Pages

Saturday, November 1, 2014

સંબંધોનું બાંધકામ - પ્રથમ તબક્કો

આ શ્રેણીમાં અત્યાર સુધી ઉદાહરણ તરીકે બતાવાયેલા ગ્રહમંડળ એક અજ્ઞાત સજ્જન શ્રી. ABCએ કરેલા કામનાં છે. આજે આપણે તેમનાં ગ્રહ મંડળ પર કરેલા કામનું પૃથ:કરણ કરીશું. તેના પરથી ખ્યાલ આવશે કે તેમાંથી ક્યા નિષ્કર્ષ કાઢી શકાય છે. 

આજનું કામ એટલા માટે જરૂરી છે કે તેના આધારે આપણા પોતાના ગ્રહમંડળમાં જે આગળનું કામ કરવાનું છે તેનું મહત્વ ઓળખી શકાય અને તેનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીશું.

આકૃતિ ૧: આમાં આપણે શ્રી. ABCના ગ્રહ મંડળમાં આવી જનાર તેમના દરેક આપ્ત સ્વજન, મિત્ર તથા તેમના જીવનમાં જે જે વ્યક્તિઓ અગત્યની છે, તેમને તેમણે ઓળખ્યાં અને તેમને  તેમના સૌર મંડળમાં તેમનાં ઝળહળતા ગ્રહ, અને વેણીનાં ફૂલોમાં સમાવેશ કર્યો.

આકૃતિ ૨ : અહીંં આપણે જોયું કે શ્રી. ABCના તેમનાં બા, બાપુજી, પત્ની તથા ભાઈ નં. ૨ સાથે (તેમની દૃષ્ટિએ) અત્યંત ઘેરા સંબંધ છે. કેટલાક સંબંધ એટલા ઘેરા નહિ, પણ રાબેતા મુજબના છે, તે દર્શાવવા તેમણે આ ગ્રહોને પાતળી રેખાઓથી જોડ્યા. આમાં ભાઈ નં. ૧, બૉસ અને બહેન નં. ૨ આવી ગયા છે. ABCને તેમની બહેન નં. ૧ એક સાથેનો સંબંધ બરડ થઈ ગયેલો લાગ્યો, તેથી તેને ભગ્ન થયેલી રેખાથી જાહેર કર્યો. એ જ રીતે મિત્ર નં. ૨ વિશે પણ તેમની એવી જ માન્યતા છે. આપણને કુતૂહલ થાય તેવો તેમનો સંબંધ તેમણે એક વ્યક્તિ, જેને તેમણે સંજ્ઞા ‘?’ માં દર્શાવી છે, તેના વિશે છે. તેમની નજરમાં આ સંબંધ તૂટી ગયો છે. 

આકૃતિ ૩: આ ચિત્ર બનાવતાં પહેલાં તો બધું કામ વ્યવસ્થિત રીતે ચાલ્યું, પણ જ્યારે ગ્રહ મંડળમાં તેમણે આવરી લીધેલી વ્યક્તિઓ સાથેના સંબંધમાં તેમણે તેમની લાગણી, ધન અને પ્રત્યક્ષ મદદ - જેમકે તેમની માંદગીમા દોડી જઈને તેમના માટે દવા-દારૂ, ફળ ફળાદિ લાવવા અને અન્ય મદદ કરવામાં તેમણે કેટલો ફાળો આપ્યો, તે દર્શાવવા તથા આ સંબંધ જાળવવા માટે તેમણે કરેલા તેમના ‘રોકાણ’નું આ આકૃતિમાં દર્શન કરવાનું હતું, તેને કાગળમાં ઉતારતી વખતે તેમને ઊંડું આત્મમંથન કરવું પડ્યું. જ્યારે તેમણે આ બધી વાતો તેમના ગ્રહ મંડળમાં ઉતારી અને જે ચિત્ર ઉપસી આવ્યું, તે જોઈ ABCને પોતાને પણ નવાઈ લાગી.

અહીં આપણે આકૃતિ ૩ દોરાયા બાદ ઉભા થયેલ ચિત્રનું પૃથ:કરણ કરીશું.

૧. ઘેરી કાળી રેખાથી તેમણે દર્શાવેલા સંબંધોમાં તેમનાં બા, બાપુજી, ભાઈ નં. ૨ અને પત્ની આવી જાય છે. આ સંબંધો તેમના માટે અતિ મહત્વના છે, ઘેરા છે અને તેમાં તેમનું તન, મન અને ધનનું પૂરેપૂરૂં રોકાણ છે. ચિત્ર નં. ૨ તથા ૩માં તેમણે આ ઘેરી, કાળી રેખાઓ દોરીને દર્શાવ્યું છે.

૨. તેમની દૃષ્ટિએ 'રાબેતા મુજબના સંબંધો'માં તેમનાં બહેન નં. ૨, બૉસ તથા ભઈ નં. ૧ આવી જાય છે. અહીં તેમનું રોકાણ સામાન્ય એટલે મીઠું અને પ્રસંગોચિત છે. જેવા તેમનાં સંબંધ, એવું જ તેમનું તે જાળવા માટેનું રોકાણ છે.

૩.  આ સૌર મંડળમાં આપણા માટે રસપ્રદ અને ABC માટે જે સંબંધો ચિંતાજનક છે તે તેમણે આ રીતે દર્શાવ્યા છે:

a. બૉસ સાથે ABCના સંબંધ ‘રાબેતા મુજબ’ના છે, પણ તેને વધુ મજબૂત કરવા માટે તેમનું  ખુદનું રોકાણ ઘણું વધુ છે. આનું આત્મપરીક્ષણ કરવાથી તેમને જણાઈ આવશે કે આ માટે તેમણે શું શું કર્યું છે:  તેમને સોંપવામાં આવેલ કામને કુશળતાપૂર્વક અને સમયસર પૂરૂં કરીને?  વધારાનું કામ કરી આપવામાં તત્પરતા બતાવીને, કે પછી, પોતે કામમાં કાચા હોવાથી બૉસને અવાર નવાર ભેટ આપીને કે ખુશામત કરીને? આ બધાનો જાયજો લઈને તેમણે પોતાના રોકાણની ઘેરી કાળી લાઈન બનાવી છે.

b. મિત્ર નં. ૨: આ સંબંધ લગભગ તૂટી ગયો છે. તેને ટકાવવા તેમણે શું કર્યું છે, તેનો તેમણે પ્રામાણિકતાથી વિચાર કર્યો ત્યારે તેમને જણાયું કે તેમાં તેમનું કશું જ રોકાણ નથી. તે બતાવવા તેમણે તે પ્રમાણે સંબંધને ભગ્ન રેખા વડે અને રોકાણની રેખા સુદ્ધાં એવી જ રીતે દોરી આ સંબંધ તેમના તરફથી સમાપ્ત થયો છે તે દર્શાવ્યું છે. આપણા માટે પ્રશ્ન એ થાય છે, કે આ સંબંધમાં શરૂઆતથી જ આવી સ્થિતિ હતી તો તેમણે મિત્ર નં. ૨ ને તેમના ગ્રહ મંડળમાં સ્થાન શા માટે આપ્યું?

c. સૌથી ચિંતાજનક ચિત્ર ઉપસીને આવ્યું હોય તો ABCના બહેન નં. ૧ સાથેના સંબંધનું. તેમાં જોવાની બાબત એ છે કે ભાઈએ તો સંબંધ બરડ થયેલો બતાવ્યો છે, પણ તે બાંધવા માટે તેમણે કરેલું રોકાણ સકારાત્મક છે. આ તીર બનાવવા માટે તેમને મોટા આંતરિક પરીક્ષણમાંથી પસાર થવું પડ્યું હશે. અહીં તેમણે જરૂર વિચાર કર્યો હશે કે એવા કયા પ્રાત્યક્ષીક કાર્ય હતા જે દ્વારા તેમણે આ સંબંધ જાળવવા પ્રયત્ન કર્યો હતો, અને તેના પ્રત્યક્ષ દાખલા તેમને હજી યાદ છે.

d. આ જ પ્રમાણે ABCનાં રહસ્યમય સંબંધી ‘?’ની વાત આવે છે. શરૂઆતના ચિત્રમાં તેમણે આ સંબંધ સાવ ભગ્ન થઈ ગયો છે એવું બતાવ્યું છે. આનો અર્થ એવો થઈ શકે છે કે શ્રી. અબક આ સંબંધને અગત્યનો તો ગણે છે, તેમ છતાં તે ટૂટી ગયો છે. એટલું જ નહિ, તેને પુન:સ્થાપિત કે પુનર્જિવીત કરવા તેઓ કોઈ ને કોઈ પ્રકારે સ્થિરતાથી રોકાણ કરી રહ્યા છે. આ શું દર્શાવે છે?


આ બધી બાબતોનો જવાબ ABC હવે પછી જે મનોયત્ન કરશે તેમાંથી કદાચ નીકળી આવશે.

આવતા અંકમાં આપણે આગલું મનોયત્ન જોઈશું, અને શ્રી. અબકએ તે કેવી રીતે કર્યું તે પણ જોવા મળશે.

5 comments:

  1. આ બધી બાબતોનો જવાબ ABC હવે પછી જે મનોયત્ન કરશે તેમાંથી કદાચ નીકળી આવશે.

    આવતા અંકમાં આપણે આગલું મનોયત્ન જોઈશું, અને શ્રી. અબકએ તે કેવી રીતે કર્યું તે પણ જોવા મળશે..............
    RELATIONS @ the PLANETARY LEVEL ( GRAH MANDAL)
    A nice CONCEPT !
    Will follow with your New Post !
    Chandravadan
    www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

    ReplyDelete
  2. મારી સમજ છે કે જ્યાં સુધી કેન્દ્રમાં "હું" છે ત્યાં સુધી દરેક સંબંધ જન્મે છે, વિકસે છે, ક્ષીણ થાય છે અને મૃત્યુ પામે છે.જેવો કેન્દ્રમાં રહેલો "હું" ઓગળી જાય છે કે તમામ સંબધો મીઠાં અને કાયમી (અમર) બની જાય છે. ન કોઈ મિત્ર કે ન કોઈ શત્રુ.
    દુનિયાની વસ્તી ભલે સાડા સાત અબજની હોય પરંતુ, ઈકોમેપ બનાવી જોઈ લેવું કે આપણી દુનિયા કેટલી નાની અને સિમિત છે, જે પાંચ, પચ્ચીસ કે પાંચ હજાર લોકો પુરતી જ સંકુચિત છે અને તે દુનિયામાં આપણે જીવીએ છીએ દુખી થઈને. આપણને એ પાંચ, પચ્ચીસ સંબંધો સાચવાતા પણ નથી આવડતું. કહો કે જીવતાં જ નથી આવડતું. આ ઈકોમેપ બનાવતા બનાવતા એટલું દેખાઈ જાય તો જીવનને એક નવી દિશા મળી શકે છે અને કેપ્ટન સાહેબનો પ્રયત્ન અને મહેનત ફળી શકે છે.

    ReplyDelete
    Replies
    1. આપના પ્રતિભાવ માટે હાર્દીક આભાર. આપે વૈશ્વીક અને સ્થાનિક કક્ષાના સંબંધો વિશે સુંદર વાત કહી છે. આ વિશાળ સૃષ્ટીમાં મનુષ્ય એક રજકણથી પણ નાનો હોય છે. પાંચ-પચીસ સંબંધો પણ જાળવવામાં તેને કેટલી મુશ્કેલી નડે છે તે આપે સરસ રીતે દર્શાવ્યું છે. આપણા સમાજના પરિવારો સાથે કાર્ય કરતી વખતે જે અનુભવો આવ્યા અને જે રીતે સમસ્યાઓનો ઉકેલ લાવવા સૌએ મળીને જે માર્ગ શોધ્યો, તે આ શ્રેણીમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. મુખ્ય તો આપે દર્શવ્યા પ્રમાણે 'ઇકો-મૅપ' દ્વારા માનવ સંબંધોને crystalllize કરવામાં મદદરૂપ થઈ શકે છે.

      Delete
  3. એકોમેપનો પ્રથમ તબક્કો સ રસ રહ્યો. ABCના ગ્રહ મંડળમાં આવી જનાર વ્યક્તીઓ જોતા પ્રથમ તો વિશ્વ દ્રષ્ટિએ આપણા સંબંધો કેટલા ઓછા સાથે છે તેવો ખ્યાલ આવે અને તેટલા સાથે સંબંધ સાચવવાની જીવનને એક નવી દિશા મળી શકે છે ! એ વાત સૂ શ્રી શરદભાઇએ સરળ શબ્દોમા સમજાવી . આ સિવાય પણ એક સંબંધ હોય છે જેનો ફક્ત એહસાસ થાય છે , આવા સંબંધોનો માત્ર એહસાસ કરવાથી જ એમ લાગે છે કે જિંદગીમાં કંઈક રોમાંચ છે એવું લાગે કે જિંદગી જીવીએ છીએ.પોતાને મહેસુસ થતા હૃદયના સંબંધોને નામ આપીને મર્યાદા બાંધવા કરતા એને માત્ર એહસાસ કરવામાં જ મજા છે.
    આગળ આનાંથી રસિક લેખની પ્રતિક્ષા પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
    Replies
    1. જે સંબંધોનો ફક્ત અહેસાસ થાય છે, તે વાત કહીને આપે લતાજીના ગીતની યાદ અપાવી. શંકર જયકિશનના સંગીતમાં આ ચિર સ્મરણીય ગીત હતું, "तूने, हाये मेरे जख्मे जिगर को छू लिया!" આવા સંબંધને કોઈ નામ નથી હોતું, એકો મૅપમાં સ્થાન નથી હોતું; તેમાં ફક્ત બે અનામી , અદૃશ્ય સંબંધ હોય છે. આપે લખ્યા પ્રમાણે તેને તો કોઈ કાળે મૂલવી ન શકાય. એક સિતારની મુખ્ય તારો પાછળ જેને અંગ્રેજીમાં sympathetic strings કહે છે, તેવો આ સબંધ છે. મુખ્ય તારમાંથી સૂર નીકળે તેનું કંપન પાછળની sympathetic stringsમાંથી આપોઆપ નીકળે, એક સૂરમાં, એ લયમાં એવી આ વાત પ્રત્યક્ષ કરીને આપે આ શ્ર્ેણીને વિશષ ઓપ ચઢાવ્યો છે. 'આભાર' શબ્દ ઘણો જ ઉણો લાગે.

      Delete