march on Moscow entered Eastern Poland, the massive armies found less and less to eat.
    During the hot summer march, the soldiers stole and pillaged whatever food supplies they could find from local villages, although they often went days without water or food. The book describes how Moscow had an abundant supply of food, and many of the soldiers knew that starvation was coming once they left the city during the onset of winter.

    During the winter retreat from Russia, the soldiers ate anything they could find, which often meant resorting to eating their horses. The book's author, Jakob Walter, survived on oats, fat, cabbage, dead horse and hog meat, and literally anything that was edible, in order to survive.

    I'm not an expert on the subject, but the book gives a very detailed first hand account of the life of an ordinary conscript during Napoleonic times. I strongly recommend it
    આ વાતે ધન્ય આપણી પ્રજા કે સૈનિકોની પડખે રહે છે અને આપણા સૈનિકો પણ આવી સ્થિતીનો યોગ્ય રીતે
    સામનો કરે છે
    'દુશ્મનનોની જાસુસી એજન્સીઓને તેમની સ્લિપર સેલ દ્વારા આર્મર્ડ ડિવિઝનની હિલચાલની ખબર પહોંચી હતી...'ત્યાર બાદની કંપાવે તેવી સ્થિતીમા આ સમાચારે' અહીં આપના સિવાય અન્ય કોઇ સિનિયર અફસર નથી. હવે આપ હુકમ આપો તે પ્રમાણે કરીએ'બાદ થયેલનો ઇંતેજાર

    ReplyDelete