Pages

Sunday, May 15, 2016

આસપાસ - ચોપાસ : દવા-દારૂ અને દર્દી


સૌ પહેલાં વૈદ્યકીય તજ્જ્ઞોની વાત.

ત્રણ દરવાજા ટિટોરિયલમાં (પૂરું નામ વિ. એસ. ત્રિવેદી ટ્યુટોરિયલ હાઈસ્કૂલ, ત્રણ દરવાજા, અમદાવાદ)માં અમને આઠમા ધોરણથી સંસ્કૃત શીખવવામાં આવતું. અમે આઠમા ધોરણમાં આવ્યા ત્યારે ધાંગધ્રાથી શાસ્ત્રી સાહેબ અમારી શાળામાં નવા સંસ્કૃત શિક્ષક તરીકે નીમાઈને આવ્યા. અત્યંત ભલા,  સજ્જન અને સુસંસ્કૃત. છેલ્લો શબ્દ તેમના સંસ્કૃતના જ્ઞાન માટે જ નહિ, પણ તેમની શિષ્ટતા અને સૌજન્યને કારણે વાપર્યો છે.  મૅથ્સના અને બીજા એક-બે સાહેબો અમને ‘એય!’ સિવાય બીજું સંબોધન કરતા નહિ તેથી શાસ્ત્રી સાહેબે તેમના પહેલા દિવસે અમને સૌને “ભાયું ને બેનું” કહીને સંબોધ્યા ત્યારે અમે સૌ ચકિત અને ખુશ થઈ ગયા હતા. શાસ્ત્રી સાહેબે સંસ્કૃતના પહેલા પિરિયડમાં અમને સુભાષિત શીખવવાની શરુઆત કરી તેમાંનો એક મારી યાદદાસ્તમાં કાયમ માટે પાક્કો જામી ગયો. શ્લોક હતો :

“વૈદ્યરાજ નમસ્તુભ્યમ્ 
યમરાજ સહોદર
યમસ્તુ હરતિ પ્રાણાન્્ 
વૈદ્ય: પ્રાણાન્ ધનાનિ ચ”

અર્થાત્, વૈદરાજ, તમને અમારા નમસ્કાર. તમે તો યમરાજના ભાઈ છો. (ફેર માત્ર એટલો કે) યમ તો કેવળ લોકોના પ્રાણ હરે છે, પણ તમે તો લોકોનાં પ્રાણ તથા ધન બન્ને હરી (એટલે લૂંટી) લ્યો છો. 

આજકાલ બ્રિટન. યુરોપિયન યુનિયન અને કૅનેડા સિવાયના લગભગ બધા દેશોમાં  - ખાસ કરીને ભારતમાં યમરાજના સહોદરો શું કરે છે એ સૌ જાણવા લાગ્યા છે. બ્રિટન જેવા દેશોમાં નૅશનલ હેલ્થ સર્વિસ છે તેથી ત્યાંના ડૉક્ટરો અને હૉસ્પિટલોને સારવાર આપવા માટે દર્દીઓ પાસેથી એક પણ પૈસો લેવાનો હક નથી, તેથી તેમને આ લેખમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. હવે ધર્મરાજના આ મહાન ભાઈઓના વ્યવસાયની  વાત કરીએ તો તેમાં ભારતથી પણ ચડિયાતો કોઈ દેશ હોય તો તે અમેરિકા છે. (આ વાત લખી ત્યાં ભારતના ડૉક્ટરો અને હૉસ્પિટલો મારા પર ગુસ્સે થઈ ગયા. આ બાબતમાં અમે સૌથી અગ્રેસર છીએ અને અમારૂં સ્થાન કોઈને -  અમેરિકાને પણ આપવા તૈયાર નથી. આ માટે હું ભારતમાં વસતા સઘળા વ્યાવસાયિકોન માફી માગું છું).

***
સૌ પ્રથમ વાત કરીશું દવાની.

દવાનો મારો પહેલો અનુભવ સુરેન્દ્રનગરનો. આગળ કંઈ કહું તે પહેલાં એક આડવાત જણાવીશ. નાનાં બાળકો પાસેથી કોઈ દોડધામનું કામ કરાવવું હોય તો મોટાંઓ હંમેશા એક શસ્ત્રનો ઉપયોગ કરતા : ‘નરેન બહુ હોશિયાર અને ડાહ્યો છોકરો છે. મોટાંઓએ કીધેલા કામની કોઈ દિ ના નથી પાડતો!’ કહી કાં તો કોઈ ઓવારણાં લેશે, પીઠ થાબડશે અથવા તેના માથા પરથી હાથ ફેરવશે. આટલી વાતથી બકો ખુશખુશાલ. 

એક દિવસે જમના માસીએ આવી જ રીતે અમારા વખાણ કર્યા. અમે ફૂલીને ફાળકો થઈ ગયા ત્યારે તેમણે કહ્્યું “જા ને, દીકરા, ધોડતો જા અને પારેખની દુકાનેથી બાયો કેમિકની દવા નંબર બાર લઈ આવ. વસંતભાઈને કે’જે જમનામાસીએ દવા મંગાવી છે.” પારેખની દુકાન એટલે અમારા ગામનો એક માત્ર મેડિકલ સ્ટોર.

હું દોડતો ગયો અને એક માઈલ દૂર આવેલ પારેખ મેડિકલ સ્ટોર પાસેથી દવા લઈ આવ્યો. જમના માસીએ આંખ પર બેંતાળા મૂકી દવાનું લેબલ જોયું અને બોલ્યાં “હાય, હાય! આ તો દવા નંબર બે છે!! વસંતભાઈએ આવી તે કેવી ભુલ કરી? જા ને ભૈલા, આ દવા પાછી આપ અને તેને બદલે બાર નંબરની દવા લઈ આવ, મારા વા’લા દીકરા!”

 અમે તો ફરીથી દોડતા પહોંચી ગયા વસંતભાઈ પાસે. તેમને વાત કરી તો તેમણે હસીને કહ્યું, ‘વાંધો નહિ,” કહી તેમણે મારી પાસેથી બાટલી લીધી, અને તેના લેબલમાં બેની આગળ એકડો ઉમેરીને કહ્યું, ‘જો, આ થઈ ગઈ બાર નંબરની દવા,” અને મને પાછો મોકલ્યો. વાત નાનકડી હતી પણ બરાબર યાદ રહી ગઈ. મેં ઘેર જઈને મારા મોટા ભાઈ - મધુભાઈને પૂછ્યું, “લેબલ પર નંબર બદલવાથી અંદરની દવા બદલાય?” 

મધુભાઈનો હું ભક્ત હતો. તેમણે કહેલી વાત એન્સાઈક્લોપિડઇયા બ્રિટાનિકામાંથી આવી હોય તેવી સીધી અને અર્જુનના બાણ જેવી સચોટ. તેમનું જ્ઞાન પણ વિશાળ. અમસ્થાં જ તે લૉ કૉલેજના પ્રોફેસર નહોતા થયા. તેમણે મારી વાત સાંભળીને કહ્યું,  “હા, નરેન, દવા બાયોકેમિકની કે હોમિયોપથીની હોય તો પેશન્ટ પર આવો જાદુ થઈ શકે છે!”

આ વાતનો હોમિયોપથીવાળા તીવ્ર વિરોધ કરશે અને કહેશે, અમારી દવાઓમાં એટમીક એનર્જીનો સિદ્ધાંત વપરાય છે. એક બાટલીમાં દવાનો એક અણુ નાખ્યા બાદ તેના સો ભાગ કરવામાં આવે છે. આમ એક અણુના સો ભાગ કર્યા પછી તેનું વિભાજન - fission - બીજા સો ભાગમાં, અને ત્યાર પછી બીજા સો ભાગમાં, અને ત્યાર પછી…આમ એક દવાની શક્તિ લાખ મેગાટન જેવી થઈ જાય છે.” આ વિજ્ઞાન મને કદી પણ ન સમજાયું, અને વસંતભાઈ પારેખે કરેલા જાદુને જોયા પછી મેં કદી હોમિયપથી કે બાયોકેમિક દવાનો ઊપયોગ કરવાની હિંમત કરી નથી.

***

આપણે સૌએ પૈસા અને પાણીનો સંબંધ વર્ષોથી જાણ્યો છે. દા. ત. પાણીની જેમ પૈસા વાપર્યા વિ. આજના આધુનિક જમાનામાં પૈસા આપ્યા વગર પાણી નથી મળતું. બાટલીમાં નાખેલું પાણી વીસ રુપિયાની બૉટલ લેખે વેચીને પાણીમાંથી પૈસો પેદા કરવાનો ઊદ્યોગ હાલમાં શરૂ થયો, પણ ભારતના ડૉક્ટરોએ બાટલીમાં પાણી અને પેશન્ટ બન્નેને ઉતારવાની શોધ ૬૦ - ૭૦ વર્ષ પહેલાં કરી હતી.  કેમ તે હવે જોઈએ.

ભારતના નાના ગામમાં ડૉક્ટરની દુકાનને ‘દવાખાનું’ અને શહેરમાં ‘ડિસ્પેન્સરી’ કહેવામાં આવતી.  'ડિસ્પેન્સરી' એટલા માટે કે ત્યાં દર્દીના નિદાનની સાથે દવા અને દર્દીને પણ dispense કરવામાં આવતા. ડિસ્પેન્સરીના કામની વિગતો મને ત્યારે મળી જ્યારે મારા મિત્ર રમેશને તેના મામાની ડિસ્પેન્સરીમાં મદદ માટે બોલાવવામાં આવ્યો. મામાનો કમ્પાઉન્ડર રામજી ભગવાનજી નોકરી છોડીને જતો રહ્યો હતો. ક્યાં ગયો તે ત્રણ મહિના બાદ જાણવા મળ્યું. મામાને ત્યાં કમ્પાઉન્ડરી શીખ્યા બાદ તેણે ક્યાંકથી આર.એમ.પી. - એટલે રજિસ્ટર્ડ મેડિકલ પ્રૅક્ટિશનરનું સર્ટિફિકેટ મેળવી પોતાનું દવાખાનું ખોલ્યું હતું. હવે તેની જગ્યાએ બીજો રામજી ભગવાનજી મળે ત્યાં સુધી મામાશ્રીએ રમેશને બોલાવ્યો હતો. 

મામાએ રમેશને કામ શીખવવાનું શરુ કર્યું. કમ્પાઉન્ડરના ખોખા જેવા કાઉન્ટરના કબાટમાં પચાસે'ક જેટલી નાની મોટી બાટલીઓ રાખી હતી. દરેકની ઉપર એક એક લેબલ : એમોનિયમ ક્લોરાઈડ, સોડિયમ બાઈકાર્બોનેટ, સાઈટ્રિક અૅસિડ, કેઓલિન, એપ્સમ સૉલ્ટ, કોરાઈઝા મિક્સ્ચર, ક્વિનાઈન, વિગેરે ઉપરાંત અનેક પ્રકારની ટિકડીઓ ભરેલી બાટલીઓ હતી. તેમાંની એક બાટલી પર કોચિનિયલ લખ્યું હતું  - જે કેવળ અને કેવળ દવાને લાલ રંગ આપવાનું કામ કરે. ડૉક્્ટરસાહેબ કેટલીક દવાઓમાં એક મિનિમ એટલે એક ટીપું કોચિનિયલ લખે એટલે દવાનો રંગ સુંદર લાલ થાય. કાઉન્ટર પરની સૌથી મોટી ઘેરા નીલા રંગની બાટલી પર લેબલ હતું જેના પર મોટ્ટા અક્ષરે (દર્દીઓ વાંચી શકે એ રીતે)  AQ લખ્યું હતું.  ડૉક્ટરસાહેબ પ્રિસ્ક્રિપ્શન લખે તેમાં જુદા જુદા રાસાયણિક પદાર્થોની માત્રા - દા.ત. કોરાઈઝા ૫ાંચ મિનિમ - પાંચ ટિપાં અને અેમોનિયમ ક્લોરાઈડ ૩ mg લખે અને અંતે AQ અને QV લખી નીચે સહિ કરે.  છેલ્લી બે સંજ્ઞાઓનો અર્થ : AQ એટલે અૅક્વા - પાણી.  QVનો તે જમાનાનો અર્થ Quantity Volume, એટલે દવામાં એટલું પાણી નાખવું કે દવાની બાટલીમાં કૂલ છ અૌંસ ભરાય. (અહીં એક ખાનગી વાત કહીશ. અમેરિકામાં q.v. સભ્ય સમાજમાં વપરાતો શબ્દ નથી. ગુગલમાતાનો ચરણ સ્પર્શ કરશો તો તેનો પર્યાય નીકળશે - quick visit. તેનો અર્થ શિષ્ટ સમાજ માટે સમજવા યોગ્ય નથી.) ડિસ્પેન્સરીના સંદર્ભમાં ડૉક્ટર સાહેબ QV લખે એટલે દવાની બાટલીમાં અર્ધો ઔંસ દવા હોય  તો તેનું ક્વૉન્ટિટી વૉલ્યુમ છ ઔંસ કરવા તેમાં સાડા પાંચ ઔંસ અૅક્વા નાખવું. આમ અર્ધો ઔંસ દવા અને બાકીના પાણીનો દર પેશન્ટ દીઠ દસ રુપિયા થાય. બીજી બધી વાત જવા દો, પણ દવાની કિંમત પચીસ પૈસા થતી અને બાકીના પોણા દસ રુપિયા અૅક્વા પ્યોરાના -  એટલે પાણીના. આમ (આજકાલના ભાવે) પાણીના દરે અપાતી દવાના જોર પર ડૉક્ટરસાહેબની પ્રૅક્ટિસ ચાલતી.  

હવે સાંભળ્યું છે કે જમાનો બદલાઈ ગયો છે. આજકાલ ભારતના ડૉક્ટરો અમેરિકન પદ્ધતિ અપનાવવા લાગ્યા છે. કમ્પાઉન્ડરને બદલે રિસેપ્શનિસ્ટ રાખવા લાગ્યા છે. દવાના કબાટ હવે કોઈ નથી રાખતું. ડૉક્ટર હવે ફક્ત પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. કઈ દવા આપવી તે જે તે ફાર્માસ્યુટિકલ કંપનીની 'નીતિમત્તા' અને 'ધારાધોરણ' પર આધાર રાખે છે. દર્દીને કયા સ્પેશિયાલિસ્ટ પાસે મોકલવો તે અૅક્વા પ્યોરા નહિ, પણ કયા નિષ્ણાત સાથે પાણીનો (અંજળપાણી કે છાંટા-પાણીનો) સંબંધ છે તેના આધાર રહે છે એવું સાંભળવામાં આવ્યું છે.

અહીં એક disclaimer મૂકીશ. આ કેવળ સાંભળેલી વાતો છે. કોઈની -  ખાસ કરીને કોઈ ડૉક્ટરની નિયત પર શક અથવા આક્ષેપ નથી. મારી દૃષ્ટિએ ડૉક્ટરોએ હિપોક્રેટસની શપથ લીધા પછી તેનું પૂર્ણતયા પાલન કરે છે.

ભારતના ડૉક્ટરોને ઈંગ્લંડની પદ્ધતિ નથી ગમતી. તેઓ કેવળ અમેરિકન પદ્ધતિમાંથી ભારતની ધરતી માટે ઉપજાવેલી રસમનો ઉપયોગ કરે છે. સુજ્ઞો આ વિશે જાણે છે.

જિપ્સીએ મિલિટરીમાં નોકરી કરી હોવાથી ત્યાંની પદ્ધતિ - જે બંદૂક ચલાવવા જેટલી સીધી, સરળ અને અસરકારક હોય છે તેનું વર્ણન કરવાનો ક્યારેક પ્રયાસ કરશે. ઉલ્લેખ કર્યો જ છે તો એક વાત કહીશ કે તેમણે લખી આપેલી ચિઠ્ઠી સિનિયર અફસરોને બતાવવી પડે અને તેમાં લખેલી સંજ્ઞાઓ જોઈ 'દર્દી'ને આરામની રજા કે પરેશાનીની સજા આપવામાં આવે છે. એટલે જેની ચિઠ્ઠીમાં M લખેલો હોય તો તે દર્દીની આવી બની સમજવી, કારણ કે Mનો અર્થ થાય છે Malingerer એટલે માંદગીનો ઢોંગ કરનાર...

મારા બ્લૉગિંગના સદ્ગુરુની સલાહ (કે બ્લૉગમાં ૧૦૦૦ શબ્દથી વધુ હોય તો કોઈ વાંચશે નહિ, તે) ધ્યાનમાં રાખી આજની વાત અહીં પૂરી કરીશ. આજે દવા અને દર્દીની વાત થઈ. દારૂની વાત ક્યારેક કરીશું. નીચે એક નમૂનો બિહારના નાનકડા ગામડાની ડિસ્પેન્સરીનો આપ્યો છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે ત્યાં જુના અને નવા રોગોનો ઈલાજ કરવામાં આવે છે. ત્યાં ઈબોલાના દર્દીઓ ગયા છે કે નહિ તે જાણવા મળ્યું નથી.


No comments:

Post a Comment