Pages

Friday, August 12, 2011



વેસ્ટ નૉરવૂડની લાયબ્રરીની મુલાકાત લીધા પછી જીપ્સીના મનમાં એક તુમુલ્લ યુદ્ધ લડાયું. એક તરફ કામનું દબાણ અને બીજી તરફ માતૃભાષાના ગુરુત્વાકર્ષણે ખેંચેલું તેનું મન, જે કોઇ પણ હિસાબે તે ટાળી શકે તેમ નહોતો. સાંજે ટ્રેનમાં ઘેર જતી વખતે તેણે લખવાની શરૂઆત કરી, તેનું પહેલું પાનું તેના જ ૩૦મી માર્ચ ૧૯૮૮ના દિવસે લખેલું હતું તે નીચે ઉતાર્યું છે. તેનો શેષ અંશ અહીં ટાઇપ કરીને મૂકાયો છે.



આજનો અનુભવ જુદો જ હતો. ટેમ્સ નદીને પેલે પાર આવેલ ઊપનગર લૅમ્બથ. લૅમ્બથનું નાનું પરૂં વેસ્ટ નૉરવૂડ અને તેમાં આવેલું નાનકડું પુસ્તકાલય - જેમાં વિશ્વની આઠમી અજાયબી સમાન ગુજરાતી ભાષાનાં પુસ્તકો જોઇ મારાં પગલાં થોડા સુસ્ત થયા. ભાવનગરની બાર્ટન લાયબ્રરી, અમદાવાદનું માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય, જા્યાં કલાકોના કલાક ગાળ્યા હતા તેની યાદ આવી ગઇ.તેમ છતાં લંડનની ઉતાવળભરી જીંદગીથી ટેવાયેલો આ જણ હંમેશની જેમ આ સામે ઉભેલા મિત્રથી નજર છુપાવી, ઓળખાણનું સ્મિત આપવાનું તો બાજુએ રહ્યું, પણ પરિચયનો એકરાર કરતું મસ્તક હલાવવાનું પણ છોડીને ભાગવાનો પ્રયત્ન કર્યો. તેથી જ કે કેમ, મારો ડાબો ખભો આ ત્રણ ઘોડાઓમાં સમાયેલા "ગુજરાતી વિભાગ"ને સ્પર્શી ગયો. અને એક ચમત્કાર સમાન આ પાષાણ થયેલા હૃદયનો અહલ્યા-ઉદ્ધાર થયો. સો-દોઢસોથી પણ ઓછા પુસ્તકો પાસે ઉભો રહ્યો અને એવું લાગ્યું કે માતૃવાત્સલ્ય સમા આ પ્રિતીસ્રોતમાં જીપ્સી નહાઇ રહ્યો હતો. પુસ્તકોના શ્વાસોચ્છ્વાસમાં પમરાતી આ મૃદુ સુગંધને આંખો મિંચીને માણતો રહ્યો. જતાં પહેલાં પુસ્તકો સામે એક મીટ માંડી અને એક પુસ્તકે ટહૂકો કરીને મારૂં ધ્યાન ખેંચ્યું. પુસ્તકનું નામ હતું "ગાયે ચલા જા". લેખક શિરીષ કણેકર અને અનુવાદક હતા જયા મહેતા. મોડું થતું હતું તેમ છતાં પુસ્તક લઇ પાછો લાયબ્રેરીયન પાસે ગયો, કાર્ડ કઢાવ્યું અને પુસ્તક લઇ સેન્ટરમાં ગયો.
બસ, ત્યારથી માણસાઇમાં પાછા આવેલા જીપ્સીએ સાહિત્યના ક્ષેત્રમાં પુનર્જીવન પ્રાપ્ત કર્યું. આવળ બાવળના જંગલમાંથી તેણે સંસ્કારજગતમાં પ્રવેશ કર્યો. હવે પછી જીપ્સીની ડાયરીમાં સોશિયલ વર્કના અનુભવોની સાથે તેના નવજીવનના પ્રવાસના સંસ્મરણો વતનને અંજલિ સ્વરૂપે આપવાનો પ્રયત્ન કરશે. આશા છે આપ તેને સ્વીકારશો.

2 comments:

  1. મારૂં ધ્યાન ખેંચ્યું. પુસ્તકનું નામ હતું "ગાયે ચલા જા". લેખક શિરીષ કણેકર અને અનુવાદક હતા જયા મહેતા. મોડું થતું હતું તેમ છતાં પુસ્તક લઇ પાછો લાયબ્રેરીયન પાસે ગયો, કાર્ડ કઢાવ્યું અને પુસ્તક લઇ સેન્ટરમાં ગયો.
    બસ, ત્યારથી માણસાઇમાં પાછા આવેલા જીપ્સીએ સાહિત્યના ક્ષેત્રમાં પુનર્જીવન પ્રાપ્ત કર્યું. આવળ બાવળના જંગલમાંથી તેણે સંસ્કારજગતમાં પ્રવેશ કર્યો. હવે પછી જીપ્સીની ડાયરીમાં સોશિયલ વર્કના અનુભવોની સાથે તેના નવજીવનના પ્રવાસના સંસ્મરણો વતનને અંજલિ સ્વરૂપે આપવાનો પ્રયત્ન કરશે..
    And Narendrabhai, You asked Swikarshone ?
    Yes, Yes,
    Will come to read ..you keep writing !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Happy Raxabandan day ( 13th Aug. 2011)

    ReplyDelete
  2. તમારા માતૃભાષાપ્રેમને સો સલામ.

    આવી જ ભાવના પહેલી વખત કોમ્યુટર પર ગુજરાતી ટાઈપ કરતાં થઈ હતી.

    ReplyDelete