Pages

Wednesday, June 2, 2021

રણાંગણ

     અમદાવાદથી પાછો મોરાર પહોંચ્યો. બદલીનો હુકમ મારી રાહ જોઇને 'બેઠો' હતો. જોઇનિંગ ટાઇમ સાથે મારી બે મહિનાની ઍન્યુઅલ લીવ જોડી પાછો ઘેર ગયો. ફેબ્રુઆરી ૧૯૬૫માં લગ્ન થયાં. મારૂં નવું યુનિટ ભારતીય સેનાની બીજા વિશ્વયુદ્ધના સમયથી યુદ્ધક્ષેત્રોમાં આપણી સેનાના શિરતાજ અને ગૌરવશાળી ગણાતી First Armoured Division- જે દેશ-પરદેશમાં 'ફખ્ર-એ-હિંદ' નામથી પ્રખ્યાત હતી તેમાં હતું. મારી નીમણૂંક હવે પ્લૅટૂન કમાંડરના પદ પર થઇ હતી.

    અહીં આપની જાણ માટે સૈન્યના સામાન્ય બંધારણની માહિતી આપીશ. હવે પછી યુદ્ધની વાતો આવે અને તે વિશેનાં વર્ણન કરીશું તો તેનો આપને સ્પષ્ટ ચિતાર મળી રહેશે. 

    અગાઉ જણાવ્યા પ્રમાણે દેશની સેના મુખ્યત્વે બે ભાગમાં વહેંચાઇ છે : Arm અને Service. 'આર્મ' શાખામાં આવે છે આર્મર્ડ કોર જેમાં ટૅંક્સ હોય છે :  ઇન્ફન્ટ્રી - પાયદળ જેને નેપોલિયને Queen of Battles કહી છે; આર્ટિલરી - તોપખાનું જેને તોપખાનાના અફસરો King of Battles કહે છે! અગાઉ જેને Sappers and Miners કહેતા તે કોર ઑફ એન્જિનિયર્સ. તેમનું કામ હોય છે સૈન્યને આગેકૂચ કરવા માટે તાત્કાલિક પુલ બાંધવા, આગેકૂચ કરતી આપણી સેનાને રોકવા કે નુકસાન પહોંચાડવા માટે દુશ્મને બીછાવેલી વિસ્ફોટકોના 'ગાલિચા' સાફ કરી આપણી ટૅંક્સ અને ઇન્ફન્ટ્રીને દુશ્મન પર હુમલો કરવામાં સરળતા કરી આપવી, કે જ્યારે આપણે દુશ્મનના હુમલા સામે સંરક્ષણ મેળવવું હોય કે તેની આગેકૂચ રોકવા માઇન્સ બીછાવવાનું કામ કરવાનું કામ આપણા એન્જિનિયર્સ કરતા હોય છે.  "કોઇ પણ મુશ્કેલ કામ અમે સહેલાઇથી પૂરું કરી શકીએ. જે અશક્ય હોય તે પૂરૂં કરવા માટે થોડો સમય લાગે એટલું જ, બાકી અમારા માટે અસાધ્ય એવું કોઇ કામ નથી" આ તેમનું Mission Statement છે! આપની જાણ માટે બીજા વિશ્વયુદ્ધમાં આપણી એન્જિનિયર્સ રેજિમેન્ટના લેફ્ટેનન્ટ પરમિંદરસિંહ ભગતને તથા ૧૯૪૮ના કાશ્મિર યુદ્ધમાં સેકન્ડ લેફ્ટેનન્ટ રાણેને બહાદુરી માટેના સર્વોચ્ચ પદક અનુક્રમે વિક્ટોરિરા ક્રૉસ તથા પરમ વીર ચક્ર એનાયત થયા હતા. આ સાથે 'આર્મ'માં આવે છે સિગ્નલ કોર - સંચાર સેવા. કોઇ પણ સેનાનો વિજય સતત, વિના-વિક્ષેપ ચાલતી communications - સંચાર સેવા પર આધાર રાખે છે. યુદ્ધમાં કેવળ એક 'આર્મ' - એટલે ઇન્ફન્ટ્રી જ હુમલો નથી કરતી. તેની સાથે આર્ટીલરી અને ટૅંક્સ પણ હુમલામાં ભાગ લેતા હોય છે. આ સઘળી સેનાઓ, જેમાં હજારો સૈનિકો જુદા જુદા ક્ષેત્રોમાં યુદ્ધમાં સામેલ હોય છે, તેમને  એકબીજાની હલનચલનની હર સેકંડની માહિતી પૂરી પાડવાનું કામ કોર ઑફ સિગ્નલ્સ  કરે છે. સેનાઓ વચ્ચે communication  કેવળ વાયરલેસ જ નહીં, ટેલીફોન લાઇનના તાર બીછાવવાનું કામ પણ તેમને કરવું પડે છે. ઘમસાણ યુદ્ધ ચાલતું હોય અને દુશ્મન પર આક્રમણ કરતી આપણી સેના તોપ અને ગોળીબારની વર્ષા ચાલતી હોય તો પણ આગળ વધતી સેનાની સાથે સાથે ટેલીફોનની લાઇન બીછાવતી, વાયરલેસ સંચાર સેવાને સતત ચાલુ રાખનાર આ રેજિમેન્ટને 'આર્મ' ગણવામાં આવી છે.

   હવે આવે છે સૈન્યનો બીજો વિભાગ - 'સર્વિસ'. નેપોલિયને કહ્યું છે, 'Army marches on its stomach.' સૈન્યને ભોજન સામગ્રી, દારૂગોળો, આગેકૂચ કરતી ટૅંક્સ, તોપ, ઇન્ફન્ટ્રીના વાહનોને જોઇતા પેટ્રોલિયમના પદાર્થ પૂરા પાડવાનું કામ 'આર્મી સર્વિસ કોર' કરે છે. સાથે સાથે તેમના પરિવહન માટે વાહનો પૂરા પાડવાની જવાબદારી આર્મી સર્વિસ કોરની છે. આ 'વાહન'માં માલ-સામાન વહન કરનાર ખચ્ચર પણ આવી જાય છે, જેને Animal Transport કહેવામાં આવે છે. પર્વતીય ક્ષેત્રોમાં સાંકડામાં સાંકડી પગદંડી પર ભારે સામાન લઇ જનાર ખચ્ચર તથા તેના ચાલક સૈનિકોએ અનેક યુદ્ધોમાં અણીના સમયે દારૂગોળો પહોંચાડી યુદ્ધ જીતવામાં મદદ કરી છે.

    આ સાથે આવે છે અન્ય સેવાઓ, જેમ કે કોર ઑફ ઇલેક્ટ્રિકલ ઍન્ડ મિકૅનિકલ એન્જિનિયર્સ (વાહનો, ટૅંક્સ, તોપખાનાની યાંત્રિક ક્ષતિઓ રિપૅર કરી તેને સતત ચાલુ રાખવાનું કામ), યુદ્ધ ક્ષેત્રમાં જે જે સંસાધન, હથિયાર, દારૂગોળો ખૂટતો હોય, કે વપરાઇ ગયો હોય, તે સમયસર પૂરો પાડવાનું કામ ઑર્ડનાન્સ કોર કરે છે. આવા ઘણાં યુનિટ 'સર્વિસ'માં આવે છે. 

    આર્મર્ડ કોરનું બંધારણ : જેમ ઇન્ફન્ટ્રીમાં 'બટાલિયન' હોય છે, તેમ આર્મર્ડ કોરમાં 'રેજિમેન્ટ' હોય છે. એક રેજિમેન્ટમાં ત્રણ સ્ક્વૉડ્રન હોય છે. દરેક સ્ક્વૉડ્રનમાં ત્રણ ટ્રૂપ, અને એક ટ્રૂપમાં ત્રણ થી ચાર ટૅંક્સ હોય છે. આ ઉપરાંત હેડક્વાર્ટર સ્ક્વૉડ્રન હોય છે, જેમાં રેજિમેન્ટના કમાંડર તથા તેમનો 'સ્ટાફ' હોય છે. 

    ઇન્ફન્ટ્રી : એક બટાલિયનમાં ત્રણ રાઇફલ કંપનીઝ હોય છે. એક કંપનીમાં ત્રણ પ્લૅટૂન, અને એક પ્લૅટુનમાં ત્રણ સેક્શન. એક સેક્શનમાં દસ રાઇફલમૅન હોય છે.

    આર્ટિલરી : તોપખાનાની રેજિમેન્ટમાં ત્રણ 'બૅટરી' હોય છે. એક બૅટરીમાં ત્રણ ત્રણ ટ્રૂપ. દરેક બૅટરીમાં છ - છ તોપ હોય છે. તોપના પણ જુદા જુદા પ્રકાર હોય છે, જેમ કે હૉવિત્ઝર, હેવી મૉર્ટર, ઍન્ટી-ઍરક્રાફ્ટ ગન, વિ.

    ફૉર્મેશન : સેનાના બંધારણમાં સૌથી નાનું ફૉર્મેશન 'બ્રિગેડ' હોય છે. તેમાં ત્રણ ઇન્ફન્ટ્રી બટાલિયન, અથવા ત્રણ આર્મર્ડ રેજિમેન્ટ કે ત્રણ આર્ટિલરી રેજિમેન્ટ હોય છે. જ્યારે બ્રિગેડ સાથે અન્ય 'આર્મ' દા.ત. ઇન્ફન્ટ્રી બ્રિગેડ સાથે ટૅંક્સ, આર્મર્ડ બ્રિગેડ સાથૈ ઇન્ફન્ટ્રી અને તોપખાનું, અને તોપખાનાની બ્રિગેડ સાથે ઇન્ફન્ટ્રી અને ટૅંક્સ જોડવામાં આવે ત્યારે તે બ્રિગેડ-ગ્રૂપ કહેવાય છે. ત્રણ બ્રિગેડના જુથને ડિવિઝન કહેવાય છે અને બે થી ત્રણ ડિવિઝનના જુથને કોર (Corps) કહેવામાં આવે છે. જે વિસ્તાર - જેને Command કહેવામાં આવે છે (દા.ત. Northern Command, etc.) તેમાં ત્રણ કોર આવે, તેને Army કહેવાય છે. ડિવિઝન અને કોર કમાંડરને GOC - જનરલ ઓફિસર કમાંન્ડીંગ પણ કહેવામાં આવે છે. 

    પદ : પ્લૅટૂન કે ટ્રૂપ કમાંડરના પદ પર લૅફ્ટેનન્ટ કે કૅપ્ટન; કંપની/સ્ક્વૉડ્રન/બૅટરી કમાંડરના પદ પર મેજર અને બટાલિયન/રેજિમેન્ટના કમાંડરના પદ પર કર્નલ હોય છે. બ્રિગેડ કમાંડરનો હોદ્દો બ્રિગેડિયર, ડિવિઝનના કમાંડર મેજર જનરલ, કોર કમાંડર/આર્મી કમાંડર લેફ્ટેનન્ટ જનરલ અને સમગ્ર સેનાના કમાંડર, સેનાપતિ ચીફ ઑફ આર્મી સ્ટાફ - જનરલ હોય છે. સૈન્યના દરેક વિભાગમાં 'સેકન્ડ-ઇન-કમાંડ' ટૂંકમાં કહીએ તો 2 I/Cનો હોદ્દો હોય છે. યુદ્ધમાં કમાંડર જખમી થાય કે મૃત્યુ પામે, તો તેનું સ્થાન લેવા માટે આ 2IC દરેક રેજીમેન્ટના હરએક સ્તર પર નીમાયેલો હોય છે. પ્લૅટુનમાં 2 I/cના પદ પર નાયબ સુબેદાર હોય છે. જ્યારે અફસરોની કમી હોય, ત્યારે પ્લૅટુન કમાંડર તરીકે સુબેદાર કે નાયબ સુબેદારની નીમણૂંક થતી હોય છે. 

***

    મારૂં નવું યુનિટ ઝાંસીમાં હતું. ઝાંસી એટલે રાણી લક્ષ્મીબાઇની પૂણ્યભૂમિ. આ 'શાંતિ સ્થળ' - Peace Station - હતું અને પરિવાર સાથે રહેવાની પરવાનગી હતી! અહીં પરિણીત અફસરો માટે આવાસ પણ ઘણી મોટી સંખ્યામાં હતા.

    આ સમાચાર સાંભળી હું ખુશ થઇ ગયો. અમે બધા - બા, બહેનો તથા અનુરાધાને લઇ ઝાંસી સાથે રહી શકીશું એવી શક્યતા ઉભી થઇ હતી. 

    આશા, શક્યતા અને પ્રત્યક્ષ હકીકતમાં કેટલો ફેર હોય છે તેની ઝાંખી હવે અમારા નવા જીવનમાં દરેક પગલે મળવાની હતી તેનો અમને કોઇને અણસાર સુદ્ધાં નહોતો.

2 comments:

  1. ઇન્ફન્ટ્રી બટાલિયનમાં ત્રણ રાઇફલ કંપની ઉપરાંત એક સપોર્ટ કંપની હોય છે, જેમાં મોર્ટાર,િધિયમ મશિનગન, ઍન્ટી-ટૅંક પ્લૅટૂન હોય છે. આ લખવાનું રહી ગયું હતું તે માટે ક્ષમાયાચના!

    ReplyDelete
  2. 'Arm અને Service.' અંગે નવી માહિતી જાણવા મળી.શાળામા આ અંગે અભ્યાસક્રમમા આવી વાતો ભણાવવી જોઇએ.
    .
    ' આશા, શક્યતા અને પ્રત્યક્ષ હકીકતમાં કેટલો ફેર હોય છે તેની ઝાંખી હવે અમારા નવા જીવનમાં દરેક પગલે મળવાની હતી તેનો અમને કોઇને અણસાર સુદ્ધાં નહોતો...'
    વાતોની રાહ

    ReplyDelete