Pages

Monday, August 8, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: અૅડોપ્શન અૅન્ડ ફોસ્ટરીંગ વિભાગ (૨)



જૉન તથા નિકોલા સ્મિથ લંડનના વૉલ્થમસ્ટો વિસ્તારમાં રહેતા હતા. તેમને સંતાન નહોતું થતું તેથી તેમણે બાળકને ખોળે લેવા માટે અરજી કરી હતી. તેમની સ્પષ્ટ માગણી હતી કે તેમને કેવળ શ્વેત બાળક જ જોઇએ. વર્ણભેદ વિશે તેમના વિચાર થોડા ઉગ્ર હતા. દોઢેક વર્ષ પહેલાં આ કાઉન્સીલની બિસ્માર હાલતમાં પડેલી હાઉસીંગ એસ્ટેટના કચરાના ડબ્બા પાસે એક નવજાત બાળકી મળી આવી. ગૌર વર્ણની આ સુંદર કન્યા સ્મિથ દંપતિને અૉફર કરવામાં આવી અને તેમણે તે સ્વીકારી. નાતાલના દિવસોમાં દેવદૂતે આ બાળકી આપી હતી તેવું માની તેમણે તેનું નામ અૅંજેલા રાખ્યું. અૅંજેલાને ભાઇ કે બહેનનો સથવારો અને સ્નેહ મળે તે માટે તેમણે બીજા બાળકને દત્તક લેવાનો વિચાર કર્યો અને તે માટે અરજી કરી. તેમનું અૅસેસમેન્ટ કરવાની જવાબદારી જીપ્સીને મળી.

પહેલી વાર તેમને મળ્યો ત્યારે બે વાતો તરત જણાઇ આવી. જૉન ઉદ્દામવાદી હતો અને તેનો ગોરા બાળક માટેના આગ્રહ પરથી તેના વિચારો જણાઇ આવ્યા. બીજી વાત: બન્નેને તેમની પુત્રી અતિ વહાલી હતી અને તેના પર અત્યંત પ્રેમ વરસાવતા હતા. જ્યારે નિકોલા અૅંજીને બેઠકમાં લઇ આવી, જીપ્સી તેને જોઇ હેરત પામી ગયો. અૅંજીની કાળી ભમ્મર અંાખો, નાક તથા વર્ણ જોતાં જ જણાઇ આવ્યું કે આ બાળકી મિશ્ર વર્ણની હતી. જો કે બાહ્ય દેખાવને પુરાવો માની શકાય નહિ, તેમ છતાં આ એક મુદ્દો ધ્યાનમાં લેવા જેવો હતો. અહીં બે વાતો ધ્યાનમાં લેવા જેવી લાગી. એક તો સ્મિથ દંપતિનો તેમના બીજા બાળક માટેનો આગ્રહ કેવળ શ્વેત બાળકનો હતો. બીજી વાત અૅંજીને લગતી હતી. જેમ જેમ તે મોટી થતી જાય અને તેના મિશ્ર વર્ણના અને તેમાં પણ આફ્રિકન features પ્રમુખપણે દેખાવા લાગે તો આ પરિવાર તેને કેવી રીતે સ્વીકારી શકશે? ખાસ કરીને તેમને મળનારૂં બીજું બાળક નીલી આંખ અને સોનેરી વાળનું હોય તો આ બાળકો વચ્ચે તેમજ માતાપિતાના વર્તનમાં કોઇ ભેદભાવ આવે તો અૅંજી પર શી વિતે?
અમારી કૉલેજમાં પ્રથા હતી કે પ્લેસમેન્ટ પૂરૂં થયા બાદ દરેક વિદ્યાર્થી તેના કામનું વર્ગમાં પ્રેઝન્ટેશન કરે. જીપ્સીના વર્ગમાં દિપાલીકા સેનગુપ્ત નામના એક બંગાળી બહેન હતા. દિપાલીએ ન્યૂહામ બરોમાં અૅડોપ્શન વિભાગમાં ઇન્ટર્નશિપ કરી હતી. ત્યાં તેને જે કેસ મળ્યા હતા તેમાંનો એક તેણે વર્ગમાં પ્રસ્તુત કર્યો જે અત્યંત ચોંકાવનારો હતો.
એક ભારતીય માણસે અંગ્રેજ સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. બે વર્ષ બાદ તેમને બાળકી આવી. નામ રાખ્યું કૅમીલા. તે એક વર્ષની થઇ અને તેના માતાપિતાનો લગ્નવિચ્છેદ થયો. બહેન કૅમીલા લઇને જતા રહ્યા. કૅમીલા ત્રણ-ચાર વર્ષની થઇ અને તેની માતાએ તેને ત્યાગી. કાઉન્સીલે તેને અૅડોપ્શન માટે આપવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઇ લેવા તૈયાર નહોતું. અંતે તેને પાલક માતા-પિતા પાસે મૂકવામાં આવી.
કૅમીલા બાર વર્ષની થતાં સુધીમાં ચાર પાલક-ગૃહમાં રહી આવી. કોઇ પણ પ્લેસમેન્ટ ટક્યું નહિ. તેના ઘણા features અંગ્રેજ હતા: ભુરી આંખો, લગભગ સોનેરી વાળ, પણ અંગનો રંગ બહુતાંશે ભારતીય. સોશિયલ સર્વિસીઝને હંમેશા પ્રશ્ન રહ્યો કે તેને ભારતીય પરિવારમાં કે અંગ્રેજ કુટુમ્બમાં મૂકવી. કૅમીલા પોતાને અંગ્રેજ ગણતી હતી તેથી તેને ભારતીય પરિવારમાં રહેવું નહોતું. અંગ્રેજ પરિવાર તેને ‘પૅકી‘ માનતા હતા તેથી મોટા ભાગના પરિવારોમાં તે હડધૂત થતી હતી. વેસ્ટ ઇન્ડીયન પરિવારમાં જવા તે બિલકુલ તૈયાર નહોતી.
દિપાલીને તેનો કેસ મળ્યો ત્યારે તેનું ચોથું પ્લેસમેન્ટ પડી ભાંગતું હતું. તેણે તેની તથા તેના પાલક પરિવારની મુલાકાત લીધી ત્યારે તેણે જે જોયું તે અત્યંત ગ્લાનિ ભર્યું હતુ. તેના પાલક માતાપિતાનાં બાળકો તેને ‘કૅમિલા‘ કહી બોલાવતા જ નહોતા. ‘Hey you’ સામાન્ય નામ. અંદરોઅંદર વાત કરે તો તેને ‘Paki’ કહીને ઉલ્લેખ કરતા. કાઉન્સીલ આ પરિવારને અઠવાડીયાના લગભગ બસો પાઉન્ડ આપતી હતી, કારણ કે કૅમિલાને ‘hard to place’ ગણી તેના માટે ખાસ વધારો કર્યો હતો. દિપાલીએ કૅમીલા માટે તેના વર્ણ વિશેના સંદિગ્ધ વિચારોનું નિરસન કરવા નિષ્ણાતો દ્વારા ખાસ કાઉન્સેલીંગ મળે તથા યોગ્ય પરિવાર મળે ત્યાં સુધી ચિલ્ડ્રન્સ હોમમાં રાખવામાં આવે તેવી શિફારસ કરી હતી. જો કે ત્યાં સુધીમાં કૅમીલાના માનસ પર ઘણી ઘેરી અસર થઇ હતી.
આ કેસ ધ્યાનમાં રાખી જીપ્સીએ વિચાર કર્યો કે ન કરે નારાયણ અને અૅંજીના શારીરિક ફીચર્સમાં ભારે પરિવર્તન આવે, અને ખોળે લીધેલ નવું બાળક...

જીપ્સીએ બાકીની કાર્યવાહી પૂરી કરી. રેફરન્સ આપનારાઓનાં ઇન્ટરવ્યૂ લીધા, આવક, પોલિસ રિપોર્ટ બધું ચકાસ્યું. તેમની પાંચ વાર મુલાકાત લીધી હતી તેમાં એક વાત સ્પષ્ટ હતી: પતિ-પત્ની અત્યંત પ્રેમાળ હતા. બાળકો વચ્ચે ભેદભાવ કરે તેની શક્યતા નહિવત્ હતી. આમ આ પરિવાર બીજા બાળકને દત્તક લેવાની બાબતમાં બધી રીતે યોગ્ય હતો, પરંતુ સોશિયલ સર્વિસીઝ માટે એક સિદ્ધાંત સર્વોપરી હોય છે: બાળકોનું હિત. આ પરિવારના બાળકોની વચ્ચે, તેમનો તેમના માતાપિતા સાથે તથા માતાપિતાનો બાળકો પ્રત્યે સંબંધ પ્રેમાળ તથા ભેદભાવ વિરહીત હોય.
છેલ્લા રિપોર્ટમાં જીપ્સી આ વાત જણાવી.
પૅનલે બધી વાતો માન્ય કરી. જો કે તેમણે તેમના તરફથી એક વધારાની શરત મૂકી.
મિસ્ટર અને મિસેસ સ્મિથને વર્ણભેદને લગતી સમસ્યાઓ વિશે પૂરી જાગરૂકતા લાવવા તથા સર્વવર્ણ સહિષ્ણુતા વિશે કાઉન્સેલીંગ કરવામાં આવે. જ્યારે સોશિયલ સર્વિસીઝને તે વિશે ખાતરી થાય ત્યારે તેમની બીજા બાળકને દત્તક લેવાની વિનંતિ પર વિચાર કરવામાં આવે.
જૉન સ્મિથ અત્યંત ગુસ્સે થયો. તેણે પૅનલ આગળ પોતાનો વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે વર્ણભેદ વિશે કાઉન્સેલીંગની કોઇને જરૂરિયાત હોય તો તે જીપ્સીને હતી. તેણે સ્મિથ પરિવારનો કેવળ વર્ણ જોયો હતો, તેમનો અૅંજી પ્રત્યેનો સ્નેહ નહિ. જે બાળકીને તેમણે તેના જન્મથી ઉછેરી હતી, તેના માટે રાત રાતના ઉજાગરા કર્યા હતા, તેની નાનામાં નાની જરૂરિયાતો પર અસાધારણ ધ્યાન આપ્યું હતું, તે આ સોશિયલ વર્કર કેમ ન જોઇ શક્યો? જૉન તથા નિકોલાના પરિવારોએ અૅંજીને તેમની પૌત્રી, ભાણી, ભત્રીજી તરીકે સ્વીકારી હતી, તેનું આ એસેસમેન્ટમાં કોઇ મૂલ્ય નહોતું?
આ બાબતમાં જૉનની વાત ન્યાયપૂર્ણ લાગે છે? જીપ્સીએ જે રિપોર્ટ આપ્યો હતો તે યોગ્ય હતો?
જીપ્સીને તે સમયે જવાબ ન મળ્યો, કારણ કે તેનું અૅડોપ્શન વિભાગનું પ્લેસમેન્ટ પૂરૂં થયું હતું અને ફોસ્ટરીંગનું શરૂ. જૉન સ્મિથની છેલ્લી પૅનલ મિટીંગની વાત ફરી ક્યારેક, પણ ત્યાં સુધીમાં આપનો મત જણાવશો તો જીપ્સી ઋણી થશે.

2 comments:

  1. I agree with Gypsy's decision. Love is like flow of water thru' road of rocks. It can change over the time due to some changes in circumstances. Even if John loved Angela very much, it could change over period of time.

    ReplyDelete
  2. જીપ્સીએ બાકીની કાર્યવાહી પૂરી કરી. રેફરન્સ આપનારાઓનાં ઇન્ટરવ્યૂ લીધા, આવક, પોલિસ રિપોર્ટ બધું ચકાસ્યું. તેમની પાંચ વાર મુલાકાત લીધી હતી તેમાં એક વાત સ્પષ્ટ હતી: પતિ-પત્ની અત્યંત પ્રેમાળ હતા. બાળકો વચ્ચે ભેદભાવ કરે તેની શક્યતા નહિવત્ હતી. આમ આ પરિવાર બીજા બાળકને દત્તક લેવાની બાબતમાં બધી રીતે યોગ્ય હતો, પરંતુ સોશિયલ સર્વિસીઝ માટે એક સિદ્ધાંત સર્વોપરી હોય છે: બાળકોનું હિત. આ પરિવારના બાળકોની વચ્ચે, તેમનો તેમના માતાપિતા સાથે તથા માતાપિતાનો બાળકો પ્રત્યે સંબંધ પ્રેમાળ તથા ભેદભાવ વિરહીત હોય.
    છેલ્લા રિપોર્ટમાં જીપ્સી આ વાત જણાવી.
    પૅનલે બધી વાતો માન્ય કરી. જો કે તેમણે તેમના તરફથી એક વધારાની શરત મૂકી.
    મિસ્ટર અને મિસેસ સ્મિથને વર્ણભેદને લગતી સમસ્યાઓ વિશે પૂરી જાગરૂકતા લાવવા તથા સર્વવર્ણ સહિષ્ણુતા વિશે કાઉન્સેલીંગ કરવામાં આવે..
    Agree with Gypsy's assessment of the situation.
    Let us see what had happened afterwards !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Nice Post !

    ReplyDelete