Pages

Saturday, April 3, 2021

જિપ્સીની ડાયરી - નવેસરથી


જિપ્સીની ડાયરી

- નવેસરથી






 

પ્રસ્તાવના 

૨૦૦૮ની સાલમાં શરૂ થયેલ જિપ્સીનો પ્રવાસ અચાનક થંભી ગયો હતો. સિગરામના અશ્વ થાકી ગયા હતા. છેલ્લો પડાવ નાખવાનો સમય આવી ગયો હતો. યોગ્ય સ્થાનની તલાશ હતી અને સ્થાન મળી ગયું.  ‘મેઘ’ અને ‘સુગ્રીવ’ને હવે આરામ આપ્યો છે. અહીં છે જિપ્સીનો સિગરામ, અંતરમાં રહી છે જુની યાદો અને એક હાકના અંતર પર રહે છે તેના પ્રિયજનો અને મિત્રો. તેમાંના એક મિત્ર – શ્રી. પ્રવીણકાંત શાસ્ત્રીએ આગ્રહ કર્યો. ‘ડાયરી’ને ફરી સજીવન કરો. તમારી વાતો ભલે જુની રહી, પણ તેનો સંદર્ભ, તેની છાયા આજના યુગના પરિપેક્ષમાં એટલી જ અસરકારક છે, તે સમયે જે ઘટનાઓ થઈ તેનું ઊંડાણ અને દૂરગામી પરિણામોનું વિવરણ તે સમયે કરી શકાયું નહોતું. સમાજમાં તે સમયે “શા માટે થયું” તેના કરતાં  “શું થયું” જાણવાની ઈચ્છા વધુ હતી. હવે નવા વાચક જુના પ્રસંગોને ઊંડાણથી જાણવા માગે છે, કેમ કે તેમની અસર, તેની ઝાળ હજી પણ વર્તાય છે – કેટલીક તો વધુ ઉગ્રતાથી. જે વાતો સૌએ કેવળ સાંભળી હતી, તેની પાછળનો ઇતિહાસ, તથ્ય અને સંદર્ભ – બધું જાણવું છે. 
“જિપ્સીની ડાયરી’ પુસ્તકરૂપે ૯ વર્ષ પહેલાં એટલે સન ૨૦૧૨માં પ્રકાશિત થઈ હતી. શાસ્ત્રીજીની વાત એક રીતે વ્યાજબી હતી : એટલા માટે કે ‘ડાયરી’ને નુતન પરિપેક્ષમાં રજુ કરવી જોઈએ. તેમાંથી જન્મી એક કલ્પના : ‘જિપ્સીની ડાયરી’ની નવી, સુધારેલી આવૃત્તિની.
 આજે પહેલી એપ્રિલ. પશ્ચિમમાં તેને All Fool’s Day તરીકે પણ ઓળખાય છે. જિપ્સી માટે એપ્રિલ એક અંગ્રેજ કવિની યાદદાસ્ત  અને ઝંખનાને પ્રદર્શિત કરનારો મહિનો છે. કવિનું નામ છે રૉબર્ટ બ્રાઉનિંગ. એપ્રિલનો મહિનો હતો. કવિ વતનથી દૂર પરદેશમાં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યાં અચાનક તેમણે એક પક્ષી જોયું : રૉબિન ધ રેડબ્રેસ્ટ. કવિને યાદ આવી તેની માતૃભૂમિ અને કાવ્ય જન્મ્યું, “Home Thoughts from Abroad” અને તેની કલમમાંથી  પંક્તિઓ સરી પડી :”Oh to be in England/Now that the summer is here!”
એપ્રિલમાં વાસંતી વાયરા ઓસરાતા જાય છે. ગ્રીષ્મની આગાહી થવા લાગી છે. થોડા જ દિવસોમાં કોયલનું ‘કેલી કૂજન’ સાંભળવા મળશે. સિગરામના પગથિયા પર બેસી જિપ્સી આપને જુની વાત નવા સંદર્ભ સાથે કહેવા બેઠો છે. ખાસ તો નવા વાચકો માટે, જેમને જુની ‘ડાયરી’ વિશે જાણ નહોતી. જુના મિત્રો આ પાનાંઓમાં લટાર મારવા આવશે અને ગમતી વાતોનો ગુલાલ કરી વહેંચશે તો આનંદમાં અનેકગણો વધારો થશે.તો પધારો જિપ્સીના સિગરામમાં. એક એક અડાળી ચા થઈ જાય!



5 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. નવી ઇનિંગ્સની ધમાકેદાર પધરામણી થઈ છે. ફરી એકવાર એકદમ અલગ જ અંદાજમાં ઘણી રસપ્રદ અને રોમાંચક ઘટનાઓ જાણવા મળશે એનો આનંદ છે.

    ReplyDelete
  4. Are waah.narenji plz moklata rahejo.

    ReplyDelete
  5. Welcome, my dear Narendrabhai!

    I am so happy that you are active again on the NET.

    Yes, you have lot to cater to the curious readers and this is a great come-back.

    All good wishes for years ahead, dear friend!

    Harish Dave Ahmedabad

    ReplyDelete