Pages

Friday, January 22, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૧૭

“જીજી, ચલો, તુમ્હેં મા બુલાવૈ હૈ,” સાંજના પાંચ - સાડા પાંચના સુમારે ચંદ્રાવતીના બારણાની બહાર થંભીને જામુનીએ કહ્યું. તેની પાછળ પાછળ મિથ્લા પણ આવી પહોંચી. બન્નેનાં ચહેરા વિનવણીભર્યા હતા.

“શું કામ છે?” પુસ્તકમાંથી માથું ઊંચું કર્યા વગર ચંદ્રાવતીએ પૂછ્યું.

“કન્હૈયા - આઠે લિખની હૈ.”  કન્હૈયા આઠે એટલે જન્માષ્ટમીના ઉત્સવની ઉજવણીમાં બુંદેલખંડમાં ખાસ છાણ - માટીથી કરવામાં આવતું ચિત્રકામ અને તેના પર ફૂલોનો શણગાર કરવાનું કામ.

“મારું માથું દુ:ખે છે. હું નહિ આવી શકું.”

કરમાયેલા ફૂલ જેવાં મ્હોં કરી બેઉ બહેનો ત્યાંથી ચાલી ગઈ.

“અલી ચંદા, છોકરીઓ તને ખાસ તેડવા આવી છે તો જા ને તેમના ઘેર!” દીકરીની રુમમાં ડોકિયું કરી જાનકીબાઈ બાોલ્યાં. “વાર તહેવારમાં કરવાની સેવાને ના ન કહેવાય.”

“મારે નથી જવું.”

“તને કંઈ કરવાનું મન નથી થતું?”

“હા એવું જ સમજ”

“એમ તે કેમ ચાલે. દીકરી? તે દિવસે નાગપંચમીના દિવસે મહેલમાં ન આવી તે ન જ આવી. કેટલું કહ્યું, સારી સાડી પહેર, ઘરેણાં ચડાવ -  મારી એકે વાત તેં ન સાંભળી. રાણી સરકાર તારા વિશે પૂછતાં હતાં. મારે કહેવું પડ્યું, તાવ આવ્યો છે તેથી નથી આવી. ખોટી ચર્ચા ન કરવી પડે એટલા માટે તને કહ્યું હતું કે મારી સાથે ચાલ. તે દિવસે રાણી સરકારની ચારેકોર સરદારોની પત્નીઓનું ધાડું બેઠું હતું. ચર્ચા તો થઈ જ હશે ને?”

‘ચર્ચા’ શબ્દ સાંભળી ચંદ્રાવતીના મનમાં મોટું પ્રશ્નચિહ્ન ઊભું થયું. આ લોકોની ચર્ચા એટલે કૂથલી.

“હવે પછી તારી સાથે મહેલમાં જવાનો આગ્રહ કરીશ મા.”

“કેમ વળી?”

“ત્યાં જવું મને નથી ગમતું.”

“અલી, પાણીમાં રહીને મગર સાથે વેર કરીને કેમ ચાલે? ચાલ, ઊઠ, સત્વંતીને ઘેર જઈ આવ. આજે જન્માષ્ટમી છે. સારી એવી સાડી પહેર, વાળ ઓળી લે. મનમાં કશ્શું આણીશ મા. પવન તો અહીંથી આવીને ત્યાં જતો રહે છે. એ શા માટે આપણો સગલો કે વહાલો થવાનો હતો?” જાનકીબાઈએ જરા ઠસ્સાથી જ કહ્યું.

ચંદ્રાવતી ચમકી ગઈ. બાને નક્કી બધી ખબર પડી ગઈ લાગે છે! હે ભગવાન!

“સાંભળ, મારી મા! મારે નકામી ચર્ચા નથી જો’તી, એટલે કહું છું, જા. નહિ તો પેલી સત્વંતી સત્તર સવાલ પૂછશે મને. ભૌંચક - ભવાની છે એ,” જાનકીબાઈએ ફરી એક વાર આગ્રહપૂર્વક કહ્યું.

"ભલે," કહી ચંદ્રાવતી ચૂપચાપ ઊઠી. પુસ્તકના પાના પર નિશાની મૂકી તેને ટેબલ પર મૂક્યું. વાળ સરખા કરી ચોટલો પીઠ પર છોડ્યો. સાડી બદલી, ચહેરા પર પાઉડર - કંકુ લગાડ્યાં અને સત્વંતીકાકીના ઘર તરફ જતી પગદંડી પર ચાલવા લાગી.

‘પવન તો  અહીંથી આવીને ત્યાં જતો રહ્યો…ગયો જ ને? એ તો આપણો સગલો થયો જ નહિ…મારી કાયરતા મને નડી…’ તે મનમાં જ બબડી
***

સત્વંતકાકીના આંગણાને ઓળંગી ચંદ્રાવતી તેમના ઘરના લંબચોરસ આકારના મોટા ઓરડાની નજીક ગઈ અને એકદમ થીજી ગઈ. આખો ખંડ માણસોથી ઉભરાઈ ગયો હતો.

‘આટલા બધા લોક આવ્યા છે પણ તેમનાં બૂટ - ચંપલ આંગણામાં કેમ દેખાયા નહિ? બુંદેલા રાજપુતો મુખી કે રાજાને મળવા તેમના દરબારમાં જોડાં પહેરીને ન જાય તે ચંદ્રાવતી જાણતી હતી.  દદ્દા ક્યારે આવ્યા તેની તેને જાણ નહોતી. જામુની - મિથ્લાએ પણ તેમનો ઉલ્લેખ નહોતો કર્યો.

ઓરડાની ભીંતને અઢેલીને બીછાવેલા સિંહાસન સરખા બાજોઠ પર દદ્દા કોઈ બાદશાહની જેમ બિરાજમાન થયા હતા. તેમની સામેની શેતરંજી પર અનેક લોકો બેઠા હતા. જેમને બેસવાની જગ્યા નહોતી મળી તેઓ દીવાલને અઢેલીને ઊભા હતા. દરેક વ્યક્તિના ચહેરા પર લાચારી ઉભરાતી હતી અને અવાજમાં આજીજી.

“માફ કિજિયે અન્નદાતા! ગલતિ હુઈ સરકાર! હુજુર, આપકા હુકમ…”

ચંદ્રાવતી આવી તેવી જ પાછી વળીને તેમના ઘરની પછીતમાં આવેલી ગમાણમાં થઈને ફળિયામાં પહોંચી. ગમાણમાં ગાયની આંખો પર માખીઓ બણબણતી હતી અને તેમને ઉડાડવા ગાયની પૂંછડી અને કાન વચ્ચે જુગલબંધી ચાલી રહી હતી. જમીન પર પડેલ છાણ અને ગૌમૂત્રની ગંધ ચોમેર ફેલાઈ રહી હતી. ગમાણની ભીંત પર જાડા રોટલા જેવા ગોળ છાણાં થાપ્યાં હતા અને વાડાના છાપરા પર કારેલાનો લીલોછમ વેલો ફેલાયો હતો.

ગમાણમાંથી ફળિયામાં તે પહોંચી અને જોયું તો સત્વંતકાકી ઘઉં દળવા બેઠાં હતાં.
“આ જા બિટિયા!” દળવાનું બંધ કરી, પાલવના છેડાથી કપાળ પરનો પરસેવો લૂછતાં સત્વંતકાકીએ ઊંડો શ્વાસ લીધો. “આજ જનમ આઠે! મેં ઠાકુરઘર લિંપી લીધું છે. તને કન્હૈયા-આઠે લખવા બોલાવી છે. જો ને, દદ્દા આવ્યા છે અને આટલા બધા લોકો માટે રાંધવાનું છે.” બેઉ હાથ પસારી સત્વંતકાકી ફરિયાદ કરવા લાગ્યાં.

“મને માફ કરજો, કાકી. કન્હૈયા આઠે છે તે હું સાવ ભુલી ગઈ હતી.”

“માફી -બાફીની શું કામ વાત કરે છે?” અવાજમાં બને એટલી મૃદુતા લાવી સત્વંતકાકી બોલ્યાં, “ચંદર, મારી દીકરી, કેવી વિખરાઈને વહી ગઈ છે તું!” કહી તેમણે ચંદ્રાવતી તરફ સ્નેહભરી દૃષ્ટિથી જોયું.

હે ભગવાન! સત્વંતકાકીને પણ મારા રહસ્યની જાણ થઈ લાગે છે. નહિ તો કદી નહિ ને આજે જ તેમના હૃદયમાં પ્રેમનાં આટલા બધા પૂર કેમ કરીને આવ્યાં?

“કશું થયું નથી કાકી. જુઓ, સાજી સમી તો છું. હું કન્હૈયા-આઠે લખીશ, પણ ભુલચૂક થાય તો સુધારી લેજો,” જરા સ્વસ્થ થઈને ચંદ્રાવતી બોલી. "જામુની - મિથ્લા ક્યાં છે?”

“બેઉ જણી જંગલમાં ફૂલ તોડવા ગઈ છે.”

ચંદ્રાવતી પૂજાની ઓરડીમાં ગઈ. ઠાકુરઘરની જમીન અને ચારે ભીંતો લીલાછમ છાણથી અર્ધ-વર્તૂળાકાર આકૃતિઓમાં વ્યવસ્થિત રીતે લીંપવામાં આવી હતી. નીચે જમીન પર તગારામાં ગાયનું લીલુંછમ છાણ ઘોળી - મસળીને તૈયાર રાખવામાં આવ્યું હતું. છાણના તગારામાં હાથ નાખતાં તેને સૂગ ઉપજી, પણ દર ચૈત્ર મહિનામાં ચૈત્રાંગણ લીંપવા માટે તેને છાણમાં હાથ નાખવો જ પડતો હતો. તેમાં આનાકાની ચાલે જ નહિ! “બાઈ માણસના હાથ છાણ-માટીમાં અને ઘી-દૂધમાં એક સરખી મમતાથી ફરવા જોઈએ…" એવા ઊપદેશના અમૃતનો ડોઝ પાવાનો એક પણ મોકો બા જવા દે ખરી?

ચંદ્રાવતીએ  કમને છાણના તગારામાં હાથ નાખ્યો. સૌ પ્રથમ છાણ વતી ભીંત પર ચોરસ રેખાઓ આંકી પોતાની અણિદાર, સુંદર આગળીઓ વતી તેમાં ચંદ્ર, સૂર્ય દોર્યા. વચ્ચે એક ચોરસ છોડી તેની એક બાજુએ ગાય અને બીજી બાજુએ વસુદેવ - દેવકી દોર્યાં. ચોરસની નીચે ખળખળ કરતી યમુના  અને બાજુમાં ફેણ કાઢેલો કાળીયો નાગ. એક તરફ તેણે મોર દોર્યો અને વચ્ચેના ચોકમાં બંસરી પકડીને ઊભેલા  મુરલીધર શ્યામ ચિતર્યા. એટલામાં જામુની - મિથ્લા એકબીજા સાથે હરિફાઈ કરતી હોય તેમ ઠાકુરઘરમાં દોડતી આવી. તેમણે જંગલમાંથી આણેલા જાંબલી રંગના ફૂલથી યમુનાનાં નીર ભર્યાં. 
મુરલીધરની બાહ્ય રેખા પર ગુલાબની પાંખડીઓ જડ્યા બાદ તેમાં નીલા રંગનાં ફૂલ ચોંટાડ્યા. બન્ને છોકરીઓને બહાર ભગાવી ચંદ્રાવતીએ મુરલીધરની છબિ ચિતરવા પર મન એકાગ્ર કર્યું. ભગવાનના ગળામાં મોતીની માળા, હાથમાં કંગન અને પગના તોડા તેણે સફેદ અને ગુલાબી ફૂલોથી મઢાવીને સાકાર કર્યા. રંગબેરંગી ફૂલોનો મુકુટ તૈયાર થતો હતો ત્યાં જામુની હળવેથી ઠાકુરઘરમાં પ્રવેશી. ડાબા હાથમાંનું પુસ્તક પીઠ પાછળ સંતાડી તેણે મુરલીધરના મુકુટ પર કામ કરતી ચંદ્રાવતીનો પાલવ હળવેથી ખેંચ્યો, અને કહ્યું, “જીજી, દેખો મૈં ક્યા લાઈ હૂં!”

“ક્યા હૈ?” જરા ત્રાસેલા અવાજમાં જ ચંદ્રાવતી બોલી.

જામુનીએ પુસ્તકમાંથી મોરનું પીંછુ કાઢીને ચંદ્રાવતી સામે ધર્યું. “મુરલીવાલે કે મુકુટમેં લગાને કે લિયે!”

“અરે, ઘેલી! આ કેવી રીતે લગાડું? તે કંઈ ભીંત પર નહિ ચોંટે. રહેવા દે.”

“લગા દો ના, જીજી! અચ્છા દીખેગા!” જામુનીનાં આજીજીભર્યા શબ્દો સાંભળી ચંદ્રાવતીએ મોરપીછ મુકુટમાં ખોસ્યું.

સંધ્યાટાણું થવા આવ્યું હતું. ઠંડા પવનની લહેર વહેવી શરુ થઈ હતી. પશ્ચિમ દિશાની બારીમાંથી ડોકિયું કરતો પ્રકાશ મુરલીધરના મુકુટ પર લહેરાવા લાગ્યો. કન્હૈયા આઠે પૂરા થયા. મુકુટ પર શોભતા મોરપીચ્છ પર ચંદ્રાવતીની નજર જડાઈ હતી.

“શાબાશ બિટિયા, શાબાશ! તૂ તો કન્હૈયા આઠે લિખનેમેં હમ બુંદેલખંડિયોંસે ભી બઢ કર નીકલી!”

સ્વપ્નમાંથી જાગી હોય તેમ ચંદ્રાવતીએ ઝબકીને પાછળ જોયું.

શુભ્ર, મુલાયમ ઝભ્ભા અને ઘૂંટણ સુધીનું ધોતિયું પહેરેલા, કસાયેલી ઊંચી શરીરયષ્ટિવાળા પ્રભાવશાળી દદ્દા ચંદ્રાવતીએ દોરેલા ચિત્રને અચરજભરી નજરે જોઈ રહ્યા હતા. “જાતકી દખની હૈ, વર્ના ઈ કે બાપસે ઈ કો માંગ લેતા. એક સે એક બહુતેરે મોડે હેંગે અપને પાસ! લછમીજીસે ઈ કે પાંવ ધૂલવાતા…જાત કી દખની ના હોતી તો,” કહી તેઓ આગળ વધ્યા અને ચંદ્રાવતીના પગને બન્ને હાથે સ્પર્શ કર્યો.

“દદ્દા, આપ આ શું કરી રહ્યા છો? આપ તો અમારા વડિલ…”

“અરી બિટિયા, હમરે બુંદેલખંડમેં હર મોડી દેઈજી હોત હૈ. ઔર ફિર તુને તો કન્હૈયા આઠે લીખ ડાલી. તોરે ચરન તો છૂના હી પરત!”

દદ્દાને નમસ્કાર કરી, સત્વંતકાકીની રજા લેવા ચંદ્રાવતી તેમની પાસે ગઈ.

“રાતે બાર વાગ્યા પહેલાં આવી જજે. સાથે બડી બાઈજીને પણ લાવજે,” સત્વંતકાકીએ કહ્યું.

આકાશ ઘનઘોર મેઘથી આચ્છાદિત થયું હતું. સાંજ ઢળી હતી. વરસાદનાં ટીપાં ક્યારે પડવા લાગશે તેનો ભરોસો નહોતો. આછા પ્રકાશમાં ચંદ્રાવતી પગદંડી પર આવી. તેનાં પગલાંનો ધ્વનિ સાંભળતાં જ સામેના લીલાછમ, મૃદુ ઘાસ પર બેઠેલું પોપટનું ઝૂંડ ફર્ર દઈને ઊડી ગયું.

***

No comments:

Post a Comment