Pages

Friday, June 24, 2016

આસપાસ - ચોપાસ : સોડા, સા, ચા, ગુલાબી અને ઈંગ્લિશ ટી (૨)

Image result for logo of wagh bakri teaચા અને અંગ્રેજો એક બીજાના ચારિત્ર્યના અવિભાજ્ય અવયવો છે. ચા અને ચારિત્ર્ય? જી હા! દરેક પ્રકારની ચાને વિશિષ્ઠ character હોય છે. જેને champagne tea કહે છે તે દાર્જિલિંગ ચાની ખુશબો, તેનું નમણું સૌષ્ઠવ દુનિયાની અન્ય કોઈ ચા - આસામ, નિલગિરી, 'સિલોન' કે પછી ચીનની ઉલૉંગ અથવા લૅપસેંગ સુચૉંગ ચામાં નહિ મળે. આમાંની દરેક ચાને આગવું character હોય છે. આપણા ગુજરાતમાં મળતી પ્રખ્યાત ચાની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાથી પાછા ભારત આવેલા દેસાઈ ભાઈઓની 'વાઘ બકરી' ચાની વાત કર્યા વગર નહિ ચાલે. આ ચા ઠેઠ અમેરિકા અને બ્રિટનમાં પહોંચી ગઈ છે અને તેના ચાહકોને બીજી કોઈ ચા ભાવતી નથી. 'વાહ બાજ!' કે 'ગ્રિન લેબલ' પણ નહિ.

વિશ્વભરમાં ચા પહોંચાડનાર અને તેમાંથી ધનાઢ્ય થનાર પ્રજા તે અંગ્રેજ. એક જમાનો હતો કે આખા ઈંગ્લૅન્ડમાં બપોરનો ત્રણથી ચાર વાગ્યાનો સમય ‘ટી બ્રેક’ અને તે દરમિયાન પંદર મિનિટ આખા દેશમાં કામ બંધ થઈ જાય. ક્રિકેટમાં પણ 'ટી ટાઈમ'નું મહત્વ આગવું. બ્રિટનના કારખાનાંઓના માલિકો આ ‘બ્રેક’થી કંટાળી ગયા. Man-hourનો હિસાબ કરનારાઓની ગણત્રી પ્રમાણે બપોરે ચા માટે કામ બંધ કરવાથી દેશમાં દર વર્ષે લાખો man-hoursની ખોટ થાય છે એ જાણી તેમણે ‘ટી બ્રેક’ પર બંધી મૂકી. પંદર મિનિટની 'ચાય-બંધી'ના પરિણામે બ્રિટનના તમામ યુનિયનોએ આખા દેશમાં હડતાલ પાડી. પંદર દિવસ ચાલેલી હડતાલમાં કરોડો પાઉન્ડ્ઝનું નુકસાન થયું. જો કે ચાની ખપત વધી ગઈ હતી. હડતાલિયા બહાર ટાઢમાં બેસી મોટા મોટા મગ ભરીને ચા પીતા. અંતે શેઠો હાર્યા અને તેમણે ટી - બ્રેક ચાલુ કર્યો. ચાના ઠામમાં - I mean કપમાં ચા પડી ગઈ અને સૌ રાજી થયા.

લંડનમાં મને જ્યારે સોશિયલ સર્વિસીઝમાં નોકરી મળી અને કામનું induction થયું ત્યારે કામના ethicsનો પરિચય કરાવવાનું કામ પૅટ્રિશિયા હૅમ્પસને કર્યું. સૌ પ્રથમ તે મને અૉફિસના ખુણામાં બનાવેલી ચાની pantryમાં લઈ ગઈ. “જ્યારે મન થાય ત્યારે અહીં આવીને ચા બનાવીને પીવાની. અહીં પંદર જાતની જુદી જુદી ચા (જેમાં લૅપસૅંગ સુચૉંગ પણ હતી), ખાંડ, સૅકેરિન, મધ, બુરૂં અને દૂધ તથા ચાર જાતનાં બિસ્કીટ છે. અહીં એક શિરસ્તો છે : જ્યારે ચા પીવાનું મન થાય ત્યારે આપણી ટીમમાં પૂછવું કોઈને ચા પીવી છે કે કેમ. જે માગે તેના માટે પણ ચા બનાવવાની. બીજાઓ પણ તમને આ પૂછશે. દર મહિને ટી-ક્લબની સેક્રેટરી પૈસા ઉઘરાવશે. તમે ચા પીઓ કે ન પીઓ, મેમ્બરશિપ ફરજિયાત છે.”

તે દિવસે હંમેશ મુજબ બપોરે ચા પીવાનું મન થયું અને મેં જાહેર કર્યું કે હું ચા બનાવું છું. મારા સહકારી બૅઝિલ વૉલ્ટર્સે કહ્યું, “મારા માટે મિન્ટ ટી બનાવજે. હું ચાર ચમચી ખાંડ લઉં છું, હોં કે!” 

પૅન્ટ્રીમાં જઈ મેં જોયું તો મિન્ટ ટી (પુદિનાની ચા)ની ટી બૅગ્ઝ હતી. મેં મગમાં એક ટી બૅગ મૂકી, તેમાં ચાર ચમચી ખાંડ, ઉકળતું પાણી અને દૂધ નાખીને બૅઝિલ માટે ચા બનાવી. તે કામમાં હતો અને જોયા વગર તેણે ચાનો  ઘૂંટડો લીધો અને ચિત્કારી ઉઠ્યો, “નરેન્દ્ર, This is disgusting! આ શું બનાવ્યું છે?” 

મેં કહ્યુું, “તારી મિન્ટ ટી! તેં કહ્યા પ્રમાણે જ”

“પણ તેમાં આ ધોળું ધોળું શું નાખ્યું છે?”

“અરે ભલા માણસ, ચા માં દૂધ સિવાય વળી સોનેરી રંગ આવતો હશે?” 

આખી ટીમ અમારું સંભાષણ સાંભળી રહી હતી, તે મારી વાત સાંભળી ખડખડાટ હસવા લાગી. તે દિવસે મને ખબર પડી કે અહીં ચાના બે મુખ્ય પ્રકાર છે. એક તો આપણે પીએ તે ચા - tea -  અને બીજી હર્બલ ટી. હર્બલ ટીમાં ફક્ત ઉકળતું પાણી અને જેને જોઈતું હોય તેના માટે તેમાં મધ પડે, બીજું કશું નહિ. બાકી રેગ્યુલર ચામાં દૂધ, ખાંડ જોઈએ. અહીંની મિન્ટ ટી હર્બલમાં સામેલ થાય અને… નવી ઘોડી, નવી ચા!

ઈંગ્લૅન્ડમાં કોઈ ગુજરાતી પરિવારને મળવા જાવ ત્યારે આપણી પરંપરાગત મહેમાનગિરી પ્રમાણે ચા મૂકતાં પહેલાં વિનયપૂર્વક પૂછવામાં આવશે, ‘તમે ઈંગ્લીશ ટી પીશો કે ઇન્ડિયન ચાઈ?’ પહેલા પ્રકારમાં કિટલીમાં ટી બૅગ્સ મૂકી, તેમાં ઉકળતું પાણી રેડી, તેને ચાર- પાંચ મિનિટ brew થવા દેશે . ત્યાર પછી ટ્રેમાં કિટલી, ગરમ દૂધનો ટચૂકડો જગ, ખાંડ કે સૅકેરિનની પડિકીઓ અને ગરમ કરેલા ચિનાઈ માટીના 'મગ' રજુ થશે. ઇન્ડિયન ટી એટલે તપેલીમાં પાણી, ચા, ચાનો મસાલો, ખાંડ અને દૂધ નાખીને રીતસર ઉકાળીને બનાવેલી અસ્સલ દેશી ચા. 

અમેરિકાની ચા વિશે પૂછશો મા. સ્વાતંત્ર્યસંગ્રામ પછી ન તો તેમને ચા વિશે પ્રેમ રહ્યું કે તેનો ધાર્મિક વિધિ કરતાં પણ વધુ પવિત્ર ગણાતી ચા બનાવવાની રીત. અહીં બસ કૉફી, કૉફી અને કૉફી. જાવા, કોલમ્બિયન, સુમાત્રા, એસ્પ્રેસો, કાપુચિનો, મોકા, લાટે, પમ્પકીન પાય્ - એવી જાત જાતની કૉફીઓ અને અનેક જાતની પદ્ધતિઓથી બનાવેલી કૉફી મળશે. પહેલી વાર એક અમેરિકન પરિવારના ઘેર મને પૂછ્યું ત્યારે મેં ચા ની વિનંતી કરી. “તમારે ચા સાથે લિંબુ જોઈએ કે મધ? જોઈએ તો બન્ને લાવું.” 

ચા અને લિંબુ? ચા અને મધ? મને બૅઝિલ વૉલ્ટર્સનું વાક્ય યાદ આવ્યું : How disgusting!

***

મિલિટરીના સમયની બે વાતો યાદ રહી ગઈ. જવાનોના લંગર (કિચન)માં બનતી ચા એટલે દુનિયાની નંબર બેની ચા. પહેલી અૉફ કોર્સ નરબદામાસીની. અહીં બનતી ચામાં કાર્નેશનનું કન્ડેન્સ્ડ મિલ્ક પડે અને મિલિટરીમાં આવતી ખાસ ભુક્કીની ફ્લેવર એવી તો અદ્્ભૂત કે ન પૂછો વાત. અને આ ચા પીવાની મજા તો મિલિટરીમાં મળતા સફેદ રંગના જબરજસ્ત મગ (જેમાં આપણા ત્રણે'ક કપ ભરાય). કોઈ પણ ચોકીમાં જાવ, જવાન તમને ન પૂછતાં ગરમાગરમ ચાના મગ લઈ આવશે.

બીજી વાત. મિલિટરીમાં ભરતી થયા બાદ ટ્રેનિંગ લેવા પહેલી વાર મહારાષ્ટ્રની સંસ્કાર નગરી પુના ગયો ત્યારે સ્ટેશન બહાર આવેલી એક દુકાનની નજીકના ઓટલા પર એક ભાઈ મોટો સ્ટવ રાખીને ચા બનાવતા હતા. અહીં એક જ પ્રકારની ચા બનતી હતી અને તેમના અસંખ્ય ગ્રાહકોમાંના કેટલાક ધીમેથી વાતો કરતા ચા પીતા હતા અને બાકીના શાંતિથી તેમનો કપ રજુ થવાની રાહ જોતા હતા. ઓટલાની ભીંત પર મોટા અક્ષરનું બોર્ડ હતું.

"અમૃતતૂલ્ય ચહા."



આ બે શબ્દોમાં સમાઈ જાય છે ચાનો મહિમા.

No comments:

Post a Comment