Pages

Thursday, January 21, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૧૫

બડે બાબુજી અને ડૉક્ટરસાહેબ હંમેશની જેમ રાજકારણ પર ચર્ચા કરતા હૉસ્પિટલ જઈ રહ્યા હતા.
“કાંગ્રેસ વર્કીંગ કમેટીને બ્રિટેન કો ક્વીટ ઈન્ડિયા કા જવાબ દે દિયા હૈ. ગાંધીજી કહ રહે હૈં કી મેરે જીવનકી યહ અંતિમ લડાઈ હોગી.”
“ઈધર  જીન્નાને ગાંધીજી કો સૂના દિયા હૈ - મુસલમાનોંકો બેવકૂફ બનાને મત જાના. પાકિસ્તાનકો સમ્મતિ દે દો વર્ના હિંદુસ્તાનકો આઝાદી મિલના મુશ્કીલ કર દેંગે. જીન્નાસા’બ હિંદોસ્તાઁ કે ટૂકડે કરને પર તૂલે હુવે હૈં.”
પિતાજીનો અવાજ સાંભળતાં જ ચંદ્રાવતી ઝબકીને જાગી ગઈ અને મશીનની સોય પર તેણે નજર નાખી. તેને યાદ આવ્યું કે સોય પર રાખેલી ચિઠ્ઠી તેણે પરોઢિયે જ ફાડી નાખી હતી. તેનું મન થોડું શાંત થયું. તેણે ઘડિયાળ તરફ જોયું. ‘સાડા આઠ થઈ ગયા તો’ય હું ઊંઘતી જ રહી ગઈ.બા મને હજી સુધી જગાડવા કેમ ન આવી?’ તેણે વિચાર્યું.

બાથરુમમાં જઈ તેણે મ્હોં ધોયું અને રસોડામાં પેસતાં બોલી, “આજે હું કેટલું મોડી ઊઠી છું!  સીલાઈ પતી ગયા પછી હું નવલકથા વાંંચવા લાગી ગઈ…”
“કઈ?” જાનકીબાઈએ પૂછ્યું.
“માડખોલકરની ‘શાપ’..”
“હાય મા! લેખકો પણ કેવા એકેક અભદ્ર નામ આપતા થયા છે તેમની બૂકોને!”
“મને થયું, રજાઓ છે તો સવારે નાહી ધોઈ, તને રસોઈ કરવામાં મદદ કરીશ.”
“અલી, રહેવા દે ને!”
“બા, આજે રોટલી હું બનાવીશ. તું તારાં પોથી - પુરાણ વાંચવા બેસ. હું નાહીને આ આવી…” ચ્હા પીતાં ચંદ્રાવતી બોલી.
“આજે વાળ ધોઈને નહાજે. ગમે તે દિવસે માથા પર ધડાધડ પાણી રેડવું સારું નહિ. સોમવારે  ભાઈની વહાલી બેનડીએ વાળ ધોઈને નહાવાનું ન હોય. શુક્રવારે સચૈલ - માથાબોળ સ્નાન કરવું. આ માતાજીનો વાર હોય છે, તેથી આમ સ્નાન કરવાથી અનિષ્ટ ટળી જતું હોય છે. આજે શુક્રવાર છે.”

ચંદ્રાવતી ચમકી ગઈ. ‘અરિષ્ટ? શાનું અરિષ્ટ? બા દુર્ભાગ્ય ટળી જવાની વાત કરે છે, એટલે શું તે…?'

“જરા થોભી જા. આજે હું જ તને ઉબટન ચોળીને સરસ રીતે નવડાવીશ. મેં આમળા - શિકાકાઈ ભીંજાવી રાખ્યા છે.”

“તું પણ કમાલ કરે છે, બા!”

“દીકરી, કમાલ તો નસીબ કરે છે. આટ-આટલા વર્ષોથી કરેલી ભક્તિ ભગવાન સુધી હજી પહોંચી નથી એવું જ કહેવાય ને?” જાનકીબાઈ સ્વગત બોલ્યાં.

“શું કહ્યું, બા?” ચંદ્રાવતીએ ગભરાઈને પૂછ્યું.

“મેં ક્યાં કશું કહ્યું? ચાલ, પેલી ખીંટી પરની જુની સાડી લપેટ અને વાળ ખોલ જોઉં! કેટલા દિવસથી તારા વાળને મારા હાથ નથી લાગ્યાં.”

ચંદ્રાવતી મૂંગી મંતર થઈને બાની પાછળ પાછળ બાથરુમમાં ગઈ.
***
સવારે અગિયારે’કના સુમારે શીલા ડરતાં ડરતાં બંગલામાં આવી. હૉલની વચ્ચેના ટેબલ પરની ઊંચી ફૂલદાનીમાં હંમેશની જેમ પુષ્પગુચ્છ ઝૂમી રહ્યો હતો તે જોઈને શીલાને થોડી ધીરજ મળ્યા જેવું લાગ્યું. આગળ વધી ત્યાં પૂજાઘરમાંથી ચાંદીની ઘંટડીનો રુમઝુમ અવાજ સંભળાયો અને સાથોસાથ જાનકીબાઈના અવાજમાં આરતીનાં સ્વર સંભળાયાં. વાતાવરણમાં ફેલાયેલા ધૂપ - કપુરની સુગંધ લેતાં લેતાં શીલાએ ઢીલા ઢફ મનથી પૂજાઘરમાં પ્રવેશ કર્યો.

“કેમ કાકી, સરસ પૂજા ચાલી રહી છે ને શું! પણ ચારે બાજુ  સન્નાટો કેમ છાઈ રહ્યો છે? કહું છું, ઘરમાં કોઈ કેમ દેખાતું નથી? ક્યાં ગયા છે બધા?”

પોતાના આસન પરથી પાછા વળી શીલા તરફ ઉનનું બીજું આસનિયું સરકાવી જાનકીબાઈએ આરતી પૂરી કરી. એકાદ ક્ષણ રોકાઈને શીલા બોલી, “કાકી, મંદસોરથી મારાં નાનાં ફોઈ આવ્યાં હતાં. ગઈ કાલે જ તેઓ પાછા ગયાં તેથી થયું, ચાલ, બંગલે થઈ આવું.”

“અલી શીલા, એકાંતરિયે અહીં આવતી જા ને! એટલું જ ચંદાને સારું લાગશે.”

“કાકી, અહીં આવવું હોય તો ઘોડાગાડી કરવી પડે છે.”

“તારી વાત સાચી છે. સારું, એ રહેવા દે. પણ મને કહે,  તારું કેટલે પહોંચ્યું?”

“એટલે? મારું શું કેટલે પહોંચ્યું?”

“અરે, તારા લગનનું, બીજું શાનું?”

“શું કહું? કંઈક ને કંઈક ચાલી રહ્યું છે. આટલામાં બાપુજી  બે વાર ગ્વાલિયર જઈ આવ્યા.”

“પછી?”

“શી ખબર? સાચી વાત કહું તો મને જોવા કોઈક આવવાનું છે એવું કહેવામાં આવે એટલે મારે ચ્હાનો ટ્રે લઈને સૌની સામે જવાનું. આમ ત્રણ - ચાર ટ્રે પાણીમાં ગયા..” કહી શીલાએ મ્લાન સ્મિત કર્યું. “ક્યાં’ક રુપ ઓછું પડ્યું તો ક્યાંક રુપિયા! મરવા જેવું થઈ આવે છે, કાકી, પણ શું કરીએ?”

“કેવું બરાબર બોલી! સ્ત્રી જન્મ છે તો આવું કરવું જ પડે ને? નકામું પાગલપણ કરીને તે કંઈ ચાલતું હશે?”

“કેવું પાગલપણ?” શીલાએ જાણી જોઈને પૂછ્યું.

“એ જ તો! ‘અમે અમારું પ્રદર્શન નહિ કરાવીએ, અમારા મનમાં હશે એવું જ કરીશું - તારી બહેનપણીની જેમ…” જાનકીબાઈ  હળવેથી બોલ્યાં.

પૂજાઘરમાં ટાંગેલી દત્તાત્રેયની છબિના કાચમાં પ્રતિબિંબીત થતી થરથરતી દીપ-જ્યોત તરફ શીલા જોતી રહી.

“એ લોકો મરાઠા અને આપણે પ્રભૂ. કેવી રીતે ફાવે, બોલ જોઉં? એના બાપુજી ગુસ્સામાં છે. દીકરી સાથે બોલવાનું પણ બંધ છે. અગાઉ દીકરી નજર સામે ન હોય તો પેટમાં કોળિયો ન ઉતરે.”

“હવે?” જાનકીબાઈ તરફ પ્રશ્નાર્થક નજરે જોતાં શીલા બોલી.

“અમારા હસતા - ખેલતા ઘરને કોણ જાણે ક્યા પાપિયાની નજર લાગી ગઈ છે! ઘરમાં કોઈ કોઈની સાથે બોલતું નથી. શેખર નાનો છે. એને કશી ખબર નથી પડતી એટલું સારું છે. હવે તે પણ બહાવરા જેવો થઈ ગયો છે…”

“ચંદાના બાપુજીને આ બધું ગમતું હોય એવું લાગતું નથી…” સ્વગત બબડતી હોય તેમ શીલાએ કહ્યું.

“દીકરીને તેઓ એવા તે વઢ્યા છે, શું કહું તને? ઉપરથી મને હુકમ આપે છે, ‘એનું મન સંભાળજો, તેને દુ:ખ ન પહોંચે તેનું ધ્યાન રાખજો…તેની તબિયત સંભાળજો.’ બોલ જોઉં, શીલા, સરકસના ઊંચા તાર પર ઊભા રહીને કરવાની કસરત જેવું આ કામ છે કે નહિ? મુઓ આ સ્ત્રીઓનો જન્મ!”

“સાચે? તો પછી આપણે લગ્ન જ ન કરવા જોઈએ!”

“સાવ ઘેલી છો તું, શીલા. સ્ત્રી જાતને લગ્ન કર્યા વગર તે ચાલતું હશે?”

શીલા મનમાં જ હસી.

“ડૉક્ટરકાકાની વાત સમજી, પણ આ બાબતમાં તમારું શું કહેવું છે?”

“હું વળી શું કહેવાની હતી? તેમનું જે કહેવાનું થાય એ જ મારું કથન. એમણે પોતે જ ના પાડી, ત્યાં મારું શું ચાલે?”

“ખરી વાત છે, કાકી.”

“તારી બહેનપણીના મગજમાંથી આ નકામું ગાંડપણ કાઢી નાખ, શીલા.”

શીલા હવે અધીર થઈ. “ચંદા ક્યાં છે?”

“હમણાં જ તેણે નાહી લીધું છે. હવે પડી છે તેની રુમમાં. આ આઠ - દસ દિવસમાં તેણે પોતાની કેવી દશા કરી લીધી છે. કાળી ઠીકરી જેવી થઈ ગઈ છે. આખો દિવસ આંખો સામે ચોપડી પકડીને પડી રહે છે. સરખું ખાતી નથી કે નથી સરખું પહેરતી.”

“હું ચંદાને જોઈ આવું," કહી શીલા પૂજાઘરમાંથી ઊઠી અને ચંદ્રાવતીની રુમ ભણી ગઈ. ચંદ્રાવતી પલંગને અઢેલી હમણાં જ ધોયેલા વાળ પર કાંસકો ફેરવતી હતી.
“જે જે થયું તે બધું મને વિસ્તારથી કહે જોઉં,’ કહી  શીલા તેની પાસે બેઠી.

“બધું ખતમ થઈ ગયું,” ચંદ્રાવતીએ કહ્યું.

“કેમ?”

“પણ પહેલાં તું મને કહે, શીલા, સવ્વારના પો’રમાં તું આ બાજુ કેમની?”

“વિશ્વાસ સાથે નાસી જવાથી ડૉક્ટરકાકા અને કાકીને ઊંડો આઘાત લાગશે તેથી તેમને આશ્વાસન અને ધીરજ આપવા બંગલે આવવાનું મેં વિશ્વાસને વચન આપ્યું હતું. પણ તું તો અહીંયા બેઠી છો! શું વાત થઈ? મને થયું, અત્યાર સુધીમાં તો તું ઠેઠ…”
છલોછલ અશ્રુ ભરેલા નયનો સાથે, ધ્રુજતા અવાજમાં ચંદ્રાવતીએ પરોઢિયે થયેલા પ્રસંગનો પૂરો વૃત્તાંત શીલાને કહ્યો. “અૅન ઘડીએ મારું ધૈર્ય ખતમ થઈ ગયું. સર્વનાશ થયો મારો. વિશ્વાસની ઊણપ મારા ધ્યાનમાં આવી હતી, તેમ છતાં મને હવે એવું લાગે છે કે મારે તેની સાથે ચાલ્યા જવું જોઈતું હતું."
“સાંભળ, ચંદા. તેની સાથે તું ગઈ હોત તો પણ તને એવું લાગ્યું હોત કે તેની સાથે જઈને તેં ભૂલ કરી હતી ; ઘર નહોતું છોડવું જોઈતું. આપણે જે કરીએ છીએ તેના કરતાં જે નથી કર્યું તેની બેચેની થતી રહે છે. અજબ કિસમની આ દુવિધા હોય છે. હવે એક કામ કર. મુંબઈ જા. બી.એ. કે એમ.એ. કરી લે. આમ પણ તારા મામા તને ક્યારના બોલાવી રહ્યા છે. ત્યાંના વાતાવરણમાં તારું મન લાગશે. એકાદો સારો છોકરો પણ મળી આવશે…”

“છોકરાનું તો નામ પણ ના કાઢીશ. લગનના ફંદામાં બાબા હું ક્યારે’ય નહિ પડું.”

“તો પછી તું શું કરવાની છો?”

“પહેલાં તું કહે ; તું શું કરવાની છો, શીલા?”

“મા બાપે પસંદ કરેલા છોકરાના ગળામાં વરમાળા પહેરાવી તેનો સંસાર કરીશ, બીજું શું. અને તું?“

“આજકાલ વાચન કરું છું,  આસપાસના છોકરાંઓને ભણાવું છું. આગળ એ જ કામ ચાલુ રાખીશ. વખત જતાં નિશાળ ખોલીશ. કોઈ કામમાં મન તો પરોવવું પડશે ને, શીલા? ક્યારે'ક તને વિશ્વાસ મળે તો તેને કહે જે, મારાં આપ્તજનોનાં હૃદય દુભાવવાનું કામ મારાથી થઈ શક્યું નહિ.” ચંદ્રાવતીએ આંખો લૂછતાં કહ્યું.

“વિશ્વાસ અા વાત જાણી ગયો હશે.”

“તને મળવાનો છે?”

“તેને મળવાની શક્યતા હવે સાવ ઓછી છે. પણ ચંદા, ડૉક્ટરકાકા આટલા જુના વિચાર ધરાવતા હશે એવું મેં ધાર્યું નહોતું. તેમના પ્રમાણમાં તારી બા-“

“બાએ તને કંઈ કહ્યું?” ચંદ્રાવતીએ ઉત્કંઠાથી પૂછ્યું.

“ના રે ના! આ તો મારી ધારણા છે. હું આવી ત્યારે તારી બાનાં પૂજા-પાઠ ચાલી રહ્યા હતા. હું સીધી તારી રુમમાં આવી છું.”

“પહેલાં તો કદી નહિ, પણ હવે મને રોજ રાતે કેસર અને જાયફળ નાખીને ઉકાળેલું દૂધ આપે છે. મને સારી ઉંઘ આવે એટલા માટે. મને બાની દયા આવે છે. મારા માટે આટલું બધું કરે છે તેમ છતાં આ બાબતમાં તેની સાથે ખુલીને વાત નથી કરી શકતી.”

‘કેમ વળી?”

“બા આ વિશેની વાત કરતી નથી, તો હું તેને કંઈ કહી શકું કે? ઘણી વાર થાય છે કે તેના ખોળામાં માથું મૂકી મોકળા મને રડી લઉં અને બા મારી પીઠ પર હાથ ફેરવીને મને સાંત્વન આપે.” ચંદ્રાવતીની નયનોમાંથી નીરની ધારાઓ છૂટી અને ડૂસકું તેના કંઠ સુધી આવીને અટકી ગયું. “આ જાણે ઓછું છે, બાબાને  હવે દરરોજ ચક્કર આવવા લાગ્યા છે. શેખર વધુને વધુ હઠીલો થવા લાગ્યો છે. બાના લાડકોડથીજ એ બગડી ગયો છે. પણ કહે જોઉં, શીલા, બાએ પણ કેટલા મોરચા સંભાળવા?”

રસોડામાં તળાતાં ભજિયાંની સોડમ ઘરમાં ફેલાઈ રહી હતી. કઢાઈમાં પાપડ, ફરફરનો ચરચરાટ સંભળાવા લાગ્યો. મહેલમાં બાર વાગ્યાની તોપ ફૂટવાનો અવાજ સંાભળીને ચંદ્રાવતીએ આંખો લૂછી. તેણે બારીમાંથી બહાર નજર કરીને કહ્યું, “બાબાનો આવવાનો સમય થઈ ગયો છે. જમવાનું ટેબલ લગાડવું જોઈએ.”

બન્ને બહેનપણીઓ ડાઈનિંગ-રુમમાં ગઈ.

ડૉક્ટરસાહેબ ઘેર આવ્યા, પણ સીધા તેમના શયનકક્ષમાં જતા રહ્યા. જાનકીબાઈ તેમના ભોજનની ટ્રે તેમના શયનકક્ષમાં લઈ ગયાં. 

જમણ પતાવ્યા બાદ વાસણ-કૂસણ ઠેકાણે પાડી બન્ને સખીઓ ચંદ્રાવતીની રુમમાં ગઈ. એટલામાં જામુની - મિથ્લા રસોડાના દરવાજામાંથી તેના કમરામાં પહોંચી.

“આજ છુટ્ટી હૈ જામુની. જાઓ ઘર જા કે પઢો.”

“આ છોકરીઓ કેટલી મોટી દેખાવા લાગી છે, નહિ? અને તે પણ ભગવાને બેઉને એક જ પત્થરમાંથી કોતરી કાઢી હોય તેવી!” શીલા તેમના તરફ વહાલથી જોઈને બોલી.

“ભણવામાં પણ બન્ને સારી છે. તેમને આજકાલ થોડું થોડું અંગ્રેજી શીખવવા લાગી છું. જામુની મરાઠી શીખવવાનું શરુ કરવાની છું.”

“મરાઠી? તે શા માટે?”

“મરાઠી ભાષાનું માધુર્ય તેને સમજાવું જોઈએ કે નહિ? મરાઠીના ઉત્તમ પુસ્તકો તેને વાંચતા આવડવા જોઈએ. અને આપણી સંસ્કૃતિની તેને પહેચાન થવી જોઈએ.”

“તે જવા દે ‘લી. આ બુંદેલા સમાજની કન્યાઓ છે. દીકરીઓ અંગ્રેજી ભણે તે તેમના માબાપ કેવી રીતે ચલાવી લે? ગામડા ગામનાં અણઘડ લોકો છે તેઓ…” શીલાએ જામુની - મિથ્લા તરફ જોઈને કહેતાં તો કહી નાખ્યું, પણ બીજી ક્ષણે જીભ કચડી.

“તેમાં ન ચાલે એવું શું છે? અહીં હનુમાનજીના મંદિરની પાઠશાળામાં કેવું’ક ભણતર ચાલતું હશે તેની કલ્પના કર! ત્યાં જેમ તેમ કરીને ત્રણ - ચાર ચોપડીઓ સુધી ભણાવે છે - તે પણ હિંદીમાં. હવે બન્ને બહેનો અમારી ઘોડાગાડીમાં બેસીને ગામની કન્યાશાળામાં જવા લાગી છે. શેખરને હાઈસ્કૂલમાં મૂકી રામરતન તેમને કન્યાશાળા પહોંચાડી આવે છે. શાળા છૂટ્યા બાદ બધા એક સાથે આપણા ઘેર આવે છે. અનાયાસે તેમને નિશાળે જવા મળે છે અને અહીં ઘેર બેઠાં બન્ને છોકરીઓને મારી પાસે અંગ્રેજી શીખવા મળે છે. થોડા ઘણા અંગ્રેજી શબ્દો આવડે છે તેથી તેમનાં મા બાપ ગૌરવ અનુભવે છે.  હું તેમને અંગ્રેજી શીખવું છું તેથી સત્વંતકાકી પણ મારા પર ખુશ છે. ભૂલેચૂકે પણ હું સૂપડું લઈ ઘઉં વીણવા લાગું તો તેઓ આવીને તરત મારા હાથમાંથી તે ખેંચીને કહે છે, ‘અરી ચંદર, તોહરે હાથન સૂપડા નાહી સોહત. પોથી - પર્ચીહી અચ્છી લાગત. લા ઈત્તૈ, મૈં ફટક દૂઁ ગેહું..’

બન્ને બહેનપણીઓ ખડખડાટ હસી પડી.

“જાનકીકાકીને આ ચાલે છે?”

“એ તો તું પૂછીશ જ મા. એ તો કહે છે, ‘ચંદા, તું શા માટે આ માથાકૂટ કરે છે? આ ગામડિયાઓને તે શું આવડવાનું છે? નિશાળમાંથી આવી પહોંચે છે બંગલામાં તોફાન મસ્તી કરવા!’ આ જાણે ઓછું હોય, તેમની પાછળ સતત માથાકૂટ કરતી ફરે છે ;  કૅરમને હાથ ના લગડશો, ગ્રામોફોનને અડકશો મા…બસ આવું આખો વખત ચાલતું હોય છે. મારે નાની બહેન હોત તો તેને હું અંગ્રેજી શીખવતી હોત કે નહિ? અને આ જામુની જો. એટલી હોંશિયાર છે - શું વાત કરું? હવે તો તે અંગ્રેજી કવિતા પણ બોલવા લાગી છે!” કહી ચંદ્રાવતીએ જામુનીને કહ્યું, “જામુની, એક અંગ્રેજી કવિતા તો સૂના દો!”
જામુની એક હાથ લાંબી જીભ બહાર કાઢી ત્યાંથી દોટ મૂકીને નાસી ગઈ.

શીલા ઘેર જવા નીકળી.

“જરા થોભી જા ને! બેસ પાંચ મિનિટ. જોઉં છું, રામરતન આવ્યો છે કે નહિ. એ તને ઘેર પહોંચાડી દેશે. તું આવી તેથી મારો દિવસ સારો ગયો, નહિ તો…”

“નહિ તો શું, ઘેલી?”

“વિશ્વાસની યાદમાં ડૂબીને આંસુ સારતી બેઠી હોત. સાંજે અંધારું થતાં મારો પ્રાણ વ્યાકુળ થવા લાગે છે. વિશ્વાસ સાથે મારી પહેલી મુલાકાત સાંજના ટાણે જ થઈ હતી.”

“બસ કર હવે ચંદા. જે થયું ..”

“હવે તો બસ, એ જ કહેવાનું બાકી રહ્યું છે. વિશ્વાસે મારા પર મન:પૂર્વક પ્રેમ કર્યો. મને તે ઝીલતાં આવડ્યો નહિ. તે અણઘડ અને થોડો અહંકારી ભલે હોય, મેં જરુર તેની રહેન સહેનમાં વ્યવસ્થિતતા આણી હોત. જે હોય તે, પણ શું તેનો રુવાબ હતો! પ્રેમ મનુષ્યના મનમાં કેટલો પ્રચંડ ખળભળાટ મચાવી દેતો હોય છે તેની તો તને કલ્પના પણ નહિ આવે. આપણાં મનને સાવ વલોવી નાખે…”

“ના રે બાબા! આપણને નથી જોઈતો આવો ખળભળાટ અને વલોપાત!”

“શું કહું તને? આ વલોપાત જેટલો વણજોઈતો લાગતો હોય એટલો જ તે મનને જોઈતો હોય છે. આપણાં મનના ચિત્રપટના આપણે જ પ્રેક્ષક હોઈએ છીએ. ખેર! મારો પ્રેમ તો અસફળ રહી ગયો, પણ મારા માટે છેલ્લા સાડા-ત્રણ મહિનાનો એક એક દિવસ સુગંધિત હતો. આ સાડા-ત્રણ મહિના પર આખી જિંદગી ઓળઘોળ કરી નાખું એવું થાય છે.”

શીલા આશ્ચર્યથી ચંદ્રાવતી તરફ જોતી રહી. તેના ચહેરા પર બહેનપણી પ્રત્યે  ચિંતાની સૂક્ષ્મ રેખા ઊભરી આવી. 

“મારા હાથે પાપ થઈ ગયું તેનું શૂળ આખી જિંદગી ખૂંચ્યા કરશે,” એક ક્ષણ રોકાઈને ચંદ્રાવતી બોલી.

“પાપ?” શીલાએ ચમકીને લગભગ ચિત્કાર કર્યો.

“હા! ગણેશજીની મૂર્તિ પર હાથ મૂકીને લીધેલી સોગંદ તોડ્યાનું પાપ…”

એક છૂપી હાશનો શ્વાસ લઈ શીલાએ કહ્યું, “તું તો સાવ ગાંડી થઈ ગઈ છો!” અને બહેનપણીની પીઠ પર હાથ ફેરવતી રહી. 

જાનકીબાઈ ડાઈનિંગ-રુમમાં ચ્હા લઈ આવ્યાં.

“અલી શીલા, તું ફરી ક્યારે આવવાની છો? ગયા વર્ષે અમારે ત્યાં થયેલા ગણેશોત્સવમાં તું આવી નહિ. માસ્તરસાહેબ એકલા જ આવ્યા હતા. તારી બાને કહે જે કે મેં ખાસ બોલાવ્યાં છે. પાંચ દિવસમાં ગમે ત્યારે આવી જજો,” જાનકીબાઈએ દીકરીની બહેનપણીને આગ્રહભર્યા અવાજમાં કહ્યું.

“હું નીકળું છું, કાકી,” કહી શીલા ઉભી થઈ.

“આવજે. ગણપતિ સ્થાપનાના આગલા દિવસથી બંગલે જ રહેવા આવજે. હરિતાલિકાનો અપવાસ બેઉ બહેનપણીઓ સાથે રાખજો. બન્ને સાથે બેસીને પાર્વતિની પૂજા કરજો. આવતા વર્ષે ભોળા શંકર તમે બેઉ જણીઓ પર એક સાથે પ્રસન્ન થશે,” કહી જાનકીબાઈ વરંડા તરફ ગયા. તેમની પાછળ ઊભેલી ચંદ્રાવતીએ શીલા તરફ જોઈ હોઠ વાંકા કર્યાં.
રામરતને ઘોડાગાડી તૈયાર કરી રાખી હતી. શીલા તેમાં બેઠી અને ચંદ્રાવતીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, “મારી સામે જો, ચંદા. બહુ વિચાર ના કરીશ, સમજી? નહિ તો મગજ પર ખરાબ અસર પડશે. અને વધુ પડતી ચોપડીઓ પણ વાંચીશ મા.”   

“શું કરું? બધા અપવાસ, વાર - તહેવારે કરેલા વ્રત, દેવ, ધર્મ -  બધું ચંબલમાં પધરાવી દેવાનું મન થાય છે,” ચંદ્રાવતી બોલી.

“અલી જરા ધીમે બોલ. કાકી સાંભળી જશે તો…”

શીલાને લઈ ઘોડાગાડી ધીમે ધીમે ગામ ભણી ગઈ અને અદૃશ્ય થઈ.

ચંદ્રાવતી ફાટક પાસે જ ઊભી હતી. અમનસ્ક ભાવથી.

સાંજ થવા આવી હતી.

No comments:

Post a Comment