Pages

Sunday, October 26, 2014

એકો-મૅપ : આપણું પોતાનું ગ્રહમંડળ

આજના મનોયત્નની શરૂઆત ‘ecomap’થી કરીશું. 
‘એકો મૅપ’ એક વ્યક્તિના સંબંધોના જન્માક્ષર જેવો નકશો છે. ૧૯૭૫માં હાર્ટમન નામના સમાજશાસ્ત્રીએ તેનું નિયોજન કર્યું જેના આધારે સમાજસેવક અને કાઉન્સેલર તેમની મદદ લેનાર વ્યક્તિની સામાજીક અને ભાવનાત્મક સ્થિતિનું પ્રાથમિક મૂલ્યાંકન કરી શકતા હતા. આ નકશો આપણા પોતાનાં આપ્તજન તથા આત્મીય સાથેના આપણાં સંબંધો દર્શાવતો હોવાથી આપણા સિવાય તેનું વાસ્તવીક ચિત્રણ અન્ય કોઈ કરી શકે નહિ. આપણે પોતે કરવાના આ મનોયત્નને અન્ય કોઈને બતાવવાનું નથી તેથી તેને પ્રામાણીકતાપૂર્વક બનાવવું અત્યંત જરૂરી છે.  લેખન કાર્ય પુસ્તક (Work Book)ના આગળના બધા કાર્યક્રમ એકો મૅપ પર આધાર રાખતા હોઈ તેને ખૂબ વિચારપૂર્વક બનાવવું જોઈશે.
એક રીતે જોવા જઈએ તો દરેક માણસનું વિશ્વ આકાશગંગાની જેવું હોય છે. આકાશગંગામાં અગણિત તારા છે. સૂર્ય સમાન આ તારકોને ગ્રહ અને ઉપગ્રહ હોય છે. પ્રત્યેક ગ્રહમંડળ તેના સૂર્યની ચોમેર ફરતું રહે છે તેમ છતાં આકાશગંગાથી વિખૂટું નથી. તેવી જ રીતે દરેક વ્યક્તિ એક સૂર્ય જેવો છે અને તેનું ગ્રહમંડળ એટલે તેનાં આપ્તજન અને મિત્ર મંડળ. ખુબીની વાત એ છે કે જેને આપણે આપણા ગ્રહ માનીએ છીએ, તેમની દૃષ્ટિએ તેઓ પોતે તેમનાં સૂર્ય છે, જેમની આસપાસ તેમનાં સગાં સંબંધીઓ પરિભ્રમણ કરતા જણાય છે. મારો ભાઈ પણ તેની દૃષ્ટીએ એક સુરજ છે, જેનો એક ગ્રહ હું પણ હોઈ શકું છું! આજે કેવળ આપણી અને આપણા ગ્રહમંડળના સભ્યો સાથેની વાત છે તેથી તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરીશું.

સૌથી પહેલાં એક કોરા કાગળ ના મધ્યમાં એક નાનકડું વર્તુળ બનાવશો. આ તમે છો, તેથી તેની અંદર લખશો : ‘હું’. આ અહંભાવ દર્શાવવા માટે નથી. ફક્ત સંબંધોનું માનચિત્ર બનાવવા માટેનું સાધન છે.

હવે આ વર્તુળને કેન્દ્રસ્થાને રાખી તેની આજુબાજુ તમે જેમને તમારા આપ્ત, ઘનીષ્ઠ, આત્મીય માનો છો એટલા ચક્ર બનાવશો. દરેક ચક્રની અંદર સંબંધીત વ્યક્તિનું નામ લખશો. તમારે જેમનાં નામ ન લખવા હોય તેમને કોઈ ‘અ’, ‘બ’ ‘ક’ જેવી સંજ્ઞા આપશો. જે વ્યક્તિને તમે અત્યંત નજીકનાં ગણો છો, તેમના નામનું વર્તુળ તમારી નજીક, અને દૂર છે, તેમને દૂર ચિતરશો. આમ કરવાથી એકો મૅપનું પહેલું ચિત્ર લગભગ આવું થશે :



ઉપરનું ચિત્ર એક દાખલા તરીકે આપ્યું છે. આ નકશામાં તમે જેમને અને જેટલી વ્યક્તિઓને તમારી નજીકના સમજતા હોવ તેમને તેમાં ઉમેરશો. હવે પછી આવનાર મનોયત્નોમાં તમે દોરેલા પહેલા એકો મૅપ પર જ કામ કરવાનું છે. તેથી એક વાર તમે જે 'ગ્રહ મંડળ' બનાવશો તેમાં આગળ જતાં કોઈ ફેરફાર કરવાનો નથી.  તેથી પ્રથમ નકશો વિચારી સમજીને જ કરશો!





                                                                  


  
                                   
             
           



                                                    




                                                                  


  
                                   
             
           



                                                    







5 comments:

  1. Narenbhai,
    An unique post with the personal involvement as one makes his/her GRAH-MANDAL.
    I did NOT take the PEN....but in my MIND I added the NAMES.
    I will REVISIT his Post & ADD MORE to my COMMENT
    Chandravadan
    www.chandrapukar.wordpress.com
    See you & ALL @ Chandrapukar !

    ReplyDelete
  2. મારૂં ગ્રહમંડળ

    ગ્રહમંડળે વચ્ચે સુર્યરૂપે જ્યારે હું,

    એવા મંડળમાં કોણ કોણ તેનું કહું !......(૧)



    માતા-પિતારૂપી ગ્રહ સાથે મોટાભાઈ ગ્રહ ફરે,

    વળી, એ જ ભ્રમણ ચક્રે ગ્રહરૂપી પત્ની અને ચાર દીકરી ગ્રહો રહે......(૨)



    બીજા જરા દુરના ચક્રે ભાભી -ગ્રહ સાથે ભાઈભાભી સંતાનરૂપી ૬ ગ્રહો ફરે

    એવા ભ્રમણ ચક્રે પ્રાઈમરી શાળાથી મેડીકલ કોલેજ રૂપી એક "અભ્યાસ -ગ્રહ" રહે.....(૩)



    મારા ગ્રહમંડળે નજીકના ચક્રે ૭ ગ્રહો ભ્રમણ કરતા ફરે,

    દુરના ભ્રમણ ચક્રે કુલ્લે ૮ ગ્રહો ફરી રહે,..............................(૪)



    ગ્રહમંડળથી દુર છે અગણીત ચમકતા તારલાઓ,

    એમા છુપાપેલ છે જાણેલ સ્નેહસબંધી 'ને મિત્રમંડળી તારલાઓ,..............(૫)



    ગ્રહોનું મંડળ સાથે તારલાઓરૂપી છે મારી અલગ ગેલેક્ષી,

    દરેક વ્યક્તિ બનાવી શકે ગ્રહમંડળભરી પોતાની ગેલેક્ષી,...................(૬)



    ચંદ્રવદન ( ઓક્ટોબર,૨૬,૨૦૧૪)
    DR. CHANDRAVADAN MISTRY

    ReplyDelete

  3. વ્યક્તિના સંબંધોના જન્માક્ષર જેવો નકશો ૧૯૭૫માં સમાજશાસ્ત્રી હાર્ટમનએ નિયોજ્યો તો આપણા લોકગીતોમા કુટુંબ અને સમાજ અંગે લોકગીતો દ્વારા સમાજશાસ્ત્ર શીખવાતું જેમકે

    મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
    અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

    પહેલું ફૂલ, જાણે મારા સસરાજી શોભતા
    જાણે પેલું મોગરાંનું ફૂલ
    એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો
    ગંભીરને સૌમાં અતુલ
    મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
    અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

    બીજું ફૂલ, જાણે મારા સાસુજી આકરા
    જાણે પેલું સૂર્યુમુખી ફૂલ
    સૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવા
    સાંજ સુધી કાઢતું એ ભૂલ
    મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
    અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

    ત્રીજું ફૂલ, જાણે મારી નણંદ પેલી નાનકી
    જાણે પેલું ચંપાનું ફૂલ
    જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું
    મસ્તીમાં રહેતું મશગૂલ
    મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
    અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

    ચોથું ફૂલ, જાણે મારા હૈયાના હારનું
    જાણે પેલું રાતરાણી ફૂલ
    દિવસેના બોલે એ મોટાના માનમાં
    રાતડીએ બોલે બૂલબૂલ
    મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
    અંબોડલે સોહે, સોહામણી ઝૂલ.
    તો સાંપ્રત સમયમા આપની રસાળ શૈલી સાથે આવા વિષયની યુ ટ્યુબ પણ મૂકો તો સોનામા સુહાગા...


    WATCHED
    1:24
    How-To Draw An Ecomap
    by Parents & Parenting3 months ago35 views


    WATCHED
    4:56
    EcoMapVideo.mp4
    by henryfarrish2 years ago3,258 views
    Ecomap Web Lesson CF 209 - 5/3/12.
    HD
    પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
  4. બહુ સુંદર રીત બતાવી છે.
    મનસુખલાલ ગાંધી
    U.S.A.

    ReplyDelete
  5. સંબંધોનો સેતુ ક્ષેણી ખુબજ રસપ્રદ છે. એક વ્યકિતએ પોતાના આસપાસના સંબંધી ના વર્તુળ દોરી તે વ્યક્તિએ તેના સંબંધ અનુસાર ભિન્ન ભિન્ન લીટી દોર્યા બાદ સંબંધોનુ વિશ્લેષણ થઇ શકે છે.
    જો આ પ્રમાણે કેન્દ્ર માં રહેલ વ્યક્તિની વ્યક્તિની આસપાસ ની વ્યક્તિઓ ને એકપછી એક કેન્દ્રમાં રાખી (અર્થાત જે તે વ્યક્તિ તેના સંબંધ અનુસાર તે વ્યક્તિ થકી જ ભિન્ન ભિન્ન લીટી દોર્રાવ્યા બાદ) સૌ પ્રથમ વાર કેન્દ્ર માં રહેલ વ્યક્તિની અરસ પરસ સંબંધોનુ વિશ્લેષણ કરવામાં આવે તો કદાચ વિશ્લેષણ ના પરિણામ વધુ સચોટ આવે તેવું મારું માનવું છે. આ બાબતે આપની ટીપ્પણી રસપ્રદ રહશે.

    ReplyDelete