Pages

Wednesday, June 17, 2015

FATHERS' DAY SPECIAL - હાથીનું કબ્રસ્તાન

 પાત્રો:

સૂત્રધાર: આ એકાંકિ નાટિકાના પ્રસ્તુતકર્તા. 
મઝે: બાપુજી. સ્વાહિલી ભાષાના આ શબ્દનો અર્થ છે ‘પૂજનીય વડીલ’. ઉમર: ૯૭
બા: માની ઓળખાણ આપવાની જરૂર ખરી? વય: ૯૩.
જીજી: મઝેનાં સૌથી મોટાં પુત્રી. ન્યુ જર્સીમાં લગભગ ૪૦ વર્ષથી રહે છે.
જીજાજી: જીજીના પતિ. સ્ટ્રક્ચરલ એન્જીનીયર અને સફળ બિલ્ડીંગ કૉન્ટ્રેક્ટર.
સૂ: સાચું નામ સુશીલા. જીજીની દીકરી.
મોટાભાઇ: મઝેનાં સૌથી મોટા પુત્ર, પણ જીજી કરતાં નાના. હાલનો વ્યવસાય: બે મોટેલ અને એક લીકર સ્ટોર (દારૂની દુકાન)ના માલિક.
મોટાં ભાભી: જન્મ અને સિનિયર કેમ્બ્રીજ સુધીનું શિક્ષણ પૂર્વ આફ્રિકામાં. મોટાભાઇના બીઝનેસમાં ભાગીદાર.
ટોટી: સ્વાહિલીમાં બાબાને ‘ટોટો’ તથા બેબીને ‘ટોટી’ કહેવાય છે. ટોટી મઝેની વહાલી દીકરી, મોટા ભાઇના જન્મ બાદ ઘણા વર્ષે જન્મી હતી. તેમની આફ્રિકન આયા તેને આ નામથી બોલાવતી, તે કાયમ માટે રહી ગયું. વ્યવસાયે ડાયેટીશીયન.
નાનાભાઇ: મઝેનું સૌથી નાનું સંતાન. વ્યવસાય ડેન્ટીસ્ટ.
નાનાં ભાભી: જન્મ અને કેળવણી ભારતમાં. ફાર્મસીસ્ટ.
જૅગ: મૂળ નામ જગદીશ. મોટાભાઇનો મોટો પુત્ર. સફળ કૉર્પોરેટ અૅટર્ની.
મીની: જૅગની પત્ની. મૂળ નામ મીનાક્ષી. જન્મ USમાં. તેને નોકરી કરવાની જરૂર નથી.
કિટ: નાનાભાઇનો પુત્ર - અસલ નામ કિરીટ.
ભૈલો અને ભૈલી: મઝેનો વચેટ દીકરો તથા તેની પત્ની. આ સૂચિત પાત્રો છે. છેલ્લા પંદરેક વર્ષથી અૅડલેડ (અૉસ્ટ્રેલીયા)ની કૉલેજમાં ઇંગ્લીશ લિટરેચરના પ્રોફેસર છે. ભૈલીનું નામ ભૈરવી છે, પણ ભાઇબહેનોએ તેનું મજાકમાં જે નામ પાડયું તે રહી ગયું.




પ્રવેશ ૧.


સુત્રધાર: આપણા જીવનમાં આવનાર કેટલીક વ્યક્તિઓને આપણે ભૂલી શકતા નથી. તેમાંના કેટલાક પરિવાર આપણાં એટલા નિકટ આવતા હોય છે કે તેઓ આપણા જીવનના અવિભાજ્ય અંગ સમાન બની જાય છે. હું આજે તમને મારા જીવનમાં આવેલ અસામાન્ય લોકોના અંતરંગનું દર્શન કરવા લઇ જઇશ. આપણા માટે આ પ્રવાસ અદ્ભૂત નીવડશે - કારણ કે ત્યાં આપણે સ્થૂલરૂપે નથી જવાના.
(સુત્રધાર કેટલીક સેકન્ડ ચૂપ રહે છે.)

અરે! મેં તો તમને આશ્ચર્યચકિત કરી મૂક્યા! કોઇના ઘેર અાપણે સૂક્ષ્મરૂપે કેવી રીતે જઇ શકીએ, એવો વિચાર આવી ગયોને? કેમ નહિ? તમને મિસ્ટર સ્ક્રૂજ યાદ છે ને? ચાર્લ્સ ડિકન્સના “ક્રિસ્ટમસ કૅરલ”ના પ્રખ્યાત મિસ્ટર સ્ક્રૂજ? નાતાલનો આત્મા સૂક્ષ્મરૂપે તેમને તેમના આપ્તજન, વાણોતર વિગેરેના ઘરમાં લઇ ગયો હતો. ત્યાં તેમને જીવનનાં અંતર્દ્વંદ્વ, વ્યથા, અલ્પને પૂર્ણ ગણી સંતોષ માનનારા લોકોનાં દર્શન કર્યાં હતા.
આજના પ્રવાસમાં અાપણે ન્યુ જર્સી જઇશું. જતાં પહેલાં એક ચેતવણી આપીશ. આ પ્રવાસમાં તમને કોઇક વાર કોઇના નિ:શ્વાસોની ભયંકર ઠંડી લાગશે. કોઇના ક્રોધની ઝાળ પણ વરતાશે. આપણે બસ, ચૂપચાપ તેમને નિહાળવાના છે. એક ચેતવણી પણ આપી દઉં. તેને એક નાટિકા તરીકે જ વાંચશો. કોઈ ભળતી જ વ્યક્તિઓનું સિરદર્દ શા માટે વહોરી લેવું?

ચાલો ત્યારે, શરૂ કરીએ આપણો પ્રવાસ?
(પડદાની પાછળ જાય છે, અને પડદો ખુલે છે.)
***
સમય: ઉનાળાની સાંજ.
સ્થળ: જીજીના ભવ્ય મકાનનો એટલો જ ભવ્ય ફૉર્મલ બેઠક ખંડ. અહીં જીજાજીના પ્રાઇડ અૅન્ડ જૉય સમું મોંઘું રાચરચીલું ગોઠવાયું છે: લેધર સોફા, દેશથી ખાસ મંગાવેલ સંખેડાની ખુરશીઓ અને અન્ય ફર્નીચરની વચ્ચે દસ હજારનો ઇરાની ગાલીચો. લેધર સોફાની પાસે કાશ્મીરથી મંગાવેલ અખરોટના લાકડામાંથી કંડારેલ સાઇડ ટેબલ મૂક્યાં છે. હૉલમાં સાઇડબોર્ડ છે જેમાં સિંગલ મૉલ્ટની સ્કૉચના વિવિધ બ્રાન્ડની બાટલીઓ ઉપરાંત કિયાન્ટી, વરમાઉથ, કૉન્યૅક તથા અન્ય કિમતી શરાબના શીશા ગોઠવાયા છે. દિવાલ પર પીછવાઇ, કલમકારી ચિત્રોની સાથે મૅનહટનની કોઇ પિક્ચર ગૅલરીમાંથી લીધેલ બે-એક અૉઇલ પેન્ટીંગ પણ ટંગાયા છે.

પડદો ખુલે છે ત્યારે હૉલમાં સૂત્રધારે જણાવેલા પાત્રોમાંથી મઝે, બા, નાનાભાઇ અને નાનાંભાભી તથા ભૈલો-ભૈલી સિવાય બધા હાજર છે. મોટાભાઇ અને મોટાંભાભી થ્રી-સીટર સોફા પર બેઠા છે. જીજાજી અને જીજી લેધરની ચૅર પર જ્યારે બાકીના બધા ગાલીચા પર પાથરેલી ગુલાબી રંગની ચાદર પર બેઠાં છે. ઉનાળો હોવાથી યુવક-યુવતિઓએ ટી શર્ટ અને શૉર્ટ્સ પહેરી છે. સ્ત્રીઓ પંજાબી ડ્રેસ જ્યારે પુરુષોએ રાલ્ફ લૉરેન/એમ્પોરીયા આમાની/વેરસાચીનાં પોલો શર્ટ અને જીન્સ પહેરી છે. પુરુષો જરા હળવા સ્વરે ગણગણે છે, જ્યારે સ્ત્રીઓ લેટેસ્ટ હિંદી ફિલ્મોની વાત કરે છે. બધા વારે વારે દરવાજા તરફ જુએ છે - જાણે કોઇની રાહ જોતા ન હોય! અચાનક બધા શાંત થઇ જાય છે. ગાલીચા પર ટાંકણી પડે તો પણ સંભળાય! નાનાભાઇ તથા નાનાંભાભી પ્રવેશ કરે છે.

જીજાજી: આવો, આવો, સંત દૂર-વાસા! અમે તો ક્યારના તમારી રાહ જોઇએ છીએ!
નાનાભાઇ: (મ્લાન હાસ્ય કરીને) કેમ, જીજાજી, આજે તો કાંઇ રમુજી મૂડમાં લાગો છો ને તમે! પણ ગુસ્સાવાળા ઋષીનો ખિતાબ મને શા માટે?

જીજાજી: અરે નાનાભાઇ! ગુસ્સાવાળા છો એટલે નહિ, પણ અમારાથી દૂર રહેવા ગયા છો એટલે દૂરના વાસી... આજે કેટલા દિવસે અમારે ત્યાં આવ્યા છો! તે પણ તમે ફૅમિલી મીટીંગ બોલાવી તેથી, નહિ તો તમે અહીં ક્યાંથી?

નાનાભાઇ: I am sorry for being late. બધા આવી ગયા?

મોટાભાઇ: (ખોંખારો ખાઇને) હા. ફક્ત તમારી બન્નેની રાહ જોવાતી હતી.

જીજાજી: અરે સૂ, તારા મામા-મામી માટે ડ્રીંક લઇ આવ તો!

નાનાભાઇ: Can you get me a Diet Coke, please, Sue? જીજાજી, Let’s start.

મોટાભાઇ: નાના, આજની ફૅમિલી મિટીંગ તેં બોલાવી છે. બોલ, તારે શું કહેવું છે?

નાનાભાઇ: થૅંક યૂ, મોટાભાઇ. જીજી, ટોટી, તમને બધાને તો ખબર છે કે....

જીજાજી: Sorry for the interruption. નાનાએ આજે ગંભીર વિષય પર વાત કરવા સૌને ભેગા કર્યા છે, તેથી મિટીંગની કાર્યવાહી પર નિયંત્રણ લાવવા કો’કને Moderator બનાવીએ તો કેવું? નહિ તો વળી પાછા બુમાબુમ કરવા લાગી જઇશું. આપણી ફૅમિલીમાં બધા ભેગા થાય અને કોઇ સિરીયસ વાત નીકળે ત્યારે ઇન્ડીયાના મચ્છીબજાર જેવી સ્થિતિ થતી હોય છે...

નાનાભાઇ: (જરા ઉંચા સ્વરે) તમારો ઇશારો કોની તરફ છે તે હું જાણું છું, જીજાજી! હું એકલો કંઇ બુમો નથી પાડતો. આ ટોટી કંઇ ઓછી નથી!

જીજાજી: ના ભાઇ, એવી કોઇ વાત નથી. હું તો કહું છું કે...

નાનાભાઇ: OK, OK, અમે સૌથી નાના છીએ તેથી સૌને જાણે હક્ક છે કે મને ...

જીજાજી: (નિ:શ્વાસ નાખીને) Here we go again! નાના, મારી પૂરી વાત સાંભળીશ કે નહિ? મારે ફક્ત એટલું કહેવું છે કે આજની વાત સિરીયસ છે. તેથી કોઇ નિર્ણય પર આવવું હોય તો વાતચીતને formal રાખવા અને તેને યોગ્ય દિશા આપવા કોઇ મૉડરેટર હોય તો સારૂં.

નાનાભાઇ: તમે કોને સભાપતિ બનાવવા માગો છો?

જીજાજી: મારી દૃષ્ટીએ જૅગ થાય તો સારૂં. અહીંની કિવાનીઝનો ચૅરપર્સન છે તેથી સભા સંચાલનનો તેને સારો અનુભવ છે.

નાનાભાઇ: વાહ જીજાજી! જૅગ મોટાભાઇનો દીકરો છે તેથી? તમારી સૂ કે મારો કિટ કેમ નહિ?

જીજાજી: I give up. નાના, ચાલ તું કહે તેને ચૅર બનાવીએ. તારે થવું છે....?

નાનાભાઇ: (લુખું હસીને) ના જીજાજી, હું તો ફરિયાદી છું. હું કેવી રીતે જજ બની શકું?

કિટ: ડૅડ, please..... અંકલ, હું તમને second કરૂં છું. જૅગ upright અને impartial છે.

સૂ: (હાંસી ઉડાવતાં) જૅગને ચૅર બનાવશો તો તમારી સભાના બાર વાગી ગયા સમજજો! એ તો એની સેક્રેટરીને પણ કન્ટ્રોલ નથી શકતો તો આ સિંહોના ટોળાને કેવી રીતે tame કરી શકશે? (હસે છે.)

કિટ: રહેવા દે સૂ. Jag is a gentleman. તારા જેવીને ચૅર બનાવીએ તો...

જીજાજી: તમે youngsters જરા ચૂપ રહેશો કે? જૅગ, take the Chair, please.

જૅગ: Thank you, Uncle. (બધા સામે એક નજર નાખે છે.) OK, મિટીંગ શરૂ થાય છે. You have the floor, નાનાકાકા.

નાનાબાઇ: (પરાણે આવેશમાં આવીને) તમે બધા જાણો છો કે છેલ્લા બાવીસ-ત્રેવીસ વર્ષથી બા અને મઝે મારી સાથે સતત રહે છે. મેં અને મારી બાયડીએ તેમની ઘણી સેવા-ચાકરી કરી. હવે અમે થાકી ગયા છીએ. પૅરેન્ટ્સ કાંઇ મારા એકલાની જવાબદારી નથી.

મોટાભાઇ: અમે કોઇએ ના પાડી છે કે? આ પહેલાં.....

નાનાભાઇ: Do you mind મોટાભાઇ? I have the floor. મને finish કરવા દો.

મોટાભાઇ: I am sorry. Carry on...

નાનાભાઇ: હા, હું કહેતો હતો કે બા અને મઝે મારા એકલાની જવાબદારી નથી. તમે બધાંએ મળી આખી જીંદગી આ જવાબદારી મારા માથા પર ઠોકી બેસાડીને મોજ-મઝા કરી છે. હવે ટાઇમ આવ્યો છે કે મોટાભાઇએ તેમને લઇ જવા જોઇએ. આમે’ય તે મા-બાપની જવાબદારી મોટા દીકરાની હોવી જોઇએ, પણ મોટાભાઇ પરણીને આવ્યા અને નોકરી કરવા ભાભી સાથે ન્યાસાલૅન્ડ ભાગી ગયા! મઝે એ જ વખતે રિટાયર થયા હતા પણ મોટાભાઇ, તમે જવાબદારીમાંથી કેવા છટકી....

મોટાભાઇ (નાનાને અધવચ્ચે રોકીને) એ’ય નાના, What is your problem, હેં? તું આજે ન્યુક્લીઅર વૉર કરવાના ઇરાદાથી આવ્યો છે કે શું? છેલ્લા વીસ-પચીસ વર્ષમાં ક્યારે’ય નહિ અને હવે આજે જ આ પ્રૉબ્લેમ કેમ ઉભો થયો છે? તારો સૌથી નાનો દીકરો હવે યુનિવર્સિટીમાં જાય છે તેથી કે શું? ગરજ સરી...

જૅગ: પ્લીઝ ડૅડ, let Nanakaka finish. તમારો ટર્ન આવે ત્યારે તમારે જે કહેવું હોય તે કહેજો.

નાના: Thank you, Jag. મોટાભાઇ, that is unfair. મારી વાત બરાબર સાંભળો. બા અને મઝેની વીસ-પચીસ વર્ષ સુધી સંભાળેલી જવાબદારીના ભારથી અમે કંટાળી ગયા છીએ. અરે, મોટાભાઇ તો શું, મારી બન્ને મોટી બહેનોનાં મનમાં પણ કદી મારો ભાર હળવો કરવાનું સૂઝયું નથી. મોટાભાઇની ચમચાગિરીમાંથી ઉંચા આવે ત્યારે ને?

જીજી અને ટોટી (એક સાથે): જીજી: નાના, હવે તું rubbish બોલવા લાગી ગયો છે..
ટોટી: કોની અને કેવી ચમચાગિરી કરી અમે? મોટાભાઇએ અમને શું બાંધી આપ્યું કે તેમની ચમચાગિરી..

જૅગ: Ladies, ladies, please! મહેરબાની કરીને તમે શાંત રહેશો કે?

નાના: જોયું? Truth always hurts! તમે બધા તો દૂરથી તમાશો જોતા હતા. કો’ક કો’ક વાર બા અને મઝેને મળવા આવો છો, કો’ક વાર ખાવાનું લાવો છો, ખવડાવો છો અને ભાગી જાવ છો. જાણે જવાબદારી પૂરી થઇ ગઇ. પણ રોજની ગદ્ધા મજુરી તો અમારા માથે જ...

ટોટી: બોલ, બોલ નાના. હવે તો બોલી જ નાખ, કોણે કેવી ગદ્ધા મજુરી કરી.

નાના: અરે, ડોસાએ તો મારી જીંદગી ત્રાહી મામ્ કરી નાખી. સવારે કામે જવા નીકળું તો ટોકે, બ્રેકફાસ્ટ કર્યો કે નહિ? બપોરે લંચ માટે ઘેર આવું તો સાથે જમવા માટે રાહ જોઇને બેઠા હોય. અરે, મને શાંતિથી ખાવા તો દો? પણ ના! અને સાંજે થાકીને ઘેર આવી ઉપર જઇ થોડો આરામ કરવાનો વિચાર કરૂં તો ડર લાગે કે હમણાં મઝે બોલાવશે. તેમને હજાર વાર કહ્યું છે કે સાંજે મારી સાથે માથાકૂટ કરવી નહિ, પણ માને તો મઝે શાના?

(બધા સ્તબ્ધ થઇને સાંભળી રહ્યા છે. નાનાભાઇ કોકાકોલાના કૅનમાંથી એક ઘૂંટડો લે છે.)

નાના: અને બા? ઘરમાં આવું તો એમનાં ઓરડામાંથી ચશ્માં નીચા કરી દયામણી નજરે મારી તરફ એવી રીતે જુએ કે મને લાગે કે હું કોઇ અપરાધી છું. મારો તો હવે જીવ ગુંગળાવા લાગ્યો છે. શાંતિથી શ્વાસ પણ નથી લઇ શકતો. (ફરીથી કોકાકોલા પીએ છે.)

જૅગ: Have you finished, Nana Kaka?

નાના: ના! Not yet. Let me be blunt: હવે તો મારી દશા પેલા સિંદબાદ જેવી થઇ છે. એક સફરમાં તેણે દયા ખાઇને એક બુઢ્ઢાને ખભા પર બેસાડ્યો, અને એ તો એવો જામી ગયો કે ઉતરવાનું નામ જ ન લે. મને એવું જ લાગે છે કે મઝે મારા ગળામાં ટાંટીયા ભરાવીને....

જીજી: (લગભગ ચીસ પાડીને) Stop it નાનકા! મઝે માટે આવું બોલતાં તને શરમ નથી આવતી?
ટોટી: (જીજીની સાથે જ) You ungrateful twit...

નાના: (ભોંઠપમાં પણ થોડી આક્રમકતા સાથે) જીજી તમે તો બોલતા જ નહિ. તમારા પાંચ બેડરૂમ-ચાર બાથરૂમના મહેલ જેવા મકાનમાં મિયાં-બીબી અને સૂ એકલાં જ રહો છો. આટલા વરસમાં તમને એક વાર પણ એવું થયું કે બા અને મઝેને એકા’દ બે મહિના બોલાવીને નાનાને break આપીએ? તમારી પાસે બે સ્પૅર બેડરૂમ છે તેમાં તમારા ફ્રેન્ડ્ઝને entertain કરો છો. એક બેડરૂમ બા અને મઝેને આપતાં શું થાય છે? શરમ તો તમને અાવવી જોઇએ...

ટોટી: Oh God!

જીજી: (ગુસ્સામાં) નાના! તું મારી શરમની વાત કરે છે? અમે અનેક વાર બાને કહ્યું છે અમારે ત્યાં આવીને રહો. તારી સામે જ બાએ કહ્યું હતું કે જમાઇને ત્યાં જઇને રહીએ તો અત્યાર સુધી કમાવેલી આબરૂ ઘરડે ઘડપણ કોડીની થઇ જાય. દેશમાં કોઇને મોઢું બતાવવા લાયક ન રહીએ.

ટોટી: નાના, જીજી સામે મ્હોં સંભાળીને વાત કર...

જીજી: મારે શું કરવું જોઇએ તે કહેવાં કરતાં તેં શું કર્યું છે તે કહીશ તો તું અને નાનાં ભાભી શરમથી મરી જશો. 

નાના: (ગુસ્સામાં લગભગ ભાન ગુમાવ્યું હોય તેમ) જીજી, તમે તમારૂં ડહાપણ...

ટોટી: (તીવ્ર સ્વરે) નાના, જીજી સાથે respectથી વાત કર. એ ના ભુલતો કે જીજી અને જીજાજીની sponsorshipને લીધે તું અને આપણો આખો પરિવાર આજે અમેરિકામાં છે. ત્રણ ત્રણ વરસ તું જીજીના ઘરમાં રહ્યો અને તને અહીં ડેન્ટીસ્ટનું qualification મેળવવામાં મદદ કરી. જીજાજીના મહેમાન તરીકે ત્રણ વર્ષ રહ્યો, એમની કાર વાપરી અને હવે prosperous થયો. બોલ જોઉં, આફ્રિકામાં રહીને તું દસ જીંદગીમાં પણ તારા તબેલામાં એકી સાથે મર્સેડીસ, બીમર અને લેક્સસ રાખી શક્યો હોત? You should apologize to Jiji.

જૅગ: જીજી, ટોટી આન્ટી, please! અને નાનાકાકા, તમે શાંતિથી કેમ વાત નથી કરતા? જીજી, તમે નાના કાકાને finish કરવા દો. આજે તેમને પહેલી વાર પોતાનું હૈયું ખોલીને વાત કરવાનો ચાન્સ મળ્યો છે. Let him have his say today. (નાના કાકા તરફ વળીને) અને કાકા, તમે મહેરબાની કરીને મુદ્દાની વાત કરો તો સારૂં.

(નાનાંભાભી નાનાભાઇના કાનમાં કંઇક કહે છે.)

નાનાકાકા: (નરમ સ્વરે) I am sorry, Jiji, Jijaji. I apologize. મારે તો એક જ વાત કહેવી છે. Long and short of it, આજે મારે મઝે અને બાની સમસ્યાનો નિકાલ કરવો છે. હું હવે તેમને એક દિવસ પણ મારી સાથે રાખવા તૈયાર નથી. મારી બાયડીએ તેમની વીસ વરસ અથાગ સેવા કરી છે, જ્યારે તમે બધા તેમાંથી conveniently છટકી ગયા છો.

(એક મિનીટ સ્મશાન શાંતિ ફેલાઇ જાય છે.)

જીજી: જૅગ, નાનાએ ફિનીશ કર્યું હોય તો હવે મારે....

જૅગ: જીજી, મને લાગે છે તમે કશું કહો તે પહેલાં મારા ડૅડીએ મઝેના મોટા દીકરા તરીકે આ બાબતમાં ખુલાસો કરવો જોઇએ. ડૅડ, યૉર ટર્ન.

મોટાભાઇ: જીજી, ટોટી, તમને યાદ છે મઝેએ નાનાને લંડન શા માટે મોકલ્યો હતો? નાનાને બ્રિટન જઇ ડૉક્ટર થવું હતું. તેણે વિચાર ન કર્યો કર્યો કે મઝે રિટાયર થયા હતા અને તેમની પાસે means નહોતા કે નાનાનો લંડનનો ખર્ચ કરી શકે. નાનાએ મઝેને વચન આપ્યું હતું કે જો મઝે તેનો દાકતરીનો અભ્યાસ કરવાની જવાબદારી લે તો તે બા અને મઝેને જીંદગીભર સંભાળશે...

ટોટી: હા, મને યાદ છે. લંડન જવા માટે નાનો તો ભુખ હડતાલ પર ઉતરી ગયો હતો...

મોટાભાઇ: નાનાનો લંડનનો ખર્ચ પૂરો પાડવા મઝેને રીટાયર થયા બાદ કમ્પાલામાં નાનજીભાઇ માધવાણીને ત્યાં નોકરી કરવી પડી હતી. ફૅમિલીમાં હોંશિયાર તો હું હતો. મને બૅરીસ્ટર થવા માટે લંડન મોકલવાને બદલે મઝેએ મને ઇન્ડીયાની થર્ડ રેટ યુનિવર્સીટીમાં એલએલ.બી. કરવા મોકલ્યો હતો, અને આ ડફોળને લંડન મોકલ્યો!

નાના: I beg your pardon, મોટાભાઇ! તમે ફૅમિલીમાં સૌથી હોંશિયાર હતા? what a joke!

જૅગ: નાનાકાકા, તમે પ્લીઝ વચ્ચે બોલશો મા. You had your say.

મોટાભાઇ: ઇન્ડીયામાં મેં મોટર સાઇકલ પર કામ ચલાવ્યું જ્યારે આ નાનાએ તો પહેલા વર્ષમાં જ કાર લીધી. મેં તો LL.M. કર્યું, જ્યારે આ નાનો મેડીકલમાં નાપાસ થતો ગયો. આખરે કિંગ્સ્ટન પોલીટેક્નીકમાં જઇ ડેન્ટીસ્ટ્રીમાં માંડ માંડ ક્વૉલીફાય થયો!

નાના: અને તમે, મોટા ભાઇ? તમે પણ LL.B અને LL.M કરવા પાછળ દસ વરસ લીધા! તમારી કૉલેજના પ્રિન્સીપલને પગાર મળતો તેનાથી વધુ પૈસા મઝે તમને દર મહિને મોકલતા. તમારી lifestyle જોઇ ત્યાંના સ્ટુડન્ટ્સ તમને પ્રિન્સ અૉફ યુગાન્ડા કહેતા તે અમસ્તું કે?

જૅગ: નાનાકાકા, please, અત્યારે ડૅડનો વારો છે. તેમની વાત પૂરી થવા દો...

નાના: તારા ડૅડ જુઠું બોલે છે તેથી મારે વચ્ચે બોલવું પડે છે. (મોટા ભાઈ તરફ વળીને) મોટાભાઇ, દસ વરસ તમે લહેર કરી. અૅંગ્લો ઇન્ડીયન છોકરીઓ સાથે મજા કરી. અંતે અાફ્રિકા પાછા આવતાં પહેલાં લગન કરી લીધા અને આવતાં વેંત મઝેને મદદ કરવાને બદલે ભાભીને લઇ માલાવી જતા રહ્યા હતા, યાદ છે? મઝેને એક રાતો સેન્ટ પણ મોકલતા નહોતા. આ તો ઠીક છે કે મને સ્કૉલરશીપ મળી હતી....

ટોટી: (ખડખડાટ હસે છે) Really, મોટા ભાઇ, નાના, તમારા જેવા જુઠ્ઠા લોકો મેં જીંદગીમાં જોયા નથી! નાના, તું હવે પચાસનો થવા આવ્યો. હવે તો સાચું બોલ! આપણી ફૅમિલીમાં સ્કૉલર તો એકલો ભૈલો હતો. એણે તો જાત મહેનતથી અૉક્સફર્ડની સ્કૉલરશીપ મેળવી હતી. ઇંગ્લીશ લિટરેચરમાં પીએચ.ડી થયો. તને તો દર વરસે પાસ થવાની અને કમ્પાલાના જનરલ હૉસ્પીટલમાં પાંચ વરસ સેવા આપવાની શરતે સરકારે ગ્રાન્ટ આપી હતી, સ્કૉલરશીપ નહિ. તે પણ યુગાન્ડાના એજ્યુકેશન સેક્રેટરી મઝેના ભાઇબંધ હતા તેથી. તેમાંની એક પણ શરત તું પૂરી કરી શક્યો નહોતો. તું ફેલ થતો જતો હતો અને ગ્રાન્ટ બંધ પડતી હતી તે ભુલી ગયો કે?

જીજી: અને તારી બર્સરી બંધ થતી હતી ત્યારે ટોટી તેના પગારમાંથી પૈસા મોકલતી હતી એ પણ ભુલી ગયો? મેડીકલ મૂકી ડેન્ટીસ્ટ થવા ગયો અને આખા processમાં તેં દસ વરસ લીધા! કેટલી વાર તું ફેલ થયો હતો એ તો તને પણ યાદ નહિ હોય!

ટોટી: અને મોટાભાઇ, તમને યાદ છે, એક વાર નાનો ફેલ થયો અને તેને ફી ભરવા પૈસા જોઇતા હતા? મઝેએ તમારી પાસે લોન માગી ત્યારે તમે લિલૉંગ્વેથી કાગળમાં શું લખ્યું હતું? (મોટાભાઇના અવાજની નકલ કરતાં) “મઝે, એ ગધેડાને કહો કે મહેનત કરીને પાસ થા. જોઇએ તો રેસ્તોરાંમાં વેટરનું કામ કર, પણ કુટુમ્બ પર બોજ ન થા!” મેં અને ભૈલાએ તને અૉસ્ટ્રેલીયાથી પૈસા મોકલ્યા ત્યારે...

નાના: (લગભગ બૂમ પાડીને) Stop this nonsense! તમે મારા બાયડી-છોકરાં વચ્ચે મારૂં અપમાન કરવાનું કાવત્રું કરીને આવ્યા છો કે શું? મુખ્ય વાત બાજુએ મૂકીને મારી માનહાનિ કરવી હોય તો અમે આ ચાલ્યા. (ઉભા થવાનો પ્રયત્ન કરે છે.)

જીજી અને જીજાજી: (એક સાથે) નાના, I apologize on behalf of Toti. પ્લીઝ બેસી જા. અને ટોટી, તું જરા ચૂપ બેસીશ કે?

કિટ: પાપા, તમે તો અમને કહેતા હતા કે તમે સ્કૉલર હતા! આમાં સાચું શું છે?

જીજાજી: Leave it Kit. It is not important. ટોટી કદાચ સાચી વાત નહિ જાણતી હોય...

ટોટી: (મોટેથી)  Et tu, જીજાજી? તમે પણ?

જીજાજી: ટોટી, જરા ગમ ખાતા શીખ.

જૅગ: ટોટી આન્ટી, Do you mind? (મોટાભાઇ તરફ વળીને) OK Dad, carry on!

મોટાભાઇ: હા, તો હું કહેતો હતો કે મઝે લગભગ ૭૦ વર્ષના થયા ત્યાં સુધી નાનાને ભણાવવા નોકરી કરતા રહ્યા. એમણે તો પોતાનું વચન પાળ્યું, અને નાનાના વચનને શ્રવણનું વચન માનતા રહ્યા. તારી પાછળ ખર્ચ કરવામાં તેઓ એક રાતો સેન્ટ પણ બચાવી ન શક્યા. અમેરિકા આવ્યા પછી મેં બા અને મઝેને મારે ત્યાં આવીને રહેવા માટે ઘણી વાર કહ્યું હતું. તેઓ ન આવે તેમાં મારો શો વાંક?

નાના: It’s a lie! તમારી પાછળ મઝેએ લાખો ખર્ચ્યા. મારી પાછળ થોડા’ક શિલીંગ ખર્ચીને મઝેએ મારા પર કોઇ મોટો ઉપકાર નથી કર્યો. વળી તમે બા-મઝેને રહેવા બોલાવ્યા હતા કે નહિ તે કોણ જોવા આવ્યું છે?

મોટાભાઇ: તમે લોકો મને ભલે insensitive કહે, પણ એક વાત તો જરૂર કહેશે કે હું કદી ખોટું બોલતો નથી. અમારી સાથે આવવાની તેમણે શા માટે ના પાડી હતી તેનું કારણ બધા જાણે છે. દર બે વરસ બાદ અવતરેલા તારા ચાર છોકરાંઓનું બેબી-સીટીંગ બા અને મઝે કરતા હતા.

નાના: છેલ્લા દસ વરસથી અમે દર વર્ષે વૅકેશન પર જતા ત્યારે પણ તમે તેમને ક્યાં કદી રહેવા લઇ ગયા હતા?

મોટાભાઇ: ના, નહોતા લઇ ગયા, કારણ કે તમારી ગેર હાજરીમાં તારા જર્મન શીપડૉગને અને ભાભીની બે indoor બિલાડીઓને બે વખત ખવડાવવાનું, તેમની ગંદકી સાફ કરવાનું અને તમારા મકાનનું હાઉસ-સીટીંગ કરવાની જવાબદારી તમે બા અને મઝેને આપી જતા હતા.

નાના: આ તો બહાનાં છે. એવા તો ઘણા પ્રસંગ હતા....

મોટાભાઇ: (ગુસ્સાથી) હા, એવા બે પ્રસંગ મને હજી યાદ છે. યાદ છે પેલી સપ્ટેમ્બરની સાંજ? મઝેને ગમે તેવી ગાળો આપીને તેં તેમને વરસતા વરસાદમાં ‘ગેટ આઉટ અૉફ માય હાઉસ’ કહ્યું હતું? તેમણે મને ફોન કર્યો અને હું તેમને મારા ઘરે લઇ ગયો હતો. બા ન આવ્યા કારણ કે તારી દિકરી લતિકા માંદી હતી... how conveniently do you forget..?

નાના: (ઉભા થતાં) That’s enough! હવે તો હદ થઇ ગઇ. જીજાજી, અમને અહીં બોલાવીને તમે અમારૂં બહુમાન કર્યું તે માટે thanks. કિટ, તું તારી મમીને અને બહેનને આપણી BMWમાં લઇ આવજે. હું મારી મર્કમાં જઉં છું.
(નાનાભાઇ ચાલવા લાગે છે. હાજર લોકોમાં કોલાહલ થાય છે. નાનાભાઇની પાછળ જીજી, જીજાજી અને કિટ જાય છે. એકાદ મિનીટમાં જીજાજી તેમને લઇ પાછા આવે છે.)

કિટ: જૅગ, મિટીંગ પર જરા કન્ટ્રોલ રાખને ભાઇ? પાપાને મહા મુશ્કેલીથી પાછા લાવ્યા છીએ.

જૅગ: (જરા સખત અવાજમાં) ડૅડ, ટોટી આન્ટી, તમારે બધાએ જો જુની વાતો ઉખેળવી હોય તો આ મિટીંગ ચાલુ રાખવામાં કશો ફાયદો નથી. It is not fair કે દાદી અને મઝે - જેમના વિશે તમે આ ચર્ચા કરો છો તેમને તમે અહીં હાજર રહેવા દીધા નથી અને તેમના futureનો નિર્ણય કરવા તમે અંદરોઅંદર લડો છો.

(સૂ હાથ ઉંચો કરે છે.)

જૅગ: હા, સૂ, you want to say something?

(જીજી કંઇક બોલવા જાય છે)

સૂ: (જીજીને ઉદ્દેશીને) મૉમ, excuse me. મને સ્ટૉપ ન કરતા. જૅગ, how naive you all people are? તમે બધા beating about the bush કરો છો. મિટીંગનો મતલબ સાફ છે કે નાનામામાને હવે મઝે અને મોટી બાને પોતાના ઘરમાં રાખવા નથી..

નાના: સૂ, મારે શું જોઇએ એ નક્કી કરનારી તું કોણ...?

સૂ: નાનામામા, will you PLEASE excuse me? I have the floor now. નાનામામા મોટી બા અને મઝેને ઘરમાં રાખવા માગતા નથી. અહીં બધાનો ટાઇમ વેસ્ટ કરવા કરતાં નાનામામાને carte blanche અાપી દો કે તેમને જે કરવું હોય તે કરે અને આ અર્થહિન ચર્ચાનો અંત લાવો.

(બધા ચૂપ થઇ જાય છે.)

સૂ: બે વરસ પહેલાં ભૈલામામા અૅડલેડથી બા અને મઝેને લઇ જવા આવ્યા હતા. તેમણે નાનામામાને કરગરીને વિનંતી કરી હતી, પણ નાનામામા, તમે ઘસીને ના પાડી હતી. (નાનામામાની નકલ કરતાં) “No ભૈલા, મઝેને જીવનભર સંભાળવાની જવાબદારી મારી છે. હું તેમને કોઇ પણ સંજોગોમાં Down Under જવા નહિ દઉં!” બાને તમે તમારી લતિકાના સમ આપ્યા હતા તે ભુલી ગયા? અને મોટામામા? તમે શું કહ્યું હતું તે કહું?

(અચાનક સનસનાટી ફેલાઇ જાય છે.)

મોટાભાઇ: (ખોંખારો ખાઇને) That is very rude, Sue. You have no right to speak like that. તારે મોટાંઓની માફી માગવી જોઇએ.

સૂ: I apologize, પણ મારે આ કહેવું જ પડ્યું.

જૅગ: નાનાકાકા, તમે મિટીંગ બોલાવી છે તેથી તમારી પાસે કોઇ solution તો હશે. તમારે કંઇ કહેવું છે?

નાના: મેં તો મારી બાજુ રજુ કરી. બા અને મઝેને હું હવે મારા ઘરમાં રાખવાનો નથી. આ પરિવારનો મામલો છે, તેથી બધાએ મળીને તેમને ક્યાં રાખવા તેનો નિર્ણય લેવા માટે આ મિટીંગ બોલાવી છે.

મોટાભાઇ: (પોતાની પત્નિ તરફ જોઇને) હું તો મઝે અને બાને આજે જ લઇ જવા તૈયાર છું...(ફરી એક વાર પત્ની તરફ બે-ત્રણ સેકંડ જુએ છે, અને તેની પહોળી થયેલી આંખો જોઈ માથું હલાવે છે) હા, આજે જ. પણ મારી સ્પૅર બેડરૂમમાં on suite ટૉઇલેટ નથી. મઝેને દર અર્ધા કલાકે બાથરૂમ જવું પડે છે. નવી બાથરૂમ બનાવવા માટે મને ઓછામાં ઓછા છ-એક મહિના તો જોઇએ. અત્યારે મારી બધી લિક્વીડીટી ઇન્વેસ્ટ થઇ છે. તેમાંથી દસેક હજાર કાઢવા પડે તેમ છે, પણ માર્કેટની સ્થિતિ જોતાં....

ટોટી: મોટાભાઇ, તમે બા અને મઝેને લઇ જવા તૈયાર હો તો દસ પંદર હજાર ડૉલર હું આપીશ. તમારી સ્પૅર બેડરૂમનું રીમોડેલીંગ કરવા માટે વાપરજો. હા, મને તેનું વ્યાજ જોઇતું નથી અને પાંચ વરસ સુધી તમારે તે પાછા આપવાની જરૂર પણ નથી. ન આપી શકો તો પણ ચાલશે.

જીજાજી: મોટાભાઇ, તમે સિરિયસ હો તો નવી બાથરૂમનું બાંધકામ હું મફત કરાવી આપીશ. તમારે ફક્ત બિલ્ડીંગ મટેરિયલ્સની કૉસ્ટ આપવાની રહેશે. ટોટી પાસેથી તમારે ત્રણ-ચાર હજારથી વધુ લેવાની જરૂર નહિ પડે.

ટોટી: મોટાભાઇ, કહો તો હું ચેક લખી અાપું... (પોતાની હૅન્ડબૅગ ખોલવા જાય છે.)

મોટાભાઇ: (એકદમ હેબતાઇને) ના, ના, ના,  ટોટી! ફૅમિલી સાથે પૈસાનો કે બિઝનેસનો વહેવાર કરવો મારા સિદ્ધાંતની વિરૂદ્ધ છે. તારી કે જીજાજીની અૉફર હું સ્વીકારી શકીશ નહિ.

નાના: (ઉપહાસ, હાસ્ય સાથે) આ વીસ વરસમાં મોટાભાઇ પાસેથી આ નવું બહાનું સાંભળ્યું! આનો અર્થ એવો જ ને, કે I am stuck with મઝે અને બા? No brother. આજે મારે ફેંસલો કરવો જ છે. તમારા નવા બેડરૂમ-બાથરૂમમાં મને ઇન્ટરેસ્ટ નથી.

જીજી: તો પછી તેં જે નક્કી કર્યું છે તે બોલી નાખને?

નાના: મોટાભાઇ, બા અને મઝેને તમે બે દિવસમાં નહિ લઇ જાવ તો હું તેમને Old People’s Homeમાં લઇ જવાનો છું. નાનાંભાભીએ કાઉન્ટી સોશિયલ વર્કર સાથે મળીને બધું નક્કી કર્યું છે. બિચારીએ દોડધામ કરીને એક હોમ પણ નક્કી કર્યું છે. (પત્નિ તરફ જોઇને) તું બધી detail આપ જોઉં!

(નાનાભાઇ-ભાભી સિવાય સહુ સ્તબ્ધ થઇ જાય છે.)

નાનાંભાભી: (ક્ષીણ હાસ્ય સાથે) હું શું કહું? (નાનાભાઇ તરફ જોઇને) મને તો ‘એમણે’ નકામી સંડોવી છે. હું તો ચિઠ્ઠીની ચાકર. મને ‘એ’ કહે એ તો કરવું જ પડે ને? આ બધું તમારા ભાઇએ નક્કી કર્યું છે!

(ટોટી ખડખડાટ હસવા લાગે છે.)

નાનાંભાભી: (ઝંખવાણા થઇને, પણ ભારપૂર્વક) હા ટોટી બહેન, તમારા ભાઇએ જ આ બધું નક્કી કર્યું છે. મને તો એ કહે એ કરવું જ પડે. મેં જોયેલું હોમ ઘણું સારૂ છે. આપણો એક ઇન્ડીયન ભાઇ ત્યાં મૅનેજર છે. મારા ગામનો જ છે. એ બા અને મઝેનું ખાસ ધ્યાન રાખશે. હોમ થોડું મોંઘું છે, તેથી તમે બધા ભાઇ-બહેનો મળીને ખરચો સરખા ભાગે વહેંચી લેશો તો કોઇને ભારે નહિ પડે.

નાનાભાઇ: જુઓ, બા અને મઝેને મેં વીસ-પચીસ વરસ સંભાળ્યા છે તેથી અમારી પાસેથી contributionની કોઇએ આશા રાખવી જોઇએ નહિ, તેમ છતાં હું અમારો ભાગ આપવા તૈયાર છું. મોટાભાઇ, ભૈલા પાસેથી અૉસ્ટ્રેલિયાથી પૈસા મંગાવવાની જવાબદારી તમારે લેવાની છે. તમે અમારા મોટા ભાઇ ખરા ને! એને કહેજો કે અમેરિકામાં રહેનારા અાપણે બધા ભાઇ-બહેનોએ મળીને સહિયારો નિર્ણય કર્યો છે.

ટોટી: નાના, મઝે અને બાને ઘરમાંથી કાઢવાનું તો તેં અને ભાભીએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું છે તો હવે અમને આમાં શું કામ સંડોવે છે? તેમને વીસ વરસ રાખ્યા તેમાં તેં એમના પર ઉપકાર નહોતો કર્યો. તેમને મળતાં સોશિયલ સિક્યોરિટીના બધા પૈસા તમે વાપર્યા, તેનાથી તમારા છોકરાંઓને પ્રાયવેટ સ્કૂલમાં મોકલ્યા. તેમણે તારા ચારે છોકરાંઓનું બેબી-સીટીંગ કર્યું. અરે તમે તો તમારા કૂતરાં બિલાડાંની પણ તેમની પાસેથી સેવા કરાવી. બા તમારી બધાની ત્રણ વખતની રસોઇ બનાવતા. તમારી ગરજ પતી એટલે મઝેને પંચાણું વર્ષની ઉમરે હોમમાં મોકલવા નીકળ્યા છો? તમારા બન્નેમાં conscience જેવી ચીજ છે કે નહિ?

નાના: ટોટી, મારો ઇમોશનલ બ્લૅકમેલ ના કરીશ. મારે જે કહેવાનું હતું તે કહી દીધું. તમારે જે કરવું હોય તે કરજો.

ટોટી: Really, નાના, તારા જેવો નપાવટ...

નાના: ખબરદાર, ટોટી. હવે એક પણ અપશબ્દ બોલીશ તો આપણો સંબંધ આજથી ખતમ સમજ.

ટોટી: હવે જા, જા! ગઇ કાલ સુધી તને તારી ચડ્ડીનાં બટન બંધ કરતાં નો’તાં આવડતાં તે હું કરી આપતી હતી. હવે મને કહે છે, ‘તારા મારા કિટ્ટા!’ એક વાત તું પણ સાંભળી લે. જે દિ’ તું બા અને મઝેને હોમમાં મોકલીશ, તે દિ’થી આપણો સંબંધ ખલ્લાસ સમજી લેજે.

નાના: જૅગ, અમે અમારો નિર્ણય જણાવી દીધો છે. અમે ઘેર જઇએ છીએ. તને ફાવે ત્યારે મિટીંગ close કરજે. બાય્ બાય્.

(નાનાભાઇ, ભાભી અને કિટ જાય છે. બાકીના પરિવારના સભ્યો હજી પણ આઘાતપૂર્ણ હાલતમાં બેઠા છે. કો’ક “બાય્” બોલ્યું, પણ અસ્પષ્ટ લાગે એવા ધીમા અવાજમાં. ક્ષણ ભર શાંતિ ફેલાય છે.)

મોટાભાઇ: Good Lord! That was terrible!

ટોટી: It is not terrible. It is diss-guss-ting. જીજી, જીજાજી હું પણ જઉં છું. કાલે મઝેને સમજાવીશ કે આજના જમાનામાં દિકરીને ત્યાં રહેવામાં કશો વાંધો ન હોવો જોઇએ. ૯૫ વરસની ઉમરે ‘હોમ’માં જવા કરતાં દિકરીને ત્યાં જવામાં નાનમ નથી. ભગવાનને પણ આવી સજા આપવા માટે એકલા મઝે અને બા મળ્યાં? (ટોટીની આંખમાં આંસુ આવે છે. પર્સમાંથી ટિશ્યૂ કાઢી આંખ લૂછે છે.)

મોટાભાઇ: નાનાએ તો કમાલ કરી. તેણે હવે નક્કી કરી જ નાખ્યું છે ત્યાં આપણે શું કરીએ?

ટોટી: (મોટાભાઇ તરફ તુચ્છતા ભરી નજર નાખી જીજી અને જીજાજી તરફ જુએ છે.) What can YOU do, મોટાભાઇ? તમારાથી કંઈ નહિ થાય. હું જઉં છું. આવજો જીજી. બાય્ જીજાજી.

( મોટાભાઇ કે ભાભીની તરફ જોયા વગર ટોટી નીકળી જાય છે.)

મોટાભાઇ: (અત્યાર સુધી જાણે કશું થયું જ નથી તેવા ભાવવિહીન અવાજમાં) જીજાજી, what a day! નાનો મઝે અને બાને ‘હોમ’માં હમણાં ને હમણાં જ મૂકવા માગતો હોય તો આપણે શું કરી શકીએ? જો એ છ’એક મહિના રોકાતો હોત તો હું તેમને મારે ઘેર લઇ જવા તૈયાર હતો.

મોટાંભાભી: અમે તો તેમને અમારી સાથે રાખવા હંમેશા તૈયાર છીએ. જુઓ ને, દિવાળી, દશેરા જેવા દિવસે અમે તેમને નથી લઇ જતા day spend કરવા? આ લોકો તો એક દિવસ પણ રાહ જોવા તૈયાર નથી તો અમે પણ શું કરીએ?

(જીજી અને જીજાજી એકબીજા તરફ જુએ છે. મોટા ભાભી હૉલમાં ટાંગેલી પુરાતત્વની ઘડીયાળ તરફ જુએ છે. મોટાભાઇ બારણા તરફ. હૉલમાં બાકી રહેલા યુવાન-યુવતિઓ હૉલમાં હાજર રહેલા બાકીના વડીલો સામે જુએ છે.)

જીજાજી: મોટાભાઇ, ડ્રીંક લેશો? તમને ભાવતી ગ્લેન લિવેટ સિંગલ મૉલ્ટ સ્કૉચ આણી છે. નહિ તો બેઇલીઝની સાથે કૉફી...?

મોટાભાઇ: સ્કૉચ ચાલશે. આ સિરીયસ ચર્ચા બાદ થોડા રિલૅક્સ થઇશું.

(જીજાજી સાઇડબોર્ડ તરફ જાય છે.)

જૅગ: Sorry, Uncle. મિટીંગ થોડી out of hand થઇ ગઇ. તમે આપણા પરિવારના senior-most member છો. આજની સભાનો ભાર તમારે લેવો જોઇતો હતો. Any way, જે થવાનું હતું તે થઇ ગયું. હું પણ જઉં છું. ચાલ મીની આપણે નીકળીએ.

(જૅગ અને મીની જાય છે. જીજાજી ટ્રેમાં બે ગ્લાસ લઇને મોટાભાઇ તરફ જાય છે અને પડદો પડે છે.)


પ્રવેશ ૨
પડદો ખુલે છે.
દૃશ્ય: નાનાભાઇના મકાનનું આલીશાન લાઉન્જ. અમેરિકામાં વસેલા શ્રીમંત ભારતીયોનું રાબેતા મુજબનું મોંઘું રાચરચીલું. જમણી તરફ બહાર જવાનો દરવાજો છે. દરવાજાની નજીક ત્રણ સૂટકેસ, નાનકડો ટી.વી. સેટ, ચાર પ્લાસ્ટીકની કૅરીઅર બૅગ્ઝ છે. મઝે વીલ-ચૅરમાં બેઠા છે, જ્યારે બા તેમની નજીક લાકડાની ખુરશી પર. તેમની બાજુમાં ઝિમર ફ્રેમ. મઝે અને બા, બન્નેને સાવ ઓછું દેખતું હોઇ જાડા લેન્સના ચશ્માં પહેર્યાં છે. મઝેને સાંભળવાની પણ તકલીફ છે, તેથી કોઇ તેમની સાથે વાત કરે ત્યારે જમણો હાથ જમણા કાન પાસે લઇ જતા હોય છે. હૉલમાં નાનાભાઇ, તેમનાં પત્નિ અને ચારે બાળકો હાજર છે. ટોટી જમીન પર બેસી એક બૅગમાં કપડાં ગોઠવે છે. જીજી બા પાસે ઉભા છે. બાના પગ પાસે એક બિલાડી બેઠી છે.

નાનાભાઇ: (મઝેના કાન પાસે ઝુકીને) મઝે, તમને હોમમાં ગમશે. ત્યાં તમારૂં ચોવીસે કલાક ધ્યાન રાખવા માણસો હોય છે. અને જમવાનું પણ અત્યંત સ્વાદીષ્ટ, ઘર જેવું હોય છે,

મઝે: (ઝીણા અવાજે) એમ કે? સારૂં, સારૂં.

નાનાંભાભી: (મોટેથી) તમે ચિંતા ના કરતા, હોં કે! અમે તમને મળવા રોજ આવતા રહીશું.

મઝે: એમ કે? સારૂં, સારૂં.

(હવે કિટ મઝે પાસે આવે છે)

કિટ: તમારી CDs અને પ્લેયર પેલી પીળી પ્લાસ્ટીકની બૅગમાં છે. ન્યુ યૉર્કથી તમારા ભાઇબંધે મોકલાવેલી CD તેમાં જ રાખી છે.

મઝે: એમ કે? રમણભાઈએ સાયગલનાં ગીત મોકલ્યાં છે. આપણને નીકળવાની વાર હોય તો એકાદ ગીત સંભળાવીશ?

નાનાભાઇ: ના, મઝે. આપણે હમણાં જ નીકળવાનું છે. કિટ, દિકરા, આપણી મર્સેડીસમાં સામાન મૂકવા લાગ તો!

જીજી: નાના, તું સામાન મૂકે, અને બાને ગાડીમાં બેસાડ, ત્યાં સુધી મઝે ભલે સાંભળતા. આમ પણ સીડી પ્લેયર પોર્ટેબલ છે તો મઝે ખોળામાં રાખીને સાંભળશે. તને તો ખબર છે તેમને સાયગલ કેટલા પ્રિય છે!

(ટોટી સીડી પ્લેયર કાઢી, તેમાં સીડી મૂકી ચાલુ કરે છે. નાનાંભાભી બાને ઝિમર ફ્રેમ આપી તેમની સાથે ધીમે ધીમે બહાર જવા નીકળે છે. કિટ અને તેના ભાઇ બહેન સામાન ઉંચકીને બહાર જવા લાગે છે.)

કૅસેટ પ્લેયરમાંથી સાયગલનાં ગીતના સ્વર સંભળાય છે: અંધેકી લાઠી તુ હી હૈ, તુહી જીવન ઉજીયારા...

પડદો પડે છે.

પ્રવેશ ૩
દૃશ્ય: નાનકડો ઓરડો. તેમાં ત્રણ-ચાર ફીટના અંતર પર રાખેલી બે પથારીઓ છે. દરેક બેડ પાસે નાનકડાં બેડસાઇડ ટેબલ. બન્ને ટેબલ પર પાણીની બૉટલ, પ્લાસ્ટીકનો ગ્લાસ, નાનકડો ટેબલ લૅમ્પ અને દવાની બે-ત્રણ શીશીઓ. રૂમના એક છેડે ૩’x૩‘નું ડાઈનીંગ ટેબલ અને બે ખુરશીઓ. તેમાંની એક ખુરશી પર મઝે બેઠા છે. ટેબલ પરના સીડી પ્લેયરમાં સાયગલનું ગીત વાગે છે: “નૈન-હિનકો રાહ દિખા પ્રભુ, પગ પગ ઠોકર ખાઉં મૈં....”

મઝે બા તરફ જોઇ હાથ વડે ‘પાણી પીવું છે’ એવો ઇશારો કરે છે. બા બેડમાંથી ધીમે ધીમે ઉભા થઇ પાણીની બૉટલ અને ગ્લાસ ઉપાડે છે ત્યાં મીની પ્રવેશ કરે છે. તેણે જીન્સ અને ટી-શર્ટ પહેર્યાં છે. હાથમાં રફીયાની મોટી બૅગ છે.

મીની: (મોટેથી) કેમ છો મઝે? બા? હું મીની... બા, લાવો મઝેને હું પાણી આપું છું. (બાને hug કરે છે, તેમને બેડ પર બેસાડી મઝેને પાણી આપવા જાય છે.)

મઝે: (ચશ્મા ઉંચા કરતાં) કોણ? મીની, બેટા? આવ, આવ! કેમ છે તું? જૅગ અને તારો નાનકો, બધા મજામાં છે ને?

મીની: હા, મઝે. (બૅગમાંથી થર્મસ ફ્લાસ્ક અને સ્ટેનલેસ સ્ટીલનો ડબો હાઢે છે) જુઓ મઝે, આજે બા અને તમારા માટે મુઠીયાં અને મસાલાની ચા લાવી છું. આજે કેવું લાગે છે?

મઝે: સારૂં છે, દિકરી. હવે તો ઘરડા થયા એટલે નાનું મોટું ચાલ્યા કરે.. જો ને, ગઇ કાલે બાજુની રૂમનો ટૉમ ડૉનોવન ગુજરી ગયો. બહુ દુ:ખી હતો બિચારો. નસીબ સારાં કે ઉંઘમાં જ ગયો. એક વરસથી એને કોઇ મળવા આવતું નહોતું. હું જતો એની સાથે ગપ્પાં મારવા...

મીની: (વાત બદલતાં) મઝે, ગયે વખતે આવી હતી ત્યારે તમે મને Elephants’ Graveyardની વાત કહેવાના હતા, તે આજે કહો ને?

મઝે: અરે! તને હજી યાદ છે?

મીની: હા, મઝે. શું ખરેખર હાથીઓનું કોઇ ગુપ્ત કબ્રસ્તાન હોય છે?

મઝે: દીકરી, આ વિશેની ઘણી લોકકથાઓ છે. હું તને જે કહેવાનો છું તે મારા જીવનમાં બની ગયેલી સાચી વાત છે. ઘરમાં આજકાલ અમારા બુઢિયાંઓની વાત સાંભળવાનું કોઇને ગમતું નથી. કહેવા જઇએ તો કહે છે, “ફરી કો’ક દી!” (હસે છે.)

મીની: મને તો ટાઇમ જ છે. આજે તમારી વાત જરૂર સાંભળીશ.

મઝે: જો ત્યારે, સાંભળ. એક વાર મારી બદલી રવાન્ડાને અડીને આવેલા ડીસ્ટ્રીકટમાં થઇ હતી. એ જમાનામાં એ દેશનું નામ રૂઆન્ડા-ઉરુન્ડી હતું. ઘણાં ગીચ જંગલ હતાં ત્યાં. એક દિવસ મને મળવા પ્રખ્યાત અંગ્રેજ શિકારી મિ. સ્ટુઅર્ટ હંટર આવ્યા. ઇન્ડીયાના જીમ કૉર્બેટની જેમ તેણે જમીન પર ઉભા રહીને તેની મૉઝર રાઇફલથી man-eater સિંહોનો શિકાર કર્યા હતા.

મીની: કેમ મઝે? માંચડા પર ચઢીને safetyનો વિચાર કેમ ન કર્યો?

મઝે: એના કહેવા પ્રમાણે શિકારી અને તેના શિકારને જીવવા-મરવાનો બરાબર ચાન્સ હોવો જોઇએ. ઝાડ પર ચઢીને કોઇ પ્રાણીને મારવામાં કે જમીન પર બેસેલા પક્ષીને ગોળીથી મારવામાં કાયરતા છે એવું કહેતો. એની વાત પણ સાચી છે.

મીની: પછી?

મઝે: સ્ટુઅર્ટે પણ હાથીના કબ્રસ્તાનની વાત સાંભળી હતી. મને કહે, “બાના હાકીમુ, મેં સાંભળ્યું છે કે અહીંના જંગલમાં હાથીનું કબ્રસ્તાન છે. તમે અહીંના jungle loreનો ઉંડો અભ્યાસ કર્યો છે એવી તમારી ખ્યાતિ છે. મને થોડી tips આપો તો હું જંગલમાં તે શોધવા જઇશ. આ વાત સાચી હોય તો હાથીદાંતનો મોટો જથ્થો મળી આવે.

મીની: મઝે, તેણે તમને બાના હાકીમુ કેમ કહ્યું? તમે તેને રસ્તો બતાવ્યો, મઝે?

મઝે: કિસ્વાહિલીમાં મૅજીસ્ટ્રેટને બાના હાકીમુ કહેતા! જો ને, આફ્રિકામાં હું ૧૯૩૦થી રહેતો હતો, તેથી સરકારી ખાતાઓમાં મારૂં આ નામ પડી ગયું ! મને વન્યજીવન પરત્વે ઘણો શોખ હતો. એક naturalist તરીકે ત્યારથી ત્યાંના જંગલોમાં નેટિવ લોકો સાથે ઘણું ભટક્યો હતો. એકા’દ અઠવાડિયું ટાંગાનિકાના સેરેંગેટીમાં મસાઇ લોકો સાથે પણ રહ્યો હતો. હાથીના કબ્રસ્તાનની વાત મેં સાંભળી હતી અને તેની ઉંડી તપાસ કરી હતી. મને તેનું સત્ય સમજાયું હતું, પણ તેની કોઇને વાત કરી નહોતી. કો’ક દિવસ આને લખી પ્રસિદ્ધ કરવાનો વિચાર કર્યો હતો, પણ આંખોની નબળાઇ.....

મીની: (ઉત્સાહથી) તો તમને હાથીદાંતના ઢગલા જડ્યા? તેથીજ તમે કોઇને તેની વાત ન કરી?

મઝે: (હસીને) સાંભળ દિકરી. વાસ્તવમાં હાથીનું આવું કોઇ કબ્રસ્તાન છે જ નહિ! હાથી જ્યારે ઘરડો થાય અને તેનું મૃત્યુ નજીક આવે ને, ત્યારે તેને અંત:પ્રેરણાથી તેની જાણ થતી હોય છે. હાથીઓનાં ધણમાં બુઢ્ઢા હાથી-હાથણીઓનું ધ્યાન જુવાન હાથી રાખતા હોય છે. હવે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય તેવા હાથી યુવાનોને બોજ થવાને બદલે ધણ છોડી જતા હોય છે.

મીની: હવે જે જગ્યાએ હાથી મરવા જતા હોય એ એમનું કબ્રસ્તાન ન કહેવાય?

મઝે: ના, મીની. હાથીઓનાં ટોળાં તો હંમેશા ભટકતા જ રહે છે. એમનું કોઇ એક સ્થાન નિશ્ચીત નથી હોતું. ઉનાળામાં પાણીની શોધમાં સેંકડો માઇલ ચાલતા જાય છે. આવામાં મરવા પડેલો હાથી ક્યાં જઇને પડે તે નક્કી થોડું હોય?

મીની: તો પછી?

મઝે: મરણને આરે આવેલો હાથી ચૂચાપ બધાંને છોડી એવી નિર્જન, પ્રાણીવિહીન જગ્યાએ જતો હોય છે, જ્યાં તે કોઇના ઉપર બોજ થયા વિના શાંતિથી પ્રાણ ત્યાગી શકે. એવી જગ્યાએ, જ્યાં કોઇ પ્રાણી, પક્ષી સાથે માયા ન બંધાય. ઉંચા ઘાસ વાળા બીડમાં તે બેસી જાય છે અને અકાલ પુરુષની રાહ જુએ છે. તેનો જીવ ગયો એટલે તે પણ છૂટ્યો અને તેનું ધણ પણ.. (પાણીનો ઘૂંટડો લે છે).

મઝે: એક નવાઇની વાત કહું? કોઇ વાર પાણીની શોધમાં નીકળેલા હાથીના ધણને માર્ગમાં પડેલા કોઇ પણ હાથીનું હાડપિંજર દેખાય, તો તેમાંનો દરેક હાથી આ મહાકાયના અવશેષ પાસે કેટલીક ક્ષણ ઉભો રહે છે. Even બચ્ચાં પણ. જાણે મૂક શ્રદ્ધાંજલિ આપતા ન હોય? ત્યાર પછી તેઓ આગળ વધે છે.

(મીની સ્તબ્ધ થઇને સાંભળતી રહે છે. આ વખતે તે કશું બોલી નહિ.)

મઝે: મીની, દિકરા, હાથીનું કબ્રસ્તાન એક આફ્રિકન રૂપક છે. આ દુનિયામાં અનેક જગ્યાએ Elephants’ Graveyards પડેલા છે. આપણા બધા ઘરડાં વડીલો આજના હાથીઓ છે. તેઓ પોતાનું જીવન બાળકો માટે જીવતા હોય છે. અમારી વાત કરીએ તો અમે હાથી જેવા વિશાળ હૃદયનાં નથી. અમે તો એવો વિચાર કરતા રહીએ છીએ કે અંત સમયે આપણા કબીલાને છોડીને ક્યાં જવું? ક્યા રણપ્રદેશમાં જવું? આપણા ધણને ભારરૂપ થયા વગર ક્યા Elephants’ Graveyardમાં જવું?

મીની: મઝે! I am sorry...

મઝે: ના, ના દિકરી, you should not be sorry! હાથીના કબ્રસ્તાનનું રહસ્ય અમને યુગાંડામાં જ સમજાઇ ગયું હતું. માયા અને પ્રેમસંબંધમાં અમે તેને ભુલી ગયા. સાચી વાત તો એ છે કે તારી બા અને મને આ ‘હોમ’માં આવ્યાનો જરા પણ ક્ષોભ કે દુ:ખ નથી. હા, દેશમાં પાછા જવાનો કે અહીં આવી જગ્યાએ આવવાનો વિચાર અમે ઘણાં વર્ષો પહેલાં કરવો જોઇતો હતો. જો ને, નાનાને, ટોટીને, તારા સાસુ-સસરા - બધાંને અમે હેરાન કરી નાખ્યા?
(મઝે બોલતાં બોલતાં થાકી ગયા છે. એકા’દ ક્ષણ રોકાઇને) મીની દિકરા, મને પાણીનો ગ્લાસ આપીશ?

(મીની પાણી આપે છે. પાણીનો ખાલી ગ્લાસ મીનીને આપતી વખતે તેઓ જુએ છે કે તેની આંખોમાંથી આાંસુ છલકે છે.)
મઝે: અરે, મીની, મેં તો તને રડાવી! I am so sorry....

મીની: મઝે, please આવું ન બોલો. You know that we all love you. તમે તો અમારા આધાર છો. આજે તમને ખાસ ખુશ ખબર આપવા આવી છું. જૅગ અને અમે એક ઘર વેચાતું લીધું છે. ડૅડ-મૉમના ઘરથી થોડે દૂર. સિંગલ લેવલનું ચાર બેડરૂમનું મકાન છે. અમે તમને અને બાને અમારી સાથે રહેવા લઇ જવાના છીએ. કાયમ માટે. તમારો અને બાનો મોટો બેડરૂમ પૅટીયોમાં પડે છે. ત્યાંથી બૅકયાર્ડમાં જવાય એવું છે. બૅકયાર્ડ એટલું મોટું છે અને open છે કે તેમાં હરણાં લૉનનું ઘાસ ચરવા આવતા હોય છે! તમને ખુબ મજા પડશે.

મઝે: એમ કે? congratulations, દિકરી! જૅગને અમારા આશીષ કહેજે.

મીની: એ તો કહીશ, પણ મઝે, તમે મને હમણાંને હમણાં promise આપો કે તમે અમારી સાથે રહેવા આવશો. બા કહેતા હતા કે દિકરીને ઘેર રહેવા ન જવાય, પણ અમે તો તમારા દીકરા છીએ!

મઝે: (હસીને) અરે, મીની! તારે ત્યાં તો જરૂર આવીશું! ફરી વાર અમને મળવા આવીશ તો તારા બાબાને લઇ આવજે. હું તેને મજાની સિમ્બાની અને કિબોકોની વાર્તા કહીશ!

મીની: પણ પહેલાં મને વચન આપો!

મઝે: OK, બેટા, promise!

મીની: (ખુશ થઇને) Oh! I am so happy! ચાલો, આ મુઠિયાં ખાઇ લો. હજી ગરમ છે. અને ચા!
(ડબો ખોલે છે)
પડદો પડે છે.

પ્રવેશ ૪.

સૂત્રધાર: મિત્રો! જીવનના આ નાટકનો હવે અંત આવે છે. ચાલો પાછા, આપણાં હુંફાળા ઘરોમાં. ઘેર જઇને ભુલી જઇએ હાથીઓને અને તેમનાં કબ્રસ્તાનોને. તમે િફકર ના કરતા. હું તો મઝે જેવા અનેક ગજરાજોને મળ્યો છું. તેમને આનો નથી કોઇ રંજ કે નથી કોઇ ફરિયાદ. જીવન એક ઝરણાં જેવું છે. એ તો વહેતું જ રહે છે અને આવા કબ્રસ્તાનમાં આવીને સુકાઇ જાય છે. આજના યુવાનો અૉસ્કર વાઇલ્ડના ડોરિયન ગ્રેની જેમ પોતાના આત્માને તેમની યુવાનીની છબીમાં કેદ કરી ચૂક્યા છે. તેમને લાગે છે કે ડોરિયન ગ્રેની જેમ તેઓ ચિર-યુવાન છે. તેમને ખબર નથી કે તેમનું પણ કબ્રસ્તાન દૂર નથી.

એક પ્રેક્ષક: પણ મઝેનું શું થયું? મીનીના ઘેર તેઓ ગયા કે નહિ?

સૂત્રધાર: અફસોસ! મઝે તેમનું વચન પાળી ન શક્યા. મીની સાથેની મુલાકાતના એક અઠવાડિયા પછી એક દિવસ તેમને સ્ટ્રોક આવ્યો અને સીધા પરમાત્માને દરબાર પહોંચી ગયા.

બીજો પ્રેક્ષક: Oh God! અને બા?

સૂત્રધાર: (ઊંડો શ્વાસ લઇને) મઝે ગયા પછી મોટાભાઇ અને નાનાભાઇએ નક્કી કર્યું કે બાનો ભાર બન્ને દિકરાઓએ વારાફરતી ઉપાડવો જોઇએ. છ મહિના એક ભાઇને ત્યાં તો છ મહિના બીજાને ઘેર. આ કેવી રીતે કરવું તેના માટે પહેલાં જેવી મિટીંગ બોલાવવામાં આવનાર હતી, પણ તે પહેલાં જ બા ખુરશીમાં બેઠાં બેઠાં મઝે પાસે પહોંચી ગયા. (થોડું રોકાઇને) ચાલો ત્યારે, બાના! હવે નીકળીએ. ક્યારે’ક મઇલા તો મઇલા, પણ અત્યારે તો આવજો. સલામુ, બાના!

* * * * * * * * *


Disclaimer: આ નાટિકાના પાત્રો અને તેમાં વર્ણવેલા પ્રસંગ તદ્દન કાલ્પનિક છે. આ કોઇ પણ જીવિત કે મૃત્યુ પામેલ વ્યક્તિ પર આધારીત નથી. ૧૯૩૦માં કોઇ પણ ભારતીય બૅરિસ્ટર કે જજ યુગાંડામાં હતા જ નહિ! વળી આ પ્રસંગ ભારત, બ્રિટન, કૅનેડા કે અમેરિકા - કોઈ પણ દેશમાં થયો નથી એવી લેખકની માન્યતા છે. ઉપજાઉ, છતાં શક્ય એવી વાત છે આ.

બીજી વાત: કૅપ્ટને લખેલી આ નાટિકા આ અગાઉ “અખંડ આનંદ”માં પ્રસિદ્ધ થઇ હતી, જેની આ સુધારેલી આવૃત્તિ છે. સૂત્રધાર કેન્યામાં જન્મેલા ગુજરાતી છે, તેથી ત્યાં જેવી ભાષા વપરાતી, તે તેમણે વાપરી છે. આ નાટિકા બ્રિટનમાં ચક્ષુતેજ વિહીન આપણા ભાઇબહેનો માટે ચાલતા “કિરણ” નામના બોલતા અખબારના સ્વયંસેવકોએ ‘રેડીયો નાટિકા’ તરીકે ભજવી હતી. કોઇને સાંભળવાની ઇચ્છા હોય તો આવતા કોઇ અંકમાં તે પ્રસિદ્ધ કરીશું. ખાસ વાત. નાટિકામાંના પાત્રો કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને મળતાં આવે તો તે કેવળ આકસ્મિક છે. ૧૯૩૦માં કોઇ પણ ભારતીય બૅરિસ્ટર કે જજ યુગાંડામાં હતા જ નહિ!



3 comments:

  1. નવા રૂપ અને લિબાસમાં ઘણી બધી લાગણીઓ જાગી ગઈ.

    ReplyDelete
  2. પિતૃદિન ની શુભેચ્છાઓ
    આ નાટિકા હૃદયને વિચલીત કરી ગઇ.
    આપની વાત સાચી છે કે. આપણે બધા સદ્ભાગી છીએ કે આપણાં બાળકોએ આપણને સૌને અત્યંત પ્રેમ આપીને સંભાળ્યા છે, તથા આપણે આપણાં માતા પિતાને અખૂટ સ્નેહ આપીને પિતૃયજ્ઞમાં તેમની સેવા કરવાનું કાર્ય કર્યું છે. ઉપેક્ષીત વડીલો ની સંખ્યા હવે વધુ દેખાય છે ત્યારે આપનું સૂચન 'આપણા સમાજમાં વૃદ્ધાશ્રમમાં કેટલાક એવા એકાકિ વડીલો રહે છે. બની શકે તો તેમની સાથે થોડો સમય ગાળી શકાય તો તેમના માટે પિતૃદિન ઉત્સવ જેવો થશે.'
    એકદમ સમયસરનું યોગ્ય સૂચન છે
    પ્ર'જુ વ્યાસ

    ReplyDelete
  3. Sir tamaro blog khare khar aajana samaj ni riyaliti darsave se dil ne vat sparsi gai

    ReplyDelete