Pages

Tuesday, September 22, 2015

આસપાસ ચોપાસ - (૩) : એક ગુજરાતી, એક અંગ્રેજી...

ભાવનગરના નુતન વિદ્યાલયમાં ભણતો ત્યારે નિશાળે જવા રાજ્યના શિક્ષણ નિયામક ગજાનન ભટ્ટના બંગલા પાસેથી નીકળતો. શિક્ષણ વિભાગમાં ભટ્ટજી તેમના દબદબા માટે જાણીતા હતા તેના કરતાં વધારે પ્રખ્યાત તેઓ તેમણે લખેલ એક પુસ્તક “માનવકથા” માટે હતા. સદ્ભાગ્યે મને ૧૯૪૭માં તે વાંચવા મળેલું અને તેમાંની કેટલીક વાતો હંમેશ માટે યાદ રહી ગઈ. આજે આ પુસ્તકમાંની વાત ફરી યાદ કરીને રજુ કરૂં છું.
***
ભાવનગર રાજ્યના એક નાનકડા ગામની વાત છે. ગામમાં એક ખેડૂત પરિવાર રહે. તેમાંના મોટા ભાઈ સંત પ્રકૃતિના અને અપરિણીત. આખો દિવસ પ્રભુભક્તિમાં અને ભજન કિર્તનમાં ગાળે. ગામે ગામથી લોકો ભગતને ભજન ગાવા બોલાવે. સાંજે ભગત જે જાય તે ઠેઠ બીજા દિવસે પાછા આવે. કોઈ વાર દૂર ગામના લોકો ગાડું મોકલે અને ન મોકલે તો ભગત ચાલતા આવે ને જાય. 

નાના ભાઈ કુટુમ્બની જમીન ખેડે. રાત દિવસ મહેનત કરે. વરસે પાક ઉતરે તેમાંથી રાજભાગ આપી બાકીની ઉપજમાંથી મોટા ભાઈ કહે તેમ દાનધરમ કરે અને બાકી બચે તેમાંથી કુટુમ્બનું ગુજરાન ચલાવે. ભગવાનની કૃપા એવી, કોઠીમાંનું ધાન કદી ઓછું ન પડે. નાનકડો તેમનો પરિવાર. ભગત પણ નાનાભાઈ, ભાભી અને તેમનાં સંતાનોને આશિષ આપી પોતાની પ્રવૃત્તિમાં મશગુલ રહે. કોઈ કોઈ વાર ભગત નાનાને કહે પણ ખરા, “ભાઈલા, આવો, આજ સત્સંગમાં બેસો!” થાક્યો પાક્યો ભાઈ કહે, “ભગત, આજે તો રે’વા દ્યો. રાતના રખોપું કરવા જાવું છે. ફરી કો’ક દિ.”
ભગતે કહ્યું, “હશે, ભાઈલા.”
“ભગત બસ તમારા આશિષ અમારા માથા પર રે’વા દેજો. જે ભગતિ કરો છો ઇમાં ભગવાનને કહી અમારો ભાગ રાખજો. ભગવાનને હાથ જોડીને કે’જો કે તમારી ભેળાં અમને પણ તમારા પગ પાંહે જગ્યા આપજો!”

ભગતે હસીને કહ્યું, “ભાઈ, તમે કે'દિ અમારી ભગતિમાંથી જુદા રિયા છો? અમારા કરતાં તમારી ભગતિ વધારે હોય છે!”

નાનાભાઈ તનતોડ મહેનત કરી સૌને રોટલા ભેગા કરે છે. સંસાર સુખી છે. 

એક દિવસ ખેતરે પાક લણી નાનાભાઈ સાંજે ગાડું જોતરી ઘરભણી આવતા હતા ત્યાં ગામને પાદર આવેલી નદીના કાંઠે ભગત એક ગાડામાં બેઠાં હતા. ગાડું ઉભું હતું અને ભગત જાણે નાનાભાઈની વાટ જોઈને બેઠાં હતા. નાનાભાઈએ આવું ચમકતું ગાડું પહેલાં જોયું નહોતું. ભગતને તો ગામે ગામથી લોકો બોલાવે. ગાડાંનો શણગાર જોઈને નાનાભાઈ જાણી ગયા કે આ ગાડું નક્કી દરબાર સાહેબે મોકલ્યું લાગે છે! ગાડાંના ચાલકના શિરે મોટું ફાળિયું અને કપાળે મોટું ટિલું હતું અને ભગતની સાથે તે હસીને વાત કરતો હતો. બેઉના ચહેરા પર હરખ વર્તાતો હતો. 

નાનાભાઈને જોઈને ભગત બોલ્યા, “રામ રામ, નાનાભાઈ. તમારી વાટ જોઈને બેઠા’તા. આજે હાલો અમારી ભેગા. આજનો સત્સંગ ખોવા જેવો નથી.”
નાનાભાઈએ કહ્યું, “ના, ભગત. આજે અમે બહુ થાકી ગયા છીએ. ફરી કો’ક દિ. તમતમારે એ’ય ને મજેથી ભજન કરજો. કાલે મળશું. રામે રામ,” કહી નાનાભાઈ ઘર ભણી નીકળ્યા.

દસે'ક મિનીટમાં પટેલ ઘરે પહોંચ્યા અને ડેલીએ મોટું ટોળું જોયું. સ્ત્રીઓ રડતી હતી. ડેલીમાંથી ગામના મુખી બહાર નીકળ્યા અને નાનાભાઈ પાસે જઈને બોલ્યા, “પટેલ, ભગત એક કલાક પે’લાં મોટા ગામતરે પુગી ગ્યા. બસ, હાથમાં તંબૂરો લઈને તાર મેળવતા’તા અને જીવતરના તાર કાયમ સાટુ પરમાત્મા સાથે સંધાઈ ગ્યા!"

મોટા ગામતરે જતાં પહેલાં ભગત નાનાભાઈને આપેલું વચન પાળવા રોકાયા હતા! નાનાભાઈ નિ:શ્વાસ મૂકીને બોલ્યા, "ધન છે ભગત અને ધન છે તમારી ભક્તિ! અને આપેલું વચન પણ પાળવા રોકાણાં હતા!"

***
આજની બીજી વાત છે અૉસ્કર વાઈલ્ડની વાર્તાઓમાંની. અૉસ્કર વાઈલ્ડ મેધાવિ લેખક અને બૌદ્ધીક વ્યક્તિ હતા. તેમનું વ્યક્તિત્વ એવું તો પ્રતિભાશાળી હતું, તેમના પરિચયમાં આવેલ દરેક વ્યક્તિ તેમની અસાધારણ બુદ્ધિમત્તાથી અંજાઈ જતી. તેમણે લખેલી નવલકથા "ધ પિક્ચર અૉફ ડોરિયન ગ્રે" અને નાટક "ઈમ્પૉર્ટન્સ અૉફ બીઈંગ અર્નેસ્ટ", "લેડી વિંડરમીયર્સ ફૅન" તથા લઘુકથાઓ "સેલ્ફીશ જાયન્ટ", "ધ હૅપી પ્રિન્સ" ઘણા લોકપ્રિય થયા હતા. આમાંની છેલ્લી બે વાર્તાઓ અમારા શાળાના અભ્યાસક્રમમાં હતી.  વિશ્વમાં જ્યાં જ્યાં અંગ્રેજી સાહિત્ય શીખવવામાં આવે છે, ત્યાં અૉસ્કર વાઈલ્ડનાં પુસ્તકોનો અભ્યાસ જરૂર થાય છે.  
***
"લૉર્ડ આર્થર સેવિલ્સ ક્રાઈમ" - લે. અૉસ્કર વાઈલ્ડ

લંડનમાં હાલમાં જ આવેલ આ જ્યોતિષી ટૂંક સમયમાં જ પ્રખ્યાત થઈ ગયા હતા. તેમણે ભાખેલ ભવિષ્ય હંમેશા સચોટ નીકળતા. કેટલીક વાર તો જેમનો હાથ તેમણે જોયો હોય તેના જીવનમાં બે દિવસ બાદ શું થવાનું છે તે પણ કહી શકતા હતા! લંડનના ઉમરાવ વર્ગમાં તો તેઓ એવા લોકપ્રિય થઈ ગયા હતા કે ન પૂછો વાત. નહોતા પ્રભાવિત થયા બુદ્ધિજીવી લૉર્ડ આર્થર સેવિલ.

ઉચ્ચ વર્ગના વર્તૂળોમાં જ્યારે ફૅશનેબલ સ્ત્રી પુરુષોનાં ટોળાં જ્યોતિષીને હાથ બતાવવા ઊંચા નીચા થતા હોય, લૉર્ડ સેવિલ દૂરથી તેમને જોઈ હસે. તે વખતે કાં તો તેમના હાથમાંની પ્યાલીમાંથી આસવની ચૂસકી લેતા હોય કે સિગારનો કશ લેતા હોય. તેઓ કદી આ જ્યોતિષી પાસે ન ગયા કે ન કદી તેની ભવિષ્યવાણીમાં રસ લીધો.

એક દિવસ જ્યોતિષીથી રહેવાયું નહિ. તેઓ લૉર્ડ સેવિલ પાસે પહોંચી ગયા અને પૂછ્યું, "લોકોનાં હાથ જોઈને હું જે કહું છું તે તમને મજાક લાગે છે?"
"મજાક નહિ તો બીજું શું? તમે કહો અને તે થાય એ શક્ય જ નથી."

જ્યોતિષી ગુસ્સે થયા.

"એક વાર તમારો હાથ મને જોવા દો. હું કહું છું તેમાંનો એક પણ શબ્દ ખોટો હોય તો આ કામ કાયમ માટે મૂકી દઈશ," કહી તેણે જબરજસ્તીથી તેમનો હાથ ખેંચી તેના પર નજર નોંધી. થોડી વારે તેમના ચહેરા પર ચિંતાનો ભાવ પ્રગટ્યો.
"લૉર્ડ સૅવિલ, પહેલી વાત તો એ છે કે હાલમાં જ તમે એક તરૂણીના પ્રેમમાં પડ્યા છો. એટલું જ નહિ,તેના પર બેસુમાર પ્રેમ કરો છો. તેના વગર જીવવું તમને શક્ય લાગતું નથી. બીજી વાત, તમારા હાથે એક ગંભીર ગુનો થવાનો છે. એટલી હદ સુધી ગંભીર કે તે મોટી લૂંટ કે માનવહત્યા પણ હોઈ શકે છે. જ્યાં સુધી તમારા હાથે ગુનો નહિ થાય, તમારા લગ્ન થઈ નહિ શકે. 

"તમને લાગતું હશે આવા ગંભીર ગુનાની સજામાં અનેક વર્ષની કેદ થઈ શકે તો લગ્ન કેવી રીતે થશે? આ બાબતમાં તમને એક સારા સમાચાર આપું છું કે તમે કરેલો ગુનો કોઈ ઉકેલી નહિ શકે. કોઈને ખબર નહિ પડે કે આ ગુનો તમે કર્યો છે."

લૉર્ડ સેવિલ હસી પડ્યા.

જ્યોતિષીએ તેમને કહ્યું, "ભલે હસો. પણ એક અઠવાડિયામાં તમારા હાથે ખૂન થવાનું છે. ત્યાર પછી તમારા જ્યારે પણ લગ્ન થાય, મને યાદ કરી લેજો," કહી જ્યોતિષી ત્યાંથી નીકળી ગયા.
***
તે વખતે તો સૅવિલ હસ્યા હતા, પણ જ્યોતિષી ગયા બાદ ચિંતામાં પડ્યા. તેમના પ્રેમ સંબંધ વિશે તેમની પ્રેયસી અને તેમના સિવાય બીજા કોઈને જાણ નહોતી. તેમના ખાસ મિત્રને પણ નહિ.  આ જ્યોતિષીને તેની કેવી રીતે જાણ થઈ? 

હવે તેમનું ધ્યાન જ્યોતિષીની બીજી ભવિષ્યવાણી પર ગયું. મોટો ગુનો કર્યા વગર લગ્ન નહિ થાય, એવું તેણે કહ્યું હતું ને? તેઓ પેલી તરૂણીના પ્રેમમાં એટલા ડૂબ્યા હતા, તેના વગર જીવન વ્યર્થ છે તેની તેમની ખાતરી હતી. 

સેવિલ માટે લૂંટ ચલાવવાનો વિચાર હાસ્યાસ્પદ હતો. તેઓ પોતે એટલા સીધા અને સરળ માર્ગી હતા, તે વિશેની યોજના કરવી તેમના માટે શક્ય નહોતું. બીજો ગંભીર ગુનો...? ખૂન? આ કરવા માટે તેમની નૈતિકતા તેમને કદી રજા ન આપે.

તેઓ હવે ચિંતામાં એટલા ડૂબ્યા, રાતની ઊંઘ ઉડી ગઈ. રાતે તેઓ હવે બહાર ફરવા નીકળી પડવા લાગ્યા. મધરાતના જે નીકળે, પરોઢિયે પાછા આવે. આમ ને આમ છ દિવસ નીકળી ગયા. 
એક રાતે તેઓ વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર નીકળ્યા. ટાઢ ભયંકર પડી હતી. ટેમ્સ નદીનું ધુમ્મસ આખા પુલ પર છવાઈ ગયું હતું. સામાન્ય રીતે આ વિસ્તારમાં એકાદો બૉબી (પોલીસ) લટાર મારવા નીકળે, પણ આજે ત્યાં કોઈ નહોતું. પૂલના છેડે કોઈ વાર ભિખારી કે હોમલેસ માણસ બેઠા હોય. સૅવિલ ધીમે ધીમે પુલ પર આગળ વધ્યા. અચાનક તેમને એક ઓળો દેખાયો! એક માણસ પુલ પર નદી તરફ ઝુકીને એવી રીતે ઉભો હતો, જાણે આપઘાત કરવાનો વિચાર કરતો હોય! સેવિલે વિચાર કર્યો, જે મરવા માગતો હોય તેને મરવામાં મદદ કરવાથી એક પંથ દો કાજ થઈ જશે! આ જણને સહેજ ધક્કો મારવાથી તે ત્રીસ ફૂટ નીચે પાણીમાં પડી જશે અને તરત મરી જશે. આ પુણ્યનું કામ થશે, અને કહેવાતો 'ગંભીર ગુનો' પણ થઈ જશે. એક પંથ દો કાજ... વિચાર કરતાં કરતાં તેઓ પેલા હોમલેસ માણસ પાસે પહોંચ્યા, અને સહેજ ધક્કો માર્યો. નદીમાં પડતા પેલા માણસની ચીસ પણ હવામાં ઠરી ગઈ. લૉર્ડ સેવિલ ખુદ તે સાંભળી ન શક્યા. તેમણે હવે ચારે બાજુએ જોયું. આસપાસ કોઈ નહોતું. તેઓ ધીમે ધીમે ત્યાંથી નીકળી ગયા અને ચેલ્સીમાં આવેલા તેમના ફ્લૅટમાં પહોંચી ગયા. ઘેર તેમના બટલરે ફાયરપ્લેસ ચેતાવી રાખી હતી. તેની સામેની તેમની પ્રિય આરામખુરશી પર બેઠાં. તેમના હાથે ગંભીર ગુનો થઈ ગયો હતો અને તે કોઈએ જોયો નહોતો! એક 'મહાન' કામ થઈ ગયા પછી ચિંતામુક્ત થયેલા લૉર્ડ સેવિલ ખુરશીમાં બેઠાં બેઠાં જ સુઈ ગયા. છ દિવસે તેમને સરસ નિંદર આવી ગઈ. સાત - આઠ કલાક ત્યાં જ સૂઈ રહ્યા. આટલી સરસ ઊંઘ તેમને ઘણા સમયથી નહોતી મળી.

જ્યારે તેઓ જાગ્યા, બટલર તેમના માટે ટ્રેમાં ગરમાગરમ ચા અને ટોસ્ટ લઈ આવ્યો. ટ્રે પર હંમેશની જેમ ઈસ્ત્રી કરી રાખેલ તે દિવસનું અખબાર હતું. આજે ઊઠતાં વેંત ચ્હાનો ઘૂંટડો લેવા ટેવાયેલા લૉર્ડ સેવિલે પહેલાં અખબાર લીધું. તેમણે પોલિસ રિપોર્ટનું પાનું ખોલ્યું અને નાનકડા કૉલમમાં કોઈ હોમલેસ માણસના મૃત્યુના સમાચાર છે કે નહિ તે જોયું, પણ તેવું કશું દેખાયું નહિ. કદાચ કાલે... તેમણે ઉચ્ચ સોસાયટીના સમાચાર પ્રસિદ્ધ થાય તે પેજ થ્રી તરફ નજર કરી અને ચોંકી ગયા. ત્યાં મોટા અક્ષરોમાં લખ્યું હતું:
"આજે સવારના પહોરમાં શહેરના ઉચ્ચભ્રુ ગણાતા સમાજના પ્રખ્યાત જ્યોતિષીનું શબ ટેમ્સ નદીમાં મળી આવ્યું. પોલિસનું માનવું છે કે તેમણે આત્મહત્યા કરી..."

લૅાર્ડ આર્થર સેવિલ ખડખડાટ હસી પડ્યા. તેમનાે બટલર તેમને નવાઈની નજરે જોતો જ રહી ગયો.
બે અઠવાડિયા બાદ લૉર્ડ સેવિલનાં લગ્ન તેમની પ્રેયસી સાથે ઉત્સાહથી ઉજવાયાં જે કહેવાની આવશ્યકતા ખરી?  



No comments:

Post a Comment