Pages

Saturday, July 16, 2011

સોશિયલ વર્કરની નોંધપોથીમાંથી: ઝીનત

ઝેબ સાહેબ તેમના કાઉન્સીલના મકાનમાં ખુશ નહોતા. આમ જોવા જઇએ તો સારા વિસ્તારમાં આવેલા વિક્ટોરીયન સ્ટાઇલના મકાનને બે ફ્લૅટ્સમાં કન્વર્ટ કરવામાં આવ્યું હતું, તેમાંનો ગ્રાઉન્ડ ફ્લોર ફ્લૅટ ઝેબને મળ્યો હતો. તેમાં ફાયદો એ હતો કે મકાનનું બૅકયાર્ડ (ગાર્ડન) તેમના કબજામાં હતું અને તેમના કિચનમાંથી તેમાં સીધા જઇ શકાય તેવું હતું. અમેરીકામાં જેને ‘કૅથેડ્રલ સીલીંગ’ કહેવાય છે તેવી ઉંચી સીલીંગને કારણે તેમનો ફ્લૅટ આમ ભવ્ય લાગે. ન ગમવાનું કારણ ફ્લૅટને ગરમ રાખવા માટે ગૅસ અને વિજળીનું બિલ થોડું વધુ આવતું હતું. બીજું કારણ એ હતું કે તેમને સેમી-ડીટૅચ્ડ મકાન જોઇતું હતું જેની કાઉન્સીલમાં ભારે અછત હતી.
એક દિવસ આ બાબતમાં તેમને મળવા ગયો ત્યારે હૉલમાં એક ખુણામાં રાખેલી હાઇચૅરમાં ઝીનત બેઠી હતી. મિ. તથા મિસેસ ઝેબ સોફા પર તેમના ચાર વર્ષના પુત્ર અશફાક સાથે બેઠા હતા. અશફાક પાસે ‘અૅક્શનમૅન’ નામનું મોંઘું રમકડું હતું. ઝીનત એકલી હતી. જીપ્સી તેની પાસે ગયો અને તેનો હાથ પકડી તેને હૅલો કહ્યું. ઝીનતે મંદ સ્મીત કર્યું.
“ઝીનત કોઇની સાથે interact કરી શકતી નથી. તે એક ખુણામાં ચૂપચાપ બેસી રહેવાનું પસંદ કરે છે. અમારા દિકરાને અમે તેની સાથે રમવા નથી દેતા. શો ફાયદો? તે એટલી હદ સુધી ડિસેબલ્ડ છે, અમે તેને એકલી છોડી દઇએ છીએ. તેની સાથે રહીને અશફાક પણ એવો થઇ જાય તો? થોડી વારે તેને જમવાનું આપી તેને સુવડાવી દઇશું.” તે વખતે સાંજના છ વાગ્યા હતા. આ બાળકીના મનોરંજન માટે કોઇ જાતનું રમકડું કે કોઇ સાધન છે કે નહિ તેની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે ઝીનત બૌદ્ધીક રીતે એટલી પછાત છે કે તેને કશાનું ભાન નથી. હા, સ્પેશીયલ સ્કૂલમાં જવા તે સવારથીજ ચિચિયારી કરે છે. તેને મિસેસ ઝેબ તૈયાર કરે એટલે દરવાજા તરફ મીટ માંડીને બેસી રહે છે. આ જીપ્સી માટે અચરજની વાત હતી. ઘરમાં તે ફર્નીચરની જેમ પડી રહેતી હતી, અને શાળામાં જવા તેની તૈયારી વિશે સાંભળી વિચાર આવ્યો કે ત્યાં એવું શું હતું કે ઝીનત શાળામાં જવા ઉત્સુકતાથી બસની રાહ જોતી હતી?
બીજા દિવસે સવારે તેણે લિઝ પાસેથી સમય લઇ ઝીનત વિશે વાત કરી.
“તમારે ઝીનતની શાળામાં જઇ તેની key worker સાથે વાત કરવી સારી. ત્યાંના કાર્યક્રમમાં communication પર ખાસ ભાર આપવામાં આવે છે. ત્યાં શીખવવામાં આવતી ખાસ સંજ્ઞાઓની ભાષા Makaton દ્વારા બાળકો અને પુખ્ત વયની વ્યક્તિઓ એકબીજા સાથે સંભાષણ કરતા હોય છે. કદાચ ઝીનતને મૅકેટોન આવડતી હોય અને ત્યાં તેના સાથીઓ સાથે તે interact કરતી હોય. શાળામાં જવા માટેની તેની ઉત્સુકતા આનો નિર્દેશ કરતી હોય તે બનવા જોગ છે.”
જીપ્સીએ શાળાને ફોન કર્યો અને કીવર્કરને મળવાની અૅપોઇન્ટમેન્ટ લીધી. જ્યારે તે ત્યાં ગયો બાળકોના ભોજનનો સમય હતો. ઝીનત તેનાથી નાની છોકરી સાથે મૅકેટોનના ઇશારા વડે સંભાષણ કરતી હતી અને તેને ચમચા વડે ખવડાવવાનો પ્રયત્ન કરતી હતી. તેમ કરવામાં થોડું ખાવાનું ઢોળાતું હતું, પણ કીવર્કર તેને ટોકવાને કે મદદ કરવાને બદલે તે ચાલુ રાખવા પ્રોત્સાહન આપી રહ્યા હતા.
“ઝીનત ઘણી પ્રેમાળ છોકરી છે. અમે તેને મૅકેટોનનું જેટલું સંભાષણ શીખવ્યું તેનો સરસ પ્રયોગ કરે છે. વધુ શીખવાની આતુરતા દર્શાવે છે. મુખ્ય વાત તો એ છે કે તે ઘણી ‘પ્રોટેક્ટીવ’ છે. જે બાળકીને તે ખવડાવતી હતી, તેને સંભાળવાનો પ્રયત્ન કરતી હોય છે, અલબત્ તેની પોતાની અસમર્થતા મુજબ જેટલું બની શકે તે કરતી હોય છે.”
જીપ્સીને નવાઇ લાગી. ઘરમાં સાવ શાંત, એક ખુણામાં પડી રહેનારી આ કિશોરી શાળામાં સાવ જુદી જ વ્યક્તિ હતી!
“ઝીનતનાં માતાપિતા અહીં આવે છે?”
“અમને અફસોસ છે કે તેના રિવ્યૂના દિવસ સિવાય તે કદી આવતા નથી. તેની માતાને અમે ખાસ સમજાવ્યું કે ઝીનત સાથે વાર્તાલાપ કરવા માટે તેઓ મૅકેટોન શીખે તો સારૂં. ઝીનત ઘણી lively છોકરી છે. ઘરમાં તેની સાથે વાર્તાલાપ કરનારૂં કોઇ હોય તો તેની ક્વૉલિટી અૉફ લાઇફ થોડી સારી થાય. કમભાગ્યે મિસેસ ઝેબને અંગ્રેજી આવડતું નથી, અને મિસ્ટર ઝેબ પાસે સમય નથી. તમને નવાઇ લાગશે કે અન્ય બાળકોનાં વાલીઓ અમારે ત્યાં મૅકેટોન શીખ્યા છે અને તેમનાં બાળકો ઘેર જાય ત્યારે તેમની સાથે સંજ્ઞાભાષા દ્વારા વાર્તાલાપ કરતા હોય છે.”
પ્રાચિન સમાજશાસ્ત્રીઓએ એક axiom આપ્યું છે: માનવ એક સામાજીક પ્રાણી છે. સમાજમાં રહી તેનાં બંધુ-બાંધવીઓ સાથે હળી મળીને રહેવાનું પસંદ કરે છે અને તે પ્રેમ આપવા અને મેળવવા ઉત્સુક હોય છે. આ સત્ય જેટલું સ્વસ્થ અને નિરોગી લોકોને વ્યાપે છે, તેથી વધુ તે વિકલાંગ, ક્ષતિગ્રસ્ત, મૂક, બધિર સમુદાય માટે આવશ્યક છે. ઝીનત માટે પણ.
જીપ્સીને આ સાંભળી ઘણું દુ:ખ થયું. તેને યાદ આવ્યું કે ભારતમાં તેના ઘરની નજીક એક બહેન રહેતા હતા જેમનો માનસીક અને બૌધ્ધીક વિકાસ અને વય તેમની અસલ ઉમર કરતાં ઘણો ઓછો હતો. વીસ વર્ષની વયે તેઓ છ-સાત વર્ષની બાળકી જેવું વર્તન અને વિચાર કરતા. તેમનાં માતાપિતાનું અવસાન થયું હતું. તેમના મોટા ભાઇ અને ભાભી તેમને ઘણા પ્રેમથી સંભાળતા હતા, પણ આજુબાજુના લોકો તેને ‘ગાંડી’ કહીને ખીજવતા. આ એટલી હદ સુધી વધી ગયું કે તેઓ અમારો લત્તો છોડી દૂર રહેવા ચાલ્યા ગયા. આપણા લોકોમાં સ્કીત્ઝોફ્રેનીયા, મૅનીક ડીપ્રેશન વગેરે જેવી માનસિક બિમારી અને ડાઉન સીન્ડ્રોમ, મેન્ટલી ચૅલેન્જડ્ જેવી સ્થિતિ વચ્ચે કોઇ ફરક હોય છે તેનું જ્ઞાન નહોતું. બધાની ગણત્રી ‘ગાંડા’માં થઇ જતી. મિસ્ટર ઝેબ પોતાની પુત્રી પ્રત્યે આવી ઉપેક્ષા કરતા તે જીપ્સીની સમજ બહારની વાત હતી. તેણે તેમને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો, ઝીનત તેમની દિકરી હતી અને પિતા તરીકે તેમણે તેની જરૂરિયાતો તરફ ધ્યાન આપવું જોઇએ તેવું કહ્યું. અશફાકને તેની સાથે રમવા ઉત્તેજન આપવું બન્ને માટે લાભદાયક થશે. કમભાગ્યે તેને આ બાબતમાં સફળતા ન મળી.
અં્ગ્રેજીમાં કહેવત છે: તમે ઘોડાને પાણી સુધી લઇ જઇ શકો. તેને પાણી પીવા માટે મજબુર ન કરી શકો.
ઝીનતના અલ્પ સમ્પર્કનો જીપ્સી પર મોટો પ્રભાવ પડ્યો. તેણે Mental Illness તથા Learning Disabilityનો અભ્યાસ કર્યો. આપણા સમાજમાં તે વિશે કેટલી જાગરૂકતા છે તે વિશે માહિતી મેળવી, તેના કેસલોડમાં આવતા આપણાં લોકોમાં તેની માહિતીનો પ્રસાર કરી, તેઓ તેમનાં બાળકોને કે પરિવારના સદસ્યોને કેવી રીતે આધાર આપી શકે તે સમજાવવાનો પ્રયત્ન શરૂ કર્યો.
મિસ્ટર ઝેબનો કેસ crisis interventionનો હતો. કામ પૂરું થયું હતું. કેસ ‘ક્લોઝ’ કર્યો.
અને ઝીનત?
સદ્ભાગ્યે તે સમયે વિકલાંગ બાળકોની જરૂરિયાતો પૂરી કરવા માટે ખાસ ટીમની સ્થાપના કરવામાં આવી. અૅન લિવી નામની હસમુખી અને મૅકેટોનમાં પારંગત સોશિયલ વર્કરને ઝીનત સોંપી. સમય સમય પર તેના તરફથી ઝીનતના સમાચાર મળતા રહ્યા. શાળામાં તેની પ્રગતિ સારી થતી હતી એટલું તો જાણવા મળ્યું!

3 comments:

  1. this is very true, people fails to understand such illness n to cooperate with their own kins.touching,

    ReplyDelete
  2. બધાની ગણત્રી ‘ગાંડા’માં થઇ જતી. મિસ્ટર ઝેબ પોતાની પુત્રી પ્રત્યે આવી ઉપેક્ષા કરતા તે જીપ્સીની સમજ બહારની વાત હતી. તેણે તેમને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો, ઝીનત તેમની દિકરી હતી અને પિતા તરીકે તેમણે તેની જરૂરિયાતો તરફ ધ્યાન આપવું જોઇએ તેવું કહ્યું. અશફાકને તેની સાથે રમવા ઉત્તેજન આપવું બન્ને માટે લાભદાયક થશે. કમભાગ્યે તેને આ બાબતમાં સફળતા ન મળી.
    અં્ગ્રેજીમાં કહેવત છે: તમે ઘોડાને પાણી સુધી લઇ જઇ શકો. તેને પાણી પીવા માટે મજબુર ન કરી શકો.
    ઝીનતના અલ્પ સમ્પર્કનો જીપ્સી પર મોટો પ્રભાવ પડ્યો. તેણે Mental Illness તથા Learning Disabilityનો અભ્યાસ કર્યો. આપણા સમાજમાં તે વિશે કેટલી જાગરૂકતા છે તે વિશે માહિતી મેળવી, તેના કેસલોડમાં આવતા આપણાં લોકોમાં તેની માહિતીનો પ્રસાર કરી, તેઓ તેમનાં બાળકોને કે પરિવારના સદસ્યોને કેવી રીતે આધાર આપી શકે તે સમજાવવાનો પ્રયત્ન શરૂ કર્યો.
    ZINAT...an Example of a Child with the Mental Disability.
    Gypsy trying to understand better to help others !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Inviting all to my Blog !

    ReplyDelete
  3. અત્યાર સુધીના કેસોમાં આ કેસ સૌથી વધારે ગમ્યો.

    આ પુસ્તક વાંચવું ગમશે...

    http://sureshbjani.wordpress.com/2011/04/07/agharo_book_review/

    તમને જાણીને આનંદ થશે, કે આ પુસ્તક મને ભેટ આપનાર શ્રી. અતુલ ભટ્ટ મારા સહાધ્યાયી હતા. તેમણે પણ નિવૃત્ત જીવનમાં આવાં બાળકો માટે અમદાવાદમાં બહુ સારું કામ કર્યું છે. ખાસ મળવા જેવા માણસ.

    એમનો પરિચય...
    http://gadyasoor.wordpress.com/2011/03/15/yayavar/

    આપણે ત્યાં દેશમાં આવા માનસિક પ્રશ્નો માટે સમજ ખૂલતી જાય છે; પણ વસ્તીના પ્રમાણમાં સવલત બહુ ઓછી છે.

    ReplyDelete