Pages

Thursday, July 7, 2011

સલાહ કેન્દ્ર: અંતની શરૂઆત

દિવાળીના કાર્યક્રમની સફળતા અમારી ટીમની સર્વશ્રેષ્ઠ સિદ્ધી હતી. કલ્પના, ભારતી, રાધાબેન તથા ઘાનાઇયન બહેન સેલીના બ્રાઉને અથાગ મહેનત કરી. અમારા કેન્દ્રના વડીલ સ્વયંસેવકોએ તો કમાલ કરી. કમભાગ્યે કોઇ ટીમની સફળતામાં શ્રેય ભલે “ટીમ”ને આપવામાં આવે, પણ નામ અને ઇનામ માટે કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું આવે. તેમણે ભલે એકાદ-બે કૅચ છોડ્યા હોય અને બૅટીંગમાં ખાસ દમ ન દેખાડ્યો હોય તોય વાહ વાહ તેમની થાય. સેન્ચુરી લગાવનાર સુરેશ રૈના જેવાનો ઉલ્લેખ એકાદ-બે લીટીમાં થઇ જાય. અમારે ત્યાં પણ કંઇક એવું જ થયું. મહેનત કરનારા અમારી ટીમની બહેનો અને ભાઇઓ, પણ લોકોમાં નામ થયું તેમના સાથીનું. “કૅપ્ટન" જીપ્સીને સહુ ઓળખતા થયા! સોશિયલ સર્વિસીઝ, જનતાને મફત કાનુની સલાહ આપતું અને તેમના કેસ કોર્ટમાં લડવાનું કામ કરનાર કમ્યુનીટી લૉ સેન્ટર, ઇમીગ્રેશન અંગેના કેસ લડનાર સ્વયંસેવક જુથ - એટલું જ નહિ, સ્થાનિક હાઉસીંગ એસોસીએશને તેને તેમના એશીયન ક્લાયન્ટ્સની જરૂરિયાતો માટે સલાહ આપવા વિનંતિ કરી. આમાંનું મુખ્ય હતું હાઉસીંગ એસોસીએશન. તેમણે સિનિયર સિટીઝન્સ માટે ૩૦ યુનિટ્સની શેલ્ટર્ડ હાઉસીંગ સ્કીમ બનાવી હતી, તેમાં આપણા વડીલો માટે કેવી વ્યવસ્થા થવી જોઇએ તે અંગે સલાહ માગી. સૌ પ્રથમ તો જીપ્સીએ તેમાંના પાંચ યુનિટ આપણા વડીલો માટે ફાળવવા વિનંતિ કરી. આ self-contained એક બેડરૂમ, હૉલ કિચન અને બાથરૂમના યુનિટ હતા. આ ફૅસીલિટીમાં કોને સ્થાન મળે તેનુ એસેસમેન્ટ અને ભલામણ કરવાની જવાબદારી અમારા ગ્રૂપને આપવામાં આવી, જે અનન્ય સફળતા ગણાય. આ એવી ફૅસીલીટી હતી, જ્યાં એક રેસીડેન્ટ વૉર્ડન માટે ફ્લૅટ હતો અને તે ચોવીસે કલાક ત્યાં હાજર હોય. ત્યાં રહેનાર લોકોના ફ્લૅટની દરેક રૂમમાં એલાર્મ ચેન હતી, જે ખેંચવાથી વૉર્ડનની અૉફિસ, ફ્લૅટ તથા કૉમનરૂમમાં રાખવામાં આવેલ ઇલેક્ટ્રોનીક બોર્ડમાં લાલ બત્તી થાય અને દર્શાવે કે ક્યા ફ્લૅટમાં એમર્જન્સી છે. અહીં દરરોજ બપોરે જેમણે માગણી કરી હોય તેમને એશિયન કિચનમાંથી ૬૦ પેન્સમાં બપોરનું ભોજન પહોંચાડવામાં આવે. જીપ્સીએ આ કામ એકહત્થુ ન રહે તે માટે મૅનેજમેન્ટ કમિટીના ત્રણ સભ્યોની કમિટી બને એવી રજુઆત કરી. પહેલી કમિટી હજી પણ યાદ છે: શ્રી. કંચનલાલ જોષી, ભાઇલાલભાઇ પટેલ અને દાડમીયા. અરજીઓ તથા તે અંગેના કાર્યનું સંયોજન અમારી ટીમના કો-ઓર્ડીનેટર કલ્પના પટેલ કરે. આ બધા મંડળોની મીટીંગમાં ભાગ લેવા તેમનો આગ્રહ રહેતો કે જીપ્સી જાય. તેનો આપણા એટલે ભારત-પાકિસ્તાનના લોકો સાથે સારો સંપર્ક હતો અને તેમની cultural જરૂરિયાતો પર આધારભૂત માહિતી તથા input આપી શકતો હતો. આથી તેનો અભિપ્રાય તેઓ હંમેશા માગતા. દાડમીયાજીને તે ન ગમ્યું. અમારી કાઉન્સીલમાં સત્તા પર લેબર પાર્ટી હતી. દાડમીયાએ અમારા મંડળના સભ્યોની વોટ-બૅંક બનાવી, તેથી પાર્ટીમાં તેમની ખ્યાતિ હતી. તેમણે આગ્રહ રાખ્યો કે જીપ્સીના સ્થાને તે જશે. જો કે અમુક સંસ્થાઓએ તેમની વિનંતિ ન માની. દાડમીયાએ તેને અંગત માનહાનિ માની અને જીપ્સી કોઇ પણ નવા કાર્યનો પ્રસ્તાવ મૂકે, તેમણે અમાન્ય કરવાનું શરૂ કર્યું. એક તો એવો રમુજી બનાવ થયો કે તેનું નિરાકરણ કરવામાં અમારો દમ નીકળી ગયો.
તે સમયે બ્રિટનમાં બેકારી વધી ગઇ હતી. સરકારે નવા અભિગમ હેઠળ અઠવાાડીયામાં વીસ કલાક વૉલન્ટરી સંસ્થામાં સેવા આપવા માગનાર વ્યક્તિને બેકારી ભત્થામાં અપાતી રકમમાં ૨૫ પાઉન્ડનો વધારો કરી અમારા જેવી સંસ્થાઓમાં કામ કરવા ઉત્તેજન આપ્યું. આની હેઠળ અમને એક ડ્રાઇવર, એક ક્લીનર તથા કિચન આસીસ્ટન્ટ મળ્યા. ક્લીનરનું કામ કરવા સરકારે એક અંગ્રેજ યુવાનને મોકલ્યા. અમે તેમને કામ બતાવતા હતા ત્યાં દાડમીયાએ અમને રોક્યા. “તમે કેવા માણસ છો? આ અંગ્રેજ છે, તેની પાસેથી ટૉઇલેટ સાફ કરવાનું કામ તમે લઇ જ કેમ શકો? આ લોકોએ આપણા પર રાજ કર્યું છે,એની તો શરમ રાખો! આવાં કામ તો કાળીયા (આ તેમનો શબ્દ હતો, જે મેં સુધારવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે ન સુધર્યા!) પાસેથી જ કરાવાય.” પછી પેલા ભાઇને કહે, “સર, યુ ડોન્ટ વર્ક ધીસ ઇન્ડીયન પ્લેસ. થૅંક યૂ અને ગુડ બાય!” આવી અંગ્રેજીમાં અને એવી વાણીમાં તેમણે આ અંગ્રેજને કહ્યું, તે ત્યાંથી નીકળી ગયો.
બીજા દિવસે જૉબ સેન્ટરના પ્રતિનિધિ અમને મળવા આવ્યા. “તમે અંગ્રેજો પ્રત્યે વર્ણભેદ દાખવી, અમે મોકલેલા ઉમેદવારને ક્લીનરની નોકરી ન આપી તે માટે તમારા પર discriminationની કાયદેસર કાર્યવાહી કેમ ન લેવી જોઇએ?” અમે તેમને સમજાવવા મહેનત કરી રહ્યા હતા ત્યાં દાડમીયા આવી પહોંચ્યા. અંગ્રેજને જોઇ તેમણે ધીમૈથી પૂછ્યું શી વાત છે. અમે તેમને પૂરી વાત કરી ત્યારે તેમણે નમ્રાતિનમ્ર અવાજે સરકારી અધિકારીને તેમની અૉફિસમાં આવવાનું કહ્યું. “આઇ અૅમ અૉથોરિટી. આય્ વિલ એક્સપ્લેન.” કહેવાય છે કે આવું જ એક વાક્ય "I am the State!" ફ્રાન્સના રાજા ચૌદમા લુઇએ કહ્યું હતું.
થોડી વારે પેલા ભાઇ ગયા. દાડમીયાએ હસીને કહ્યું, “અરે, વખત આવે ગધેડાને બાપ કે’વો પડે. અમે તેને પગે પડીને માફી માગી લીધી. તમારે હમજવું જોયેં કોની હાથે કેવો વેવાર કરવો પડે. તમને એવું કે ભણ્યાગણ્યા એટલે હંધુય આવડી ગ્યું. ભાઇ, એવું નથી હોતું. આખરે તો ઘલડાં જ ગાડાં હાંકે. હવેથી આવું કાંય હોય તો આ લીલારામની પાંહે આવા લોકોને મોકલી આપજો.”
જીપ્સીને હવે સમજાઇ ગયું કે સંસ્થાની હવે આવી બની છે. દાડમીયાની જોહુકમીથી કંટાળી ઘણા સભ્યો અમને છોડી કાઉન્સીલ દ્વારા ચલાવાતી સંસ્થાઓમાં જવા લાગ્યા. અમારા લંચન ક્લબમાં એક સમયે ૪૫થી ૫૦ લોકો આવતા ત્યાં હવે અર્ધાથી ઓછા આવવા લાગ્યા. એક દિવસ જીપ્સીએ લીલારામને વાત કરી કે સભ્ય સંખ્યા ઓછી થાય છે તે આપણા માટે સારૂં નથી. કાઉન્સીલ આપણને પૈસા આપે છે તેનો આધાર આપણે કેટલા વડીલોને ‘ડે-કૅર’ આપીએ છીએ તેના પર હોય છે.
“જ્યાં સુધી લેબર પાર્ટી સત્તા પર છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. વળી કેટલા લોકો આપડે ત્યાં આવે છે તેની ફંડીંગ સાથે શી લેવા દેવા?”
“કાકા, કાઉન્સીલના ડે સેન્ટરમાં જતી દર વ્યક્તિ દીઠ કાઉન્સીલને રોજનો ખર્ચ ૫૦-૬૦ પાઉન્ડ હોય છે. આપણને જે ફંડીંગ મળે છે, તેના હિસાબે દર વ્યક્તિ દીઠ કાઉન્સીલને ૧૫-૨૦ પાઉન્ડ રોજના થાય. આમ કાઉન્સીલના પૈસા બચે છે.”
“શું ગધેડાને તાવ આવે એવી વાત કરો છો? ખર્ચો તો એટલો જ આવે ને?”
“ના. ત્યાં નિયમ પ્રમાણે હાજરી આપનાર સભ્યોની સંખ્યાના આધારે નિયત કર્મચારીઓ રાખવા પડે. મૅનેજર, આસીસ્ટન્ટ મૅનેજર, નર્સ, ઉપરાંત ડે-કૅર વર્કર્સ. આપણે રાખીએ તેનાથી ચારગણા કર્મચારીઓ ત્યાં કામ કરે જ્યારે આપણે ત્યાં સ્વયંસેવકો હોય છે. તેમના કર્મચારીઓના પગારનું ધોરણ, પેન્શન કૉન્ટ્રીબ્યુશન...”
“ઇ બધું રે'વા દ્યો. તમે તમારૂં કામ કરો. અમે હંધુય સંભાળી લઇશું.”
જીપ્સીએ સંસ્થાના પ્રમુખને વાત કરી. તેમણે કહ્યું, “ આ દાડમીયો કોઇનું ક્યાં માને છે? હું તો અહીં સત્સંગ કરાવવા આવું છું. એ પતે એટલે હું તો છુટો. પછી ગ્રુપનું જે થવાનું હોય તે થાય,” કહી નિરાશાથી માથું હલાવી જતા રહ્યા. ભાઇલાલકાકા તથા કાન્તિકાકા અમારા મંડળના મૂળ સ્થાપક હતા. (વધુ આવતા અંકમાં)

3 comments:

  1. આ દાલમિયા– નમુનો છે.મને અને એમને જરા ય ન બને– તમને ધન્ય છે.

    ReplyDelete
  2. શું ગધેડાને તાવ આવે એવી વાત કરો છો? ખર્ચો તો એટલો જ આવે ને?”
    “ના. ત્યાં નિયમ પ્રમાણે હાજરી આપનાર સભ્યોની સંખ્યાના આધારે નિયત કર્મચારીઓ રાખવા પડે. મૅનેજર, આસીસ્ટન્ટ મૅનેજર, નર્સ, ઉપરાંત ડે-કૅર વર્કર્સ. આપણે રાખીએ તેનાથી ચારગણા કર્મચારીઓ ત્યાં કામ કરે જ્યારે આપણે ત્યાં સ્વયંસેવકો હોય છે. તેમના કર્મચારીઓના પગારનું ધોરણ, પેન્શન કૉન્ટ્રીબ્યુશન...”
    “ઇ બધું રે'વા દ્યો. તમે તમારૂં કામ કરો. અમે હંધુય સંભાળી લઇશું.”
    જીપ્સીએ સંસ્થાના પ્રમુખને વાત કરી. તેમણે કહ્યું, “ આ દાડમીયો કોઇનું ક્યાં માને છે? હું તો અહીં સત્સંગ કરાવવા આવું છું. એ પતે એટલે હું તો છુટો. પછી ગ્રુપનું જે થવાનું હોય તે થાય,” કહી નિરાશાથી માથું હલાવી જતા રહ્યા. ભાઇલાલકાકા તથા કાન્તિકાકા અમારા મંડળના મૂળ સ્થાપક હતા.
    Narenbhai..This is the end of the Post..within it is the Character of DADMIYOBHAI & his ATTITUDE !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    www.chandrapukar.wordpress.com
    Interesting !

    ReplyDelete
  3. હરનિશભાઈ પણ જાની અને આ જિપ્સી પણ જાની.
    આવા માણસો સાથે ગાંઠ સાંઠ બાંધી ન શકવાના કારણે બે વખત પોલિટિકલ ટ્રાન્સફર આ જિપ્સીએ વેઠેલી છે!
    પણ હકિકત છે કે, આવા લોકો જ આગળ વધતા હોય છે. કોઈ ધધુપપૂ આવા સંસ્કાર અને માહોલને અસ્પૃશ્ય ગણાવી સમાજમાંથી રૂખસદ અપાવી શક્યા નથી - એવી એમની વૃત્તિ પણ રહી નથી. કદાચ એમની સંસ્થાઓમાં પણ દાડમીયાઓ જ રાજ કરતા હશે?

    ReplyDelete