Pages

Thursday, June 24, 2021

જીવન સંગ્રામ

    ઝાંસી પહોંચ્યા બાદ મેં ફૅમિલી ક્વાર્ટર માટે અરજી કરી.  અમારા યુનિટના અફસરો માટે  બ્રિટિશ જમાનાના છ નાનકડા બંગલાઓનો સમૂહ ઍલોટ થયો હતો તેમાંનો એક અમને મળ્યો. મારા પાડોશી હતા કૅપ્ટન હરીશ શર્મા. બાને ખબર કરી કે હું સૌને લેવા આવું છું. જ્યારે તેમને લેવા અમદાવાદ ગયો ત્યારે જાણવા મળ્યું કે બા અમારી સાથે આવી શકે તેમ નહોતાં. અહીં અમારૂં પૈતૃક મકાન હતું, પણ તેમાં બે યુવાન દિકરીઓને શહેરમાં એકલી મૂકીને તેઓ કેવી રીતે આવી શકે? તેમની વાત પણ બરાબર હતી. તેમાંની એકનાં લગ્ન નક્કી થયા હતા પણ તેના વાગ્દત્ત મેડિકલના છેલ્લા વર્ષમાં હતા. નાની બહેન ડૉલીના કૉલેજનું એક વર્ષ બાકી હતું. 

    મારૂં એક મહિના પર લગ્ન થયું હોવાને કારણે બાએ અનુરાધાને મારી સાથે જવાની રજા આપી. અમારી સાથે બા ન આવી શક્યા તેનું મને અત્યંત દુ:ખ થયું, પણ બીજો કોઇ રસ્તો નહોતો. ૧૦મી માર્ચ ૧૯૬૫ના રોજ અમે ઝાંસી પહોંચ્યા. 
આર્મર્ડ ડિવિઝનની પ્રશિક્ષણની બધી પ્રક્રિયાઓ પૂરી થઇ હતી તેથી અફસરો અને જવાનો માટે હવે શાંતિનો સમય આવ્યો હતો. આ સમય દરમિયાન અમારા બટાલિયનના અફસરો અને તેમના પરિવારોએ બુંદેલખંડના કેટલાક ઐતિહાસિક સ્થળો - ઓરછા અને દતિયાના સુંદર મંદિરો અને બેતવા નદીના કિનારે આવેલા રમણીય સ્થળોની મુલાકાત ગોઠવી હતી. તેમાં યાદ રહી ગયું હોય તો ઓરછાનું શ્રી રામ રાજાનું મંદિર. વિશ્વમાં કદાચ આ એક મંદિર એવું છે જ્યાં પ્રભુ રામની એક પ્રજાવત્સલ રાજાની જેમ પૂજા કરવામાં આવે છે. આ એક મંદિર નથી. રાજાનો મહેલ છે અને તેમાં બિરાજે છે રાજા રામ.


                               (ઓરછાનો રામ રાજાનો મહેલ)


                         
 (મહેલમાં વિરાજિત રામ રાજાની  પ્રતિમા)



    ૨૨મી એપ્રીલ ૧૯૬૫ના રોજ સવારે યુનિટમાં જતાં પહેલાં અનુરાધા અને હું બ્રેકફાસ્ટ કરવા બેઠા હતા ત્યાં મોટર સાયકલ પર મારંમાર કરતો ડીસ્પૅચ રાઇડર (DR) આવ્યો. મને સૅલ્યુટ કરી કહ્યું, “સર, આપને કંપની કમાંડર સાહેબે તાત્કાલિક યાદ કર્યા છે. એક અર્જન્ટ મિટીંગ છે.” આવો જ સંદેશ બાકીના બધા અફસરોને આપી તે પાછો ગયો. 

ખાસ પ્રસંગ સિવાય આવી રીતે DR ન આવે. આમ પણ અર્ધા કલાકમાં તો મારે પરેડ પર હાજર રહેવાનું હતું. બ્રેકફસ્ટ મૂકીને હું તરત હેડક્વાર્ટર્સ પર પહોંચ્યો. મિટીંગમાં મેજર લાલે અમને હુકમ સંભળાવ્યો:

    "આર્મર્ડ ડિવિઝન હવે પછી જાહેર કરાનારા યુદ્ધક્ષેત્રના વિસ્તારમાં જશે. આપણી બટાલિયન ઝાંસી સ્ટેશનેથી ૨૪મી એપ્રિલ ૧૯૬૫ના રોજ અજાણ્યા સ્થળે જવા રવાના થશે. જે અફસરોની ફૅમિલી ઝાંસીમાં છે તેઓ તેમના ક્વાર્ટર્સમાં રહી શકશે. જે પરિવારોને પોતાને વતન જવું હોય તેમનું રીઝર્વેશન તથા ઘર સુધી રક્ષક મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અર્ધા કલાકમાં મને રિપોર્ટ જોઇએ કે તમારી પ્લૅટૂનના જવાનો, તેમના હથિયાર, પ્લૅટૂનની ગાડીઓ અને સામગ્રી યુદ્ધ માટે કૂચ કરવા પૂરી રીતે તૈયાર છે. NMB ૨૪ એપ્રિલ. કૅરી ઑન."

     NMB એટલે 'નો મૂવ બિફોર', અર્થાત, ૨૪મીએ અમારે અજાણી જગ્યાએ પ્રયાણ કરવાનું હતું. અમે તરત કામે લાગી ગયા.
    ***

    બે દિવસ પહેલાં જ અમે ઓરછાના શ્રીરામ મંદિરના દર્શન કરીને પાછા આવ્યા હતા. તે દિવસે યાદ આવી બચપણમાં શીખેલી કવિતા : "ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.."

     તે દિવસે અમારા લગ્નને બરાબર અઢી મહિના થયા હતા.

   



 

    


2 comments:

  1. .
    'ઓરછાનો રામ રાજાનો મહેલ અને મહેલમાં વિરાજિત રામ રાજાની પ્રતિમાના ફોટા' દર્શને આનંદ
    "NMB ૨૪ એપ્રિલ. કૅરી ઑન." પધ્ધતિ રોજીંદા કામમા પણ રાખીએ તો કામમા ચોક્કસાઇ આવે !
    છેલ્લે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે,
    વાતે યાદ આવે મિસ્કિનજી
    છતાં જે કંઈ પણ લખ્યું છે સ્ક્રિપ્ટમાં ભજવી જવાનું છે.
    કઇં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,
    દિલાસો આપવા આવો બધુ કંઈક બોલવાનું છે.અને શ્રધ્ધા રાખવાની.
    ''જો હુઆ વો ભી અચ્છા હુઆ .જો હો રહા હૈ વો ભી અચ્છા હી હો રહા હૈ .જો હોગા વો ભી અચ્છા હી હોગા"
    અહીં ગાલીબની વાત
    'શહાદત થી મિરી કિસ્મત મેં, જો દી થી યહ ખૂન મુજકો
    જહાં તલવાર કો દેખા, ઝુકા દેતા થા ગર્દન કો '
    ના ચાલે

    ReplyDelete
  2. આભાર, આદરણીય પ્રજ્ઞાજુ. આપ આટલી કાળજીથી દરેક પંક્તિ વાંચીને પ્રતિભાવ લખો છો તેના પરથી ખ્યાલ આવે છે આપને આપણા સાહિત્ય પર કેટલી પ્રિતી છે. તેમાં પણ એક અ-સાહિત્યકારના લેખન પ્રત્યે સ્નેહ દાખવ્યો છે તે માટે કૃતજ્ઞ છું.

    ReplyDelete