Pages

Wednesday, July 27, 2011

સોશિયલ વર્કરની ડાયરીમાંથી: મહારાણીની મુલાકાતે!

કેસવર્ક, સર્જરી તથા ‘કિરણ’ ટૉકીંગ ન્યુઝપેપરનું કામ ધમદોકાર ચાલતું હતું તેવામાં બે યાદગાર પ્રસંગો થઇ ગયા. બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ ધ સેકન્ડ દર વર્ષે ઉનાળામાં તેમના મહેલના ઉદ્યાનમાં ટી પાર્ટી યોજે. તેમાં તેઓ બ્રિટનના સમાજસેવાના ક્ષેત્રમાં કે કોઇ સખાવતી સંસ્થામાં નોંધપાત્ર કામ કર્યું હોય તેવી વ્યક્તીઓને ભાગ લેવા આમંત્રણ મોકલે. એક દિવસને જીપ્સીને મહારાણીના અંગત સચિવ લૉર્ડ ચૅમ્બરલેનની અૉફિસમાંથી ફોન આવ્યો. આ વર્ષે યોજાનારી પાર્ટીમાં આમંત્રણ આપવા માટે સરકાર તરફથી જેમનાં નામ સૂચવવામાં આવ્યા હતા, તેમાં તમારૂં નામ છે અને મહારાણીએ તેને મંજુરી આપી છે. તમારી સાથે તમારાં પત્નિ તથા અવિવાહિત પુત્રીને તમે લાવી શકો છો, તો તેમનાં નામ આપશો?”
આ એક વિસ્મયકારક વાત હતી. આ ભલામણ કોણે અને ક્યારે કરી તેનો તેને જરાય ખ્યાલ નહોતો. ઊંડો વિચાર કરતાં તેને યાદ આવ્યું કે તેણે "કિરણ" માટે સરકારી અનુદાન મેળવવા અરજી કરી હતી અને તેની વિચારણા કરવા આવેલા એક ઉચ્ચ સરકારી અફસર આગળ સ્ટુડીયોમાં જ presentation કર્યું હતું. "કિરણ"ના કાર્યની સઘન તપાસને અંતે તેમને જાણવા મળ્યું કે ભારતીય ભાષામાં “કિરણ” ટૉકીંગ ન્યુઝપેપર દ્વારા બ્રિટનમાં વસતા ભારતીય ઉપખંડના અંધ નાગરિકો માટે આ અભિગમ બ્રિટનમાં પહેલી જ વાર કોઇએ શરૂ કર્યો હતો. “કિરણ”ની કૅસેટ આખા દેશમાં વહેંચાતી હતી. તેમના પર અમારા નમ્ર પ્રયાસની આટલી ઘેરી અસર થશે એનો જીપ્સીને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો.
અત્યાર સુધી બકીંગહમ મહેલને અમે દૂરથી જોયો હતો. તે દિવસે જીપ્સી, અનુરાધા તથા તેમની પુત્રી કાશ્મીરા રાજમહેલની મખમલી હરિયાળી પર યોજાયેલા સમારંભમાં જઇ આવ્યા. ક્રાઉન ડાર્બીની નાજુક બોનચાઇનાની ક્રૉકરીમાં ચ્હા, ક્યુકમ્બર સૅન્ડવીચીઝ, ચાંદીની કટલરીથી સજ્જ દસ્તરખ્વાન, અને દેશભરથી આવેલા મહેમાનોથી ભરચક સમારંભ એક અનન્ય અનુભવ હતો. આટલા બધા લોકોમાંથી મહારાણીને કેવળ ત્રણ કે ચાર મહેમાનોની મુલાકાત કરાવાય. અમારો નંબર તેમાં નહોતો!! જો કે આખા સમુદાયમાં કાશ્મીરા (તે વખતે ૧૯ વર્ષની હતી!) સાવ જુદી તરી આવતી હતી તેથી કે કેમ, મહાનુભાવોના જુથમાંથી એક ઘેરા જામ્બૂડા રંગના પાદરીના પોશાકમાં સજ્જ સદ્ગૃહસ્થ તેની પાસે આવ્યા. “Come with me young lady. I’ll introduce you to some nice people!” આ વેસ્ટમિન્સ્ટરના બિશપ હતા.
તેમણે કેટલાક એવા લોકો સાથે તેની મુલાકાત કરાવી જેમના ફોટા અમે છાપાંઓમાં જોતા હતા. તેવામાં એક જાડા, વૃદ્ધાવસ્થાને આરે આવેલા ભવ્ય વ્યક્તિત્વવાળા ગૃહસ્થે બિશપને બોલાવ્યા. બન્ને જુના મિત્રો હતા. બિશપ તેમને "Teddy" નામથી સંબોધતા હતા. તેમણે કાશ્મીરાની 'ટેડી' સાથે ઓળખાણ કરાવી.
"Meet my old friend. We were at Eton and Oxford together."
“How do you do, Teddy? I... mean.. Sir?” કાશ્મીરાએ તેમની સાથ હાથ મિલાવ્યો.
બિશપે કહ્યું, “ યુ નો, કાશ્મીરા, ટેડી થોડા વર્ષો અગાઉ આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા! તું તેમને સર એડવર્ડ હીથના નામે જાણતી હઇશ, ખરૂં ને?”
કાશ્મીરા લજ્જાથી લાલ થઇ ગઇ. ઘણી વાર ઉંધું બફાઇ જતું હોય છે તેનો આથી વધુ ઉત્તમ નમૂનો કયો હોઇ શકે?
બકીંગહામ પૅલેસની મુલાકાત જીપ્સી તથા તેના પરિવાર માટે અવિસ્મરણીય અનુભવ હતો.

*

બીજા બનાવે જીપ્સીની કારકિર્દીમાં આમુલાગ્ર ફેરફાર આણ્યો. તે વર્ષે કાઉન્સીલે અનક્લૉલીફાઇડ સોશિયલ વર્કર્સને બે વર્ષના ફૂલ ટાઇમ કોર્સ પર મોકલવાનું નક્કી કર્યું. આના માટે ત્રીસ ઉમેદવારોમાંથી છ જણા પસંદ કરવામાં આવ્યા. જીપ્સીનો તેમાં નંબર આવ્યો. બે વર્ષ પૂરા પગારે આ ટ્રેનીંગ હતી. તેણે ચાર કૉલેજોમાં અરજી કરી, જેમાંથી લંડનની સાઉથ બૅંક યુનિવર્સીટીએ તેને શરતી અૅડમીશન આપ્યું. આ પોસ્ટ ગ્રૅજ્યુએટ ડીપ્લોમા કોર્સ હતો અને પ્રશિક્ષણ દરમિયાન ત્રણ જુદી જુદી ઇન્ટર્નશીપ કરી તેમાં ઉત્તિર્ણ થવાના અંતે સોશિયલ વર્કર માટે જરૂરી CQSW (સર્ટીફીકેટ અૉફ ક્વૉલીફીકેશન ઇન સોશિયલ વર્ક) મળે. અૅડમીશન માટે શરત હતી અંગ્રેજીમાં રિપોર્ટ લખવાની આવડત.
એશિયન સ્પેશીયાલિસ્ટ સોશિયલ વર્કર (અનક્વૉલીફાઇડ)ની કારકિર્દી દરમિયાન જીપ્સીએ બે વધારાનાં કામ કર્યા હતા. એક તો તેની અૉફિસમાં કામે લગાડવામાં આવતા દરેક સોશિયલ વર્કરે તેના induction દરમિયાન એક દિવસ જીપ્સી સાથે ગાળવો પડતો. દિવસ દરમિયાન તેને ભારતીય ઉપખંડની સંસ્કૃતી, તે દેશોમાંથી બ્રિટનમાં આવેલા પ્રાંતિય સમૂહ, તેમની ખાસિયતો વગેરેની સમજુતિ આપવા ઉપરાંત તેના કેસલોડમાંના એક ક્લાયન્ટની મુલાકાતે લઇ જવાનું રહેતું. જે વાત તેને વારંવાર સમજાવવતી પડતી તે તેણે પંદર પાનાંની પુસ્તિકામાં લખી. તેમાં મુખ્ય ભાગ હતા દરેક દેશની ભૌગોલીક અને ઐતિહાસીક રૂપરેખા, ત્યાં બોલાતી ભાષાઓ, ધર્મ અને લોકોની ખાસિયતોનું વર્ણન હતું. બીજું કામ તેણે તેના વિસ્તારમાં રહેતી એશિયન પ્રજાને સોશિયલ સર્વિસીઝની સેવાઓ વિશે કેટલી માહિતી હતી, અને જો તે ન હોય તો તેની તેમને કેવી રીતે જાણ કરવી તે વિશે એક sample survey કર્યો હતો. આનો રિપોર્ટ તેણે સોશિયલ સર્વિસીઝના ડાયરેક્ટરને આપ્યો હતો. આ બન્ને દસ્તાવેજ જીપ્સીએ એપ્લાઇડ સોશિયલ સાયન્સીઝની ડાયરેક્ટરને આપ્યો. તેને અૅડમીશન મળી ગયું.
બ્રિટનની જાણીતી યુનિવર્સીટીમાં અભ્યાસ કરવાનો આ એક નવો અનુભવ હતો. આની વિગતવાર વાત આગળ જતાં કહેવાનો પ્રયત્ન જીપ્સી કરશે.

4 comments:

  1. રાણીને મળી આવ્યાના પેંડા ખવડાવવા પડશે. ચાલો, જવા દીધા. એની ખુશાલીમાં જાતે જ આઈસક્રીમ ખાઈ લઈશ!

    જોક્સ એપાર્ટ ..આગોતરા - સોરી ભૂલ્યો .. મોડા મોડા અભિનંદન

    ટેડી બેર સિવાય પી.એમ. પણ હોય!!

    ReplyDelete
  2. ગયા. બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ ધ સેકન્ડ દર વર્ષે ઉનાળામાં તેમના મહેલના ઉદ્યાનમાં ટી પાર્ટી યોજે. તેમાં તેઓ બ્રિટનના સમાજસેવાના ક્ષેત્રમાં કે કોઇ સખાવતી સંસ્થામાં નોંધપાત્ર કામ કર્યું હોય તેવી વ્યક્તીઓને ભાગ લેવા આમંત્રણ મોકલે. એક દિવસને જીપ્સીને મહારાણીના અંગત સચિવ લૉર્ડ ચૅમ્બરલેનની અૉફિસમાંથી ફોન આવ્યો. આ વર્ષે યોજાનારી પાર્ટીમાં આમંત્રણ આપવા માટે સરકાર તરફથી જેમનાં નામ સૂચવવામાં આવ્યા હતા, તેમાં તમારૂં નામ છે અને મહારાણીએ તેને મંજુરી આપી છે. તમારી સાથે તમારાં પત્નિ તથા અવિવાહિત પુત્રીને તમે લાવી શકો છો, તો તેમનાં નામ આપશો?”
    Nice to know of this Invitation !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Avjo Chandrapukar Par !

    ReplyDelete
  3. કાશ્મીરાના જન્મ પહેલાંના પ્રાઈમ મિનીસ્ટરને કાશમીરાએ ઓળખવા જ જોઈએ–એવું કાંઈ નથી. જુવાન મિ. હિથ અને ઘરડા મિ. હિથને હું પણ ન ઓળખી શકું– વીસ વરાસ પછી ટોની બ્લેરને કેટલા ખી શકશે?

    ReplyDelete
  4. જીપ્સી તથા તેના પરિવાર માટે અવિસ્મરણીય અનુભવ ... અભિનંદન!

    ReplyDelete