Pages

Friday, January 8, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૪

પ્રકરણ ૪
ફાટક ખુલવાનો અવાજ સાંભળી ચંદ્રાવતીએ પાછા વળીને જોયું તો શ્યામ વર્ણનો, ઘાટદાર કોરેલી મૂછોવાળો રુવાબદાર યુવાન તેની સામે આવીને ઉભો હતો.
“ડૉક્ટરસા’બ ઘેર છે?” કમાનદાર ડાબી ભમર થોડી ઉપર ખેંચી, ચંદ્રાવતીની નજર સાથે નજર મેળવી યુવાને પૂછ્યું.
ચંદ્રાવતી થોડી બહાવરી થઈ. તેનો ફૂટપટ્ટીવાળો હાથ હજી ઉગામેલો જ હતો, પણ તે તરત સ્વસ્થ થઈ ગઈ અને હાથ નીચો કરીને બોલી, “બાબા તો દવાખાને ગયા છે.”
“અમારા પિતાશ્રી ગામથી અહીં સારંગપુર પધાર્યા છે. ડૉક્ટરસા’બને યાદ કરતા હતા. ચાર-પાંચ દિવસ પહેલાં જ અમને ખબર કરવા ફરમાવ્યું હતું, પન અમે ભૂલી ગયા… પન આપે અમને ઓળખ્યા કે?”
ચંદ્રાવતી ગૂંચવાઈ ગઈ.
“વિશ્વાસ પવાર અમારું નામ છે. પંદરે’ક દિવસ પર રાનીમાએ કરેલ ગંગાપૂજનનું નોતરું દેવા અમે પોતે આપના બંગલે આવ્યા હતા…”
“જી, આપ આવ્યા તો હતા…”
“આપે અમને હજી બરાબર ઓળખ્યા નથી એવું લાગે છે. ગયા ચાર વર્ષ અમે અહિંયા નહોતાં. અમારા માસીસાહેબને ત્યાં ભનવા માટે કોલ્હાપુર ગયા હતા. બી.એ. થઈને આવ્યા બાદ રાવરાજાના કમ્પૅનિયન તરીકે બડે સરકારે અમારી નીમનૂંક કરી છે.”
“ઘણાં વર્ષ પછી મુલાકાત થઈ…” વિનયને ખાતર કંઈક કહેવું જોઈએ તેથી ચંદ્રાવતી બોલી પડી.
“ક્યાં ઘના વર્ષ થયા? મોટાં રાજકુમારીના લગ્નમાં આપ રાજમહેલ પધાર્યાં હતાં, ખરું ને? તે પ્રસંગને બે વર્ષ પન નથી થયા.”
“હા, જી, આવી તો હતી.”
“આપે અમને જોયા નહિ હોય, પન અમે આપને જોયા હતા.”
“એમ?”
“એમ તો અમે આપને કોઈક વાર વહેલી સવારના બી જોતાં હોઈએ છીએ.”
“અભ્યાસ કરવા વહેલી ઉઠું છું ત્યારે જ ફૂલ તોડી રાખું છું. નહિ તો રસ્તા પર આવતાં-જતાં લોકો ફૂલ ચૂંટી લેતા હોય છે અને પૂજા માટે એક પણ તાજું ફૂલ મળતું નથી.”
“એમ કે?” વિશ્વાસ હસીને બોલ્યો. “રાનીમાને ત્યાં ગંગાપૂજન વખતે આપના માસાહેબ સાથે આવ્યા ત્યારે અમે આપને જોયા હતા.”
“પણ અમે તો પડદામાં હતા!”
“જી, એટલે આપને દૂરથી - એટલે આપની ઝલક દેખી હતી!”
“બહાર કેમ ઉભા છો? અંદર આવો ને!”
“જી, ના. મોડું થશે. બહાર રાવરાજા અમારો ઈંતજાર કરી રહ્યા છે.”
ચંદ્રાવતીએ ઠંડી સડક તરફ નજર કરી તો તેને બંગલાથી થોડે દૂર, ક્લબની નજીક રાવરાજાની સફેદ  મોટર દેખાઈ.
“આ વર્ષે આપ મૅટ્રિકમાં છો ને?”
“હા, એટલે જ તો વહેલી સવારે ઊઠી જવું પડે છે, વાંચવા માટે.”
“સવારના પહોરમાં આપના દર્શન થાય તો અમારો દિવસ સારો જતો હોય છે!”
“ઈશ્શ! આવું તે કંઈ થતું હશે?” કહીને ચંદ્રાવતી શરમાઈ ગઈ.
“ડૉક્ટરસા’બને અમારો સંદેશ આપશો ને?” ચંદ્રાવતી તરફ જોઈને વિશ્વાસ બોલ્યો.
“હા, આપીશ.”
બહાર જતાં વારે વારે પાછળ નજર કરતો વિશ્વાસ ફાટકની બહાર નીકળ્યો. હાથમાં ફૂટપટ્ટી પકડીને ચંદ્રાવતી ઠંડી સડક પર આત્મવિશ્વાસ અને ગૌરવપૂર્ણ રીતે ડગલાં ભરીને જતા વિશ્વાસ તરફ મંત્રમુગ્ધ બનીને જોતી રહી. તેની છાતીના ધબકાર વધી ગયા. કાનની બૂટીઓ ગરમ થઈ ગઈ અને કપોલ લાલ લાલ! કપાળ પર પ્રસ્વેદના મૌક્તિક બાઝી ગયાં.
અચાનક તે ભાનમાં આવી. ‘આજે આ શું વિપરીત થઈ ગયું? વિશ્વાસ પવાર મારી સામે જોઈને ઘણી જુની ઓળખાણ હોય તેમ શા માટે હસ્યો અને પ્રેમથી આટલી બધી વાતો કરી? અને એની હિંમત તો જુઓ!’
ચંદ્રાવતીના હાથમાંથી ફૂટપટ્ટી પડી ગઈ. સામેથી સિકત્તરને આવતો જોઈ જામુની અને મિથ્લાને તેને હવાલે કરી, તેમને ઘેર પહોંચાડવાનો આદેશ આપ્યો. શેખરને ઝાડ પરથી હળવે’કથી ઉતારી, તેના ગાલ પર હેતથી ચૂમી લીધી.
બંગલામાં પેસતાં તે હસીને બોલી, “આ જામુની આવી રે આવી, શેખર તેની સાથે તોફાન કરવા ભાગ્યો જ સમજ! એને તારી વહુ બનાવી લે ને, બા! જિંદગીભર ઝાડ અને ઝૂલા પર બેસીને તેઓ સુખેથી સંસાર કરશે!”
“કેવી ઢંગધડા વગરની વાત કરે છે?” સાંધ્યદીપ પ્રગટાવતાં જાનકીબાઈ દીકરીને વઢ્યાં.
“ઢંગધડા વગરની કેમ, વારુ? જામુનીનાં નયન, નાક કેટલાં સુંદર અને આકર્ષક છે! એ લોકો રાજપુત કોમના છે તેથી શું થયું? આમ આપસમાં લગ્ન કરીએ તો જ જાતપાતનાં બંધન તૂટે.”
“બહુ થયું હવે. આજકાલ બહુ બોલવા લાગી ગઈ છો,” જાનકીબાઈ છંછેડાઈને બોલ્યાં.
મનમાં જ ગીત ગણગણતાં ચંદ્રાવતી પોતાની રુમમાં ગઈ અને દીવાનું બટન દબાવ્યું. અરીસાવાળા કબાટની સામે ઉભી રહી તે પોતાને નિહાળવા લાગી.
‘આવા લઘરા વેશમાં મારે બગિચાના ફાટક સુધી જવું  જોઈતું નહોતું. શા માટે મેં દોરી પર સૂકાતી સાડી ખેંચીને લપેટી લીધી અને લઘર-વઘર પહેરવેશમાં ફાટક સુધી પહોંચી ગઈ? સાંજના તો સારા મુલાયમ પોશાક પહેરી અત્તરનો છંટકાવ કરી, વાળમાં બટમોગરાનું ફૂલ ખોસીને તૈયાર રહેવું જોઈએ!’ બીજી ક્ષણે તેને વિચાર આવ્યો, ‘પણ આટલો ઠઠારો કરીને કોને બતાવવાનો છે? શા માટે આટલી મહેનત કરવી? આ શણગાર કોના માટે? અહીં તો બહાર જવાના ચારે રસ્તા બંધ છે. ચોરે ને ચૌટે પહેરા લાગ્યા છે. અમારા બાગમાં મોગરાના ફૂલનો ફાલ આવ્યો છે. હવામાં પમરાતી તેની સુગંધ આખા શહેરમાં ફેલાય છે અને પ્રાણ ઉત્કંઠિત થઈ જાય છે. મોગરાનો ગજરો બનાવીને પહેરવાની અહીં મનાઈ છે. ગજરા અને વેણીની મજા તો ફક્ત મુંબઈમા! મોહનમામાને ત્યાં જઈએ ત્યારે પેટ ભરીને ગજરા ને વેણી પહેરી લેવાનાં. જોઈએ એટલી  'અછૂત કન્યા', 'બંધન', 'કંગન', 'ઝૂલા' જેવી ફિલ્મો જોઈ લેવાની. 
‘અહીં દરરોજ ટોપલી ભરાય એટલા મોગરાનાં ફૂલ ઉગે છે, પણ તેનો ગજરો બનાવીને વાળ શણગારવાની ચોરી છે. સત્વંતકાકી તરત બોલી ઊઠે, “છિ, છિ, છિ! અચ્છે ઘરકી બહુ બેટિયાં બાલોમેં ફૂલ નહિ લગાઉત. કોઠેકી ઔરતે લગાઉત હેંગી! ઉતાર દેઓ વહ ગજરા!”
‘શું કરીએ? દેશ તેવો વેશ કર્યા વગર છૂટકો છે પણ આવા લઘરા વેશમાં મારે ફાટક સુધી જવું જોઈતું નહોતું. જુઓ ને, બરાબર આજે જ વિશ્વાસ પવાર મારી સામે આવીને હાજર થશે અને આપણા તન મને પર છવાઈ જશે એવો સ્વપ્ને પણ કોને ખ્યાલ હતો? અને તેની તાંબા વરણી આંખની પૂતળીઓ, એક ભમ્મર ઉંચી કરીને વાત કરવાની ઢબ, બધું કેટલું વિલોભનિય હતું!  અને તેની બે ભમ્મરોને જોડતી નાનકડી ચંદ્રકોર જેવી પાતળી રેખા કૃષ્ણના મુકુટ પર રહેલા મોરના પિંછા જેવી લાગતી હતી. એ હસ્યો ત્યારે તેની શુભ્ર દંતપંક્તિ કેવી ચમકતી હતી! તેની ઉભા રહેવાની છટા પણ આગવી જ હતી.
“દશેરાના દરબારમાં દરબારી પોશાકમાં તે બાબા જેવો જ રુવાબદાર દેખાતો હશે! દશેરા - દિવાળીના દરબારમાંથી પાછા આવતાં જ બંગલાના પગથિયાં પર જ બાબાની નજર બા ઉતારે. વિશ્વાસની નજર કોણ ઉતારતું હશે? એની મા જ, તો! બીજું કોણ? અને તેના લગ્ન પછી તેની પત્ની જ તેની નજર ઉતારશે, નહિ?” અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતાં જોતાં ચંદ્રાવતી બોલી અને શરમાઈ ગઈ.
તેનું વિચારચક્ર કંઈ રોકાયું નહિ. ‘એના બોલવામાં કેટલો ખાનદાની વિનય હતો! આખો વખત મને ‘આપ’ કહીને ઉદ્દેશતો હતો. અને મરાઠા પરિવારમાં ‘ણ’નો ઉચ્ચાર નથી હોતો તેથી ‘ણ’ને બદલે ‘ન’ - જેમ કે રાણીમા ને બદલે ‘રાનીમા’ બોલતો હતો! પણ ગંગાપૂજન વખતે વળી તેણે મને ક્યાંથી જોઈ હશે? અમે બધાં તો ચકના પડદા પાછળ બેઠાં હતાં. ઉપરની મેડી પરથી કે હવામહેલની જાળીમાંથી? કદાચ ઉપરની મેડીમાંથી જ તેણે મને જોઈ હશે, કારણ કે અમારી બન્ને બાજુએ મહેલની દાસીઓ પડદા પકડીને ખડી હતી.
‘તે દિવસે બાએ આગ્રહ કર્યો હતો તેથી મેં અંજીરી રંગનો સાળુ પહેર્યો હતો. અને ગળામાં રત્નજડિત હાંસડી. બાએ આગ્રહ ન કર્યો હોત તો હું ગંગાપૂજનમાં જવાની પણ નહોતી. ‘“સવારના પહોરમાં આપના દર્શન થતાં અમારો દિવસ સારો જતો હોય છે” એવું બોલ્યો!
આખા તન મન પર સુખની સુરખી ફેલાવનારા આ વાક્યમાં ચંદ્રાવતી કેટલોય વખત રાચતી રહી.
‘સવાર બાગમાં ફૂલ ચૂંટવા રાતે પહેરી રાખેલી સાડીમાં જ જતી હોઉં છું. વાળ પણ અસ્તવ્યસ્ત હોય છે. જો કે સવારના ધુમ્મસમાં તેને મારી આ દશા તો દેખાતી નહિ હોય, પણ હવેથી સારી એવી સાડી પહેરીને જ સૂઈશ. બાગમાં જતાં પહેલાં વાળ તો ઠીકઠાક કરી લેવાશે.’
ચંદ્રાવતીનું મન ભમચક્કર થઈને ફરવા લાગ્યું.
રાત્રે જમવાના ટેબલ પર થાળી વાટકા ગોઠવતી વખતે ચંદ્રાવતીની નજર બગિચાની પેલી પાર ઠંડી સડક પર મંડાઈ હતી.
“બાબા, હું તમને કહેવાનું ભુલી ગઈ. સાંજે તમને મળવા પેલો વિશ્વાસ પવાર આવ્યો હતો.” ડૉક્ટરસાહેબ ડાઈનિંગ ટેબલની ખુરશી પર આવી બેઠા ત્યારે ભુલાયેલી વાત યાદ આવી હોય તેવું નાટક કરી ચંદ્રાવતી બોલી.
“શું કહેતો હતો એ?”
“પૂછતો હતો, ડૉક્ટરસાહેબ ઘરમાં છે કે કેમ.”
“તેં કહ્યું નહિ કે સાંજના ડૉક્ટરસાહેબ કેમ કરીને ઘરમાં હોય?” જાનકીબાઈ જાણે તેનો ઉધડો લેતાં હોય તેમ બોલ્યાં અને પૂછ્યું, “વિશ્વાસે તને શું કહ્યું?”
“કહેતો હતો કે એના બાપુજી બાબાને યાદ કરતા હતા.”
“અરે, હા,” ડૉક્ટરસાહેબ બોલ્યા. “ગયા અઠવાડિયે હું બર્વે હેડમાસ્તરને ઘેર શેખરના અભ્યાસ અંગે પૂછપરછ કરવા ગયો ત્યારે પાછા ફરતાં પવારસાહેબની હવેલી પર જઈ આવ્યો હતો.  બિચારા હાર્ટના પેશન્ટ છે.”
“પણ પેલો વિશ્વાસ તારી સાથે આગળ શું બોલ્યો?” આ વખતે જરા ઉંચા અવાજે જાનકીબાઈ તેમનો પહેલો સવાલ જરા ભારપૂર્વક પૂછ્યો.
“રાણીમાને ત્યાં ગંગાપૂજનનું આમંત્રણ આપવા તે એક વાર બંગલે આવ્યો હતો એવું કંઈક બોલતો હતો.” ચંદ્રાવતીએ જવાબ આપ્યો.
“આપણને તો ભઈ એવું કંઈ યાદ નથી. અને તું ગઈ હતી સત્વંતીને ઘેર. મુંબૈથી તૈયાર કરીને લાવેલી તારી બિલોરી બંગડીઓ બતાવવા,”
“અચ્છા.”
“વિશ્વાસ બંગલાની અંદર કેમ ન આવ્યો?” જાનકીબાઈ વાતને છોડે એવાં નહોતાં.
“રાવરાજા તેની રાહ જોઈને બહાર મોટરમાં બેઠા હતા, એવું કહ્યું.”
“ક્યાં હતા રાવરાજા?”
“મને શી ખબર?”
વાતાવરણ ગરમ થતું જોઈ ડૉક્ટરસાહેબ બોલ્યા, “પવારસાહેબને ત્યાં ફરી એક વાર જઈ આવવું જોઈશે. બુધવારે કે શુક્રવારે સવારે જવાનું ફાવશે. તે દિવસે અૉપરેશન્સ નથી.” અને શેખર તરફ જોઈ બોલ્યા, “શેખરભૈયા, ભાજી ખતમ કરો જોઉં! અને રોટલી બરાબર ચાવી ચાવીને ખાવ. હાજમો સારો રહેશે. અને ચંદા, બેટા, સવારે ખાલી પેટે એકાદું ફળ ખાવાનું શરુ કરો. એનાથી આખો દિવસ તાજગી રહેશે. ઉનાળાની ગરમી નહિ નડે અને બુદ્ધિ તેજ થશે, તે અલગ.”

અહીં શેખર નીચું માથું કરી, થાળીમાંની લીલી ભાજીના ગોળા બનાવવા લાગી ગયો. આ જોઈ જાનકીબાઈ અને ચંદ્રાવતી એકબીજા સામે જોઈ હસવું દબાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.

No comments:

Post a Comment