Pages

Wednesday, April 23, 2014

"મહાનગર"

પરિવારના સદસ્યોના વ્યક્તિત્વમાં, વલણમાં તથા તથા દૃષ્ટિકોણમાં ભિન્નતા હોવાં છતાં તે ભાગ્યે જ સાક્ષાત્કાર પામતાં હોય છે. આ વાતો વ્યક્ત ન થવાનું કારણ સંજોગો, વ્યક્તિગત મૂલ્યો, બલિદાનની ભાવના, સંકોચ, વડીલો પ્રત્યેનો આદર હોય છે. જ્યારે પરિસ્થિતિ વિષમ થાય ત્યારે પરિવારના સભ્યોનાં અસલ વ્યક્તિત્વ, પૌરૂષત્વનો અહંકાર, તથા રૂઢિગત સંકુચિત દૃષ્ટિકોણ એવી સિફતથી ડોકિયાં કરે છે જેને આપ જેવા સુજ્ઞ દર્શક જ જોઇ શકે. માનવીની આવી પરિસ્થિતિ હોવા છતાં તેને સ્વજનના ગુણોના પારસમણીનો સ્પર્શ થતાં તેઓ સુવર્ણમય થાય છે. તેમના પર આત્મિક દિવ્યતાનો પ્રકાશ પડતાં તેઓ તેની અદૃશ્ય એવી શલાકામાંથી ઉર્ધ્વીકરણ પામે છે.  
ફિલ્મ "મહાનગર"ની કથાનાં આ સૂક્ષ્મ મૂલ્યો છે, જે સ્વ. સત્યજીત રાયે સુંદર રીતે પોતાના ચિત્રપટમાં રજુ કર્યા છે. 
 ચિત્રપટની કથાવસ્તુ શ્રી. નરેન્દ્રનાથ મિત્રની લઘુકથા ‘અવતરણિકા’ પરથી લેવામાં આવી છે. વાર્તા આમ તો સામાન્ય લાગે, પણ તેનો ગુઢાર્થ મૂળ કથાના શિર્ષકમાં છે. અવતરણિકાના ઘણા અર્થ થાય છે. અવતરણ એટલે ઉચ્ચ સ્થાનેથી નીચે ઉતરવું; ઉપોદ્ઘાત; પ્રસ્તાવના; સાર વિગેરે. સત્યજીત રાયે કથાનું નામ ભલે બદલ્યું હોય, પણ અંતમાં તેમણે મધ્યમ વર્ગીય પરિવારના જીવનનો સાર સુંદર રીતે દર્શાવ્યો છે. તેમાં છતાં થાય છે પાત્રોનાં આંતરીક સામર્થ્ય, જેના પ્રકાશમાં તેના સાન્નિધ્યમાં આવેલ વ્યક્તિઓ નાહીને પવિત્ર થઇ જાય!
કથા નાયક સુબ્રત મઝુમદાર એક નાનકડી બૅંકમાં કારકૂન છે. તેના પરિવારમાં તેના વૃદ્ધ પિતા - નિવૃત્ત શિક્ષક પ્રિયગોપાલ, માતા સરોજીની દેવી, નાની બહેન બાની, પત્નિ આરતી અને પુત્ર પિન્ટૂ છે. પિતાજી અંગ્રેજીના શિક્ષક હતા, પણ ખાનગી શાળામાં ભણાવતા હોવાથી તેમને પેન્શન મળતું નથી. મા પતિની સેવા કરે છે અને ઘરકામમાં પુત્રવધુ આરતીને મદદ કરે છે. બાની અભ્યાસમાં હોંશિયાર છે, પણ ભાઇના ટૂંકા પગારમાં તે સમયસર ફી નથી ભરી શકતી. પિતાજી તેમનાં ચશ્મા ખોઇ આવ્યા છે તેથી વાંચવામાં અત્યંત તકલીફ અનુભવે છે. અંગ્રેજીના શિક્ષક હતા અને ભાષાનું ઊંડું જ્ઞાન હતું તેથી તેમને શ્રદ્ધા છે કે તે સમયે ટાઇમ્સ અૉફ ઇન્ડીયાના લોકપ્રિય ‘કૉમનસેન્સ ક્રૉસવર્ડ’ને ઉકેલી તેનું મોટું પ્રથમ ઇનામ જીતી જશે, પણ એક એન્ટ્રીની ફીના બે રૂપિયા તેમની પાસે નથી. પત્નિ પાસે માગણી કરે છે. સરોજીનીદેવી પાસે ક્યાંથી પૈસા હોય? નિરાશ વદને પ્રિયગોપાલ નિસાસો નાખી બેસી રહે છે. ચશ્મા નથી તો છાપું વાંચી શકતા નથી. ક્રૉસવર્ડ ભરવામાં મુશ્કેલી નડે છે. તેઓ પુત્રને કહે છે,  “દિકરા, મારા વિદ્યાર્થીઓમાંનો એક કોલકાતામાં મોટો અૉપ્થેલ્મોલોજીસ્ટ છે. તેની પાસે જઇશ તો તે થોડો મારી પાસેથી પૈસા માગશે?”
“ના બાપુજી. આપણે એવું નથી કરવું. આવતા મહિને જરૂર કશી વ્યવસ્થા કરીશું.”

સુબ્રતના ટૂંકા પગારમાં પરિવારનો ગુજારો થતો નથી. બાનીની બે મહિનાની ફી પણ આપવાની બાકી છે. પિન્ટૂ માટે રમકડું પણ નથી લાવી શકતા. શું કરવું તે સમજાતું નથી. એક દિવસ તે આરતીને કહે છે, “તને ખબર છે, મારો એક મિત્ર અને તેની પત્નિ બન્ને નોકરી કરે છે? બે જણા કામ કરે છે તેથી તેમનો સંસાર કેવો સુખેથી ચાલે છે!”
“હું મૅટ્રીક પાસ છું. અમારા જેવી સ્ત્રીઓ માટે કોઇને કોઇ તો નોકરી હશે જ. તમે શોધી કાઢો ને એવી કોઇ નોકરી? થોડી આવક થાય તો આપણો ઘરસંસાર તો સારી રીતે ચાલશે.”
“હા, પણ એક શરતે! હું વધારાનું પાર્ટ ટાઇમ કામ શોધું છું. જ્યારે આ કામ મળે, તારે નોકરી છોડી દેવાની. બોલ, છે કબુલ?”
“હા, કબુલ!”
બનવા જોગ એક કંપનીની જાહેરાત સુબ્રતની નજરમાં આવે છે. ‘જોઇએ છે: અમારા knitting machineનું વેચાણ કરવા ડોર-ટૂ-ડોર સેલ્સ માટે આકર્ષક યુવતિની આવશ્યકતા છે. પગાર દર મહિને સો રૂપિયા.”
સુબ્રત આરતીને અરજી લખી આપે છે, ઇન્ટરવ્યૂ થાય છે અને તેને નોકરી મળી જાય છે. 
“મહિને સો રૂપિયા! વાહ ભાઇ વાહ! તને ખબર છે મને બૅંકમાં નોકરી મળી ત્યારે મને શરૂઆતનો પગાર કેટલો હતો?”  
આરતીની સેલ્સ ટીમમાં બીજી બે બંગાળી સ્ત્રીઓ અને ઇડીથ નામની અૅંગ્લો-ઇન્ડીયન યુવતિ છે. કામ પર હાજર થતી વખતે સુબ્રત તેને રાજીનામાનો પત્ર પણ લખી આપે છે. “આમાં સહી કર, પણ તારીખ લખીશ મા. જે દિવસે મને પાર્ટ ટાઇમ નોકરી મળે, તારે આ રાજીનામામાં તારીખ લખી તારા બૉસને આપીને છુટા થવાનું છે.” આરતી પોતાની પર્સમાં રાજીનામાનો કાગળ મૂકે છે. 
***
આરતીના બૉસ મિસ્ટર ચૅટરજી અૅગ્રેસીવ મૅનેજર છે. તેમને અૅંગ્લો-ઇન્ડીયનો પ્રત્યે ઊંડી દુર્ભાવના છે, તેઓ ઇડીથનો ઉલ્લેખ ‘પેલી ફિરંગી’ કહીને જ કરે છે. સૌ પ્રથમ ઇડીથે મિસ્ટર ચૅટરજી પાસે માગણી કરી: પગાર તો ઠીક છે, પણ દરેક મશીનના વેચાણ પાછળ અમને કમિશન મળવું જોઇએ. ચૅટરજી ગુસ્સે થાય છે અને ઇડીથનું અપમાન કરે છે. ઇડીથ રડી પડે છે. આરતી તેને સમજાવે છે. ત્યારથી બન્ને વચ્ચે બહેનપણાં શરૂ થાય છે. અંતે  ચૅટરજી તેની માગણી કબુલ કરે છે અને સેલ્સગર્લને દરેક મશીનના વેચાણ પાછળ કમીશનનો લાભ આપે છે.
પહેલો પગાર આવતાં આરતી બાની માટે સાડી, સાસુમા માટે તેમના પ્રિય ઝર્દાની ડબી, પિન્ટૂ માટે રમકડું અને પતિ માટે મોંઘી વિલાયતી સિગરેટનો ડબો લાવે છે. સસરાનો ક્રૉસવર્ડ પઝલ ભરવાનો શોખ જાણે છે તેથી દરેક એન્ટ્રીની ફી માટે રૂપિયાની નોટો આપે છે.
“ના વહુ મા. તારી કમાણીના પૈસા મારાથી ન લેવાય,” પ્રિયગોપાલે તેને સ્નેહથી કહ્યું. 
***
ચશ્મા વગર પ્રિયગોપાલ બાબુને ઘણી તકલીફ થાય છે. પુત્રની સલાહને અવગણી તેઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી પાસે જાય છે. ડૉક્ટર ભલો માણસ છે. તે નંબર કાઢી આપે છે અને ચશ્માની જોડી પણ ભેટમાં આપે છે. વાત વાતમાં તે માસ્ટર મોશાયને કહે છે, ‘આપના વિદ્યાર્થીઓ તો ઘણા ઉંચા હોદ્દા પર પહોંચ્યા છે. એક તો બૅરીસ્ટર થયો. બીજો પોર્ટ ટ્રસ્ટમાં મોટો અૉફિસર છે, અને ત્રીજો પ્રખ્યાત ડૉક્ટર છે! આ સાંભળી આપ જરૂર ગૌરવ અનુભવશો.”
 અહીં શરૂ થાય છે પ્રિયગોપાલબાબુના મનમાં વિચારોનું દુશ્ચક્ર. ‘મેં આપેલ વિદ્યાને કારણે વિદ્યાર્થીઓએ આટલી પ્રગતિ કરી છે. એકલવ્યની જેમ તેમણે પોતાના ગુરૂ તરફ પોતાનું દાયિત્વ ચૂકવવું જ જોઇએ.’ તેઓ જુના વિદ્યાર્થીઓ પાસે જઇ મદદ માગવાનું શરૂ કરે છે. આમ કરવામાં તેમનું આત્મસન્માન જળવાતું નથી, પણ તેમને તેની ચિંતા નથી. રોજ ઘરમાંથી તેઓ બહાર નીકળી જાય છે. તેઓ ક્યાં જાય છે, શું કરે છે તેની ઘરમાં કોઇને ખબર નથી.
બીજી તરફ આરતી અને ઇડીથની મૈત્રી ઘનીષ્ઠ થાય છે. ‘તું રૂપાળી છે, પણ થોડો મેકઅપ કરીશ તો વધુ દિપી ઉઠીશ. જો, આ લિપસ્ટીક લગાડ. તું સારી દેખાઇશ તો તને પોતાને જ તે ગમશે!”  પતિ જુનવાણી વિચારના છે, તેથી કામ પરથી પાછી આવતાં આરતી લિપસ્ટીક ભુંસી નાખે છે. એક દિવસ આકસ્મિક રીતે સુબ્રતની ધ્યાનમાં આ વાત આવે છે અને પત્નીને ટોકે છે. પતિની નારાજી દૂર કરવા આરતી લિપસ્ટીક ફેંકી દે છે. 
પત્નિના મૂળ વ્યક્તિત્વનો ઓપ તથા તેના વધતા આત્મવિશ્વાસને જોઇ સુબ્રતને પોતાના આત્મસન્માનમાં ઓછપ જણાય છે. તેને પત્નિનો સ્નેહ, મોડે સુધી કામ કરી પૈસા લાવવાની મહેનત, પરિવારની નાની નાની જરૂરિયાતો પૂરી કરવા પાછળની કાળજી - તેના તરફ ધ્યાન નથી જતું. તેને પાર્ટટાઇમ નોકરી મળે કે તરત આરતી નોકરી છોડી દે એ વચનની યાદ હોવાથી તે પાર્ટ ટાઇમ નોકરીની શોધમાં નીકળે છે. આવી હાલતમાં તેનું નસીબ પણ બે ડગલાં આગળ ચાલે છે. તેની બૅંક ફડચામાં જાય છે. સુબ્રત બેકાર થાય છે. તેનું પૌરૂષત્વ ઘવાય છે, પણ કરે શું? 
આરતીના મૅનેજર તેના કામથી ખુશ થઇ તેને પ્રમોશન આપવાનું વિચારે છે અને તેને તે પ્રમાણે જણાવે છે. પતિની નોકરી ગઇ હોવાથી આરતી તેમને વિનવે છે: પ્રમોશન મળે કે ન મળે. મારા કામથી ખુશ છો તો મને પગારમાં પચાસ રૂપિયાનો વધારો આપો. ચૅટરજી કચવાતે મને વધારો આપે છે, પણ આરતીને વધારાનું કામ સોંપે છે. “ઇડીથ બિમાર છે. તેણે કેટલીક એપૉઇન્ટમેન્ટ લઇ રાખી છે, તો તારે તેનું કામ પૂરૂં કરવું પડશે!” હોંશિયાર આરતીએ ઇડીથની બધી એપૉઇન્ટમેન્ટ સાચવી અને મશીનો પણ વેચ્યા! જ્યારે ચૅટરજીએ આરતીએ કરેલા વેચાણનું કમીશન તેને આપ્યું, આરતી તે ઇડીથને આપવા તેના ઘેર ગઇ. ઇડીથ સાચે જ બિમાર હતી. આરતીની પ્રામાણીકતાની તેણે ઘણી કદર કરી.
એક દિવસ સુબ્રત આરતીના મૅનેજર ચૅટરજીને મળવા જાય છે. ક્યાંક નોકરી મેળવી આપવા તેમને વિનંતી કરે છે.   “તમે આવતી કાલે સાંજે પાંચેક વાગે અહીં આવી શકશો? હું તમને મારા મિત્રને ત્યાં લઇ જઇશ. એ તમને જરૂર મદદ કરશે.” 
આવતી કાલનો દિવસ ‘મહાનગર’ના climaxનો સાબિત થાય છે.
તે દિવસે સાજી થયેલી ઇડીથ કામ પર હાજર થાય છે, પણ ચૅટરજી તેને અભદ્ર શબ્દો કહી અપમાનિત કરી નોકરીએથી કાઢી મૂકે છે. ચોધાર આંસુએ રડતી ઇડીથ લેડીઝ કલોકરૂમમમાં જાય છે. આરતી ત્યાં અાવી પહોંચે છે. બહેનપણીનું વગર કારણે થયેલું અપમાન, તેની માંદગીને જુઠાણું કહી નોકરીએથી કાઢી નાખવાની વાત તે સાંખી શકતી નથી. તે સીધી ચૅટરજી પાસે જઇ માગણી કરે છે કે તેમણે ઇડીથની માફી માગવી જોઇએ. ‘હું તેને ઘેર ગઇ હતી. મેં પોતે જોયું છે કે તે સાચે જ બિમાર હતી. તમે કારણ જાણ્યા વગર અપમાન કરી તેને ડિસમિસ કરી છે. તમારે તેની માફી માગવી જ જોઇએ.”
તુમાખી ચૅટરજી ગુસ્સે થઇ જાય છે. માફી માગવાનું તો દૂર, તે આરતીને ધમકી આપે છે: તને પણ નોકરીમાંથી કાઢી મૂકીશ.
“તમે મને શું કાઢવાના છો!” કહી તેણે પર્સમાં રાખેલું રાજીનામું કાઢ્યું અને ચૅટરજીના ટેબલ પર મૂક્યું. “આ રહ્યું મારૂં રાજીનામું. તેમાં આજની તારીખ લખી નાખશો,” કહી તે દાદરો ઉતરી જાય છે. બરાબર તે સમયે સુબ્રત ચૅટરજીને નોકરી અંગે મળવા આવતો હોય છે અને અૉફિસની નીચે પત્નિને મળે છે. આરતી તેને જોઇ રડી પડે છે અને આખી હકીકત જણાવે છે.
“આરતી, મને તારા પર અભિમાન છે. શા માટે, તે કહું? તેં રાજીનામું આપવાની જે હિંમત કરી, એવી હિંમત હું દાખવી ન શક્યો હોત.”
છેલ્લા શૉટમાં આપણે પતિ-પત્નીને ઘર તરફ જતાં જોઇએ છીએ, એક મહાનગરની ગિરદીમાંથી માર્ગ કાઢીને જતાં. આ એવું મહાનગર છે જે અનેક લોકોને પોષે છે. આરતી, સુબ્રત અને તેમનો પરિવાર ક્યાંક ને ક્યાંક તો સમાઇ જશે.    
***
“મહાનગર” ચિત્રપટની કથા આમ તો સામાન્ય લાગે. નીચલા મધ્યમ વર્ગના પરિવારની આ કથા સત્યજીત રાયે ઘણી બારીકાઇથી રજુ કરી છે. પરિવારની નાની નાની વાતો, તેમની જીવન સરણીના નાજુક પાસા, વૃદ્ધ પતિની હાલાકી જોઇ દુ:ખી થતા સરોજીની દેવી, ભાભીના સ્નેહમાં નાહી ઉઠતી બાની, અને સંયુક્ત પરિવારને કોઇ બોજ સમજ્યા વગર તેનું વહન કરનાર સુબ્રત, નોકરી જવાથી પત્નીની આવક પર જીવનાર પતિના આત્મગૌરવનો ક્ષય, માતાની વ્યથા, પિતાએ પોતે જ પોતાના મૂલ્યોનું કરેલ પતન અને આ બધાને સંભાળી લેતી આરતી  - આ પત્રો સત્યજીત રાયે એટલી નાજુકતાથી ચિત્રીત કર્યા છે, જોઇને આપણું હૃદય દ્રવ્યા વગર ન રહે. નાયકના પાત્રમાં અનિલ ચૅટરજીએ સુંદર કામ કર્યું છે. આરતીના પાત્રમાં માધવી મુખરજી શોભી ઉઠે છે. નાજુક વ્યક્તિત્વ ધરાવતી ગૃહિણી જે રીતે તેના મૅનેજર મિસ્ટર ચૅટરજીને દૃઢતાથી કહે છે કે તેણે ઇડીથની માફી માગવી જોઇએ, એ ખરેખર અદ્ભૂત છે. આ સંવાદને ચિત્રપટની ઉમદા ક્ષણ કહી શકાય. નાનકડી વાત એ પણ છે, કે બાનીનું પાત્ર જયા ભાદુરી એ ભજવ્યું છે! 

આ ચિત્રપટને ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે અને સત્યજીત રાયની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાય છે. ફિલ્મ જોવા માટે અહીં ક્લિક કરશો.

8 comments:

  1. Saras varta. Mane gami aapani kahevani style.

    ReplyDelete
  2. આપના પ્રોત્સાહનભર્યા પ્રતિભાવ માટે આભાર, અનિલાબહેન.

    ReplyDelete
  3. જાપાન’નાં અકીરા કુરોસાવા ના સમકાલીન મહાન નિર્માતા અને નિર્દેશક સત્યજીત રેની બંગાળી ફિલ્મ 'મહાનગર'નું સુંદર રસદર્શન બાદ ફિલ્મ માણવાની મઝા આવી. ઘણી નાજુક વાતો સમજાઇ

    ૧૫-૧૬ વર્ષની જયા ભાદુરી ની પહેલી ફિલ્મ મા બાનીનું પાત્ર યાદગાર રહ્યું.

    પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
    Replies
    1. આભાર, પ્રજ્ઞાબહેન. આપને લેખ તથા ફિલ્મ ગમ્યા જાણી ઘણો આનંદ થયો. આવતા અંકમાં પુસ્તકો વિશે લખવાનો પ્રયત્ન કરીશ. આશા છે આપને નવો પ્રયાસ પણ ગમશે.

      Delete
  4. Sir tamara blog nu vyasan thayu se tame game te visaya par lakho vachavanu gamase

    ReplyDelete
    Replies
    1. સતીશભાઇ, તમારા પ્રતિભાવ મને ઘણા ગમે છે. ટૂંકા, પણ દિલથી લખેલા! આવી જ રીતે સપોર્ટ આપતા રહેશો.

      Delete
  5. બીરેન કોઠારીApril 27, 2014 at 1:12 AM

    'મહાનગર'ની કથાવસ્તુ અને તેની બારીકીઓનું તમે તમારી આગવી શૈલીમાં રસદર્શન કરાવ્યું છે. ફિલ્મ માણવામાં તે અવશ્ય મદદરૂપ થશે. અન્ય વિષય પર લખો તો પણ આ શ્રેણી ચાલુ જ રાખશો.

    ReplyDelete
    Replies
    1. આભાર, બીરેનભાઇ. જરૂર પ્રયત્ન કરીશ.

      Delete