Pages

Monday, April 12, 2021

સમરાંગણે - રાજકીય અને વૈચારિક નેપથ્યમાં ડોકિયું (૨)

ચીનની રાજરમત વિશે વાત કરીએ તે પહેલાં દેશમાં ૧૯૫૪ થી ૧૯૬૧ના સાત વર્ષના ગાળામાં જે બન્યું તેનું ટૂંકું વિહંગમ દૃશ્ય જોવું આવશ્યક છે.

૧૯૫૪ના એપ્રિલ માસમાં ભારતે ચીન સાથે ચિર શાંતિનો - પંચશીલનો કરાર કર્યો. મે ૧૯૫૪માં પાકિસ્તાને અમેરિકાના South-East Asia Treaty Organisation (SEATO)ના લશ્કરી કરારમાં જોડાવાનો કરાર કર્યો. ભારતે નિ:શસ્ત્ર થવાની દિશામાં મજબૂત પગલું ભર્યું. ૧૯૪૮માં ભારતની સેના સામે થયેલી કારમી હારનો બદલો લેવા પાકિસ્તાને આતિ આધુનિક હથિયાર, લશ્કરી વિમાન, નૌકાદળ મેળવવા ઉપરાંત અખૂટ ધનરાશિ મેળવવાનું શરૂ કર્યું.

ભારત સાથે ચીનનો શાંતિ કરાર થતાં ચીને ભારતમાં પ્રચંડ પ્રચાર અભિયાન શરૂ કર્યું.

તે અરસામાં ચીને સમગ્ર ભારતમાં પ્રચંડ અભિયાન ચલાવ્યું હતું. સામ્રાજ્યવાદ નીચે રિબાતા ચીન જેવા વિશાળ વસ્તીવાળા ગરીબ દેશે માઓ-ત્સે તુંગ (આજકાલ તેમના નામનો ઉચ્ચાર માઓ-ઝેડોંગ કરવામાં આવે છે) અને ચાઉ-એન લાઈના નેતૃત્વ નીચે કેવી અદ્ભૂત પ્રગતિ કરી છે તેનો સચિત્ર પ્રચાર શરૂ કર્યોચાઈના ટુ ડેનામના અઠવાડિકની લાખો નકલો ભારતભરમાં મફત વહેંચાવા લાગી. ભારતના બુદ્ધિજીવીઓ, લેખકો, કલાકારો, લોક નેતાઓ - સૌને ચીન સરકારના ખર્ચે ચીનના પ્રેક્ષણીય સ્થળોની મુલાકાતે લઈ જવામાં આવ્યા. એક જમાનામાં જ્યાં ઉજ્જડ મેદાનો અને રણ હતા, ત્યાં ફળફળાદિ, શાકભાજી અને અનાજનું વિપુલ ઉત્પાદન થવા લાગ્યું છે તે બતાવવામાં આવ્યું. પોલાદના રાષ્ટ્રીયકૃત પ્લાંટ, ખેતી-યંત્રોના ઉત્પાદનની મોહક તસ્વિરો બતાવવામાં આવી. ચીનના પ્રવાસે જઈ આવેલા બુદ્ધિજીવીઓ અને લેખકોએ લખેલા પ્રવાસવર્ણનો અમે હોંશેં હોંશે વાંચવા લાગ્યા હતા. અમારા જેવા યુવાનો પણ પ્રચારમાં ભોળવાઈ ગયા અમે ચીનને આદર્શ માનવા લાગ્યા હતા. હિંદી-ચીની ભાઈ-ભાઈના ઉચ્ચારણમાં સૌ જોડાવા લાગ્યા.

જિપ્સીના જીવનમાં સમય જુદી રીતે મહત્વનો હતો. તેણે કૉલેજનું ભણતર પૂરૂં કર્યું અને ભાવનગર છોડી અમદાવાદ ગયો. ત્યાં નોકરી મળતાં બા અને બહેનોને અમદાવાદ લાવ્યાં અને જીવન આનંદમય બન્યું. નોકરીની સાથે સાથે ક્રિકેટની મૅચો રમવા ઉપરાંત વાચન પણ ચાલુ હતું. ઝવેરચંદ મેઘાણી, વિ.. ખાંડેકર, .મા. મુન્શી, ગુણવંતરાય આચાર્ય, શરદ ચંદ્ર ચટ્ટોપાધ્યાય, કવિગુરૂ રવીંદ્રનાથ ટાગોર, બન ફૂલ, મુન્શી પ્રેમ ચંદ ઉપરાંતક્લાસિકલપાશ્ચાત્ય લેખકો (ચાર્લ્સ ડિકન્સ, જેન ઑસ્ટેન, બ્રૉન્ટે બહેનો, વિક્ટર હ્યુગો, ઍલેક્ઝાંડર ડ્યુમા, મોપાસાઁ, રૉબર્ટ લુઈ સ્ટિવન્સન, રડયાર્ડ કિપ્લિંગ) ઉપરાંત બર્નર્ડ શૉ, ઑસ્કર વાઈલ્ડ, સમરસેટ મૉમ જેવા લેખકો વાંચ્યા. મોટા ભાઈ મધુકર, જેઓ આગળ જતાં લૉ કૉલેજમાં પ્રાધ્યાપક અને ત્યાર બાદ સિવિલ કોર્ટમાં ન્યાયાધીશ થયા તેમણે મુખ્ય રાજકીય વિચારધારાઓ વિશે વાંચવા પુસ્તકો આપ્યા. મધુભાઈ, સૌથી મોટા રાઘવેન્દ્ર અને વચેટ રવિભાઈ એમ.એન.રૉયના New Humanismના અનુયાયી હતા. રૉયીસ્ટ પંથ સામ્યવાદી પક્ષના વિરોધમાં હતો - એટલા માટે નહીં કે તે અમેરિકન મૂડીવાદ કેઆર્મચૅર સોશિયાલિસ્ટવિચારધારામાં માનતા હતા. તેમનો સિદ્ધાંત એક નવા વૈશ્વિક સમાજની સ્થાપનામાં માનતો હતો જેમાં વ્યક્તિ કેન્દ્રસ્થાને રહે છે. વ્યક્તિ-સ્વાતંત્ર્યનો પાયો માનવની આંતરિક નૈતિકતા અને તર્કસંગત વિચાર કરવાની શક્તિ પર બંધાયેલો છે.  શક્તિ વધતે-ઓછે અંશે સઘળા સમાજમાં છે અને જેઓ વધુ જાગરુક છે તેમણે પ્રયત્ન કરી માનવ સમાજમાં જનતાના વ્યક્તિત્વમાં વિકાસ આણી એક એવી ક્રાન્તિ લાવવી જેમાં કોઈ સામ્યવાદ જેવો કોઇ પક્ષ એકહત્થુ સત્તા કબજે કરે. સામ્યવાદનો ઉદ્દેશ દેશના સંસાધન, ભૂમિ, ઉત્પાદનના સાધન (means of production) અને સંપત્તિ પર સમાજની માલિકી લાવવાનો હોય છે. સામ્યવાદના સિદ્ધાંતના આકર્ષક પડદા પાછળ દેશની દરેક પ્રવૃત્તિ પર સામ્યવાદી પક્ષનું નિયંત્રણ હોય છે. તેમાં રૈયત, જેને માર્ક્સવાદમાં proletariat કહેવાય છે, તેને દેશનાઅસલી માલિકકહી ભોળવવામાં આવ્યા, તેઓ સામ્યવાદી પક્ષની નજરે means of productionનો અંશ હતા. આમ દેશની સંપૂર્ણ સંપત્તિ, દરેક પ્રવૃત્તિ, દરેક વ્યક્તિ, દેશનો વહિવટ, વ્યાપાર વાણિજ્ય - એકંદરે આખા દેશ પર સામ્યવાદી પક્ષની સંપૂર્ણ માલિકી હોય છે. ચીન આવું Totalitarian રાજ્ય હતું જેના પર કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈનાનો અંકૂશ હતો. ચીનની સેના સુદ્ધાં ચીનના સામ્યવાદી પક્ષને આધિન હતી. પક્ષના સેક્રેટરી જનરલ સર્વેસર્વા હતા. મોટાભાઈ જ્યારે ચર્ચા કરતા, જિપ્સી સાંભળતો રહેતો. પરિણામે ચીનનાજનતાના આદર્શ સમાજવાદી પ્રજાસત્તાક રાજ્યના પ્રચાર પાછળના સત્યથી વાકેફ હતો. જો કે મનમાં ઉંડે ઉંડે આશા હતી કે રશિયાના સામ્યવાદ જેવી કટ્ટરતાઆપણા પાડોશી એશિયન દેશ’, ભારતના ભાઈ ચીનમાં નહીં આવે. 

તેવામાં કેટલાક ચોંકાવનારા પ્રસંગો થઈ ગયા. 

વર્ષ  ૧૯૫૯.

વર્ષમાં ચીનના વડા પ્રધાન ચાઉ એન-લાઈએ ૧૯૧૪માં ભારત અને તિબેટ વચ્ચે સિમલા ખાતે થયેલ મિટિંગમાં બન્ને દેશો વચ્ચેની સીમા રેખા મેકમૅહન લાઈન મંજુર કરવામાં આવી હતી, તેને નામંજુર કરી. ચીન અને ભારતની અધિકૃત સીમા નથી એવું જાહેર કરી, ચાઉ એનલાઈએ તેને LAC - લાઈન ઑફ ઍક્ચુઅલ કન્ટ્રોલ જાહેર કરી. 

ભગવાન બુદ્ધના શાંતિ, અહિંસાના સંદેશને જીવન પદ્ધતિ તરીકે અપનાવી શાંતિમય જીવન વ્યતિત કરી રહેલ તિબેટ પર ચીને સશસ્ત્ર આક્રમણ કર્યું. લ્હાસાના પોટાલા પૅલેસ નામના દલાઈ લામાના મુખ્ય મઠ પર હુમલો કરી સેંકડો બૌદ્ધ સાધુ - સાધ્વિઓની નિર્ઘૃણ હત્યા કરી અચાનક રાજધાની પર કબજો કર્યો હતો. બૌદ્ધ સાધુ - સાધ્વિઓના હાથમાં કોઈશસ્ત્રહોય તો તે પ્રાર્થના ચક્ર હતું. મુખેથી કોઈ શબ્દો નીકળતા હોય તો તે હતાઓમ મણિ પદ્મે હૂમ્’. દલાઈ લામા તેમના ૮૦,૦૦૦ અનુયાયીઓ સાથે તિબેટ છોડી ભારત આવ્યા. કોણ જાણે કયા કારણસર, કે કોના પ્રભાવ નીચે આવીને નહેરૂએ દલાઈ લામાને રાજકીય આશ્રય આપ્યો તે મહત્વનું નથી. ભારતે દલાઈ લામા તથા તેમના હજારો અનુયાયીઓનું ભારતમાં સ્વાગત કર્યું તે મહત્વનું છે. જો કે  માટે ચાઉ-એન લાઈએ ભારતને ધમકાવી કાઢ્યું હતું અને કડક વિરોધ નોંધાવ્યો હતો. ભારત માટે હિંદી - ચીની ભાઈ ભાઈ હતા. મોટો ભાઈ ધમકાવે તો તે કરવાનો તેને અધિકાર છે!

આખા તિબેટ પર કબજો કર્યા બાદ ચીને ભારતના લદાખની સીમા પર પગપેસારો શરૂ કર્યો. વિદેશ ખાતું સંભાળી રહેલા નહેરૂજીને આના સમાચાર મળતા હતા. ભારતના કમનસીબે આપણા ચીન ખાતેના એલચી સરદાર કે. એમ.પણીક્કર અંદરખાનેથી રીઢા સામ્યવાદી હતા. તેઓ નહેરૂને હૈયાધારણ આપતા રહ્યા કે તિબેટ ચીનનો આંતરિક મામલો છે. ચીને ભારત સાથે પંચશીલનો કરાર કર્યો છે તેથી આપણે ચીન તરફ ભય કે શંકાની નજરે જોવાની જરૂર નથી. જાણે ઓછું હોય, ભારતના સંરક્ષણ પ્રધાન કૃષ્ણ મેનન હતા - જે અંદરખાનેથી સામ્યવાદને પૂર્ણ રીતે વરી ચૂક્યા હતા. તેમણે પણ સમાજવાદની હવાઈ વાતોથી નહેરૂનો પૂરો વિશ્વાસ સંપાદન કરી લીધો હતો. તેમણે નહેરૂને શાંત પાડ્યા કે ચીન આપણી દોસ્તી અને ભાઈચારો નિભાવશે. અમને - એટલે ભારતની સામાન્ય જનતાને વિગતો તે સમયે જાણવા મળી. 

ચીનનો તિબેટ પરનો હુમલો, સાધુ - સાધ્વિઓનો સંહાર અને ભગવાન બુદ્ધના સત્ય, અહિંસાઅને અષ્ટાંગ માર્ગનું અવલંબન કરનારા દેશ પર થયેલા હિચકારો હુમલો અમારા જેવા યુવાનો માટે ક્રુર સ્વપ્નભંગ સમાન હતો. અમે ચીનના રાજદૂતને ઘૃણાસ્પદ કૃત્ય માટે વિરોધ નોંધાવતા પત્રો લખ્યા. આથી વધુ કશું કરવાની ભારતના નાગરિકોની કે ભારતના રાજકર્તાઓની હેસિયત નહોતી અને ચીનને તેની પરવા નહોતી.

***

રાજકીય ક્ષેત્રે બદલાયેલી સ્થિતિ જોતાં ભારતના તે સમયના ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ થિમય્યાએ NEFA (અરૂણાચલ પ્રદેશ તથા તેની આસપાસના રાજ્યો તે સમયે North East Frontier Agency નામે ઓળખાતા હતા, ત્યાં)ની સરહદ પર મજબૂત લડવૈયાઓની સેના - The Red Eagles  - 4 Infantry Divisionને મોકલવાનું નક્કી કર્યું. હરિયાણાના મેદાનોમાં રહેવા ટેવાયેલી અને પંજાબની સરહદના રણક્ષેત્રમાં યુદ્ધ કરવાનું પ્રશિક્ષણ પામેલી ૧૫૦૦૦ સૈનિકોની ડિવિઝનને પૂર્વી ભારતના હિમાલયના ક્ષેત્રમાં મોકલવામાં આવી. ડિવિઝન હતી જેના કમાંડર મેજર જનરલ બી. એમ. કૌલે તેમની પાસેથી યુદ્ધાભ્યાસને બદલે મકાન બાંધનાર મજુરોનું કામ કરાવ્યું હતું. યોદ્ધાઓના કમભાગ્યે પંડિત નહેરૂએ કૌલને લેફ્ટેનન્ટ જનરલના હોદ્દા પર પ્રમોશન આપી, તેમને પૂર્વ ક્ષેત્રની સેના, 4 Corpsના સેનાપતિ તરીકે કરી. નહેરૂની કદમબોસી કરનાર જનરલને અંબાલાનાઑપરેશન અમરનાસફળઅભિયાન માટે સેનામાં નવું દાખલ કરાયેલ સન્માનપરમ વિશિષ્ટ સેવા મેડલના પ્રથમ વિજેતા તરીકે અર્પણ કરવામાં આવ્યું હતું!

ભારત માટે હવે બદનસીબની હારમાળા શરૂ થઈ હતી. 

લાલ ગરૂડસેનાને પૂર્વમાં મોકલ્યા બાદ જનરલ થિમય્યા નિવૃત્ત થયા હતા, તેમની જગ્યાએ આવ્યા હતા નરમ સ્વભાવના, ‘રાબેતા મુજબના જનરલ પી. એન. થાપર. ‘રાબેતા મુજબના એટલા માટે કે તેમની આખી કારકિર્દી રાબેતા મુજબની હતી. યુદ્ધમાં કોઈ શૌર્યનું કામ નહીં, કે ના કોઈ એવી સૈનિકની નોંધપાત્ર સિદ્ધી. તેમના બધા પ્રમોશન મેજરથી માંડી જનરલ શુધીની પદોન્નતિ રાબેતા મુજબ થઇ હતી. તેમણે જોયું કે કૌલના વડા પ્રધાન સાથેના સંબંધ એટલા ઘનીષ્ટ હતા કે તેમને કશું કહી દુભાવવા એટલે નહેરૂનો ખોફ ઝીલવો. 

આપણીરક્તવર્ણી ગરૂડસેના શિલોંગ પહોંચતાં


જનરલ કૌલે યોદ્ધાઓને ફરી એક વાર શિલોંગમાં લશ્કરી આવાસ બાંધવાનું કામ સોંપ્યું. જનરલ કૌલની પદ પર ફરજ હતી કે પૂર્વ ભારતના અતિમહત્વના ક્ષેત્ર - ચીનની સીમા પર  ગોઠવવામાં આવનારી સેના માટે યોગ્ય વ્યૂહરચના ઘડે. માટે ત્રણ વસ્તુઓની મૂળભૂત આવશ્યકતા હતી :

. હાલ જેને અરૂણાચલ કહીએ છીએ તેની ચીન સાથેની સીમા હિમાલયના અતિ દુર્ગમ પ્રદેશમાં છે. અહીં હેમાળામાં હાડ ગળે એવી ઠંડી અને બરફમાં અતિ વેગે ચાલતા પવન blizzardsમાં ચોકી અને પેટ્રોલિંગ કરવા સૈનિકોને બહાર જવું પડે છે. પંજાબના ગરમ પ્રદેશમાંથી અરૂણાચલમાં જનારી સેનાને સૌથી પહેલાં વિસ્તારના વાતાવરણમાં રહેવાની ટેવ પડે તે માટે એક પ્રક્રિયા હોય છે, જેને acclimatisation કહેવામાં આવે છે. તેનું પ્રશિક્ષણ લગભગ ત્રણેક મહિના જેટલું હોવું જોઈએ. સૈનિકોને જે જગ્યાએ ફરજ બજાવવા જવાનું હોય છે ત્યાં રહેવાની અને કામ કરવાની ટેવ પાડવાનો ક્રમબદ્ધ કાર્યક્રમ હોય છે. ત્રણ મહિનાના સમયમાં જનરલ કૌલે જવાનોને પ્રશિક્ષણ આપવાને બદલે ફરી એક વાર મકાન બાંધવાનું કામ કરાવ્યું. કામ માટે Military Engineering Services નામનું ખાતું હોય છે. તેમને CPWDની જેમ ઇજનેરી સ્ટાફ અને પૂરું બજેટ આપવામાં આવે છે. તેઓ કૉન્ટ્રેક્ટરો પાસેથી કામ કરાવતા હોય છે. કૌલે મજુરીના પૈસા બચાવવા સૈનિકોનો ઉપયોગ કર્યો, પણ ક્યા ભોગે, તેની તેમને પરવા નહોતી. 

. હવે સૌથી મહત્વની જરૂરિયાત હતી યોગ્ય હથિયારની. ભારતની જાસુસી સંસ્થાએ ખબર આપી હતી કે ક્ષેત્રમાં આવેલી PLA (ચીનની સેના) પાસે સેમિઑટોમૅટિક રાઈફલ હતી જે એક મિનિટમાં ૨૦ ગોળીઓ છોડી શકે. તેમનો મુકાબલો કરવા ભારતીય સેનાના ઇન્ફન્ટ્રી સૈનિકો પાસે બીજા વિશ્વયુદ્ધની એક મિનિટમાં પાંચથી દસ ગોળીઓ છોડી શકે તેવી રાઈફલ હતી! આમ ચીન પાસે સૈનિકોની સંખ્યા બમણી હોવા ઉપરાંત તેમની મારક શક્તિ ભારતની સેના કરતાં બમણી હતી. 

ચીનની વિષમ આબોહવાવાળી જગ્યાએ સૈન્ય સહેલાઈથી અભિયાન કરી શકે તે માટે નિશ્ચિત સ્થાન અને આબોહવાને અનુરૂપ રૂની ગાદી જેવા પર્કા કોટ, સ્નો બૂટ, સ્નો ગૉગલ્સ, ગરમ યુનિફૉર્મ, સેમિ ઑટોમેટિક શસ્ત્રો અને સાધનો આપ્યા. આવા પ્રદેશની સખત આબોહવાને પહોંચી વળાય તે માટે આપણી સેનાને આવશ્યક સંસાધનો - જેમ કે parka, ગરમ યુનિફૉર્મ, બરફથી પગમાં frostbite થાય તેવા સ્નો-બુટ તથા બરફમાં સૂર્યપ્રકાશના પરાવર્તનથી થતા અંધાપામાંથી બચાવી શકે તેવા snow goggles હોવા જોઈએ, જેની જનરલ કૌલે વ્યવસ્થા કરી નહીં. આશ્ચર્યની વાત હતી કે  પૂર્વની સેનાના કમાંડર થતાં પહેલાં તેઓ આર્મી હેડક્વાર્ટરમાંક્વાર્ટરમાસ્ટર જનરલહતા, જેમાં તેમની જવાબદારી ભારતની પૂરી સેના માટે જોઈતી શસ્ત્ર સામગ્રી, યુનિફૉર્મ, ઇક્વિપમેન્ટ - બધી આવશ્યક વસ્તુઓનો પૂરવઠો કરવાની હતી. અનુભવનો ઉપયોગ તેમણે 4 Infantry Divisionને તૈયાર કરવા માટે ઉપયોગ કર્યો. મકાનોનું બાંધકામ પૂરું થતાં તેમણેમાલિકનહેરૂને તેનું ઉદ્ઘાટન કરવા બોલાવ્યા અને તેમણે તે કર્યું પણ ખરૂં. નહેરૂજીનું છટાદાર ભાષણ તે સમયે પણ વખણાયું હતું. સૈનિક આવાસનું ઉદ્ઘાટન પૂરું થતાં તેમણે આપણા સૈનિકોને હિમાલયના દુર્ગમ પહાડોમાં મોકલ્યા અને ખુદ શિલોંગ છોડી નવી દિલ્હી વડા પ્રધાનની ખિદમત કરવા પહોંચી ગયા.

1 comment:

  1. 'ચીનના પ્રવાસે જઈ આવેલા બુદ્ધિજીવીઓ અને લેખકોએ લખેલા પ્રવાસવર્ણનો અમે હોંશેં હોંશે વાંચવા લાગ્યા હતા.' અમારા જેવા યુવાનો પણ આ પ્રચારમાં ભોળવાઈ ગયા હતા તેમાના ઘણા હજુ સુધી પણ અંટવાય છે!અને કેટલાક અમેરિકન મૂડીવાદ કે ‘આર્મચૅર સોશિયાલિસ્ટ’ વિચારધારામા પણ માનવા લાગ્યા હતા ! ત્યાં તિબેટ પર ચીને સશસ્ત્ર આક્રમણ કર્યું તે વખતે ભારતના નાગરિકોની કે ભારતના રાજકર્તાઓની હેસિયત નહોતી .આ મોટી ભુલના પરિણામ હજુ પણ નડે છે!કમાંડર મેજર જનરલ બી. એમ. કૌલની ભુલો અંગે હજુ પણ ઘણાને સંપુર્ણ માહિતી નથી !

    ReplyDelete