Pages

Friday, July 25, 2014

પહેલા વિશ્વયુદ્ધની શતાબ્દી.. સો સો સલામ ભારતના વીરોને


આજે ઈતિહાસની વાત કરીશું. તાજેતરના ઈતિહાસની.  

તારીખ ૨૮મી જુલાઈ ૧૯૧૪ સુધી યુરોપની રાજકીય હાલત કંઈક આવી હતી : 

૧. અૉસ્ટ્રીયા-હંગેરી સામ્રાજ્ય;
૨. જર્મન મહારાજ્ય;
૩. તુર્કસ્તાનનું અૉટોમન સામ્રાજ્ય;
૪. રશિયાનું સામ્રાજ્ય. 

આ ઉપરાંત બે શક્તિશાળી રાષ્ટ્રો હતાં : બ્રિટન અને ફ્રાન્સ. તેમની શક્તિનો સ્રોત હતો વિદેશોમાં આવેલી તેમની વિશાળ વસાહતો. 

આપણે ત્યાં કહેવત છે કે ભય વિના પ્રિતી નહિ. આ છ દેશો એક બીજા સાથે સત્તા માટે હરિફાઈ કરતા હતા, અને એક બીજાથી ડરતા પણ હતા. કારણ કે જો તેમાંના કોઈ પણ બે દેશો વચ્ચે યુદ્ધ થાય તો તેમાં બાકીના બધાં દેશોને હોમાવું પડે. તેમણે એક બીજા સાથે સંધિઓ કરી જેમાં આ રાષ્ટ્રો બે જૂથમાં વહેંચાઈ ગયા. એક તરફ તુર્કી અૉટોમન સામ્રાજ્ય, અૉસ્ટ્રો-હંગેરીયન અને જર્મન સામ્રાજ્યો ગોઠવાયા, જે આગળ જતાં Central Powers નામે ઓળખાયા. બીજી તરફ રશિયા, બ્રિટન અને ફ્રાન્સનું જુથ થયું અને તે Triple Entente કહેવાયું. ભારેલો અગ્નિ તો એવો જ ધુંધવાતો રહ્યો. નીચેની આકૃતિ પરથી જઈ શકાશે આ સંધિઓ અને સમજુતિઓ કેવી ગૂંચવાડાભરી હતી:





૧૯૦૮માં આૉસ્ટ્રીયા-હંગેરીના સમ્રાટે અડપલું કરી તુર્કસ્તાનના કબજા હેઠળના મુખ્યત્વે સ્લાવીક દેશો બૉસ્નિયા-હર્ઝગોવીના પર કબજો કરી લીધો અને આ દેશોનો વહિવટ અને તેની સેનામાં વરીષ્ઠ અધિકારીઓ સર્બિયા દેશના હતા, તેમને કાઢી મૂકી તેમના સ્થાને અૉસ્ટ્રીયન અમલદારો નીમ્યા. સર્બિયાના દેશવાસીઓ આથી ઘણા નાખુશ હતા. તેમાંના એક લશ્કરી અધિકારીએ ‘બ્લૅક હૅન્ડ’ નામની ગુપ્ત સંસ્થા ઉભી કરી. તેમનો ઉદ્દેશ સર્બિયા સમેત બાકીના સ્લાવ દેશોને અૉસ્ટ્રો-હંગેરીયન સામ્રાજ્યમાંથી મુક્તિ અપાવી એક સ્વતંત્ર અને સંયુક્ત રાષ્ટ્ર - યુગોસ્લાવિયા સ્થાપવું હતું. આ માટે તેમણે કાવત્રું રચ્યું.

૨૮મી જુલાઈ ૧૯૧૪ના રોજ અૉસ્ટ્રો-હંગેરીયન સામ્રાજ્યના યુવરાજ આર્ચડ્યુક ફ્રાન્ઝ ફર્ડીનાન્ડ તેમનાં યુવરાજ્ઞી સોફી શોટેક સાથે બૉસ્નિયા-હર્ઝગોવિનાની રાજધાની સારાયેવોની મુલાકાતે આવતા હતા, તેમની હત્યા કરવી. સર્બિયાને રશિયાનો સહકાર હતો તેથી તેમને ખાતરી હતી કે અૉસ્ટ્રો-હંગેરીયન સમ્રાટ સર્બિયા પર આક્રમણ નહિ કરે. યોજના પ્રમાણે ‘બ્લૅક હૅન્ડ’ની એક ટુકડીના હત્યારાઓ આર્ચડ્યુકની સવારી પર ધ્યાન રાખીને બેઠા હતા. તેમાંના એક હત્યારા ગાવરીલો પ્રિન્સીપે યુવરાજ અને યુવરાજ્ઞીની પિસ્તોલ વડે હત્યા કરી.

એક વ્યક્તિના હથિયારમાંથી છૂટેલ ગોળીઓનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે છે તે આપણે સારી રીતે જાણીએ છીએ : ૧૮૫૭માં મંગલ પાંડેએ છોડેલી એક ગોળીએ લાખે’ક જેટલા ભારતીય સૈનિકો તથા તેમનાથી અનેક ગણા દેશના નાગરિકોનું બલિદાન લીધું. આખો દેશ ગુલામીમાં ધકેલાઈ ગયો. પ્રિન્સીપની બે ગોળીઓએ આખા વિશ્વને મહાભારતના મહાયુદ્ધ જેવા ભયંકર યુદ્ધમાં ધકેલ્યું. આ મહાયુદ્ધમાં જે માનવહત્યાની થઈ તેનો કોઈને વાસ્તવીક અંદાજ નહિ આવે. સમજાય તેવી ભાષામાં કહેવાનું થાય તો આખા ગુજરાતની છ કરોડની વસ્તીને લશ્કરી યુનિફૉર્મ પહેરાવી, દરેક આબાલવૃદ્ધ નાગરિકના હાથમાં બંદૂક પકડાવી રણભૂમિ પર મોકવામાં આવે, એટલી સંખ્યામાં વિશ્વના મોટા ભાગનાં દેશોનાં સૈનિકો - કૂલ સંખ્યા સાત કરોડ સૈનિકો યુરોપ, મેસોપોટેમિયા (હાલનું ઈરાક) જેવા મધ્ય પૂર્વના દેશોની રણભૂમિ પર લડવા ગયા. અમદાવાદ, વડોદરા અને સુરતમાં જેવા ત્રણ શહેરોમાં રહેનાર એકેએક વ્યક્તિ આ યુદ્ધમાં ખપી જાય એટલી સંખ્યામાં, એટલે કે લગભગ એક કરોડ સૈનિકો રણાંગણમાં વીરગતિ પામ્યા અને અઢી કરોડ સૈનિકો ગંભીર રીતે ઘવાયા. યુદ્ધના અંતે જાણવા મળ્યું કે ૭૬ લાખ સૈનિકો લાપત્તા થયા હતા. એવું મનાય છે કે તેઓ પણ રણભુમિમાં ખપી ગયા, કારણ કે યુદ્ધ બાદ તેમના અસ્તિત્વના કોઈ પૂરાવા ન મળ્યા.

આજે ૨૮મી જુલાઈ ૨૦૧૪ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધની શતાબ્દી છે. આજથી વિશ્વભરમાં આ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકો તથા યુદ્ધની અસર - ભુખમરો, બિમારી અને ગરીબીથી અનેક દશક સુધી પીડાતા રહેલા માનવોનાં શોકમાં દુ:ખ પ્રદર્શનની હારમાળા યોજાશે. અજાણ્યા સૈનિકના સ્મૃતિ સ્તંભ પાસે પરંપરાગત ગણવેશમાં સૈનિકો શોકપ્રદર્શન કરશે અને યુરોપ તથા અૉસ્ટ્રલીયા-ન્યુઝીલન્ડની પ્રજા તેમને શ્રદ્ધાંજલિ અર્પશે.

જિપ્સીની માહિતી પ્રમાણે ભારતમાં પ્રથમ વિશ્વયુદ્ધની શતાબ્દીની સ્મૃતિમાં કોઈ કાર્યક્રમ યોજાશે નહિ. પ્રશ્ન ઉઠે છે, શું આ મહાયુદ્ધમાં ભારતના કોઈ સૈનિકો લડ્યા નહોતા? આપણા બહાદુરોએ કોઈ જાતની આહુતિ નહોતી આપી? આનો જવાબ જોઈશું તો ખરેખર નવાઈ લાગશે.

જ્યારે આ વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું, ભારતીય સેનાનાં દસ લાખ સૈનિકો યુરોપ, ઉત્તર આફ્રિકા અને મેસોપોટેમિયા (ઈરાક)ની ખુનખાર લડાઈમાં અગ્રેસર રહ્યા. પચાસ હજારથી વધુ ભારતીય સૈનિકો વીર ગતિ પામ્યા. તેમની બહાદુરીની ગણત્રી કરવા જઈએ તો જણાશે આજ કાલ ભારતીય સેનામાં દુશ્મન સામે લડતી  વખતે પરમોચ્ચ વીરતા દર્શાવનાર સૈનિકને પરમ વીર ચક્ર એનાયત થાય છે, તે જમાનામાં વિક્ટોરીયા ક્રૉસ અપાતો. આ મહાયુદ્ધમાં ભારતના ૧૧ સૈનિકોને વિક્ટોરીયા ક્રૉસ એનાયત  થયા, જેમાંના બે મરણોપરાન્ત હતા. આ ઉપરાંત વીર ચક્ર જેવા ૪૦૦૦ અને ૯૦૦૦ યુદ્ધ ક્ષેત્રમાં વિશીષ્ઠ કાર્ય કરવા માટેના પદક અપાયા હતા. ગુજરાતી તરીકે આપણે ગૌરવ લઈ શકીએ તેવું કામ ભાવનગર રાજ્યના અશ્વદળને Imperial Service Groupનાં Light Cavalryમાં સામેલ કરી ઈજીપ્ત અને પૅલેસ્ટાઈનની ધરતી પર મોકલવામાં આવ્યું હતું. ભાવનગર લાન્સર્સના કૅપ્ટન જોરાવરસિંહજી (જેઓ આગળ જતાં કદાચ કર્નલ બાપુભા નારાયણજી ગોહેલના નામે ઓળખાયા હોય તેવી શક્યતા છે, જો કે તેની પૂરી માહિતી મળી નથી)ને Indian Distinguished Service Medal  (IDSM) તથા યુદ્ધ ક્ષેત્રમાં દાખવેલી વીરતા માટે બે વાર Mentioned in Despatches એનાયત થયા હતા. તેમની સાથે રિસાલદાર મહોબતસિંહજીને પણ IDSM એનાયત થયેલ. તેમની છબીઓ અહીં મૂકી છે. 




પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોનું દિલ્હીમાં સ્મારક રચાયું, જેમાં તેમનાં નામ કોતરવામાં આવ્યા છે. આજે ત્યાં ‘અમર જવાન જ્યોતિ’ રાખવામાં આવી છે. યુદ્ધ ક્ષેત્રમાં દુશ્મનના જોરદાર પ્રતિકારની સામે પ્રાણોની આહૂતિ આપીને વિજય પ્રાપ્ત કરનાર રેજીમેન્ટ કે બટાલિયનને Battle Honor અર્પણ થાય છે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય સેનાને યુરોપમાં ૩૧ તથા ઈજીપ્ત, ઈરાક, પૅલેસ્ટાઈન વિ. દેશોના રણક્ષેત્રોના ૨૫ યુદ્ધોમાં વિજય મેળવવા માટે ‘બૅટલ અૉનર’ અર્પણ થયા. ભારતીય સૈનિકોની વીરતા આખા યુરોપમાં વખણાઈ. જ્યારે પૅરીસમાં યુદ્ધની પૂર્ણાહૂતિ બાદ પરેડ યોજાઈ હતી તેમાં ભારતીય સૈનિકને પુષ્પ અર્પણ કરતી ફ્રેન્ચ મહિલાના ચિત્ર પરથી તેનો ખ્યાલ આવશે:  




યુદ્ધનાં અન્ય રાજકીય અને ભૌગોલીક પરિણામો વિશ્વવ્યાપી આવ્યા: વિશ્વ શાંતિ માટે લીગ અૉફ નેશન્સની સ્થાપના થઈ; તુર્કસ્તાનનું અૉટોમન સામ્રાજ્ય ભાંગી પડ્યું. તેમના આધિપત્ય નીચેના ખાડીના અારબ દેશો ઈરાક સમેત નવા સ્વતંત્ર રાષ્ટ્રો તરીકે જનમ્યા. અૉસ્ટ્રો-હંગેરીયન સામ્રાજ્યના ટુકડા થઈ ગયા અને તેના કેટલાક ઘટક રાષ્ટ્રો સર્બિયા, ક્રોએશીઆ, બૉસ્નિયા-હર્ઝગોવિનાનું નવું સ્લાવીક રાષ્ટ્ર યુગોસ્લાવીયા સ્થપાયું. આ યુદ્ધ ચાલતું હતું તે સમય રશિયામાં ક્રાન્તિ થઈ અને ત્યાં સામ્યવાદી સરકાર બની. જર્મનીના સમ્રાટ કૈસરને ગાદીત્યાગ કરવો પડ્યો અને હૉલંડમાં નિર્વાસીત તરીકે રહેવા ગયા. જર્મનીના ટુકડા થયા અને તેના આધિપત્ય નીચેની ટાંગાનીકા જેવી વસાહતો અંગ્રેજોના હાથમાં ગઈ. તેની હકૂમતની શેહ નીચેનાં યુરોપીયન રાષ્ટ્રો સ્વતંત્રતા અનુભવવા લાગ્યા. 

પ્રથમ વિશ્વ યુદ્ધના ૧૦૦મા વર્ષની યાદગિરીમાં જગતના મુખ્ય દેશોમાં પરેડ, શ્રદ્ધાંજલિ તથા રેડિયો-ટીવી પર કાર્યક્રમ યોજાશે. 

ભારતમાં આવા કોઈ કાર્યક્રમ યોજાયા નથી.  








7 comments:







  1. ભારતમાં આવા કોઈ કાર્યક્રમ યોજાયા નથી.એ દુઃખદ છે પણ વૅબ જગતમા મા શ્રી દીપકભાઈએ આ રીતે શરુઆત કરી છે "જુલાઈ મહિનો દુનિયા અને ભારતના ઇતિહાસમાં બહુ મહત્ત્વનો છે. દુનિયાની વાત કરીએ તો ૧૯૧૪ની ૨૮મી જુલાઇએ પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. તેના બરાબર એક મહિના પહેલાં ૨૮મી જૂને ઑસ્ટ્રિયાના રાજકુમારની સર્બિયામાં હત્યા થઈ ગઈ. આ ઘટના વિશ્વયુદ્ધ માટે તણખો બની રહી. પહેલા વિશ્વયુદ્ધને સો વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે ઘણું વાંચવા મળે છે અને મળશે."
    તમારો લેખમા ઘણી નવી વાત જાણવા મળી.
    વીર સૈનિકો,શહીદોને શ્રધ્ધાંજલી અને સલામ
    ધન્યવાદ
    પ્રજ્ઞાજુ વ્યાસ



















    ReplyDelete
  2. ખૂબ મહત્ત્વપૂર્ણ માહિતી બદલ આભાર. અણુશસ્ત્રોના ખડકલા કરી કરીને બેઠલાં રાષ્ટ્રોને આ શતાબ્દી કશુંક શીખવે તેવી આશા સાથે શહીદોને સલામ !

    ReplyDelete
  3. “ગુજરાતની વસ્તીથી એક કરોડ વધુ વ્યક્તિઓને તેમના રાજકર્તાઓએ યુદ્ધમાં ધકેલ્યા હતા. એક કરોડ સૈનિકો – અમદાવાદ, વડોદરા તથા સુરતની વસ્તી જેટલા સૈનિકો તેમાં શહીદ થયા.”

    પ્રથમ વિશ્વ યુદ્ધનું આ કેટલું દારુણ ચિત્ર કહેવાય !

    આવાં ભયંકર યુધ્ધો રાજકીય નેતાઓના મગજના વિચારો અને ખોટા અહમમાં થી

    પેદા થતા હોય છે .

    ભારતના એક ભૂતપૂર્વ ગર્વિષ્ઠ સૈનિક ની રસાળ કલમે લખયેલ પ્રથમ વિશ્વયુદ્ધ વિશેનો

    સુંદર માહિતીપૂર્ણ લેખ માટે એમને ધન્યવાદ .

    પ્રથમ વિશ્વયુદ્ધની શતાબ્દી પ્રસંગે વિશ્વનાભરના સૈનિકોને અંજલિ આપું છું.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. રાજકોટથી આપણા મિત્ર શ્રી. અતુલભાઈ પટેલે 'ફૂલછાબ'માં પ્રસિદ્ધ થયેલ એી. કોરાટનો લેખ મોકલ્યો છે. શ્રી. કોરાટ તથા 'ફૂલછાબ'ના સૌજન્યથી આ લેખ અહીં મૂકું છું, જેમાં ભાવનગર લાન્સર્સ વિશે ઘણી માહિતી આપી છે. એક વાત સ્પષ્ટ થાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જ્યારે ભાવનગર લાન્સર્સ પૅલેસ્ટાઈન ગયા ત્યારે તેમના કમાન્ડીંગ અૉફિસર જોરાવરસિંહજી હતા અને કર્નલ બાપુભા નારાયણજી ગોહેલ તેમના સેક્ન ડ ઇન કમાન્ડ હતા.

    ReplyDelete
  6. Very nice, very compact primer of events leading up to WWI. Human race and its sheer follies.Ignoring the history seems to be its sad history. No sooner WWI had ended, seeds of WWII were already planted and nurtured by private Adolph Hitler
    in Austria. The world better be vigilant to prevent another maniac from doing the same....Vijay Joshi

    ReplyDelete
  7. Sir pahela worldwor ma gujarati CO vise janine garv thayse

    ReplyDelete