Pages

Thursday, January 22, 2015

મૃદ્ગંધ...

અષાઢની પહેલી હેલી બાદ ભુમિ પરથી પમરાતી સુગંધને સંસ્કૃતમાં નામ અપાયું છે ‘મૃદ્ગંધ’. આવો જ પમરાટ આવે છે યાદોની ગલીમાંથી - જ્યારે વિસરાયેલા ગીતોની સેર તેને સ્પર્શ કરે છે. એક  યુગ પહેલાં લખનૌથી કલકત્તા ગયેલા એક યુવાન ગાયકે પહેલું ગીત ગાયું, “સબ દિન એક સમાન નહિ…” ગીત-ગઝલની દુનિયામાં એક તાજી હવા ફેલાઈ. ગાયક હતા તલત મહેમૂદ. ત્યાર પછી તેમણે એક ગઝલ ગાઈ અને ઘર ઘરમાં તેમનું નામ ગુંજતું થયું. ગઝલ હતી  “ગમ-એ-ઝિંદગીકા યા રબ, ન મિલા કોઈ કિનારા”. આજનો અંક આ ગીતોથી શરૂ કરીશું.


અને, ગમ-એ-ઝિંદગીકા યા રબ 




***
આશાજીના કૅબરે, મુજરા, પ્રેમ ગીત અને હૃદય હલાવી નાખે એવા વિવિધ genreના ગીતો સૌએ સાંભળ્યા અને માણ્યાં. અહીં રજુ કરેલું મરાઠી નાટ્ય સંગીતનું ગીત - જે “સંગીત માનાપમાન”માં ગવાયું હતું, તે આશાજીએ ગાયું. ગીતોની સૃષ્ટિમાં પ્રવેશ કર્યા પછીનાં તેમના સંઘર્ષપૂર્ણ દિવસોમાં તેમણે જે ગીતો ગાયાં, તેમાં “યુવતી મના દારૂણ રણ..” અપ્રતિમ ગણાય છે. તેમાં તેમની શાસ્ત્રીય સંગીતમાં કેળવેલી હથોટી, તાનની range અને તાલ-સૂર પરનું પ્રભુત્વ સહેજે પારખી શકાય છે.



અને સુરેશ ભટે લખેલ મરાઠી ગઝલ "કેવ્હાં તરી પહાટે" - જે તેમના ભાઈ પં. હૃદયનાથ મંગેશકરે સંગીતબદ્ધ કર્યું. આ ગીત ગમે એટલી વાર સાંભળીએ, કદી કંટાળો નહિ ઉપજે! શબ્દોનું મહત્વ બરકરાર રાખવા સંગીતકારે બૅકગ્રાઉન્ડમાં તાનપુરો પણ નથી રાખ્યો! ફક્ત ‘ઈન્ટરલ્યૂડ’ - બે કડીઓની વચ્ચે સિતારના ઝણકાર સિવાય કોઈ સંગીત નથી. ગઝલના શબ્દો (જેનું ભાષાંતર નીચે આપ્યું છે) હૃદયને સ્પર્શી જાય તેવા છે:





પરોઢિયાની કેવી ક્ષણે 
રાત વહી ગઈ
ભૂલથી આંખ મિંચાઈ ગઈ
અને રાત ખોવાઈ ગઈ.

કેવી રીતે કહું, કોમળ તડકાનુું વય?
મારો શ્વાસ વિખેરી,
મને છેતરીને રાત નિસરી ગઈ.

મને સમજાયું પણ નહિ, ક્યારે
આલિંગન થોડું’ક ઢિલું પડ્યું;
અને ક્યારે રાત છટકી (ને ચાલી) ગઈ.

હૃદયમાં કશું બચ્યું હોય તો તે
કેવળ ચાંદનીનો અવાજ હતો;
(અને) આકાશમાંના તારાઓને 
સંકેલીને રાત ચાલી ગઈ..

ત્યારે તો મને મારી પોતાની ગીતપંક્તિઓ (પણ)
યાદ ન રહી..
છેલ્લે અંતિમ લિટી સૂચવીને
રાત ચાલી ગઈ..

કોણ જાણે પરોઢિયાની કેવી ક્ષણે
રાત વહી ગઈ…

***
મૃદ્ગંધનું શિર્ષક સૂચવવા માટે લતાજીના આ ગીતનો આભાર વ્યક્ત કરી રજુ કરૂં છું. 'પરખ' ફિલ્મનું આ ગીત હજી વર્ષાની પહેલી ઝડીની જેમ ચિરપ્રસન્નતા બક્ષે છે. અહીં આ ગીતનાં હિંદી તથા બંગાળી સંસ્કરણો રજુ કર્યા છે:




ભારતીય સંગીતના વિશ્વમાં ખાંસાહેબ બિસમિલ્લાખાં સાહેબ અને પં. ભીમસેન જોશીની જેમ લતાજી અને પંડિત રવિશંકર સંગીત-સપ્તર્ષિના તારક બન્યા છે. પં. રવિશંકર અને લતાજીની જોડીએ ફિલ્મમાં જે ગીતો આપ્યાં, બેમિસાલ છે. અહીં તેમનું ફિલ્મ ‘અનુરાધા’માંનું  ગીત સાંભળીએ. સપ્ત સૂરો સાથે સાતતાળી ખેલતી યુવતી લગ્ન પછી તેની સૂર-સાહેલીઓ અને તેના વિશ્વથી અળગી પડી જાય છે. ભુલાઈ ગયેલી એ ક્ષણોને યાદ કરીને તે ગાય છે "કૈસે દિન બિતે, કૈસે બિતી રતિયાં, પિયા જાને ના…"



સિતારમાંથી નિકળતી મીંડની જેમ ગવાતો શબ્દ ‘રતિયાં’ મનમાં ઉતરી જાય તેવો છે!


***
અાજના અંકના અંતમાં વ્રજની ગોપીના અંતર્મનની ભાવનાઓનો અનુભવ કરાવશે એક ભક્તી ગીત. ખય્યામ સાહેબે સંગીતબદ્ધ કરેલ અને રફી સાહેબે ગાયેલું આ ભાવ ગીત.  

મોરે શ્યામ:

6 comments:

  1. Sir tamaro sangit pratye no prem niraro se

    ReplyDelete
  2. આજના અંકમાં લહેર છલકાઈ જાય એવો મીઠો ખજાનો તમે મોકલ્યો છે - એનો આનંદ ઉપરના ચિત્રમાં તો થોડોક જ વ્યક્ત થાય છે. સવારથી એના સ્વર અને આલાપમાં ખોવાઈ ગયો છું. યાદીમાં લખેલા કામ, આવતા ટેલિફોન અને બેલ વગાડતા મુલાકાતીઓ વાટ જોઈ જોઈને ભલે ખોવાઈ જાય !

    તમારું અને તમે પસંદ કરેલા ‘મૃદ્ગંધ’ હોય કે ‘કર્ણફૂલ’, ‘મન મોર હુઆ મતવાલા’ ગાય કે ગીતોનું શબ્દ ભંડોળ પણ અદ્ભૂત છે - કે ‘કોઈ ચૂપકે સે આકે અપના બનાકે’ હોય, સૂર ને લયની દુનિયામાં ખોવાઈ જવાય એવી, ૭૫-૮૦ વર્ષની સમૃદ્ધિ મોકલી છે તમે ! એમાંયે જૂનાં, ખોવાયેલાં અણમોલ ગીતો ‘સપના બન સાજન આયે’, ‘તુમ ક્યા જાનો,’ આરઝૂ ક્યા હૈ - ગુફ્તગૂ ક્યા હૈ ‘અને કલાકાર સુરૈયા કે રઝિયા સુલતાના - અરે લતાનું ‘ઉનકો યહ શિકાયત હૈ’ - બસ હું કંઠ અને સૂર, લફ્ઝ અને રાગની અલૌકિક દુનિયામાં ખોવાઈ ગયો ! જ્યુથિકાનું ‘મેરી વીણા’ તો વધારે એટલા માટે સ્પર્શી ગયું કે ૮૦ વર્ષ પહેલાં અમારા નાનકડા ઘરમાં ૭૮ rpm ની જ્યુથિકાની ત્રણ રેકર્ડ hmv ના ચાવી વાળા વાજામાં રોજ સવારે મારા પિતાજી વગાડતા ચાર વર્ષનો હું સાંભળતો - એ વાજું અને રેકોર્ડ અત્યારે શીકાગોમાં મારા દીકરા પાસે છે !

    ત્રણજ શબ્દોમાં - "મઝા પડી ગઈ !"

    - સુધાકરના સ્મરણો

    ReplyDelete
    Replies
    1. Capt. Narendra (Gypsy)January 23, 2015 at 7:41 AM

      આ પ્રતિભાવ આપીને આપે જિપ્સીને ભાવવિભોર કરી નાખ્યો! આવો સુંદર પત્ર આપણી યાત્રાના સહયાત્રીકો સાથે વહેંચ્યા વગર રહી ન શક્યો અને અહીં તે રજુ કર્યો છે. આભાર શબ્દ સાવ ઊણો પડે છે.
      - નરેન

      Delete
    2. સોનું જેમ ક્યારેય ફિક્કું થતું નથી તેવીજ રીતે જમાનાના હિન્દી ગીતો એવાજ કર્ણપ્રિય રહે છે. તે જમાનાના ગીતોમાં કવિ, સંગીતકાર કે ગાયક પૈકી કોણ ચડીયાતું છે તે નિર્ણય કરવો મુશ્કેલ જ નહિ પરંતુ લગભગ અશક્ય છે. આપણા આવા અમુલ્ય ગીતોને હજુ પણ આવનાર સેંકડો વર્ષ સુધી પાનખર નથી આવવાની જ્યાં સુધી આપના રસિકો જળ સિંચન કરતાં રહશે.

      Delete
    3. સોનું જેમ ક્યારેય ફિક્કું થતું નથી તેવીજ રીતે જમાનાના હિન્દી ગીતો એવાજ કર્ણપ્રિય રહે છે. તે જમાનાના ગીતોમાં કવિ, સંગીતકાર કે ગાયક પૈકી કોણ ચડીયાતું છે તે નિર્ણય કરવો મુશ્કેલ જ નહિ પરંતુ લગભગ અશક્ય છે. આપણા આવા અમુલ્ય ગીતોને હજુ પણ આવનાર સેંકડો વર્ષ સુધી પાનખર નથી આવવાની જ્યાં સુધી આપના રસિકો જળ સિંચન કરતાં રહશે.

      Delete
  3. Another nice Post.
    Enjoyed !
    Waiting for you @ Chandrapukar !
    www.chandrapukar.wordpress.com
    Avjo !

    ReplyDelete