Pages

Saturday, July 13, 2013

બ્રિટનની નવી સમાજ વ્યવસ્થા: ૧૯૭૦-૮૦



ગયા અંકમાં આપણે બ્રિટનમાં પ્રવર્તતી સમાજવ્યવસ્થાની એક ઝલક જોઇ. જતાં જતાં ઉલ્લેખ થયો હતો Corner Shop અને Newsagentsની દુકાનોનો.ન્યુઝ એજન્ટનું બીજું નામ છે કન્ફેક્શનર અૅન્ડ ટોબેકોનીસ્ટ.

બ્રિટનના સમાજમાં કેટલાક અવિભાજ્ય અંગ છે. નાનામાં નાનું ગામડું હશે ત્યાં તમને ચાર સંસ્થાઓ અચૂક જોવા મળશે: ગામની સૌથી મહત્વની સંસ્થા હોય છે Pub. આ Public Houseનું સંક્ષીપ્ત નામ છે. ગામમાં ઓછામાં ઓછું એક Pub તો હોય જ. Public House ચલાવનાર વ્યક્તિને landlord કહે છે. આ ‘મહાન’  વ્યક્તિ તેના દરેક ઘરાકને તથા તેના પરિવારને સારી રીતે જાણે. એટલું જ નહી, તે ક્યું પીણું લેશે તે પણ જાણે. તેથી ઘરાક આવે તો ખુદ પૂછશે, “The usual?”  ત્યાર બાદ લૅંડલૉર્ડ તેને મોટા પીપમાં જોડેલી નળી અને હૅન્ડ પમ્પ દ્વારા મોટા પાઇન્ટ કે અર્ધા પાઇન્ટના ગ્લાસમાં કાઢી આપશે અને પરિવારના ખબરઅંતર પૂછશે. અહીંનો વહેવાર રોકડેથી જ ચાલે. સામાન્ય રીતે પબ ચલાવનાર પતિ-પત્ની હોય છે અને ત્યાં પીરસાતું ભોજન ‘Pub food’ તરીકે ઓળખાય. રાંધનાર સામાન્ય રીતે લૅંડલૉર્ડનાં પત્ની! પબનાં નામ પણ વિચીત્ર: The Goose and the Fox, The Drunk Duck, Battle Axes, Colin Campbell, The Plough વગેરે. પબના મકાનની બહાર મોટું બોર્ડ હોય તેમાં તેના નામ પ્રમાણે ચિત્ર પણ હોય!


Pubમાં રોજ બપોરે તથા સાંજે લોકો જરૂર ભેગા થશે. મુખ્યત્વે બીયર - જેના જુદા જુદા પ્રકાર હોય છે: લાગર (Lager), બિટર (Bitter) અને ગિનીસ (Guinness) સામેલ હોય છે. લોકોનાં આ પ્રિય પીણાં. બ્રૅંડી, વિસ્કી, રમ જેવા ‘હાર્ડ ડ્રિંક્સ કોઇ ભાગ્યેજ પીશે. આ પબ ઇંગ્લીશ મધ્યમ વર્ગ અને કામદાર વર્ગનું સામાજીક મિલનસ્થાન ગણાય. અહીં લોકો dartsની રમત રમે અને તેની હરિફાઇ થાય. વીક એન્ડમાં કૅરીઓકી, સ્થાનિક કલાકારોના વાદ્યસમૂહ (Band)નો કાર્યક્રમ યોજાય.

અન્ય ‘સંસ્થા’ઓ છે સ્થાનિક ચર્ચ, ગ્રોસરી સ્ટોર, પોસ્ટ અૉફિસ અને હા, ન્યૂઝ એજન્ટ. નાનકડા ગામોમાં અને શહેરોનાં પરાંઓમાં ગ્રોસરી સ્ટોરના માલિક પોસ્ટ અૉફિસ ચલાવતા હોય છે. ન્યૂઝ એજન્ટની દુકાનમાં રાષ્ટ્રીય અને સ્થાનિક અખબારો, સામયીકો, તમાકુના ઉત્પાદનો (સિગરેટ, સિગાર વગેરે), ચૉકલેટ્સ અને વિવિધ પ્રકારની ઇંગ્લીશ મિઠાઇઓ, બસના પાસ વેચાય. સ્થાનિક દુકાનોના છેવાડે, ખુણામાં આવેલ દુકાનો તે કૉર્નર શૉપ્સ!  આ પણ ન્યુઝ એજન્ટ જેવી દુકાન હોય છે.


ઇસ્ટ આફ્રિકાથી આવેલા હજારો ભારતીયોએ બ્રિટનના શહેરો અને ગામડાંઓમાં આવેલી આ ન્યૂઝ એજન્ટ તથા કૉર્નર શૉપ્સ ખરીદી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆતમાં મોટા ભાગની દુકાનો પટેલ ભાઇ-બહેનોએ ખરીદી હોવાથી એક મોટો stereotype થઇ ગયો: ન્યુઝ એજન્ટ ભારતીય જ હોય અને તેની અટક પટેલ હોય! શાળામાં અાપણાં બાળકોને અંગ્રેજ બાળકો પૂછે, તારા બાપુજી ન્યુઝ એજન્ટ છે?  

આપણા લોકોએ આ વ્યવસાય શા માટે સ્વીકાર્યો તેની પાછળ પણ એક મોટું કારણ હતું.

વર્ણભેદ!

***

૧૯૭૦-૮૦ના દશકમાં બ્રિટનમાં મંદીનું મોજું ફેલાયું હતું. સરકારે તો જાહેર કર્યું હતું કે નોકરી, મકાનના અૅલોટમેન્ટ તથા શિક્ષણના ક્ષેત્રોમાં કોઇ પણ જાતનો વર્ણભેદ કરવો ગુનાને પાત્ર છે. આ માટે સરકારે કમીશન ફૉર રેશિયલ ઇક્વૉલીટી CREની સ્થાપના કરી. કોઇ પણ બિનગૌર વ્યક્તિને એવું લાગે કે તેના પ્રત્યે ઉપર જણાવેલી બાબતમાં ભેદભાવ થયો છે, તે સીધો CRE પાસે અરજી કરી ન્યાય માગી શકે. મંદીના કારણે નોકરીઓની અછત હતી. આપણા દેશમાં જેમ રોજગાર ખાતાની કચેરી હોય છે, તેવી આખા બ્રિટનમાં Job Centre નામની કચેરીઓ સ્થાપવામાં આવી હતી. રોજગાર વગરના લોકો અહીં જઇને જુએ કે ત્યાં રાખેલા  ‘જોઇએ છે’ના કાર્ડમાં ક્યાં ક્યાં ખાલી જગ્યાઓ છે. પોતાની કેળવણી અને અનુભવને અનુરૂપ  જે ખાલી જગ્યાની જાહેરાતનું કાર્ડ હોય તેનો રેફરેન્સ નંબર લઇ એમ્પ્લૉયમેન્ટ અૉફિસર પાસે જાય. તેઓ કમ્પ્યુટર પરથી વિગતો મેળવી જાહેરાતકર્તાને ફોન કરે અને ઇન્ટરવ્યૂની અૅપોઇન્ટમેન્ટ મેળવી આપે. 


આવી સવલત અને કાયદો હોવા છતાં આપણાં લોકોને નોકરી મળતી નહોતી. એમ્પ્લૉયમેન્ટ અૉફિસર જાહેરાતકર્તાને ફોન કરે અને તે અરજદારનું નામ સાંભળીને યા તો કહેશે, 'જગ્યા ભરાઇ ગઇ છે. તમને જણાવવામાં મોડું થયું છે તે માટે માફ કરશો.' અથવા અાપણને અૅપોઇન્ટમેન્ટ આપશે, અને ત્યાં ગયા પછી કહેશે, You are over-qualified! સરકારી નોકરી વાળા અફસર કહેશે, “Sorry, you do not have the relevant experience.”

આપણા લોકોને કાઉન્સીલ (એટલે મ્યુનીસીપાલિટી)ની માલિકીના મકાનની ફાળવણી બાબતમાં પણ એવાં બહાનાં અપાતા, કે અાપણને મકાન ન મળે. 

આવી હાલતમાં લાચાર થાય તો તે ગુજરાતી શાનો! ગૌરવથી જીવનારી પ્રજાએ તેમાંથી પણ રસ્તો કાઢ્યો. તેમણે ન્યુઝ એજન્ટની દુકાન, ગ્રોસરી સ્ટોર, કૉર્નર શૉપ્સ ખરીદ કરી, self employed - સ્વ-નિર્ભર થયા. સરકારી આવાસ ન મળે તો મકાનો ખરીદી તેમાં રહેવાનું શરૂ કર્યું. તે સમયે ત્રણ બેડરૂમ, હૉલ, કિચન અને બાથરૂમનું સેમી ડીચૅચ્ડ કે ટૅરેસ્ડ હાઉસ ૫૦૦૦થી ૭૦૦૦ માં મળી જતા. આપણી શાખ પણ મજબૂત હોવાથી બૅંક અને બિલ્ડીંગ સોસાયટીઓએ કરજ આપવામાં પાછી પાની ન કરી, આમ સમગ્ર બ્રિટનમાં એક નવો સ્ટીરીઓટાઇપ ઉભો થયો. અત્યાર સુધી આફ્રિકામાં નોકર-ચાકરથી ભરેલા ઘરમાં આરામનું જીવન જીવનાર બહેનોને મોરગેજનાં હપ્તા ભરવા નોકરી કરવી પડી. બહેનોને તે સમયે ફૅક્ટરીઓમાં નોકરી મળી જતી તેથી ભણેલી અને ઉચ્ચ શિક્ષણ પામેલી બહેનોને પણ ત્યાં કામ કરવું પડ્યું. આ જ બહેનોને અૉફિસોમાં કરનારી યુવતિઓ ‘ફૅક્ટરીની માસીઓ’ કહેતી! આનાથી વધુ કરૂણ વક્રોક્તિ કઇ હોઇ શકે? ફૅક્ટરીમાં કામ કરનાર એક ગુજરાતી બહેન સ્વ. જયાબહેન દેસાઇએ એક શક્તિશાળી ઉદ્યોગ સામે વર્ણભેદ સામે લડત ઉપાડીને તેને દેવાળું ફૂંકવા પરજ પાડી હતી તે અૉફિસમાં કામ કરનારી મોટા ભાગની બહેનોને જાણ નહોતી, નથી તેમને જાણવાની કોશીશ કરી. જયાબહેનની વાત આવતા અંકમાં જરૂર કરીશું. અત્યારે તો પ્રવર્તતા stereotype, વર્ણદ્વેષ અને તેનો પ્રતિકાર કરી, નવા દેશમાં સફળ થવા માટે અાપણા લોકોએ દર્શાવેલ પોતાની આંતરીક શક્તિનું વર્ણન કરવાનો પ્રયત્ન કરીશું.

એશિયન એટલે ન્યુઝ એજન્ટ. તેમની દૃષ્ટીએ અાપણે બધા જ ઘણા શ્રીમંત હતા, કારણ કે મોટા ભાગના લોકોએ ઘર વેચાતું લીધું હતું. 

અહીં વાચકોના મનમાં કદાચ પ્રશ્ન ઉભો થાય: બ્રિટનમાં વર્ણભેદના મૂળ શા માટે ઉંડા થયા હતા? 

તેની પાછળ કોઇ ખાસ કારણો હતા?

બ્રિટનની પ્રજા, ખાસ કરીને મધ્યમ વર્ગનાં લોકોમાં એક પ્રકારની જાગૃતિ હતી, ઉદારમતનું વર્ચસ્વ તેમની વિચારસરણીમાં હતું, તેમ છતાં ત્યાં આવી પરિસ્થિતિ શા માટે અને કેવી રીતે ઉદ્ભવી? 


જિપ્સીને આ વિષયમાં અભ્યાસ કરવાની તક મળી અને તેની ચર્ચા તે આવતા અંકમાં કરશે. 

11 comments:

  1. આ શ્રેણી અદ્‍ભુત છે. અભ્યાસુ, આંતરદર્શનથી ભરપૂર અને છતાં એકદમ સરળ અને સહજ.આવી માહિતી આ દૃષ્ટિએ સાંભળી કે જાણી નથી.
    આપે ચિત્ર અંગે સૂચન આપવા જણાવ્યું છે તો કહું કે મેટરની સાથે ચિત્ર આપવાથી એ તરત કનેક્ટ થઈ જાય છે. વાંચતાં વાંચતાં લીન્‍ક ક્લીક કરવી ગમતી નથી, અને લીન્‍ક ક્લીક કરીએ એટલે વાંચવાનું સાતત્ય તૂટે છે.
    આગામી હપ્તાનો ઈંતજાર.

    ReplyDelete
  2. @બિરેનભાઇ, આપના પ્રતિભાવ અને સૂચન અંગે આભાર. આપના સૂચન મુજબ સંબંધીત ચિત્રને મૅટરની સાથે જ મૂકવાનું ચાલુ કર્યું છે.

    ReplyDelete




  3. ખુબ સરસ માહિતી

    જી મે ઇ લ આવે તો તે કહે પાસવર્ડ ખોટો છે !

    વિગતે કોમેંટ લખી હતી પણ પોસ્ટ કરતા અનેક વિધીમા અંટવાઇ ગઈ

    તેથી ફરી લખવાનો કંટાળો આવે

    તમે બીજા બ્લોગની જેમ સરળ બનાવશો નહીં તો ઇ મેઇઅલથી મોકલવી પડશે !

    પ્રજ્ઞાજુ
    પ્રજ્ઞાજુ

    ReplyDelete
  4. કાર્ય પાછળ ના કારણો ને શબ્દ-બદ્ધ કરી શ્રેણી રૂપે અમ સુધી પહોંચાડવા બદલ હૃદયપૂર્વક આભાર ..
    જે રીતે ઇ મૈલ દ્વારા લેખો ને કનેક્ટ કરાય છે તે યોગ્ય છે ..તેમાં ફેરબદલ કરવા ની આવશ્યકતા જણાતી નથી..
    પછી નો અંક વાંચવાની ઉત્સુકતા રહે છે..આભાર

    ReplyDelete
  5. @ક્ષમા યાચના, પ્રજ્ઞાજુ! સેટીંગમાં તો મેં કમેન્ટ પર કોઇ નિયંત્રણ રાખ્યું નથી. પહેલેથી જ કાઢી નાખ્યું હતું. ફરી ચેક કર્યું તો તેમાં જણાવાયું કે કોઇ પણ વાચક વિનાસાયાસ પ્રતિભાવ મોકલી શકે છે, તેથી સમજાતું નથી કે ક્યાં bottleneck આવી. બ્લૉગને વર્ડપ્રેસમાં લઇ જવાનો પ્રયત્ન કરવો પડશે એવું લાગે છે. જો કે મને તેનો જરાય અનુભવ નથી. આવતા અંકમાં જો આવી મુશ્કેલી નડે તો જરૂર વર્ડપ્રેસમાં જઇશ. અાપનો પ્રતિભાવ મારા માટે ઘણો મૌલ્યવાન છે!

    ReplyDelete
  6. આ શ્રેણી ખરેખર અદભૂત છે. ઇંગ્લેન્ડમાં એકાદ વર્ષ રહેવાને લીધે આપે લખેલા ઘણા અવલોકનોનો સાક્ષાત્કાર થયો છે. અને વધુમાં, કેટલીય ન જાણેલી વાતો જાણવા મળી. જેમકે, જયાબેન દેસાઈ વિષે ખબર હતી પણ તેમણે જે વાતાવરણમાં લડતો ઉપાડેલી તે વિષે બહુ ખ્યાલ નહોતો. આખી શ્રેણી વાંચવાની ખરેખર મજા આવી રહી છે. એક-બે પ્રશ્નો પણ થાય છે. પાકિસ્તાની અને ભારતીયોના આંતર-સંબંધો કેવા રહ્યા છે? પાકિસ્તાની મૂળના વેપારીઓ અને ભારતીય મૂળના વેપારીઓના ફરકને બ્રિટીશ ગોરા લોકોએ કેવી રીતે જુવે છે?

    - ઋતુલ

    ReplyDelete
  7. @ ઋતુલભાઇ,
    આપના અવલોકન માટે આભાર. આપના પ્રશ્નો બહુ અગત્યના છે, અને તે વિશેની ચર્ચા જરૂર કરીશ. જયાબેન એક અદ્વિતિય મહિલા હતા અને તેમની લડતની સમગ્ર રાષ્ટ્રના mainstream mediaએ નોંધ લીધી હતી. તેમના વિશે ખાસ લેખ લખવાનો પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  8. ભાઈ, મને તમારી લેખન શૈલી ખુબજ પસંદ છે. વાંચતા વાંચતા વિગતો નું ચિત્ર આખો સામે ઉભું થી જાય છે. ઘેર બેઠા દેશ-વિદેશની વાતો જાણવા મળે છે.

    ReplyDelete
    Replies
    1. પ્રિય ભાઇ,
      આપના સુંદર પ્રતિભાવ માટે આભાર. આશા છે આગામી અંક પણ આપને ગમશે.

      Delete
  9. નમસ્કાર!
    આપનો બ્લોગ ”જિપ્સીની ડાયરી” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

    ReplyDelete
  10. Hello. I found your blog through another family member and I would like to email you a question. Please contact me if you have a moment.

    VK Shah
    V_shah1@hotmail.com

    ReplyDelete