Pages

Wednesday, July 6, 2011

જીપ્સીનું સલાહકેન્દ્ર (૨)

સલાહ કેન્દ્ર (૨)

અમારા સલાહ કેન્દ્રમાં એક ભાઇ આવ્યા. કપાળમાં ચાંદલો, માથા પર ગોલ્ફ કૅપ, વૂલન કોટ અને ગળામાં મફલર.
“મેં સપ્લીમેન્ટરી માટે ત્રણ વાર ક્લેમ કર્યો, પણ ત્રણે વાર સરકારે ના પાડી. હવે તમારી પાસે આશા લઇને આવ્યો છું.”
જીપ્સીએ કેસની વિગત અને પત્રવ્યવહાર માગ્યો. સરકારે ના પાડવાનું કારણ એક હતું: ભાઇ સ્વૉન્સી (વેલ્સ)થી આવ્યા હતા. ત્યાં પણ બેનીફીટ પર હતા. અહીં લંડન આવીને તેમણે મકાન વેચાતું લીધું હતું. આના માટે તેમની પાસે પૈસા ક્યાંથી આવ્યા તેની પૃચ્છા કરવામાં આવતાં તેઓ સંતોષકારક જવાબ નહોતા આપી શક્યા. અમે પણ તેમને એ જ કહ્યું. કાયદા પ્રમાણે કોઇની પાસે (તે સમયે) ૩૦૦૦ પાઉન્ડથી વધારે રકમ હોય તેમને બેનીફીટ ન મળે. ભાઇએ મકાન લેવા ડાઉન પેમેન્ટના ૧૫૦૦૦ પાઉન્ડ રોકડા આપ્યા હતા. આ ક્યાંથી આવ્યા એવી પૃચ્છા કરવામાં આવી હતી.
“આ પૈસા અમે અમારા સગાં વહાલાં અને મિત્રો પાસેથી ઉધાર લીધા હતા.”
અમે તેની પૂરી વિગત માગી, કોણે કેટલા પૈસા આપ્યા, તેમનાં નામ તથા સરનામાં માગ્યા, જેથી અમે ડીપાર્ટમેન્ટને તેની વિગત આપી શકીએ. ભાઇ આ વિગત લાવ્યા અને અમે તેમના ક્લેમના સપોર્ટમાં પત્ર મોકલી આપ્યો.
ડીપાર્ટમેન્ટે ખુલાસો મંજુર કર્યો અને ફરીથી ક્લેમ કરવા માટેનાં ફૉર્મ મોકલી આપ્યા. અમે ફૉર્મ ભરવા લાગ્યા. જ્યારે પ્રશ્ન આવ્યો “તમારી પાસે કોઇ પણ જાતની બીજી આવક છે?” તેમણે પહેલાં ના કહી. તેમના જવાબમાં અચકાટ જોઇ જીપ્સીને લાગ્યું ભાઇ કશુંક છુપાવી રહ્યા છે. ભારપૂર્વક પ્રશ્ન પૂછવાથી તેમણે કહ્યું, “આમ તો કશી આવક નથી, પણ અમારા ઘરમાં અમારા ગામથી વિઝા પર આવેલા ચાર ભાઇઓ રહે છે, ઇ બધા દર અઠવાડીયે પચીસ-પચીસ પાઉન્ડ આપે છે. અમે રસીદ-બસીદ નથી આપતા. ગામના છે એટલે અમે બજારભાવ કરતાં સાવ ઓછા પૈસા લઇએ છીએ. એમને પણ ફાયદો અને અમને પણ. હવે જેની રસીદ ન આપીએ તેને આવક થોડી ગણાય?”
“માફ કરશો, પણ આ આવકને કારણે તમને બેનીફીટ ન મળી શકે.”
“તમતમારે ઇમાં ના લખી દ્યો. સરકારને કહી દ્યો અમને કશી આવક નથી.”
“અમારાથી આવા ખોટાં ફૉર્મ ન ભરાય,” કહી અમે તેમને ‘આવજો’ કહ્યું.
બીજા દિવસે આ ભાઇની સાથે તેમનાં દિકરી આવ્યા. વેલ્શ accentમાં ફાંકડું અંગ્રેજી બોલી અમને ધમકાવવા લાગ્યા.”તમે અમને મદદ કરવા બંધાયા છો કારણ કે તમને તમારા પગાર માટે ગ્રાન્ટ મળે છે, તે અમે આપેલા ટૅક્સમાંથી આવે છે. તમે ના પડશો તો અમે કાઉન્સીલમાં ફરિયાદ કરીશું અને તમારી ગ્રાન્ટ બંધ કરાવી દઇશું. તમે નોકરી વગરના થઇ જશો!”
“તમે કાઉન્સીલમાં ફરિયાદ કરી શકો છો. અમે ગેરકાયદેસર કામ ન કરી શકીએ.” હવે ભાઇ વચ્ચે પડ્યા. “અરે, ભાઇ રે’વા દ્યોને! તમારાથી ન થતું હોય તો કંઇ વાંધો નહિ. અમે બીજા ગ્રુપમાં જઇને ત્યાં કરાવી લઇશું. એમના વર્કર અમારા જેવા કેસ માટે સો-બસો પાઉન્ડ લઇને કામ પતાવતા હોય છે. તમે મફત કરો છો તેથી તમારી પાસે આવ્યા. અમને શી ખબર કે તમે રાજા હરીશ્ચંદ્રના અવતાર છો?” કહી તેઓ ચાલ્યા ગયા.
એક મહિના બાદ તેમણે જણાવેલા ગ્રુપમાં જન્માષ્ટમીનું ફંક્શન હતું. તેમના ‘વર્કર’ના આગ્રહથી અમે ત્યાં ગયા ત્યારે જોયું કે અમારા ex-client ભજનમાં જોર જોરથી મંજીરા વગાડતા હતા. ભોજન સમારંભમાં આગ્રહથી સૌને પીરસતા હતા. જીપ્સી પાસે આવ્યા ત્યારે હસીને કહ્યું, “તમે તો ના પાડી, પણ આ પર્વતેશભાઇએ ફૉર્મ ભરીને પાસ પણ કરાવી દીધું. બસો પાઉન્ડ ગયા, પણ છ મહિનાથી અમને અઠવાડીયાના સો પાઉન્ડ મળવા લાગી ગયા છે...”

*
લગભગ આ સમયે ઇમીગ્રેશનના કાયદામાં હળવાશ આવી. સરકારે નૅચરલાઇઝેશનની કાર્યવાહી સરળ કરી, પણ ફી વધારીને દોઢસો પાઉન્ડની કરી. આનાં ફૉર્મ સાદાં હતા, પણ સિટીઝનશીપનો મામલો હોવાથી લોકો સૉલીસીટર પાસે જવા લાગ્યા. ત્યાં તેમની ફી લગભગ અઢીસોથી ત્રણસો પાઉન્ડની હતી. અમે હોમ અૉફીસને પત્ર લખી સો જેટલા ફૉર્મ મંગાવ્યા અને સલાહકેન્દ્રની બહાર મોટું બોર્ડ લગાડ્યું: “અહીં સિટીઝનશીપનાં ફૉર્મ મફત ભરી આપવામાં આવે છે.” શરૂઆતમાં ચાર-પાંચ લોકો આવ્યા. અમે તેમનાં ફૉર્મ ભર્યા અને કહ્યું, સરકારી ફીનો ચેક કે પોસ્ટલ અૉર્ડર આ ફૉર્મ સાથે બીડી, પોસ્ટઅૉફીસમાં જઇ રેકોર્ડેડ ડીલીવરીથી મોકલજો.”
“ભાઇ તમને ચેક આપીએ તો તમે તે ન મોકલી આપો?”
અમારે પૈસાને હાથ લગાડવો નહોતો. અમે ના પાડી. બસ, ચાર દિવસમાં તો અમારે ત્યાં લાઇન લાગી ગઇ. અમે, એટલે કલ્પના પટેલ, ભારતીબેન દવે અને જીપ્સી રોજનાં પંદરથી વીસ ફૉર્મ ભરીએ. અમારા બરોની બહારના લોકો પણ આવવા લાગ્યા. અહીં પૈસા લેવામાં આવતા નથી, તેની જાહેરાત લોકોએ જ કરી! અમે હોમ અૉફિસ પાસેથી વધારે ફૉર્મ મંગાવતા ગયા, અને ભરતા ગયા. ત્રણ મહિનામાં અમે હજારે’ક જેટલાં ફૉર્મ ભરી આપ્યા!
જો કે અમારા સાથી કેન્દ્ર્ના પર્વતેશભાઇ તેમની ‘અંગત’ સર્વિસની સ્પેશલ ફીના દર ફૉર્મ દીઠ અઢીસો પાઉન્ડ લેતા. ત્રણ મહિનામાં તમને સિટીઝનશીપ મેળવી આપવાની ગૅરન્ટી આપતા એવી વાત આવી. દર શુક્રવારે તેઓ અંગત સર્વિસ હેઠળ વીસે’ક જેટલી અરજીઓ લઇ ક્રૉયડનમાં આવેલી હોમ અૉફિસમાં જઇ જાતે ફૉર્મ આપતા. આમ પણ કોઇ અંગત ન જાય તો’ય બેથી ત્રણ મહિનામાં સિટીઝનશીપનાં સર્ટીફીકેટ આવી જતા તેથી તેમની ‘સ્પેશલ સર્વિસ’ કેવળ નામની હતી.
અમારી પાસે એક ભાઇ આવ્યા. “તમે આ સેવા મફત આપો છો એવી જાણ હોત તો અમે પર્વતેશ પાસે ન ગયા હોત. તેમણે મને સ્પેશલ ફીની રસીદ આપી છે. અમે કાઉન્સીલમાં ફરિયાદ કરવા જઇએ છીએ. તમે અમને મદદ ન કરી શકો?”
અમે ના કહી. કારણ સાદું હતું. અમારા NGO ક્ષેત્રમાં આપણા લોકો માટે કામ કરનારી સંસ્થાઓ સાવ ઓછી હતી. તેમાં પણ જો આવી ફરિયાદ જાય તો આપણી આખી કોમ બદનામ થઇ જાય. અમે અમારા ક્ષેત્રના આગેવાન ગણાતા મુશ્તાકભાઇ દ્વારા ગિરીરાજભાઇને સમજાવ્યા. તેમણે ફરિયાદી ભાઇને તેમના પૈસા પાછા આપ્યા અને રસીદ પાછી લીધી. ત્યાર પછી તેમણે રસીદ આપવાનું બંધ કર્યું, પણ સ્પેશલ સર્વિસ ચાલુ જ રહી. સાથે ફી પણ.

બ્રિટન આવેલા આપણામાંના ઘણા લોકો અંગ્રેજોને ગાળો આપતા. ‘અમારા દેશને exploit કરીને તેમણે લૂંટ્યો છે. તેમની પાસેથી આ લૂંટ પાછી મેળવવી આપણૌ હક્ક છે.” પરંતુ આપણાં જ ભાઇબહેનોને લૂંટવાનો અધિકાર તેમને કોણે આપ્યો હતો તે અમને કદી ન સમજાયું.

બીજી વાત અમને ન સમજાઇ તે હતી માન અકરામની. જાહેર સેવાના ક્ષેત્રમાં અખબારોના સંપાદકોથી માંડી ગિરીરાજભાઇ જેવા અનેક લોકોને મહારાણી પાસેથી ઇલ્કાબ લેવાની સ્પર્ધા રહેતી. લોકો પાસેથી સહીઓ એકઠી કરી MBE કે OBE (મેમ્બર અૉફ ધ બ્રિટીશ એમ્પાયર કે અૉર્ડર અૉફ ધ બ્રિટીશ એમ્પાયર) તેમને મળવો જોઇએ તેવી વિનંતિઓ જવા લાગી. સાચી લોકસેવા કરનારા નવનીત ધોળકીયા કે સ્વરાજ પૉલને લૉર્ડની પદવી અપાય તો અમને ઓછામાં ઓછો MBE તો મળવો જોઇએ ને? અમે પણ અઠવાડીયામાં એક વાર સત્સંગ યોજીએ છીએ! અમારી કદર થવી જોઇએ!
એક વાત સાચી કે મહારાણી આ ઇલ્કાબ લોકોએ કરેલી જનસેવાની કદર કરવા માટે આપે છે. મારા પરિચિત શંકર જોષીએ તેમના ખાતામાં ૩૦ વર્ષની નોકરી દરમિયાન કરેલા મહત્વપૂર્ણ કામ (જેમાં તેમણે લાખો પાઉન્ડની કરચોરી પકડવામાં મદદ કરી હતી) તે માટે MBE મળ્યો હતો. જો કે અમારા NGO ક્ષેત્રમાં મોટા ભાગના લોકો તેને status symbol ગણી તેની પાછળ આંધળી દોટ મૂકવા લાગ્યા. તેમને એ પણ યાદ ન રહ્યું કે ભારત સ્વતંત્ર થયા બાદ બધી વસાહતો સ્વતંત્ર થઇ. બ્રિટન પાસે ‘એમ્પાયર’ ન રહ્યું. આ લોકો ક્યા બ્રિટીશ એમ્પાયરના મેમ્બર, અૉર્ડર કે કમાંડર અૉફ બ્રિટીશ એમ્પાયરના માન અકરામની ખ્વાહેશ રાખતા હતા?
જીપ્સી એ અજ્ઞાન સૈનિક છે. આવી બાબતો તેને સમજાતી નથી. રાજકારણ તેનું ક્ષેત્ર નથી તેથી આવા પ્રશ્ન તેણે ન પૂછવા સારા માની પોતાના કામમાં લાગી જાય છે!

5 comments:

  1. nice to read and enjoy..thanks for sharing..

    ReplyDelete
  2. આદરણીય કેપ્ટ. નરેન,
    આપની નિષ્ઠા અને શબ્દબદ્ધ કરવાના પ્રયત્નોને વાંચકો વતી સેલ્યુટ છે..
    નિષ્ઠા અને સત્યના આધારે જીવન વ્યતીત કરવું અને "જીવન જરૂરીઆત નો સહારો કુદરતની વ્યવસ્થા ની જેમ ચોક્કસ મળી રહેશે "
    માટે "નૈતિક મુલ્યો જોડે બાંધ-છોડ ન કરવી" તે વિશ્વાસ સ્પષ્ઠ અને નિહિત છે.
    પણ મુડીવાદી વિચાર ધારા ના લોકો ને આ સમાજ-વાદી વાત નહિ સમજાય. પૈસા ને "સબ-કુછ" માનનારા આવા લોકો હંમેશા "શોર્ટ-કટ" શોધવામાં ગર્વ અનુભવશે,
    અને પોતાની જીત અને તેથી થયેલા ફાયદાના ડંકા જોર-જોર થી વગાડશે,
    એના આધારે માન મેળવવા ના ધમપછાડા દરેક સ્તરે કરશે

    અસ્તુ,
    શૈલેષ મેહતા

    ReplyDelete
  3. કાગડા બધે કાળા; અમને એમ કે ઈન્ગ્લેન્ડમાં ધોળા હશે!

    ReplyDelete
  4. @ નિલમબહેન, શૈલેશભાઇ, સુરેશભાઇ!
    આપના પ્રતિભાવ માટે હાર્દીક આભાર. સુરેશભાઇ, પ્રતિભાવ માટે આભાર!
    કાગડો ધોળો હોય છે - albino - પણ હંસના ટોળામાં વધુ વખત છુપાઇ શકતો નથી! નીર-ક્ષીરનો ન્યાય કરવાનો પ્રસંગ આવે ત્યારે બધું ખુલ્લું થઇ જાય છે. અમારા સંસ્કૃતના ગુરૂજીએ શીખવેલા શ્લોકોમાંનો એક ઘણીવાર યાદ આવે છે:

    काक: कृष्ण पीक: कृष्ण। को भेद पीक काकयो:
    वसंतसमये प्राप्ते, काक: काक, पीक: पीक।

    કાગડો અને કોયલ બન્ને કાળા હોય છે. તેમની વચ્ચેનો ફેર વસંત ઋતુમાં તરત જણાશે કોણ કાગડો છે અને કોણ કોયલ!

    ઇંગ્લંડના ધોળા કાગડાની વાત પણ કો'ક દિવસ રજુ કરવાનો પ્રયત્ન કરીશ!

    ReplyDelete
  5. બ્રિટન આવેલા આપણામાંના ઘણા લોકો અંગ્રેજોને ગાળો આપતા. ‘અમારા દેશને exploit કરીને તેમણે લૂંટ્યો છે. તેમની પાસેથી આ લૂંટ પાછી મેળવવી આપણૌ હક્ક છે.” પરંતુ આપણાં જ ભાઇબહેનોને લૂંટવાનો અધિકાર તેમને કોણે આપ્યો હતો તે અમને કદી ન સમજાયું.
    The post talks of your Path for the TRUTH.
    I salute you !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    www.chandrapukar.wordpress.com
    See you all on Chandrapukar !

    ReplyDelete