Pages

Thursday, October 2, 2014

LATCHO DROM - શુભાસ્તે પંથાન:, મારા જિપ્સી ભાઈ બહેનો

લાચો ડ્રોમ

આજે એક મિત્રે યુ ટ્યુબ પર આવેલી જિપ્સીઓ વિશેની ફિલ્મની લિંક મોકલી. સિનેમાનું નામ છે ‘Latcho Drom’ અર્થ છે 'સુરક્ષીત માર્ગ'. ફ્રેન્ચ નિર્દેશક ટોની ગૅટલીફે કંડારેલી આ હૃદયસ્પર્શી ફિલ્મની રજુઆત આજના અંકમાં કરી છે. આખી ફિલ્મમાં સંવાદ નહિવત્ છે. જે છે તે આપણા જિપ્સીઓનાં ગીતો અને તેમનું સંગીત. તેમાં સમાયાં છે તેમણે ભોગવેલી હાલાકીની ગાથા. કોઈ કોઈ ઠેકાણે તેમનાં ગીતોમાં ફરિયાદ સાંભળવા મળશે.





ફિલ્મની શરૂઆત હા, રાજસ્થાનના થારના રણમાં થાય છે. જાકારો પામેલી આ પ્રજા ક્યાં ક્યાં નથી ભટકી! અહીં જોઈશું, ઈજીપ્તમાં ‘ગવાઝી’ જિપ્સીઓની રહેણાક ; તેમનાં ગીતો અને તેની પરંપરા જાળવવાનો તેમનાં બાળકોનો પ્રયત્ન ;  તુર્કીના પાટનગર ઈસ્તંબુલના રેસ્તોરાંત અને કૉફીગૃહોમાં ગીત-સંગીત વડે લોકોનું મનોરંજન કરીને કે ફૂલ વેચીને બે પૈસા કમાતી આ જનજાતિની વાત જોઈશું અને જોઈશું રોમાનીયાનો એક જિપ્સી બાળક તેના કબિલાના વૃદ્ધ ગાયકનું ગીત સાંભળે છે : ચાઉચેસ્કુ મરી ગયો અને હવે આપણે અને આપણો મુલક આઝાદ છે. તેઓ માને છે કે રોમાનીયા તેમની માતૃભુમિ છે. નથી માનતા રોમાનીયાના નાગરિકો અને ત્યાંના સત્તાધારીઓ!
ફિલ્મ જ્યારે હંગેરી પહોંચે છે, આપણે જોઈશું ત્યાંના એક સ્ટેશન પર એક શ્રીમંત સ્ત્રી અને તેનો સાત-આઠ વર્ષનો પુત્ર ટ્રેનની રાહ જોતાં એક બાંકડા પર બેઠા છે. અસહ્ય ઠંડી અને કોઈ વિટંબણામાં પડેલી આ સ્ત્રી ચિંતામગ્ન થઈ બેઠી છે. પાટાની પેલી પાર એક મોટા વૃક્ષ નીચે જિપ્સીઓનું જુથ સાંઠીકડા ભેગા કરી અગ્નિ પેટવે છે. માતાને દુ:ખી જોઈ બાળક પાટા ઓળંગી જિપ્સીના મુખી પાસે જાય છે તેને ત્રણ સિક્કા આપી માતા માટે સંગીત ગાવા કહે છે. મુખી હસે છે, અને બાળકના ખિસ્સામાં પૈસા પાછા મૂકી, તેની માતાની નજીક જઈ ગીતો ગયા છે. માતાના મુખ પર હાસ્ય પ્રગટે છે ત્યાં ટ્રેન આવી પહોંચે છે. જેને લેવા માટે આ જિપ્સીઓ આવ્યા છે, તે મહેમાન ટ્રેનમાંથી ઉતરે છે અને તેમને લઈ સૌ પોતાની છાવણીમાં જાય છે.
સ્લોવાકીયાનું દૃશ્ય એટલું જ હૃદયદ્રાવક છે. બોખલા મ્હોં વાળા ઘરડાં દાદીમા ગીત ગાય છે અને તેમની પૌત્રી સાંભળે છે. તેમને જવું છે તેમના 'મૂળ' વતન જર્મનીમાં. માજીના ગીતમાં એક શબ્દ વારે વારે આવે છે : 
અૉશ્વીત્ઝ (Auschwitz).
નાનકડી પૌત્રીને સમજાતું નથી દાદીમા કઈ દુ:ખ ભરી જગ્યા વિશે કહે છે. જ્યારે કૅમેરાનો ક્લોઝઅપ દાદીમાના હાથ પર આવે છે અને આપણી નજર સામે આવે છે હાથ પર છૂંદેલો એક નંબર, ત્યારે આપણે સમજીએ છીએ કે જર્મનોના કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં લાખો જિપ્સીઓને મારી નાખતાં પહેલાં તેમને ત્યાં ગોંધી, તેમના હાથ પર આ ગોઝારા કૅમ્પના કેદીના નંબરનું છુંદણું નાખવામાં આવ્યું હતું.  આ દાદીમા, તે સમયે પોતે બાલિકા હતાં તેમને મિત્ર રાજ્યોની સેનાએ બચાવ્યા હતા. 

આ નાનકડી ફિલ્મ જેમ જેમ આગળ વધે છે, માણસ વિચાર કર્યા વગર રહી નથી શકતો કે પશ્ચિમના સુધરેલા નાગરિકો, રાજકર્તાઓ, વિચારકો કેવી રીતે જિપ્સીઓ પ્રત્યે વાંશિક ભેદભાવ જ નહિ, ઘૃણાભર્યું વર્તન કરી શકે છે. જીર્ણ થયેલા મકાનોમાં શહેરનો કોઈ નાગરિક રહેતો નથી, બધાંને સરકારે આધુનિક આવાસ આપ્યા છે. કોઈ જાતની સુવિધા વગરના આ ખાલી મકાનોમાં જિપ્સીઓ રહે છે. શહેરની મ્યુનીસીપાલીટીના અધિકારીઓ જિપ્સીઓને આ બિસ્માર મકાનોમાંથી કાઢી મૂકે છે અને તેનાં બારી બારણાંને ઈંટથી ચણી નાખે છે. 'જિપ્સીઓ અહીં રહે તે અમને મંજુર નથી.' એક જિપ્સી બોલી ઉઠે છે, “આખી દુનિયા અમને ધિક્કારે છે અને અમારી પાછળ પડી છે. અમે શાપિત પ્રજા છીએ. અમને શાપ મળ્યો, જીવનભર રખડતા રહો. અમને જગત ચોર કહે છે, જ્યાં અમને જુએ છે, અમને ત્યાંથી ભગાડે છે. અમે તો કોઈની એક ખીલી પણ નથી ચોરી. અત્યાર અમે રક્તરંજિત ઈસુના ચરણે પડ્યા છીએ. શા માટે?”
અહીં એક શેરની પંક્તિ યાદ આવે છે : જહાં હાકિમ હો ઝાલિમ, ઉસ વતન કો ક્યા કરના? જિપ્સીઓના દેશ કે દિશાહિન પરિભ્રમણનું આ કારણ તો નહિ હોય?

જિપ્સીઓની મૂર્તિમંત કહાણી કહેતું આ ચિત્રપટ ડૉક્યુમેન્ટરી ફિલ્મ છે, પણ તેમાં કોઈ સૂત્રધાર નથી. પડદા પાછળથી કોઈ વર્ણન, કથન કે ચિંતન નથી થતું. તેમાં કોઈ અભિનેતા નથી. તેમાં ભાગ લેનારા પાત્રો બધા જ જીવંત જિપ્સીઓ છે. છબીકારે અને નિર્દેશકે તેમને જ તેમની વાત તેમની પોતાની રીતે કહેવાની તક આપી છે અને તેમણે તેમની વાત તેમનાં ગીત અને સંગીત દ્વારા કહી છે. અહીં નિર્દેશક, કૅમેરામૅન તથા તેમના સાથીઓ અદૃશ્ય સાક્ષી રહીને પ્રેક્ષક અને ચિત્રપટમાંના અસંખ્ય જિપ્સીઓ વચ્ચે મૂક સંવાદ કરાવે છે. પ્રેક્ષકો અને ચિત્રપટના પાત્રો વચ્ચે અંતરનાં જોડાણ કરાવે છે.

આશ્ચર્યની વાત તો એ છે કે જિપ્સીઓ પ્રત્યે જગતને ઉપેક્ષા હોવા છતાં આ પ્રજામાં એક ઉલ્લાસ છે ; તેમનાં જીવન ગીત અને સંગીતથી સભર છે ; તેમનાં હાસ્ય,  તેમની સંસ્કૃતી સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તેમનાં પારિવારીક જીવનના આનંદે તેમના આત્માને એવા તો સમૃદ્ધ કર્યા છે, જગતની કોઈ હાલાકી, કોઈ સત્તા તેમનો આ આનંદ છિનવી શકી નથી. આ વણથંભી પરિક્રમા કરી રહેલ જાતિની કથા છે. આશા છે આપને તે ગમશે. 
***
અહીં વાચકોના મનમાં કદાચ પ્રશ્ન ઉઠશે: આ જિપ્સીઓ કોણ છે? આપણે તેમની સાથે શી લેવા દેવા? જો આપણી તેમની સાથે કોઈ લેણાદેણી ન હોત તો આ વાત કદાચ અહીં સ્થાન પામી ન હોત.   

જગતના સહુ સંશોધકો એક વાતે સહમત છે કે જિપ્સીઓનું મૂળ ભારતમાં છે. તેમના તારણ મુજબ જિપ્સીઓ ઉત્તર ભારતમાંથી લગભગ આઠસોથી પંદરસો વર્ષ પહેલાં બાલ્કન દેશોમાં ગયા અને ત્યાંથી યુરોપ પહોંચ્યા. નૃવંશ શાસ્ત્રીઓએ કરેલા DNAના નમૂનાઓના અભ્યાસ પરથી એવું જણાયું છે કે જિપ્સીઓનાં ક્રોમોસોમ રાજસ્થાન અને હરિયાણા-પંજાબના જાટ લોકોનાં છે. આ પરથી ઈતિહાસકારો માને છે કે આ પ્રજા મૂળ હરિયાણા તથા તેની આસપાસના રાજસ્થાન જેવા ઈલાકાની હતી અને ઉત્તર તરફ સ્થળાંતર કરીને જમીન માર્ગે યુરોપ પહોંચી. થાકેલા પરિવારોને જ્યાં વિસામો મળ્યો, રહેતા ગયા અને આમ આખા યુરોપમાં પ્રસર્યા. દેશ છુટ્યો, પણ ન છુટી તેમની નૃત્ય અને સંગીતની પરંપરા. અને મૂળ ભારતીય શબ્દોનો ઉપયોગ એવો જ રહ્યો છે! પોતાને ‘રોમ’ના વંશજ સમજે છે  તેથી રોમાની કહેવાય છે. રોમાની ભાષામાં અનેક શબ્દો હિંદીના છે. દશને યુરોપના બધા જિપ્સીઓ 'દસ' કહે છે. સદ્ગૃહસ્થ કે જમીનદારને તેઓ 'રાય' કહીને સંબોધૈ છે. ‘આગ’ને તેઓ ‘જાગ’ કહે છે. ચોરી કરનાર માટે તેમનો શબ્દ છે ‘ચોર’ અને સ્પેનમાં રહેનાર જિપ્સીઓ  તેમની જાતિને ‘માનુષ’ (Manush) તરીકે ઓળખાવે છે. યુરોપીય પહેરવેશમાં આ મૂળ ભારતીય પ્રજા છે. તેમનાં ચહેરા, શરીરનું ઘડતર પૂરૂં ભારતીય છે.

અહીં જિપ્સીઓ વિશે કેટલાક સંદર્ભ આપ્યા છે. કદાચ આપને તે રસપ્રદ લાગશે. 






8 comments:

  1. નરેન્દ્રભાઈ, આ લેખ ખરેખર વાંચવા લાયક અને માહિતીપૂર્ણ છે.

    જીપ્સીની ડાયરીમાં જીપ્સીઓ વિશેનો વિડીયો સહિતનો આ લેખ ખુબ જ રસમય બન્યો છે.

    જીપ્સીઓ જેમનું રહેવાનું કોઈ ઠેકાણું નથી તેઓ સગીત થી કેવું મન બહેલાવે છે !

    ગુજરાતમાં આવી એક ગામથી બીજે ગામ ફરતી વણજારા અને નટ બજાણીયા કોમ પણ સંગીત

    ગાઈ વગાડી વાંદરાના ખેલો બતાવી મનોરંજન કરાવી એમનું ગુજરાન ચલાવતી મેં જોઈ છે .

    ReplyDelete
  2. A very informative article indeed. When we were in Granada, Spain, we visited a Gypsy (Romani house turned into small theater and witnessed one of the finest performance by the Gypsy family an amazing enchanting family stage show of Flamenco dance to Gypsy music, we have ever seen. Gypsy (related to Doma people who are Arab/Egyptian hence also name Gypsies (from Egyptian roots) Generally accepted to have originated from somewhere in today's Pakistan/North India some 1000 years ago, They arrived in Europe via Middle East around 1400 CE and claimed to be royalties from "little Egypt" hence the name Gypsy. They have been persecuted and marginalized ever since. When in Granada we visited caves up in the mountains where they were forced to live for hundreds of years by the Berbers as well as Visigoths. As a matter of fact they lived and ransacked Alhambra complex long before it was given a official protection by Spain and the UNESCO. Thanks VIJAY JOSHI

    ReplyDelete
  3. શરૂથી અંત સુધી જિપ્સીઓના જીવનમાં રમમાણ રહ્યો!
    આપણે પોતાની જાતને સુધરેલા અને cultured કહીએ છીએ; સંપત્તિને સમૃદ્ધિ સમજીએ છીએ એ ભ્રમ જિપ્સીઓનું ભર્યું ભર્યું જીવન જોઈને ઓગળી ગયો! સંગીતના મહાન કલાકારોને પણ અદેખાઈ આવે એવું એકમેકમાં રસાયેલું સંગીત; કવિવર રવીન્દ્રનાથે સંગીતના નિબંધમાં લખ્યું છે કે સંગીતનું ગણિત જાણનારા મહાન સંગીતકારો કરતાં બાઉલ ભજનિક અંતરના તાર ઝણઝણાવી મૂકે છે!
    - રમેશ બાપાલાલ શાહ

    ReplyDelete
  4. Latcho Drom.મુવી જોઇ પછી તમારો રસાસ્વાદ માણ્યો ત્યારબાદ ફરી મુવી માણી.
    ખૈમે મુસાફિરાને અદમ ને નિકાલે હૈં
    જિસ કાફિલે મેં તુમ હો વો સબ ચલને વાલે હૈં
    અમારી દિકરી યામિની વાર્તાઓ,કાવ્યો,ગઝલો બાદ હવે નાટક લખવા અને ભજવવા પર વધુ ધ્યાન આપે છે. મહીલા જાગરણ વિષયે તેને વારિસ ડીરીના સંઘર્ષની કથા જેમા મુશ્કેલીઓનો એકલે હાથે સામનો કરનાર એક આફ્રિકન ભટકતી પ્રજાતિની છોકરીના અમેરિકન સુપરમોડેલ અને અભિનેત્રી બનવા સુધીની સફર જેવું નાટક રણમા ખિલ્યું પારિજાત.તેમા વણજારા અંગે સંશોધન કરતી વખતે આવા ઘણા પ્રસંગો અને તેમના સંગીત અને તેઓ અંગે ગીતો માણ્યા હતા.
    સતત ગુંજતું મુવી મહેંદીનો રંગનું
    રે વોણઝારા રે… વણઝારા
    તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ,
    મને બદલામાં વેણી લઇ આપ
    ‘બ્રહ્મ, જીવ, માયા’ -મણમણના ચગવે મભમ ગબારા:
    ચોખ્ખું ને ચટ કહેને, દીઠા આ ઘટના ઘડનારા?
    જીભ-જંતરના મધઝર જાદુ, કાનને કામણગારા:
    પણ ખાંડાના ખેલે એના શા ખપના સથવારા?
    ઓ વાતોના વણઝારા! અને ન ભુલાય તેવું
    શહેર ગામ રસ્તા વાડી વણઝારા
    ભુખ તરસ આભ પાણી વણઝારા.
    લોકોમા લોકો, લોકો પડે જુદા
    જુદા અલગ અલગ વાણી વણઝારા.
    કુતરા,ગધેડા,ઊંટડા, બાળ બચ્ચા મા, બાપ
    ઘર, ઘરવાળી વણઝારા


    આજે આપનો લેખ માણી આનંદ થયો અને
    એક સ્વેટર શું જીવવાનું છે,
    ક્ષણક્ષણે જ્યાં ટૂવો છે વણઝારા.
    તેમા છેલ્લા દ્રુશ્યમા
    વણઝારા…હે..વણઝારા,આપણે મલક તું ચાલ રે,
    આવે તે દેશ મારે રહેવું નથી,આપણે મલક તું ચાલ રે.. પૈસાપાત્ર થયેલી દિકરી તેડવા આવે છે તો આ વણજારી મા (યામિની) આ વણઝારાનું જીવન જ જીવવા માંગે છે!
    પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
    Replies
    1. કૅપ્ટન નરેન્દ્રOctober 3, 2014 at 7:36 PM

      આ. પ્રજ્ઞાજુ,
      'લાચો ડ્રોમ'માં જર્મન રોમા માજીનું ગીત સાંભળતી વખતે મારી આંખોની જે હાલત થઈ હતી, તેવી જ ભાવના અને હાલત 'રે વોણઝારા, રે' અને આપની પૂરી વાત વાંચતી વખતે થઈ. 'ઘાયલકી ગત ઘાયલ જાને', જેને સામાન્ય ભાષામાં empathy કહીએ તેને મૂર્તિમંત બનાવી આજની પોસ્ટને આપે હિરાજડીત કરી.
      "વણજારી મા"ને મારા સાદર નમસ્કાર અને ભાવપૂર્ણ આભાર!

      Delete
  5. જગતના સહુ સંશોધકો એક વાતે સહમત છે કે જિપ્સીઓનું મૂળ ભારતમાં છે. તેમના તારણ મુજબ જિપ્સીઓ ઉત્તર ભારતમાંથી લગભગ આઠસોથી પંદરસો વર્ષ પહેલાં બાલ્કન દેશોમાં ગયા અને ત્યાંથી યુરોપ પહોંચ્યા. નૃવંશ શાસ્ત્રીઓએ કરેલા DNAના નમૂનાઓના અભ્યાસ પરથી એવું જણાયું છે કે જિપ્સીઓનાં ક્રોમોસોમ રાજસ્થાન અને હરિયાણા-પંજાબના જાટ લોકોનાં છે. આ પરથી ઈતિહાસકારો માને છે કે આ પ્રજા મૂળ હરિયાણા તથા તેની આસપાસના રાજસ્થાન જેવા ઈલાકાની હતી અને ઉત્તર તરફ સ્થળાંતર કરીને જમીન માર્ગે યુરોપ પહોંચી. થાકેલા પરિવારોને જ્યાં વિસામો મળ્યો, રહેતા ગયા અને આમ આખા યુરોપમાં પ્રસર્યા............................
    I had known of the origin of Gypsies linking India..but I was not sure.
    Your Post was really nice with the Info.
    Chandravadan
    www.chandrapukar.wordpress.com
    Narenbhai..I did not know of your Posts @ your Blog.
    Nice to know of you being active again.
    Seeyou@myBlog

    ReplyDelete
  6. Very interesting. Thanks, Narenbhai. --- This is Bosham.

    ReplyDelete
  7. Sir khubsars blog pahalivar gipsy ane tena bharat sathena sabandh vise janava maryu sir amara Chaudhari ane jat na DNA aek se tmate gipsy sathe amare thodu maratu aave

    ReplyDelete